ગઝલ – સ્નેહી પરમાર
કોઈનું પણ આંસુ લૂછ્યું હોય, તે બેસે અહીં,
ને પછી છાતીમાં દુઃખ્યું હોય, તે બેસે અહીં.
હાથ વચ્ચે નામ ઘૂંટ્યું હોય, તે બેસે અહીં,
ને અદબથી એને ભૂસ્યું હોય, તે બેસે અહીં.
સૂર્ય તપતો હોય એનો મધ્યમાં ને તે છતાં,
કોઈનાં ચરણોમાં ઝૂક્યું હોય, તે બેસે અહીં.
હાથ પોતાનોય બીજો જાણવા પામે નહીં,
કીડિયારું એમ પૂર્યું હોય, તે બેસે અહીં.
એટલો લાયક ખરો કે હું અહીં બેસી શકું ?
એટલું પોતાને પૂછ્યું હોય, તે બેસે અહીં.
જે ક્ષણે પોતાને પૂછ્યું હોયની બીજી ક્ષણે,
આ સભામાંથી જે ઊઠ્યું હોય, તે બેસે અહીં.
– સ્નેહી પરમાર
વરસાદ – રમેશ પારેખ

વરસાદ નથી આંગળી મુકાય એવો નક્કી
કાલ એનું હતું જળવંતી છાંટ
એક જળવંતી છાંટ
આજ એનું નામ સાવ ખાલી ખખડાટ
સાવ ખાલી ખખડાટ
કાલ એનું નામ હશે વાંભવાંભ જક્કી
વરસાદ નથી આંગળી મુકાય એવો નક્કી
કોઈ વાર છે એને આવવાની ટેવ
એને આવવાની ટેવ
કોઈ વાર એને ઝૂરાવવાની ટેવ
છે ઝુરાવવાની ટેવ
નહીં એના વાવડ કે નહીં કોઈ વક્કી
વરસાદ નથી આંગળી મુકાય એવો નક્કી
– રમેશ પારેખ
આજ મારું મન – ધીરુ પરીખ
આજ મારું મન મનમાં નવ સમાય.
નીરનાં મોજાં નીરમાં ઊઠી નીરમાં શમી જાય,
જરીક પાંદડું હાલતું તેમાં સમીર શો તરડાય !
લાખ મનાવું એક ન માને કેમ કરી પહોંચાય ?
આજ મારું મન મનમાં નવ સમાય.
સાવ નથી કંઈ જાણીએ તો યે ગગનથી ઓળખાય,
ફૂલની ફોરમ સહુ કો’ માણે; કોઈએ દીઠી કાય ?
હોઠને કાંઠે આજ એ ઊભું કેટલુંયે અફળાય ?
આજ મારું મન મનમાં નવ સમાય.
– ધીરુ પરીખ
ગાલિબને મારા શેર નથી વાંચવા મળ્યા ! – ભરત વિંઝુડા
અફસોસ કેટલાય મને આગવા મળ્યા
ગાલિબને મારા શેર નથી વાંચવા મળ્યા !
જોવા મળ્યા નથી કે નથી જાણવા મળ્યા
ઈશ્વર અહીં બધાને ફકત ધારવા મળ્યા !
પગ પર ઊભાં રહીને જુએ છે બધાં મને
જાણે કે પગ મને જ ફકત ચાલવા મળ્યા !
આંખો મળી છે દ્રષ્યને ઝીલી બતાવવા
ચશ્મા જરાક એમાં મદદ આપવા મળ્યાં !
ઊંચાઈ બેઉમાંથી વધું કોની હોય છે
ભેટી પડ્યાં ને એવી રીતે માપવા મળ્યાં !
રાતો વિતાવવા જ મળી સાવ એકલા
ને ભીડની વચાળે દિવસ કાપવા મળ્યા !
તસવીરમાં છે હાથ મિલાવેલી એક ક્ષણ
ને એ જ ક્ષણમાં દૂર હંમેશાં જવા મળ્યાં !
– ભરત વિંઝુડા
નવમી વર્ષગાંઠ Special: બાળગીત ૩: પાટા ઉપર ગાડી દોડે દોટો કાઢી – અવિનાશ વ્યાસ
પાટા ઉપર ગાડી
દોડે દોટો કાઢી,
વાંકીચૂકી ઊભી આડી,
ભખછુક ભખછુક ભખછુક ભખછુક.
જંગલ આવે, ઝાડી આવે,
નદી ઝરણાંનાં નીર કુદાવે;
કાળી કાળી ચીસો પાડી,
મોટા ડુંગર ફાડી –
વાંકીચૂકી ઊભી આડી,
ભખછુક ભખછુક ભખછુક ભખછુક.
મુંબઇ આવેમ, વડોદરું
સુરત આવે, ગોધરું;
મમ્માજી મુંબઇ આવે,
પપ્પાજી ટપાલ લાવે;
પાટા ઉપર ગાડી …
ભખછુક ભખછુક ભખછુક ભખછુક.
– અવિનાશ વ્યાસ
નવમી વર્ષગાંઠ Special: બાળગીત 2 : બા મેં તો બાગમાં બાંધી નિશાળ
કવિ – સ્વરકાર – ?
સ્વર – ગુલાબબેન ભક્ત
બા મેં તો બાગમાં બાંધી નિશાળ
કનુ મનુ જનુ છનુ આવ્યા’તા ભણવા
ત્યાં ચકલીઓ ભણવાને આવે છે ચાર
બા મેં તો બાગમાં બાંધી નિશાળ
નાની ખિસકોલી ભણવામાં પહેલી
આવે છબીલી સૌથી એ વહેલી
કાંઇ ના બોલે, એ સૌથી શરમાળ
બા મેં તો બાગમાં બાંધી નિશાળ
વચમાં ને વચમાં હું પોપટ બેસાડું,
વટમાં ને વટમાં હું સીટી વગાડું,
સીટી વગાડું ને લાગે નવાઇ…
બા મેં તો બાગમાં બાંધી નિશાળ
કલબલિયા કાબરને છેલ્લે બેસાડું,
કચકચ કરે તો એને આંખો દેખાડું,
ખોટું ન લાગે, ને મારું ન માર
બા મેં તો બાગમાં બાંધી નિશાળ
ત્યાં ચકલીઓ ભણવાને આવે છે ચાર
બા મેં તો બાગમાં બાંધી નિશાળ
નવમી વર્ષગાંઠ Special: બાળગીત ૧: મા મને ઢીંગલી બહુ વા’લી રે… – વિમલ મહેતા
છેલ્લા દોઢ વર્ષમાં જે મઝાના બાળગીતો સાંભળ્યા છે, માણ્યા છે, ગાયા છે.. એ બધાની એક નાનકડી ઝલક આપ સૌ સાથે વહેંચવી છે – ટહુકોની નવમી વર્ષગાંઠની ખુશીમાં.. આશા છે કે આ બધા બાળગીતો થકી આપને પણ બાળકોની દુનિયાની સફર કરવાની મઝા પડશે.
શરૂઆત કરીએ આ મારી ઢીંગલીના ખૂબ જ ગમતા ગીતથી..
કવિ – સ્વર – સ્વરાંકન ઃ વિમલ મહેતા
નવમી વર્ષગાંઠ પર…
(નૂતન ટહુકો…. આન્યા અને મમ્મી જયશ્રી)
*
નવમી વર્ષગાંઠ પર ટહુકો ડૉટ કૉમ ને અઢળક મબલખ શુભકામનાઓ…
*
જોતજોતામાં નવલા નવ વરસ પસાર થઈ ગયાં અને આપણા સહુનો લોકલાડીલો ટહુકો દસમા વરસમાં આજે પ્રવેશી રહ્યો છે. છેલ્લા થોડા સમયથી ટહુકો એની શરૂઆતની નિયમિતતાથી રોજ વહેલી પરોઢે આપણા કાનોને શબ્દ-સૂરથી તરબતર કરવાના બદલે અનિયમિતતાથી આપણા દરવાજે ટકોરા મારી રહ્યો છે…
અમે અમારા અંગત ડિટેક્ટિવ શ્રીયુત વ્યોમકેશ બક્ષીને ટહુકો ડૉટ કોમની અનિયમિતતાના કારણો અંગે તપાસ કરવાનું કામ આપ્યું હતું… અને ડિટેક્ટિવ મહાશય જે ધમાકેદાર કારણ શોધી લાવ્યા છે એ જાજરમાન કારણ આજે હું ટહુકોની નવમી વર્ષગાંઠે આપ સહુ સમક્ષ રજૂ કરું છું… અને આ કારણ છે જયશ્રી અને અમિતના બગીચામાં ખીલેલું નવલું પુષ્પ, આન્યા પટેલ !
કુ. આન્યા (જયશ્રી-અમિત) પટેલ, ટહુકો પરિવારમાં આપનું દબદબાપૂર્વક સ્વાગત છે… આશા રાખીએ કે આપ ઝડપભેર આપના પગ પર ઊભા થઈ જાવ તો અમને અમારો તહુકો ફરીથી નિયમિત કૂકડાની બાંગ બનીને મળતો થાય…
નવમા જન્મદિવસ પર ખૂબ ખૂબ મુબારકબાદી, ટહુકો.કોમ…
– વિવેક મ. ટેલર
*
એટલું સાબિત થયું – નીરજ મહેતા
હાથ છુટ્ટો રાખવાથી એટલું સાબિત થયું
હા, મળે છે આપવાથી એટલું સાબિત થયું
સાવ બરછટ મારા ચહેરામાં, બીજો ચહેરોય છે
તારી સાથે ચાલવાથી એટલું સાબિત થયું
સુખ પ્રખર સૂરજ બન્યું ને જીવ સૂકાતો ગયો
ફેર પડશે નહિ દવાથી- એટલું સાબિત થયું
ક્યાંક શ્રદ્ધા પણ હશે ઘરના કોઇ ખૂણે હજુ
બારણા પર શ્રી-સવાથી એટલું સાબિત થયું
દૃશ્ય ગોરંભાય, રણમાં માવઠાની છે વકી
આંખની આબોહવાથી એટલું સાબિત થયું
દૂર ભાગો જેમ આવે એમ એ સામે ફરી
ઈન્દ્રિયોને મીંચવાથી એટલું સાબિત થયું
– નીરજ મહેતા