દરબાર ‘શૂન્ય’ નો – ‘શૂન્ય’ પાલનપૂરી ની પ્રતિનિધિ ગઝલો નો સંચય
સંપાદક – મુસાફિર પાલનપૂરી
તેજઅંધારે
જ અંત આદિમાં, તું જ તેજઅંધારે;
તું જ સાર છે કેવળ, આ અસાર સંસારે,
પથ્થરો તરે છે તો, એક અજું છે મારે,
મુજ જીવનની નૌકા પણ જઈ ચઢી છે મજધારે.
જન્મના સકળ ફેરા લેશ પણ નથી ભારે,
હું બધુંયે સમજું છું તું જ આવશે હારે.
એ જ આશ્વાસનથી શ્વાસ લઉં છું સંસારે,
ક્યાંક તું મળી જાશે, કોઈ નામ-આકારે.
રોમેરોમ ચાલે છે એ જ નામની રટના,
ઝેર પણ બને અમૃત જેના એક ઉદ્ગારે.
ભક્તજનની નજરોનાં પારખાં નથી સારાં,
એક દી’ બતાવીશું આપને નયનદારે.
ધન્ય મારાં પાપોને, મેળવી તો દે છે એ,
કોઈ પણ બહાનાથી, એક ન એક અવતારે !
આપદામાં પૂરો છો ચીર નવર્સે નવ્વાણું;
ત્રણ એમ રાખો છો ચીંથરીનું પણ ક્યારે !
મેં જ ખોટ પૂરી છે ‘શૂન્ય’ તારા સર્જનની,
તું મને જ તરછોડે ? તું મને જ ધિક્કારે ?
– ‘શૂન્ય’ પાલનપૂરી