Category Archives: જયંતિ જોષી

કંચન કાયા ઘડેલા ડોલે રે દીવડા – જયંતી જોષી

સ્વર : સુમન કલ્યાણપુર
સંગીત : જયંતી જોષી

diya.jpg

.

કંચન કાયા ઘડેલા ડોલે રે દીવડા,
તેજુના ભર્યા રે ભંડાર
ટમકંતા મલકંતા સોહે રે સોહામણા,
જાણે વરણાગી વણઝાર!

કાચા રે કોડિયે જાણે કાયા એની મલકે,
છાયા રે ભાળીને ઓલ્યા અન્ધારા સરકે.
અજવાળી અવનીને અજવાળે અમ્બરને,
અજવાળે અન્તર પગથાર.
…કંચન કાયા ઘડેલા.

જમુનાના જળના એ ઝૂલતા ઝૂલણિયા,
તરતા તરંગે કરતા દેવના દરશનિયા.
શીતલ સમીર લહેરે લહેરાતા લાડકડા,
ઝબકંતા હીરલા શા હાર.
…કંચન કાયા ઘડેલા.

——————————–

કવિતા એ કવિના જીવનની કોઈ ઘટના, કોઈ દૃશ્ય, કોઈ ચિંતનના પરિપાકરૂપે સરજાતી લાગણી હોઈ શકે. કવિએ કયું દૃશ્ય કે ઘટના જોઈ, કે કયું ચિંતન કર્યું એની અન્દર આપણે ઝાંખી કરીએ તો આપણને કવિતાને ભેટવાનું મન થાય, નહીં તો કેમ છો, સારું છે કહી આપણે કવિતાને જાકારો દઈ બેસીએ. આપણે કવિતાને ભેટવું છે, એને પામવી છે.

જીવનની સન્ધ્યાટાણે પત્નિ સાથે તીરથે નીકળેલા કવિ, જમુના નદીકિનારે સૂર્યાસ્ત હમણાં જ થયો છે એવે સમયે એક દૃશ્ય જુએ છે. સન્ધ્યાનો સમય છે, ફેણ ચઢાવી નાગ ડરાવે એમ દૂરદૂરનાં અન્ધારાં જાણે હમણાં જ આ પૃથ્વીને અન્ધારાથી ઘેરી વળશે એવું લાગે છે. એવામાં મન્દિરમાં ઘંટનાદ સાથે સન્ધ્યા આરતી શરૂ થાય છે. ભાવુક બહેનો જમુનાનાં શાન્ત જળમાં પાંદડાના પડિયામાં દીવા મૂકી તરતા મૂકે છે. અને ચારેકોર આછું અજવાળું પ્રસરે છે. પ્રૌઢાવસ્થાએ પહોંચેલા કવિ પણ આ બધું જોતાં જોતાં પોતાના ભવિષ્યનું ચિંતન કરતા હોય છે ત્યાં એમની નજર એમની પત્નિ પર પડે છે. કવિપત્નિ પોતાના હાથમાં એક દીવડો લઈને આવે છે, પોતાના ભરથારને એ દીવાની આરતી આપે છે, એક મીઠું હસે છે અને દીવાને જમુનાજળમાં વહેતો મૂકે છે. ચિંતિત કવિને જાણે એ દીવા અને પત્નિના જીવનદીપમાંથી એક શક્તિનો સંચાર થયો હોય એમ ચિંતા ખંખેરી સ્ફૂર્તિથી ઊભા થઈ જાય છે…અને સ્ફૂરે છે આ કાવ્ય!! હવે વાંચીએ કાવ્યના શબ્દો..

સ્ત્રીને આપણી સંસ્કૃતિએ નારી તું નારાયણી કહી છે. સ્ત્રીમાં નારાયણી શક્તિ છે અને એટલે જ કહે છે કે યત્ર નાર્યસ્તુ પૂજયતે રમન્તિ તત્ર દેવાઃ સ્ત્રી શું ભોગ માટે છે, કે પછી ઉપયુક્તતા કે companyના sales અને advertizing માટે છે? ના, સ્ત્રી તરફ જોવાનો આપણો દૃષ્ટિકોણ પૂજનીય છે. એ ભોગ્ય કે ત્યાક્ત્ય નહીં , પણ પૂજ્ય છે. જેને market value છે એવી modelને bodyguardની જરૂર પડે, મન્દિરની દેવીને રક્ષણની જરૂર નથી એમ સ્ત્રીને રક્ષણની જરૂર નથી, એ મુક્ત છે. “શીતલ સમીર લહેરે લહેરાતા લાડકડા” એવી સ્વતન્ત્ર છે. સ્ત્રી એ એક “કાચા રે કોડિયે જાણે કાયા એની મલકે” એવો દીવડો છે. સ્ત્રીની અન્દર “તેજુના ભર્યા રે ભંડાર” એવું તેજ છે, કે જેનાથી તો “છાયા રે ભાળીને ઓલ્યા અન્ધારા સરકે” એવાં સઘળાં અન્ધારાંનો નાશ થાય છે. સ્ત્રીમાં “કંચન કાયા ઘડેલા” જેવો કાંચનગુણ છે. સોનાની જેમ જ સ્ત્રી શુદ્ધ, તેજસ્વી અને અમૂલ્ય છે. આવી સ્ત્રી ફક્ત અવની નહીં પરન્તુ અમ્બર પણ અજવાળે છે, એની એક અમીદૃષ્ટિ માણસના અન્તરને અજવાળે છે. અને એટલે જ ભગવાનને પામવા માટે પુરૂષ કરતાં સ્ત્રી વધારે એનાથી નજીક છે- “તરતા તરંગે કરતાં દેવના દરશનિયા”!!

અને ધન્ય છે એ જીવ જેણે પોતાની પત્નિને આ ભાવ અને દૃષ્ટિકોણથી જોઈ છે. કવિની પણ આ જ feelings હોઈ શકે, જ્યારે જ્યારે પોતે મૂંઝવણમાં હતા ત્યારે ત્યારે જીવનભર પત્નિના પ્રેમમાંથી જેને માર્ગ મળ્યો છે, જેને ધ્યેય મળ્યું છે, જેને જીવનની એકએક વસ્તુ અને ઘટનાઓનો અર્થ મળ્યો છે એ કવિને પત્નિના જીવનદીપમાં આ કાવ્યની સ્ફૂરણા મળે છે.

દીવાળીમાં આપણે દીવા તો પ્રગટાવ્યા જ, સાથે સાથે ઘરમાં તેજથી ભરેલ, સોહામણો, ટમકંતો, મલકંતો, લાડકડો, હીરલા શા હાર જેવો જે જીવનદીપ છે, જે ઘરની લક્ષ્મી છે એનું પણ પૂજન કરીએ, એના પ્રત્યે મેં કેટલો ભાવ વધાર્યો એવો ચોપડાનો હિસાબ કરીએ એ આપણી દીવાળી!

સ્વર્ણ અક્ષરે લખશે કવિઓ યશગાથા ગુજરાતની… – રમેશ ગુપ્તા

આજે 31 ઓક્ટોબર, આપણા વ્હાલા અને ગુજરાતનું ગૌરવ એવા સરદાર પટેલનો જન્મદિવસ. એમના જન્મદિવસે ગુજરાતનું ગૌરવ ગાતું આ ગીત..!!

હું છેલ્લા 4 કલાકથી આ એક જ ગીત સાંભળું છું.. અને મને ખાત્રી છે કે ગુજરાતમાં વસતા કે દુનિયાને ખૂણે ખૂણે પહોંચેલા અને ગુજરાતને હ્ર્દયમાં વસાવીને રહેતા દરેક ગુજરાતીને આ ગીત વારંવાર સાંભળવું ચોક્કસ ગમશે.
કવિઃ રમેશ ગુપ્તા
ગાયકઃ મન્ના ડે
સંગીતઃ જયંતિ જોષી
Year: 1960

vibrant_gujarat.jpg

.

આજ બાપુની પુણ્યભૂમિ પર ઉગ્યું સ્વર્ણ પ્રભાત
જય ગુજરાત…., જય જય જય ગરવી ગુજરાત

જય સોમનાથ, જય દ્વારકેશ, જય બોલો વિશ્વના તાતની
સ્વર્ણ અક્ષરે લખશે કવિઓ યશગાથા ગુજરાતની
યશગાથા ગુજરાતની, આ ગુણવંતી ગુજરાતની, જય જય ગુજરાતની…

ભક્ત સુદામા અને કૃષ્ણના મિત્રભાવ ભુલાય નહિં
વૈષ્ણવજન તો તેને કહીએ નરસૈયો વિસરાય નહિં
જય દત્ત દિગંબર ગિરનારી, જય બોલો કાળીકામાતની
સ્વર્ણ અક્ષરે લખશે કવિઓ …

અમર ભક્ત વીરોની ભૂમિ જેના ગુણ ગાતું સંસાર
રાજાઓના તાજ મુકાવ્યા ધન્ય વીર વલ્લભ સરદાર
જય દયાનંદ જય પ્રેમાનંદ જય બોલો બહુચરામાતની
સ્વર્ણ અક્ષરે લખશે કવિઓ …

દલપત નાન્હાલાલ દયાના મધુર કાવ્ય ભુલાય નહિ
મેઘાણીની શોર્ય કથાઓ અંતરથી વિસરાય નહિ
અમર કાવ્ય નર્મદના ગુંજે જય જય અંબે માતની
સ્વર્ણ અક્ષરે લખશે કવિઓ …

મળ્યા તેલ ભંડાર દ્રવ્યના, ભિષ્મપિતાની બલિહારી
ધન્ય ધન્ય ગુજરાતની ભૂમિ, થયા અહીં બહુ અવતારી
જય સાબરમતી, જય મહિ ગોમતી સરસ્વતી, બોલો નર્મદામાતની
સ્વર્ણ અક્ષરે લખશે કવિઓ …

હિંદુ મુસ્લિમ વોરા પારસી હળીમળી સૌ કાર્ય કરે
સૃષ્ટિને ખૂણે ખૂણે ગુજરાતી જન વ્યાપાર કરે
જય સહજાનંદ જય જલારામ જય મહાવીર દાતારની
સ્વર્ણ અક્ષરે લખશે કવિઓ …

અમર ભક્ત બોડાણો કલાપી મહાદેવ દેસાઇ
દાદાતૈયબજી કસ્તુરબા પટેલ વિઠ્ઠલભાઇ
આજ અંજલી અમર શહીદોને અર્પો ગુજરાતની
સ્વર્ણ અક્ષરે લખશે કવિઓ …

શ્રમ પર શ્રમ કરનારા માનવની આ ધરતી ન્યારી
સત્ય શાંતિ અને અહિંસાના મંત્રો દેનારી
શ્રમ સેવાની કરો પ્રતિગ્ના ઉગી ઉષા વિરાટની
સ્વર્ણ અક્ષરે લખશે કવિઓ …