ટહુકો.કોમની અગિયારમી વર્ષગાંઠ….

આજે ૧૨મી જુન.. ટહુકો શરૂ થયાને ૧૧ વર્ષ થઇ ગયા. આટલા ૧૧ વર્ષોમાં ટહુકો વેબસાઇટે મને ઘણુ આપ્યુ છે, પણ સૌથી મૂલ્યવાન કોઇ ભેટ મને મળી હોઇ તો એ છે કેટલાક દિલોજાન મિત્રો! એ મિત્રો, હંમેશા માર્ગદર્શન આપતા વડીલો, જેમનું સર્જન ટહુકો પર ટહુકતુ રહ્યુ છે એ સૌ કવિઓ, સંગીતકારો, ગાયકો, અને જેમની ચાહના છેલ્લા ૧૧ વર્ષોથી હંમેશા મળી છે એ સૌ વાચકોનો આજે ફરી એકવાર હ્રદયપૂર્વક ઋણસ્વિકાર કરું છું.

છેલ્લા થોડા વર્ષોમાં ટહુકો પર પહેલાની જેમ દરરોજ પોસ્ટ નથી મુકાતી, એના કારણ આમ તો ઘણા આપી શકાય, પણ આખરે તો એને મારુ પોતાનુ lack of discipline જ કહી શકાય!

દર વર્ષની જેમ, આ વર્ષે પણ ટહુકો પર પહેલાની જેમ જ નિયમિત કાવ્યો અને સંગીતની વહેંચણી થાય એની બને એટલી વધુ કોશિશ કરીશ.

આજે મમળાવીએ, આ એક નાનકડી કવિતા – આપણા સૌના લાડીલા ટહુકાને અર્પણ… અને આપણા સૌની ભીતરથી સ્વયંસ્ફૂરિત એવા ટહુકાને અર્પણ!

26872_377958986366_7390234_n
(તસ્વીર – વિવેક ટેલર)

ડાળ પર ટહુકા કરતી કોયલ…
એ ટહુકા
કોઈના સવાલના જવાબ નથી,
કોઈના ટહુકાના પડઘા નથી.
એ ટહુકા
સ્વયંસ્ફૂરિત છે,
અંતરમાં જાગેલા ગીતનો આવિષ્કાર છે…

– માયા એંજેલો
(ભાવાનુવાદ – ચંદ્રેશ ઠાકોર)

ગ્લૉબલ કવિતા : 28 : યુવા ગૃહિણી – વિલિયમ કાર્લોસ વિલિયમ્સ

સવારે દસ વાગ્યે યુવા ગૃહિણી
તેના પતિના ઘરની લાકડાની વાડ પછીતે
પાતળા ગાઉનમાં આંટા મારી રહી છે.
હું મારી ગાડીમાં એકલો પસાર થાઉં છું.

અને ફરી તે વાડ પાસે આવે છે
બરફવાળા અને માછલીવાળાને બૂમ પાડવા માટે, અને ઊભી રહે છે
શરમાતી, અંતર્વસ્ત્રહીન, અંદર દબાવતી
વાળની ખુલ્લી લટને, અને હું એને સરખાવું છું
ખરી ગયેલા પાંદડા સાથે.

મારી ગાડીના નીરવ પૈડા
કિચૂડાટ સાથે ધસમસે છે
સૂકા પાંદડાઓ ઉપરથી ને હું નમીને સસ્મિત પસાર થાઉં છું.

– વિલિયમ કાર્લોસ વિલિયમ્સ
(અનુ. વિવેક મનહર ટેલર)

The young housewife

At ten A.M. the young housewife
moves about in negligee behind
the wooden walls of her husband’s house.
I pass solitary in my car.

Then again she comes to the curb
to call the ice-man, fish-man, and stands
shy, uncorseted, tucking in
stray ends of hair, and I compare her
to a fallen leaf.

The noiseless wheels of my car
rush with a crackling sound over
dried leaves as I bow and pass smiling.

– William Carlos Williams
સ્ત્રીનું કેરેક્ટર સર્ટિફિકેટ લખવાનો અધિકાર કોનો?

પુરુષવાદી સમાજના વાડામાં કેદ ગૃહિણીની આ કવિતા પહેલાના, અને આજના – તમામ સમયગાળામાં સ્ત્રીઓનું સ્થાન અને પુરુષોની નજર પર પ્રકાશ ફેંકે છે. કવિ એક તબીબ હતા અને હોમ-વિઝિટ્સ પણ કરતા હતા, એ પશ્ચાદભૂ પણ આ કવિતા સમજવા કામ આવે એમ છે.

વિલિયમ કાર્લોસ વિલિયમ્સ. અમેરિકાના ન્યુ જર્સીના રુધરફૉર્ડ વિસ્તારમાં કળા અને સાહિત્યપૂર્ણ વાતાવરણવાળા પરિવારમાં જન્મ. (૧૭-૦૯-૧૮૮૩થી ૦૪-૦૩-૧૯૬૩) પિતાએ શેક્સપિઅર, દાન્તે, બાઇબલથી પરિચિત કરાવ્યા પણ વિલિયમનો મુખ્ય રસ ગણિત અને વિજ્ઞાન. હાઇસ્કૂલમાં પહેલીવાર એમને ભાષામાં રસ પડ્યો અને પ્રથમ કવિતા પણ એ સમયે જ લખી. જડ આદર્શવાદી અને પરિપૂર્ણતાવાદી મા-બાપનો ખાસ્સો પ્રભાવ રહ્યો. આ જ પ્રભાવ હેઠળ એ મેડિસીન ભણ્યા. તબીબ બન્યા. ચાળીસ વર્ષ સુધી તબીબ તરીકે સેવા બજાવી. તબીબ તરીકે ખૂબ સંવેદનશીલ, માયાળુ અને સામાજીક. પણ પુરુષવાદી અભિગમથી સાવ મુક્ત ન થઈ શક્યા. ઇંગ્લેન્ડની શુદ્ધ અંગ્રેજી કરતાં અમેરિકાની ઉડઝુડિયા અંગ્રેજી જ એમને ગમતી અને એ રીતે એ સાચા અર્થમાં અમેરિકન કવિ બનીને જીવ્યા. જીવનના છેલા બે દાયકામાં હૃદયરોગ અને લકવાના ઉપરાછાપરી હુમલાઓનો ભોગ બન્યા. પણ આ બિમારીઓમાં એમની સર્જનશક્તિ વધુ ખીલી ઊઠી. આખરી ઘડી સુધી તેઓ સર્જન કરતા રહ્યા.

કીટ્સ અને વ્હિટમેન એમના પ્રિય. કીટ્સને તો એ ભગવાન ગણતા. પણ મેડિકલ કોલેજના પહેલા જ વર્ષથી એઝરા પાઉન્ડ સાથેની દોસ્તી અને કવિતાનો એમના પર ભારે પ્રભાવ રહ્યો. એમણે પોતે પાઉન્ડ સાથેની મુલાકાતથી જિંદગીના બે ભાગ થયાનું – ઇસુ પહેલાં (B.C.) અને પછી (A.D.) જેવો ફરક થયાનું કબૂલ્યું છે. ઇમેજીસ્ટ અને મોડર્ન પોએટ્રી મુવમેન્ટમાં એમણે ખૂબ આગળ પડતું ને નોંધપાત્ર કામ કર્યું. એમનું સોળ જ શબ્દોનું ‘ધ રેડ વ્હિલબરો’ કાવ્ય ઇમેજિસ્ટ કવિતાની ખરી ઓળખ ગણાય છે. એલિયટની સફળતાથી એમને તકલીફ પણ થઈ અને એમની કવિતામાં વળાંક પણ આવ્યો. કવિતામાં છંદો સાથેના પ્રયોગ, તરોતાજા અમેરિકન ભાષા, ઇમેજીઝમ, રોજબરોજના પ્રસંગો અને સામાન્ય માણસની જિંદગીના પ્રામાણિક આલેખનના કારણે એમની કવિતા અલગ તરી આવે છે. એ કહેતા, ‘બધા નિયમોને ભૂલી જાવ, બધા બંધનો ભૂલી જાવ, જેમ ખાવાનું, બોલવાનું, એમ લખવાનું પણ માત્ર એના આનંદ ખાતર જ હોવું જોઈએ.’ કવિતા ઉપરાંત નવલકથા, નિબંધ, નાટક ક્ષેત્રે પણ ખૂબ પ્રભાવક ખેડાણ કર્યું.

પહેલી નજરે કવિતામાં સાવ સાદું દેખાતું દૃશ્ય જરા હળવા હાથે ઉઘાડીએ ત્યાં જ દામ્પત્યજીવનની અને સ્ત્રી-પુરુષના સામાજીક દરજ્જાની ખરી અને ખારી ભાતો ઉપસી આવે છે. કવિતાના આંચકા આપતા મૂડને અનુરૂપ કવિએ કવિતામાં દરેક પંક્તિમાં છંદના અનિયમિત આવર્તન પ્રયોજ્યા છે. ક્યાંય પ્રાસ મેળવ્યા નથી. ત્રણ અંતરા અને ત્રણેયમાં પંક્તિની સંખ્યા પણ અનિયમિત. ત્રણેય ફકરામાં વાત મોટા ફલક પર શરૂ થઈ ફકરાના અંત લગીમાં કોઈ એક બિંદુ પર કેન્દ્રિત થાય એ રીતની ગતિ જોવા મળે છે. ગૃહિણીના દામ્પત્યજીવનમાં છંદોલયનો અભાવ, પ્રાસહીનતા, અને અનિયમિતતા નિર્દેશવા કાવ્યસ્વરૂપ મદદરૂપ થાય છે.
‘તેના પતિના ઘર’ શબ્દ પ્રયોગ જ આંચકાની શરૂઆત કરે છે. જે ઘરમાં લગ્ન કરીને ગૃહિણી આવી છે એ ઘર હજી એનું થયું નથી. ગૃહિણી યુવાન છે એનો અર્થ એ કે લગ્નજીવનને હજી તાજું છે. શરૂઆતનું દામ્પત્યજીવન તો સ્ત્રી-પુરુષના ભેદનો છેદ ઊડાડી દે એવા પ્રેમના વાવંટોળ જેવું મદમસ્ત હોવું જોઈએ… પણ આ એક જ શબ્દપ્રયોગ દંપતિમાંથી સ્ત્રી અને પુરુષને અલગ કરી દઈ શરૂઆતમાં જ સ્તબ્ધ કરી દે છે.

નવું કશું નથી. પૂર્વ હોય કે પશ્ચિમ, ગઈ કાલ હોય કે આજ, સ્ત્રી અને પુરુષ વચ્ચેની ભેદરેખા કદી ઓગળી નથી. સ્ત્રી હંમેશા ભોગવવાનું સાધન જ રહી છે. જીવનના રંગમંચ પર भोज्येषु माता, कार्येषु दासी, शयनेषु रंभा આ બધા કિરદાર સ્ત્રીઓએ જ ભજવવાના લખાયા છે. શૃંગારશતકની શરૂઆતમાં જ ભર્તૃહરિ લખે છે:

स्मितेन भावेन च लज्जया भिया पराङ्गमुखैरर्धकटाक्षवीक्षणैः।
वचोभिरीर्ष्याकलहेन लीलया समस्तभावै: खलु बन्धनं स्त्रियः॥

(સ્મિતથી, ભાવથી, લજ્જાથી, અર્ધકટાક્ષભરી નજરવાળા મુખ સાથે પાછા વળીને, વચનથી, ઈર્ષ્યાથી, કલહથી, લીલાથી – સમસ્ત ભાવથી સ્ત્રીઓ ખરેખર બંધન છે)

સ્ત્રી જ બંધન? સ્ત્રી જ સમસ્યા? ઈવે સફરજન માંગ્યું: આદમે કામેચ્છાવશ તોડી આપ્યું, સીતાએ સુવર્ણમૃગ માંગ્યું: રામ દોડ્યા, ગૌતમઋષિએ પતિધર્મ ન નિભાવ્યો, ઈન્દ્ર સ્ખલન કરવા આવ્યો: અહલ્યા તણાઈ ગઈ – બધામાં સ્ત્રીઓ જ દોષી? ભર્તૃહરિ સ્ત્રીઓને अविनयभुवनम् (અવિનયનું ધામ), नरकपुरमुखम् (નરકપુરનું મુખ) કહી એમની કુટિલ વાંકી ભ્રમરોને નર્કદ્વાર ઊઘાડનારી કૂંચી (कुटिला भ्रूलता कुन्चिकेव) કહી ઓળખાવે છે. એક શ્લોકમાં એ કહે છે:

किं गतेन यदि सा न जीवति प्राणीति प्रियतमा तथापि किं।
इत्युदीक्ष्य नवमेघमालिकां न प्रयाति पथिकः स्वमन्दिरम्॥

(જો એ જીવતી ન હોય તો જવાથી શું અને (વિયોગ છતાં) જીવતી હોય તોય (ઘરે જવાથી) શું? એમ વિચારીને મેઘમાળા જોઈનેય પથિક સ્વગૃહે પાછો ફરતો નથી.) પણ શું વિયોગમાં પ્રાણ માત્ર સ્ત્રીના જ જવા જોઈએ? પુરુષનું શું? આ પ્રશ્ન સદા અનુત્તરિત જ રહ્યો છે. આદિ શંકરાચાર્ય પણ પુરુષમુખી સમાજથી અળગા થઈ શક્યા નથી. કહે છે: ‘नारीस्तनभरनाभीदेशं दृष्ट्वा मा गा मोहावेशम्।’ (નારીના સ્તનનો ઉભાર અને નાભિપ્રદેશ જોઈને મોહાવેશમાં ન આવતો.) ‘પેરેડાઇઝ લોસ્ટ’ મહાકાવ્યમાં મિલ્ટન પણ પ્રખર પુરુષવાદથી પીડાતા જોવા મળે છે. ‘Not equal, as their sex not equal seem’d’ કહીને એ કહે છે, ‘Hee for God only, and shee for God in him.’ પુરુષ ઈશ્વર માટે પણ સ્ત્રી માટે તો પુરુષ જ ઈશ્વર? એકને ગોળ ને એકને ખોળ? વાહ રે સંસાર!

કવિતા ભણી વળીએ. પતિ કામે નીકળી ગયા બાદનો સમય છે. કવિતા લખાઈ એ જમાનામાં સ્ત્રીઓ ઘર બહાર પાતળી નાઇટી પહેરી આવતી નહીં. નાયિકા નાઇટી પહેરીને પતિના ઘરની લક્ષ્મણરેખા પાછળ આઝાદીના બે’ક શ્વાસ ભરી રહી છે અને કાવ્યનાયક ત્યાંથી ગાડીમાં એકલો પસાર થાય છે. ગૃહિણી એના વાડામાં અને નાયક એની ગાડીમાં – બંને પોતપોતાની કેદમાં છે.

પહેલા ફકરામાં ‘husband’s house’ તેમ બીજામાં ‘uncorseted’ શબ્દ આંચકો આપે છે. Corset આપણી સંસ્કૃતિ માટે નવું અંતર્વસ્ત્ર છે. પાશ્ચાત્ય સ્ત્રીઓ પોતાના નિતંબ અને સ્તનના ઉભારને વધુ આકર્ષક ઘાટ આપવા માટે ખાસ પ્રકારનું કડક અંતર્વસ્ત્ર દોરીથી ખૂબ કસીને પહેરતી. ઘરમાં કોર્સિટ પહેરવાનો રિવાજ નહોતો પણ ઘર બહાર કોર્સિટ વિના નીકળવું મોટી વાત ગણાતું. ગૃહિણીએ આ કડક, કસાયેલું અંતર્વસ્ત્ર પહેર્યું નથી એ પતિના પ્રભાવ અને પ્રભુત્વમાંથી બે ઘડીની મુક્તિ સૂચવે છે? પણ મુક્તિ બંધનની ઉપસ્થિતિ પણ તો સાબિત કરે જ છે ને?

ગૃહિણી ફેરિયાઓને બૂમ પાડવાના બહાને વાડની નજીક સરે છે. એ શરમાય છે. ‘અંદર દબાવતી’ શબ્દ પર પંક્તિ પૂરી થાય છે. અંદર દબાવતી? શું? પાતળા નજીવા ગાઉન, કોર્સિટની ગેરહાજરી પછી સેક્સ્યુઆલિટી તરફ આ ત્રીજો ઈશારો છે. Enjambment-run off શૈલી પ્રયોજીને બીજી પંક્તિમાં ઘટસ્ફોટ કરે છે કે ગૃહિણી વિખરાઈ ગયેલી લટોને અંદર દબાવે છે. પતિની ગેરહાજરીમાં ‘અયોગ્ય’ વસ્ત્રપરિધાન અને ફેરિયાઓ સાથેના એના વિનિમયને જોઈને નાયક એની સરખામણી ખરેલા પાંદડા સાથે કરે છે. ખરેલું પાંદડું. ચારિત્ર્ય સ્ખલન? શું ગૃહિણી ફ્લર્ટ છે?

છેલ્લા ફકરામાં કચડાતાં સૂકાં પાંદડાં. આગલી પંક્તિમાં ગૃહિણીની સરખામણી ખરેલા પાંદડા સાથે કરીને તરત જ કવિ ગાડી નીચે કચડાતા સૂકાં પાંદડાંનો નિર્દેશ કરે છે. નાયકનો કામભાવ? સ્ત્રીની ઉપર ચડી જવાની સનાતન પૌરુષીવૃત્તિ? એ જ રીતે અવાજ કર્યા વિના સરી જતી ગાડીના વિરોધાભાસમાં સૂકા પાંદડાના કિચૂડાટ સમજવા જેવો છે. પુરુષ દુષ્કર્મ કરે તો સમાજમાં અવાજ ઊઠતો નથી પણ સ્ત્રીનું દુષ્કર્મ ચિત્કારી ઊઠે છે.

પાશ્ચાત્ય સંસ્કૃતિ પ્રમાણે નાયક પસાર થતી વખતે નમે છે કેમકે બંને જણ કદાચ એક-મેકને ઓળખતા નથી પણ એ સ્મિત આપીને પસાર થાય છે… આખી કવિતામાં એક sexual tension અનુભવાતું રહે છે. સ્ત્રીનું કેરેક્ટર સર્ટિફિકેટ પુરુષ લખે છે. સીતા એકલી રહી એટલો સમય રામ પણ એકલા રહ્યા, પણ અગ્નિપરીક્ષા માત્ર સીતાની જ થઈ.

અંતે, સ્ત્રીની નજરથી આ કવિતા જોવામાં આવે તો? નજરથી જ સ્ત્રીમાત્રને નિર્વસ્ત્ર ‘ફીલ’ કરાવતા આવા પુરુષો વિશે સ્ત્રીનો શો અભિપ્રાય હોઈ શકે? રસ્તા પર ધ્યાન આપવાના બદલે પોતાના કોર્સિટ વિનાના નાઇટી ઉપર ધ્યાન આપી સ્મિત આપી પસાર થતા પુરુષ માટે કયું કેરેક્ટર સર્ટિફિકેટ ગૃહિણીને આપવું હશે? સ્ત્રી જાણે છે:

मैं सच कहूंगी मगर फ़िर भी हार जाउँगी,
वो जूठ बोलेगा, और लाज़वाब कर देगा। (પરવીન શાકિર)

ગ્લૉબલ કવિતા : 27 : દિલ, ભલા – એમિલિ ડિકિન્સન

દિલ ભલા, આપણે એને ભૂલી જશું,
તું ને હું, આજ રાતે જ જો!
તુંય ભૂલી જજે, એણે જે હૂંફ આપી હતી,
હું ભૂલી જઈશ અજવાસ, હોં!

જ્યારે પરવારે તું, યાદ રાખીને હા, ખાસ કહેજે મને,
મોળા પાડી દઈશ, મારા વિચાર સૌ,
જલ્દી કર! તું રખેને પડી જાય પાછળ અને
ક્યાંક હું યાદ એને કરી લઈશ તો!

-એમિલી ડિકિન્સન
(અનુ. વિવેક મનહર ટેલર)

Heart, we will forget him

Heart, we will forget him,
You and I, tonight!
You must forget the warmth he gave,
I will forget the light.

When you have done pray tell me,
Then I, my thoughts, will dim.
Haste! ‘lest while you’re lagging
I may remember him!

– Emily Dickinson

જિંદગીના મકાનમાં સૌથી વહાલો કોઈ ઓરડો હોય તો એ ભૂતકાળનો ઓરડો છે. મન જરા નવરું પડ્યું નથી કે ભૂતકાળના ઓરડામાં ઘૂસ્યું નથી. એક પછી એક સ્મરણના પટારા ખૂલતા જાય અને જીવી જવાયેલી જિંદગી ક્યારેક સ્મિત પણ બહુધા ઉદાસીનો વજનદાર ડચૂરો થઈને ગળામાં ભરાઈ પડતી હોય છે. ભૂલવા જેવું ભૂલી શકાતું નથી એમાં જ જિંદગી ભારઝલ્લી બનીને રહી જતી હોય છે. સ્મરણનું મરણ કરતાં આવડી જાય તો સંસાર સ્વર્ગ ન બની જાય? પણ સ્મરણનું મરણ કે મારણ કરવાનું કોઈ શીખવે ખરું?

પ્રસ્તુત રચના ભૂતકાળના આવા જ એક કમરામાં આપણને લઈ જાય છે. જીવનનો નેવુ ટકાથી વધુ હિસ્સો એક જ મકાનમાં એકાંતવાસમાં વિતાવનાર અમેરિકન કવયિત્રી એમિલિ એલિઝાબેથ ડિકિન્સન (૧૦-૧૨-૧૮૩૦થી ૧૫-૦૫-૧૮૮૬: એમર્સ્ટ, મેસાચુસેટ્સ )ની આ રચના છે. ટીનએજમાં જ શાળા-કોલેજ છોડીને એમણે વિશાળ ઘર–ધ હૉમ્સ્ટેડ-ને જ પોતાની દુનિયા બનાવી દીધી. મેધાવી વિદ્યાર્થિની હોવા છતાં અભ્યાસ ત્યાગવા પાછળ કદાચ એમની નાજુક સંવેદનશીલતા જવાબદાર હતી. જમાનાથી ઉફરા ચાલીને એ આજીવન કોઈ પણ ચર્ચ કે સંપ્રદાયમાં જોડાયાં નહીં. માઉન્ટ હોલિઓકમાં જ્યારે આચાર્યાએ ખ્રિસ્તી બનવા માંગનારને ઊભા થવા કહ્યું ત્યારે આખી કોલેજમાં એમિલિ જ ઊભાં નહોતાં થયાં.
એમિલિનો ભાઈ એની જ ખાસ સહેલી ગિલ્બર્ટને પરણ્યો પણ એમિલિ અને બહેન લેવિનિયા આજીવન કુંવારા અને સાથે જ રહ્યાં. ઘરના એકાંતવાસમાં સ્વયં કેદ થઈને પરિવાર અને મિત્રોથી બિલકુલ ખાનગીમાં એમણે સર્જનપ્રવૃત્તિ ચાલુ રાખી. બની શકે કે ઘણાબધા પ્રિયજનોના અકાળ અવસાન જોઈને એમણે દુઃખદાયી દુનિયાથી અળગા જીવવાનું પસંદ કર્યું હોય. કોઈ સર્જકે જાત સાથે વાત ન કરી હોય એટલી એમિલિએ કરી હશે. એમિલિએ લખ્યું હતું, “Parting is all we know of heaven/ And all we need of hell.” હંમેશા જાતે સીવેલાં શ્વેત વસ્ત્રો જ પરિધાન કર્યાં. મુલાકાતીઓને ભાગ્યે જ મળતાં. એકલાં હતાં પણ અકડુ કે અતડાં નહોતાં. પરિચિતોના કહેવા મુજબ એમિલિનો સ્વભાવ વિનમ્ર, હૂંફાળો અને મજાકિયો હતો. એમનાં પત્રોમાં રોમાન્સ અને ફ્લર્ટ પણ નજરે ચડે છે. પંચાવન વર્ષની નાની વયે કિડનીની બિમારીથી એ ઘરમાં જ મૃત્યુ પામ્યાં. એમની કબર પર લખવામાં આવ્યું: “Called back”

કોશેટામાં ઈયળ જીવે એવી જ હટ કે જિંદગી જીવી જનાર એમિલિની કવિતા પણ લાઘવ, મર્મભેદકતા, અપ્રતિમ મૌલિકતા ઉપરાંત કાવ્યસ્વરૂપ અને શૈલીના અભિનવ પ્રયોગોથી એકદમ હટ કે બની રહી, જેણે વીસમી સદીની કવિતા પર ખાસ્સો પ્રભાવ પાડ્યો. કોશેટો ખતમ થાય અને સીધીસાદી ઈયળ મેઘધનુષી પતંગિયું બનીને ઊડી નીકળે એ જ રીતે એમિલિના મૃત્યુપર્યંત બહેન લેવિનિઆએ જીવનપર્યંત છુપાવી રખાયેલ ઢગલોક કવિતાઓ અને પત્રોનો અમૂલ્ય ખજાનો શોધી કાઢ્યો અને વિશ્વને અમેરિકાના ટોચના સાહિત્યકારોમાંના એકની ભેટ મળી. બે વર્ષથી ઓછા ગાળામાં એમની કવિતાઓની અગિયાર આવૃત્તિ બહાર પડી. કમનસીબે એમિલિની ઇચ્છાને વળગી રહીને લેવિનિઆએ પત્રો સળગાવી નાંખ્યા નહિંતર એક મહાન એકાંતવાસી સર્જકના મનોજગતની અંધારકોટડીઓમાં થઈ શકનાર પ્રકાશ આવનાર જગતને ઘણું શીખવી શક્યો હોત.

કવિતાની પ્રથમ પંક્તિ જ એનું શીર્ષક છે અને એ કાવ્યવસ્તુ પણ ઈંગિત કરી દે છે. દિલ ભલા, આપણે એને ભૂલી જઈશું… પ્રેમીને ભૂલી જવાની વાત છે પણ ભૂલવાનું કામ એકલપંડે કરી શકાય એટલું સરળ-સહજ નથી. સ્મરણના ભારીખમ્મ પથરાને વિસ્મૃતિની ગર્તામાં ધકેલવા માટે નાયિકાને સાથ જોઈએ છે. અને આવી તદ્દન અંગત વાતમાં પોતાના જ દિલથી વધીને અવર કોણ સહાયક હોઈ શકે? વળી ભૂલવાનું કામ માત્ર દિલે પણ તો કરવાનું છે. એટલે જ એક સે ભલે દો.

ભૂલવાના કોઈ નિયમ હોય? કદાચ એટલે જ મૂળ કવિતામાં કોઈપણ પંક્તિમાં છંદ સ્થાયી નથી. બે જ ફકરા અને આઠ જ પંક્તિની સાવ ટૂંકીટચ કવિતામાં બંને ફકરામાં બીજી અને ચોથી પંક્તિમાં પ્રાસ જળવાયા છે પણ પંક્તિઓની લંબાઈ મનની અનિયમિત અવસ્થા જેવી જ વધઘટ થયા કરે છે. નાયિકા હૃદયનું personification (સજીવારોપણ) કરી એની સાથે સંવાદે છે. એમિલિની આ ખૂબી છે.
પ્રેમની ખરી તાકાતનો અંદાજ વિરહમાં મળે છે, મિલનમાં નહીં. પ્રેમભગ્ન થયા પછી નાયિકા પોતાના હૃદય સાથે સંવાદ સાધે છે અને બેવફા પ્રેમીને ભૂલી જવાનું નક્કી કરે છે. આમ તો,

વ્હાલી બાબાં! સહન કરવું એય છે એક લ્હાણું!
મ્હાણ્યું તેનું સ્મરણ કરવું એય છે એક લ્હાણું! (કલાપી)

ને તેમાં વળી આ તો સ્ત્રી ! એની તો ફિઝિયોલોજી જ ચોપડી બહારની. બાલમુકુન્દ દવે સાચું જ કહી ગયા:

બ્રહ્મા! ભારી ભૂલ કરી તેં સર્જી નારી ઊર:
ઊરને દીધો નેહ, ને વળી નેહને દીધો વ્રેહ!

એક તો હૈયું ને તે વળી સ્ત્રીનું… એમાં પાછો પ્રેમ અને ઉપરથી વ્રેહ યાને વિરહ! બ્રહ્માને પણ લાગતું હશે કે ક્યાંક કાચું તો નથી કપાઈ ગયું ને? પુરુષ જિંદગીની ગઈકાલને બહુ આસાનીથી ભૂલી જઈ શકે છે. સંબંધમાંથી હાથ પણ સરળતાથી ધોઈ કાઢતો હોય છે પણ સ્ત્રી માટે તો વીતેલ દિવસોની યાદ એક અસ્ક્યામત છે. ‘સિક્કા ખિસ્સામાં છે તારી યાદના, રોજ થોડા થોડા લઉં છું કામમાં’ – આ સ્ત્રી છે! એ કહે છે:

ભલે તું જાય છે પણ યાદ પરનો હક તો રહેવા દે,
‘સ્મરણ’ના ‘સ’ વિના તો થઈ જશે મારું ‘મરણ’ તુર્ત જ.
‘સ્મરણ’નો અડધો ‘સ’ સ્ત્રીનો પ્રાણવાયુ છે. પુરુષ તો સનમની ગલીના નાકે જ બીજી શોધી લે. સ્ત્રીને વાર લાગે છે. સંબંધના અવસાનમાંથી બહાર એ મોડેથી જ આવી શકે છે. હા, હાથ ખંખેરીને ઊભી થઈ જનાર સ્ત્રીઓ પણ જોવા મળશે અને તૂટેલા સગપણનો બોજ આજન્મ વેંઢારતા પુરુષો પણ જડી આવશે પણ અપવાદ હંમેશા નિયમની પુષ્ટિ જ કરતા હોય છે. નસીમ શાહજહાનપુરીનો એક શેર છે:

तर्के-उल्फ़त को ज़माना हुआ लेकिन ऐ दोस्त
दिलमें यादोंके चराग अब भी जला करते हैं
(પ્રેમત્યાગને જમાનો થઈ ગયો છતાં, એ દોસ્ત! દિલમાં યાદોના દીપક હજી સળગ્યા કરે છે.)

સ્ત્રી યાદ પણ મિટાવી દઈ શકે પણ પ્રેમ ત્યજી/ભૂલી શકતી નથી. એ કહે છે:

અટ્ક્યું છે દિલ કશેક, તું વિશ્વાસ કર, મરણ !
હું તો પ્રયત્ન અહીંથી જવાનો કરું છું રોજ.

આ સ્ત્રી છે. પણ દરેક ધીરજ, દરેક પ્રતીક્ષા, દરેક વિશ્વાસનો એક અંત હોય છે. નાયિકાને આખરે ખાતરી થઈ છે કે બેવફા પ્રેમી પરત નહીં જ ફરે એટલે એ હવે હૃદયનો સધિયારો મેળવીને સહિયારો ત્યાગ કરવાનું નિર્ધારે છે. એકલાથી ભૂલવું કપરું છે, તો બે જણ ભેગા મળીને જોર કરીએ અને ભૂલી જઈએ. ને વળી ટાઇમલિમિટ પણ નક્કી છે. આજે રાત્રે જ. દિવસ ઊગી નીકળ્યો તો આશા પણ ઊગી નીકળવાની. યેનકેન પ્રકારે આજે રાત્રે જ આ વાતનો ઘડોલાડવો એક કરવાનો છે. પણ ભૂલવાની પ્રક્રિયા કેટલી તો વસમી છે કે નાયિકા પહેલી ચાર લીટીમાં જ ત્રણ-ત્રણ વાર ‘ભૂલી’ શબ્દ દોહરાવે છે!

પ્રેમ અજવાળેય છે ને હૂંફેય બક્ષે છે. (પ્રેમમાં અજવાળું અને હૂંફ પર એક લેખ લખી શકાય પણ અહીં વાત વિસ્મરણની કરવાની છે.) આ બંને છોડવું પડશે. હૃદય જેવું એને સોંપેલું કામ પૂરું કરી દે કે તરત એણે નાયિકાને જાણ કરવાની છે. બશર નવાઝ કહે છે, ख़ुश्क पत्तों से छुडा लेती है शाखें दामन,
किसने यादों से निभाई है यहां दिलके सिवा? તો દિલ યાદોથી જેવું અળગું થવામાં સફળ થશે કે તરત જ નાયિકા પણ પ્રણયવિચારવાયુને મોળો પાડી દેશે. મજા તો ત્યાં છે જ્યારે નાયિકા હૃદયને મીઠો ઉપાલંભ આપે છે કે એને ભૂલવામાં જલ્દી કરજે. નાહક તું ધીમું પડશે અને હું એને યાદ કરી બેસીશ. કેવી વિવશતા ! ‘કેવી મજાની પ્રેમની દિવાનગી હશે, કે જ્યાં ‘મરીઝ’ જેવો સમજદાર પણ ગયો.’

હકીકતમાં બેવફા યારને ભૂલી ન શકવાની પોતાની કમજોરીનો ટોપલો હૃદયના માથે ઢોળી દઈને, હૃદયને જ ગુનેગાર સાબિત કરીને ભૂલી ન શકવામાં પોતાનો તો કોઈ વાંક છે જ નહીં કહીને નાયિકા પોતાની જાતને પણ છેતરવા મથે છે. ‘આજે રાત્રે’ જ આ કામ કરવાનું છે એમાં પણ છટકબારી સિવાય બીજું કંઈ નથી. સમયની ફ્રેમ ગોઠવીને નાયિકા ફરી-ફરીને ખુદને જ છેતરે છે. ભૂલવાની ‘કોશિશ’ કરવી પડે એનાથી બળવત્તર યાદનું બીજું કયું સબૂત હોઈ શકે?

ગ્લૉબલ કવિતા : મર્યાદાઓ – હોર્હે લૂઈસ બોર્હેસ (સ્પેનિશ)

એક પંક્તિ મરીઝની જે હું ફરી યાદ નથી કરવાનો,
એક નજીકની જ શેરી જે હવે મારા ચરણ માટે છે વર્જ્ય,
એક અરીસો જેણે બસ, છેલ્લી જ વાર મને જોયો,
એક દરવાજો જે મેં બંધ કરી દીધો પ્રલયના દિવસ સુધી,
મારા પુસ્તકાલયમાંના પુસ્તકો (જે મારી સામે જ પડ્યા છે)
એમાંના કેટલાક હું હવે ક્યારેય ઊઘાડવાનો જ નથી.
આ ઉનાળે મેં પચાસ પૂરાં કર્યાં;
મૃત્યુ અનવરત મને કોરી રહ્યું છે.

– હોર્હે લૂઈસ બોર્હેસ (સ્પેનિશ)
અનુ. વિવેક મનહર ટેલર

* 

એકા’વન’ –વાત વનપ્રવેશની વિટંબણાની

વનપ્રવેશ – જીવનની પચાસ વસંત પૂરી કરી એકા‘વન’માં પ્રવેશવાની ઘડી ઘણાલોકો માટે યુ-ટર્ન બની રહે છે. જેટલાં ગયાં એટલાં હવે બાકી નથીનો નક્કર અહેસાસ ભલભલાને ધ્રુજાવી દે છે. ચરણ થાકવા માંડે ને સ્મરણ ઝાંખા પડવા માંડે એટલે મરણ ઢૂંકડું ભાસે… મર્યાદાઓ નજરે ચડવા માંડે… વય તનમાં બેસે એના કરતાં મનમાં પેસે ત્યારે આ ‘વન’ની ઘડિયાળમાં મિનિટ કાંટો સેકન્ડકાંટાની ઝડપે ફરવા માંડે છે. પચાસ વસંત પૂરી કરી એકાવનમાં પ્રવેશેલ માણસની કવિતા લઈને આર્જેન્ટિનાના સ્પેનિશ કવિ હોર્હે લૂઈસ બોર્હેસ આવ્યા છે.

હોર્હે ફ્રાન્સિસ્કો ઈસિડોરો લૂઈસ બોર્હેસ એકિવેડો જેવું લાંબુ-અટપટું નામ ધરાવતા આ સર્જક જીવન પણ લાંબુ જ જીવ્યા. (૨૪-૦૮-૧૮૯૯થી ૧૪-૦૬-૧૯૮૬). સુશિક્ષિત મધ્યમવર્ગીય પરિવારમાં જન્મ અને પરિવાર સાથે યુરોપમાં ખાસ્સું ફરવા મળ્યું. માત્ર નવ વર્ષની લખોટી રમવાની ઉંમરે ઓસ્કાર વાઇલ્ડની ‘ધ હેપ્પી પ્રિન્સ’નો એમણે સ્પેનિશમાં અનુવાદ કર્યો પણ મિત્રોને લાગ્યું કે એના પપ્પાએ જ કરી આપ્યો હશે. હકીકત એ હતી કે પિતા એક વકીલ અને મનોશાસ્ત્રના શિક્ષક હતા પણ લેખક થવાની કોશિશમાં નિષ્ફળ નીવડ્યા હતા. બાર વર્ષની ઉંમરે તો બૉર્હેસ શેક્સપિઅર વાંચતા હતા. પણ આર્જેંટિનાની આઝાદીના જે યુદ્ધમાં પરિવારના ફાળાની વાતો જે માતા સગર્વ કરતી હતી, એમાં પોતામાં રહેલા પુસ્તકિયા કીડાને પામી ગયેલા બોર્હેસ કદી ભાગ લઈ શક્યા નહોતા. ઘરમાં હજારેક પુસ્તકોની વસ્તી વચ્ચે બોર્હેસનો માંહ્યલો ઘડાયો. લાઇબ્રેરિઅન. નેશનલ પબ્લિક લાઇબ્રેરીના ડિરેક્ટર. અંગ્રેજીના પ્રોફેસર. ક્રિસમસની રાતે માથામાં ગંભીર ઈજા પછી ચેપ શરીરમાં ફેલાતા માંડ મરતા બચેલા લેખકની કલમમાં મૃત્યુને લગભગ અડી લેવાની ભયાવહ અનુભૂતિના પરિણામે એક નવો વળાંક આવ્યો. ત્રીસની ઉંમરે એમની દૃષ્ટિ પિતાની જેમ પાંખી થવા માંડી અને પચાસસુધીમાં એ સાવ આંધળા બની ગયા. બ્રેઇલ લિપિ શીખ્યા વિના જીવનના આખરી સાડા ત્રણ દાયકા અંધત્વ સાથે વીતાવ્યા. એક કવિતામાં એ લખે છે: ‘‘નામદાર ઈશ્વરના આ વિધાનમાં કોઈએ આત્મદયા કે ઠપકો વાંચવા જોઈએ નહીં, કે જેણે મને પુસ્તકો અને રાત્રિ એક જ સ્પર્શમાં આપી દઈને આવો ઉત્કૃષ્ટ વ્યંગ કર્યો.” પહેલું લગ્નજીવન ત્રણ વર્ષ ચાલ્યું, બીજું ત્રણ મહિના કેમકે ત્રણ મહિનામાં જ લીવર કેન્સરના કારણે ૮૬ વર્ષની વયે એમનું દેહાવસાન થયું.

ટૂંકી વાર્તાઓ એમની ખરી ઓળખ. એ સિવાય કવિતા, નિબંધ, અને અનુવાદ એમના અન્ય કાકુ. ઓગણીસમી સદીમાં વ્યાપ્ત વાસ્તવવાદ અને નિસર્ગવાદ સામે પરીકથા અને ફિલસૂફીના અનુઆધુનિક સંમિશ્રણવાળા જાદુઈ વાસ્તવ (મેજિકલ રિઆલિઝમ)ના એ અગ્રણી પ્રણેતા બન્યા. સર્વાન્ટિસ પછીના કદાચ સૌથી નોંધપાત્ર સ્પેનિશ સર્જક. કઉંમરનો અંધાપો કદાચ એમની કલ્પનાઓને ઈશ્વરે પહેરાવેલી પાંખ હતી. વાંચી શકવાની અશક્તિના લીધે તર્ક સાથેનું અનુસંધાન કદાચ એમણે ગુમાવ્યું. ‘લેખક વાર્તા લખે છે કે વાર્તા લેખકને લખે છે’ એ મીમાંસાવાદી પ્રશ્ન એમના નામથી borgesian conundrum તરીકે ઓળખાય છે, જે સર્જકને વિશ્વકક્ષાએ મળેલ સન્માનનું દ્યોતક છે.

પ્રસ્તુત કાવ્ય ‘મર્યાદાઓ’ શીર્ષકથી જ બોર્હેસની એક બીજી રચના પણ જોવા મળે છે જે ખાસી લાંબી છે અને આ કવિતામાં કરાયેલી ઘણી વાતો એમાંય છે પણ સવિસ્તાર છે. બંનેમાંથી કઈ મૂળ કે બંને જ મૂળ એ આપણે કદાચ ન જાણી શકીએ પણ પ્રસ્તુત કવિતાનું મૂળ સ્પેનિશ કાવ્ય નેટ પરથી જડી આવ્યું હોવાથી અને ‘મર્યાદાઓ’ કદાચ ટૂંકી જ સારી લાગે એમ માનીને આગળ વધીએ.

મૃત્યુ જેને સતત કોરી ખાઈ રહ્યું છે એવા માણસની આ કવિતા છે એટલે સ્વાભાવિક જ અહીં છંદ-લય, પ્રાસ-નિયમ પણ ખવાઈ ચૂક્યા છે. અનુઆધુનિક સાહિત્યની સ્વરૂપરીતિમાં બંધબેસતું આ મુક્તકાવ્ય છે…ક છેલ્લી પંક્તિમાં જઈને મુઠ્ઠી ખોલે છે જ્યારે કવિ ઉંમર અને મૃત્યુની વાત કરે છે. મૃત્યુનો રંગ સ્વાભાવિક જ ઘેરો-કાળો હોવાનો. કવિતા પણ એવા જ ઘેરા-કાળા રંગના વિષાદથી શબ્દે-શબ્દે રંગાયેલી છે.

પોતે શા માટે આવું કરે છે- અથવા નથી કરવાના એનું કારણ કહ્યા વિના કવિ શરૂઆત કરે છે કે મરીઝની એક પંક્તિ હવે એ કદી યાદ કરનાર નથી. (મૂળ રચનામાં ફ્રેન્ચ કવિ વર્લેઇનનો ઉલ્લેખ છે. પૉલ વર્લેઇન ઓગણીસમી સદીના ઉત્તરાર્ધમાં વિશ્વકવિતાનું બહુ મોટું નામ છે.) કવિતામાં જેને રસ છે એવા નાયકની આ વાત છે. Poetry is not everyone’s cup of tea. કવિતા ટોળાની કે બહોળાની નહીં, થોડાની ને ઠરેલાની વસ્તુ છે. જેને કવિતામાં રસ પડે છે માણસ સ્વાભાવિક જ વધુ વિચારશીલ, વધુ સંવેદનશીલ, વધુ ઠાવકો હોવાનો કેમ કે મહાન જર્મન ફિલસૂફ કેન્ટે કહ્યું તેમ Of all the arts, poetry maintains the first rank. હેગલે પણ બધી કળાઓમાં કવિતાને સર્વોત્તમ ગણી છે. નાયકનો કાવ્યપ્રેમ પ્રદર્શિત કરી કવિ એક લીટીમાં એનું ચારિત્ર્ય ઉપસાવે છે. નજીકની એક શેરી, જે કદાચ નાયકની પ્રિય રહી હોય એય એના ચરણો માટે હવે વર્જ્ય છે. નરસિંહ મહેતાએ કહ્યું તેમ, ‘ઉંબરા ડુંગરા થઈ ગયા છે.’ અરીસામાં જોવાની ઇચ્છા પણ મરી પરવારી છે. અને જાત માટેનો પ્રેમ પૂરો થાય ત્યારે સમજવું કે જિંદગી સાથે કરવા માટે હવે કોઈ વાત બચી નથી. દરવાજો શક્યતાનું પ્રતિક છે. સૃષ્ટિના અંતકાળ સુધી એક દરવાજો બંધ કરી દેવાયો છે મતલબ કોઈપણ શક્યતાની તાજી લહેરખીની હેરફેર પર પૂર્ણવિરામ મૂકાઈ ગયું છે. નિરાશાની આ ચરમસીમા છે. ईस रातकी सुबह नहीं. સામાન્યરીતે મોટાભાગના લોકોથી શંકરાચાર્ય કહે છે એમ કાળ ક્રીડા કરે છે, આયુષ્ય ઘટતું જાય છે છતાં આશાવાયુ છૂટતો નથી(कालः क्रीडति गच्छत्यायुःतदपि न मुञ्चत्याशावायुः)પણ અહીં વાત ઊલટી છે. સુરેશ દલાલ યાદ આવે:

આંખ તો મારી આથમી રહી, કાનના કૂવા ખાલી,
એક પછી એક ઇન્દ્રિય કહે: હમણાં હું તો ચાલી.

નાયક કદાચ ઘરના પુસ્તકાલયમાં જ બેઠો છે. ઘરમાં પુસ્તકાલયની ઉપસ્થિતિ નાયકના ચારિત્ર્ય વિશે પહેલી પંક્તિમાં જે છાપ ઉપસી આવી છે એના પર હાઇલાઇટર ફેરવી આપે છે. સમાજમાં કેટલા માણસો નિયમિત પુસ્તકો ખરીદતા હશે? અને એમાંથી કેટલાના ઘરમાં પુસ્તકો માટે એક અલાયદો કમરો હશે? ઘરમાં પુસ્તકનું હોવું એ સુખદ ઘટના છે અને પુસ્તકોની આખી વસ્તીનું હોવું એ સંસ્કારિતાનો સીધો અરીસો છે. આ પુસ્તકોમાંના કેટલાક હવે એ કદી ઊઘાડનાર નથી. આખા કાવ્યમાં કવિ દરેક વસ્તુને ‘જે’થી ઈંગિત કરે છે પણ પુસ્તકોની વાત આવે છે ત્યારે આ ‘જે’ને કૌંસમાં મૂકીને વાત કરે છે. આ કૌંસ હવેથી કાયમ માટે ‘બંધ’ રહેનાર પુસ્તકો તરફ ઈશારો નથી કરતો? જીવતરના કેટલાક પાનાં હવે કદી ખૂલનાર નથી.

હમણાં જ નાયકની પચાસમી વર્ષગાંઠ ગઈ છે. પચાસમા વર્ષે સામાન્યતઃ માણસ હજી આશાવંત હોય છે, પોતાને વૃદ્ધ લેખતો હોતો નથી પણ પચાસમા વર્ષ સુધીમાં કવિને તો અંધત્વ આવી ગયું હતું. એ અંધકાર મૃત્યુની પ્રતીતિથી શું ઓછો હશે? સતત નજીક સરતા મૃત્યુની નિરાશાએ નાયકને મૃત્યુ કરતાંય વહેલો ગ્રસી લીધો છે. મરણ આવતાં પહેલાં જ મરી જવાની આ વાત છે. ખરતી જતી ઇચ્છાઓની ઉધઈ જીવનવૃક્ષને ક્ષણેક્ષણ ભીતરથી કોરી ખાય પછી થડનું જમીનદોસ્ત થવું એ તો મૃત્યુની ઔપચારિક્તા માત્ર છે. “કાંગરે કાંગરે વેરાણો, રે જીવણ મારા! કાયાનો ગઢ આ ઘેરાણો.”” (સુરેશ દલાલ)

આ કવિતાના ઉપસંહારમાં કવિ પોતે લખે છે કે, “માણસ પોતાની જાતને દુનિયા ચિતરવાનું કામ સોંપી દે છે. વરસો સુધી એ એક અવકાશને પરગણાં, રાજ્યો, પર્વતો, ખાડીઓ, જહાજો, ટાપુઓ, માછલીઓ, ઓરડાઓ, સાધનો, તારાઓ, ઘોડાઓ અને લોકોથી વસાવતો રહે છે. મૃત્યુના થોડા જ સમય પૂર્વે એ શોધી કાઢે છે કે એ રેખાઓનો ધૈયશીલ ગૂંચવાડો તેના જ ચહેરાની છબીની નિશાની છે.”

બીજી રીતે જોઈએ તો આ કવિતા મરણના શાંતિપૂર્ણ સંપૂર્ણ સ્વીકારની છે. સામાન્યરીતે તો બળવંતરાય ઠાકોર કહે એમ, ‘કશુંય નહિ કાબૂમાં, ન મન, નો’ર્મિ, દેહે નહીં’ જેવી પરિસ્થિતિ હોય પણ કવિની અવસ્થા સ્થિતપ્રજ્ઞતાની છે. પવનના એક ઝોકે કમળ પાણી ખેરવી નાંખે એમ મરણના પગસંચારમાત્રથી કવિ એક પછી એક ઇચ્છાઓ ખંખેરી જંજાળમુક્ત થવું આદરે છે. એક ઘર છોડીને બીજા ઘર તરફ જવાની આ તૈયારી છે. આખી મનુષ્યજાતિ યયાતિ બનીને જીવતી હોય એવામાં ‘કોઈ ઇચ્છાનું મને વળગણ ન હો; એય ઇચ્છા છે, હવે એ પણ ન હો’ (ચિનુ મોદી)નું આ વલણ સમાધિસ્થ સંતનું સ્મરણ પણ કરાવે છે.

*

Limits

There is a line in Verlaine I shall not recall again,
There is a street close by forbidden to my feet,
There’s a mirror that’s seen me for the very last time,
There is a door that I have locked till the end of the world.
Among the books in my library (I have them before me)
There are some that I shall never open now.
This summer I complete my fiftieth year;
Death is gnawing at me ceaselessly.

-Jorge Luis Borges
(English trans. Julio Platero Haedo)

ગ્લૉબલ કવિતા: આંગળાં દરવાજામાં – ડેવિડ હૉલબ્રુક

ક્ષણાર્ધ બેદરકાર અને મેં મારી બાળકીના આંગળા બારસાખમાં કચડી નાંખ્યા. એણે
શ્વાસ રોકી લીધો, આખેઆખી અમળાઈ ઊઠી, ભ્રૂણ-પેઠે,
પીડાની બળબળતી હકીકત સામે. અને એક પળ માટે
મેં ઇચ્છ્યું કે હું વિખેરાઈ જાઉં સેંકડો હજાર ટુકડાઓ થઈ
મૃત ચળકતા તારાઓમાં. બચ્ચી આક્રંદી ઊઠી,
એ મને વળગી પડી, અને મને સમજાયું કે તે અને હું કઈ રીતે
પ્રકાશ-વર્ષો વેગળાં છીએ કોઈ પણ પારસ્પરિક સહાય કે આશ્વાસનથી. એના માટે મેં બી વેર્યાં’તા
એની માના ગર્ભમાં; કોષ વિકસ્યા અને એક અસ્તિત્વ તરીકે આકારાયા:
કશું જ એને મારા હોવામાં પુનઃસ્થાપિત નહીં કરે, અથવા અમારામાં, કે એની માતામાં પણ જેણે
પોતાની અંદર
એને ધારી અને અવતારી, અને જે એના નાળવિચ્છેદ પર રડી હતી, મારી તમામ ઇર્ષ્યા ઉપરાંત,
કશું જ પુનઃસ્થાપિત નહીં કરી શકે. તેણી, હું, મા, બહેન, વસીએ છીએ વિખેરાઈને મૃત ચળકતાં તારાઓ વચ્ચે:
અમે છીએ ત્યાં અમારા સેંકડો હજાર ટુકડાઓમાં !

– ડેવિડ હૉલબ્રુક
અનુ. વિવેક મનહર ટેલર

માનવસંબંધની જાંઘ ઉઘાડી પાડતી તેજાબી કવિતા

પ્રેમ સાચો હોય, સંબંધ પાકા હોય પણ શું પીડામાં સહભાગી થઈ શકાય ખરું? એક સ્નેહીજનની તકલીફ બીજો અનુભવી શકે? એક આપ્તજનના સંવેદનમાંથી બીજો પસાર થઈ શકે? સાચો જવાબ મેળવવા જઈએ તો કદાચ ફૂરચેફૂરચા થઈને આપણે હજારો ટુકડાઓમાં હજારો માઈલ દૂર ફંગોળાઈ જઈએ. સંબંધ, પ્રેમ, લાગણીની બાબતોમાં આપણે સહુ હજારો વરસોથી બુરખામાં મોઢું સંતાડીને જ જીવતાં આવ્યાં છીએ એટલે સંબંધની વાસ્તવિક્તાની જાંઘ ઉઘાડી પાડતી ડેવિડ હૉલબ્રુકની આ તેજાબી કવિતા આપણામાંથી મોટાભાગના પચાવી નહીં શકે.

બીજા વિશ્વયુદ્ધ દરમિયાન જર્મન નાઝીઓના કબ્જા હેઠળના યુરોપને મુક્ત કરાવવા માટે પાશ્ચાત્ય દેશોનું સંગઠન છઠ્ઠી જુન, ૧૯૪૪ના રોજ દરિયાઈ માર્ગેથી ફ્રાન્સના નોર્માન્ડીમાં ઘુસ્યું જે ઇતિહાસની સૌથી મોટી ઘૂસણખોરી ગણાય છે. આ દિવસ D-day કહેવાયો. ડેવિડ હૉલબ્રુક દોઢ લાખથી વધુ હમલાવર સૈનિકોમાંના એક હતા અને બે અઠવાડિયા પછી ઘવાઈને દૂર કરાયા ત્યાં સુધી એ લડ્યા. યુ.કે.ના નોરિચમાં ૦૯-૦૧-૧૯૨૩ના રોજ જન્મ. અઠ્ઠ્યાસીની ઉંમરે ૦૫-૦૯-૨૦૧૧ના રોજ દેહાવસાન. રેલ્વે ક્લર્કના પુત્ર. કેમ્બ્રિજના સ્નાતક. અત્યંત ફળદ્રુપ લેખક. ૬૦થી વધુ પુસ્તકો. ૬૦થી વધુ વર્ષનું લગ્નજીવન માર્ગોટ ડેવિસ-જોન્સ સાથે. ચાર સંતાન. શેહ-શરમ રાખ્યા વિનાના લખાણો, કવિતાઓ- બધામાં એમની આત્મકથાની ઝાંય સાફ તરવરતી. લગ્નજીવન, બાળકો અને પોતીકી રોજિંદી સમસ્યાઓ સતત એમાંથી ડોકાતા રહેતા. “ફ્લેશ વુન્ડ્ઝ” (૧૯૬૬) પણ D-day ફરતે વણાયેલ લગભગ આત્મકથનાત્મક નવલક્થા છે. સારા નવલકથાકાર ઉપરાંત એ કવિ, વિવેચક, સંપાદક, વિવાદાસ્પદ ચર્ચાપત્રી, ચિત્રકાર અને ખાસ તો શૂન્યવાદ સામેના અહર્નિશ યોદ્ધા હતા. માનવજીવનના મૂલ્યોના પ્રખર હિમાયતી. કળાના પ્રિઝમમાંથી એણે માનવતાના દર્શન કર્યા. પણ સૌથી ચડીને કંઈ હોય તો એ ઉત્તમ શિક્ષક અને શિક્ષણવિષયક ઉત્તમોત્તમ અને સાવ જ નોખી ઘરેડના પુસ્તકોના લેખક હતા. કવિતા શીખવવી એ જ ભાષા શીખવવાનું ખરું હાર્દ છે એમ એ માનતા કેમકે કવિતામાં જ ભાષાના ઊંડામાં ઊંડા અને સચોટ હેતુ સર થઈ શકે છે. પોતાના જ લોહીમાં આંગળી ડૂબાડીને લખાયેલા એમના પુસ્તકો એટલે જ અનેકાનેકના માર્ગદર્શક-સાથી બની શક્યાં છે.

પ્રસ્તુત રચનામાં दो जिस्म, एक जानની આપણી સદીઓ જૂની ફેન્ટસી પર હૉલબ્રુક સીધો જ કુઠારાઘાત કરે છે. અહીં બાપ-દીકરીના સંદર્ભમાં ગમે તેટલાં નજીક જણાતાં સંબંધમાં મા-સંતાનના સંબંધમાં પણ રહેલી પ્રકાશવર્ષો જેટલી અલગતા વિશે વાત થઈ છે. ગમે એટલા સ્નેહાસિક્ત કેમ ન હોઈએ, પીડા કે એ સંદર્ભમાં અન્ય કોઈપણ અનુભૂતિ આપણે પરસ્પર સહિયારી શકતાં નથી. રોબર્ટ બ્રાઉનિંગની “ટુ ઇન કોમ્પોનિયા” યાદ આવે જેમાં નાયકની પ્રિયપાત્ર સાથે સંપૂર્ણ સાયુજ્ય ન પામી શકવાની પીડા મનુષ્યજાતની મર્યાદા પર પ્રકાશ ફેંકે છે.

સંબંધના સમીકરણ મૂળમાં તો ચોકઠાં બેસાડી દઈને મેળવી લેવાયેલા તાળાથી વિશેષ કંઈ નથી. પાંચ હજાર વર્ષ પહેલાં એક લૂંટારાને એના મા-બાપ, પત્ની-સંતાનોએ ઘસીને ના કહી દીધી હતી કે તારા પાપમાં અમે ભાગીદાર નથી એ જ વખતે સંબંધોનું ખરાપણું તો જગત સામે આવી જ ગયું હતું. यावद्वित्तोपार्जन सक्तस्तावन्निजपरिवारोरक्तः। (શંકરાચાર્ય) (જ્યાં સુધી તું ધન કમાવા સમર્થ છે ત્યાં સુધી જ તારા પરિવારજનો તારા પ્રત્યે આસક્ત રહે છે.) સંબંધના આ ખરાપણાંને સ્વીકાર્યું એ વાલ્મિકી બની ગયા, બાકીના વાલિયા બનીને હજી વનમાં જ ભટકી રહ્યા છે. રામ જેવા રામે લોકબોલીને વશ થઈ ચારિત્ર્યની બાબતે પોતાનાથીય ચાર આંગળ ચડે એવી સીતાનો ત્યાગ કર્યો હતો. પોતાનું માથું પાણીમાં ડૂબવા ન માંડે ત્યાં સુધી જ વાંદરી બચ્ચાને માથા પર બેસાડી બચાવવા મથશે. એટલે આપણા દુન્યવી સંબંધ તો दिलके खुश रखनेको गालिब ये खयाल अच्छा है જેવા જ હોવાના. સંબંધોની વાસ્તવિક્તા જાણતા હોવા છતાં આપણી જિંદગી સંબંધોના મિજાગરા પર જ કિચૂડ કિચૂડ થતી આવી છે, થતી રહેશે કેમ કે आँखोंमें जो भर लोगे तो काँटोंसे चुभेंगे, ये ख्वाब तो पलकोंपे सजानेके लिए है (જાંનિસાર અખ્તર). મોટા ભાગના સંબંધો પોલા જ હોય છે. પણ હા, આ પોલાણમાં મોકળાશના, અભિવ્યક્તિના છિદ્ર રાખ્યા હશે તો સમયની હવા પસાર થયે સૂર જરૂર રેલાવાના. ખલિલ જિબ્રાને કહ્યું છે, “તમારા સાયુજ્યમાં અવકાશ રહેવા દેજો. સાથે ગાવ અને નાચો અને ખુશ થાવ પણ તમારા બંનેમાંના દરેકને એકલો રહેવા દેજો, અને સાથે ઊભા રહો પણ બહુ નજીક નહીં; કેમ કે મંદિરના આધારસ્તંભ દૂર ઊભા રહે છે.”

આદિ શંકરાચાર્ય કહે છે:

का ते कांता कस्ते पुत्रः, संसारोऽयंअतीव विचित्रः।
कस्य त्वं कः कुत अयातः तत्त्वं चिन्तययदिदं भ्रातः॥
(કોણ તારી પત્ની? કોણ તારો પુત્ર? આ સંસાર વિચિત્ર છે. તું કોણ? કોનો? ક્યાંથી આવ્યો? હે ભાઈ! જે આ તત્ત્વ છે એનો વિચાર કર)

ભર્તૃહરિના નામે ચડી ગયેલો પણ હકીકતમાં પ્રક્ષિપ્ત હોવાનો મનાતો આ શ્લોક પણ સંબંધોની વાસ્તવિક્તાના પરિપ્રેક્ષ્યમાં જોવા જેવો છે:

यां चिन्तयामि सततं मयि सा विरक्ता
साप्यन्यमिच्छति जनं स जनोऽन्यसक्तः।
अस्मत्कृते च परिशुष्यति काचिदन्या
धिक्तांच तं च मदनं च इमां च मां च॥
(જેનું હું સતત ચિંતન કરું છું, તે (પિંગળા)ને મારા પર પ્રેમ નથી. તે બીજા પુરુષ(અશ્વપાળ)ને ઇચ્છે છે અને એ વળી બીજી સ્ત્રી(નર્તકી)માં આસક્ત છે. એ સ્ત્રી મારી ઇચ્છા સેવે છે. તેથી રાણીને, તેના પ્રેમીને, પ્રેમી જેને ચાહે છે એ વેશ્યાને અને મને, તથા આ દુષ્ચક્ર ચલાવનાર કામદેવને સહુથી વધુ ધિક્કાર છે.)

વિલ્યમ ગોલ્ડિંગની ‘લૉર્ડ ઑફ ફ્લાઇઝ’ પણ યાદ આવે જેમાં બાર-તેર વર્ષના થોડા છોકરાંઓ એક નિર્જન ટાપુ પર એકલાં પડી જાય છે અને અસ્તિત્વની લડાઈમાં માનવસંબંધો- માનવમૂલ્યોનો કઈ રીતે અને કઈ હદ સુધી હાસ થાય છે એ લોહી થીજાવી દે છે.

હૉલબ્રુકનું આ કાવ્ય માનવસંબંધોનો આવો જ પણ આધુનિક દસ્તાવેજ છે. આધુનિક કાવ્યજગત સાથે એ તાલમેલ ધરાવે છે. અહીં કોઈ પ્રચલિત છંદોલય કે પ્રાસરચના નથી. દર્દની લાગણીનો શું આકાર હોઈ શકે? બસ, એના જેવું જ આ નિરાકાર મુક્તકાવ્ય છે. જે ઘટના અહીં બને છે એ અથવા એના જેવી ઘટના આપણામાંથી ઘણાંના જીવનમાં બની જ હશે. અનુભવના પોતીકાપણાના કારણે વાચક આ કવિતા સાથે તત્ક્ષણ કનેક્ટ થઈ શકે છે.

બાપની જરા અમથી લાપરવાહીના કારણે અજાણતાં જ ફૂલ સમી બાળકીની આંગળીઓ દરવાજામાં આવી જતાં બાળકી જે રીતે શ્વાસ લેવાનું પણ ભૂલી જઈને, અમળાઈને, આક્રંદી ઊઠે છે એ જોઈને બાપને પોતાની જાત પર કેવો ગુસ્સો આવ્યો હશે! પોતાના ફુરચેફુરચા કરી દઈ મૃત તારાઓમાં વિખેરાઈ જવાની લાગણી વ્યક્ત થાય છે. એકતરફ પ્રેમની આ પરાકાષ્ઠા છે તો બીજી તરફ સગો બાપ હોવા છતાં અને દીકરીને જી-જાનથી ચાહતો હોવા છતાં દીકરીના દર્દને જરા જેટલું પણ સહિયારી નથી શકાતું એ લાચારીનો તીવ્રતમ દુઃખદ પણ સત્ય અહેસાસ છે. રડતી દીકરી તરત જ વ્યથિત બાપને વળગે છે. શરીર તો એકમેકને ચસોચસ વળગી પડ્યાં છે. વચ્ચે એકાદ સેન્ટિમીટર જેટલો પણ અવકાશ નથી. પણ મન? બંનેના મનની તકલીફો-પીડા-લાગણીઓ વચ્ચે પ્રકાશવર્ષોનું અંતર હોય એવી અમાપ દૂરી અનુભવાય છે. મા-બાપે એક થઈને એનું સર્જન કર્યું હતું એ અલગ વાત છે પણ હવે એ સ્વતંત્ર અસ્તિત્વ છે, મા-બાપ બંનેથી સાવ વેગળું. અસ્તિત્વની ગાડીમાં કોઈ રિવર્સ ગિઅર આવતું નથી. સંતાનને બાપ તો ઠીક, જે માએ નવ મહિના ગર્ભમાં સ્થાન આપ્યું હતું એનામાં પણ પુનઃસ્થાપિત નહીં કરી શકાય. જિબ્રાન યાદ આવે:

તમારા બાળકો તમારા બાળકો નથી.
તેઓ તમારા થકી આવ્યાં છે, તમારામાંથી નહીં,
અને ભલે તેઓ તમારી સાથે હોય પણ તમારા નથી.

મા જે કરી શકે છે એ બાપ કરી નથી શકયો માટે એને માની ઈર્ષ્યા પણ આવી હતી. દીકરીના આંગળા દરવાજામાં કચડાઈ જવાની ક્ષણ એ સંબંધની વાસ્તવિક્તાના સાક્ષાત્કારની ક્ષણ છે. પરાકાષ્ઠાએ જ સત્યનો પ્રકાશ લાધે છે. સાથે-સાથે હોવાની અનુભૂતિના આશ્વાસન સાથે આપણામાંના મોટાભાગના વચ્ચેના વાસ્તવિક અંતર અને તીવ્ર જુદાપણાની લગરિક જાણકારી વિના જ જીવી લેતાં હોય છે. આપણે જેને દિલોજાનથી ચાહતા હોઈએ એમના દુઃખદર્દને દૂર કરી શકવાની સંપૂર્ણ અશક્તિનો પૂર્ણતયા અહેસાસ, પ્રેમની નિઃસહાયતા અને વિચ્છેદની વાસ્તવિક્તાનું આ કાવ્ય આપણા સંબંધોમાં બે તારાઓની વચ્ચે રહેલી અમાપ દૂરતા જેવી અંધારી વાસ્તવિક્તાની અસીમ અનુભૂતિ કરાવે છે…

*

Fingers in the Door

Careless for an instant I closed my child’s fingers in the jamb. She
Held her breath, contorted the whole of her being, foetus-wise against the
Burning fact of the pain. And for a moment
I wished myself dispersed in a hundred thousand pieces
Among the dead bright stars. The child’s cry broke,
She clung to me, and it crowded in to me how she and I were
Light-years from any mutual help or comfort. For her I cast seed
Into her mother’s womb; cells grew and launched itself as a being:
Nothing restores her to my being, or ours, even to the mother who within her
Carried and quickened, bore, and sobbed at her separation, despite all my envy,
Nothing can restore. She, I, mother, sister, dwell dispersed among dead bright stars:
We are there in our hundred thousand pieces!

– David Holbrook

ગ્લૉબલ કવિતા : એક ગીત – હેલન મારિયા વિલિયમ્સ


નાના અમથા ખજાનામાંથી,
મારો પ્રિયતમ લાવે પણ શું?
દિલ દઈ દીધું, એથી વધીને
વર અવર કોઈ, ભાવે પણ શું?


દિલનો દોલો, એની દોલત
મારે હૈયે કંપ જગાવે,
મેં માંગ્યું જ્યાં સુખ ધરાનું,
ચાહ્યું’તું બસ, સ્નેહ એ લાવે.


મારા માટે કંઈક લાવવા
કાંઠે કાંઠે ઘુમી રહ્યો છે,
શીદ ભટકે, શા માટે ભટકે?
પ્રેમને જ્યાં મેં સકળ કહ્યો છે.


સસ્તું ભોજન, ભોંય તળાઈ,
તારા સાથથી ધન્ય થયાં હોય,
આ ઝીણકી પરમ કૃપા પણ
વધુ છે મુજ મન, દોલતથી કોઈ.


કરે છે એ સર દુર્ગમ દરિયા,
આંસુ મારાં વૃથા વહે છે,
દયા છે શું શ્રદ્ધાહીન લહરમાં,
મુજ ઉર જેને વ્યથા કહે છે?


રાત છે ઘેરી, પાણી ઊંડા,
હા, મોજાંઓ ઊઠે હળવાં:
હાય! રડું હર વાયુઝોલે,
છે આંધી મારી ભીતરમાં

– હેલન મારિયા વિલિયમ્સ
(અનુ. વિવેક મનહર ટેલર)

खुदा करे कि कयामत हो और तू आए…

પ્રેમથી ચડિયાતી બીજી કોઈ સંપત્તિ છે જ નહીં એ જાણવા છતાં, સમજવા છતાં, ને વારે-તહેવારે બીજાને સમજાવવા છતાં આપણમાંથી મોટાભાગનાનું જીવન ભૌતિક સંપત્તિ પાછળ દોડવામાં જ પૂરું થઈ જતું હોય છે. ‘જગતની સૌ કડીમાં સ્નેહની સર્વથી વડી’ એ વાત પાઠ્યપુસ્તકના પાનાં વળોટીને જીવનપોથીમાં કદી પ્રવેશતી નથી એ યક્ષપ્રશ્ન ગણી શકાય. હેલન મારિયા વિલિયમ્સની આ કવિતા પ્રેમની સંપત્તિનું જ મહિમાગાન છે.

પણ હેલન પોતે આવો પ્રેમ કદી પામી શકી નહીં. જીવનના દરેક વળાંકે એનું જીવન મુસીબતોને જ ભેટતું રહ્યું. અઢારમી સદીના ઉત્તરાર્ધ અને ઓગણસમી સદીના પૂર્વાર્ધમાં (જન્મ-૧૭૫૯? ૧૭૬૧? લંડન, મૃત્યુ: ૧૫-૧૨-૧૮૨૭, પેરિસ) થઈ ગયેલ હેલન બ્રિટિશ કવયિત્રી, નવલકથાકાર, નિબંધકાર અને નોંધપાત્ર અનુવાદક હતી. આમ ભલે ને બ્રિટનના રોમેન્ટિસિઝમ યુગની ઝાંય એના સર્જનમાં કેમ ન વર્તાતી હોય, એ મુખ્યત્વે સામાન્ય સ્ત્રી સર્જકોથી ઉફરી હતી. પ્રવર્તમાન ફ્રેન્ચ ક્રાંતિની એ આખાબોલી ચાહક હતી. વિલિયમ્સનું સલૂન ફ્રેંચ ક્રાંતિકારીઓ –જીઓર્ડિન્સ માટે મુલાકાતનું હોટ-પ્લેસ બની રહ્યું હતું. ઘણીવાર જેલવાસ ભોગવ્યો હોવા છતાં એણે કોઈ પણ જાતના ડર વિના, નાસી છૂટવાના બદલે ફરી-ફરીને ફ્રાંસમાં જ રહેવા આવીને એ જ લખ્યું જે એ લખવા ચાહતી હતી. સ્ત્રીસર્જકોમાં આ ગુણધર્મ જવલ્લે જ જોવા મળે છે.જે નેપોલિયને પોતાના સૈનિકોને ગામ લૂંટવાની છૂટ આપતી વખતે સમાજની સાચી ધરોહર સમા કવિઓને નુકશાન પહોંચાડવાથી દૂર રહેવાની ચેતવણી આપી હતી એ જ નેપોલિયને મીઠામાં બોળેલા ચાબખા જેવા શબ્દો સહન ન થતાં હેલનને કેદ કરી હતી.

એના માર્ગદર્શક ડૉ. એન્ડ્રુ કિપ્પિસે શરૂઆતના લખાણોના પ્રકાશનમાં અગત્યનો ભાગ ભજવ્યો. જૉન સ્ટોન સાથેના એના સંબંધો કદી લગ્નમાં પરિણમ્યા કે નહીં એ તો કોઈ જાણતું નથી, પણ આ સંબંધોના કારણે એની ભયંકર વગોવણી થઈ હતી. લોકો એને વ્યભિચારિણી પણ કહેતા. પ્રખર સામાજીક આલોચના, યુદ્ધ, ગુલામી, ધર્મ, રાજકીય ક્રાંતિ જેવા પાસાંઓને ખુલ્લેઆમ સ્પર્શતી આ સ્ત્રીએ પુરુષસર્જક અને સ્ત્રીસર્જકના સર્જનો વચ્ચેની ભેદરેખા બખૂબી ઓગાળી નાંખી હતી. એ છતાંય એની રચનાઓમાં સહજ નારીગત ઋજુ સંવેદનો પણ પ્રસંશનીય ઢબે આલેખાયાં છે. એના પત્રો અને રેખાચિત્રો ખૂબ વખણાયાં છે. ફ્રેન્ચ ભાષામાંથી એણે અંગ્રેજીમાં કરેલા ઉત્તમ ગણાતા અનુવાદોએ પ્રવર્તમાન ફ્રાંસ અને એની સમસ્યાઓને દુનિયાની સામે મૂકવામાં બહુ મોટો ફાળો ભજવ્યો. રોબર્ટ બર્ન્સ અને વર્ડ્સવર્થ જેવા એની કવિતાના ચાહકો હતા. વર્ડ્સવર્થે તો હેલન પર એક સૉનેટ પણ લખ્યું.

ગીતનું શીર્ષક ‘એક ગીત’ કેમ આપ્યું હશે? કાવ્યપ્રકાર ગીત છે એ તો કોઈપણ સમજી શકે. વિષય પ્રેમના મૂલ્યાંકનનો છે તો શીર્ષકમાં આવી વેઠ કેમ ઉતારી હશે? કે પછી એક પ્રોષિતભર્તૃકાના દિલના સાગરમાં ઊઠતાં હજારો-લાખો મોજાંઓમાંનું આ એક છે એમ એણે કહેવું હશે? હશે. ગીત પ્રસિદ્ધ બૅલડ (કથાકાવ્ય) મીટરમાં લખાયું છે, જેમાં ચાર-ચાર પંક્તિના ફકરામાં એકી પંક્તિ આયમ્બિક ટેટ્રામીટર અને બેકી પંક્તિ આયમ્બિક ટ્રાઇમીટરમાં લખવામાં આવે છે. સામાન્યરીતે બૅલડ મીટરમાં પ્રાસરચના અ-બ-ક-બ પ્રમાણે હોય છે પણ હેલન એક કદમ આગળ વધીને અ-બ-અ-બ, ક-ખ-ક-ખની ચુસ્ત પ્રાસરચના વાપરીને ગીતની રવાનીમાં ચાર ચાંદ લગાવે છે.

દિલની ખરી અસ્ક્યામતનું આ ગીત છે. દિલની ખરી સંપત્તિ એટલે પ્રેમ. અને પ્રેમની દૌલત એટલે ખરું સોનું, જેટલું વધારે વાપરો, વધુ ચળકે. દુનિયા માપપટ્ટી પર ચાલે છે, પ્રેમ અમાપપટ્ટી પર! જ્યાં કેલ્ક્યુલેટરની ગણતરી પૂરી થાય છે ત્યાંથી જ લવલેટર શરૂ થાય છે. પ્રિયતમ પાસે કોઈ સવિશેષ દુન્યવી સંપદા નથી પણ એણે દિલ દઈ દીધું એથી વિશેષ કોઈ વરદાન કાવ્યનાયિકાને અપેક્ષિત પણ નથી. આશિક દિલનો દોલો છે. ને આ સદગુણો જ નાયિકાના હૈયાને ધડકાવે છે. એણે સુખ તો મતલબ સ્નેહ માંગ્યો પણ પ્રિય દુન્યવી અર્થની તલાશમાં દૂર દેશાવર નીકળી પડ્યો.

दोनों जहान दे के वो समझे, ये खुश रहा,
यां आ पडी ये शर्म कि तक़रार क्या करें? (ગાલિબ)
(પ્રેમને સંપત્તિની ભાષામાં તોલનાર પ્રિયજન બંને દુનિયાની ભેટ ધરીને સામું પાત્ર ખુશ છે એવું સમજી બેસે છે પણ સામાની સમસ્યા તો એ છે કે આવા મટિરિઆલિસ્ટિક આશિકની સાથે હવે ઝઘડો શો કરવો?)
પ્રેમ જ સર્વસ્વ છે એમ કહેવા છતાંય કસ્તૂરીમૃગ જેવો પ્રેમી કઈ કસ્તૂરીની શોધમાં આ દેશ-પેલે દેશ રઝળી-રખડી રહ્યો છે એ નાયિકાની સમજણ બહારનું છે. પામી જનારા માટે પ્રેમ સકળ છે, બાકીના માટે અકળ. તુલસીદાસને નદીના ધસમસતા પૂરને મડદાંના સહારે પાર કરીને સાપને દોરડું સમજીને પકડીને પ્રિયાના કક્ષમાં પહોંચ્યા હતા. પ્રેમમાં કથીર પણ કંચન થઈ જાય છે. સ્નેહીના સાથનું ઐશ્વર્ય હોય તો હલકી ગુણવત્તાનું ભોજન અને પલંગના બદલે ભોંય પર પાથરેલી રજાઈ પણ ધન્ય થઈ જાય. (પરદેશમાં જમીન પર સૂવાનો રિવાજ નથી એ વાત ધ્યાનમાં રહે). કિંમત સાથની છે, સાથ કેવા સંજોગોમાં છે એની નહીં. રૉમિયો જુલિયેટને મળવા એરકન્ડિશન્ડ ઑફિસમાં નહોતો જતો. ‘बिजली नहीं है, यही इक ग़म है’ની ફરિયાદ થાય અને ‘तेरी बिंदिया क्या बिजली से कम है’નો જવાબ મળે એ ખરો પ્રેમ. પ્રેમ સાચો હોય તો એંઠા બોર પણ પકવાન લાગે.

પણ અબુધ પ્રેમી પ્રિયાએ કહેલા સુખને દુનિયામાં શોધવા નીકળ્યો છે. અને અઢારમી સદીમાં આ કવિતા લખાઈ ત્યારે मेरे पिया गये रंगून,किया है वहां से टेलिफ़ून જેવી કોઈ સુવિધા પણ નહોતી. જિંદગી આશંકાના તાંતણે બંધાયેલી છે. એ દુર્ગમ દરિયાઓ સર કરી રહ્યો છે ને અહીં આંખેથી દરિયા વહી નીકળ્યા છે. तिरे छुटने से छोडा आंसुओं ने साथ आंखो का, गले मिल-मिल के आपस में चले आते हैं दामन तक। (નસીમ દેહલવી) मर-मर के अगर शाम, तो रो-रो के सहर की; यूं ज़िन्दगी हमने तिरी दूरी में बसर की। (જોશ લખનવી) આમેય આંસુના દરિયા તરવા કાચાપોચાનું કામ નહીં. દરિયા તરી જનારા આંસુમાં ડૂબી જતા હોય છે:

મહાસમુદ્રના પેટાળ મોટી વાત નથી,
છે આ તો આંસુનું ઊંડાણ, ઝંપલાવ નહીં.

જૉન ડનની ‘એ વેલિડિક્શન ઑફ વિપિંગ’ યાદ આવે જેમાં આંસુમાં પ્રિયતમાનો ચહેરો, દુનિયા, સમુદ્ર અને શ્વાસની ગતિ વધી જાય તો આંસુના સમુદ્રમાં ઊઠતું તોફાન સામાના મૃત્યુનું કારણ બનવા સામેની ચેતવણી પ્રણયની ચરમસીમાનું અદભુત નિરુપણ કરે છે.

રડીરડીને નાયિકા પ્રિયજનને સલામત રાખવા જેટલી દયા મોજાંઓ પાસે માંગે તો છે પણ રુદ્ર મોજાંઓના દિલમાં એ છે ખરી? પ્રતીક્ષાની રાત હંમેશા તોફાની હોય છે. વળી, इस रातकी सुबह नहीं। કાળી રાત જેવી મુસીબતો અને ઊંડા પાણી જેવા દુશ્મનોથી બચીને શું પ્રિયતમ પરત ફરશે ખરો? ઇંતેજારી અને અનિશ્ચિતતાનું કોક્ટેઇલ ભલભલાના હોંશ ઊડાડી દે છે. ભીતરનું તોફાન એવું પ્રબળ બન્યું છે કે પત્તાના મહેલ જેવું પોકળ બની ગયેલું અસ્તિત્ત્વ હચમચી ઊઠે છે. હવાનો નાનો અમથો હડસેલો પણ કંપાવી દે છે…દિલમાંથી તો કદાચ સાહિરનો જ અવાજ ઊઠતો હશે:

हम इंतिज़ार करेंगे तिरा कयामत तक,
खुदा करे कि कयामत हो और तू आए।

*

A Song

I
No riches from his scanty store
My lover could impart;
He gave a boon I valued more —
He gave me all his heart!

II
His soul sincere, his generous worth,
Might well this bosom move;
And when I asked for bliss on earth,
I only meant his love.

III
But now for me, in search of gain
From shore to shore he flies;
Why wander riches to obtain,
When love is all I prize?

IV
The frugal meal, the lowly cot
If blest my love with thee!
That simple fare, that humble lot,
Were more than wealth to me.

V
While he the dangerous ocean braves,
My tears but vainly flow:
Is pity in the faithless waves
To which I pour my woe?

VI
The night is dark, the waters deep,
Yet soft the billows roll;
Alas! at every breeze I weep —
The storm is in my soul.

– Helen Maria Williams

ગ્લૉબલ કવિતા : રાતરાણી – જૉન ક્લેર

Evening Primrose

When once the sun sinks in the west,
And dew-drops pearl the Evening’s breast;
Almost as pale as moonbeams are,
Or its companionable star,
The Evening Primrose opes anew
Its delicate blossoms to the dew;
And hermit-like, shunning the light,
Wastes its fair bloom upon the night;
Who, blindfold to its fond caresses,
Knows not the beauty he possesses.
Thus it blooms on while night is by;
When day looks out with open eye,
‘Bashed at the gaze it cannot shun,
It faints, and withers, and is gone.

– John Clare

રાતરાણી

જ્યારે સૂર્ય પશ્ચિમમાં આથમી જાય છે,
અને ઓસબુંદો મોતીડે સજાવે છેસંધ્યાના વક્ષસ્થળને;
લગભગ ચંદ્રકિરણ અથવા એના સહયોગી તારા
હોય છે એવા જ ઝાંખા,
રાતરાણી એના નાજુક ફૂલોને
નવેસરથી ઝાકળ તળે ઊઘાડે છે,
અને સાધુ-પેઠે, પ્રકાશથી વેગળાં રહીને
વેડફે છે એના ઉજ્જ્વલ નવયૌવનને રાત ઉપર;
જે, એના પ્રેમાળ આલિંગનોથી અંધ,
નથી જાણતી એ સૌંદર્યને જે એના કબ્જામાં છે.
આમ એ ખીલે છે જ્યારે રાત હોય છે.
જ્યારે દિવસ ઊઘાડી આંખે જુએ છે,
છટકી ન શકાય એવા ત્રાટકથી શરમાઈને
એ મૂર્ચ્છિત થાય છે અને કરમાય છે અને ચાલી જાય છે.

-જૉન ક્લેર
(અનુ. વિવેક મનહર ટેલર)

કવિતાનું સૌંદર્ય અને સૌંદર્યની કવિતા

સૂર્ય આથમતાં જ વાતાવરણમાં છવાતી ઠંડકના પરિણામે રચાતી ઝાકળબુંદો સંધ્યાના સ્તનમંડળ પર ઝળહળતા મોતીઓની જેમ ઝગારા મારે છે. રાત પૂરી ખીલી ન હોવાના કારણે ચંદ્રકિરણો અને તારાઓ હજી ઝાંખા નજરે ચડે છે. આવામાં રાતરાણી ખીલવું શરૂ કરે છે અને જેમ સાધુ પોતાની ફરતેના સંસારથી પાણીમાં કમળપત્ર પેઠે અલિપ્ત રહે એવી જ વિરક્તિથી પોતાનાં ઉજ્જવળ ધવલ ફૂલોના અબોટ સૌંદર્યને અંધારી રાત પર ન્યોછાવર કરે છે પણ રાત તો આ પ્રેમાળ આલિંગનોથી સાવ અનભિજ્ઞ છે. કસ્તૂરીમૃગ જેમ જાણતું નથી કે એની નાભિમાં જ એનો ખજાનો છૂપાયો છે એમ જ રાત પણ જાણતી નથી કે એના આંચલમાં રાતરાણી શું ઠાલવી રહી છે! રાતરાણી પણ રાતના આવા નિસ્પૃહ વર્તનની જ હેવાઈ થઈ ચૂકી છે. દિવસ પૂર્ણ પ્રકાશ લઈને આંખો ખોલે છે કે તરત જ મૂર્છાવશ એ કરમાઈ જાય છે અને દિવસની પહોંચથી દૂ…ર ચાલી જાય છે.

જૉન ક્લેર (૧૩-૦૭-૧૭૯૩થી ૨૦-૦૫-૧૮૬૪)નું પોતાનું જીવન પણ રાતરાણી જેવું જ હતું. ગરીબીના અંધારામાં જ એ ખીલ્યો. ખેતમજૂરનો દીકરો. અગિયાર વર્ષની ઊંમરે તો શિક્ષણ અભરાઈએ ચડી ગયું ને ખેતમજૂરીની ધૂંસરી ખભે ચડી ગઈ. વાસણ વેચનારો બન્યો. અમીર ખેડૂતની છોકરી સાથે પ્રેમ કર્યો પણ છોકરીના બાપે નકાર્યો. માળીકામ કર્યું. લશ્કરમાં જોડાયો. જિપ્સીઓની જોડે રખડી-રઝળી જોયું. ચૂનો પકવવાનું વૈતરું પણ અજમાવી જોયું. પણ અક્કરમીનો પડિયો કાણો તે કાણો જ. છેવટે પરગણાંની મહેરબાની સ્વીકારવી પડી. જન્મજાત કુપોષણના લીધે ઊંચાઈ પણ પાંચ ફૂટે અટકી ગઈ અને જીવનભર તંદુરસ્તીના નામે અલ્લાયો જ.

જેમ્સ થોમ્સનનો સુપ્રસિધ્ધ કાવ્યસંગ્રહ ‘સિઝન્સ” ક્લેરે ખરીદ્યો હતો અને કવિતા-સૉનેટ લખવાની શરૂઆત કરી. મા-બાપને ઘરમાંથી ખદેડી કઢાતા અટકાવવા માટે એણે પોતાની કવિતાઓ સ્થાનિક પ્રકાશકને આપી. પુસ્તક છપાયું. પ્રસિદ્ધિ પણ ખૂબ મળી. માર્થા ટર્નર સાથે પરણ્યો, સાત-સાત બાળકો થયા પણ પૈસા સાથેનો બારમો ચંદ્રમા યથાવત્ જ રહ્યો. કવિતા અને આજીવિકાની સૂડીમાં એ સતત વહોરાતો રહ્યો. પાગલપનના હુમલા આવવા શરૂ થયા. મદ્યપાન બિમારીની હદ સુધી વકર્યું. એકવાર શેક્સપિઅરના ‘ધ મર્ચંટ ઑફ વેનિસ’ના મંચનમાં શાયલોક સાથે ગાળાગાળી કરીને એણે ભંગ પણ પાડ્યો. બે વાર પાગલખાનામાં લાંબા ગાળા માટે દાખલ થવું પડ્યું અને છેલ્લા શ્વાસ પણ ત્યાં જ ભર્યા. જોકે આ પાગલપન દરમિયાન પણ એમની પ્રતિભા તો યથાવત્ જ રહી હતી.

ઇંગ્લેન્ડના ગામડાંઓનું પ્રાસંગિક ઉત્સાહપૂર્ણ પ્રતિનિધિત્વ અને એની ખાનાખરાબીના મરશિયાઓથી એ બહુખ્યાત થયો. “નોર્ધમ્પ્ટનશાયર ખેડૂત કવિ” એ એની ઓળખ. શરૂમાં ભૂલી જવાયેલો પણ વીસમી સદીના અંતભગમાં પુનઃપ્રતિષ્ઠા પામ્યો ને ઓગણીસમી સદીના અગ્રિમ હરોળના કવિઓમાં સ્થાન અંકિત કર્યું. જોનાથન બેટ કહે છે, “એ ઇંગ્લેન્ડમાં જન્મેલો સર્વકાલીન શ્રેષ્ઠ મજૂર-કવિ હતો. અન્ય કોઈએ કદી કુદરત વિશે, ગ્રામ્ય બચપણ વિશે અને વિમુખ અને અસ્થિર જાત વિશે આવું સક્ષમ અને સબળ લખ્યું નથી.” ખેતક્રાંતિ અને ઔદ્યોગિક ક્રાંતિના પરિણામે ગામ અને શહેરોની થવા માંડેલી દુર્દશા એની સંવેદનાના તારને સતત ઝંકૃત કરતી. પ્રકૃતિ સાથે એનો રક્તસંસ્કાર હતો. પાગલખાનાની કેદ પણ એની અભૂતપૂર્વ અંતર્દૃષ્ટિ અને સ્વયંસ્ફૂર્ત ઊર્મિને બાંધી શકી નહોતી. એ બંધ આંખોનો મુસાફર હતો અને એના શબ્દચિત્રો ઉત્તમોત્તમ ચિતારાના ચિત્રોથી ચાર ચાસણી ચડે એવા હતા. પ્રસ્તુત રચના પણ એના લાગણીશીલ સૌંદર્યાન્વિત કામનો ચોંકાવી દે એવો છટાદાર નમૂનો છે.

કવિતાનું પોતાનું સૌંદર્ય હોય છે અને સૌંદર્યની પણ પોતાની કવિતા હોય છે. ક્યારેક કવિતા ભાવક પાસે અપ્રતિમ સજ્જતાની આકરી ઉઘરાણી કરે છે તો ક્યારેક ગુલાબની પાંખડીઓનો આકાર, સંખ્યા, ગોઠવણી, રંગ, કાંટા – બધાયને સદંતર અવગણીને કવિતા તમને માત્ર ખુશબૂ જ માણવાનું ઈજન આપે છે. પુષ્પનો રંગ-રૂપ-આકાર એક પ્રકારની કવિતા છે તો આંખ બીડીને માત્ર સુગંધનેમહેસૂસ કરવી એય અલગ પ્રકારની કવિતા જ છે. જૉન ક્લેરની આ કવિતા પૃથક્કરણ માટે નહીં, માત્ર અહેસાસ માટે છે.

કેટલાંક ફૂલો ઘડિયાળ પહેરીને ઊગે છે. ઓફિસ ટાઇમ કહો, ગુલ દોપહરીકહો, કે નૌ બજિયા –આ ફૂલો સવારે નવ વાગ્યે ખીલે છે અને સાંજે ઓફિસ બંધ થવાના ટાંકણે બીડાઈ જાય છે. સૂરજમુખી ન માત્ર સૂર્ય સાથે ટાઇમિંગનો તાળો રાખે છે, સૂર્યની ગતિ સાથે મુખ પણ ફેરવે છે. આવા ફૂલોને સૂર્યાનુવર્તી (હીલિઓટ્રોપિક) કહે છે. હકીકત એ છે કે આ ફૂલો સૂર્ય તરફ નહીં પણ પ્રકાશની દિશામાં વૃદ્ધિ પામતાં હોય છે એટલે એ ફોટોટ્રોપિક કહેવાય છે. સૂર્યની સાથોસાથ પૂર્વથી પશ્ચિમ તરફ મોઢું ફેરવતા આ ફૂલો મહત્તમ સૂર્યપ્રકાશ મેળવવાની કોશિશમાં હોય છે જેથી પ્રકાશસંશ્લેષણ અને પ્રજનન વધુ સારી રીતે થઈ શકે. ગરદન ફેરવવાની આ કસરતથી સૂર્યમુખી પંદર ટકા જેટલી ઊર્જા મેળવે છે. (કસરત ખોટી નથી, ખરું ને?!) અને ફૂલો જ નહીં, કેટલાક છોડવાઓના પાંદડા પણ સૂર્યાનુવર્તી ગુણધર્મ ધરાવે છે. સૂર્યમુખી જેવા સૂર્યાનુવર્તી ફૂલોની અધધધ ૨૪૦૦૦થી પણ વધુ પ્રજાતિઓ જોવા મળે છે. અફીણના છોડના ફૂલો, ગલગોટો, ડેઝી, કમ્પાસ પ્લાન્ટ (રોઝિનવેડ) કેટલાક ઉદાહરણ છે.

મૂળ કવિતા ઇવનિંગ પ્રિમરોઝ વિશે છે. ઇવનિંગ પ્રિમરોઝ આછાં પીળાં રંગના ફૂલોવાળો એક છોડ છે જે રાતે ખીલે છે અને સવારે મુરઝાઈ જાય છે. આપણે આ છોડથી પરિચિત નથી પણ ઇવનિંગ પ્રિમરોઝ અને રાતરાણીના ગુણધર્મ ખીલવા-મુરઝાવાની બાબતમાં સરખા હોવાથી અહીં રાતરાણીનો સંદર્ભ રાખ્યો છે. પારિજાત પણ રાત્રે જ ખીલે છે પણ ફરક એટલો જ કે સવારે એનાં ફૂલ મુરઝાઈ નથી જતાં, ખરી જાય છે.

એલેક્ઝાન્ડર પોપે ખૂબ મશહુર કરેલ યુગ્મક (couplet) પ્રકારની આ રચના છે જેમાં અ-અ, બ-બ, ક-ક પ્રકારની પ્રાસરચના આયમ્બિક પેન્ટામીટર છંદમાં ગોઠવાયેલી હોવાથી કવિતાનો લય પ્રભાવક બને છે. કવિતાની ભાષા ખૂબ જ સરળ છે, જેનું એક કારણ એ પણ હોઈ શકે કે કવિનું ઔપચારિક શિક્ષણ ટીનએજ શરૂ થતા પહેલાં જ પૂરું થઈ ગયું હતું. રોજિંદા વ્યવહારના શબ્દોથી કવિ જે રીતે રાતરાણીનું
સૌંદર્ય ઉજાગર કરે છે પ્રસંશનીય છે.

કેટલાક સંબંધ પણ રાતરાણી જેવા હોય છે. દુનિયાની નજરે અલગ જીવતી બે વ્યક્તિ દુનિયાની નજર બહારના અંધારામાં એક થઈને ખીલી ઊઠે છે. લોકોની જાણ બહાર ખાનગી સ્થળો, સોશ્યલ મિડિયાઝ, ટેલિફોનની જમીન પર આવી મૈત્રીના યુટોપિયાનું સર્જન થતું આવ્યું છે, થતું રહેશે. જેમની જિંદગીની ટ્રેન રાતરાણી અને સૂરજમુખીના બેવડા પાટા પર દોડતી હોય છે એ લોકો બહુધા રાતરાણીની ખુશબૂનો બદલો સૂરજમુખીને વધુ સૂર્યપ્રકાશ ભેટ ધરીને ચૂકવતા જોવા મળતા હોય છે.

સૂર્ય આથમી ગયા પછીના ભળભાંખળાના સમયે આકાશનો ચાંદો અને તારાઓ પણ ઝાંખા નજરે ચડે છે. વાતાવરણમાં વ્યાપ્ત ઠંડકથી ભેજ જામતાં જે ઝાકળબુંદો જામે છે એ જાણે સંધ્યાના ગળામાં મોતીની સેરની જેમ ચમકે છે. આવા સમયે રાતરાણી ધીરે રહીને ખીલે છે. ‘નવેસરથી’ શબ્દ ધ્યાન ખેંચે છે. મતલબ આ ફૂલો ગઈકાલે પણ ખીલ્યાં હશે, આવતીકાલે પણ ખીલનાર હશે. પારિજાતની પેઠે ખીલીને ખરી જનારું નહીં પણ દેવહૂમા પક્ષીની જેમ મુરઝાઈ ગયા પછી ફરી ખીલનારું આ સૌંદર્ય છે.

પશ્ચિમનો કવિ પણ સાધુ-સંતોની સંસ્કૃતિથી કેવો પરિચિત છે! સાધુઓના અલગારીપણાને એણે આબાદ ચાક્ષુસ કર્યું છે. રાતરાણી પ્રકાશના પ્રલોભનોથી પર છે. રાતના અંધારામાં શુદ્ધ ચાંદની જેવા એના શુભ્ર શ્વેત સૌંદર્યની નોંધ કોઈ લેશે કે નહીં એની પણ એને દરકાર નથી. રાતને રાતરાણીના પ્રેમાળ આલિંગનોની જરાય તમા નથી એ જાણવા છતાંય એ પોતાની આખી જાત એના પર કુરબાન કરે છે. મકરંદ દવેનું ગીત યાદ આવ્યા વિના નહીં રહે:

ફૂલ તો એની ફોરમ ઢાળી રાજી.
કોઈનું નહીં ફરિયાદી ને કોઈનું નહીં કાજી !

વાયરો ક્યાં જઈ ગંધ વખાણે,
ફૂલ તો એનું કાંઈ ન જાણે,
ભમરા પૂછે ભેદ તો લળી
મૂંગું મરતું લાજી.
ફૂલ તો એની ફોરમ ઢાળી રાજી.

ગ્લૉબલ કવિતા – અજાણ્યો નાગરિક – ડબ્લ્યુ. એચ. ઑડેન

અજાણ્યો નાગરિક

(જે.એસ./07એમ378
આ આરસનું સ્થાપત્ય
રાજ્યસરકાર વડે ઊભું કરાયું છે)

એના વિશે અંકશાસ્ત્રના ખાતા દ્વારા તપાસમાં જણાયું છે કે
એની સામે કોઈ અધિકૃત ફરિયાદ નહોતી,
અને એના વર્તન વિશેના બધા જ અહેવાલો સહમત છે એ વાતે
કે, એક જૂનવાણી શબ્દના આધુનિક સંદર્ભમાં,
એ એક સંત હતો,
કેમકે એણે જે પણ કંઈ કર્યું, સમાજની સેવા જ કરી.
એ નિવૃત્ત થયો ત્યાં સુધીમાં, એક યુદ્ધને બાદ કરતાં,
એ એક ફેક્ટરીમાં કામ કરતો હતો અને એને કદી છૂટો કરવામાં આવ્યો નહોતો;
પણ સંતોષ્યા હતા, ફજ મોટર્સ ઇન્ક.ના માલિકોને.
એ એનાવિચારોમાં બદમાશ કે વિચિત્ર નહોતો,
કેમ કે એના યુનિયને રિપોર્ટ કર્યો છે કે એણે બધું કરજ ચૂકવી દીધું હતું,
(એના યુનિયન વિશેનો અમારો રિપોર્ટ કહે છે કે એ યોગ્ય હતું)
અને અમારા સામાજિક મનોવિજ્ઞાન કાર્યકર્તાઓ શોધ્યું હતું કે
એ એના સાથીઓમાં પ્રિય હતો અને એને શરાબ ગમતો હતો.
અખબારોને ખાતરી છે કે એ રોજ અખબાર ખરીદતો હતો
અને જાહેરખબરો વિષયક એના પ્રતિભાવો દરેક રીતે સામાન્ય હતા.
એના નામ પર લેવાયેલી પોલિસી સાબિત કરે છે કે એણે પૂર્ણપણે વીમો ઉતરાવ્યો હતો,
અને એનું આરોગ્ય-પત્રક સૂચવે છે કે એ એકવાર હૉસ્પિટલમાં દાખલ થયો હતો પણ સારો થઈને છોડી ગયો હતો.
બંને સંશોધન તથા ઉચ્ચ-સ્તરીય જીવન નિર્માતાઓ જાહેર કરે છે કે
એ હપ્તા પદ્ધતિના ફાયદાઓથી સંપૂર્ણપણે વાકેફ હતો
અને આધુનિક માનવીને આવશ્યક તમામ ચીજો એની પાસે હતી,
મોબાઇલ, રેડિયો, કાર અને રેફ્રિજરેટર.
અમારા જાહેર મંતવ્યના સંશોધકો એ વાતે સંતુષ્ટ છે
કે એ સમસામયિકઘટનાઓ અંગે યોગ્ય અભિપ્રાયો ધરાવતો હતો;
જ્યારે શાંતિ હોય, એ શાંતિના પક્ષમાં રહેતો; યુદ્ધ થાય ત્યારે એ માટે જતો.
એ પરિણીત હતો અને વસ્તીમાં પાંચ બાળકોનો એણે ઉમેરો કર્યો હતો,
જે વિશે અમારા સુપ્રજનનશાસ્ત્રી કહે છે કે એની પેઢીના મા-બાપ માટે યોગ્ય આંકડો હતો.
અને અમારા શિક્ષકો કહે છે કે એ કદી એમના શિક્ષણ બાબતમાં દખલ કરતો નહોતો.
શું એ આઝાદ હતો? શું એ ખુશ હતો? પ્રશ્ન જ અસંગત છે:
જો કંઈક ખોટું હોત, તો અમે ચોક્કસ એ વિશે સાંભળ્યું જ હોત.

-ડબ્લ્યુ. એચ. ઑડેન
(અનુ.: વિવેક મનહર ટેલર)

નેગેટિવ યુટોપિયા પર પ્રકાશ નાંખતી દીવાદાંડી

કોઈ એક ગુમનામ નાગરિક મૃત્યુ પામ્યો છે અને કારણ કે એ ગુમનામ હતો, રાજ્યસરકારે એને દફન પણ કર્યો છે અને એની કબરની ઉપર આરસની તકતી પણ લગાવી છે. આ તકતીની ઉપર સરકાર દ્વારા અંકાયેલ આલ્ફાબેટ અને નંબર એક અજાણ્યા નાગરિકની એકમાત્ર જાણકારી-ઓળખ બનીને રહી ગઈ છે. એક-એક લીટી જાણે મીઠાના પાણીમાં બોળેલા ચાબખાની જેમ આપણી ઊઘાડી નફ્ફટ ચામડી પર વીંઝાતી કેમ ન હોય એમ કવિતા આપણને અંગે-અંગે જખ્મી કરી દે છે. એક કે બે ચાબખા વીંઝવાથી કવિને સંતોષ ન થતો હોય એમ કવિતા સતત લંબાયે રાખે છે અને આપણા અહેસાસના અક્ષત પથ્થરને કોરી-કોરીને વેદનાનું જીવંત શિલ્પ કંડારી દે છે.

અપ્રતિમ કળાભિજ્ઞતા ધરાવતા વિસ્ટન હ્યુ ઑડેનસાચા અર્થમાં ટેકનિકના અને છંદોલયના બેતાજ બાદશાહ હતા. બીજા શબ્દોમાં કઈએ તો મિ. પરફેક્શનિસ્ટ.શબ્દોના આકાશ નીચે વસી શકે એ તમામ કાવ્યપ્રકારોમાં ખેડાણ કરી શકવાની એમની ક્ષમતા એમના વિશાળ સર્જનમાંથી ટપકતી જોઈ શકાય છે. સમસામયિક પ્રવાહો, સમાજ અને સંસ્કૃતિનો પ્રવર્તમાન ચહેરો અને સ્થાનિક ભાષાનું સંમિશ્રણ ઓડેનની આગવી ઓળખ છે. નાનાવિધ સાહિત્ય પ્રકારો, કળાઓ, રાજકીય-ધાર્મિક અને સામાજીક મત તથા તકનીકી અને વૈજ્ઞાનિક માહિતીઓમાંથી અર્ક તારવી લઈને અસામાન્ય સર્જન કરવાની કોઠાસૂઝ જે ઑડેનમાં જોવા મળે છે એના કારણે જ એ વીસમી સદીના સર્વશ્રેષ્ઠ અંગ્રેજી કવિગણાય છે.

જન્મ ઇન્ગ્લેન્ડના યૉર્ક ખાતે 21-02-1907ના રોજ. 29-09-1973ના રોજ વિએના ખાતે નિધન. ઓક્સફર્ડ ખાતે અભ્યાસ. નાની વયે જ કવિ તરીકે પ્રસિદ્ધિ મળી. 1930માં પ્રકાશિત ‘પોએમ્સ’થી નવી પેઢીના અગ્રણી અવાજ તરીકે નામના મળી. 1939માં અમેરિકા સ્થળાંતર કર્યું. ત્યાં જ ચેસ્ટન કોલમેનના પ્રેમમાં પડ્યા અને ત્યાંનું નાગરિકત્વ મેળવ્યું. જીવનના અંતિમ બે દાયકા અકાદમી ઓફ અમેરિકન પોએટ્સના ચાન્સેલર તરીકે પસાર કર્યા. ઑડેનની કવિતાઓ બુદ્ધિવાદી કવિતા છે, એમાં ડહાપણ પણ ઠાંસીને ભરેલું છે. એમની કવિતાઓ એક મુસાફરી-એક તરસને શબ્દબદ્ધ કરતી નજરે ચડે છે. એ કુદરતી સૌંદર્યના કવિ હતા. સિગ્મંડ ફ્રોઇડનું માનસશાસ્ત્ર અને સેક્સોલોજીનો ખાસ્સો પ્રભાવ એમના પર વર્તાય છે. આપણે ત્યાં કૃષ્ણલાલ શ્રીધરાણીની કવિતામાં અમેરિકાગમન પૂર્વે અને સ્વદેશાગન પછી –એમ બે તબક્કા સાફ નજરે ચડે છે એમ ઑડેનની કવિતાઓમાં પણ અમેરિકાગમન પહેલાં અને પછી એમ બે અલગ ભાગ જોઈ શકાય છે. પહેલાં એ વામપંથી હતા અને રોમાન્ટિસિઝમના વિરોધી હતા. અમેરિકામાં ખ્રિસ્તી ધર્મ અપનાવ્યા બાદ એમની કવિતાઓ માનવસમસ્યાઓના ઉકેલ માટે રહસ્યવાદ-અધ્યાત્મ તરફ નજર નાંખતી દેખાય છે.

અજાણ્યો નાગરિક એ કવિની જાણીતી રચનાઓમાંની એક છે. 1939માં ઇન્ગ્લેન્ડથી અમેરિકા સ્થળાંતરિત થયા બાદની તરતની રચનાઓમાંની આ એક છે. આપણે ત્યાં આજે જેમ આધાર કાર્ડ નાગરિકજીવનના બધા જ પાસાંઓ સાથે સાંકળવાની કવાયત શરૂ થઈ ગઈ છે એવું જ અમેરિકામાં સોશ્યલ સિક્યુરિટી નંબરનું છે. સરકાર જે રીતે નાગરિકોને નંબરના સ્ટિકર્સ મારીને ઓળખવાની પ્રણાલિના અમલીકરણમાં રત છે એ જોતાં એ દિવસો દૂર નથી જ્યારે માણસ એના નામથી નહીં પણ સરકારી નંબરથી ઓળખવાનું શરૂ થઈ જાય.

આલ્ડસ હક્સલીની ‘બ્રેવ ન્યૂ વર્લ્ડ’ અને જ્યૉર્જ ઓર્વેલની ‘1984’ યાદ આવ્યા વિના નહીં રહે. બે વિશ્વયુદ્ધની વચ્ચે 1932માં લખાયેલ નવલકથા ‘બ્રેવ ન્યૂ વર્લ્ડ’માં ભૌતિકવાદની સર્વોપરિતા અને સામા પક્ષે વૈજ્ઞાનિકો અને ‘આયોજકો’ વડે મનુષ્યજાતિ સાથે કરાતી પદ્ધતિસરની છેડછાડ ડરામણા ભવિષ્યની ધ્રુજાવી નાંખે એવી તસ્વીર ઉપસાવે છે. ટેકનોલોજીના અતિક્રમણના પરિણામે અંગત ઓળખ ગુમાવી બેસતી માનવજાતનું ચિત્રણ એવું તો આબેહૂબ રજૂ થયું છે કે કાંપી જવાય. સાડા આઠ દાયકા પહેલાં લેખકે જે કલ્પના કરી હતી એમાંની ઘણી, જેમ કે લેબોરેટરીમાં અંડકોષનું ફલીકરણ વિ., આજે સાચી પડી હોવાથી ‘રિવર્સ-યુટોપિયા’નો દૃષ્ટિકોણ ધરાવતી આ નવલકથા ભયનું લખલખું ફેલાવી દે છે. તો સામા પક્ષે ઑર્વેલની ‘1984’ તો આપણા ભવિષ્યનો વધુ ડરામણો ચહેરો ઉઘાડો કરે છે. બીગબ્રધર એની ‘થોટપોલિસ’ ‘ન્યૂસ્પિક’ ભાષા અને ‘ડબલથિંક’ શિક્ષણપદ્ધતિ વડે આખી પ્રજાનું બ્રેઇનવૉશ કરી કાબૂમાં રાખે છે. એકહથ્થુ સરમુખત્યારશાહીના જોખમો સામે લાલબત્તી ચીંધતી આ નવલ પણ નેગેટિવ-યુટોપિયાનો ડર જન્માવે, ધ્રુજાવી નાખે એવો જ દૃષ્ટિકોણ ધરાવે છે. સરવાળે આપણે એ સમજવાની જરૂર છે કે વિકાસ અને સંસ્કૃતિ અંગેના આધુનિક ખ્યાલો ધરમૂળથી સાવ ખોટાય હોઈ શકે છે.

કળાકાર એ સમાજની દીવાદાંડી છે. કળાના પ્રકાશથી એ પ્રજાને દેખતી અને જાગતી રાખે છે. આવી કોઈ એક નવલક્થા કે ઑડેનની આ કવિતા જેવી કોઈ એક કવિતા ઘણીવાર હજાર પ્રવચનોનું કામ એકલા હાથે કરી શકે છે.રાજા જેમ્સના બાઇબલ અને પયગંબરન કુરાન ની માનવજાત પર જે અસર થઈ છે એ તો ન ભૂતો, ન ભવિષ્યતિ જેવી છે. અબ્રાહમ લિંકન જ્યારે ‘અંકલ ટોમ્સ કેબિન’ની લેખિકા હેરિઅટ સ્ટોવેને મળ્યા ત્યારે કહ્યું હતું કે, ‘તો તમે જ એ ઠિંગણી સ્ત્રી છો જેણે (હબસીઓની ગુલામીમુક્તિનું) મહાન યુદ્ધ શરૂ કર્યું છે.’ કન્ફ્યુસિયસ, પ્લેટો, ઈસપ, હૉમર, કાર્લ માર્ક્સ, ડાર્વિન, ફ્રોઇડ, શેક્સપિઅર વગેરે લેખકોની મનુષ્યજાતિ પરની અસર અમાપ-અસીમ છે. ‘અન ટુ ધ લાસ્ટ’ પુસ્તકે મહાત્મા ગાંધીનું જીવન બદલી નાંખ્યું હતું. ઉમાશંકર જોશીની ‘ભૂખ્યાં જનોનો જઠરાગ્નિ જાગશે’ પણ ઑડેનની આ કવિતાની જેમ જ સમયના વહેણમાં ક્યારેક ગુમરાહ થવું-થવું કરતા સમાજના જહાજને સાચી રોશની પૂરી પાડે છે.

આ અજાણ્યો નાગરિક મારા-તમારામાંથી કોઈપણ હોઈ શકે છે. સાચા અર્થમાં આ આમ આદમીની વાત છે. સરકાર માટે આપણી શી કિંમત? એક મત? કે એમની ઐયાશીઓ પૂરી પાડવા માટે ભરાતા ટેક્સની કે લાંચની રકમનો એક આંકડો? શરૂઆત જ અંકશાસ્ત્રથી થાય છે એ પણ એ જ સૂચવે છે કે ઓળખપત્ર પર લખાયેલા એક આંકડાથી વધીને આપણી કોઈ હેસિયત જ નથી. આ આમ આદમીની જિંદગી સંતના ગુણધર્મોને મળતી આવતી હતી. સંત તો હવે દીવો લઈને શોધવા નીકળીએ તોય મળે એમ નથી. ડિક્શનરીના કોઈ પાનાં પર છપાયેલ શબ્દથી વધીને હવે સંતનું અસ્તિત્ત્વ શક્ય નથી. માણસની કિંમત એના વ્યક્તિત્વ, સ્વભાવ કે મૂળ ગુણધર્મોથી નથી થતી, એણે નોકરી કેટલી ઈમાનદારીથી કરી, માલિકોને કેટલો સંતોષ આપ્યો, અલગ-અલગ યુનિયનોના રિપૉર્ટ શું કહે છે એના પરથી માણસની જાત-કિંમત નક્કી થાય છે. અલગ-અલગ એજન્સીઓએ પાડી રાખેલા ખાનાંઓમાંથી તમે કેટલામાં ચૂં કે ચાં કર્યા વિના ચપોચપ બેસી જાવ છો, કેટલાંમાંથી પગ બહાર લંબાવવા કોશિશ કરો છો એના પરથી તમારું કેરેક્ટર સર્ટિફિકેટ તમારી જ ચૂંટી કાઢેલી, તમારા જ પૈસે ચાલતી સરકાર નક્કી કરે છે અને તમારે એ સરકારે આપેલું લેબલ જ ગળામાં લટકાવીને કબરમાં દટાઈ જવાનું છે.

તમારા દ્વારા અપાતા અભિપ્રાયો પણ સરકારને સુસંગત હોય તો જ એ સામાન્ય છે. બાળકોનો જન્મ હોય કે શિક્ષણ, તમારે નિયત ઘરેડની બહાર પગ મૂકવાનો નથી. ઘોડાની આંખની આજુબાજુ ડાબલાં બાંધેલા આપણે જોયાં છે. ઘોડાવાળો આ ડાબલાં એટલા માટે બાંધે છે કે ઘોડાએ સામેના રસ્તા સિવાય આજુબાજુનું કશું જોવાનું નથી એવું એણે નક્કી કર્યું છે. મંઝિલ એણે નક્કી કરી છે, મંઝિલ પર જવાનો નિર્ણય પણ એણે જ કર્યો છે પણ એ પીઠ પર સવાર થઈ ગયો છે એટલે ભલે ઘોડો જ એને મંઝિલ સુધી કેમ ન લઈ જતો હોય, ડાબલાંની સજા ઘોડાએ જ ભોગવવાની છે. સરકાર આપણી પીઠ પર સવાર થઈ ગઈ છે. એનો બોજો પીઠ પર વેંઢારીને આપણે જ એને મંઝિલ સુધી લઈ જવાનાં છીએ પણ એ પીઠ પર ચડી ગઈ છે એટલે નિયમોના ડાબલાં આપણી જ આંખ પર લાગે છે.

શું આપણે આઝાદ છીએ? શું આપણે ખુશ છીએ? કોઈને આ વાતની કંઈ પડી છે ખરી?! બળદ ધૂંસરી બાંધીને ઘાણીમાં ગોળ-ગોળ ફરીને રસ કાઢી આપતો હોય ત્યાં સુધી આ તમામ પ્રશ્નો અપ્રસ્તુત છે. માણસ વિશેની અથથી ઈતિ જાણકારી હોવા છતાં એની ઓળખ અ-જાણ્યાથી વિશેષ છે જ નહીં આ વિરોધાભાસ, આ કટાક્ષ ચાબુકની જેમ આપણી રહીસહી સમ-વેદના પર વિંઝાય છે એ જ આ કવિતાનો પ્રાણ છે.

*

The Unknown Citizen

(To JS/07 M 378
This Marble Monument
Is Erected by the State)

He was found by the Bureau of Statistics to be
One against whom there was no official complaint,
And all the reports on his conduct agree
That, in the modern sense of an old-fashioned word, he was asaint,
For in everything he did he served the Greater Community.
Except for the War till the day he retired
He worked in a factory and never got fired,
But satisfied his employers, Fudge Motors Inc.
Yet he wasn’t a scab or odd in his views,
For his Union reports that he paid his dues,
(Our report on his Union shows it was sound)
And our Social Psychology workers found
That he was popular with his mates and liked a drink.
The Press are convinced that he bought a paper every day
And that his reactions to advertisements were normal in every way.
Policies taken out in his name prove that he was fully insured,
And his Health-card shows he was once in hospital but left it cured.
Both Producers Research and High-Grade Living declare
He was fully sensible to the advantages of the Instalment Plan
And had everything necessary to the Modern Man,
A phonograph, a radio, a car and a frigidaire.
Our researchers into Public Opinion are content
That he held the proper opinions for the time of year;
When there was peace, he was for peace: when there was war, he went.
He was married and added five children to the population,
Which our Eugenist says was the right number for a parent of hisgeneration.
And our teachers report that he never interfered with theireducation.
Was he free? Was he happy? The question is absurd:
Had anything been wrong, we should certainly have heard.

– W. H. Auden

ગ્લૉબલ કવિતા : तेरा जिस्म ओढ लूं |

Leaning chest to chest,
breast to breast,
pressing lips on sweet lips,
and taking Antigone’s skin to my skin,
I keep silent
about the other things,
to which the lamp is registered as witness.

– Marcus Argentarius
(Greece)

છાતી છાતી સાથે આલિંગનબદ્ધ,
સ્તન સાથે સ્તન,
અધર દબાયા છે મીઠા અધર સાથે,
અને એન્ટિગનીની ત્વચાને મારી ત્વચા બનાવીને
હું રહું છું મૌન
બીજી બધી ક્રિયાઓ પરત્વે
જે સૌ માટે આ દીવો બન્યો છે સાક્ષી.

– માર્કસ આર્જેન્ટેરિયસ
(અનુ. વિવેક મનહર ટેલર)

तेरी धडकनों को छू लूं, तेरा जिस्म ओढ लूं |

“तेरे लबों से प्यार की कलियाँ तोड लूं, तेरी धडकनों को छू लूं, तेरा जिस्म ओढ लूं”–આજે આ ગીત આપણી અંદરના પ્રેમીને ઠે…ઠ ભીતર સુધી પ્રસવારતું હોય એવી મીઠી અનુભૂતિ કરાવે છે, આપણને મજા પડે છે પણ બે હજાર વર્ષ પહેલાં આ જ વાત કોઈ કહી ગયું છે એમ ખબર પડે તો કેવું સાનંદાશ્ચર્ય થાય?!

લગભગ બે-અઢી હજાર વર્ષ પહેલાં થઈ ગયેલા માર્કસ આર્જેન્ટેરિયસના નામે ગ્રીક એન્થોલોજીમાં ત્રીસેક જેટલા ચાટુક્તિસભર લઘુકાવ્યો (Epigrams) બોલે છે જેમાંના મોટાભાગના સંભોગશૃંગારને લગતા તો બાકીના શબ્દ અને અર્થની રમત અને વ્યંગસભર છે.

ઉપલબ્ધ વિશ્વકવિતાના ઇતિહાસનો ઊંડો અભ્યાસ કરીએ તો સમજી શકાય છે કે પ્રાચીન વિશ્વમાં કોઈપણ સંસ્કૃતિમાં સેક્સ અને સ્ત્રી-પુરુષના અંગોપાંગના ખુલ્લા વર્ણનોનો ક્યાંય કોઈ છોછ નહોતો. ફેશન જેમ જેમ મનુષ્યની નગ્નતાને વધુને વધુ ઢાંકવા માંડી, મનુષ્યની દૃષ્ટિમાં નગ્નતા વધુ વિકસતી ગઈ. સંભોગની ચરમસીમાએ યોનિપ્રવિષ્ટ પૂર્ણઉત્તેજિત શિશ્નપૂજન એ આપણી સંસ્કૃતિનું સાચું ઔદાર્ય સૂચવે છે. આસામમાં કામાખ્યાદેવીના મંદિરમાં યોનિપૂજા કરવા વિશ્વભરમાંથી ભારતીયો આવે છે. શિવલિંગપૂજા અને યોનિપૂજા તો રહી ગયા પણ વાત્સ્યાયન-ખજૂરાહોની પરંપરાથી સમૃદ્ધ છતાં આપણી સંકીર્ણ રોગિષ્ઠ માનસિકતાએ આજે કામસૂત્રને પણ બદનામસૂત્ર બનાવી દીધું છે. ખેર, આપણે આપણી કવિતા તરફ વળીએ.

સમજી શકાય છે કે આ કામક્રીડા સફળતાથી પૂર્ણ થયા બાદની સ્વગતોક્તિ છે.સમ-ભોગ પછીના સંપૂર્ણ સુખમાં બે દેહ અદ્વૈત અનુભવે છે પણ કવિ વિગતે કશી વાત ન કરીને આપણા રસભાવની કસોટી કરતા હોય એમ આગળની વાર્તા આખી ઘટનાના ‘સાક્ષી’ દીવાના ઝાંખા પ્રકાશના હાથમાં છોડી દે છે…

કવિતામાં એન્ટિગનીનો ઉલ્લેખ આવે છે. કોણ હતી આ એન્ટિગની? લગભગ અઢી હજાર વર્ષ પૂર્વે થીબ્સના રાજા ઇડિપસના એની પોતાની સગી માતા જોકાસ્ટા સાથે અજાણતા થયેલ લગ્નથી જન્મેલ અનૌરસ સંતાન એ એન્ટિગની. એટલે સંબંધમાં એ ઇડિપસની બહેન પણ ખરી અને પુત્રી પણ ખરી. થીબ્સના યુદ્ધમાં એન્ટિગનીના બન્ને ભાઈઓ પરસ્પર વિરોધી છાવણીમાંથી લડીને વીરગતિ પામે છે. વિજેતા રાજા ક્રિઓન પોતાના પક્ષે લડેલા ઇટિઓક્લિસને તો માનભેર દફનાવવાની તજવીજ કરે છે પણ પોલિનિસસ સામા પક્ષે લડ્યો હોવાથી એનું શબ નગરમાં દાટવાના બદલે યુદ્ધમેદાનમાં ખુલ્લું જ સડવા દેવાનો આદેશ આપે છે જે એ જમાનામાં સૌથી મોટું અવમાન ગણાતું. શબની આ અવહેલના ત્યારે અત્યંત કડક અને શરમજનક સજા ગણાતી. પણ પોલિનિસસને થીબ્સમાં જ દફન કરવાની જિદ્દ પર અણનમ એન્ટિગની આ આદેશનો અનાદર કરવાની કોશિશમાં પકડાઈ જાય છે. પોતે જે કર્યું છે એના પર એન્ટિગનીને પસ્તાવો નથી. એ માને છે કે એણે ઈશ્વરના કાયદાનું પાલન કરવાની, પારિવારિક વફાદારી તથા સામાજિક ઔચિત્ય જાળવવાની કોશિશ જ કરી છે. એ ક્રિઓનની સામે હિંમતભેર ઊભી રહે છે, દલીલો કરે છે, દયાની ભીખ માંગતી નથી અને મૃત્યુદંડની સજા પામે છે. નાટ્યાત્મક વળાંકો પછી ક્રિઓન સજા બદલવાનું વિચારે છે પણ ત્યાં સુધીમાં એન્ટિગની મૃત્યુને વહાલું કરી ચૂકી હોય છે. સર્વકાલીન ઉત્તમ સર્જક સોફોક્લિસની બહુખ્યાત “ઇડિપસ ત્રિલજી”માં એન્ટિગની કહે છે, કોઈએ મારા માટે લગ્નગીત ગાયાં નથી, મારી લગ્નશૈયા કોઈએ ફૂલોથી વણી નથી, હું મૃત્યુને પરણી છું”
(“No youths have sung the marriage song for me,
My bridal bed
No maids have strewn with flowers from the lea,
‘Tis Death I wed.”)

એન્ટિગનીનો શાબ્દિક અર્થ ‘પુરુષ વિરોધી’ કે ‘વીર્યવિરોધી’ પણ થાય છે. બીજો અર્થ ‘મા-બાપને લાયક’ પણ થાય છે. બે હજાર વર્ષ પહેલાંના પુરુષપ્રધાન ગ્રીસમાં એન્ટિગનીની હિંમત, જિદ અને પરિવાર તરફની ફરજ નિભાવવાની સમજ એને એ જમાનાના પુરુષોથી મુઠી ઊંચેરી સિદ્ધ કરે છે, એની તાકાતનો અહેસાસ કરાવે છે. એના નામના અર્થને એ સાર્થક કરે છે.

તોય આ રચનામાં એન્ટિગનીનો ઉલ્લેખ સમજણના પ્રદેશની જરા બહાર રહી જતો અનુભવાય છે. માર્કસની અન્ય એક લઘુરચના જોઈએ:

To me you were formerly a Sicilian, Antigone; but since you
have become an Aetolian, look, I have become a Mede.

“પહેલાં તું, એન્ટિગની, સિસિલિઅન (રસાળ વૈવિધ્યસભર વાનગીઓનો પ્રદેશ) હતી, પણ જ્યારથી તું ઇટોલિઅન (વિવિધ માંગણીઓ કરનાર, ભિખારી) બની ગઈ છે, હું મિડ (કંજૂસ) બની ગયો છું.”

માર્કસની અન્ય રચનાઓમાં પણ એન્ટિગની અને અન્ય નામોનો ઉલ્લેખ જોવા મળે છે એ જોતાં એમ પણ માની શકાય કે એણે આ નામ કોઈ સૂચિતાર્થ વિના પણ વાપર્યું હોય. કવિતામાં તત્કાલીન પાત્રોનો નામોલ્લેખ કદાચ એ જમાનાની કાવ્યપ્રણાલિનો જ એક અંશ પણ હોઈ શકે. હશે, કદાચ એમ પણ હોય. પણ કેટલીકવાર કવિતામાં કોઈ નામનો ઉલ્લેખ નામ સાથે જોડાયેલી અર્થચ્છાયા ઊભી કરવા પૂરતો પણ હોઈ શકે. રાણી લક્ષ્મીબાઈનું નામ લેતાંની સાથે જ આપણું ભાવવિશ્વ વીરાંગના સાથે, સ્વાભિમાન અને આઝાદીની ઉત્કટ ઝંખના સાથે સંકળાઈ જાય છે. એ જ રીતે કદાચ આ રચનામાં રતિક્રીડામાં સ્ત્રી-પુરુષ વચ્ચે સર્જાતું મૂક સાયુજ્ય એન્ટિગનીની હાજરી, સ્ત્રીની તાકાતનો અહેસાસ કરાવેછે.

પ્રસ્તુત રચના પ્રિટરિશિયો (Praeteritio)નું સ-રસ દૃષ્ટાંત છે. પ્રિટરિશિયોનું ગુજરાતી ભાષાંતર દોહ્યલું છે. મૂળ લેટિનમાં આ શબ્દનો અર્થ ‘છોડી દેવું’ થાય છે. આ એ પ્રકારનો શબ્દાલંકાર છે જેમાં કવિ જે કહેવા માંગે છે એ વાતની અવગણના કરીને, એ વાત ન કહીને ભાવકનું ધ્યાન પાછું એ વાત તરફ જ દોરે છે. એને ઓક્યુલેશિયો અથવા એપોફેસિસ કે પેરાલેપ્સિસ પણ કહે છે. આનુંય ગુજરાતી તો કપરું જ છે! પણ મુખ્ય વાત ન કહીને કહેવાની છે ને એની આ કવિતામાં ખરી મજા છે. છાતી, સ્તન, હોઠ, ત્વચા –કામકેલિ જે રીતે આગળ વધે છે એ જોતાં આગળ જનનાંગોના નામ કઈ રીતે કવિએ પ્રયોજ્યા હશે કે કામક્રીડાનું રસાળ વર્ણન કવિએ કેવું કર્યું હશે એ જોવા-જાણવાની ઉત્કંઠા કાવ્યારંભે જ તીવ્રતમ થાય પણ કવિતામાં આગળ વધતાં જ કવિ રતિક્રીડાના સાક્ષી દીવાને આગળ ધરી દઈને અચાનક મૌન સેવે છે. આ છે પ્રિટરિશિયો. દીવાનું કામ પ્રકાશ આપવાનું છે. દીવો બંને પ્રણયરત નિર્વસ્ત્ર પ્રેમીઓના શરીરને તો પ્રકાશિત કરે જ છે પણ જે ઘટના બંને વચ્ચે ઘટી ચૂકી છે કે ઘટી રહી છે એના પર પ્રકાશ ફેંકતો નથી.

એક બીજી આડવાત. શબ્દાલંકારની જ વાત નીકળી છે તો કવિતામાં અધૂરી છોડી દેવાયેલ ભાષાશૈલી – પોલિપ્ટોટન (polyptoton)ને પણ સમજી લઈએ. (આ પોલિપ્ટોટનનું ગુજરાતીકરણ પણ કેમ કરવું?) એક જ મૂળમાંથી જન્મેલા શબ્દોને જોડાજોડ પ્રયોજવાના કવિકર્મને પોલિપ્ટોટન કહે છે. દા.ત.રિચર્ડ બીજો નાટકમાં શેક્સપિઅર કહે છે, With eager feeding, food doth choke the feeder. (આગ્રહપૂર્વક ખવડાવવામાં આવતાં, ખોરાક ખાનારને ગૂંગળાવી શકે છે.) પ્રસ્તુત રચનામાં કવિ છાતી, સ્તન, હોઠ અને ચામડી – એમ વારાફરતી સ્ત્રી અને પુરુષના અંગોની વાત કરે છે. પોલિપ્ટોટન આગળ વધે તો હવે સ્ત્રી અને પુરુષના જનનાંગોના નામ કવિતામાં આવે પણ ત્યાં કવિ વાત અધૂરી મૂકી દે છે… અને કવિતા વધુ રસપ્રદ બને છે.

સાવ એક લીટી જેવડી નાનકડી કવિતા, પરંતુ જેમ કામકેલિની ચરમસીમા પણ ક્ષણિક છતાં પ્રબળ હોય છે એમ જ ટચૂકડી છતાં તાકતવર. છાતી છાતીની સાથે જકડાયેલી છે એમ કહી દીધા પછી સ્તનની વાત કરે છે… બંને અલગ ? કે પછી વર્તુળના પરિઘ પરથી કેન્દ્ર તરફની ગતિ અહીં ઈંગિત થાય છે? પ્રગાઢ ચુંબન
પછી નાયક એન્ટિગનીને વચ્ચે કશું જ ન રહે એમ જાતસરસી જકડી લે છે. अब हवा भी नहीं, तेरे मेरे दरमियां।

ચસોચસતા હો એવી કે હવાની આવજા દુષ્કર બને,
સતત એવા અને એથી પ્રબલ આલિંગનોને શોધું છું.

– અને આ તીવ્રાનુભૂતિ પર આવીને નાયક મૌન થઈ જાય છે… પ્રેમ આગળ વધે છે પણ પ્રેમની કથા અટકી જાય છે. દીવો મૂંગો સાક્ષી બની રહે છે. દીવાનું તો કામ જ પ્રકાશ નાખવાનું છે પણ આ આખી ઘટનાના સાક્ષી હોવા છતાંય દીવો ઘટનાને અંધારામાં રાખે છે. આ પેરાડોક્સ એક લીટીની સામાન્ય સંભોગોક્તિને કાવ્યની કક્ષાએ લઈ જાય છે.

પ્રણયની તીવ્રતમ અનુભૂતિ કાવ્યનો આત્મા છે. વાત તો શારીરિક પ્રેમની જ છે પણ એકબીજામાં ઓગળી જવાની પરાકાષ્ઠા, પ્રિયજનની ત્વચાને પોતાની બનાવી લેવાની ઉત્કંઠા દૈહિક આવેશમાં કવિતાનો પ્રાણ પૂરે છે. પ્રગાઢ આલિંગન, ચુંબન અને સંભોગથી કવિતા ખુલે છે અને મૌનમાં સમેટાય છે. પ્રણયની ચરમસીમાએ શરીર અને શબ્દો – બંને ઓગળી જાય છે. મીણ ઓગળે કે દિવેટ બળે બળે ત્યારે જ અંધકારને મારી હટાવતો પ્રકાશ રેલાય છે. આપણી જાત, આપણી એષણાઓ બળી જાય ત્યારે જ પ્રેમનો શાશ્વત પ્રકાશ રેલાય છે. શબ્દો સળગીને ઓગળી જાય એ ઘડી દ્વૈતમાંથી અદ્વૈત તરફની ગતિની, ચિર સાયુજ્યની પરમ ઘડી છે. ઓશો પણ સંભોગથી સમાધિની વાત કરે છે. સેક્સની પરાકાષ્ઠાએ મનુષ્ય ઈશ્વરની સહુથી નજીક હોય છે.

આજ કવિતાના અલગ-અલગ અંગ્રેજી અનુવાદ થયા છે જેમાંના એકનું ભાષાંતર કવિશ્રી રાજેશ વ્યાસ ‘મિસ્કીને’ પણ કર્યું છે, એ પણ જોઈએ:

એના નિર્વસ્ત્ર ભરાવદાર સ્તન
પડ્યાં છે મારી છાતી પર
ને એના અધરો પુરાયા છે મારા અધરો વચ્ચે.

મારી સૌંદર્યવતી એન્ટિગની સાથે
સૂતો છું હું સંપૂર્ણ સુખમાં
નથી કોઈ આવરણ અમારી વચ્ચે.

આગળ કશું નહીં કહું,
એનું સાક્ષી તો છે માત્ર ઝાંખું ફાનસ.

‘અચ્છે દિન’ – Gujarati Sugam Sangeet Program by Non-Gujarati Organizer!

‘અચ્છે દિન’ ગુજરાતી સુગમ સંગીત કાર્યક્રમ

    on April 30th in Cubberly Theatre, Palo Alto!!

    Hemant Joglekar – A Bay area music enthusiast, is a creative organizer who believes that music has universal reach and has no language Barrier! Through his ‘गाये जा मुस्कुराये जा’ group, Hemant organized first prorgam of हिंदी songs in 2015, of मराठी songs in 2016 & is now coming up with ગુજરાતી program on April 30th in Cubberly Theatre, Palo Alto! Some of Bay area’s well known artists have joined Hemant in his unique and genuine efforts – Piyush Nagar, Hetal Brahmbhatt, Aanal Anjaria, Achal Anjaria, Puja Purandare, & Seema Agrawal!
    MC – Wellknown Gujarati events promoter/organizer – Jagruti Shah of Javanika & Hemant Joglekar.

    Tickets are available: http://shopdesibazaar.com/gjmj or http://sulekha.com/gjmj

    GJMJ2017_Flyer5