Category Archives: કાવ્યપ્રકાર

આરતી – પ્રભુ શ્રી રામની, મહાકાવ્ય રામાયણની

આ બે આરતી આજે શબ્દો વગર જ મુકુ છું, પણ જલ્દી એના શબ્દો પણ મુકીશ.
आरती श्री रधुवीरजी की

आरती श्री रामायणजी की


( આભાર : રાધિકા )

વિશ્વંભરી અખિલ વિશ્વતણી જનેતા… (શ્રી આદ્યશક્તિ સ્તવન)

હમણા ચૈત્ર નવરાત્રી ચાલે છે.. ( મને તો ઉમાબેને કહ્યું ત્યારે જ ખબર પડી ). અને નવરાત્રીની સાથે યાદ આવે ગરબા, આરતી, દાંડિયા… અને આ સ્તુતિ પણ. આરતીની સાથે લગભગ બધે જ આ સ્તુતિ સાંભળી છે. આમ તો ટહુકો પર પહેલેથી આ સ્તુતિ છે જ, પણ આજે થોડો ઉમેરો કરું છું. ( અરે ચિંતા ના કરો.. હું જાતે ગાઇને નથી સંભળાવવાની 🙂 ) આ એક જ સ્તુતિ ત્રણ અલગ અલગ રાગમાં સાંભળો.
sherawali_mata_PB04_l

.

વિશ્વંભરી અખિલ વિશ્વતણી જનેતા,
વિદ્યાધરી વદનમાં વસજો વિધાતા;
દુર્બુદ્ધિ દૂર કરીને સદબુદ્ધિ આપો
મામ્ પાહિ ઓ ભગવતી ! ભવ દુઃખ કાપો. 1

Continue reading →

મારી ગાગર ઉતારો તો જાણું ! – સુરેશ દલાલ

ઘણા દિવસો પહેલા મોરપિચ્છ પર મુકેલુ આ ગીત, આજે સંગીત સાથે ફરીથી રજુ કરું છું.

સ્વર : હંસા દવે , સંગીત : પુરુષોત્તમ ઉપાધ્યાય

.

મારી ગાગર ઉતારો તો જાણું
કે રાજ, તમે ઊંચક્યો ‘તો પહાડને !
હું તો ઘરે ઘરે જઇને વખાણું
કે રાજ, તમે ઊંચક્યો ‘તો પહાડને !

આખો દી વાંસળીને હાથમાં રમાડો કહાન !
એમાં શા હોય ઝાઝા વેતા ?
કાંટાળી કેડી પર ગાગર લઇને અમે
આવતાં, જતાં ને સ્મિત દેતાં.

હું તો વ્હેતી જમુનાને અહીં આણું :
મારી ગાગર ઉતારો તો જાણું
કે રાજ, તમે ઊંચક્યો ‘તો પહાડને !

ડચકારા દઇ દઇને ગાયો ચરાવવી
ને છાંય મહીં ખાઇ લેવો પોરો;
ચપટીમાં આવું તો કામ કરી નાખે
અહીં નાનકડો ગોકુળનો છોરો.

ફરી ફરી નહીં આવે ટાણું :
મારી ગાગર ઉતારો તો જાણું
કે રાજ, તમે ઊંચક્યો ‘તો પહાડને !

———————-

ફરમાઇશ કરનાર મિત્રો : ઊર્મિ, જય અંકલ

એ જ લખવાનું તને… – સુરેન ઠક્કર ‘મેહુલ’

zaakal

એક સ્મરણ બસ સળવળ્યું છે એ જ લખવાનું તને,
આંખમાં કૈં અવતર્યું છે એ જ લખવાનું તને.

એક આખી રાત જાગી છેવટે મધુમાસમાં,
પુષ્પનું પડ કોતર્યું છે એ જ લખવાનું તને.

આજ મોસમની મજાનો સ્વાદ લઇને ટેરવે,
અંગ જમણું ફરફર્યું છે એ જ લખવાનું તને.

પ્હોરની પીળી ક્ષણોને રગરગે રમતી કરી,
એક વેદન ઓલવ્યું છે એ જ લખવાનું તને.

રાતની બિસ્માર હાલત જોઇને, વાતાવરણ
ઓસ થઇને ઓગળ્યું છે એ જ લખવાનું તને.

દોસ્ત, સહિયારી ક્ષણોને રાતભર બાળી અને
રોજ કાજળ કાલવ્યું છે એ જ લખવાનું તને.

એક અટકેલી સ્થિતિનું ‘હું’ થી ઘેરાયું કવચ,
ઓગળી અળગું કર્યું છે એ જ લખવાનું તને.

ક્યાંક ગુલમ્હોરી ક્ષણોના પગરવોને સાંભળી,
કાનમાં પીછું ફર્યું છે એ જ લખવાનું તને.

શબ્દ, પારેવાંની પાંખો થઇ પ્રણયને સેવશે,
ભીંત આડે સાંભળ્યું છે એ જ લખવાનું તને.

ભણવાની ઋતુ આવી…. – મુકુલ ચોક્સી

ગુજરાતમાં આજકાલ બોર્ડની પરીક્ષાઓ ચાલે છે..

દસમા અને બારમાની તમારી પરીક્ષાઓ યાદ છે ? મારી સૌથી વધુ હાલત ખરાબ થતી સમાજવિદ્યા અને અર્થશાસ્ર્ત્ર જેવા વિષય વખતે. આજે ભલે યાદ કરતા થોડું હસવું આવી જાય, પણ ત્યારે તો એ પરીક્ષાઓ એટલે જાણે જંગ.. આખું વર્ષ બસ એક જ વાત… આ વખતે તો બોર્ડની પરીક્ષા. માનસિક તાણ શું હોય એ કદાચ એ વખતે પહેલીવાર સમજાયેલું.
આજે મને થાય છે કે મુકુલભાઇએ લખેલું અને મેહુલભાઇએ સ્વરબધ્ધ કરેલું આ ગીત એ વખતે સાંભળ્યુ હોત, તો જરૂરથી પરીક્ષાઓ વધારે સારી ગઇ હોત.

કવિઃ મુકુલ ચોક્સી
સંગીતઃ મેહુલ સુરતી
ગાયકઃઅમન લેખડિયા

bhanavani


ભણવાની ઋતુ આવી
મહેનત અને મનોબળ,
સફળતાની બે ચાવી…

હવે તો પ્રેમ બેમને છોડો
મનને વિરામ આપો થોડો
ક્રિકેટ પાછળ ઓછુ દોડો
બસ પુસ્તકથી નાતો જોડો

પરીક્ષાને જ સખી બનાવી,
એને દિલમાં લેજો સમાવી

ન રાખો મનમાં હેજે તાણ
છે ભાથામાં શ્રધ્ધાના બાણ
કરી દો સૌ મિત્રોને જાણ
હવે તો યુધ્ધ એ જ કલ્યાણ

ડરને મનથી દૂર ભગાવી
કલમની લો બંદૂક ઉઠાવી

——————–

ફરમાઇશ કરનાર મિત્ર : S.Vyas

વગડાની વચ્ચે વાવડી ને વાવડીની વચ્ચે દાડમળી – અવિનાશ વ્યાસ

આપોઆપ પગ થરકાવવાનુ અને કેડ લચકાવવાનું મન થઇ જાય એવુ મસ્તીસભર ગીત.
સ્વર : શેવાંગી નીરવ
આલ્બમ : સદા અમર અવિનાશ

daadam dana

.

વગડાની વચ્ચે વાવડી ને વાવડીની વચ્ચે દાડમળી
દાડમળી ના દાણા રાતા ચોળ , રાતા ચોળ સે
પગમા લકક્ડ્ પાવડી ને , જરીયલ પેરી પાઘલડી
પાઘલડીના તાણા રાતાચોળ, રાતાચોળ સે…..વગડાની…..

આની કોર્ય પેલી કોર્ય, મોરલા બોલે , ઉત્તર દખ્ખણ ડુંગરા ડોલે,
ઇશાની વાયરો વિંજણું ઢોળે, ને વેરી મન મારું ચડ્યું ચકડોળે
નાનું અમથુ ખોરડું ને, ખોરડે જુલે છાબલડી
છાબલડીના બોરા રાતાચોળ, રાતાચોળ સે….વગડાની…..

ગામને પાદર રુમતા ને ઝુમતા નાગરવેલના રે વન સે રે
તીર્થ જેવો સસરો મારો, નટખટ નાની નંણદ સે રે
મૈયર વચ્ચે માવડી ને, સાસર વચ્ચે સાસલડી
સાસલડીના નયના રાતાચોળ, રાતાચોળ સે…..વગડાની…..

એક રે પારેવડું પિપળાની ડાળે બીજું રે પારેવડું સરોવર પાળે
રૂમઝુમ રૂમઝુમ જોડ્લી હાલે નેણલા પરોવી ને નેણલા ઢાળે
સોના જેવો કંથડો ને હું સોનાની વાટકળી
વાટકળી માં કંકુ રાતાચોળ, રાતાચોળ સે.

વગડાની વચ્ચે વાવડી ને વાવડીની વચ્ચે દાડમળી
દાડમળી ના દાણા રાતા ચોળ , રાતા ચોળ સે
પગમા લક્ડ્ પાવડી ને , જરીયલ પેરી પાઘલડી
પાઘલડી ના તાણા રાતા ચોળ, રાતા ચોળ સે…..વગડાની…..

——————————–
ફરમાઇશ કરનાર મિત્ર : મોક્ષેશ શાહ (એમની ફરમાઇશ હતી – દાડમડીના ફૂલ રાતા, ફૂલ રાતા ને પાન લીલા.. પણ મને થયું, કદાચ આ ગીત જ હશે)

ગઝલ – ઉર્વીશ વસાવડા

તૂટી નથી જતા એ પ્રભુનો જ પાડ છે
પ્રત્યેક સંબંધોમાં પડેલી તિરાડ છે

તારાં સ્મરણની વાદળી વરસી ગઇ છતાં
આંખોના આભમાં તો હજી ક્યાં ઉઘાડ છે

પ્રસ્તાવનામાં નામ ફક્ત એમનું લખ્યું
મારી કથાનો જોઇ લો કેવો ઉપાડ છે

થાકી ગયા છે સ્કંધ ઉપાડી અતીતને
લાગે છે બોજ એટલો જાણે કે પ્હાડ છે

ભાંગી પડ્યો છું સાવ ને રગરગ પીડા થતી
કારણમાં દોસ્ત ! કાળની ધોબીપછાડ છે

તમારા સમ…. – મુકુલ ચોક્સી

ટહુકો પર હવે એક પછી એક ફરમાઇશ થયેલા ગીતો મુકવાની ઇચ્છા છે… તો ચાલો… શરૂઆત આજથી જ…

આજનું આ ગીત ખરેખર ઘણી રીતે સ્પેશિયલ છે…. આ ગીતને જો વાંચતા આવડતુ હોત, તો મેં એને જરૂરથી એક પ્રેમપત્ર લખી દીધો હોત… 🙂

સૌથી પહેલા તો… એનું સંગીત… ટહુકોના નિયમિત મુલાકાતીઓ માટે મેહુલ સુરતીનું સંગીત અજાણ્યું તો ક્યાંથી હોય…!! મેહુલભાઇના પોતાના સ્વર સાથે જ્યારે આ ગીત શરૂ થાય છે, ત્યારે છેડાતો આલાપ જ મન ડોલાવી જાય… ઝડપી સંગીતની સાથે સાથે શાસ્ત્રીય સંગીતનો ખૂબ જ સરસ સમન્વય કર્યો છે એમણે.

ગીતનું શિર્ષક : તમારા સમ…. આમ જોવા જાવ તો આ બે શબ્દો કોઇ વાક્યનો અર્થ બદલતા નથી, પણ શબ્દોના ભાવ પર આ બે શબ્દોનો શો પ્રભાવ છે, એ આ બે શબ્દો કાઢીને આખુ ગીત વાંચશો તો તરત ખ્યાલ આવશે.

ગીતમાં મને સૌથી વધુ ગમતી કડી :
તમારી યાદમાં વીતે… એક એક પળ… વરસ લાગે ..
અને તો પણ પડે છે આખુ જીવન કમ તમારા સમ….

અને હા… મારા માટે આ ગીત ફરી ફરીને સાંભળવાની વધુ એક લાલચ એટલે… મુકુલભાઇની જ કલમે લખાયેલી અને મારી ઘણી ગમતી ગઝલ ‘ચૂમી છે તને..’ ના બે શેર.. !! આમ એક ગીતની વચ્ચે બીજી ગઝલના શેર વાંચો તો કંઇક અજુગતુ લાગે કદાચ… પણ મેહુલભાઇના અવાજમાં એ સાંભળતી વખતે એટલી મજા આવે છે કે … વાહ વાહ….

અને હા… કોઇક વાર મેહુલભાઇને રૂબરૂમાં સાંભળવાનો લ્હાવો મળે, તો આ ગીતની ફરમાઇશ કરવાનું ભુલશો નહીં.

અને છેલ્લે, એક સંદેશ મેહુલભાઇ માટે :
તમારા સૂરની રેલાય છે મૌસમ….
જગત આખામાં ફેલાઇ જશે ફોરમ… તમારા સમ…

tamara sam...

( બનું હું ફુલ, તો બનશો તમે શબનમ.. )

.

you gotta believe me…. !!!
liquid music with mehul….
તમારા સમ….
તમારા રૂપની રેલાય છે મૌસમ…..
તમારા સમ….
you gotta believe me…. !!!
come on ms….

તમારા રૂપની રેલાય છે મૌસમ.. તમારા સમ
જગત આખામાં ફેલાઇ જશે ફોરમ… તમારા સમ…

તમારા સમ… તમારા સમ… તમારા સમ… તમારા સમ…

તમે જો હોવ તો વાતાવરણ કેવુ સરસ લાગે
અરીઠા લાગે છે આસવ ને ચા કોફી ચરસ લાગે
તમો ને જોઇને પાણીને પોતાને તરસ લાગે
તમારી યાદમાં વીતે.. એક એક પળ.. વરસ લાગે ..

અને તો પણ પડે છે આખુ જીવન કમ તમારા સમ….
તમારા રૂપની રેલાય છે મૌસમ.. તમારા સમ

ગીતના ઘેઘુર ગરમાળામાં ચૂમી છે તને
બે ગઝલની વચ્ચે ના ગાળામાં ચૂમી છે તને
સાચુ કહો તો આ ગણિત અમથું નથી પાકુ થયુ ‘મુકુલ ‘
બે ને બે હોઠો ના સરવાળામાં ચૂમી છે તને

બનું હું રાત તો શમ્મા તમારું નામ થઇ જાશે
તમે સાકી બનો તો મારુ હૈયું જામ થઇ જાશે
તમારા રૂપની ઝળહળ જો સુબહો શામ થઇ જાશે
સૂરજ ને ચાંદ બન્ને જણ બહુ બદનામ થઇ જાશે

બનું હું ફૂલ તો બનશો તમે શબનમ… તમારા સમ
તમારા રૂપની રેલાય છે મૌસમ.. તમારા સમ

તમારા સમ… તમારા સમ… તમારા સમ… તમારા સમ…

————————–

ફરમાઇશ કરનાર મિત્ર : ડો. વિવેક ટેલર

વ્હાલા વિવેકભાઇ, Happy Birthday. 🙂

————————–

નીચે અભિપ્રાય વિભાગમાં ચિરાગની વાત વાંચીને યાદ આવ્યું…. આ ગીત ડાઉનલોડ કરવું છે ?

Audio clip: Adobe Flash Player (version 9 or above) is required to play this audio clip. Download the latest version here. You also need to have JavaScript enabled in your browser.

અને મેહુલ સુરતીના આ અને બીજા ઘણા ગીતો ડાઉનલોડ કરો, એમની વેબસાઇટ પરથી.

————————–
ગીતની લંબાઇને ધ્યાનમાં રાખીને રેકોર્ડ ન થયેલી પંક્તિ : ( આ પંક્તિની સાથે બીજી થોડી પંક્તિઓ પણ સાંભળવી હોય તો તક મળ્યે મેહુલભાઇના કોઇ કાર્યક્રમમાં અચૂક જશો. )
તમે પહેલા આગળ રહીને પછી નજદીક આવો છો,
રડાવેલી એ આંખોને જ ખુશીઓથી સજાવો છો,
તમે અમને ડૂબાડી પછી હોડી બચાવો છો,
ખરા માઝી તમે છો કેવા સંયમથી સતાવો છો,

જખમ પણ આપ છો ને આપ છો મરહમ… તમારા સમ
તમારા રૂપની રેલાય છે મૌસમ.. તમારા સમ
————————
ગઝલ ‘ચૂમી છે તને’ ના બધા શેર અહીં વાંચો