Category Archives: પૌરવી દેસાઇ

જીરાથી છમકારી છાશ મારા વ્હાલમજી – નિરંજન ભાર્ગવ

આજે એક મસ્ત મઝાનું ગીત માવજીકાકા પાસેથી મળી ગયું, તો થયું કે તમારી સાથે પણ વહેંચી જ લઉં..! જીરાથી છમકારેલી છાશ, તાજું માખણ (દુકાનમાં મળતું ‘બટર’ નહિં, હોં!), અને લાપસીની વાત એક જ ગીતમાં આવી જાય, તો કેટલું સ્વાદિષ્ટ બની જાય ગીત..!! :)

સ્વરઃ પૌરવી દેસાઈ
રચનાઃ નિરંજન ભાર્ગવ
સંગીતઃ નવીન શાહ

જીરાથી છમકારી છાશ મારા વ્હાલમજી
જીરાથી છમકારી છાશ

આખા ઘરમાં છીંકાછીંક બસ
આખા ઘરમાં છીંકાછીંક બસ..

જીરાથી છમકારી છાશ

પપપ રે ગમપ, મમમ સારેગમ, ગગગ મગરેસા

છમકારો તો ચોકટ ચમચ ચમકી ચડી ગયો છે છાપરે
હલકી ફુલકી હવાની ઓઢણી ધમકની ધારે સાસરે

રમતો પુષ્પો કરી રહ્યા છે સવાદિયા થઈ સ્વાદ
પપપ રે ગમપ, મમમ સારેગમ, ગગગ મગરેસા

તાજું માખણ તાજું છે તો શેકું શુકનની લાપસી
મનમાં ગમતી વાત કરી ત્યાં કોણે પૂરાવી ટાપસી

મુંગામંતર બેઠાં’તાં જે ઓલ્યા બારે માસ ઈ
પપપ રે ગમપ, મમમ સારેગમ, ગગગ મગરેસા

જીરાથી છમકારી છાશ મારા વ્હાલમજી

સખી, મારી આંખોમાં ખૂંચે ઉજાગરો -મણિલાલ દેસાઈ

આજે ૧ લી ઓક્ટોબર – એટલે ગુજરાતી સુગમ સંગીતના જાજરમાન સંગીતકાર એવા આપણા ક્ષેમુદાદાનો જન્મદિવસ. એમની સ્મૃતિમાં અમદાવાદમાં જે કાર્યક્રમ હતો, એની માહિતી ટહુકો પર મૂકી હતી એ યાદ છે?

અહીં ટહુકો પર પણ આપણે ક્ષેમુદાદાને યાદ કરી એમને હ્રદયપૂર્વક શ્રધ્ધાંજલી સાથે માણીએ એમનું આ મઝાનું ગીત…! ક્ષેમુદાદા પોતાના સ્વરાંકનો થકી આવનાર કેટલીય પેઢીઓ સુધી ગુજરાતીઓને હ્રદયસ્થ રહેશે..!

(અમર ભટ્ટ, રાસબિહારી દેસાઇ, વિભા દેસાઇકાવ્યસંગીત શ્રેણી : સ્વરકાર શ્રી ક્ષેમુ દિવેટીયા : October 1 : Ahmedabad)

સંગીત : ક્ષેમુ દિવેટીયા
સ્વર : પૌરવી દેસાઈ

Audio clip: Adobe Flash Player (version 9 or above) is required to play this audio clip. Download the latest version here. You also need to have JavaScript enabled in your browser.

સખી, મારી આંખોમાં ખૂંચે ઉજાગરો,
જાગતી’તી શમણાંમાં કેટલીયે રાત, મને તે દિ’ ના લાગ્યો કાંઈ આકરો.

સુણીને મોરલીનો નાદ મધરાતે હું ઝબકીને એવી તો જાગી,
ત્યારથી આ નયણાંને ક્યાંયે ન ગોઠતું ને હૈયાને રઢ એક લાગી;
સખીઓ સૌ સંદેશા કહી કહી થાકી ને તોયે ના આવ્યો કહ્યાગરો,
સખી, મારી આંખોમાં ખૂંચે ઉજાગરો.

આવી મળે ને ભલે મારગમાં કોઈ દિ’ તો કાળિયાનું મ્હોંયે નથી જોવું,
યમુનામાં ધીરેથી પડછાયો પાડતો ને મુરલીને જઈને શું કહેવું !
દાણ રોજ રોજ મને આપવાનું મન થાય એવો આ મુલકનો ઠાકરો,
સખી, મારી આંખોમાં ખૂંચે ઉજાગરો.

-મણિલાલ દેસાઈ

સોના વાટકડી જેવું આ કાળજું – પન્ના નાયક

સ્વર : પૌરવી દેસાઇ,
સંગીત : ક્ષેમુ દિવેટીઆ

sad_sky

This text will be replaced

સોના વાટકડી જેવું આ કાળજું
ને યાદનું કેસર ઘોળ્યા કરું
આંખની સામે જે ચહેરો હતો
એ ચહેરાને હું તો ખોળ્યા કરું.

સાંજનું ઉદાસ આ કેવું આકાશ
અમે ઉડેલાં પંખીને ગોતી રહ્યાં
સૂમસામ પડી છે તારી પથારી
મારા તકિયા પર આંસુઓ મોતી થયાં.

મનમાં ને મનમાં હું તારા આ નામને
એકલી ને એકલી બોલ્યાં કરું.

બારણાની બા’ર આ રસ્તો પડ્યો છે
પણ ચાલવાનું મન મને થાતું નથી.
કંઠમાં અધવચ્ચે અટક્યું છે ગીત
પણ ગાવાનું મન મને થાતું નથી.

ક્યારનો ઉજાગરાનો દીવો બળે છે:
કહે, દીવાને કેમ કરી ઓલવ્યાં કરું.