Category Archives: કાવ્યપ્રકાર

આભનો એક જ મલક – સુરેશ દલાલ

(સુરજ અને ચંદ્ર માટે આભનો એક જ મલક……)

સ્વર : શૌનક પંડ્યા
સંગીત : રિશિત ઝવેરી

.

સુરજ અને ચંદ્ર માટે આભનો એક જ મલક;
આમ તો આપણે સાવ લગોલગ, આમ તો અલગ અલગ.

આપણે એક જ ઝાડની જાણે જુદી જુદી ડાળી,
ફૂલની ઝીણા પાનની આડે તડકો રચે જાળી;
અંધારાની પડખે રમે અજવાળું અઢળક,
આમ તો આપણે સાવ લગોલગ, આમ તો અલગ અલગ.

રામજી મારા બોરમાં વસી શબરી કેરી ભુખ,
વાંસળી અને સૂરની વચ્ચે જોઈએ એક જ ફુંક;
વ્રજમાં વૈકુંઠ રમતું રહે જો શ્યામની મળે ઝલક,
આમ તો આપણે સાવ લગોલગ, આમ તો અલગ અલગ.

– સુરેશ દલાલ

વૃંદાવન – હરીન્દ્ર દવે

કવિ શ્રી હરીન્દ્ર દવે પોતાની અનુભૂતિના કૃષ્ણ માટે લખે છે:

કૃષ્ણે મારા જીવનમાં ક્યારે પ્રવેશ કર્યો એ યાદ નથી. પહેલી કૃષ્ણકવિતા ક્યારે લખી એ પણ સ્મરણ નથી. પરંતુ કૃષ્ણની પ્રથમ અનુભૂતિ અને એ અનુભૂતિમાંથી કયું કાવ્ય પ્રથમ આવ્યું એ બરાબર યાદ છે. ૧૯૫૫ના વરસમાં પબ્લિક સર્વિસ કમીશન દ્વારા યોજાયેલા નોકરીના ઇન્ટરવ્યૂ માટે દિલ્હી જવાનું થયું. ત્યાંથી એ વેળાના મુંબઇ રાજ્યના માહિતી ખાતાના કાર્યકરો શ્રી મોતીલાલ દૈયા અને શ્રીમતી હીરાબહેનના સંગાથે મથુરા-વૃંદાવન જવાનું થયું. વ્રજ, ગોકુળ વગેરે સ્થાનો વિશે મનમાં જે ચિત્ર હતું એ થોડી ક્ષણો માટે રેળાઇ જતું લાગ્યું. ‘આ એ જ હશે વૃંદાવન ?’ નો પ્રશ્વ ત્યારે મનમાં જાગ્યો. વ્રજની ભૂમિમાં કૃષ્ણ છે અને નથીની અનુભૂતિ એક સાથે ત્યારે અનુભવી હતી.
– હરીન્દ્ર દવે ( “મારગે મળ્યા’તા શ્યામ” માંથી સાભાર – પાના નં ૫ )

(આ એ જ હશે વૃંદાવન?    …………..       Photo: Webshots)

સ્વર – સંગીત : ??

.

આ એ જ હશે વૃંદાવન

એક સમે જ્યાં કૃષ્ણરાધિકા
કરતાં આવનજાવન?

આ કુંજગલી શું એ જ
કેલી જ્યાં કરતાં નિશદિન કા’ન?
આ એ જ સરિતજલ, કાલિયનાં
જ્યાં ઊતર્યા’તા અભિમાન?

પ્રભુને પગલે પગલે થઈ’તી
આ જ ભૂમિ શું પાવન?

રજના થર પર થર, ભીતર
ના ક્યાંક મળે એ પગથી,
આંકી જે ઘનશ્યામ સાંવરે
શૈશવમાં મૃદ ડગથી;

પગથી કોરે રહી, અરે એક
પગલું ક્યાં મનભાવન!

– હરીન્દ્ર દવે

કેડેથી નમેલી ડોશી – દલપતરામ કવિ

કેડેથી નમેલી ડોશી દેખીને જુવાન નર,
કહે શું શોધો છો કશી ચીજ અછતી રહી;

કહે ડોશી બાળપણું ખબર વિના મેં ખોયું,
જુવાનીમાં દીવાની તારા જેવી ગતિ રહી;

છવાઈ જરાની છાયા, કાયાના વિંખાયા બંધ,
ગાયા ન ગોવિંદરાયા, માયામાં મતિ રહી;

ઝૂકી ઝૂકી ડોકી વાંકી રાખી દલપતરામ,
જોતી હું ફરું છું જે જુવાની ક્યાં જતી રહી.

-દલપતરામ કવિ


(જરા = ઘડપણ)

(આભાર વિવેક ટેલર)

ઠોકરની સાથે નામ તુજ લેવાય છે ઈશ્વર – સૌમ્ય જોશી

વિવેક આ ગઝલ માટે કહે છે:
ઈશ્વર ઉપર લખાયેલી ઢગલાબંધ કવિતાઓમાં આ ગઝલ એનું અલગ જ પોત લઈને મોખરે પહોંચતી હોય એવું નથી લાગતું? ભગવાનની આવી સુંદર ધોલાઈ કદી જોઈ છે ખરી? છ એ છ શે’ર એવા નિપજ્યા છે કે ભગવાન જો ક્યાંય હોય અને આ ગઝલ વાંચી બેસે તો અચૂક હાર્ટ-એટેક આવી જાય…

મન વગર મેં એ રીતે દર્શન કર્યું,
દોસ્ત, એણે જે રીતે સર્જન કર્યું

* * * * *

ગઝલ પઠન – સૌમ્ય જોશી

.

સ્વર – સંગીત : આલાપ દેસાઇ

.

ઠોકરની સાથે નામ તુજ લેવાય છે ઈશ્વર,
તું કેવો અક્સ્માતથી સર્જાય છે ઈશ્વર.

હેઠો મૂકાશે હાથને ભેગા થશે પછી જ,
કોશિશ જ્યાં પતે ત્યાં જ શરૂ થાય છે ઈશ્વર.

જો દૂર પેલી વસ્તીમાં ભૂખ્યા છે ભૂલકાં,
લાગે છે તને દૂરનાં ચશ્માં ય છે ઈશ્વર.

કે’ છે તું પેલા મંદિરે છે હાજરાહજૂર,
તું પણ શું ચકાચોંધથી અંજાય છે ઈશ્વર ?

થોડા જગતના આંસુઓ, થોડા મરીઝના શે’ર,
લાવ્યો છું જુદી પ્રાર્થના, સંભળાય છે ઈશ્વર ?

એનામાં હું ય માનતો થઈ જાઉં છું ત્યારે,
મારામાં જ્યારે માનતો થઈ જાય છે ઈશ્વર.

– સૌમ્ય જોશી

બન્ને કરતાં એકમેકને વારાફરતી રાજી – સુરેશ દલાલ

આજે ૨૫ મી મે એટલે મારા માટે થોડો ખાસ દિવસ.. મમ્મી પપ્પાના અને સાથે એક વ્હાલી સખીના લગ્નની વર્ષગાંઠ. એમને અમારા તરફથી ખૂબ ખૂબ શુભેચ્છાઓ સાથે આ પ્રેમ કાવ્ય ભેટ..!  🙂

ડોશી કહે સવાર પડી : ડોસો કહે હાજી.
ડોસો કહે રાત પડી : ડોશી કહે હાજી.
હાજી હાજી હાજી હાજી હાજી હાજી હાજી
બન્ને કરતાં એકમેકને વારાફરતી રાજી.

બન્ને જણા વાતો કરે : કરે હોંશાતોંશી
મનથી રહ્યાં તાજાંમાજાં : શરીરની ખામોશી
ડોસો બ્હારથી થોંથા લાવે : ડોશી લાવે ભાજી.
બન્ને કરતાં એકમેકને વારાફરતી રાજી.

ડોશીના દુ:ખે છે ઘૂંટણ : ડોસો ધીમે ચાલે.
એકમેકનો હાથ પકડી નાટકમાં જઈ મ્હાલે.
સિગારેટના ધુમાડાથી ડોશી જાયે દાઝી.
બન્ને કરતાં એકમેકને વારાફરતી રાજી

બન્નેના રસ્તા જુદા : પણ બન્ને પાછા એક
એકમેક વિના ચાલે નહીં : લખ્યાં વિધિએ લેખ
વરસે તો વરસે એવાં : પણ ક્યારેક રહેતા ગાજી.
બન્ને કરતાં એકમેકને વારાફરતી રાજી.

–  સુરેશ દલાલ

( આભાર – લયસ્તરો)

સાહ્યબા, બોલ…વચગાળા કોણે કર્યા? – ઊર્મિ

hpim0081-sml

(માહતાઈ મેરુની કે ખીણની ?… Lake George, NY… 22 ઑગષ્ટ 2005  Photo: Urmi)

*

આભ ધરાનાં
ક્ષિતિજે સરવાળા-
એ કોણે કર્યા?

*

શબ્દને બોલ, નખરાળા કોણે કર્યા?
અર્થને આમ અણિયાળા કોણે કર્યા?

મેરુની માહતાઈ તો છે ખીણથી,
મોભનાં આમ સરવાળા કોણે કર્યા?

જોખમાશે આ સત્તા બધી ચંદ્રની,
ભર અમાસે આ અજવાળા કોણે કર્યા?

તેં રચી સૃષ્ટિ કેવી આ સોહામણી!
તો પછી આંખે પરવાળા કોણે કર્યા?

પંચતત્ત્વોથી નશ્વર તેં કાયા ઘડી,
પણ મંહી નેહનાં માળા કોણે કર્યા?

આપણો તો હતો મૂળ એક જ ધરમ,
પંથનાં તો આ ઘટમાળા કોણે કર્યા?

જેને મોઘમ ગણી સાચવ્યા મેં હતા,
એજ સ્મરણોને પગપાળા કોણે કર્યા?

હું અને તું કદી પણ જુદા ક્યાં હતા?!
સાહ્યબા, બોલ…વચગાળા કોણે કર્યા?

-’ઊર્મિ’

છંદવિધાન: ગાલગા ગાલગા ગાલગા ગાલગા

ઠાલાં દીધાં છે મારા બારણાં – રમેશ પારેખ અને અનિલ જોશી

સ્વર / સંગીત – રવિન નાયક
કવિ – રમેશ પારેખ અને અનિલ જોશી

ડેલીએથી પાછા મ વળજો, હો શ્યામ
મેં તો ઠાલાં દીધાં છે મારા બારણાં

પાછલી તે રેણની નીંદરની કામળી
આઘી હળસેલતીક જાગું
દયણે બેસુંને ઓલી જમનાના વ્હેણની
ઘુમ્મરીમાં બૂડતી લાગું

બારણાંની તડમાંથી પડતા અજવાસને
ટેકે ઊભી રે મારી ધારણા
મેં તો ઠાલાં દીધાં છે મારા બારણાં

કૂકડાંની બાંગ મોંસૂઝણાંની કેડીએ
સૂરજની હેલ્ય ભરી આવે
કોડના તે કોડિયે ઠરતા દીવાને ફરી
કાગડાના બોલ બે જગાવે

ખીલેથી છૂટતી ગાયુંની વાંભ મુંને
બાંધી લ્યે થઈને સંભારણાં
મેં તો ઠાલાં દીધાં છે મારા બારણાં

ડેલીએથી પાછા મ વળજો, હો શ્યામ
મેં તો ઠાલાં દીધાં છે મારા બારણાં

-રમેશ પારેખ અને અનિલ જોશીની
સહિયારી રચના
[સમયઃ બુધવાર, તા. ૧૬ ઓગસ્ટ, ૧૯૬૭ના
રોજ વહેલી સવારે ૨.૩૦ વાગ્યે]

( શબ્દો માટે આભાર – માવજીભાઇ.કોમ)

નાળવિચ્છેદ – વિવેક મનહર ટેલર

મિત્ર વિવેકની આ ખૂબ જ ગમતી અછાંદસ રચના, આજે એની સાઇટ પરથી સીધી જ અહીંયા – એણે પાડેલા ફોટાઓ, અને એણે લખેલી પ્રસ્તાવના સાથે..!!

Female Cuckoo
(નર કોકિલ….                                                   …….૧૫-૦૪-૨૦૦૯)
(Asian Koel ~ Eudynamys scolopacea Photo : Vivek)

રંગે-રૂપે કાગડા જેવી ભાસતી કોયલને ખુલ્લામાં ઝડપવી થોડું કઠિન છે. ટહુકા કાયમ સાંભળવા મળે પરંતુ ૩૮ વર્ષની ઉંમરમાં છેક ગયા વરસે ઉનાળામાં કોયલના સાક્ષાત્ દર્શન નસીબ થયા. દેવબાગ, કર્ણાટકના જંગલમાં ખુબસૂરત કોયલ જોવા મળી (નીચેનો ફોટોગ્રાફ) અને ગઈકાલે મારા ઘર સામેના અમેરિકન કોટન પર નર કોકિલ (ઉપરનો ફોટો) ખુલ્લામાં દૃષ્ટિગોચર થઈ મને કહે, લે ! તારે મારા ફોટા પાડવા હતા ને ! પાડ હવે….

male cuckoo
(માદા કોયલ…..                    …દેવબાગ, કારવાર, કર્ણાટક, નવે-૨૦૦૮ Photo : Vivek)

*

ગઈકાલે
ભયંકર ડિપ્રેશનમાં હૉસ્પિટલમાં દાખલ થયેલા કાકા
આજે ખુશખુશાલ હતા.
મારી દવાની આટલી ઝડપી અસર ?
કેમ છો કાકા ?
અરે, શું કહું ડોક્ટરસાહેબ ?
આ કંઈ હૉસ્પિટલ નથી,
આ તો હિલ-સ્ટેશન છે, હિલ-સ્ટેશન !
મેં સ્ટથૉસ્કૉપ બાજુએ મૂક્યું.
અરે સાહેબ !
અહીં હૉર્ન ઓછા સંભળાય છે અને ટહુકા વધુ…
કોયલે તો દિ’ આખામાં એક ઘડીનોય વિરામ લીધો નથી
ચકલીનું ચીં ચીં ને કબૂતરનું ઘૂ ઘૂ તો
ઘણા દહાડે કાન ભરી ભરીને સાંભળ્યું.
અને ખિસકોલીની ચિક્ ચિક્ તો શહેરમાં આવ્યો પછી પહેલીવાર સાંભળી
કાગડા, બુલબુલ, કાબર તો ઠીક,
તમારે ત્યાં તો દરજીડો પણ આવે છે…
અચ્છા ! પેલો ઝીણકી ચકલી જેવો જે આવે છે
એ દરજીડો છે ?
તમે તો કાકા ! એક નવા જ ટહુકાની ઓળખ આપી.
…એમની છાતીને અડાડ્યા વિના જ
મેં સ્ટેથોસ્કૉપ ગળામાં પાછું લટકાવી દીધું.
હું શું બોલું ?
દવા પણ શું આપું ?
તમારી સારવાર તો સમજાઈ ગઈ, કાકા
પણ આખી જિંદગી કંઈ હૉસ્પિટલમાં તો રાખી શકાવાનું નથી ને ?!

– વિવેક મનહર ટેલર
(૨૯-૦૪-૨૦૦૮)

(ડૉ. નગીન મોદીને સાદર અર્પણ)

માણસ નામની ધૂળ – નયન દેસાઈ

સ્વર – સંગીત : હરીશભાઇ સોની

.

આ પડછાયા, આ ભીંતો ને આ સૂરજ સૌ શંખ ફૂંકે છે
આ શ્વાસોના સમરાંગણમાં માણસ નામની ધૂળ ઊડે છે

આ દ્રશ્યો જે ચળકે છે તે વીંધે, કાપે, ઊંડે ઉતરે
કિકિયારી કરતા શબ્દોનું આંખોમાં આકાશ ખૂલે છે

બંને હાથની રેખા વચ્ચે પડછાયાને ઉભો રાખો
જોવાદો કે લાગણીઓના દર્પણ તડતડ કેમ ટૂટે છે

– નયન દેસાઈ

થાય છે – વિપિન પરીખ

‘મુન્નાને નિશાળમાં મૂકવાનો સમય પાકી ગયો છે’ – લોકો કહે છે.
એની પા-પા પગલી બહારના વિશ્વ સાથે હાથ મેળવે
એનો સમય થઈ ગયો છે.

રસ્તા ઉપર ઊભરાતી અસંખ્ય મોટરો, બસો,
સાઇકલોથી બચાવી બચાવી
કોણ એને નિશાળને ઉંબરે મૂકશે – ફૂલની જેમ ?

કોણ એના ભેરુ હશે વર્ગમાં? કોઇ તોફાની, જિદ્દી, મશ્કરા :
એને હેરાન તો નહીં કરે ને?
મારો મુન્નો ખૂબ શાંત છે. સામો હાથ પણ નહીં ઉપાડે !

કેવી હશે એની ‘ટીચર’? પ્રેમથી નીતરતી એની આંખો હશે
કે પછી ‘ચૂપ બેસો’ કહેતી સોટી લઈને ઊભી રહેશે
બે કડક આંખો?

થાય છે : મારા નાનકડા ઘરમાં જ એક બાળમંદિર સજાવું.
બાળકોને હસતાંરમતાં ગીત ગાતાં કરું !
અથવા મુન્નાની જોડે રોજ હું જ એની શાળામાં જઈને બેસું, ને જોઉં.
પણ, એના પપ્પા હસી પડે છે, કહે છે : ‘તું ગાંડી છે, -‘

દરેક માએ ક્યારેક તો… વિખૂટા થવું જ પડે છે.
સવાલમાત્ર સમયનો છે !

– વિપિન પરીખ