જાણે આપણી જ વાત હોય એવી આ કવિતા… બ્લ્યુ જીન્સ કોણે ન પહેર્યું હોય, વારંવાર… વારંવાર.. ધોયા વગર.. ! અને જ્યારે ધોવા નાખો અને ખીસ્સા તપાસો તો શું મળે? સાંભળો, દેવકીના ગળચ્ટ્ટા મધઝબોળ્યા અવાજમાં!!
મળે ડાબા ખિસ્સામાં એક ડૂચો વળી ગયેલ મોરલાનો ટહુકો
સાંભળીને તેં મને આપેલ
કે તું જીન્સ મારું પહેરે અને ઓચિંતો સાવ તને જડે
એમ મેં જ મારા હાથે રાખેલ એવું કંઇક
મળે જમણા ખિસ્સામાં એક સુક્કો પડેલ બોર ચણિયાનો ઠળિયો
ચાખીને તેં મને આપેલ
કે ચગળી શકું જો તને આખ્ખેઆખ્ખી તો કેવું લાગે
એ બહાને મેં પોતે જ ચાખેલ એવું કંઇક
રોજ રોજ નવી નવી પાંખોને પહેરવાની ઇચછાથી
પંખીનાં ટોળાંનાં ટોળાંએ વરસોથી કાંતેલું
ડેનિમ આકાશ
જરા વેતરીને, માપસર કાતરીને, સ્ટોનર્વાશ ધોઈ કરી
લેઘરના દોરાથી ડબ્બલ સીલ્વેલ કોઈ જીન્સ જેવો આપણો સંબંધ
પહેલવ્હેલી વાર તારો હાથ મારા હાથે પકડેલ
ત્યારે કોઈ નહિ ક્યાંય સુધી કશું બોલેલ
અને દુનિયા આખી એવી નરવસ થયેલ
પછી હથેળીનો પરસેવો આપણે લૂછેલ
એના ડાઘા દેખાય મારા જીન્સ ઉપર આજે પણ એવા અકબંધ
લેઘરના દોરાથી ડબ્બલ સીવેલ કોઈ જીન્સ જેવો આપણો સંબંધ
મળે નીચેની ફોલ્ડ સ્હેજ ખોલતાંક અધધ-ધધધ રેતીનો દરિયો
દરિયાનો તળિયે કોઈ છીપલાંની વચ્ચેથી હું તને મળીશ
એમ માની તેં દરિયો ઉલેચેલ
કે દરિયાને તારો અવતાર એક ધારી
હું દરિયાના પાણીને ગટગટાટ પી ગયેલ એવું કંઇક
મળે ડાબા ખિસ્સામાં એક ડૂચો વળી ગયેલ મોરલાનો ટહુકો
કે એવું કંઇક
મળે જમણા ખિસ્સામાં એક સુક્કો પડેલ બોર ચણિયાનો ઠળિયો
કે એવું કંઇક
મળે નીચેની ફોલ્ડ સ્હેજ ખોલતાંક અધધ-ધધધ રેતીનો દરિયો
કે એવું કંઇક
ગોઠણથી સ્હેજ સ્હેજ ફાટેલા જીન્સમાંથી દેખી શકાય
એક દૂર દૂર લંબાતો રસ્તો
ડામરના રસ્તા પર સાંભળી શકાય પછી કાવાસાકીનો કલશોર
અને દેખી શકાય ટાઇટ ક્લોઝ-અપમાં
બાઇક ઉપર સાવ મને ભીંસીને બેઠેલી તું
પછી હંડ્રેડ ઍન્ડ ટ્વેન્ટીની સ્પીડે તું મારામાં વીઝાતી, તારાંઆં વીઝાતો હું
કાઉબૉયની જેમ મારું તારા વિચારોના ખુલ્લા મેદાનોમાં ફરવું
ઝીણી વ્હિસલ તારા કાનમાં વગાડવી
ને ઢિચકાંવ ઢિચકાંવ તને ચૂમવું
રોજ તને રફટફ ચાહવું
કે મળવાને અશ્વોની જેમ દોડી આવવું
એ બધું તો મારે સ્વભાવગત
ઉપરથી તારા ફેંકાયેલા લેસ્સોમાં હંમેશા વીંટાતો, ખીંટાતો હું
પછી હંડ્રેડ ઍન્ડ ટ્વેન્ટીની સ્પીડે તું મારામાં વીઝાતી, તારાંઆં વીઝાતો હું
મળે છેલ્લા ખિસ્સામાં એક ઇચ્છા, બે વાતો, ને ત્રણેક પ્રસંગો
ઇચ્છામાં હોય એક આઇ.એસ.આઇ માર્કવાળું
કે એગમાર્ગ છાપ
મને ફિટોફિટ થાય
તને અપટુડેટ લાગે
બહુ બૅગી ન હોય, એવું આપણું જ મળવું
વાતોમાં હું જે ન બોલ્યો હોંઉં
એમાંથી યાદ હોય જેટલું તને
કે તારી આંખોથી જસ્ટ લાઇક ધેટ
મેં જે ચોરી લીધેલ હોય એ બધું
પ્રસંગોમાં આપણને રસ્તાની વચ્ચોવચ્ચેથી
કોઈ બેલ્ટનું બક્કલ મળે એમ એક અમથું મળેલ
એક ડેનિમ આકાશના જ ચંદરવા નીચે રચેલ
એક આંખોથી સ્ટેર કરી, હોઠ વડે ઊજવેલ, એવું કંઇક
મળે ડાબા ખિસ્સામાં એક ડૂચો વળી ગયેલ મોરલાનો ટહુકો
કે એવું કંઈક
મળે જમણા ખિસ્સામાં એક સુક્કો પડેલ બોર ચણિયાનો ઠળિયો
કે એવું કંઇક
મળે નીચેની ફોલ્ડ સ્હેજ ખોલતાંક અધધ-ધધધ રેતીનો દરિયો
કે એવું કંઇક
મળે છેલ્લા ખિસ્સામાં એક ઇચ્છા, બે વાતો, ને ત્રણેક પ્રસંગો
કે એવું કંઇક
મળે ધોવા નાખેલ કોઈ લીવાઇઝના જીન્સમાંથી
વાંકીચૂકી વળેલ ચિઠ્ઠીઓ
ડિઝાઇનર લેબલનાં બિલ્સ
થોડા બ્લેક એન્ડ વ્હાઇટ ફોટાઓ
ફિલ્લમની અડધી ટિકીટો
ને-ગીત એક સિગારેટના ખાલી ખોખા પર લખેલ
આવું કંઇક
આ પહેલા ટહુકો પર મૂકેલું ગીત – મહામનુ, માંગે શું ચિનગારી – યાદ છે? (યાદ હોય કે ના હોય, એકવાર ક્લિક કરીને ફરી સાંભળી લેવા જેવું છે 🙂 ) કંઇક એ જ ભાવવાળું આ કવિ શ્રી ભોગીલાલ ગાંધીનું કાવ્ય માણીએ – એ પણ અંકિત ત્રિવેદીના આસ્વાદ સાથે. (આભાર – ગુજરાત સમાચાર)
તું તારા દિલનો દીવો થા ને! ઓ રે! ઓ રે! ઓ ભાયા!
રખે કદી તું ઉછીનાં લેતો પારકાં તેજ ને છાયા;
એ રે ઉછીનાં ખૂટી જશે ને ઊડી જશે પડછાયા!
ઓ રે! ઓ રે ઓ ભાયા! તું.
ઉછીના અજવાળા દિલસોજી આપતા મહેમાન જેવા છે, જે આપણને ન્યાલ કરી દે તેવા નથી હોતાં! અજવાળું તો આપણી અંદર પ્રગટવું જોઇએ. આ શરીર માટીનું કોડિયું જ છે. એને અજવાળાનું ખોળિયું બનાવતાં આવડવું જોઇએ. અજવાળું હાથઉછીનું નથી મળતું. વળી, એનો રંગ સુખમાં અને દુઃખમાં એક જ હોય છે! કવિ ભોગીલાલ ગાંધીનું આ કાવ્ય બાળપણમાં પ્રાર્થનામાં સમૂહમાં ગવાતું હતું ત્યારથી હાડકામાં કોતરાઈ ગયેલું છે. દીવો થવાનું તો કવિ કહે જ છે પણ દિલનો દીવો થઇને સમગ્ર ચેતનાને અને ચેતનાની આસપાસ વિકસેલી આપણી પ્રતિભાને પણ અજવાળવાની વાત છે.
બીજાના અજવાળાથી આપણા તેજને કશો જ ફરક પડવાનો નથી. આપણે જાતને ઘસીને ચંદનની જેમ કે પછી ફૂલોને નીચોવીને અત્તરની જેમ અંતરને સુગંધથી તરબતર રાખવાનું છે. સંઘર્ષ કરીશું તો સફળતાને વરીશું. જાતમહેનત જેટલી વફાદાર એટલી જ આપણી પ્રતિભા વઘુ ચેતનવંતી બનશે. આ બઘું જ જીવનના સંદર્ભે પણ એટલું જ સાચું છે. ‘પારકી આશ સદા નિરાશ’ – વાળી કહેવત એમનેમ નથી આવી. આપણે જાતે જ પગભર થવાનું છે. આપણો પડછાયો જો આપણી પાસે અજવાળું હશે તો આપણાથી દૂર રહેવાનો છે. તપના તાપથી જીવનનો સંતાપ દૂર રહે છે. આપણામાં અપાર શક્યતાઓનો સમુદ્ર છે. આપણામાં જ તેલ અને દિવેલ, દિવેટ છુપાયા છે. માત્ર એક તણખાની જરૂર છે, જે આપણને પ્રગટાવતા આવડવો જોઇએ. આ તણખો ચન્દ્ર, સૂરજ અને તારા કરતાં પણ વધારે પ્રજ્ઞાવાન છે. વધારે તેજસ્વી અને ઓજસ્વી છે. એ આતમનો દીવો છે. એ સફળતાનો મરજીવો છે.
ઓશિયાળા થઇને બીજાના સહારે જીવન જીવતા રહેવું એના કરતાં આપણી મર્યાદાઓમાંથી વિશેષતા શોધીને એને વળગીને જીવન વિતાવવું વધારે અગત્યનું છે. જીવનના હકારની આ કવિતા પાસે સ્વબળનું સરનામું છે. સાંત્વનાનું સફરનામું છે. જેને આંતરપ્રવાસ કરવો છે એવા યાત્રિકનો નકશો છે. કેટલીક કવિતાઓ કોઇપણ ઉંમરે, કોઇપણ સમયે આપણને નવા નવા અર્થો સાથે નવા વિસ્મયની ઓળખાણ કરાવે છે, જે આપણને ફરીથી જીવવાનું જોમ અને હતાશામાંથી મુક્તિ આપે છે. આપણે મોટેભાગે બીજાને કારણે જ દુઃખી થઇએ છીએ. અને સુખી આપણે કારણે જ થતાં હોઇએ છીએ. જેમાં ભાગ પાડવાના છે તેમાં આપણે ભાગ નથી પાડતાં! અને જેમાં નથી પાડવાના એમાં દુઃખી થઇને સામેવાળાનો દોષ કાઢીએ છીએ. આપણું અજવાળું આપણને શોધે છે. માત્ર આપણે નાનકડી સળીની જેમ પ્રગટતા શીખીને આપણી જાતને વફાદાર રહેવું પડશે. અઢારમી સદીના પૂર્વાર્ધમાં ગુજરાતી કવિતાને કવિ રણછોડની ઓળખાણ થાય છે. એમના પદનું જાણીતું મુખડું છે… એનાથી જીવનના હકારની કવિતાનો અંત કરું છું…
એક નથી સરનામું તમારું એક નથી રે કાયા
ચારેબાજુ રમી રહ્યા છે સૂરજના પડછાયા
એક કિરણ છે હસ્તુંરમતું, એક કિરણ છે રોતું
તમને કઈ જગાએ ગોતું ?
કેમ છે તું ? આ સવાલ પૂછ્યો અને બની ગ્યા મૂર્તિ !
કઈ રીતે વાંચીશ તમારા લેખ વિનાની પૂર્તિ ?
ક્રમશ: મૂકી દીધું સંબંધનું પાનું ચોથું !
તમને કઈ જગાએ ગોતું ?
‘કવિતા’ નું મેટર બોલાવે, જલદી પાછા મળીએ
ગરમ ઉકાળો પીતા પીતા કુંજગલીમાં વળીએ
બે સ્ટેશનની વચ્ચે કોઈ રાહ તમારી જોતું.
તમને કંઈ જગાએ ગોતું ?
‘આવજો’ કહીને તમે ગયા છો, પાછા કેમ ન આવો ?
ખુરશી બાવરી પૂછે : મારા સાહેબ ક્યાં છે બતાવો ?
મંદિર પાસે જવાબ ક્યાં છે ? એ પણ બોલે ખોટું.
તમને કઈ જગાએ ગોતું ?
.....બોલો બાળકની જેમ તમે ન્હાવ છો ? (Photo by Vivek Tailor)
છેવટ કંટાળી મેં વાદળાંને કીધું કે વરસ્યા વિનાના શું જાવ છો !
વાદળ કહે કે ભાઈ વરસી તો પડીએ પણ આપશ્રી ક્યાં કોઈદી ભીંજાવ છો ?
મેં કીધું શું ક્યો છો ? ગ્યા વરસે ક્યાં રયો તો છત્રી ઉઘાડવાનો વેત ?
વાદળ ક્યે, રહેવા દ્યો પલળી જે જાય ઈ તો અંદરથી ઉગાડે હેત,
વરસી વરસીને અમે થાકી ગયાને તોય તમે ક્યાં લીલાછમૂ થાવ છો ?
આપશ્રી ક્યાં….
મેં કીધું આ રીતે શું કામે નાખો છો માણસની જાત માથે આળ ?
વાદળ ક્યેાલ મને તારામાં ગોતી દે એકાદી લીલીછમૂ ડાળ ?
મૂળનું તો સરનામું મળતું નથી ને પાછા કૂંપળનાં ગીતો શું ગાવ છો ?
આપશ્રી ક્યાં….
મેં કીધું આ રીતે તરસ્યે મારીને તમે સારું તો કરતાં નથી જ,
વાદળ કયે બસ ભાઈ આ રીતે અમને પણ થોડીક ચડી ગઈ છે ખીજ.
અબઘડીએ ધોધમાર વરસી પડું છું, બોલો બાળકની જેમ તમે ન્હાવ છો ?
આપશ્રી ક્યાં….
આજે ૬ જુલાઇ.. કવિ શ્રી મનોજ ખંડેરિયાને એમના જન્મદિવસે આપણા સર્વ તરફથી હ્રદયપૂર્વક શ્રધ્ધાંજલી..!! ગયા વર્ષે તો આ સમયે ટહુકો ICU માં હતો – એટલે મનોજ પર્વ નો’તો ઉજવી શક્યા – પણ આ વર્ષે – ૨૦૦૯ અને ૨૦૧૦ ની જેમ ફરી માણીએ – મનોજ પર્વે..!!
અને આજે કવિ શ્રી મનોજ ખંડેરિયા વિષે સાંભળીએ – એમના ખાસ મિત્ર – કવિ શ્રી અનિલ જોષી પાસેથી… એમના જ શબ્દોમાં..!!
મનોજ મારો છેક શિશુ અવસ્થાનો ભેરુ હતો. મોરબીમાં અમે સાથે ક્રિકેટ રમતા. એ વખતે કવિબવી અમે નહોતા. ફક્ત ભેરુ હતા. આંબલીના ઝાડ ઉપરથી કાતરા પાડતા. લિબોળી વીણતા . ગીબ્સન મિડલ સ્કુલમાં દફતર પાટી લઈને ભણવા જતા . પછી એકાએક છુટા પડી ગયા. મનોજના પિતાજીની બદલી થઈ ગઈ.વર્ષોતો સરસરાટ પાણીની જેમ વહેવા લાગ્યા . પછી યુવાન વયે મનોજ મને અમદાવાદમાં મળ્યો. મનોજ ની ઓળખ આદીલ મન્સૂરીએ મને કરાવી. મનોજની પહેલી ગઝલ પીછું હતી. ખૂબ સુંદર ગઝલ.
પરંપરાથી સાવ જુદી.સહુ આફરીન થઈ ગયા. મનોજનો સ્વભાવ ખુબજ સોફ્ટ. પોતે બોલે તો શબ્દને ઇજા તો નહિ થાયને? એનો ખ્યાલ રાખે. મનોજ ક્યારેય પોતાની જાતને પ્રોજેક્ટ કરેજ નહિ.મુંબઈના મુશાયરામાં છવાઈ જાય.
એકવાર મનોજે મને પત્રમાં એક ગીત મોકલ્યું હતું. એ ગીત અદભૂત હતું . ગીતનો ઉપાડ જુઓઃ
આયનાની જેમ હું તો ઉભીતી ચુપ, ગયું મારામાં કોઈ જરા જોઇને…
મનોજની પ્રતિભા ખૂબ સૌમ્ય હતી.ખુબજ કેરીંગ દોસ્ત હતો. એક ખાનગી વાત કહું તો ૧૯૭૧ મા મનોજની ઈચ્છા મુંબઈમાં સ્થિર થવાની હતી. હુંતો મનોજને કંપની દેવા સાથે મુંબઈ આવ્યો હતો મુંબઈમાં અમે ખુબજ રખડ્યા. નાટ્ય સર્જક પ્રવિણ જોશી અને કાંતિ મડીયાને ઘેર કવિતાની અનેક મહેફીલો જમાવી. પછી યોગાનુયોગ એવું થયું કે મનોજ પાછો જુનાગઢ જતો રહ્યો અને હું મુંબઈમાં સેટલ થઇ ગયો.. મનોજ ની ગઝલોનો હું ફેન છું. મનોજ એક ખુબજ સવેદનશીલ સર્જક હતો.મનોજ ની ગઝલની વિશેષતા એ છે કે કોઈ એનું અનુકરણ કરી શકે જ નહિ. એકદમ કુંવારકા જેવી વર્જિન ગઝલો નો જોટો જડવો મુશ્કેલ છે મનોજના કલ્પનો બેનમૂન છે.ભાષા સૌન્દર્ય અદભુત છે. મનોજ ક્યારેય લોકપ્રિયતા પાછળ ગયોજ નથી. મુશાયરામાં ક્યારેય દાદ કે તાળીઓની દરકાર રાખી નથી.અંતમાં એક અંગત પ્રસંગ કહું.વર્ષો પહેલા હું, મનોજ અને રમેશ અમારા પહેલા કાવ્યસંગ્રહની હસ્તપ્રત લઈને રાજકોટમાં મળ્યા’ મનોજ પાસે અચાનક, રમેશ પાસે ક્યાં. અને માંરી પાસે કદાચની હસ્તપ્રત હતી.અમે ત્રણેય મિત્રોએ આખી રાત બેસીને બધી હસ્તપ્રતો સાથે વાચી.એ વખતે મેં એવો અભિપ્રાય આપ્યો કે મારે કન્યાવિદાય કાવ્ય મારા સંગ્રહમાંથી કાઢી નાખવું.. મને લાગ્યું કે આ કાવ્ય બહુ સારું નથી. મારી વાત સાંભળીને મનોજ અને રમેશ ગુસ્સાથી લાલપીળા થઈ ગયા. મનોજ અને રમેશે ઊંચા અવ્વાજે મને કહ્યું. “અનિલ. જો કન્યાવિદાય કાવ્ય તું તારા સંગ્રહમાંથી કાઢી નાખીશ તો આપણી દોસ્તી ખતમ….મનોજ અને રમેશની જીદ અને ધમકી પછી મેં કન્યાવિદાય કાવ્યને મારા “કદાચ” સંગ્રહમા સ્થાન આપ્યું….. આવી દોસ્તી આજે ક્યાં મળેછે? આજે હું મનોજ અને રમેશને ખૂબ મિસ કરુછું. એકલો પડી ગયો છું.આત્મા ઓળખે એ સાચા દોસ્ત બાકી બધા ભાગ્યના ખેલ….Friendship needs no words -it is solitude delivered anguish of loneliness!
_____________________________________________
Posted on February 15, 2007
મોરપિચ્છ અને ટહુકો શરુ કર્યાના થોડા જ દિવસોમાં આ ગીત મોરપિચ્છ પર મુક્યું હતું, એ આજે સંગીત સાથે ફરીથી રજુ કરું છું. ગીત એવું તો સરસ છે કે એક જ વાર વાંચો અને દિલમાં કોતરાઇ જાય. વારંવાર સાંભળવુ ગમે એવા આ ગીતના શબ્દો તો જુઓ…
છુંદણાના મોર સાથે માંડું હું વાત, મને એટલું તો એકલું રે લાગે ….
પરપોટો ફૂટે તો જળને શું થાય, નથી જાણ થતી કોઇ દિવસ કોઇને…
અને વિવેકભાઇના શબ્દોમાં કહું તો : આ ગીત વાંચો અને રૂંવાડા ઊભા ન થાય તો જાણજો કે તમે કદી પ્રેમ કર્યો જ નથી….
સ્વર – ?
સ્વરાંકન – અજીત શેઠ
.
આયનાની જેમ હું તો ઊભી ‘તી ચૂપ
ગયું મારામાં કોઇ જરા જોઇને
ભાનનો તડાક દઇ તૂટી જાય કાચ
એના જોયાની વેળ એવી વાગે
છુંદણાના મોર સાથે માંડું હું વાત
મને એટલું તો એકલું રે લાગે
આજ તો અભાવ જેવા અંધારે ઊભી છું
પડછાયો મારો હું ખોઇ ને
આયનાની જેમ હું તો ઊભી ‘તી ચૂપ
ગયું મારામાં કોઇ જરા જોઇને.
એવું તે કેવું આ સિંચાતું નીર
મારા નામનાં સુકાય પાન લીલાં
લેતી આ શ્વાસ હવે એમ લાગે જાણે કે
છાતીમાં ધરબાતા ખીલા
પરપોટો ફૂટે તો જળને શું થાય
નથી જાણ થતી કોઇ દિવસ કોઇને
આયનાની જેમ હું તો ઊભી ‘તી ચૂપ
ગયું મારામાં કોઇ જરા જોઇને.
જન્મે કે સંસ્કારે ગુજરાતી હોય અને ઇન્ટરનેટ સાથે થોડો પણ ઘરોબો હોય એ માણસે ટહુકો.કોમ પર પોતાની મનગમતી કવિતાઓ વાંચી-સાંભળી ન હોય એવું બને તો એ મહા આશ્ચર્યની વાત છે… છેલ્લા છ વરસથી શબ્દ અને સૂરને તાણાવાણાની જેમ એકમેકમાં ગૂંથીને વિશ્વગુર્જરીના ઘરે ઘરે પહોંચાડવાનો નિઃસ્વાર્થ ભેખ લેનાર ટહુકો.કોમ આજે છ વર્ષ પૂરા કરી સાતમા વર્ષમાં પ્રવેશે છે એ દરેકેદરેક કળા-સંગીતરસિક ગુજરાતીઓના પોતાના ઘરે કેક કાપવા જેવો મહોત્સવ છે કેમકે આ સૂરનગરના રસિયાઓ વિના તો આ દિવસ આવવો શક્ય જ ક્યાં હતો?
જયશ્રી અને અમિત વતી ટહુકો.કોમની આ વર્ષગાંઠે હું ટહુકો.કોમના સમસ્ત ચાહકવૃંદનું સવિનય અભિવાદન કરું છું, આભાર માનું છું અને સૂર-શબ્દની જેમ જ એકાકાર બની ગયેલી જયશ્રી-અમિતની જોડીને ટહુકો.કોમની વર્ષગાંઠ પર ખૂબ ખૂબ અભિનંદન અને શુભકામનાઓ પાઠવું છું..
વર્ષગાંઠ મુબારક હો, વહાલા ટહુકા !
*
કોઈનીય સાડીબારી રાખ્યા વિના
સમય
સતત ચાલે છે –
એકધારી ગતિથી.
એની સાથે સાથે
ફક્ત
ઝાડ જ વધે,
ડાળો લંબાય,
પાંદડાઓ ફૂટે,
ફળ પાકે
ને ફૂલો જ મહોરે એવું નથી.
ઝાડની જીભ પણ વિકસતી હોય છે…
બહાર પણ અને અંદર પણ
એક ટહુકો
સતત ખુલતો રહે છે –
એકધારી ગતિથી…
(ફૂલપાંદડી જેવી કોમળ….. Golden Gate Park – May 28, 2012)
ફૂલપાંદડી જેવી કોમળ
મત્ત પવનની આંગળીએથી
લાવ, નદીના પટ પર તારું નામ લખી દઉં!
અધીર થઈને કશુંક કહેવા
ઊડવા માટે આતુર એવા
પંખીની બે પાંખ સમા તવ હોઠ જરા જ્યાં ફરકે…
ત્યાં તો જો –
આ વ્હેતા ચાલ્યા અક્ષરમાં શો
તરંગની લયલીલાનો કલશોર મદીલો ધબકે…
વક્ષ ઉપરથી
સરી પડેલા છેડાને તું સરખો કરતાં
ઢળી પાંપણે ઊંચે જોતી
ત્યારે તારી માછલીઓની
મસ્તી શી બેફામ…
લાવ, નદીના તટ પર ઠામેઠામ લખી લઉં
તવ મેંદીરંગ્યા હાથ,
લાવને, મારું પણ ત્યાં નામ લખી દઉં!