Category Archives: મુકુલ ચોકસી

મુકુલ ચોકસી શ્રેણીમાંના બધા પોસ્ટ (કક્કાવાર). સંપૂર્ણ પોસ્ટ માટે ક્લીક કરો.

एक लडके को देखा तो ऐसा लगा..
આંગણે ફૂલની બિછાત ન કર - ડો. મુકુલ ચોક્સી
આખા નગરની જલતી દીવાલોને... - મુકુલ ચોક્સી
આહા એટલે આહા એટલે આહા.... - મુકુલ ચોક્સી
ઉન્માદનો મહિમા - મુકુલ ચોક્સી
કંઇક ઉપરવાસમાં વરસાદ જેવું જોઇએ - મુકુલ ચોક્સી
ગઝલ – મુકુલ ચોક્સી
ગીતના ઘેઘૂર ગરમાળામાં ચૂમી છે તને - મુકુલ ચોકસી
ચાલો ફરી પાછા હસતાં થઇ જઇએ - મુકુલ ચોકસી
જિંદગીનો આ ટુંકસાર... - મુકુલ ચોક્સી
જિન્દગી નામે ગઝલ - મુકુલ ચોક્સી
જુઑ ફરી પાછા હસતાં થઇ ગયા..... - મુકુલ ચોક્સી
ટહુકો ત્રણ વર્ષનો થયો -મુકુલ ચોક્સી
તમારા સમ.... - મુકુલ ચોક્સી
તારા વિના કશે મન લાગતું નથી - મુકુલ ચોકસી
તારા વિના નર્મદામાતા.... - મુકુલ ચોક્સી
નગરના માનવી છીએ, અમે આ ગામના નથી - મુકુલ ચોક્સી
પાણીના વેશમાં મને ઘેર્યો છે કોઇએ - મુકુલ ચોક્સી
પ્રિય પપ્પા હવે તો તમારા વગર.... - મુકુલ ચોક્સી
પ્રિયતમ... મારા પ્રિયતમ... - મુકુલ ચોક્સી
પ્રેમ એટલે કે... - મુકુલ ચોક્સી
બે'ક હંસો ચાંચ બોળીને ઊડી ચાલ્યા જુઓ - મુકુલ ચોકસી
ભણવાની ઋતુ આવી.... - મુકુલ ચોક્સી
મુક્તકો - મુકુલ ચોકસી
લાઈન લગાવો ! - મુકુલ ચોકસી
વેલેન્ટાઇનમાં.... - મુકુલ ચોક્સી
વ્હાલનો વરસાદ....
સપનાનું ઘર હો.... - મુકુલ ચોકસી
સમ ખાવા પૂરતી મોસમ - મુકુલ ચોક્સી
Happy Birthday to Dr. Mukul Choksi

મુક્તકો – મુકુલ ચોકસી

ઉપલબ્ધ એક જણની અદા શી અજબ હતી
એ પણ ભૂલી જવાયું કે શેની તલબ હતી
પાસે જઈને જોઉં તો કાંઈ પણ હતું નહીં
રેતી ઉપર લખ્યું હતું કે અહીં પરબ હતી !

***

એક ઠંડી નજરથી થીજે છે
જે ન થીજ્યાં’તાં હિમપ્રપાતોમાં
સાત સાગર તરી જનારા પણ
છેવટે લાંગર્યા અખાતોમાં

***

કિસ્સો કેવો સરસ મઝાનો છે,
બેઉં વ્યક્તિ સુખી થયાનો છે.
પલ્લું તારી તરફ નમ્યાનો તને;
મુજને આનંદ ઊંચે ગયાનો છે !

***

એની વાંચી છે ડાયરી આખી,
પુત્રથી વાત ગુપ્ત એ રાખી,
એક બાસઠ વરસના ડોસાએ
આંખ ભીની કરી લૂછી નાખી.

***

તારાથી સર્વ ત્યજી દઈને જો આવી ન શકાય,
બીજી રીતે તો મને તારો બનાવી ન શકાય;
સઢ ગમે તેટલા બાંધો તે છતાં હોડીને
એકસાથે બેઉ કાંઠે તો તરાવી ન શકાય.

- મુકુલ ચોકસી

( આભાર – લયસ્તરો.કોમ)

Share what you loved...

ઉન્માદનો મહિમા – મુકુલ ચોક્સી

ભલે આજે નહીં સમજે કોઈ ઉન્માદનો મહિમા.
ઉનાળામાં જ સમજાઈ શકે વરસાદનો મહિમા,

અલગ છે શબ્દનો મહિમા અલગ છે નાદનો મહિમા,
છતાં એક જ છે બંનેથી થતા સંવાદનો મહિમા.

જો એ વ્યક્તિ જ હાજર હોય તો એનોય છે આનંદ,
નહીંતર આમ ક્યાં ઓછો છે એની યાદનો મહિમા?

પ્રણયની વેદનામાં વેદનાનું દુખ નથી હોતું,
અને ફરિયાદમાં હોતો નથી ફરિયાદનો મહિમા.

મુકુલ એવી જગાએ જઈ ગઝલ ના વાંચશો હરગીઝ,
ગઝલથી પણ વધારે હોય છે જ્યાં દાદનો મહિમા.

-મુકુલ ચોક્સી

Share what you loved...

આંગણે ફૂલની બિછાત ન કર – ડો. મુકુલ ચોક્સી

ગઈકાલે મુકુલભાઈનો જન્મદિવસ હતો, અને આપણે એમને આજે અહીં શુભેચ્છાઓ પાઠવીએ… અને સાથે માણીએ એમની આ મઝાની ગઝલ..!! આમ તો બધા જ શેર ઝક્કાસ છે – પણ મને તો પેલો ચાર દિ’ પહેલાની નોટીસ વાળો શેર અને બૂટ પહેરીના નીકળતા પગના શેરમાં ખૂબ જ મઝા આવી..! :)

****

ખુલ્લી હદથી વધારે વાત ન કર,
આંખ ભીની કર, અશ્રુપાત ન કર

તું ભલે મારો પક્ષપાત ન કર,
પણ ગમે તેની સાથે વાત ન કર

ચાર દિ’ પહેલાં આપજે નોટિસ,
આમ ઓચિંતો આપઘાત ન કર

થોડા બીજાને માટે રહેવા દે,
સઘળા સત્યોથી મને જ્ઞાત ન કર

એ નિસાસામાં ફેરવાઈ જશે,
દૂર જઈને તું અશ્રુપાત ન કર

બૂટ પહેરી નીકળતા પગ માટે,
આંગણે ફૂલની બિછાત ન કર

જીતનારાઓને જ જીતી લે,
હારનારઓને મહાત ન કર

મારો ચહેરો બીજાનો ચહેરો હોય,
એવી રીતે તું દ્રષ્ટિપાત ન કર

કર, સવારો વિષે તું ચિંતા કર,
પણ એ ચિંતાઓ આખી રાત ન કર

એકમાં પણ ઘણું કમાશે તું,
અમથા ધંધાઓ પાંચ-સાત ન કર

- ડો. મુકુલ ચોક્સી

Share what you loved...

આખા નગરની જલતી દીવાલોને… – મુકુલ ચોક્સી

Updated on September 27, 2010 – by Jayshree

April 2009 માં વિવેકના શબ્દોમાં એક ફિલ્મની કથા જેટલી Interesting વાત સાથે રજૂ થયેલ આ Lost and Found – મુકુલભાઇની ગઝલ – અને સ્વરકાર શ્રી રાસબિહારી દેસાઇનું સ્વરાંકન – આજે ફરી એકવાર સાંભળીએ..!! પણ હા – આજે સાથે એક બોનસ.. આ જ ગઝલ – કવિ શ્રી ના શબ્દોમાં પણ સાંભળીએ..!

ગઝલ પઠન – ડૉ. મુકુલ ચોક્સી

This text will be replaced

***************
Posted on April 29, 2009 – by Vivek

Mukul Choksi_Aakha nagar No jalti diwalo ne

(મુકુલ ચોક્સીની ગઝલ, શ્રી રાસબિહારી દેસાઈના હસ્તાક્ષરમાં)

(સ્વરાંકન તારીખ: ૦૫-૧૨-૧૯૯૯)

મનમોહન દેસાઈની ફિલ્મોની જેમ જ ખોવાયેલી કૃતિ પણ ક્યારેક જનેતા કવિનું સરનામું અદભુત ‘ક્લાઈમેક્સ’ સાથે શોધી કાઢે છે… નથી માનવું ? તો આ વાંચો…

મુકુલભાઈ એમની ગઝલો વિશે જણાવે છે કે ગઝલોનું એવું છે કે લખાતી હોય ત્યારે ‘લખાતી હોવાની’ વાત મહત્ત્વની છે. તેના સંગ્રહની વાત અલ્પ મહત્ત્વની હોય છે. મુકુલભાઈ આ વાતને સો ટકા પ્રામાણિક્તાથી જીવતા આદમી છે. લખાઈ હોય ત્યારે સંઘરવાનું ચૂકી જવાયું હોય એવી મુકુલભાઈની આ અલગારીવૃત્તિની બે ઘટના અમે જાણી છે. આવી રચનાઓના ચમત્કારિક પુનર્જન્મની વાત પણ એવી જ રોચક હોય છે.

પહેલી ગઝલ હોટલ તાજ, સુરતના ગાયકે ગાઈ હતી અને મુકુલભાઈ ઊછળી પડ્યા હતા જેના વિશે વિગતે આપ લયસ્તરો પર જાણી શકો છો. અને બીજી ગઝલ આજે એક્સ્લુઝિવલી ‘ટહુકો.કોમ’ના વાચકો માટે. બે દાયકા પહેલાં લખીને ભૂલી જવાયેલ એક ગઝલ રાસબિહારી દેસાઈએ નવનીત સમર્પણના એક અંકમાં વાંચી હતી અને ડાયરીમાં ટપકાવી લીધી હતી. પાંચેક વર્ષ પહેલાં અમદાવાદ ખાતે ‘સમન્વય’ કાર્યક્રમનું સંચાલન મુકુલભાઈ પોતે કરી રહ્યા હતા અને રાસબિહારી દેસાઈએ આ ગઝલ ગાવાની શરૂઆત કરી ત્યારે આફરીન પોકારીને મુકુલભાઈએ વચ્ચે જ પૂછ્યું, ઉસ્તાદ, આ કોની ગઝલ છે? રા.દે.ને લાગ્યું કે મુકુલભાઈ મજાક કરે છે એટલે એમણે પણ ગાયકીની વચ્ચે જ માઈક પર જ એલાન કર્યું કે આ મુકુલભાઈની જ જૂની ગઝલ છે અને મુકુલભાઈને પણ ખબર નથી… લોકોને વાતમાં મજા પડી પરંતુ હકીકત એ છે કે સમયની ગર્તામાં ક્યાંક ખોવાઈ ગયેલી આ ગઝલના ગેયતા અને શીઘ્ર પ્રત્યાયનક્ષમતા ધરાવતા જે ત્રણ શેર રા.દે.એ ગાયા હતા એ જ આજે મુકુલભાઈ પાસે બચ્યા છે…

પણ જયશ્રીની જમાદારી અને ફળસ્વરૂપે મારી ઉઘરાણીને વશ થઈ રા.દે.એ પોતાના હસ્તાક્ષરમાં મુકુલભાઈની આ ગઝલ મોકલાવી આપી છે એ આખી ગઝલ ટહુકો પર આજે પ્રકાશિત થયા પછી જ મુકુલભાઈને ‘સરપ્રાઈઝ’ ભેટ તરીકે આપવામાં આવશે… છે ને મનમોહન દેસાઈની ફિલ્મ જેવી ‘લૉસ્ટ એન્ડ ફાઉન્ડ’ વાત ?

ખોવાયેલી ગઝલ ક્યારેક આ રીતે પણ આવી મળે છે…

સ્વર – સંગીત : રાસબિહારી દેસાઇ

This text will be replaced

આખા નગરની જલતી દીવાલોને કળ વળે,
ક્યારેક મોડી સાંજે બે માણસ ગળે મળે.

ઇચ્છા વિશે મેં ગ્રંથ લખ્યો એક વાક્યમાં,
ઇચ્છાનું એવું છે કે ફળે યા ન પણ ફળે.

વંઠી ગયેલો ગાંધીજીનો વાંદરો હવે,
બહેરો બન્યાનો ડોળ કરી સઘળું સાંભળે.

એક જ રીતે ગુમાવેલ માણસ ફરી મળે,
ઘડિયાળ ઊંધી ચાલવા માંડે જો આ પળે.

સાચું કહું તો તારી લપસણી લટો સિવાય,
વહેતા પવનને ક્યાંય ઉતારો નહીં મળે.

બીજાઓ વાંચે તો ય અદેખાઇ આવશે,
ચીતરું નહીં હું નામ તારું કોઇ પણ સ્થળે.

Share what you loved...

ગઝલ – મુકુલ ચોક્સી

ઐશ્વર્ય હો અલસનું ઉપર તિલક તમસનું
ઉન્માદ કેવું રક્તિમ છે રૂપ આ રજસનું,

ફાડી નથી શકાતું પાનું વીત્યા વરસનું
મનને છે કેવું ઘેલું આ જર્જરિત જણસનું !

પૂર્વે હો પારિજાતો, પશ્ચિમમાં પૂર્ણિમાઓ
ચારે તરફ હવે તો સામ્રાજ્ય છે સરસનું

બાહુ વહાવી દઈને બારીથી બારણાથી,
ઓછું કરી દો સાજણ, અંતર અરસપરસનું.

પેટાવો પાંદપાંદે એ તળપદાં તરન્નુમ
બુઝાવો ધીમે ધીમે એ તાપણું તરસનું

કેવા અસૂર્ય દિવસો ! કેવી અશ્યામ રાતો !
કેવું ઝળકઝળકતું મોંસૂંઝણું મનસનું

- મુકુલ ચોકસી

Share what you loved...