Category Archives: ઉદયન ઠક્કર

અધવચ્ચે ઉભેલી સ્ત્રીનું ગીત – ઉદયન ઠક્કર

સ્વરકાર: અમર ભટ્ટ
સ્વર : દીપ્તિ દેસાઈ
આલબમ : શબ્દનો સ્વરાભિષેક

.

મને અધવચ્ચે અધવચ્ચે ઊભેલા રહેવાની ટેવ શી પડી ગઈ છે જાણે.
મારા પૈણાજી કેરી હું સોડમાં સૂતી,ને મુઆ તારા ચ્હેરાને કાં ભાળું?
કશું કાંઠાઓ ભાંગીને આવે છે, હું એને રેતીના ઢૂવાથી ખાળું.
જોકે પૈણાનું સરવરિયું મીઠું, પણ વ્હેવાની ટેવ શી પડી ગઈ છે જાણે:
મને અધવચ્ચે અધવચ્ચે ઊભેલા રહેવાની ટેવ શી પડી ગઈ છે જાણે.
હું તો આ રે આંગણનું સાવ પાળેલું પંખી,ને પૈણાનાં દાણ ચણું, મીઠાં,
ને બોલ પાછલે પરભાતે મેં ટહૌકાઓ રીતસર હારબંધ ઊડતા દીઠા!
કેમ પાંખ્યું ફફડે છે ? મેં તો માન્યું કે સ્હેવાની ટેવ શી પડી ગઈ છે જાણે
મને અધવચ્ચે અધવચ્ચે ઊભેલા રહેવાની ટેવ શી પડી ગઈ છે જાણે…
મને અધવચ્ચે અધવચ્ચે
– ઉદયન ઠક્કર

કઈ તરકીબથી પથ્થરની કેદ તોડી છે ? – ઉદ્દયન ઠક્કર (Web Sangoshti with Shyamal Saumil)

વર્ષોથી ટહુકો પર ગૂંજતી આ ગઝલ – આજે એક વધારાના બોનસ સાથે ફરી એકવાર… સ્વરકારો પાસેથી આ સ્વરાંકન વિષેની મઝાની વાતચીત સાથે…!!

આખી ગઝલ નીચે સાંભળો, અને સાથે ગઝલમાં આવતા ‘ગપોડી’ ચંદ્રની વાત પણ વાંચો!

**************
Posted on August 6, 2010

થોડા દિવસ પહેલા લયસ્તરો પર લટાર મારતા મારતા આ ગઝલ પર પહોંચી – અને એક મઝેદાર વાત વાંચવા મળી – તો મને થયું ચલો, તમારી સાથે આ ગઝલ અને એ વાત વહેંચી લઉં – એ પણ શ્યામલ-સૌમિલના સ્વરાંકનના બોનસ સાથે 🙂

ધવલભાઇએ લયસ્તરો પર આ ગઝલ સાથે એના ચંદ્રવાળા શેર માટે કંઇક આવી note મૂકી’તી – “ચંદ્ર તો ગપોડી છે – એ શેર મનને ગમી જાય એવો શેર છે પણ એનો બૃહદ અર્થ મને સમજાતો નથી.”

આ વાત તો કવિ શ્રી ઉદ્દયનભાઇએ કંઇક આવો જવાબ આપ્યો :
The moon makes a false claim that the world is silvery. Walter de la Mare says,
`Slowly,silently,now the moon
Walks the night on her silver shoon
This way and that she peers and sees
Silver fruit upon silver trees!`

સ્વર-સંગીત : શ્યામલ-સૌમિલ મુનશી

.

કઈ તરકીબથી પથ્થરની કેદ તોડી છે ?
કૂંપળની પાસે શું કુમળી કોઈ હથોડી છે ?

તમારે સાંજને સામે કિનારે જાવું હો,
તો વાતચીતની હલ્લેસાં-સભર હોડી છે.

સમસ્ત સૃષ્ટિ રજત બન્યાનો દાવો છે,
હું નથી માનતો; આ ચંદ્ર તો ગપોડી છે !

ગઝલ કે ગીતને એ વારાફરતી પહેરે છે:
કવિની પાસે શું વસ્ત્રોની બે જ જોડી છે ?

– ઉદ્દયન ઠક્કર

એક પ્રશ્નપત્ર -ઉદયન ઠક્કર

કવિ શ્રી ઉદયન ઠક્કરનો ખૂબ જ જાણીતો પ્રશ્નપત્ર.. આજે તમારા માટે..!! .. કવિ એ સવાલો આપ્યા.. અને હું લઇ આવી અહીં સુધી.. હવે જવાબો કોને આપવા – કેવા આપવા… પાસ થવું કે નાપાસ – એ બધું તમારા હાથમાં..!! 🙂

*******

1. હાથ પરોવો હાથોમાં ને આંગળીઓની વચ્ચે રહેલી ખાલી જગ્યા પૂરો.

2. અને આમ તો તમે ય મારી વાટ જુઓ છો, કેમ, ખરું ને…
‘હા’ કે ‘ના’માં જવાબ આપો.

3. (આવ, હવે તો ભાદરવો વરસાદ થઈને આવ, મને પલળાવ !)
કૌંસમાં લખ્યા પ્રમાણે કરો.

4. નાની પ્યાલી ગટગટ પીને ટાઢા પેટે હાથ ફેરવી હું તો જાણે બેઠો’તો, ત્યાં તમને જોયાં. તમને જોઈ તરસ્યો તરસ્યો તરસ્યો થ્યો છું : રસ-આસ્વાદ કરાવો.

5. શ્વાસોચ્છવાસો કોના માટે? કારણ પૂરાં પાડો.

6. છેકાછેકી બને તેટલી ઓછી કરવી.
(સાફસૂથરો કોરોકટ બસ તને મળ્યો છું)

7. ‘તમને હું ચાહું છું, ચાહીશ.’ કોણે, કયારે, કોને, આવી પંક્તિ(નથી)કહી?

8. હવે ખુલાસો. આ લો મારું નામ લખ્યું કાગળ પર, તેને ચૂમો. નહીંતર કેન્સલ વ્હોટ ઈઝ નોટ એપ્લીકેબલ.

* * *

(આભાર લયસ્તરો)

આપી દઉં – ઉદયન ઠક્કર

રૂપ રહેવા દે મ્યાન, આપી દઉં
ખંડણીમાં ગુમાન આપી દઉં

ભૂલથી પણ એ ભાવ પૂછે તો…
આખે આખી દુકાન આપી દઉં

મોસમે પૂછ્યું, આંખ મિચકારી
‘એક ચુંબન શ્રીમાન આપી દઉં?’

પાનખર આવે તો ભલે આવે
એને પન માન-પાન આપી દઉં

કાં તો ભમરાને ગાન ના આપું
કાં તો કળીઓને કાન આપી દઉં

બોલ્યા પંડિત પતંગિયું જોઇ
‘ક્યારે પકડું, ને જ્ઞાન આપી દઉં!’

ગઝલ – ઉદયન ઠક્કર

પ્રેમ છે આ, અહીં તો ચૂપ રહેનારના થાય બેડા પાર, જેવી વાત છે
હંસલી અને હંસ વચ્ચે ઝૂલતા કાચબાના ભાર જેવી વાત છે

દ્રાક્ષને પોતે લચી પડવું હતું, એટલામાં લોમડી ચાલી ગઇ
દ્રાક્ષ ખાટી નીકળી કે લોમડી જે ગમે તે ધાર, જેવી વાત છે

એક દિવસ શેરડીના ખેતરે જાણિતા કવિ પેસી ગયા
ના, હું તો ગાઇશ, બોલ્યા, મેળવ્ય યોગ્ય પુરસ્કાર, જેવી વાત છે

લીલીછમ વાડીએ જઇને મેં પૂછ્યું, કુમળો એક અંતરાત્મા રાખું કે ?
આજુબાજુ જોઇ પોતાને કહ્યું, રાખને દસ-બાર… જેવી વાત છે

વાતે-વાતે ગર્જના શાને કરે ? સિંહ જેવો થઇને છાયાથી ડરે ?
કાં તો ચહેરો ઓળખી લે પંડનો, કાં તો કૂદકો માર, જેવી વાત છે

દિગ્દિગંતોનો ધણી દુષ્યંત ક્યાં? ક્યાં અબુધ આશ્રમનિવાસી કન્યકા ?
આંખમાં આંખો પરોવાઇ ગઇ, બે અને બે ચાર જેવી વાત છે

જો ગધેડો ઊંચકીને જાય છે, બાપ-બેટાનો તમાશો થાય છે
મત બધાના લે તો બીજું થાય શું ? આપણી સરકાર જેવી વાત છે

સમંદરપારના પંખી – ઉદયન ઠક્કર

જરા તું મારી ઉપર પણ ભરોસો રાખીને તો જો,
શું કામ  આ વારે વારે મોકલાવે છે ફિરસ્તાઓ ?
સમંદરપારના પંખીને તું દે છે કયો નકશો ?
છતાં એ ગોતી લે છે, એની રીતે, એના રસ્તાઓ

પરોઢનાં ચિત્રો – ઉદયન ઠક્કર

આ ગઝલમાં જેમ સુંદર સવારનું વર્ણન છે, એમ નવા વર્ષની દરેક સવાર જીવનમાં વધુ સુંદરતા લાવે એવી દરેકને હાર્દિક શુભેચ્છાઓ… !!

happy new year

બરફવાળા ગોળાની લિજ્જત હશે
સૂરજની ઉપર, રાતું શરબત હશે !

જુઓ, સૂર્યની લાલ આંખો જુઓ !
જરૂર રાત્રે કોઇ જિફાયત હશે…

સૂરજ બૂલડોઝર અને તારલા…
એ ઝૂંપડીમાં કચડાતી રૈયત હશે !

સવારે છે માણેક, બપોરે હીરો !
સૂરજની કિંમત વિશે, બે મત હશે.

સૂરજ લિ.ના ઇસ્યૂનું ભરણું ખૂલ્યું :
દરેક ડાળે કલબલને મસલત હશે.

નકર તારલા રાતપાળી ન લે …
ટકા વીસ બોનસની સવલત હશે.