Category Archives: શૂન્ય પાલનપુરી

શૂન્ય પાલનપુરી શ્રેણીમાંના બધા પોસ્ટ (કક્કાવાર). સંપૂર્ણ પોસ્ટ માટે ક્લીક કરો.

અમો પ્રેમીઓના જીવનમાં વસી છે.. - શૂન્ય પાલનપુરી
અલ્લા બેલી - શૂન્ય પાલનપુરી
આવ્યું છે કોઇ એની ખુશાલીની લા'ણ છે - શૂન્ય પાલનપુરી
આશા… ઉત્સાહ… ખુમારી… પુરુષાર્થ….
ક્ષમા કરી દે ! - શૂન્ય પાલનપુરી
ખરા છો તમે - કૈલાસ પંડિત
ગૌરવ-કથા ગુજરાતની - શૂન્ય પાલનપુરી
જ્યોતિની ગોદમાં છે તિમિરનો ઉછેર પણ - શૂન્ય પાલનપુરી
દરબાર 'શૂન્ય'નો
દરિયો - 2
દૂધને માટે રોતા બાળક - શૂન્ય પાલનપુરી
નૂરે ગઝલ - શૂન્ય પાલનપૂરી
પડછાયો હતો - શૂન્ય પાલનપુરી
પતવારને સલામ - શૂન્ય પાલનપુરી
પરિચય છે મંદિરમાં દેવોને મારો - શૂન્ય પાલનપૂરી
પ્રણયનો વિવેક - શૂન્ય પાલનપુરી
રૂબાઇ - ઉમર ખય્યામ
રૂબાઇયાત - ઉમર ખૈયામ ( અનુ : શૂન્ય પાલનપૂરી )
લો અમે તો આ ચાલ્યા ! -શૂન્ય પાલનપુરી
હું નથી પૂછતો, ઓ સમય! કે હજી ... - શૂન્ય પાલનપુરીદૂધને માટે રોતા બાળક – શૂન્ય પાલનપુરી

‘શૂન્ય પાલનપુરી’ ને એમની પૂણ્યતિથિ નિમિત્તે આપણા બધા તરફથી હ્રદયપૂર્વક શ્રધ્ધાંજલી…!

સ્વર સંગીત – મનહર ઉધાસ
આલ્બમ: અરમાન

(દૂધ ને માટે રોતા બાળક, રો તારા તકદીરને રો….Photo : Operation Shanti)

.

દૂધ ને માટે રોતા બાળક, રો તારા તકદીરને રો
એ ઘરમાં તુ જનમ્યું શાને, જે ઘરમાં ઉપવાસ ફરજ છે,
દર્દ વ્યથા પરીતાપ ફરજ છે, ગમ અશ્રુ નિશ્વાસ ફરજ છે .. દૂધને માટે રોતાં બાળક

ત્યાં જન્મત તો પુષ્પ હિંડોળે નર્મ શયનનાં સાધન હોત
મોટર મળતે, ગાડી મળતે, નર્સનાં લાલન-પાલન હોત
સોના-રૂપાના ચમચાથી દૂધની ધારા વહેતી હોત
તું રડતે તો પ્રેમની નદીઓ તોડી કિનારા વહેતી હોત
પણ તારા દુર્ભાગ્ય હશે કે જન્મ લીધો તેં આ ઘરમાં
ફેર નથી જે ઘરમાં ઇન્સાન અને જડ પથ્થરમાં … દૂધને માટે રોતાં બાળક

હાડ ને ચામનાં ખોખામાં તું દૂધનાં વલખાં મારે છે
મહેનત નિષ્ફળ જાતી જોઇ રોઇને અશ્રુ પાડે છે
આ ઘરની એ રીત પુરાણી આદીથી નિર્માઇ છે
મહેનત નિષ્ફળ જાયે છે, નિષ્ફળ જાવાને સર્જાઇ છે
વ્યર્થ રડીને ખાલી તારો અશ્રુ ભંડાર ન કર
મોંઘામૂલા એ મોતીનો ગેરઉપયોગ લગાર ન કર … દૂધને માટે રોતાં બાળક

તન તોડીને જાત ઘસીને પેટ અવર ભરવાનાં છે
શ્રમ પરસેવે લોહી નિતારી મહેલ ઊભાં કરવાનાં છે
એના બદલે મળશે ખાવા ગમ ને પીવા આંસુડા
લાગશે એવાં કપરાં કાળે અમૃત સરખા આંસુડા … દૂધને માટે રોતાં બાળક

ભુખ્યા પેટ ને નગ્ન શરીરો એ તો છે દસ્તુર અહીં
ચેન અને આરામ રહે છે સ્વપ્ન મહીં પણ દૂર અહીં
આ ઘરમાં તો એવી અગણીત વાતો મળવાની
ભુખના દા’ડા મળવાના ને પ્યાસની રાતો મળવાની
આ ઘરમાં ઉપવાસ ફરજ છે, દર્દ વ્યથા પરીતાપ ફરજ છે,
ગમ અશ્રુ નિશ્વાસ ફરજ છે, આ ઘરમાં તું જનમ્યું શાને… દૂધને માટે રોતાં

– શૂન્ય પાલનપુરી

શબ્દો માટે આભાર – મીતિક્ષા.કોમ

નૂરે ગઝલ – શૂન્ય પાલનપૂરી

આજે કવિ શ્રી શૂન્ય પાલનપૂરીનો જન્મદિવસ… એમને આપણા સૌ તરફથી શ્રધ્ધાંજલી સાથે, સાંભળીએ એમની આ મઝાની ગઝલ. આ ગઝલના શબ્દો તો ટહુકો પણ ઘણા વખતથી છે, આજે મનહર ઉધાસના સ્વર -સંગીત સાથે ફરી એકવાર…

નીચે વિવેકની ટીપ્પણી છે એમ – ગઝલ પર લખાયેલી ગઝલો યાદ કરીએ તો આ ગઝલ એમાં ટોચની રચનાઓમાં આવે જ.

સ્વર – સંગીત : મનહર ઉધાસ

sketch_poster_PH74_l

.

આંખડી છેડે સરગમ, હૃદય તાલ દે,
અંતરો ગાય પંચમના સૂરે ગઝલ;
દર્દ અંગડાઇ લે, પ્રેમ ઝૂમી ઊઠે,
રૂપ ઝણકાવે પાયલ ને સ્ફુરે ગઝલ.

દ્રશ્ય સર્જાય મોંઘું મિલનનું અને
સાથિયા ચાંદ-સૂરજના પૂરે ગઝલ;
દોર ગોઝારો જામે વિરહનો અને
રાતના ઘોર સન્નાટે ઝૂરે ગઝલ.

ઊર્મિઓને કશું ક્યાંય બંધન નથી,
લાગણી મુક્ત છે સ્થળ અને કાળથી;
બુલબુલોએ રચી ગુલશનોમાં અને
આમ્ર-કુંજોમાં ગાઇ મયૂરે ગઝલ.

બે ધડકતા દિલોની કહાણી બને,
રંગ ભીની કરુણાની લ્હાણી બને,
પ્રેમ ને રૂપની દિવ્ય વાણી બને,
તો જ પહોંચી શકે દૂર દૂરે ગઝલ.

દેહના કોડિયે, પ્રાણની વાટને,
લોહીમાં ભીંજવીને જો બાળી શકો,
તો જ પ્રગટી શકે દર્દની મહેફિલે,
દિલને રોશન કરે એવું નૂરે ગઝલ.

જન્મ-મૃત્યુ છે, મત્લા ને મકતા ઉભય,
શ્વાસના કાફિયા, જિંદગીનો વિષય;
રંગ લૌકિક છે પણ અલૌકિક લય ,
ગાય છે ‘શુન્ય’ ખુદની હજૂરે ગઝલ.

ગૌરવ-કથા ગુજરાતની – શૂન્ય પાલનપુરી

સૌને મારા તરફથી ગુજરાતદિનની ખૂબ ખૂબ શુભેચ્છાઓ…

સંગીત: મેહુલ સુરતી
સ્વર: ભાવિન શાસ્ત્રી
ગાયકવૃંદ: નૂતન સુરતી, ધ્વનિ દલાલ, વ્રતિની ઘાડઘે

(ચંદ્ર ને સૂરજ કહે છે રાતદિ’, ‘જય સોમનાથ!’…. )

* * * * * * *

વિશ્વને રોશન કરી ગઇ દીપિકા ગુજરાતની,
સૂર્ય પણ જોતો રહ્યો જ્યોતિ-કલા ગુજરાતની.

‘ડાંગ’ માર્યાથી કદી પાણી જુદાં થાતાં નથી,
દુશ્મનોએ જોઇ છે ક્યાં એકતા ગુજરાતની?

મુક્તિ કેરા ગાલ પર લાલી અમસ્તી ના ગણો,
રંગ લાવી છે શહીદી-ભાવના ગુજરાતની.

ભાગ્ય પર પુરુષાર્થની મારી છે લોખંડી મહોર,
ભૂલશે ઇતિહાસ ના ગૌરવ-કથા ગુજરાતની.

ચંદ્ર ને સૂરજ કહે છે રાતદિ’, ‘જય સોમનાથ!’
કાળના હૈયે જડી છે અસ્મિતા ગુજરાતની.

માતા કેરા ચીર સાથે ખેલનારા! સાવધાન!
કૈં મહાભારત ન સર્જે ઉર વ્યથા ગુજરાતની.

શૂન્ય, મારી જિંદગીને તો જ લેખું ધન્ય હું,
મૃત્યુ ટાણે પણ મળે જો ગોદ ‘મા’ ગુજરાતની.

-’શૂન્ય’ પાલનપુરી

——————–
ગુજરાતના અને ગુજરાતીઓના ગુણગાન ગાતા બીજા થોડા ગીતો ટહુકો પર અહીં માણી શકો છો : ગુજરાતગીત

લો અમે તો આ ચાલ્યા ! -શૂન્ય પાલનપુરી

‘શૂન્ય પાલનપુરી’ ને એમની પૂણ્યતિથિ નિમિત્તે આપણા બધા તરફથી હ્રદયપૂર્વક શ્રધ્ધાંજલી…!

જેણે તુષાર શુક્લનું હસ્તાક્ષર સાંભળ્યું હશે – એને માટે ‘લ્યો, અમે તો આ ચાલ્યાં..’ – શબ્દો જરાય અજાણ્યા ન હોય. એજ રદીફ-કાફિયા સાથેની શૂન્ય પાલનપુરીની આ ગઝલ જો કે કંઇ અલગ રંગો ઉપસાવે છે.

લયસ્તરો પર વિવેકભાઇએ રજૂ કરેલી આ બંને ગઝલો અને સાથે એનો કરાવેલો આસ્વાદ જરા પણ ચુકવા જેવો નથી..

ગઝલ – તુષાર શુક્લ

ગઝલ – શૂન્ય પાલનપુરી

————–

રાગ કેરી પ્યાલીમાં, ત્યાગની સુરા પીને, લો અમે તો આ ચાલ્યા !
જિંદગીની મસ્તીને આત્મ-ભાન આપીને, લો અમે તો આ ચાલ્યા !

બુદ્ધિ કેરી વીણા પર લાગણી આલાપીને, લો અમે તો આ ચાલ્યા !
દર્દહીન દુનિયામાં દિલનું મૂલ્ય સ્થાપીને, લો અમે તો આ ચાલ્યા !

સૃષ્ટિના કણેકણમાં સૂર્ય જેમ વ્યાપીને, લો અમે તો આ ચાલ્યા !
જાન કેરા ગજ દ્વારા કુલ જહાન માપીને, લો અમે તો આ ચાલ્યા !

ધર્મના તમાચાઓ, બેડીઓ પ્રલોભનની, કોરડા સમય કેરા;
એક મૂંગી શ્રદ્ધાની વેદનાઓ માપીને, લો અમે તો આ ચાલ્યા !

ધૈર્ય કેરા બુટ્ટાઓ, પાંદડી ક્ષમા કેરી, વેલ છે કરુણાની,
પ્રાણના પટોળા પર, દિવ્ય ભાત છાપીને, લો અમે તો આ ચાલ્યા !

થાય તે કરે ઈશ્વર ! ભાન થઈ ગયું અમને, આપ-મુખ્ત્યારીનું !
દમ વિનાના શાસનની આજ્ઞા ઉથાપીને, લો અમે તો આ ચાલ્યા !

શૂન્યમાંથી આવ્યા’તા, શૂન્યમાં ભળી જાશું, કોણ રોકનારું છે ?
નાશ ને અમરતાની શૃંખલાઓ કાપીને લો અમે તો આ ચાલ્યા !

-શૂન્ય પાલનપુરી

પડછાયો હતો – શૂન્ય પાલનપુરી

આ ગઝલ કેરી ઇમારત છે અડીખમ આજ પણ,
એના પાયે ‘શૂન્ય’ કેરો પ્રાણ પૂરાયો હતો.

શૂન્ય પાલનપૂરીની આ ગઝલ.. આમ તો લગભગ ૨ વર્ષથી ટહુકો પર છે જ.. આજે ફરી એકવાર, સ્વર-સંગીત સાથે..
ગમશે ને?

સ્વર : સંગીત : ??

.

ડગલે પગલે ભવમાં હું જેનાથી ભરમાયો હતો,
કોને જઇ કહેવું કે એ મારો જ પડછાયો હતો ?

ભેદ અનહદનો મને ત્યારે જ સમજાયો હતો,
જે દિવસે હું કોઇની નજરોથી ઘેરાયો હતો.

નામ પર મારા કોઇ શરમાય એ એની કસૂર ?
હું વિના વાંકે જીવન આખું વગોવાયો હતો.

ખુદ ઉષા-સંધ્યા ન એનો દઇ શકી કોઇ જવાબ,
લોહીથી સૂરજનો પાલવ કેમ ખરડાયો હતો ?

તારી આંખોના ઇશારે મારી એકલતા ટળી,
ભરસભામાં હું નહિતર ખૂબ મૂંઝાયો હતો.

માફ કરજે થઇ શક્યું ના આપણું જગમાં મિલન,
ભીડ કૈં એવી હતી કે હું જ રઘવાયો હતો.

આ ગઝલ કેરી ઇમારત છે અડીખમ આજ પણ,
એના પાયે ‘શૂન્ય’ કેરો પ્રાણ પૂરાયો હતો.