હરિ, દિવાળી કરી ? – રવીન્દ્ર પારેખ

તારે તાર થતા તારાની રાત સુંવાળી કરી,
હરિ, દિવાળી કરી ?

ખૂણે ખૂણે દીવી પ્રગટે તે જોતું આકાશ,
એમ લાગતું ધરતી જાણે દર્પણ ધરતી ખાસ,
રાત, પાંખ લઇને ઊડે ન તેથી તેજની જાળી કરી…
હરિ, દિવાળી કરી ?

હરિ, દીવીની જ્યોત તમે તમને હું ફૂંક ન મારું,
તમે ઊડો તો મારે કરમે રહે ફક્ત અંધારું,
ભલા તેથી તો દીવી સઘળી લોહીને બાળી કરી…
હરિ, દિવાળી કરી ?

આખું આ આકાશ રાતનાં ઝાડની જેમ જ ખૂલે,
તારા જાણે ફૂલ હોય તેમ મઘમઘ ફાલેફૂલે,
ધરતીને કોઇ કલમ કરે તેમ નભની ડાળી કરી…
હરિ, દિવાળી કરી ?

ધમ ધમક ધમ ધમ ધમ…. સાંબેલું…

નાનપણથી સાંભળતી આવી છું આ ગીત, અને તો યે જેટલીવાર સાંભળું એટલીવાર મઝા આવી જાય છે.. મારા નસીબ થોડા સારા કે મેં નાનપણમાં સાંબેલું જોયું છે. પણ આવતી પેઢી ચોક્કસ આ ગીત સાંભળીને પૂછશે કે – સાંભેલું એટલે શુ? 🙂 (આભાર પ્રજ્ઞાબેન, નીચેનો સાંબેલાનો ફોટો મોકલવા માટે..)

.

ધમ ધમક ધમ ધમ ધમ…. સાંબેલું…
અલક મકલનું અલબેલું…. સાંબેલું…
જનમ જનમથી વઉને માથે ભાંગેલું.. સાંબેલું..

જેવી ઘઉંમાં કાંકરી, નણંદ મારી આંકરી
હાલે ના પેટનુ પાણી, એવી મારી દેરાણી.. સાંબેલું..

જેવી ફૂટે ધાણી, એવી મારી જેઠાણી
જેવો કુવો ઉંડો, જેઠ એવો ભુડોં… સાંબેલું..

હોય છો ને બટકો, દિયર વટનો કટકો
લીલી લીલી વાડીઓ, ને સસરો એમાં ચાડિયો.. સાંબેલું..

એવો બાંધો સાસુ તણો, પાણીમાં જેમ ફૂલે ચણો
મીઠો મગનો શીરો, એવો નણંદનો વીરો.. સાંબેલું..

દિવાળી ગઝલ – રવીન્દ્ર પારેખ

એક દીવો હાથમાં લઇ આવ તું,
તે પછી તોફાનને બોલાવ તું.

આંખ છે કે જ્યોત સમજાતું નથી,
સહેજ તો દીવો નજીક લઇ આવ તું.

આભ એ અજવાળી શકવાનો નથી,
એના કરતાં દીવો ઘરમાં લઇ આવ તું.

હોય જ્યાં હૈયું જ ઝળહળતું સદા,
ત્યાં અમસ્તો ના દીવો સળગાવ તું.

ને તને શ્ર્ધ્ધા જ હો કે નહીં ડૂબે,
તો ભલે જળમાં દીવો સરકાવ તું.

કે હવે ક્યાંથી સળગશે જ્યોત થઇ?
થઇ ચૂકી અંધારમાં ગરકાવ તું.

એટલાથી જાત કૈં પરખાય ના –
સેંકડો દીવા ભલે સળગાવ તું.

એ ભલેને હોય મૃત્યુ, શું થયું?
માર્ગમાં એને દીવો બતલાવ તું.

અમે એવા છઇએ – સુરેશ દલાલ.

હમણાં થોડા દિવસો પહેલા સરખા લાગતા ગીતો મોરપિચ્છ અને ટહુકા પર મુક્યા હતા, એ તો યાદ હશે તમને. આજે પણ એક એવું ગીત લઇને આવી છું, કે સાંભળતા હો સુરેશ દલાલને અને રમેશ પારેખ વારે વારે યાદ આવે… ગીતના શબ્દો છે, “તમે માછલી માગો ને અમે દરિયો દઇએ.”.. હવે તમે જ કહો, રમેશ પારેખનું પેલુ ખૂબ જાણીતું “વ્હાલબાવરીનું ગીત – હું તો ખોબો માગું ને દઈ દ્યૈ દરિયો ! ” યાદ ન આવે એવું બને ?

સ્વર : હંસા દવે

dolphines

.

અમે એવા છઇએ, અમે એવા છઇએ.
તમે માછલી માગો ને અમે દરિયો દઇએ.

તમે અમથું જુઓ તો અમે દઇ દઇએ સ્મિત,
તમે સૂર એક માગો તો દઇ દઇએ ગીત,

તમે વાંસળી કહો ત્યાં અમે વૃન્દાવન જઇએ,
અમે તારા બગીચાની માલણ છઇએ.

તમે પગલું માંડો કે અમે થઇ જઇએ પંથ,
અમે ફૂલોની પાંદડીમાં છૂપી વસંત,

તમે પૂછો નહિ અમને અમે કેવા છઇએ,
અમે તારા આકાશમાં પારેવાં છઇએ.

મારા સાથિયામાં એક રંગ ઓછો પડે – અવિનાશ વ્યાસ

rangoli

હે મારા સાથિયામાં એક રંગ ઓછો પડે..

ગોત્યો મેં ઉષામાં, ગોત્યો મેં સંધ્યામાં
ગોતી ગોતી થાકી તો યે ક્યાંક ના જડે…
મારા સાથિયામાં એક રંગ ઓછો પડે..

ઓલ્યો કાજળનો રંગ, ઓલ્યો કુમકુમનો રંગ
ઓલી મહેંદીનો રંગ, ફોર્યાં ફૂલડાંનો રંગ

મારા નંદવાયા કાળજાની કોર ના ચડે..
મારા સાથિયામાં એક રંગ ઓછો પડે..

રંગીલો મોરલો ને નવલી કંકાવટી
સપ્તરંગી લહેરીયું વર્ષા લહેરાવતી

મારી સંગ મારા આંસુનો રંગ પણ રડે..
મારા સાથિયામાં એક રંગ ઓછો પડે..

પુરી અધુરી મારા જીવનની રંગોળી
કોણ એમાં મનગમતો રંગ દેશે ઢોળી

હું રંગથી ભરી છતાં ન રંગ સાંપડે..
મારા સાથિયામાં એક રંગ ઓછો પડે..

– અવિનાશ વ્યાસ

અમે યુ.એસ.એ. ના રહેવાસી…. – ચન્દુ મટ્ટાણી

આમ તો દેશ અને કુટુંબ કાયમ જ યાદ આવે… અને દિવાળીના દિવસો હોય તો તો પૂછવું જ શું ? પછી ઊર્મિએ કહ્યું એમ, દેશમાં દોડી જવાની ઇચ્છા ન થાય તો જ નવાઇ…

મારે તો અમેરિકામાં આ બીજી દિવાળી છે..(અને દિલથી તેમજ કાયદાની રીતે પણ હું હજી ભારતવાસી જ છું.. 🙂 પણ જેઓ વર્ષોથી અહીંયા કે પછી ગુજરાતથી દૂર છે, એમણે તો જે-તે દેશમાં રહીને જ પોતાની અંદરના ગુજરાતને જીવતું રાખ્યું હોય છે. એમની ભાવનાને ખૂબ સરસ રીતે ‘મા ભોમ ગુર્જરી’માં વણી લેવામાં આવી છે. તો એમાંથી એક ગીત આજે સાંભળીએ.. અને થોડા હસી લઇએ.

સાથે સાથે… સૌને મારા તરફથી દિવાળી અને નવ-વર્ષની શુભેચ્છાઓ.

સ્વર : બાલી બ્રહ્મભટ્ટ, આશિત દેસાઇ

america-frame-800

.

અમે યુ.એસ.એ. ના રહેવાસી પણ છીએ દિલથી ભારતવાસી

અમેરિકા તો વર્લ્ડ-ક્લાસ છે મનમાં એવો દમામ
ડોલર-સેંટમાં દીઠા સૌએ અડસઠ તીરથધામ

ન્યુ જર્સી કે મેનહટન વોશિંગટન બાલ્ટીમોર
વેસ્ટ કોસ્ટમાં હોલીવુડ ને ડીઝની કેરો શોર

સાંજ પડે ને સાંભરે અમને ડેડ-મોમ ને માસી
અમે યુ.એસ.એ. ના રહેવાસી પણ છીએ દિલથી ભારતવાસી

મોટલ વાળા પટેલ મગનભાઇ મેક થયા છે ભાઇ
નોખા રહેતા ઇંડિયન થઇ કહેવાયા એન.આર.આઇ

સ્વીચ ઉંધી નળ ઉંધા ચાલે ગાડી ઉંધે પાટે
ક્રિકેટ ગિલ્લી-દંડા છોડી બેઝબોલ માટે બાધે

ગોટ-પિટ ગોટપિટ કરતા જો મોટેલ પર બેઠા માસી
અમે યુ.એસ.એ. ના રહેવાસી પણ છીએ દિલથી ભારતવાસી

વ્યથા હોવી જોઈએ -’મરીઝ’

સ્વર ‘: મનહર ઉધાસ

.

આ મુહોબ્બત છે કે છે એની દયા, કહેતા નથી
એક મુદ્દત થઇ કે તેઓ હા કે ના કહેતા નથી
બે જણા દિલથી મળે તો એક મજલિસ છે ‘મરીઝ’
દિલ વિના લાખો મળે, એને સભા કહેતા નથી

હું ક્યાં કહું છું આપની ‘હા’ હોવી જોઈએ,
પણ ના કહો છો એમાં વ્યથા હોવી જોઈએ.

એવી તો બેદિલીથી મને માફ ના કરો,
હું ખુદ કહી ઊઠું કે સજા હોવી જોઈએ.

મેં એનો પ્રેમ ચાહ્યો બહુ સાદી રીતથી,
નહોતી ખબર કે એમાં કલા હોવી જોઈએ.

પૃથ્વીની આ વિશાળતા અમથી નથી ‘મરીઝ’,
એના મિલનની ક્યાંક જગા હોવી જોઈએ.

દરિયો – 2

dariyo

અનુભવ છે દરિયાના તોફાનનો, પણ
આ રેતીમાં હોડી ખરાબે ચઢી છે.
– ભગવતીકુમાર શર્મા.

અમે તો સમંદર ઉલેચ્યો છે, પ્યારા,
નથી માત્ર છબછબિયાં કીધાં કિનારે;
મળી છે અમોને જગા મોતીઓમાં !
– ‘શૂન્ય’ પાલનપુરી

ખાબોચિયું જ આમ તો પર્યાપ્ત હોય છે,
હોડી ડુબાડવાને તું દરિયો ન મોકલાવ !
– રમેશ પારેખ
કંઇ કેટલા નામનો ઊછળે મારે આંગણ દરિયો:
એમાં એક જ નામ તમારું નાવ થઇને મ્હાલે !
– સુરેશ દલાલ

આમ તો એક બિંદુ છું, કિંતુ
સપ્ત સિંધુથી સંકળાયો છું !
– અમૃત ધાયલ

ડૂબી છે જઇને નાવ અમારી ક્ષિતિજ પર,
દુનિયાનો ખ્યાલ છે કે પાર ઊતરી ગઇ.
– ‘મરીઝ’

સજન-નેહ નિભાવવો ઘણો દોહ્યલો, યાર:
તરવો સાગર હોડકે, સૂવું શસ્ત્રની ધાર.
– નર્મદાશંકર દવે ‘નર્મદ’