Category Archives: મણિલાલ દેસાઇ

કહે કોણે વીંધ્યું એ કુરંગને – મણિલાલ દેસાઈ

સાગરના ઊઠતા તરંગ……Point Bonita, California

મારા આ ઉરના ઉમંગને
કેવી રીતે રે સખી ! ભરી શકું ખોબલે
સાગરના ઊઠતા તરંગને ?

ધીરેધીરે રે કોઈ હાક મને મારતું
ન બોલાવે તોય મને પાસે;
હર શ્વાસે નીતરતો જાણે આ પ્રાણ,
મને લાગે ઝાઝું નૈં જિવાશે
કાલ સુધી આનંદે ઝૂલતું’તું ઉર
કહે કોણે વીંધ્યું એ કુરંગને

ભૂલું ભૂલું ને ફરી પાછું સજાગ થાય
હૈયે સૂતેલું કો ગીત !
દિવસ ને રાત એક વાત રહે અંતરમાં,
આને શું લોક કહે પ્રીત ?
કોણ જાણે ઉત્તર કે દખ્ખણનો વાયરો
લાવે સોનેરી સુગંધને ?

– મણિલાલ દેસાઈ

_______________________

કુરંગ = હરણ

ઊગી જાય જંગલો – મણિલાલ દેસાઇ

કવિ શ્રી મણિલાલ દેસાઇની પૂણ્યતિથિને દિવસે એમને હ્રદયપૂર્વક શ્રધ્ધાંજલી સાથે માણીએ એમની આ ગઝલ…

(વ્હેલી સવારે……જંગલો.. – Muir Woods, California.. May 1, 2010)

વસ્તીની આસપાસ ઊગી જાય જંગલો,
મારા પ્રવાસમાં યે ભળી જાય જંગલો.

તારા એ પ્રેમને હવે કેવી રીતે ભૂલું ?
કાપું છું એક વૃક્ષ, ઊગી જાય જંગલો !

જો તું નથી તો થાય, અહીં કોઇ પણ નથી,
તુજ નામ આસપાસ ઊગી જાય જંગલો.

સૂકું જો ખરે પાન તો એની ખબર પડે,
વ્હેલી સવારે ઘરમાં ફરી જાય જંગલો.

ચાવું છું ભાન ભૂલી તણખલું હું ઘાસનું,
ને મારે રોમ રોમ ઊગી જાય જંગલો.

લીલાં ને સૂકાં પાન ખરે છે ઉદાસીનાં,
ને શૂન્યતાના ઘરમાં ઊગી જાય જંગલો.

– મણિલાલ દેસાઇ

(આભાર – ઊર્મિસાગર.કોમ)

આભમાં – મણિલાલ દેસાઈ

આ ગીત વિશે ધવલભાઈનું કહેવું છે કે–
આ ગીત કાનથી વાંચવાનું ગીત છે. ગીતનો લય એટલો સશક્ત છે કે તમને પરાણે તાણી ન લે તો જ નવાઈ. મારી તો તમને આ ગીત સમજવાની જરાય કોશિષ કર્યા વિના બે-ચાર વાર મોટેથી વાંચવાની વિનંતી છે – લયવમળમાં તમે ન ખેંચાઈ જાવ તો કહેજો ! ગીતમાં સહજ પ્રકૃતિવર્ણન છે… પણ કેટલું મીઠું અને મોહક લાગે છે – એ કવિની હથોટી દર્શાવે છે.

તો મિત્રો, આજે આપણે કાનથી જ આ ગીતને વાંચીએ… 🙂

આભમાં કોયલ કીર કબૂતર ઊડે:
ઝાડ જમીને
નભના નીલા રંગમાં ઘડીક તરતાં ઘડીક બૂડે.

જલની જાજમ પાથરી તળાવ
ક્યારનું જોતું વાટ:
કોઈ ના ફરક્યું કાબરકૂબર
સાવ રે સૂના ઘાટ !
એય અચાનક મલકી ઊઠ્યું ચાંચ બોળી જ્યાં સૂડે.

વાત કે’વાને થડના કાનમાં
ડાળ જ્યાં જરાક ઝૂકી,
તોફાની પેલી ચકવાટોળી
ચટાક દઈને ઊડી.
પવન મધુર સૂરથી ગુંજે વાંસળી વન રૂડે !

– મણિલાલ દેસાઈ

(સાભાર લયસ્તરો પરથી…)

મનામણાં – મણિલાલ દેસાઇ

આજ તો વરસે આભથી પાણી
બ્હાર તો આવ્યું પૂર ને તું તો ઘરમાં સૂતી સોડ રે તાણી.

કાળવી કહી મેઘ શી એમાં
રોફ વળી કંઇ આવડો શાને?
પાતળી કહી કંઇ રેખ શી એમાં
રોષ વળી કંઇ આટલો શાને?

કહીએ નહીં હોય જેવાં લોક, વાત મેં આજે એટલી જાણી –
બ્હાર તો આવ્યું પૂર ને તું તો ઘરમાં સૂતી સોડ રે તાણી.

મન નથી થતું એક વેળા આ
આભ ઝૂકે તેમ ઝૂકવા તને?
મન નથી થતું એક વેળા આ
મોર કૂદે તેમ કૂદવા તને?

ચાલ, પેલા જે મેધઘનુષના રંગ ફૂટે તે દેશની તને કરવી રાણી
બ્હાર તો આવ્યું પૂર ને તું તો ઘરમાં સૂતી સોડ રે તાણી.

આજ તો વરસે આભથી પાણી..

પલ – મણિલાલ દેસાઈ

કવિ શ્રી મણિલાલ દેસાઇ ( જન્મ : 19 જુલાઇ, 1939 ; અવસાન : 4 મે, 1966 )

સંગીત : અજીત શેઠ
સ્વર : હરીહરન

watch

.

સરકી જાયે પલ…
કાળ તણું જાણે કે એ તો વરસે ઝરમર જલ !

નહીં વર્ષામાં પૂર,
નહીં ગ્રીષ્મ મહીં શોષાય,
કોઈના સંગનિ:સગની એને
કશી અસર નવ થાય,
ઝાલો ત્યાં તો છટકે એવી નાજુક ને ચંચલ !

છલક છલક છલકાય
છતાં યે કદી શકી નવ ઢળી,
વૃન્દાવનમાં,
વળી કોઈને કુરુક્ષેત્રમાં મળી,
જાય તેડી પોઢેલાંને યે નવે લોક, નવ સ્થલ !

ઉંબરે ઊભી સાંભળું રે બોલ વ્હાલમના.. – મણિલાલ દેસાઇ

19 જુલાઇ, 2006 ના દિવસે પહેલા ટહુકો પર મુકેલી આ પોસ્ટ આજે નિરુપમા શેઠના સુમધુર કંઠ સાથે ફરીથી રજુ કરું છું
કવિ શ્રી મણિલાલ દેસાઇ ( જન્મ : 19 જુલાઇ, 1939 ; અવસાન : 4 મે, 1966 )

સ્વર : નિરુપમા શેઠ

.

ઉંબરે ઊભી સાંભળું રે બોલ વ્હાલમના;
ઘરમાં સૂતી સાંભળું રે બોલ વ્હાલમના.

ગામને પાદર ઘૂઘરા વાગે,
ઊંઘમાંથી મારાં સપનાં જાગે,
સપનાં રે લોલ વ્હાલમનાં.
ઉંબરે ઊભી સાંભળું રે બોલ વ્હાલમના.

કાલ તો હવે વડલાડાળે ઝૂલશું લોલ,
કાલ તો હવે મોરલા સાથે કૂદશું લોલ,
ઝૂલતાં ઝોકો લાગશે મને,
કૂદતાં કાંટો વાગશે મને,
વાગશે રે બોલ વ્હાલમના.
ઉંબરે ઊભી સાંભળું રે બોલ વ્હાલમના.

આજની જુદાઇ ગોફણ ઘાલી વીંઝશું લોલ,
વાડને વેલે વાલોળપાપડી વીણશું લોલ.
વીંઝતાં પવન અડશે મને,
વીણતાં ગવન નડશે મને,
નડશે રે બોલ વ્હાલમના.
ઉંબરે ઊભી સાંભળું રે બોલ વ્હાલમના;
ઘરમાં સૂતી સાંભળું રે બોલ વ્હાલમના.

આભ – મણિલાલ દેસાઇ

કવિ શ્રી મણિલાલ દેસાઇ ( જન્મ : 19 જુલાઇ, 1939 ; અવસાન : 4 મે, 1966 )

આભને નહીં હોય રે આભની માયા
નહીં તો એ વેરાન કે વને, આવળ બાવળ ઝાડ કે જને
ડોળતું નહીં રહેય રે એની સોનલવરણી છાયા!

વાદળી જરાક ઝૂકતી જરાક ઝરતી ક્વચિત નાવ લઇને નિજની
રહેતી ક્ષિતિજતીરે ફરતી દિવસરાત,
ક્યારેક ખાલીખમ ને ક્યારેક ભરતું ચોગરદમ, બીડેલા રીસમાં
રાધાશ્યામના જેવા હોઠ તો જાણે માંડે ઝાઝી વાત !
ક્યાંક સમાવે પાંખમાં પવન, ક્યાંક પવનને પાંખમાં ભરી
આવતું તરી દૂરથી મૂકી દૂર રે એની કાયા!

ઊતરે જોઇ જલ ને રહે ઝૂકતું જોઇ થલ, જરામાં લાગતાં ઝોકો
વેરાઇ જતું માનવી મનેમંન;
નમતે પ્હોરે તળાવપાળે કુવાથાળે ઊતરી બેસે ચકલાંટોળું,
લાગતું ત્યારે નભને જાણે ભીંજાતું એનું તંન!
કોઇ વેળા વન ઝૂકતાં, ઝાડવાં તૂટતાં, બાગમાં છૂટતા ફૂલફુવારા
એની સાત સમુંદર તરતી રહેતી છાયા!