દરબાર ‘શૂન્ય’ નો – ‘શૂન્ય’ પાલનપૂરી ની પ્રતિનિધિ ગઝલો નો સંચય
સંપાદક – મુસાફિર પાલનપૂરી
તરંગોથી રમી લે છે, ભંવરનું માન રાખે છે,
નહીંતર નાવ પોતે સેંકડો તોફાન રાખે છે.
અવિરત શૂન્યનું અંતર કોઈનું ધ્યાન રાખે છે,
પ્રણય-જામે અનોખું રૂપનું મદ્યપાન રાખે છે.
પળેપળ મોકલે છે ચોતરફ સંદેશ મોજાંથી,
સમંદર ડૂબતાનું સર્વ વાતે ધ્યાન રાખે છે.
તમારી યાદમાં સળગે છે રોમેરોમ તોપણ શું ?
હંમેશાં ખેલદિલ ખેલી નિયમનું માન રાખે છે.
દરદ છે એટલે તો જિંદગીમાં જાન બાકી છે,
પ્રણય છે એટલે સૌ રૂપનું સન્માન રાખે છે.
ધરીને ‘શૂન્ય’ બેઠો છે ઉરે ટુકડાઓ પ્યાલીના
અમરતાનો પૂજારી પણ ફનાનું ભાન રાખે છે.
– ‘શૂન્ય’ પાલનપૂરી