અત્યારે ચાલી રહેલા કપરાં સમયમાં સમગ્ર વિશ્વ્ માટે સુંદર આરાધના લઈને આવ્યા છે માધ્વી મહેતા અને અસીમ મહેતા….
એટલી સુંદર સરસ્વતિ વંદના છે કે બસ સાંભળ્યા જ કરીએ…તમે પણ માણો…
સ્વર:માધ્વી મહેતા ,અસીમ મહેતા
.
એમની યુટ્યુબ ચેનલ ઉપર એમણે મુકેલ વિડિઓ
હિન્દીમાં
માં,સરસ્વતિ
સૂરમાં શક્તિ વહાવ તું ,માં સરસ્વતિ
સૂરથી આરાધના, સૂરથી ભક્તિ
માં તુજને મારી છે વિનંતી
તમે કદાચિત ભૂલી ગયા છો, કદી આપણે કાગળ ઉપર,
ચિતર્યું’તું જળ ખળખળ વહેતું, ને તરતી મૂકી’તી હોડી;
સ્થિર ઊભેલી તે હોડીને તરતી કરવા, સરસર સરવા,
ઝરમર ઝરમર સાદ લઈને મારે તમને મળવું છે.
ફૂલ ઝરંતો હાથ લઈને, ઝાકળ જેવી જાત લઈને,
સૂરજની એક વાત લઈને મારે તમને મળવું છે !
સાંજ ઢળ્યા-ની ‘હાશ’ લઈને, ઝલમલતો અજવાસ લઈને,
કોરાં સપના સાત લઈને મારે તમને મળવું છે.
ખોજ તમારી કરતાં કરતાં થાક્યો છું હું, પાક્યો છું હું,
પગમાંથી પગલું થઈ જઈને વિખરાયો કે વ્યાપ્યો છું હું;
જ્યાં અટવાયો જ્યાં રઘવાયો, તે સઘળા મારગ ને
મારગનો એ સઘળો થાક લઈને મારે તમને મળવું છે.
ક્યારેક તો ‘હું’ને છોડી દો, ભીતરની ભીંતો તોડી દો,
બંધ કમાડ જરા ખોલી દો, એકવાર તો ‘હા’ બોલી દો;
‘હા’ બોલો તો હાથમાં થોડા ચાંદલીયા ને તારલીયાની
ઝગમગતી સોગાત લઈને મારે તમને મળવું છે.
– રિષભ મહેતા
વસંતનું સુંદર અછાન્દસ!
હમણાં જ કવિયત્રી જયશ્રી વિનુ મરચંટે એમના અવાજમાં પઠન કરીને માહિતી સાથે મોકલી આપ્યું.
તમે પણ માણો ….
વસંતનું આ કાવ્ય ૧૯૭૬માં “દૂરદર્શન”ની વસંતની કવિતાની હરિફાઈમાં ત્રીજું ઈનામ પામ્યું હતું. જજ હતા વિદુષી હીરાબેન પાઠક. ઈનામ મળ્યું એનો આનંદ ખરો પણ હીરાબેનના આશિષ લેવાનો મોકો મળ્યો એનો આનંદ અનેરો હતો. હું ત્યારે ૨૭ વર્ષની હતી, મારા જીવનની ત્યારે વસંત હતી.
વસંત!
પઠન:જયશ્રી વિનુ મરચંટ
.
વસંત….
વસંત ફૂલ હોય છે,
ફૂલ છે વસંતના ભીના ચહેરાની કુમાશ..!
વસંત પાળે છે સપના, કોઈ પાંડુની હ્યદય વ્યથામાં..!
વસંત ઉજવે છે ઉત્સવ, યમુનાતટે, મધરાતે, પંચમની સુરસુધામાં
તરબતર થયેલ ગોપીસંગે, છટાથી ડોલતા
કૃષ્ણની રાસલીલાની મસ્તીમાં….!
વસંત હિમાલયના બરફમાં સંતાકુકડી રમતી ફર્યા કરે છે, ને પછી,,
રમતાં, રમતાં થાકી જાય છે ત્યારે,
ચક્રવાક મિથુનને શોધતી શોધતી,
ગગનચુંબી શૃંગો પરથી, હસતી, ખેલતી, દડબડતી, દડબડતી,
નીચે ઉતરી આવે છે, પ્રણયીની આંખોના વનમાં…!
ને, આ વનમાં, અહીંના દ્રુમોમાં, સૂરજ સંગે તડકે છાંયે રમીને થાકે છે ત્યારે,
ચૂપચાપ, એક દિવસ, વસંત પાછી ચાલી નીકળે છે…!
ને, સૂકાભઠ થયેલા આ વનમાં લાગે છે દવ,
ઉન્માદના સૂકા પડી ગયેલા વાંસના ઘર્ષણથી…!
ને, પછી….બાકી રહે છે
બળતરા, રાખ અને રાખમાં ચિનગારી….!
તો….
વસંતને આવતાં તો આવડે છે પણ..
જતા રહેવાની, પાછા જવાની રીત નથી આવડતી……!
-જયશ્રી વિનુ મરચંટ,કેલિફોર્નિયા
આ કવિતા ૧૯૭૬ માં મુંબઈના તે સમયના “દૂર દર્શન” ના, ગુજરાતી પ્રોગ્રામમાં યોજાયેલી “વસંત” ઋતુની કાવ્ય સ્પર્ધામાં ત્રીજું ઈનામ જીતી હતી. આદરણીય, સાહિત્યકાર હીરાબહેન પાઠક એ સ્પર્ધાના નિર્ણાયક હતાં. સેંકડો એન્ટ્રીમાંથી, સો માંથી સોંસરવી નીકળીને આવેલી આ કવિતા, આજથી ૪૫ વર્ષો પહેલાં, મેં પણ મારી યુવાનીની વસંતમાં લખી હતી. એ આનંદથી પણ બમણો આનંદ હતો આદરણીય મહાન સાહિત્યકાર સ્વ. હીરાબહેનને મળીને, એમની સાથે વાતો કરવાનો અને એમના આશીર્વાદ લેવાનો. આટલા બધા સમય પછી, આ ફેરની વસંતના વાયરા, આ વાત એની સાથે લઈને અચાનક આવ્યા અને જૂના સ્મરણોની વસંત મારા મન પર છવાઈ ગઈ.