Category Archives: કવિઓ

પળ મળે! – જયશ્રી વિનુ મર્ચન્ટ

ખુલ્લી પાંપણ પાછળ સંતાયેલી બસ અટકળ મળે;
કોશેટામાં બંધ ભલે પણ રેશમ, રેશમપળ મળે.

પરપોટાની અંદર જ છુપાયેલું લ્યો, એ નીકળે,
શોધો ક્યાં ક્યાં ને અંતે ક્યાંથી જો ગંગાજળ મળે,

અંધારામાં એક કિરણભર અજવાળું બસ, જોઈએ,
ત્યાં તો નભ છલકાવી દેતો પ્રકાશ જ ઝળહળ મળે.

સહુ પ્રશ્નોના ઉત્તર સાથે જ મળે ક્યાંથી જિંદગી?
કદીક પ્રશ્નો કદીક ઉત્તર અમથા સાવ સરળ મળે.

આથી જ અકારણની એની નફરત કરી મેં સદા સહન,
‘‘ભગ્ન’’ ખબર છે કોને, ભલાઈનું શું ને ક્યાં ફળ મળે.

જયશ્રી વિનુ મર્ચન્ટ

પરપોટો ઊંચકીને… – વિનોદ જોશી [કાવ્યસંગ્રહ – ‘ખુલ્લી પાંખે પિંજરમાં’]

​​કવિશ્રી વિનોદ જોશીના ૨૦૨૩માં પ્રકાશિત કાવ્યસંગ્રહ – ‘ખુલ્લી પાંખે પિંજરમાં’ માં સમાવિષ્ટ એમના નવા કાવ્યો આપ સૌની સમક્ષ રજૂ કરતાં ખૂબ આનંદ થાય છે.

સ્વયં કવિશ્રીના અવાજમાં આ ગીતનું પઠન પણ એટલું જ સુંદર!

પરપોટો ઊંચકીને કેડ વળી ગઈ,

હવે દરિયો લાવું તો કેમ લાવું ?
વાદળ ઓઢીને સ્હેજ સૂતી, ત્યાં
ધોધમાર વરસાદે લઇ લીધો ભરડો,
વીજળી ઝબાક પડી પંડમાં
તો પડી ગયો સપનાને મીઠ્ઠો ઉઝ૨ડો;
વહેમીલા વાયરાને વાત મળી ગઈ,
હવે અમથી આવું તો કેમ આવું ?

નખની નમણાશ મારી એવી કે
પાણીમાં પૂતળિયું કોતરાઈ જાતી,
પાંપણ ફરકે ને હવા બેઠી થઇ જાય
પછી એનાંથી હું જ ઓલવાતી;
ઝાકળ ઉલેચવામાં સાંજ ઢળી ગઈ,
હવે સૂરજ વાવું તો કેમ વાવું ?

વિનોદ જોષી

એનો માળો – મુકેશ જોષી

ત્રીજી વેળા એનો માળો પડી ગયો
ચોથી વેળા એણે પાછુ પહેલું તરણું મુક્યુ
કોઈ ચિચિયારીઓ નહી
ન કાગારોળ કે
કલબલાટ નહી

પાંખોમાં હતી એટલી તાકાતથી
બંજર જગ્યાએથી પણ એણે શોધી કાઢ્યાં
કદાચ આ વખતે
એના ઇંડામાંથી
મારી શ્રદ્ધાનો જન્મ થવાનો…

– મુકેશ જોષી

मधुशाला 2 – डॉ. हरिवंशराय बच्चन ગુજરાતી ભાવાનુવાદ/અનુસર્જન – ડૉ. જગદીશ ત્રિવેદી

मधुशाला – 2

प्यास तुझे तो, विश्व तपाकर पूर्ण निकालूँगा हाला,
एक पाँव से साक़ी बनकर साक़ी बनकर नाचूँगा लेकर प्याला;
जीवन की मधुता तो तेरे ऊपर कबका वार चुका
आज निछावर कर दूँगा मैं तुझ पर जग की मधुशाला।

– डॉ. हरिवंशराय बच्चन

તરસ તને તો જગત તપાવી અઢળક હું ગાળીશ મદિરા,
થઈ સાકી બસ એક ચરણ ૫૨ નાચીશ હું લઈને પ્યાલા;
જીવનની મધુરપ તારા ૫૨ યુગયુગથી કુરબાન કરી
આજ કરી દઉં હું ન્યોછાવ૨ તુજ ૫૨ જગની મધુશાલા.

– ડૉ. જગદીશ ત્રિવેદી (ગુજરાતી ભાવાનુવાદ/અનુસર્જન)

એવી ઝરમર તે આપણો સંબંધ – નંદિતા ઠાકોર

કોઇ પૂછે તો નામ કોઇ દઇ ના શકાય
એવો મનહર છે આપણો સંબંધ
કેવો મનભર છે આપણો સંબંધ

કોઇ ટહુકાની જેમ અરે વેરાતું જાય
કોઇ તડકાનું તરણું થઇ અજવાળે ન્હાય
જેમ ઝાકળના ભેજથી ન પામી શકાય
એવી ઝરમર તે આપણો સંબંધ ….

કોઇ ભીતર ને બ્હાર અરે હેાય આરપાર
કોઇ રણઝણતો સૂર ભરી છેડે સિતાર
જેમ આગલાને પાછલા આ જન્મોની
સઘળી યે સરભર તે આપણો સંબંધ ….

નંદિતા ઠાકોર

કોઈ બાળકના નયનમાં એ રીતે વિસ્મય ઊગે – અનિલ ચાવડા

જેમ ડાળી પર ફૂલોનો મ્હેકતો પરિચય ઊગે,
કોઈ બાળકના નયનમાં એ રીતે વિસ્મય ઊગે.

હું સરોવરનો મગર છું કે મને તું છેતરે?
એમ કંઈ થોડાં જ વૃક્ષોની ઉપર હૃદય ઊગે?

છે બધા માણસ સમયની ભૂમિમાં રોપેલ બી,
કાળ વીતે એમ ચ્હેરા પર બધાના વય ઊગે.

ધર્મ માટે આ જમીનો કેટલી ફળદ્રુપ છે,
ક્યાંક કંકુ પણ ખરે તો તર્ત દેવાલય ઊગે.

‘મિત્ર! તેં શ્રદ્ધાઓ જે વાવી’તી એનું શું થયું?’
પૂછવા પાછળ અમારો એ જ છે આશય; ઊગે.

– અનિલ ચાવડા

આવ્યો છે જમાનો ફૂલોનો, આવી છે જવાની ફૂલોની – શૂન્ય પાલનપૂરી

આવ્યો છે જમાનો ફૂલોનો, આવી છે જવાની ફૂલોની,
કળીઓને કહી દો સંભળાવે, રંગીન કહાની ફૂલોની.

સૌંદર્યની ચાહતના પરદે, સૌંદર્યની લૂટા ચાલે છે,
ફૂલે તો બિચારાં શું ફૂલે ! દુશ્મન છે જવાની ફૂલોની.

અધિકાર હશે કંઈ કાંટાનો, એની તો રહી ના લેશ ખબર,
ચિરાઈ ગયો પાલવ જ્યારે, છેડી મેં જવાની ફૂલોની.

ઉપવનને લૂંટાવી દેવાનો આરોપ છે કોના જોબન પર ?
કાંટાની અદાલત બેઠી કાં લેવાને જુબાની ફૂલોની ?

ઝૂરંતો પરિમલ ભટકે છે કાં વહેલી સવારે ઉપવનમાં ?
વ્યાકુળ છે કોના દર્શનની એ રડતી જવાની ફૂલોની ?

બેપળ આ જીવનની રંગત છે, બે પળ આ ચમનની શોભા છે,
સંભળાય છે નિશદિન કળીઓને આ બોધ કહાની ફૂલોની.

તું ‘શૂન્ય’ કવિને શું જાણે ? એ કેવો રૂપનો પાગલ છે ?
રાખે છે હૃદય પર કોરીને રંગીન નિશાની ફૂલોની.

– શૂન્ય પાલનપૂરી

સૂરજનો સાતમો ઘોડો – જયશ્રી વિનુ મર્ચન્ટ

સૂરજના સૌથી નાના
સાતમા ઘોડા જેવી
મારી કવિતા,
કુંતીની જેમ કૃષ્ણને દરેક જનમમાં પામવા,
માગ્યા કરે છે, સતત
વેદના, વ્યથા, દર્દ અને દુઃખનું વરદાન!

સૂરજના સાતમા ઘોડા સાથે છે,
સ્ફૂર્તિ અને તાજગીસભર છ પાણીદાર અશ્વો
છટાથી સૂરજદેવના રથને ગગનમંડળમાં ફેરવે છે એ,
જરાયે થાક્યા વિના!

મારી કવિતાના છ અશ્વો ક્યાં ગયા?

– જયશ્રી વિનુ મર્ચન્ટ

મારી કવિતા – પન્ના નાયક

મારી કવિતા
એમાં મારી શક્તિ છે
એમાં મારી નબળાઈ છે
એમાં મારો મેક-અપ વિનાનો ચહેરો છે
એમાં મારા વિચારોનું સત્ત્વ છે
એમાં આંખોમાંથી વહેલી સચ્ચાઈ છે
એમાં કાચની પારદર્શકતા છે
એમાં મારી લાગણીનો લાવા છે
એમાં જગતભરની સ્ત્રીઓની ધરબાઈ ગયેલી વાચા છે
એમાં દંભીલા સમાજ સામેનો પડકાર છે
એમાં આખાયે આકાશની નીલિમા છે
એમાં વિશ્વનાં સમસ્ત પુષ્પોની સુરભિ છે
એમાં પતંગિયાને નિહાળવાની ક્ષમતા છે
એમાં મૈત્રીનું ગૌરવ છે
એમાં પ્રેમની સાર્થકતા છે
એમાં કોઈ કડવાશ નથી
એમાં કોઈ ગઈ કાલ નથી, કોઈ આવતી કાલ નથી
એમાં કશું મૂકી જવાની ખેવના નથી
એમાં આજની ક્ષણને જીવી જવાની તમન્ના છે.
એમાં પન્ના છે,
ખુલ્લેખુલ્લી ..
ગમે તો સ્વીકારો
નહીં તો…

– પન્ના નાયક

ગાઓ પ્રિયજન – રાજેન્દ્ર શુક્લ

ગાઓ પ્રિયજન

આ લપકે છે તે સાચું છે,
ગઝલ તિહાં લગ ગાઓ, પ્રિયજન !
આ ઝપકે છે તે સાચું છે,
ગઝલ તિહાં લગ ગાઓ, પ્રિયજન !

કાચું તો હમણાં તૂટવાનું, ક્યાં પાકું ય જામોકામી છે ?
આ ધબકે છે તે સાચું છે,
ગઝલ તિહાં લગ ગાઓ, પ્રિયજન !

અતલ અચાનક ઊંડાણોમાં, આંખોમીંચ્યાં અંધારે પણ,
આ તબકે છે તે સાચું છે,
ગઝલ સિંહા લગ ગાઓ, પ્રિયજન !

અહીંથી નીકળી ને ત્યાં જાવું, તો અહીંયા શું ખોટું છે ?
આ ઝબકે છે તે સાચું છે,
ગઝલ તિહાં લગ ગાઓ, પ્રિયજન !

સાંજ સવાર હથેલી ભાલે કુમકુમ કેસર અબિલગુલાલે,
આ ભભકે છે તે સાચું છે,
ગઝલ તિહાં લગ ગાઓ, પ્રિયજન !

– રાજેન્દ્ર શુક્લ