|
|
By Jayshree, on March 19th, 2010 in અછાંદસ , ન્હાનાલાલ કવિ |
પ્રાચીનોમાંયે પ્રાચીન,
પૃથ્વીની પહેલી પુત્રી
છે આર્યાવર્તની આર્યપ્રજા.
જગતના મહાધર્મોની ધાત્રી,
પૃથ્વીના તત્વજ્ઞાનની જનની
પ્રેમશૌર્યના રણશિંગડા સરિખડી
ગગનભેદી સદા કવિતા ગાતી,
વેદોચ્ચારિણી યશસ્વિની અંબા
ભારતમાતા બીજી નથી અવનિ ઉપર.
એના વિજયટંકાર રક્તરંગી નથી,
દેહના નહીં, પણ દૈવી છે;
આત્માની પરમ શાન્તિના છે;
જડના નથી, ચેતનના છે
માટે જ દૃશ્ય છે ચેતનદ્રષ્ટાને.
યુગયુગથી લૂંટાય ત્હોય
સદા શણગારવતી શોભતી :
સૈકે-સૈકે ઘવાય ત્હોય
સદાની એ સજીવન.
નક્ષત્રમાલાની પરંપરા સમી
ત્હેના ધર્મોદ્ધારકોની પરંપરા
બીજું આકાશ હોય
તો દાખવાય ત્હેમાં.
સમસ્ત દુનિયાના ઈતિહાસનું
મધ્યબિંદુ છે એશિયા :
ને ભરતખંડની મહાકથા છે
એશિયાના ઈતિહાસનું કેન્દ્ર.
પૂર્વ અને પશ્ચિમનાં પલ્લાંની
દાંડી ભારત છે;
ને ઉભય ગોલાર્ધની દૈવી સંપત્તિ
તોળશે તે નજીકના ભવિષ્યમાં.
– ન્હાનાલાલ કવિ
(આભાર - લયસ્તરો.કોમ)
Share on Facebook
એક વર્ષ પહેલા : ગોવિંદો પ્રાણ અમારો - મીરાંબાઈ
બે વર્ષ પહેલા : શૈશવ જો ઓચિંતુ આવી ભટકાય તો - હિતેન આનંદપરા
ત્રણ વર્ષ પહેલા : વગડાની વચ્ચે વાવડી ને વાવડીની વચ્ચે દાડમળી - અવિનાશ વ્યાસ
By Jayshree, on January 9th, 2010 in ગીત , ગુજરાતગીત , ન્હાનાલાલ કવિ |
આજે ગુજરાતના મહાકવિ શ્રી ન્હાનાલાલની પુણ્યતિથિ. (જાન્યુઆરી ૯, ૧૯૪૬). ૧૯૬૦માં ગુજરાત રાજ્યની સ્થાપનાને આ વર્ષે ૨૦૧૦માં ૫૦ વર્ષ થશે, એટલે ગુજરાત અને ગુજરાતીઓ આ વર્ષે સ્વર્ણિમ ગુજરાત ઉજવી રહ્યા છે, તો ટહુકો પર પણ આપણે વારેવારે ગુજરાતગીતો વાંચતા - સાંભળતા જ રહીશું.
તો આજે કવિ શ્રી ન્હાનાલાલને શ્રધ્ધાંજલી સાથે માણીએ આ મઝાનું ગુર્જરગીત..!

ધન્ય હો ! ધન્ય જ પુણ્યપ્રદેશ !
અમારો ગુણિયલ ગુર્જ-દેશ.
કૃષ્ણચંદ્રની કૌમુદી ઊજળો, કીધ પ્રભુએય સ્વદેશ…ધન્ય.
આર્યનું સાગરતીર્થ પુરાણ,
તપોવન ભૃગુવસિષ્ઠના ભાણ;
ગીતાના ગાનારા મહારાજ
પાર્થના સારથિનાં જ્યાં રાજ્ય;
ગ્રીસરોમથીય જૂના કુરુપાંડવથીયે પ્રાચીન,
સોમનાથ,ગિરિનગર,દ્વારિકા;
યુગયુગ ધ્યાનવિલીન.
ઊભીને કાલસિન્ધુને તીર બજાવે બંસરી ભવ્ય સુધીર…ધન્ય.
સ્થળેસ્થળ નવ પલ્લવના પુંજ,
નદીને તળાવ કેરી કુંજ;
કોમળી કવિતા સમ સુરથાળ
સિન્ધુ જ્યાં દે મોતીના થાળ;
જૂગજૂનાં નિજ ગીત ગર્જતો, ફરતો સાગર આજ;
કેસર ઊછળી ઘૂઘવે ગરવો વનમાં જ્યાં વનરાજ:
ગિરિગિરિ શિખરશિખર સોહન્ત
મંન્દિરે ધ્વજ ને સન્તમહન્ત…………………..ધન્ય.
પૂર્વથી પશ્ચિમ વહે પ્રકાશ,
વ્હાણ ભરી વહેતી તેમ નિકાસ;
મોહી આંગણ ઊતર્યો જ યુરોપ,
વીણવા વાડીના ફૂલ-રોપ;
વીણી ન વણસે પુણ્યપાંગરી
અમ રસભૂમિની છાબ;
જગમોહન મુંબઈનગરી જુઓ !
શું પાથર્યો કિનખાબ;
નિત્ય નવ ફૂલે ખીલે અભિરામ
લક્ષ્મીમ્હોર્યાં લક્ષ્મીનાં ધામ…………………….ધન્ય.
ચોળી, ચણિયો, પાટલીનો ઘેર,
સેંથલે સાળુની સોનલ સેર;
છેડલે આચ્છાદી ઉરભાવ,
લલિત લજ્જાનો વદન જમાવ;
અંગ આખેયે નિજ અલબેલ;
સાળુમાં ઢાંકતી રૂપની વેલ;
રાણકતનયા, ભાવશોભના, સુંદરતાનો શું છોડ ?
આર્ય સુન્દરી ! નથી અવનીમાં તુજ રૂપગુણની જોડ:
ભાલ કુંકુમ, કર કંકણ સાર,
કંથનાં સજ્યાં તેજશણગાર………………………..ધન્ય.
ખેતરો નાનાં, નાની શી પોળ,
નાતજાતે નાનડિયાં ઘોળ;
ક્ષત્રીજાયાનાં નાનલ રાજ્ય,
ધર્મના નાનકડા જ સમાજ;
વૃદ્ધ ચાણક્યે, વર્ણ્યાં પૂર્વે નાનાં પ્રજાનાં તંત્ર,
એહ પુરાતનના પડછાયા આ આમ જીવનજંત્ર:
એક ફૂલવેલે ફૂલતાં ફૂલ,
અમારી એક સુગન્ધ, અમૂલ………………………ધન્ય.
દેશ નિજ તજી ધર્મને કાજ
સાગરે ઝુકાવ્યું સફરી જહાજ;
ધર્મવીર પારસીનો સત્કાર
જગતઇતિહાસે અનુપ ઉદાર;
ઈસ્લામી જાત્રાળુનું આ મક્કાનું મુખબાર;
હિન્દુ મુસલમિન પારસીઓને અહીંયાં તીરથદ્વાર;
પ્રભુ છે એક, ભૂમિ છે એક,
પિતા છે એક, માત છે એક,
આપણે એકની પ્રજા અનેક……………………….ધન્ય.
નથી રમી શમશેરોના દાવ,
નથી ત્યમ ઘણા ઝીલ્યાયે ઘાવ;
શ્રીકૃષ્ણે કુરુક્ષેત્રની માંહ્ય
લીધાં વ્રત જાણે હજીય પળાય;
એક ઈડરના વનકેસરીએ, ભડવીર બાપ્પારાવ,
વિશ્વવંદ્ય સૂરજકુળ સ્થાપી ચિતોડ કીધ યશછાંવ:
જન્મભૂમિ દયાનંદનાં ધામ,
ગાંધીનાં ગીતાજીવન નિષ્કામ…………………….ધન્ય.
સુરતના રસિક રંગીલા રાજ,
બુદ્ધિધન ભર્યો શ્રીનગરસમાજ;
શૂરવીર સૌરાષ્ટ્રી યશવાન,
કચ્છનાં સાહસિક સંતાન;
ખંડખંડ વિસ્તરતો હિન્દી મહાસાગર મહારેલ,
તીરતીર જઈ સ્થાપી ગુર્જરી સંસ્થાનોની વેલ;
મહાસાગરનાં પૃથ્વી-વિશાળ
સરોવર કીધાં ગુર્જરી-બાળ…………………………ધન્ય.
વનેવન લીલો ઘટાસોહાગ,
જગતનો દીપે શું અમૂલખ બાગ !
સજાવ્યા જઈને રસશણગાર,
લતામંડપ સમ ધર્માગાર:
ભારતીએ કંઈ ફૂલ-ફુવારો અંજલિમાં શું લીધ !
દિશદિશમાં ફૂલધાર ઉડાવી દિલનાં પરિમલ દીધ !
હિન્દમાતની લાડીલી બાળ !
ગુર્જરી! જય! જય! તવ ચિરકાળ.
ધન્ય હો ! ધન્ય જ પુણ્યપ્રદેશ !
- ન્હાનાલાલ કવિ
( આ ગુર્જરગીત શોધીને આપણા સુધી Net-ગુર્જરી પર લાવવા માટે જુગલકાકાનો ખૂબ ખૂબ આભાર )
Share on Facebook
એક વર્ષ પહેલા : મહોબ્બતમાં હવે મારો પરિચય - બરકત વિરાણી 'બેફામ'
બે વર્ષ પહેલા : ગીત - મનોજ્ઞા દેસાઇ
By જયશ્રી, on July 26th, 2009 in ગીત , ન્હાનાલાલ કવિ |

(ઉરના એકાન્ત મારા… Photo from Flickr)
* * * * * * *
સ્નેહીનાં સોણલા આવે સાહેલડી !
ઉરના એકાન્ત મારા ભડકે બળે :
હૈયાનાં હેત તો સતાવે, સાહેલડી !
આશાની વેલ મારી ઊગી ઢળે.
ચડ્યું પૂર મધરાતનું, ગાજે ભર સૂનકાર :
ચમકે ચપળા આભમાં,
એવા એવા છે પ્રિયના ચમકાર : રે સાહેલડી !
ઉરના એકાન્ત મારા ભડકે બળે.
ઝરમર ઝરમર મેહુલો વરસે આછે નીર :
ઊને આંસુ નયનો ભીંજે,
એવાં એવાં ભીંજે મારા ચીર : રે સાહેલડી !
ઉરના એકાન્ત મારા ભડકે બળે.
અવની ભરી, વન વન ભરી, ઘુમે ગાઢ અંધાર,
ઝબકે મહીં ધૂણી જોગીની,
એવા એવા છે પ્રિયના ઝબકાર : રે સાહેલડી !
ઉરના એકાન્ત મારા ભડકે બળે.
ઝીણી જ્યોતે ઝળહળે પ્રિયનો દીપક લગીર :
પડે પતંગ, મહીં જલે,
એવી એવી આત્માની અધીર : રે સાહેલડી !
ઉરના એકાન્ત મારા ભડકે બળે.
ખૂંચે ફૂલની પાંદડી, ખૂંચે ચંદ્રની ધાર :
સ્નેહીનાં સંભારણા
એવાં એવાં ખૂંચે દિલ મોઝાર : રે સાહેલડી !
ઉરના એકાન્ત મારા ભડકે બળે.
- ન્હાનાલાલ કવિ
Share on Facebook
બે વર્ષ પહેલા : જિંદગી - વેણીભાઇ પુરોહિત
ત્રણ વર્ષ પહેલા : તું મીંઢળ જેવો કઠ્ઠણ.. - વિનોદ જોશી
ભૈરવી રાગમાં સ્વરબધ્ધ થયેલી આ ટચુકડી રચના જેટલીવાર સાંભળીયે એટલીવાર મઝા કરાવે.. સ્વરકાર દક્ષેશભાઇની આ ખૂબ ગમતી રચના.
આ ગીતના સ્વરાંકન અને રાગ વિષેની મારી ભુલ સુધારવા માટે આભાર અમરભાઇ.. (નીચે Comment માં આ ગીત વિષે અમરભાઇની વાત અહીં Copy કરવાની લાલચ હું રોકી ન શકી)
I think I sang this song in 1989 at Dr.Vikram Kamdar’s residence at his insistence.This was the first ever song of kavyasangeet that i learnt from my mother when I was about 12 years old. The words printed by you -particularly fudadiye fudadiye are correct. i sang fumatade fumatade which does not seem to be right.
However two corrections- the composition is of Pandit Omkarnath Thakur and not of Daksheshbhai. Our great vocalist Shri Atul Desai himself a disciple of pandit Omkarnathji has sung it very well.Secondly it is not in rag bhairavi but it is based on Rag Sindhura.It is one of the milestones of Kavyasangeet- Gujarat is fortunate to have Work of two greats of Gujarat-Kavi Nanalal and Classical Vocalist Sangeet Martand Pandit Omkarnathji-combined together in this geet.
અને આવી સુંદર રચનાને જ્યારે અમરભાઇની પ્રસ્તુતિ મળે, ત્યારે જાણે શબ્દો-સંગીતની સુંદરતા ઓર વધી જાય છે.
અમરભાઇના થોડા વર્ષો પહેલાના Los Angeles program નું આ Live Recording છે. એટલે અમરભાઇ પોતાની આગવી અદામાં ગીત પહેલા જે વાતો કરે છે, એનો લ્હાવો અહીં પણ મળી રહે છે.
અને હા, ફરી એકવાર યાદ કરાવી દઉં.. અમરભાઇ હમણા અમેરિકાની મુકાલાતે છે. વિગતો આપ અહીંથી મેળવી શકશો.
http://tahuko.com/events/?cat=23
અને San Francisco - Bay Area ના મિત્રોને ખાસ આમંત્રણ - ૨૫મી મેના અમરભાઇના કાર્યક્રમ માટે. Please let your friends in Bay Area know about this golden opportunity to listen to Amarbhai live… Also, if any of you or your friends are planning to attend the program, please RSVP by sending email to Mira Mehta : miramehta@hotmail.com or by commenting to this post. We need to give a count to caterer who will be catering the dinner. Hope to see you there

(વિરાટનો જાદુ…. Upper Yosemite Falls, Apr 09)
* * * * *
સ્વર : અમર ભટ્ટ
સ્વરાંકન : પંડિત ઓમકારનાથ ઠાકુર
This text will be replaced
વિરાટનો હિન્ડોળો ઝાકમજોર;
કે આભને મોભે બાંધ્યા દોર;
વિરાટનો હિન્ડોળો…
પુણ્યપાપ દોર, ને ત્રિલોકનો હિન્ડોળો
ફરતી ફૂમતડાંની ફોર;
ફૂદડીએ ફૂદડીએ વિધિના નિર્માણમન્ત્ર
ટહુકે તારલિયાની મોર :
વિરાટનો હિન્ડોળો ઝાકમજોર.
વિરાટનો હિન્ડોળો…
- નાન્હાલાલ
Share on Facebook
એક વર્ષ પહેલા : મેં તો કાજળ આંજ્યું ને મારો સૂરજ ઉગ્યો..
બે વર્ષ પહેલા : પિયુ મારો લીલો લજામણીનો છોડ - ભાસ્કર વ્હોરા
સ્વર : નિશા ઉપાધ્યાય ; સંગીત : રિષભ Group

This text will be replaced
ઝીણા ઝરમર વરસે મેહ,
ભીંજે મારી ચૂંદલડી :
એવો નીતરે કૌમારનો નેહ,
ભીંજે મારી ચૂંદલડી.
આજે ઝમે ને ઝરે ચન્દ્રની ચન્દ્રિકા,
ભીંજે રસિક કોઈ બાલા રે :
ભીંજે સખી, ભીંજે શરદ અલબેલડી,
ભીંજે મારા હૈયાની માલા;
હો! ભીંજે મારી ચૂંદલડી.
વનમાં પપૈયો પેલો પિયુ પિયુ બોલે,
ટહુકે મયૂર કેરી વેણાં રે :
ટમ ટમ ટમ ટમ વાદળી ટમકે,
ટમકે મારા નાથનાં નેણાં :
હો! ભીંજે મારી ચૂંદલડી.
આનન્દકન્દ ડોલે સુન્દરીનાં વૃન્દ ને
મીઠા મૃદંગ પડછાન્દા રે :
મન્દ મન્દ હેરે મીટડી મયંકની,
હેરો મારા મધુરસચન્દા!
હો! ભીંજે મારી ચૂંદલડી.
————-
રમેશ પુરોહિતના શબ્દોમાં આ કવિતાના આસ્વાદની એક ઝલક.
ગુજરાતી કવિતામાં ભાષાનું લાલિત્ય અને લાવણ્ય સદેહે મૂર્તિમંત થતું ફક્ત ન્હાનાલાલની કવિતામાં જોવા મળે છે.
ગીતની શરૂઆતમાં આષાઢી કે શ્રાવણની હેલીની વાત નથી. આ વાત છે ઝીણા ઝરમરિયા મેહની. ન્હાનાલાલની શબ્દસૂઝ અહીં કામે લાગે છે. ‘ઝીણા’ શબ્દથી સૂક્ષ્મતા પ્રત્યે ઇશારો છે. ઝરમર વરસાદમાં સાતત્યની વાત છે. ધીમે ધીમે એકધારા પડી રહેલા હળવાફૂલ વરસાદને ઝીણો ઝરમર વરસાદ કહી શકાય. મુશળધાર નથી અને સરવડાં પણ નથી. કાવ્યનાયિકા મુગ્ધા છે એ બતાવવા કૌમારના નેહની વાત કરાઇ છે. વાસ્તવમાં મુગ્ધા પોતે ભીતરથી પલળી રહી છે. ભીતરના ભીંજાવાની વાત પર આવરણ ઓઢાડીને કહે છે કે ભીંજે મ્હારી ચૂંદલડી. ભીંજાવાની વાત સહેતુક છે, કુંવારા સ્નેહની વાત છે.
( કવિ પરિચય )
Share on Facebook
|
|
આપના અભિપ્રાયો: