ક્યાંક ચોમાસું ગાજે છે રાનમાં – ધ્રુવ ભટ્ટ

ધ્રુવ ભટ્ટની આ વાંચતા વેંત પલળી જવાય એવી મઝ્ઝાની કવિતા! અને એને સ્વર-સ્વરાંકન મળ્યા વિજલબેન પાસેથી. આશા છે, આપને પણ પલળવાની મઝા આવશે!

સ્વર અને સ્વરાંકન – વિજલ પટેલ

ક્યાંક ચોમાસું ગાજે છે રાનમાં
વાડ પરે સૂતેલી સઘળી લીલાશ હવે નીતરતી થાશે મેદાનમાં
ક્યાંક ચોમાસું ગાજે છે રાનમાં…

ઊંચેથી આરપાર સરતું આકાશ હવે ઉતરશે ધોધમાર હેઠું
ભીંજાતા વાયરાઓ વહેશે સંદેશા કે ચોમાસું ધારધાર બેઠું
કાલ સુધી રહેતા’તા આપણે ને કાલથી તો વાંછટો રહેશે મકાનમાં
ક્યાંક ચોમાસું ગાજે છે રાનમાં…

આપણને થાય એવું વાદળને થાય એવું ઝરણાને થાય એવું ઘાસને
આવી ઘટનામાં જે ડુંગરને થાય, થાય નેવેથી દડદડતા ગામને
તમને યે થાય ચાલ ટહુકો થઇ જાઉં અને ઝાડ તળે ગહેકું રે પાનમાં
ક્યાંક ચોમાસું ગાજે છે રાનમાં…

– ધ્રુવ ભટ્ટ

હવે તારામાં રહું? -મૂકેશ જોશી

આ ગીત…. મારું ખૂબ જ ગમતું ગીત… એને કોઇના સ્વર-સંગીતમાં સાંભળવાની ઇચ્છા ૮ વર્ષે પણ ફળી ખરી! આભાર વિજલબેન! આવા મઝાના સ્વરાંકનો ટહુકો ને મોકલતા રહેશો તો ગમશે! બરાબર ને મિત્રો?

સ્વર અને સ્વરાંકન – વિજલ પટેલ

ખોટું ન લાગે તો વાત એક કહું
હું થોડા દિવસ હવે તારામાં રહું?

કામમાં હશે તો હું વાત નહીં માંડું
મૌનમાંય કોઈ દી ના છાંટા ઉડાડું
સમણાંનો કાયદોય હાથમાં ન લઉં… હું થોડા દિવસ…

કોણ જાણે હિમશી એકલતા જામી
વૈદો કહે છે: હૂંફની છે ખામી
કહે છે તારામાં લાગણી છે બહુ… હું થોડા દિવસ …

રોજ એક ઈચ્છા જો સામે મળે છે
આંખોમાં ભીનું થઈ નામ ટળવળે છે
તારામાં તારાથી આગળ નહીં જઉં… હું થોડા દિવસ …

રસ્તામાં પાથરેલ કાંટા જો મળશે
મારી હથેળી પછી પગ તારો પડશે
વેદનાનો ભાર હું એકલો જ સહું… હું થોડા દિવસ…

કહેણ મોસમનું કોઈ મને ભાવતું નથી,
મને સાચકલે મારામાં ફાવતું નથી.
આમ ટીપાની ધાર બની ક્યાં સુધી વહું?… હું થોડા દિવસ…

——————-

મને ખૂબ જ ગમતું આ ગીતની લયસ્તરો પરથી સીધી ઉઠાંતરી જ કરી છે… પણ ગીત છે જ એવું સરસ…. થોડા થોડા દિવસે એકવાર વાંચી લેવાની ઇચ્છા થાય જ…!! કોઇએ આ ગીત સંગીતબધ્ધ કર્યું છે ખરું ? તમને ખબર હોય તો જણાવજો….

વર્ષે વર્ષે એની એજ વર્ષગાંઠ – નિરંજન ભગત

વર્ષે વર્ષે એની એજ વર્ષગાંઠ,
સિત્યોતેર હોય કે સોળ હોય કે સાઠ.

વર્ષે વર્ષે એની એજ વૈશાખ,
દેહ પર ચોળી એણે એની એજ રાખ.

એની એજ લૂ ને એની એજ લ્હાય
એનો એજ રૌદ્ર તાપે તપ્યો વાયુ વાય.

વર્ષે વર્ષે એનું એ જ ઋતુચક્ર ચાલે,
આજે પણ એનું એજ, જેવું હતું કાલે.

વર્ષે વર્ષે એનો એ જ પ્રકૃતિનો શુક્રપાઠ
વર્ષે વર્ષે એની એ જ વર્ષગાંઠ.

– નિરંજન ભગત

હાલો ગલૂડાં રમાડવા જી રે ! – ઝવેરચંદ મેઘાણી

કાળુડી કૂતરીને આવ્યાં ગલૂડિયાં
ચાર કાબરાં ને ચાર ભૂરિયાં રે
હાલો ગલૂડાં રમાડવા જી રે !

માડીને પેટ પડી ચસ ! ચસ ! ધાવે
વેલે ચોંટ્યાં જેમ તૂરિયાં રે
હાલો ગલૂડાં રમાડવા જી રે !

માતાને માથડે ચડતાં ને ચાટતાં,
જોગણનાં જાણે લટૂરિયાં રે
હાલો ગલૂડાં રમાડવા જી રે !

રાતાં માતાં ને રોમે રોમે સુંવાળા,
હોય મીઠાં ગાલ-મસૂરિયાં રે
હાલો ગલૂડાં રમાડવા જી રે !

બાને વા’લાં છે જેમ વીરો ને બેની,
કાળવીને વા’લાં કુરકુરિયાં જી રે
હાલો ગલૂડાં રમાડવા જી રે !

મોટાં થાશે ને મારી શેરી સાચવશે,
જાગશે રાતે બ્હાદુરિયાં રે
હાલો ગલૂડાં રમાડવા જી રે !

ટીપુડો દીપુડો ડુંગરડે ઘૂમશે,
ગોધેન ભેળા વોળાવિયા રે
હાલો ગલૂડાં રમાડવા જી રે !

મોતિયો ને માનિયો ઝોકે રોકાશે,
વાછરુ ને પાડરુ ભળાવિયાં રે
હાલો ગલૂડાં રમાડવા જી રે !

ડાઘિયો દૂધિયો ખેતરમાં જાશે
વાસુ રે’શે બે રખોલિયા રે
હાલો ગલૂડાં રમાડવા જી રે !

કાળિયો ને લાલિયો પાદર પસાયતા
બાઉ ! બાઉ ! આલબેલ બોલિયા રે
હાલો ગલૂડાં રમાડવા જી રે !

ગોળ-ઘી-લોટના શીરા બનાવ્યા
કાળવીનાં પેટડાં પૂરિયાં રે
હાલો ગલૂડાં રમાડવા જી રે !

પેટ ભરીને માડી બાળક ધવરાવે
ધાવીને પોઢે ટીપૂડિયાં રે
હાલો ગલૂડાં રમાડવા જી રે !

જેવું લાગે છે – મનોજ ખંડેરિયા

વૃક્ષ ઊભું યાદ જેવું લાગે છે
કોઇ લીલા સાદ જેવું લાગે છે.

કેમ ફૂલો ભરવસંતે આથમતાં ?
બાગમાં વિખવાદ જેવું લાગે છે.

સાવ ઓચિંતા ફૂટ્યાં તૃણો બેહદ,
માટીમાં ઉન્માદ જેવું લાગે છે.

આમ તો ખાલીપણું રડ્યા કરતું,
જે નગારે નાદ જેવું લાગે છે.

ભયસૂચક થઇ આ સપાટી સ્મરણોની
ક્યાંક બહુ વરસાદ જેવું લાગે છે.

– મનોજ ખંડેરિયા

કાચી સોપારીનો કટ્ટકો – વિનોદ જોશી

આજે આ કવિતા, કવિ શ્રી ના કાવ્યગાન સાથે ફરી એકવાર….

********

કાચી સોપારી…. Picture: http://ecofrenbeauty.wordpress.com

સંગીત અને સ્વર: રિશીત ઝવેરી

સંગીત અને સ્વર: સુરેશ જોશી

એક કાચી સોપારીનો કટકો રે
એક લીલું લવિંગડીનું પાન
આવજો રે… તમે લાવજો રે… મારા મોંઘા મે’માન
એક કાચી સોપારીનો……

કાગળ ઊડીને એક ઓચિંતો આવિયો
કીધાં કંકોતરીનાં કામ,
ગોતી ગોતીને આંખ થાકી રે બાવરી
લિખીતંગ કોનાં છે નામ ?

એક વાંકી મોજ્જલડીનો ઝટ્ટકો રે
એક ઝાંઝરનું ઝીણું તોફાન
ઝાલજો રે… તમે ઝીલજો રે… એના મોંઘાં ગુમાન
એક કાચી સોપારીનો…….

ઊંચી મેડી ને એના ઊંચા ઝરુખડા
નીચી નજરુંનાં મળ્યા મેળ,
ઉંબરમાં સાથિયા ને ટોડલિયે મોરલા
આંગણમાં રોપાતી કેળ !

એક અલ્લડ આંખલ્લડીનો ખટ્ટકો રે
એક હૈયામાં ઊઘલતી જાન
જાણજો રે… તમે માણજો રે… એનું વાતું જુવાન
એક કાચી સોપારીનો…..

– વિનોદ જોશી (૧૯-૯-૮૩)

ઘર ક્યાં છે ? – મનહર મોદી

મકાનો, માણસો જોયાં, નગર ક્યાં છે ?
બધું હાજર છતાંયે એક ઘર ક્યાં છે ?

પહેરો હોય છે જ્યાં વૃક્ષની ફરતે,
ખૂલીને જીવવાની પણ કદર ક્યાં છે ?

નથી પાદર, નથી ગોચર, નથી વગડો,
ભર્યા અચરજ સમી નભની અસર ક્યાં છે ?

નથી મળતી નિખાલસ જિંદગી ક્યાંયે,
ભરોસો કેળવે એવી નજર ક્યાં છે ?

ઉઠાવી બોજ ચાલ્યો જાય છે એમ જ,
હશે ક્યાં માનવી જીવનસભર, ક્યાં છે ?

નથી એ બોલતો કે બોલવા દેતો,
સરસ સંવાદની એને ખબર ક્યાં છે ?

– મનહર મોદી

(રસોઇ) – કુમાર અંબુજ

જ્યારે તે બુલબુલ હતી ત્યારે એણે રસોઇ કરી,
પછી હરિણી થઇને પણ રસોઇ પકાવી.
પછી તમે એની રસોઇ વખાણી,
એટલે બમણા ઉત્સાહથી રસોઇ પકાવી.
બચ્ચાને ગર્ભમાં સંતાડીને પણ એણે રસોઇ પકાવી.
પછી બચ્ચાને ગોદમાં લઇને એણે
પોતાનાં સ્વપ્નોમાં પણ રસોઇ કરી.
તમે એની પાસે અડધી રાતે રસોઇ કરાવી
વીસ માણસોની રસોઇ કરાવી.
એ આસમાનના સિતારાને સ્પર્શીને આવી
ત્યારે પણ બે બટેટામાંથી શાક બનાવ્યું.
દુખતી કમરમાં, ચડતા તાવમાં એણે રસોઇ કરી
એ કલર્ક થઇ, ઓફિસર થઇ, એ ડોક્ટર થઇ,
એ તંત્રી થઇ, એ અંતરિક્ષમાં જઇ આવી.
પણ દરેક વાર એની સામે કસોટી મૂકવામાં આવી: રસોઇ આવડે છે?
હવે એ થકાનની ચટ્ટાન ઉપર ચટણી વાટી રહી છે
રાતની કડાઇમાં પૂરીઓ તળી રહી છે
ગરમ ગરમ ફુલકાં ઉતારીને પતિને ખવડાવી રહી છે.
પણ પતિ બૂમ પાડે છે: ‘થૂ થૂ થૂ… આટલું બધું નમક?’
એ બિચારા પતિને ક્યાંથી ખબર હોય કે
ભૂલથી એના ખારા આંસુ જમીન ઉપર પડવાને બદલે
ફુલકાં ઉપર પડી ગયા છે.
ખાવાની ગંધથી જ એની ભૂખ મરી ગઇ છે.
એની અંદર ભરાઇ ગયો છે વઘારનો ધુમાડો
સ્ત્રીઓ રસોઇ બનાવે છે.
નાસ્તાના પૌંઆ પછી પરાઠા બનાવે છે
ભીંડી બનાવ્યા પછી કારેલાં છોલે છે…

– કુમાર અંબુજ (હિંદી)
(અનુવાદ: ? અનામી)

આપણા સમાજમાં સ્ત્રીઓને માત્ર શાસ્ત્ર અને શ્લોકોમાં જ ઊંચું સ્થાન મળ્યું છે. વાસ્તવિક જીવનમાં તો…

શબ્દ-અવતાર – રાજેન્દ્ર શુકલ

પૂર્ણમાંથી અંશ ,અલગારી થયો
સ્વાદ કાજે શબ્દ સંસારી થયો।

“તું” થઈને શુદ્ધ શૃંગારી થયો
“હું” થઇ અવધૂત અલગારી થયો।

કંદરા એ, કાળ એ, ગોરંભ એ,
મૌન એ, ને એ જ ઉદગારી થયો।

મુક્ત સ્વેચ્છાએ જ બન્ધાયો સ્વમાં ,
સ્થિર મટીને કેવો સંસારી થયો?

તેજ, માટી, મૂર્તિ, મંદિર, આરતી,
એ જ પુષ્પો થઇને પૂજારી થયો!

– રાજેન્દ્ર શુકલ
27 January 1978
ગઝલ સંહિતા પ્રથમ મંડળ