મારા પિતાજી મોડી સાંજની ટ્રેનમાં મુસાફરી કરે છે
મૂક સહપ્રવાસીઓની વચ્ચે પીળા પ્રકાશમાં ઊભા-ઊભા
એમની વણ-જોતી આંખો સામેથી પરાંઓ પસાર થાય છે
એમનો શર્ટ અને પેન્ટ પાણીથી તરબોળ છે અને કાળો રેઇનકોટ
કાદવથી ખરડાયેલો અને ચોપડીઓ ઠાંસીને ભરેલો થેલો
પડુ પડુ થઈ રહ્યો છે. ઉંમરના કારણે નિસ્તેજ થયેલી એમની આંખો
ભેજાળ ચોમાસાની રાતમાં ઘર તરફ ધૂંધળાઈ રહી છે.
હવે હું એમને ટ્રેનમાંથી ઊતરતા જોઈ શકું છું
એક લાંબા વાક્યમાંથી ખડી પડેલા શબ્દની જેમ.
એ ઝડપ કરે છે ભૂખરા લાંબા પ્લેટફૉર્મ પર,
રેલ્વેલાઇન ઓળંગે છે, કતારમાં પ્રવેશે છે,
એમની ચપ્પલ કાદવથી ચપ-ચપ થાય છે પણ એ વધુ ઝડપ કરે છે.
ઘરે પાછા, હું જોઉં છું એમને ફિક્કી ચા પીતા,
વાસી રોટલી ખાતા, પુસ્તક વાંચતા.
એ સંડાસમાં જાય છે
માનવ-સર્જિત જગતથી માનવીના અણબનાવ વિશે ચિંતન કરવા માટે.
બહાર આવતાં સિન્ક પાસે એ જરા લડખડાય છે,
ઠંડુ પાણી એમના કથ્થઈ હાથો પરથી દદડી રહ્યું છે,
કેટલાંક ટીપાં એમની હથેળી પરના ધોળાં વાળ પર લટકી રહ્યાં છે.
એમના અતડાં બાળકો હાસ્યો કે રહસ્યો
એમની સાથે વહેંચતા ઘણુંખરું બંધ થઈ ગયાં છે. એ હવે સૂવા માટે જશે
રેડિયો પર ઘોંઘાટ સાંભળતા સાંભળતા, પોતાના પૂર્વજો
અને પૌત્રોના સપનાં જોતા જોતા, વિચાર કરતા કરતા
એ રખડુ આર્યો વિશે જેઓ સાંકડા ઘાટ મારફત ઉપખંડમાં આવ્યા હતા.
– દિલીપ ચિત્રે (અંગ્રેજી)
(અનુ. વિવેક મનહર ટેલર)
Father Returning Home
My father travels on the late evening train
Standing among silent commuters in the yellow light
Suburbs slide past his unseeing eyes
His shirt and pants are soggy and his black raincoat
Stained with mud and his bag stuffed with books
Is falling apart. His eyes dimmed by age
fade homeward through the humid monsoon night.
Now I can see him getting off the train
Like a word dropped from a long sentence.
He hurries across the length of the grey platform,
Crosses the railway line, enters the lane,
His chappals are sticky with mud, but he hurries onward.
Home again, I see him drinking weak tea,
Eating a stale chapati, reading a book.
He goes into the toilet to contemplate
Man’s estrangement from a man-made world.
Coming out he trembles at the sink,
The cold water running over his brown hands,
A few droplets cling to the greying hairs on his wrists.
His sullen children have often refused to share
Jokes and secrets with him. He will now go to sleep
Listening to the static on the radio, dreaming
Of his ancestors and grandchildren, thinking
Of nomads entering a subcontinent through a narrow pass.
– Dilip Chitre
પિતા – જિંદગીના વાક્યમાંથી ખડી પડેલો શબ્દ?
ડેલો. વખાર. ઓસરી. ફળિયું. ગમાણ. પરસાળ. ઓરડા. રાંધણિયું. કોઠાર. મેડી. કાતરિયું. પછીત. વાડો. – ઘરની બનાવટમાં પહેલાં ઈંટોની સાથે આ બધા ભાગ ભજવતા. ઘર જેટલા વિશાળ હતા, પરિવાર પણ એટલા જ બહોળા અને દિલ પણ એવી જ મોકળાશવાળા. જેમ-જેમ ઘર BHKથી બનવા માંડ્યા, તેમ-તેમ પરિવાર પણ નાના થવા માંડ્યા અને પરિવારજનોના દિલ પણ એવા જ સાંકડા થવા માંડ્યા. સાંકડા દિલવાળા પરિવારોમાં મા-બાપની જગ્યા માઇનસ થતી ગઈ. આવા એક પરિવારમાં વિધુર, વૃદ્ધ છતાંય કદાચ કમાવા જનાર બાપનું સ્થાન આ કવિતામાં શબ્દોથી નહીં, આંસુઓથી ચિતરે છે દિલીપ ચિત્રે.
દિલીપ પુરુષોત્તમ ચિત્રે. ૧૭-૦૯-૧૯૩૮ના રોજ વડોદરા ખાતે જન્મ. ૧૯૫૧માં પરિવાર મુંબઈ આવી વસ્યો. એમના પિતા એક જમાનામાં આપણે ત્યાં જે સ્થાન કુમારનું હતું, એ કક્ષાનું સામયિક ‘અભિરુચિ ચલાવતા હતા, તો નાના કાશીનાથ ગુપ્તે સંત તુકારામના ‘સ્પેશ્યાલિસ્ટ’ હતા. એટલે સાહિત્ય રક્તસંસ્કાર જ હતું. ૧૬ વર્ષની ઉંમરે તો એમણે નક્કી કરી લીધું હતું કે કવિતા અને ચિત્રકળા જ એમનો વ્યવસાય બની રહેશે. ૨૨ વર્ષની ઉંમરે પહેલો કાવ્યસંગ્રહ પ્રગટ થયો. એ જ ઉંમરે વિજયા સાથે લગ્ન કર્યા. એમનો એકમાત્ર પુત્ર ભોપાલ ગેસ કરુણાંતિકાનો શિકાર બન્યો હતો. કવિ. લેખક. અનુવાદક. વિવેચક. સંપાદક. અચ્છા ચિત્રકાર, ફોટોગ્રાફર અને ફિલ્મનિર્માતા પણ. કેન્સર સામેનો જંગ લડતા-લડતા અંતે ૧૦-૧૨-૨૦૦૯ના રોજ પુણે ખાતે પોતાના નિવાસસ્થાને જ દેહવિલય.
સ્વાતંત્ર્યોત્તર ભારતના નોંધપાત્ર સર્જકોમાંના એક દ્વિભાષી સર્જક. મુખ્યત્વે મરાઠી અને અંગ્રેજીમાં, પરંતુ હિંદી-ગુજરાતીમાં પણ એમણે નોંધનીય પદાર્પણ કર્યું. તુકારામ અને ધ્યાનેશ્વરની કૃતિઓના અંગ્રેજી અનુવાદ ખાસ ધ્યાન ખેંચે છે. ગુજરાતીમાં એમણે મિલ્ટનના મહાકાવ્યોનો સહ-અનુવાદ કર્યો. એક ચલચિત્ર ‘ગોદામ’ અને ઢગલાબંધ દસ્તાવેજી ફિલ્મો, ટૂંકી ફિલ્મો એમણે બનાવી. મોટાભાગની ફિલ્મોમાં પટકથા, દિગ્દર્શન અને કેટલાકમાં સંગીત પણ એમણે આપ્યું. ચિત્રકળા અને ફિલ્મમેકિંગને તેઓ પોતાની કાવ્યાત્મક સંવેદનશીલતાના સાંધારહિત વિસ્તરણ સ્વરૂપે જોતા.
પચાસ અને સાઠના દાયકામાં બંગાળી, મરાઠી, તમિલ, મલયાલમ, હિંદી અને ગુજરાતી જેવી ભાષાઓમાં ‘લિટલ મેગેઝિન મૂવમેન્ટ’ જંગલમાં દાવાનળની જેમ ફેલાઈ વળી. સ્થાપિત કવિઓ અને કવિતાઓ સામેનો આ પ્રચંડ જુવાળ મરાઠીમાં માર્ધેકરે શરૂ કર્યો અને એમાં દિલીપ ચિત્રે, અરુણ કોલાટકર જેવા કવિઓએ પ્રમુખ ભાગ ભજવ્યો. ‘શબ્દ’ નામનું સાઇક્લોસ્ટાઇલ સામયિક ચાલુ કર્યું. જૂનવાણી, ઉચ્ચ અને મધ્યમવર્ગીય ઈજારો બની ગયેલ મરાઠી સાહિત્યજગતને આધિનિકતા અને દલિત ચળવળના રંગે રંગવામાં અને સાહિત્યનો નવોન્મેષ સર્જવામાં આનો મુખ્ય ફાળો હતો. પોતાની દ્વિભાષીયતા માટે તેઓ કહેતા, ‘દ્વિભાષી લેખકના સાહિત્યિક અભિગમને દ્વિજાતીય વ્યક્તિના કામુક અભિગમ જેવો જ ગણી લેવામાં આવે છે- ભયાનક રીતે મહત્ત્વાકાંક્ષી અને તિર્યક્’ ભારતના અમર સાહિત્યિક વારસાના તેઓ પ્રખંડ ચાહક-પ્રચારક હતા. કહેતા, ‘સાતસોથી વધુ વર્ષોથી અનવરત અસ્ત્તિત્વ ધરાવતું આ સાહિત્ય એ સાહિત્યિક જગત માટેનો મારો પાસપોર્ટ છે. મારે દુનિયાને બતાવવાનું છે કે મારો શેક્સપિઅર કોણ છે, મારો દોસ્તોએવસ્કી કોણ છે.’
સ્વાતંત્ર્યોત્તર કવિતાઓએ છંદ-પ્રાસની કેદમાંથી છૂટવા આંદોલન આદર્યું હતું. આ રચના પણ એમાંની જ એક છે એટલે કાવ્યવિધા અછાંદસ છે. નાટકીય આત્મસંભાષણયુક્ત (dramatic monologue) આત્મકથનાત્મક શૈલી વાપરવામાં આવી છે. પિતાજીના ઘર તરફના પ્રયાણ અને ઘરની અંદરની પરિસ્થિતિ વચ્ચે ભેદરેખા આંકવા માટે કવિ કવિતાને ૧૨-૧૨ પંક્તિના બે ખંડમાં વહેંચે છે, એટલું જ. ગુજરાતમાં જન્મેલા મરાઠી કવિની આ એક અંગ્રેજી કવિતા છે. કાવ્યમાંના પિતા કવિના પિતા હોઈ શકે, પણ હોય જ એવું બિલકુલ જરૂરી નથી. હૃદયની આરપાર તીણી તીખી છરીની જેમ નીકળી જતી કારમી વાસ્તવિક્તાનું આ નગ્ન ચિત્રણ છે. કવિતા res ipsa loquitar જેવી, એટલી સાફ અને સીધી છે કે એના વિશે કશું પણ ન બોલીએ તો ચાલે. મહાભારતમાં સંજય ધૃતરાષ્ટ્રને યુદ્ધનો આંખેદેખ્યો હાલ સંભળાવે છે. કંઈક એ જ રીતે કવિ પોતાના પિતાનું ચિત્ર અહીં આપણને બતાવે છે. મુંબઈ જેવા મહાનગરની આ વાત હશે એ સંદર્ભ ટ્રેન, પરાંઓના ઉલ્લેખ અને કવિના મુંબઈગરા હોવા પરથી સમજી શકાય છે. અપ-ડાઉન કરનારાઓની સાથે પિતાજી પણ ટ્રેનમાં ઘરે પરત ફરી રહ્યા છે. મોડી સાંજનો સંધિકાળનો સમય છે.
સંધિકાળ અહીં બેવડા સ્તરે પ્રયોજાયો છે. દિવસ આથમી ચૂક્યો છે. સાંજ અને અજવાળું –બંને ઓસરવા આવ્યાં છે. પિતાજી પણ જીવનસંધ્યાએ જ આવી ઊભા છે અને આંખોની જેમ જ નિસ્તેજ થતા જતા સંબંધોથી દુનિયાને દેખી-અણદેખી કરવા મથી રહ્યા છે. આ ટ્વાઇલાઇટ ઝોનની ઝાંખપને વધુ ગાઢી બનાવવા કવિ કવિતામાં રસ્તામાં થોડાથોડા અંતરે માઇલસ્ટૉન્સ આવતા જાય એમ ઠેકઠેકાણે સંદર્ભો મૂકતા જાય છે: મોડી સાંજ, પીળો પ્રકાશ, નિસ્તેજ આંખો, ભૂખરું પ્લેટફૉર્મ, ફિક્કી ચા, વાસી રોટલી, સ્ટેશન પકડાયા વિનાનો રેડિયો. આ દરેક માઇલસ્ટૉન પર પિતાની જિંદગીની ગમગીની આપણી વધુને વધુ નજીક આવતી જાય છે.
ટ્રેનની આ મુસાફરી રોજિંદી અને યંત્રવત્ છે કેમકે પિતાની આંખો સામેથી એક પછી એક પરાં પસાર થાય છે પણ આંખો ખુલ્લી હોવા છતાં કોઠે પડી ગયેલાં એ દૃશ્યો દેખાતાં નથી. શું હજી આ ઉંમરે પણ એ નોકરી કરતાં હશે? કવિએ આ પ્રશ્ન નથી ઊભો કર્યો, નથી જવાબ આપ્યો. પણ વરસાદના દિવસોમાં, ભીનાં કપડાં, કાદવથી ખરડાયેલો રેઇનકોટ પહેરીને ટ્રેનની મુસાફરી અને કાદવમાં ચાલીને ઘર તરફ સાંજે પરત ફરવાની કવાયત શું ઈંગિત કરે છે, કહો તો! આંખોનું તેજ ઉંમરના કારણે તો ઘટ્યું જ છે પણ ઘરમાં પોતાની હાલતથી વાકેફ હોવાથી નજર વધુ ધૂંધળી પડે છે.
‘મોતિયાની દેણ છે કે દીકરા મોટા થયા?
ધીમે ધીમે આંખ સામે આવતો અંધારપટ!’
થેલો પડુ-પડુ થતી ચોપડીઓથી ઠાંસેલો છે. જિંદગીના થેલામાં પણ વરસોના અનુભવના પુસ્તકો ઠાંસી-ઠાંસીને ભરેલા છે અને પોતાની પ્રવર્તમાન નિરુપિયોગિતાના અહેસાસના કારણે એ પણ જાણે પડુ-પડુ થઈ રહ્યા છે.
ખરી કવિતા તો પિતાનું ટ્રેનમાંથી ઉતરવું એક લાંબા વાક્યમાંથી ખડી પડેલા શબ્દ જેવું દેખાય છે એમાં છે. ટ્રેન તો તરત આગળ વધી જવાની, બીજા મુસાફરોને મંઝિલ પહોંચાડવા. પિતા પસાર થઈ જતી ટ્રેન સાથેનો સંદર્ભ ગુમાવી દીધો હોય એમ ભાસે છે. જિંદગીના વાક્યમાંથી પણ એ સંદર્ભ ગુમાવી બેસેલા શબ્દની જેમ જ ખડી પડ્યા છે ને? ચપ્પલ પહેરીને કાદવમાં ચાલવું કપરું છે પણ એ ઘરે પહોંચવા ઝડપ કરે છે. ત્રણ પંક્તિમાં બે વાર ‘એ ઝડપ કરે છે’ કહીને કવિ પિતાની તત્પરતા નીચે અંડરલાઇન કરે છે.
પણ તત્પરતા શેની છે? ઘરે તો એ જ ફિક્કી ચા, વાસી રોટલી, અને અંગત વાતોનો વિનિમય લગભગ બંધ કરીને ઘરની અંદર જ બાપને ઘરવટો આપી દેનારા સંતાનો જ વસે છે. જમદાગ્નિની કામધેનુ પરત લાવવા એકલા હાથે સહસ્ત્રાર્જુનને સંહારતા, વળી પ્રાયશ્ચિત કરતા, અને સગી માનું માથુ કાપી નાખતા પરશુરામ, મા-બાપને કાવડમાં બેસાડીને તીર્થાટન કરાવતો શ્રવણ, રાજગાદીનો ત્યાગ કરી વનવાસ ભોગવતા રામ જેવા દીકરા ક્યાંથી લાવવા આજે? ઘરડાંઘર એમને એમ બિલાડીના ટોપ પેઠે ફૂલી-ફાલી નીકળ્યાં છે? બેજ પંક્તિમાં આખી સમસ્યાની સચોટ સારવાર સૂચવતા ગૌરાંગ ઠાકર યાદ આવે:
બસ, બને તો એક દીકરાને મનાવી જોઈએ,
એ રીતે ઘરડાંઘરો ખાલી કરાવી જોઈએ.
પણ આજના દીકરાઓ કંઈ એમ માને એવા નથી. સામા પક્ષે માવતર આજેય કમાવતર થતું નથી. બાપ એ બાપ છે. ઘર તરફની ઝડપ એની દુર્દમ્ય પારિવારીક ભાવનાઓનું પ્રતીક છે.
ઘરમાં પણ એનું સ્થાન લાંબા વાક્યમાંથી ખડી પડેલા, સંદર્ભ ગુમાવી બેસેલા શબ્દ જેવું જ છે એટલે મનુષ્યજાત વિશે ચિંતન કરવા માટે સંડાસના એકાંતનો સહારો લેવો પડે છે. જીવનના રેડિયો પર હવે સ્ટેશન તો સેટ નથી થતા તોય નકરો સ્ટેટિક ઘોંઘાટ તો ઘોંઘાટ, પણ રેડિયો હજી બંધ થયો નથી. ગમે એટલી બાહ્ય કે પારિવારિક અડચણો કેમ ન આવે, માનવીના મનને હરાવવું કપરું છે. પોતાના પૂર્વજોએ પણ આજરીતે પોતાની જાત છેવટ સુધી રેડી દઈને વંશવેલાની વૃદ્ધિ કરી હશે ને? પૂર્વજોની યાદોના એ યશસ્વી ભૂતકાળ અને હજી આવ્યા નથી એ પૌત્રોના આશાવંત ભવિષ્યકાળને જોડતા વર્તમાનકાળના પુલ પર પિતા હજી જીવનના સાંકડા ઘાટમાં હાર માન્યા વિના પોતાની લડાઈ લડી રહ્યા છે. સદીઓ પહેલા સાંકડા ખૈબર ઘાટમાં થઈને ભારતવર્ષ પર ચડી આવેલા આર્યોનો આ સંદર્ભ પરિવાર માટે ઢસરડા કરવા છતાંય સતત ઉપેક્ષિત પિતાના સીધાસાદા લાગતા ચિત્રમાં પ્રાણ ફૂંકી દે છે અને એક સીધુંસાદું શબ્દચિત્ર ઉત્તમ કાવ્ય બની રહે છે.
સુંદર આસ્વાદને કારણે કવિતા વધુ બળુકી બનીને હૃદયની આરપાર ઉતરી જાય છે
અતિ સુંદર વિવેક સર
ખૂબ ખૂબ આભાર…
સૌ પ્રથમ રજુકર્તાને દિલથી અભિનંદન અને મન-અંત:કરણપૂર્વક આભાર પણ ….. ખરેખર સિમ્પલી ” અદભૂત” ! મને ખબર નથી, ક્યાંથી-ક્યાં લઇ જશે?
“ટહુકો” ગર્વ લઇ શકે એવી વિધા !
કર્તા ,- “મા. સ્વ. દિલીપ ચિત્રે” નો નિતાંત સુરેખ પરિચય , પણ વિશેષ ધ્યાન ખેંચે છે … ,લખનારની પહોંચ-પકડ-ફાવટ-કૌશલ્યનો સીધા શબ્દોમાં યથાતથ પરિચાયક બને છે.(મારે દુનિયાને બતાવવાનું છે કે મારો શેક્સપિઅર કોણ છે, મારો દોસ્તોએવસ્કી કોણ છે.’)… એ વતન-પરસ્તી અને ,સાહિત્ય-નિસ્બત(કન્સર્ન) ઊડીને આંખે વળગે છે….. સાહિત્ય-પ્રેમપ્રીતિને ઈંગિત કરે છે.
વિવેકભાઈ આ કૃતિને “કાલાતીત ” કહે એ અનુભવ-=વેશેષજ્ઞ આસ્વાદકની એક કથન રીતિ ! ( દિલીપભાઈ ” ૪૫+” અને તેમના પિતાશ્રી “૬૫/૭૦+” ,યાને કિ, ૧૯૭૫-૮૦ના કાલની આ કૃતિ કેમ ના હોય આ ? “)
“મરાઠી કવિની આ એક અંગ્રેજી કવિતા છે. “…અને જે રીતે શબ્દ-ચિત્રણ થયું છે ,(silent commuters in (THE YELLOW LIGHT-જે એ વખત,-દિલીપભાઈના પિતાશ્રી નો કાળ સૂચિત નથી કરતા શું? અને વધુમાં, તેમની વયને પણ રિલેટ કરી,તે કાળના મુંબઈના ટ્રેનના સેટ-અપને ઇન્ગિત કરતા હોય તેવું પ્રતીત નથી થતું શું? ) + Suburbs slide past his (UN-SEEING EYES- અંધ નહીં ,પણ પિતાની ઝાંખી દૃષ્ટિ -મર્યાદા જ સૂચવે છે ને ? ),
( Now, I can see him getting off the train, Like a word dropped from a long sentence. )… ઓહો હો !
શું આ બહુ-આયામી દૃશ્યમ-ચિત્રણ નથી ?- કવિની “સંવેદન શીલતા”, પોતાના પિતાને આ,કે આવી સ્થિતિ-પરિસ્થિતિમાં કલ્પ્યા હોય ,એવું પણ
બની શકે ને ? યા માનવ-સહજ ભૂત-અત્તીતમાં જોઈ લેવાનું બનતું હોય એની અસર-રૂપ શબ્દો આવ્યા હોય (…..પોતાની પ્રવર્તમાન નિરુપિયોગિતાના અહેસાસ….= ઘરમાં પણ એનું સ્થાન લાંબા વાક્યમાંથી “ખડી પડેલા”( ! ), (સંદર્ભ ગુમાવી બેસેલા શબ્દ” જેવું જ છે એટલે મનુષ્યજાત વિશે ચિંતન કરવા માટે સંડાસના એકાંતનો સહારો લેવો પડે છે.) સામાન્ય રીતે , મરાઠી સામાન્ય મધ્યમ-વર્ગીય કે એની આસપાસના સ્તરના લોકોની માનસિકતા છલકાઈ જાય, ને સાચુકલી તથ્યપૂર્ણ વાત, કવિશ્રી દિલીપભાઈની અંગત ડાયરી-આત્મ-કથનનો એક વાસ્તવિક અંશ-હિસ્સો નથી લાગતો ?
( …પણ આજના દીકરાઓ કંઈ એમ માને એવા નથી. સામા પક્ષે માવતર આજેય કમાવતર થતું નથી. બાપ એ બાપ છે. ઘર તરફની ઝડપ એની દુર્દમ્ય પારિવારીક ભાવનાઓનું પ્રતીક છે.) – આ આજનું સામાન્ય સત્યપૂત બયાન પણ, કલિયુગ -કાલ ની અફર પણ કર્માધીન સહજ પ્રક્રિયા, અકળ ગતિ !
સો સો સલામ આભાર રસ-રુચિ ગત વસ્તુ અંગે પ્રેરવા બદ્દલ …
સૌ પ્રથમ તો આવા મજાના વિશદ પ્રતિભાવ બદલ આપનો ખૂબ ખૂબ આભાર…. આપ જેવા અભ્યાસુ અને જ્ઞાની વાચક તરફથી મળતા આવા પ્રતિભાવ જ કલમ સતત ચાલુ રાખવાની પ્રેરણા અને પ્રોત્સાહન આપે છે…
આ કાવ્ય રચનાનો સમયગાળો કહેશો? આ કાવ્ય જો જીવનના ઉત્તરાધમાં લખાયું હોય તો શું એમ ન હોઇ શકે કે એ પિતા વિષે નહિ, પોતાના વિષે જ હોય?
આત્મકથનાત્મક કાવ્ય કવિની પોતાની જ જિંદગીનું પ્રતિબિંબ હોય એ જરાય જરૂરી નથી… આ કવિતા કવિના પિતાની હોઈ શકે, કવિની પોતાની આત્મકથની પણ હોઈ શકે અને કવિના પરિવાર સાથે સ્નાનસૂતકનોય સંબંધ ન હોય એય શક્ય છે… કવિતાનો સમયગાળો તો શોધવો અઘરું છે, સિવાય કે કવિતાએ કવિતાની સાથે રચનાકાળનો ઉલ્લેખ કર્યો હોય પણ એકવાત નક્કી છે કે કવિતામાંના પિતા કવિ પોતે તો નથી જ કેમકે લેખમાં આપ વાંચી શકશો કે એમનો એકમાત્ર પુત્ર ભોપાલ ગેસ કરુણાંતિકાનો શિકાર બન્યો હતો.
આભાર, વિવેકભાઈ.
સુન્દર કાવ્ય રચના અને સરલ આસ્વાદ.
ખૂબ ખૂબ આભાર…