Monthly Archives: April 2007

આસપાસ – મનોજ ખંડેરિયા

કૈ શૂન્યતાના થર ચડ્યા અંબરની આસપાસ
એકલતા કેવી વ્યાપી છે ઇશ્વરની આસપાસ

કૂદી પડે છે કાંટા ઉપરથી પ્રથમ, અને –
રઝળ્યા કરે પળો પછી ટાવરની આસપાસ

નીંદરની સાથ જીવ તો ઊડી ગયા પછી
સ્વપ્નોમાં શબ પડી રહ્યાં બિસ્તરની આસપાસ

એકમેકમાં દીવાલ ઘરોની મળી જશે
પહેરો સતત ભર્યા કરો ઉંબરની આસપાસ

હમણાં જ હું હતો ને અચાનક ગયો છું ક્યાં ?
રખડું છું શોધવા મને હું ઘરની આસપાસ.

તારા વિના શ્યામ મને એકલડું લાગે…. – રિષભ Group

આ ગીત ખાસ ટહુકોના શ્રોતાઓ માટે નવેસરથી સંગીતબધ્ધ કરીને મોકલવા માટે અચલભાઇનો ખુબ ખુબ આભાર.

સ્વર : અચલ મહેતા
સંગીત : વિનોદ ઐયંગર
શબ્દો : રિષભ Group

krshna

.

શ્યામ….. શ્યામ…. શ્યામ…. શ્યામ…

તારા વિના શ્યામ મને એકલડું લાગે,
રાસ રમવાને વહેલો આવજે (2)
તારા વિના શ્યામ મને એકલડું લાગે,
રાસ રમવાને વહેલો આવજે (2)
તારા વિના શ્યામ…. (2)

શરદપૂનમની રાતડી,
ચાંદની ખીલી છે ભલીભાતની (2)
તું ન આવે તો શ્યામ,
રાસ જામે ન શ્યામ,
રાસ રમવાને વહેલો આવ… આવ… આવ… શ્યામ
તારા વિના શ્યામ…. (2) Continue reading →

મારા જાગરણના સાથી – હસમુખ પાઠક


મારી એકલતા હવે રહી નથી એકલતા.

નીલ આકાશનો ઉઘાડ,
મંદ મંદ હવા,
ઘાસની સુકુમારતા અને ધરતીની હુંફ,
તારી સાથેના ભાંગ્યાતૂટ્યા શબ્દ,
મારા જાગરણના સાથી.

પોઢી જઇશ ત્યારે ઓઢી લઇશ
તારલિયો અંધકાર,
તારી સ્મૃતિ

ખુશી – ડૉ.વિવેક મનહર ટેલર

જીવનમાં જ્યારે ચૌદિશે છલકાય છે ખુશી,
આંસુ બનીને આંખમાં મલકાય છે ખુશી.

તું આવ કે ન આવ, કહી દે કે આવશે,
જો! કેવી આ તરફ પછી વળ ખાય છે ખુશી.

વિશ્વાસ એકમાત્ર છે આધાર આપણો,
તૂટી ગયો એ જ્યારથી, સંતાય છે ખુશી.

ગાંડી ! રડી નથી પડ્યો, તું વાત મારી માન,
જોઈ તને યુગો પછી ઊભરાય છે ખુશી.

સરનામું જ્યારથી તું આ દિલનું ત્યજી ગઈ,
આવીને પાછી ઘરથી વળી જાય છે ખુશી.

પાંદડુ લીલું ને રંગ રાતો – અવિનાશ વ્યાસ

ગીતકાર અને સંગીતકારઃ અવિનાશ વ્યાસ
સ્વરઃ લતા મંગેશકર ,મહેન્દ્ર કપૂર

mahendi

.

પાંદડુ લીલું ને રંગ રાતો
હે જી મારી મહેંદીનો રંગ મદમાતો….

ભુલી રે પડી હું તો રંગના બજારમાં
લાગ્યો મને રંગ કેરો છાંટો
પાંદડુ લીલું ને રંગ રાતો

રેશમની કાયા તારી જાણે લજામણી
લટકંતી લટ્ટો તારી ભુલ રે ભુલામણી
રૂપને ઘેરીને બેઠો ઘુંઘટનો છેડલો..
વાયરાની લ્હેરમાં લહેરાતો
પાંદડુ લીલું ને રંગ રાતો

રંગરસિયા જરા આટલેથી અટકો
દિલને લોભાવે તારા લોચનનો લટકો
વારી વારી થાકી તો યે છેલ રે છબીલા તુ તો
અણજાણે આંખમાં છુપાતો
પાંદડુ લીલું ને રંગ રાતો

———————

ફરમાઇશ કરનાર મિત્રો : દેવ, નિયંતા, પ્રિત, અંકિત

એક પળ એ એવી દેશે વિતાવી નહીં શકે – મરીઝ

rose buds

કુદરતના ખેલ હાથમાં આવી નહીં શકે,
કળીઓને ગલીપચીથી હસાવી નહીં શકે.

એવા કોઈ સમયને હું ઝંખું છું રાતદિન,
તું આવવાને ચાહે, ને આવી નહીં શકે.

મારા કવનનું આટલું ઊંડું મનન ન કર,
કંઈ યાદ થઈ જશે તો ભૂલાવી નહીં શકે.

ના માંગ એની પાસે ગજાથી વધુ જીવન,
એક પળ એ એવી દેશે વિતાવી નહીં શકે.

વસવું જ હો તો જા જઇ એના જીવનમાં વસ
તારા જીવનમાં એને વસાવી નહીં શકે.

આંખો નિરાશ, ચેહરે ઉદાસી, આ શું થયું ?
જા હમણાં તારો હાલ સુણાવી નહીં શકે.

અંતિમ દર્દ હોય તો આવે છે સ્તબ્ધતા,
સાચો વિરહ છે એ જે રડાવી નહીં શકે.

તે વેળા જાણજે હવે તારી નથી જરૂર,
જ્યારે તને કશું ય સતાવી નહીં શકે.

ઝાહેદ સહજપણે જરા મારાથી વાત કર
કરશે અગર દલીલ તો ફાવી નહીં શકે.

એનો પ્રકાશ આગ નથી તેજ છે ‘મરીઝ’
આશના દીપ કોઇ બુઝાવી નહીં શકે.

રૂબાઇ – ઉમર ખય્યામ

છાયા નીચે શીતલ તરુની સ્થાન એકાંતમાં કો
કાવ્યો થોડાં મધુર ગીતનાં હોય જો મારી પાસ,
સુરપ્યાલો સમીપ વળીને રોટલો એક નાનો
– ને તું ગાતી ! સનમ ! પછી ત્યાં સ્વર્ગની શી જરૂર ?

कुछ मस्तीभरे पल… किशोरदा के संग

આજે થોડા મસ્તીભર્યા ગીતો સાંભળીને હળવા થઇએ..

आके सीधी लगी दिलपे जैसे कटरिया..
ओ सांवरिया….
हो तेरी तिरछी नजरिया….

આમ તો ઘણાને ખબર હશે, પણ તો યે કહી દઉં, કે આ ગીત, જે પહેલી નજરે Duet જણાય છે, એ ખરેખર તો કિશોર કુમારના એકલાના સ્વરમાં ગવાયેલું છે. પદડા પર કિશોરકુમાર ( છોકરીના વેશમાં) અને પ્રાણ; બંને માટે સ્વર કિશોર કુમારનો જ છે…

—————-
C. – A. – T. – CAT ; CAT माने बिल्ली….
R. – A. – T. – RAT ; RAT माने चुहा
अरे दिल है तेरे पंजेमें तो क्या हुआ

एक चतुरनार करके सिंगार
मेरे मनके द्वार.. ये धुसत जात
हम मरत जात….

પૂનમ તારા અજવાળા ઓછા રે પડ્યા – અવિનાશ વ્યાસ

વિરાજ – બીજલ ઉપાધ્યાયના કંઠે ગવાયેલું ‘સૂના સરવરિયાને કાંઠડે‘ ગીત તો તમને યાદ જ હશે. એ જ સુમધુર કંઠે ગવાયેલું, પણ એક અલગ જ દુનિયામાં લઇ જતું આ ગીત. ગીતની શરુઆત જ એટલી ચોટદાર છે કે વાહ… દરેક વ્યક્તિ, વસ્તું, દરેક નાની મોટી વાતનું પોતાનું એક અલગ જ અસ્તિત્વ અને મહત્વ છે, એ વાત ફક્ત એક કડીમાં એટલી અસરકારક રીતે કહી છે કે કદાચ આખો નિબંધ પણ આ વાત આટલી સરળતાથી ન સમજાવી શકે.

લાખ કરે ચાંદલીયો તો યે પ્રગટે ના પરભાત
અને મથી મથી થાકે સૂરજ તો ય ઉગી ન ઉગે પૂનમ રાત.

અને અવિનાશ વ્યાસના શબ્દો અને સૂર હોય, તો તો પછી પૂછવું જ શું ? ત્રણસો વાર આ ગીત સાંભળ્યું હશે, તો યે નક્કી નથી કરી શકી કે ત્રણ માંથી કઇ કડી વધુ ગમે છે.. થોડું ઉદાસ કરી દે એવું આ ગીત, તો યે વારંવાર સાંભળવું ચોક્કસ ગમે જ.

fiji_full_moon

.

ઓછા રે પડ્યા.. ઓછા રે પડ્યા…
પૂનમ તારા અજવાળા ઓછા રે પડ્યા

ભાંગેલા કાળજાની કોર કેરા કટકા
ગોતી ગોતી થાક્યા તો યે કયાંક ના જડ્યા
પૂનમ તારા અજવાળા ઓછા રે પડ્યા

કોઇ થાતુ રાજી ને કોઇ જાતુ દાઝી
આવી તે હોય શું તારી આતશબાજી

લાગી રે લગન કેરી અગન ને ટાળવા
કે લોચન ને મન મારા જોને ઝગડ્યા
પૂનમ તારા અજવાળા ઓછા રે પડ્યા

સ્નેહ કેરી સોયમાં પોર્યો ના પોરાય મારા દલડાનો દોરો
વરસે ચોમેર તારુ અજવાળુ તો યે મારા અંતરનો બાગ રહ્યો કોરો ને કોરો

ધનતાને લૂટતા ખુદ રે લૂટાણાં
કે જાવુ’તુ ક્યાં ને ક્યાં આવી રે ચડ્યા
પૂનમ તારા અજવાળા ઓછા રે પડ્યા

અણગમતી તોય મુને ગમતી અમાસ
સપનાઓ આવે અને પાંપણની પાસ
અંતરનો ચાંદ મારો રહ્યો રે અધુરો
અને હસતા નયણા એ જોને મોતીડા મઢ્યા
પૂનમ તારા અજવાળા ઓછા રે પડ્યા

————

ફરમાઇશ કરનાર મિત્ર : દિનેશ ગુસાણી