વ્હાલા મિત્રો,
સૌ પ્રથમ તો બધાને દિવાળીની હાર્દિક શુભેચ્છાઓ..!!
‘દિવાળી – મારો મનપસંદ તહેવાર’ આ વિષય પર નિબંધો તો ઘણા તમે પણ લખ્યા હશે, દેશની દિવાળીની મઝાઓ પણ ભરપૂર લીધી હશે… પણ જો મારી જેમ આમ દિવાળીની સમયે ઘર – દેશથી દૂર હશો, તો એ ફટાકડા, રંગોળી, મઠિયા અને મિઠાઇઓ… મિત્રો.. કેટકેટલું યાદ આવતું હશે, બરાબરને..??
ઘણી કોશિશ કરી, પણ દિવાળીના દિવસો માટે લખાયેલું કોઇ ગુજરાતી ગીત મળતું નથી. ( તમાર ધ્યાનમાં હોય તો કહેજો..!! )
પણ આજે એક એવું ગીત લઇને આવી છું, જેને આડકરતી રીતે પણ દિવાળી સાથે સંબંધ છે, કારણ કે આ ગીત જેના માટે લખાયેલું ( ડૉ. પ્રગ્નેશ ધોળકિયા ), એમનો આજે જન્મદિવસ છે.
પ્રથમ નજરે પ્રેમીઓ માટે લખાયેલું લાગતું આ ગીત ખરેખર તો એક ભાઇએ પોતાના નાનાભાઇ માટે લખ્યું છે. બચપણ સાથે વીતાવનાર બે ભાઇઓ છૂટા પડ્યા, અને નાનો ભાઇ જ્યારે વિદેશ ગયો, ત્યારે એને ખૂબ જ યાદ કરતા મોટાભાઇની કલમેથી આ શબ્દો ફૂટ્યા ‘ તું આવ જવાની ભૂલીને, ને સમયના બંધન તોડીને.. તો બચપણને પગલે પગલે.. આપણ બે ઘુમી વળીયે..!’
Happy Birthday, Dr. Pragnesh.!!
સાથે સૌને નવ વર્ષની શુભકામનાઓ… 🙂
મારા ભોળા દિલનો હાયે રે શિકાર કરીને
ચાલ્યા ગયાં આંખોથી આંખો ચાર કરીને
બિમાર કરીને, મારા ભોળા દિલનો…
મેં વિનવ્યું વારંવાર કે દિલ સાફ કરી લ્યો
કંઇ ભુલ હો મારી તો એને માફ કરી દ્યો
ના ના કહી, ના હા કહી, મુખ મૌન ધરીને,
ચાલ્યા ગયાં આંખોથી આંખો ચાર કરીને
બિમાર કરીને, મારા ભોળા દિલનો…
એક બોલ પર એનાં મેં મારી જિંદગી વારી
એ બેકદરને કયાંથી કદર હોય અમારી?
આ જોઈને, ને રોઈને દિલ મારું કહે છે,
શું પામ્યા જિંદગી ભર આહ! કરીને?
ચાલ્યા ગયાં આંખોથી આંખો ચાર કરીને
બિમાર કરીને, મારા ભોળા દિલનો…
છોને થઈ તકરાર હજુ પ્યાર બાકી છે
બન્ને દિલોમાં પ્રેમની ઝંકાર બાકી છે,
સંસારનાં વહેવારનો વેપાર બાકી છે,
બન્ને દિલોનાં મળવા હજુ તાર બાકી છે,
અભિમાનમાં ફુલાઇ ગયાં, જોયું ના ફરીને,
ચાલ્યા ગયાં આંખોથી આંખો ચાર કરીને
બિમાર કરીને, મારા ભોળા દિલનો…
જીવનને આંગણે તારી જુદાઇમાં લીલા
દિવસ કે રાત હોય બન્ને ઉદાસ આવે છે
ને વરસો વિત્યાં છતાં પણ કિનારે તાપીના
હજીય શ્વાસની તારા સુવાસ આવે છે.
સ્વર : મનહર ઉધાસ
.
જુવાની મહોબ્બતના દમ લઇ રહી છે
મને દિલની ધડકન ખબર દઇ રહી છે
પ્રણય રૂપ ના રંગ જોવાને માટે
બધાની નજર એ તરફ થઇ રહી છે
જુઓ લીલા કોલેજમાં જઇ રહી છે
કમલ જેવાં કરમાં એ પુસ્તક ઉઠાવી
પ્રણય ઉર્મીઓ મનની મનમાં સમાવી
મનોભાવ મુખ પર ન દેખાય તેથી
અદાથી જરા ડોક નીચી નમાવી
મને અવનવી પ્રેરણા દઇ રહી છે
જુઓ લીલા કોલેજમાં જઇ રહી છે
છે લાલી માં જે લચકતી લલીતા
ગતી એવી જાણે સરકતી સરીતા
કલાથી વિભુષીત કલાકાર માટે
કવિતા જ સુંદર બનીને કવિતા
પ્રભુની પ્રભા ની ઝલક દઇ રહી છે
જુઓ લીલા કોલેજમાં જઇ રહી છે
ન સુરમો, ન કાજલ, ન પાવડર ન લાલી
છતાંય એની રંગત છે સૌ માં નિરાલી
બધી ફેશનેબલ સખીઓ ની વચ્ચે
છે સાદાઇ માં એની જાહોજલાલી
શું ખાદીની સાડી મજા દઇ રહી છે
જુઓ લીલા કોલેજમાં જઇ રહી છે
સરળથી ય સરળ છે એની સરળતા
નથી શબ્દ સમજાવવા કોઇ મળતા
લખું તોય લખતાં ન કાંઇ લખાયે
શમી જાય છે ભાવ હૈયે ઉછળતાં
અજબ મારા મનની દશા થઇ રહી છે
જુઓ લીલા કોલેજમાં જઇ રહી છે
ભલા કોણ જાણે કે કોને રિઝવવા
અને કોના દિલની કળીને ખિલવવા
એ દરરોજ બે-ચાર સખીઓની સાથે
એ જાયે છે ભણવા કે ઉઠાં ભણવવા
ન સમજાય તેવી કલા થઇ રહી છે
જુઓ લીલા કોલેજમાં જઇ રહી છે
કોઇ કહે છે જાય છે ચિત્રો ચિતરવા
કહે છે કોઇ જ્ઞાન ભંડાર ભરવા
કોઇ કેમ સમજે આ બાબતને ‘આસીમ’
અધુરાં પ્રણય પાઠ ને પુર્ણ કરવા
એ દરરોજ ભણતરનાં સમ લઇ રહી છે
જુઓ લીલા કોલેજમાં જઇ રહી છે
સાધના સરગમ અને પાર્થિવ ગોહિલના સુરીલા કંઠે આ ગીત ખરેખર સાંભળવા જેવું છે. એકદમ સરળ શબ્દો.. ‘તમોને પ્રેમ કરું છું હું’ આ શબ્દો સાંભળવા કોને નથી ગમતા? અને એકવાર સાંભળવાથી પણ કોને ધરપત થઇ છે? દરેક પ્રેમીને આ શબ્દો વારંવાર સાંભળવા, અને વારંવાર કહેવા ગમે છે, અને આ ગીતમાં પણ એ જ ભાવના તો વ્યક્ત થઇ છે. અને આ ભાવના શબ્દોથી પર છે, એ વાત પણ કવિ કહી જ દે છે ને – મૌન તણાં મંદિરમાં, અંતર તણો અજવાસ… ધડકન ધડકતી કહે, વારંવાર…
સ્વર : પાર્થિવ ગોહિલ, સાધના સરગમ
સંગીત : પુરુષોત્તમ ઉપાધ્યાય