ગ્લૉબલ કવિતા : ૯૮ : પીવું – એનાક્રિઓન્ટી

Drinking

The thirsty earth soaks up the rain,
And drinks and gapes for drink again;
The plants suck in the earth, and are
With constant drinking fresh and fair;
The sea itself (which one would think
Should have but little need of drink)
Drinks ten thousand rivers up,
So filled that they o’erflow the cup,
The busy Sun (and one would guess
By’s drunken fiery face no less)
Drinks up the sea, and when he’s done,
The Moon and Stars drink up the Sun;
They drink and dance by their own light,
They drink and revel all the night:
Nothing in Nature’s sober found,
But an eternal health goes round.
Fill up the bowl, then, fill it high,
Fill all the glasses there, for why
Should every creature drink but I,
Why, man of morals, tell me why?

– Anacreontea
(Eng. Tran: Abraham Cowley)

પીવું

પ્યાસી ધરતી ચૂસે છે વરસાદને,
ને પીએ છે ને ફરી પીવા ચહે;
છોડ ધરતીને ચૂસે છે, ને સતત
પીએ રાખીને થયાં તાજાં ને તર;
ખુદ સમંદર (જેના વિશે સૌ કહે
કે તરસ એને તો શી હોવી ઘટે)
ગટગટાવે છે નદીઓ દસ હજાર,
એટલું કે પ્યાલો પણ છલકાઈ જાય,
વ્યસ્ત સૂરજ (નું પિયક્કડ રાતુંચોળ
મુખ નિહાળી ધારી ન લે ઓછું કોઈ)
પી લે દરિયો, ને પીવું જ્યારે પતે,
ચાંદ-તારા પી રહે છે સૂર્યને;
પીને નાચે છે પ્રકાશે પંડના,
પીને પાછા રાતભર રહે એશમાં:
શાંત ના કંઈ પ્રકૃતિમાં, દોર તોય
કાયમી દુરસ્તીનો ચાલુ જ હોય.
વાટકો ભરી લો, ભરી લો ઠેઠ લગ,
છે એ સૌ પ્યાલાં ભરી લો, શાને પણ
જીવ સૌ પીએ અને બસ હું જ નહીં,
કેમ, નૈતિકતાના સૈનિક, કેમ નહીં?

– એનાક્રિઓન્ટી
(અંગ્રેજી પરથી અનુ. વિવેક મનહર ટેલર)

હા… માની લઈએ કે આપ અઠંગ શરાબપ્રેમી છો. આપે શરાબ પીવો છે, અને શરાબની વકીલાત પણ કરવી છે. શરાબના ગેરફાયદાઓ સામે આંગળી ચીંધતા લોકો સામે આપે દલીલો કરવી છે કે શા માટે શરાબ જરૂરી છે… તો, કહો, આપની દલીલની સીમા ક્યાં સુધીની હશે? કયા-કયા મુદ્દાઓ હાથમાં લઈને આપ મદ્યપાનની તરફદારી કરશો? ખેર, આ પ્રશ્નના હજાર જવાબ હોઈ શકે છે. જે લોકો દારૂ નથી પીતા, એ લોકો દારૂની હજાર ખોડ-ખાંપણ, ગેરફાયદાઓ શોધી કાઢશે પણ જે લોકો દારૂ પીએ છે, એમને દારૂના ફાયદા જ દેખાશે અને એ લોકો દારૂના ફાયદાઓ ક્યાં-ક્યાંથી શોધી લાવશે ને કેવા-કેવા શોધી લાવશે એની કલ્પના પણ આપણી કલ્પના બહારની છે. શું આપ એ કલ્પના કરી શકો છો કે દારૂ પીવાની આઝાદી પર કોઈ રોકટોક ન લગાવવામાં આવે એ માટે કોઈ માણસ સૂર્ય-ચંદ્ર-તારા-પૃથ્વી-ઝાડપાન – આ બધાને નૈતિકતાની કોર્ટમાં પુરાવા તરીકે રજૂ કરી શકે? જી હા… આ કલ્પનાનું જ બીજું નામ કવિતા છે અને કવિતા કેવા કેવા કમાલ કરવા સક્ષમ છે એ જાણવા માટે પ્રસ્તુત રચના પણ એક યોગ્ય ઉદાહરણ છે. છવ્વીસસો વર્ષ જૂની આ કવિતામાં એનાક્રિઓન્ટી દારૂની શી વકાલત કરે છે એ જોઈએ.

એનાક્રિઓન્ટી. ના, આ કોઈ કવિનું નામ નથી. એનાક્રિઓન્ટી શું છે એ જાણવા માટે સૌપ્રથમ એનાક્રિઓનને મળવું પડશે. એવો કોઈ કવિ હતો કે નહીં એ એક સનાતન કોયડો છે પણ એનાક્રિઓન નામે ઓળખાતો આ ભૂતિયો કવિ સાહિત્યજગતમાં ઘટેલી એક એવી અસાધારણ ઘટના છે, જેનો ખાસ્સો ઊંડો અને શાશ્વત કહી શકાય એવો પ્રભાવ યુરોપિઅન સાહિત્ય પર પડ્યો છે એ હકીકત છે અને વિશ્વ સાહિત્ય પર પણ એના ઓછાયાથી મુક્ત રહી નથી શક્યું. ઈસુથી લગભગ છસો વર્ષ પૂર્વે ઈ.પૂ. ૫૭૦થી ઈ.પૂ. ૪૮૫માં ગ્રીસના ટિઓસ શહેરમાં જન્મેલા એનાક્રિઓનનો તત્કાલિન સાહિત્ય પર પણ એટલો ઊંડો પ્રભાવ હતો કે સાતેક સદીઓ સુધી નનામા કવિઓએ એની શૈલીને અનુસરીને જે નનામી કવિતાઓ લખી એને એનાક્રિઓન્ટી તરીકે ઓળખવામાં આવે છે. એનાક્રિઓનની અને એનાક્રિઓન્ટીની પણ બહુ ઓછી કવિતાઓ સમયના વહેણથી બચીને આપણા સુધી આવી શકી છે. જે કવિતાઓ આપણા સુધી આવી શકી છે એમાં પણ સમય-સમય પર સુધારા-વધારાઓ થતા રહ્યા છે એટલે ખરેખરી મૂળ કવિતા કેવી હશે એ અંગે તો આપણે માત્ર કલ્પના જ કરી શકીએ છીએ. પણ જે અને જેવી રચનાઓ આજે ઉપલબ્ધ છે એ રચનાઓ જે-તે સમયની ગ્રીક સંસ્કૃતિને આપણી સન્મુખ તાદૃશ કરી દે એવી સશક્ત છે. એનાક્રિઓનની કવિતાઓમાં ગાંભીર્ય અને રમૂજ બંને અડોઅડ જોવા મળે છે.

એ જમાનામાં ગ્રીસમાં શરાબનું ચલણ ખૂબ હતું અને શરાબ જીવનવ્યવહારમાં કેન્દ્રસ્થાને હતો. મોટાભાગની રચનાઓ શરાબ-શબાબ, સંભોગશૃંગાર, રાજકારણ અને ગ્રીક દેવી-દેવતાઓની આસપાસ રમતી જોવા મળે છે. એનાક્રિઓન્ટી પણ પ્રેમ અને મદ્યની ઉજવણીના કાવ્યો છે. અહીં જિંદગી સદાકાળ ચાલતો રહેનાર ઉત્સવ છે. ખાઈ-પીને મસ્ત રહેવું અને પ્રેમની ચરમસીમાઓ લાંઘી અન્યોન્યમાં ડૂબી જવું એ એનો મુખ્ય સિદ્ધાંત છે. ચોવીસસો વર્ષ પૂર્વે એન્ટિપટર(Antipater)એ પોતાના કાલ્પનિક સમાધિ-લેખમાં જે લખ્યું એ આ સમયની ખરી તાસીર બતાવે છે: ‘કેમકે તારી આખી જિંદગી, ઘરડા માણસ, અંજલિ તરીકે મ્યુઝ, ડાયોનિસસ અને ઇરોઝ – આ ત્રણને સમર્પી દેવામાં આવી હતી’ (મ્યુઝ-ગ્રીક કળા-વિજ્ઞાનની નવ દેવીઓ, ડાયોનિસસ, ઇરોઝ-કામદેવ) પેલેટાઇન એન્થૉલોજીમાં એનાક્રિઓન્ટીની જે ૬૦ જેટલી કવિતાઓ બચી ગઈ છે એમાં શરાબી કામુકતા અને નિરર્થકતા બાબતમાં એનાક્રિઓનની સરખામણીમાં અતિશયોક્તિ જોવા મળે છે. સોળમી સદી(ઈ.સ. ૧૫૫૪)માં હેન્રી બીજા એસ્ટિએને આ રચનાઓ એનાક્રિઓનની રચનાઓ તરીકે છાપી. ફ્રેન્ચ પુનરુત્થાન (રિનેસન્સ) સાહિત્ય પર એનો ગાઢ પ્રભાવ રહ્યો. ૧૬૫૬માં પ્રસ્તુત રચનાના અંગ્રેજી અનુવાદક અબ્રાહમ કાઉલીએ પહેલવહેલીવાર આ કવિતાઓના છંદ માટે એનાક્રિઓન્ટિક્સ શબ્દ પ્રયોજ્યો. એનાક્રિઓન્ટિક મીટર એટલે સાત કે આઠ શબ્દાંશ (કે શ્રુતિઓ) ધરાવતી પંક્તિ, જેમાં ત્રણ કે ચાર મુખ્ય સ્વરભાર જોવા મળે છે. આપણી ગઝલોમાં જોવા મળતા લલગાલ ગાલગાગા છંદ સાથે એ ખાસ્સી સમાનતા ધરાવે છે. થોમસ મૂરેનો એનાક્રિઓન્ટીનો અનુવાદ શ્રેષ્ઠ ગણાય છે. અંગ્રેજી ભાષામાં રૉબર્ટ હેરિક, વિલિઅમ શેનસ્ટૉન તથા વિલિઅમ ઓલ્ડીસ જેવા કવિઓએ એનાક્રિઓન્ટિક્સમાં ખાસ્સુ મૌલિક અને સફાઈદાર કામ આપણને આપ્યું છે. ૧૮મી સદીના મધ્યભાગમાં ખાવું-પીવું ને હોવાની ઉજવણી કરવાના પ્રમુખ ઉદ્દેશ સાથે લંડનમાં એનાક્રિઓન્ટિક સૉસાયટીની સ્થાપના પણ કરવામાં આવી હતી.
પ્રસ્તુત રચનાનું શીર્ષક અબ્રાહમ કાઉલીએ ‘ડ્રિંકિંગ’ રાખ્યું છે, તો જુડસન ફ્રાન્સ ડેવિડસને ‘રિઝન્સ ફૉર ડ્રિંકિંગ’ રાખ્યું છે. થોમસ મૂરે શીર્ષક મૂકવાના બદલે ગીતનો ક્રમ જ મથાળે મૂક્યો છે. બધા અનુવાદો પંક્તિસંખ્યા અને ભાવજગતના સંદર્ભે પણ ખાસા અલગ છે. રોન્સાર્ડનો ફ્રેન્ચ અનુવાદ વળી એમનાથીય અલગ છે. પ્રસ્તુત રચનાના અન્ય પણ ઘણા અનુવાદો થયા છે અને એ બધા જ અનન્ય હશે એમ માની શકાય. અનુવાદકોએ મૂળ રચનાનો શબ્દશઃ અનુવાદ કરવાના બદલે કવિતાને પોતાના ભાવવિશ્વમાંથી પસાર થવા દીધી હોવાથી બધા તરજૂમાઓમાં નોંધપાત્ર ફર્ક જોવા મળે છે. કાઉલી અને મૂરેના અનુવાદ વધુ સટિક હોવાનું અનુભવાય છે. આપણે કાઉલીની આંગળી પકડીને ચાલીએ.

પ્યાસી ધરતીથી વાતની શરૂઆત થાય છે. સમજી શકાય છે કે તરસ અહીં કેન્દ્રસ્થાને છે. આભમાંથી વરસાદ પડે છે, તરસી ધરતી એને તરત જ ચૂસી લે છે પણ ધરાતી નથી અને ‘યે દિલ માંગે મોર’ કરતી મોઢું ઊઘાડી હજી વધુ, હજી વધુની રાહ જુએ છે અને જેટલો વરસાદ પડે છે, જ્યારે પડે છે, તરત જ ગટગટાવી જાય છે. ધરતીની છાતી ચીરીને બહાર નીકળેલાં ઝાડ-પાન ધરતીએ પીધેલા પાણીને એકધારું ચૂસીને-પીને તરોતાજાં થાય છે. સમુદ્ર તો અફાટ-અસીમ જળનો અનન્ય સ્વામી છે. એને જોઈને તો એમ જ માની લેવાનું મન થાય ને કે જેની પાસે દુનિયા આખીમાં કોઈ સાથે સરખામણી કરવાનો વિચાર સુદ્ધાંય ન કરી શકાય એટલો વિશાળ જળરાશિ હોય, એને વળી પાણીની તરસ કેવી? પણ હકીકત બિલકુલ વિપરિત છે. અનંત જળસંપત્તિના એકમેવ માલિક હોવા છતાં સમુદ્ર હજ્જારો નદીઓને ગટગટાવતો આવ્યો છે, ગટગટાવતો રહે છે. એનું વિશાળ ઉદર ભરેલું હોવા છતાં ધરાતું જ નથી. સૂર્યનું મોઢું એવું તો રાતુંચોળ અને આગઝરતું છે કે એને પૂરતું પાણી મળતું જ નથી એમ માની લેવાનું મન થાય પણ આખો દિવસ આ નાકેથી પેલા નાકાની મુસાફરી કર્યે રાખતો વ્યસ્ત સૂર્ય આખો દિવસ આખેઆખા સમુદ્રને પીએ રાખે છે. કવિ દિવસના અંતને સૂર્યના સમુદ્ર પીવાના અનવરત કાર્યનો પણ અંત ગણે છે. આજે આપણે જાણીએ છીએ કે સૂર્ય કદી આથમતો નથી, માત્ર પૃથ્વીના પોતાની ધરી ઉપરના ભ્રમણના કારણે રાત-દિવસ થાય છે પણ આ કવિતા છવ્વીસસો વર્ષ જૂની છે. અને કવિતા આજની હોય તો પણ કવિને અધિકાર છે, વૈજ્ઞાનિક બાબતોને અવગણીને નજર જે વસ્તુ સાચી માનવા તૈયાર થઈ જાય એવી વાત પર મહોર મારવાનો અને ક્યારેક તો નજર પણ ન માની શકે એવી વાત કરવાનો અને એને પણ યથાર્થ ઠરાવવાનો.

ભલે અઢી હજાર વર્ષથીય જૂની કવિતા કેમ ન હોય, એ વૈજ્ઞાનિક તથ્યોથી સાવ અપરિચિત પણ નથી. કવિ કહે છે કે સૂર્યનું પીવાનું પતી જાય, અર્થાત્ દિવસ ઢળી જાય ત્યારે ચાંદ-તારા સૂર્યને પીને પંડના પ્રકાશમાં નાચે-કૂદે છે, મોજ કરે છે. ચંદ્ર પાસે પોતાનો પ્રકાશ નથી. એ સૂર્ય પાસેથી પ્રકાશ ઊછીનો લઈને રાત્રે આપણને ચાંદની સ્વરૂપે પરત કરે છે એ હકીકત આજે આપણે જાણીએ છીએ. કાઉલીએ અનુવાદ કરતી વખતે આ વૈજ્ઞાનિક સત્ય પોતાના ખિસ્સ્સામાંથી ઉમેર્યું હોવાની શક્યતા નહિવત્ છે કેમકે થોમસ મૂરે પણ એના અનુવાદમાં આ વાત કરે છે: ‘ચંદ્ર પણ એની વિવર્ણ ચમકની ધારા સૂર્યકિરણોમાંથી જ ગટગટાવે છે.’ ડેવિડસન પણ આ જ વાત કરે છે: ‘ચંદ્ર સૂર્યને પીએ છે.’ મતલબ, મૂળ કવિતામાં ચંદ્રનું તેજ સૂર્યનું પ્રદાન છે એ હકીકતનો આડકતરો ઉલ્લેખ હશે જ એ બાબત સ્વીકારવી પડે છે અને પ્રાચીન ગ્રીક લોકોના વૈજ્ઞાનિક જ્ઞાનને સલામ પણ ભરવી પડે.

એનાક્રિઓન્ટીની રચનાઓનો સદીઓ સુધી યુરોપના સાહિત્યજગત પર કેવો પ્રભાવ રહ્યો હશે એ કેટલાક ઉદાહરણો પરથી સમજી શકાય છે. એક, ‘ટિમોન ઑફ એથેન્સ’ (અંક ૪, દૃશ્ય૩)માં શેક્સપિઅર જેવો મહાન સાહિત્યકાર આ જ વાત પોતાના શબ્દોમાં રજૂ કરે છે: ‘હું તમને ચોરીનું દૃષ્ટાંત આપું છું: સૂર્ય ચોર છે, અને એના અદમ્ય આકર્ષણ વડે વિશાળ સાગરને લૂંટી લે છે; ચંદ્ર અઠંગ ચોર છે, એની વિવર્ણ આગ એ સૂર્ય પાસેથી છિનવી લે છે; દરિયો પણ ચોર છે, જેનો પ્રવાહી ઉછાળ ચંદ્રનું ખારા આંસુઓમાં રૂપાંતર કરે છે, પૃથ્વી ચોર છે, જે સામાન્ય ઉત્સર્જનમાંથી ચોરી લીધેલા ખાતર વડે ખાય-ઉછરે છે: દરેક વસ્તુ એક ચોર છે.’ બીજું ઉદાહરણ શેક્સપિઅરના આ નાટક ભજવાયાના કેટલાક વર્ષ પૂર્વે ૧૬૦૬માં બાટિસ્ટા પૉર્ટાના ઇટાલિઅન હાસ્યનાટક લૉ એસ્ટ્રોલોગોના અંગ્રેજી ભાષાંતર અલ્બુમઝારમાં જોવા મળે છે: ‘દુનિયા ચોરોનો તખ્તો છે. મોટી નદીઓ નાનાં ઝરણાંઓને લૂંટી લે છે અને દરિયો એમને.’ સોળમી સદીમાં જ લેટિન કવિ હિપોલિટસ કેપિલુપસ આ જ વાત કરી ગયા: ‘હું પીઉં છું, જેમ પૃથ્વી વરસાદ આત્મસાત્ કરે છે અથવા જેમ મેઘધનુષ્ય ઝાકળ પીએ છે, જેમ દરિયો નદીઓ ગટગટાવે છે કે સળગતો સૂર્ય દરિયો ક્સમાં ભરી લે છે.’ સોળમી સદીમાં જ થઈ ગયેલ ફ્રેન્ચ કવિ પિઅરી ડિ રોન્સાર્ડે પણ એનાક્રિઓન્ટીની આ રચના પર હાથ અજમાવ્યો છે. અને આ તો માત્ર કેટલાક જ ઉદાહરણો છે.

પ્રસ્તુત રચના એકવાર આખી વાંચી લીધી ન હોય તો અહીં સુધી તો એમ જ લાગે કે કવિ સૃષ્ટિચક્રની વાત કરી રહ્યા છે. સંસારચક્ર એક-મેક ઉપર આધારિત છે અને जीवो जीवस्य भोजनम् એ વાતને કવિ પ્રકૃતિના મૂળભૂત ઘટકતત્ત્વોના રૂપકો વડે સમજાવી રહ્યા છે. કવિનો ખરો ઉદ્દેશ્ય અહીં સુધી સ્પષ્ટ થતો નથી. પણ જે રીતે સૉનેટ વળાંક લઈને ચોટ તરફ ગતિ કરે એમ આ નાનકડી અને પ્રમાણમાં ખાસ્સી સરળ રચના એના ગંતવ્ય તરફ ડગ માંડે છે. કવિ કહે છે, કે ચાંદ-તારા સૂર્યનો પ્રકાશ પીને રાતભર મસ્તીના તોરમાં ચૂર રહે છે, નર્તે છે અને એશ કરે છે. પ્રકૃતિમાં કશું જ શાણું નથી, ડાહ્યું નથી, શાંત નથી. બધા જ એક-બીજાને ચૂસવામાં પડ્યાં છે પણ આ આખુંય ચક્ર દુરસ્તીનું ચક્ર છે ને વળી સનાતન-શાશ્વત ચક્ર છે. આ પ્રકૃતિ છે, માણસજાત નથી. માણસજાત એકબીજાને ચૂસે છે ત્યારે વિનાશ સર્જે છે. પણ પ્રકૃતિના અમર ઘટકત્ત્વો એકબીજાને ચૂસી લઈને એકબીજાને ખતમ નથી કરતાં, બલકે સમૃદ્ધ કરે છે. આ સનાતન પ્રકૃતિચક્ર સંસારના આરોગ્યની જાળવણી કરે છે. પ્રકૃતિમાં પરાવલંબન વરદાન સિદ્ધ થાય છે. વાત તો जीवो जीवस्य भोजनम् ની જ છે, પણ પરિણામ परस्पर देवो भवः જેવું ઉદાત્ત મળે છે. અહીં એકબીજાનો ઉપભોગ એકબીજાના આરોગ્યની વૃદ્ધિ કરે છે. કુદરત પાસેથી માનવજાત, બીજું કંઈ નહીં, બસ, આટલું જ શીખી શકે તો પણ દુનિયા સ્વર્ગ બની જાય.

આખરી ચાર પંક્તિઓમાં કવિ પોતે જે વાત કરવી છે એ સામે મૂકે છે. અદાલતમાં કોઈ રસપ્રદ કેસ ચાલતો હોય એ જ રીતની આ કાવ્યરીતિ છે. બાહોશ વકીલ અંત સુધી પોતાના કેસ સાથે બિલકુલ અસંબદ્ધ લાગે એવા જ દાવા-દલીલ એક પછી એક પેશ કરતો જાય અને છે…ક અંતે બધાના તાંતણા મૂળ કેસ સાથે અચાનક જ જોડી આપે અને વિરોધી પક્ષના વકીલ સહિત જજ સુદ્ધાં ચારે ખાને ચીત થઈ જાય એવી કુશાગ્રબુદ્ધિની આ કવિતા છે. કવિ કહે છે તમારો વાટકો ભરી લો, ઠેઠ લગ ભરી લો, જેટલા પણ પ્યાલાંઓ તમારી પાસે પડ્યાં છે એ તમામ છલોછલ ભરી લો, કેમ કે દુનિયામાં દરેકેદરેક જીવ કંઈને કંઈ પીએ છે, તો હું શા માટે ન પીવું? શરાબ બૂરી બલા છે એવા નૈતિકતાના પાઠ ભણાવનાર મોરલ પોલિસને એ રોકડું જ પરખાવે છે કે જે કામ બધા જ કરે છે, એ હું પણ કરવાનો. થોમસ મૂરેના અનુવાદમાં પણ ‘પ્રકૃતિના નિયમને હું મારો નિયમ બનાવીશ અને દુનિયા આખીને દારૂમાં ગિરવી મૂકી દઈશ’ની વાત છે. જુડસન ફ્રાન્સ ડેવિડસનનો આ જ કાવ્યનો અનુવાદ કંઈક આવો છે:

પૃથ્વી વરસાદ પીએ છે,
અને વૃક્ષો પૃથ્વીને નીચવી લે છે,
દરિયો વાયુને પી લે છે,
અને સૂર્ય સમુદ્રોને પીએ છે.
ચંદ્ર સૂર્યને પીએ છે,
તો પછી શા માટે આપણે નકારવો જોઈએ
શરાબને, કોઈ તો મને કહો!
જો હું પ્રસંગોપાત ઉજાણી કરું,
અને મન થાય ત્યારે પીઉં,
તો કોણ મને દોષ દઈ શકે છે? કોઈ નહીં.

એનાક્રિઓન્ટીનો સમય અને વિષય પ્રેમ અને શરાબ પર કેન્દ્રિત હતો. એની મોટા ભાગની રચનાઓમાં મયપરસ્તી જોવા મળે છે. એક કવિતા આમ છે: ‘જ્યારે હું શરાબ પીઉં છું, મારી બધી દરકારી આરામમાં પોઢી જાય છે, મારા દિલમાં દર્દ પછી લગીરે રાજ કરી શકતું નથી.’ બીજી કવિતામાં પણ આવી જ વાત છે: ‘મને રજા આપો, ભગવાનની ખાતર, હું પ્રાર્થના કરું છું, આજે રાત્રે શરાબની ગુલાબી ભરતીમાં મારા દુખોને ડૂબાડી દેવાની.’ આ કવિતાઓ શરાબના જોખમની વાત પણ કરે છે: ‘જ્યારે શરાબના કારણે હું ઉત્તેજિત થાઉં છું, હું બેફિકર મારા ભવિષ્ય સાથે રમું છું,’ તો શરાબ જે કક્ષાએ શરાબીને લઈ જાય છે એનાથી નાવાકિફ પણ નથી: ‘શરાબના આનંદ ઊઠાવતું મારું દિલ દિવ્યતમના પ્રવાસથી મને રોમાંચિત કરી દે છે.’ અન્ય એક રચના પણ મજાની વાત કરે છે: ‘કારણોને પડતા મૂકો અને યાદદાસ્તને સૂઈ જવા દો, જ્યારે મારા આત્માને શરાબમાં ડૂબાડી હું સૂઈ જાઉં છું. ચળકતા પ્યાલાને આકંઠ ભરી દો, મૃત્યુ પછી કોઈ ઇચ્છા રહેનાર નથી.’ આ કાવ્યપંક્તિઓ તત્કાલીન ગ્રીકકાળ ઉપર યોગ્ય પ્રકાશ ફેંકે છે.

હજારો વર્ષોથી માનવજાત શરાબ બનાવતી અને પીતી આવી છે. હજારો વર્ષોથી કવિઓ શરાબનો મહિમા અને બદબોઈ –બંને કરતાં આવ્યાં છે. ગઝલે તો શરાબ અને સાકીને પરમાત્મા સાથે પણ સાંકળી લીધા છે. પણ પોતે દારૂ શા માટે પીવો જોઈએ અથવા પોતાને દારૂ શા માટે પીવા દેવો જોઈએ એ બાબતમાં આવી અનૂઠી દલીલ ભાગ્યે જ કોઈ કવિએ રજૂ કરી હશે. દેખીતી રીતે આ કવિતા અત્યંત સરળ લાગે છે. એને સમજવી બિલકુલ કપરી નથી પણ આપણે એ સમજવાનું છે કે આ કવિતા આજે એકવીસમી સદીમાં નહીં, પણ છવ્વીસ-છવ્વીસ સદીઓ પહેલાં લખવામાં આવેલી કવિતા છે અને એટલે જ એ અમૂલ્ય છે. સમયથી મોટો, નિષ્પક્ષ અને બેરહમ-બેશરમ વિવેચક ન કોઈ થઈ શક્યો છે, ન કોઈ થઈ શકશે. સમયની ચળણીમાંથી ભલભલું લોકપ્રિય પન ચળાઈ જાય છે અને જે સાચા અર્થમાં સત્ત્વ છે એ જ બચી શકે છે. સમયની આવી કાતિલ સરાણ પર છવ્વીસસો વર્ષ પછી પણ જે ટકી રહ્યું છે એ મોતીની યથાર્થતા તો સંદેહોથી પર જ હોવાની ને…!

THE ASTROLOGER’S SPARROW: Poems by Panna Naik

નાની હતી ત્યારે બા સાથે બજારમાં ખરીદી કરવા જતી. એક વાર બાની નજર ચૂકવી રમકડાંની દુકાનમાં ખોવાઈ ગઈ. બા મને બધે શોધી વળ્યાં અને આજુબાજુ પૂછ્યું કે કોઈએ મને જોઈ હતી. તરત ન જડી ત્યારે ફૂટપાથ પર બેઠેલા જોષી અને એના પિંજરાની ભવિષ્ય ભાખતી ચકલી પાસે બાના પગ અટક્યા હતા. આ છે આ પુસ્તકના મુખપૃષ્ઠની કથા. આગળ શું થાય છે એ માટે તો કાવ્ય જ વાંચવું પડશે. કદાચ બીજાં કાવ્યો પણ ગમે તો કહેવાય નહીં.

– પન્ના નાયક

(અમેરિકામાં આ પુસ્તક ખરીદવા અહીં ક્લિક કરો)

About the book

Poetry in the Americas: A Poet’s Voice from India in the United States of America.

In an interview, Panna Naik writes:

“… while my life in the United States seemed to be full of activity, my life within was terribly lonely. When I met and heard Anne Sexton…the sincerity and transparency in her poems did magic to my inner world. She inspired me to write about myself and give a voice to women around me.”

As she interweaves her experiences and the experiences of women around her in India and the USA, Panna Naik uses imagery and symbols from the world of nature that she remembers from India as well as the imagery and symbols from the world of nature, which she encounters in the United States. Panna’s poetic expressions of nature as well as of human experiences from both worlds work extremely well within the intellectual and emotional poetic traditions of both worlds, of India and of the United States of America.

In the classical and still very much alive literary traditions of India that Panna Naik carries to the Americas, the creation as well as the reception and appreciation of the arts is explicitly equated with the cooking, the enjoyment and the life-giving nourishment of perfectly prepared food. It is within this framework of art, of poetry as created, crafted not only for entertainment and education but more importantly as nourishment that Panna Naik offers us her poetry which entertains us, educates us and sustains us.

—Roshni Rustomji-Kerns, Professor Emerita of India Studies and the Hutchins School of Interdisciplinary Studies, Sonoma State University, CA.

કોઈ અમથું અમથું કાં યાદ આવે – હરીન્દ્ર દવે

કોઈ અમથું અમથું કાં યાદ આવે,
દૂર દૂર દૂર સુધી નીરવ એકાંત
છતાં ભીતરથી કોનો સાદ આવે !

આકાશે તારલાઓ ટમટમતા ચૂપ,
ચૂપ ખળખળતી નદીઓનાં પાણી,
લહેરાતા વાયરાનું કંપન ખામોશ,
કંઈયે કહેતી નથી ભીતરની વાણી,
વેણ એક હોઠથી ન નીસર્યું, ને તોય
સાવ અણચિંતવી દાદ કોક આવે.

નીડમાં સૂતેલ કોઈ પંખીની આંખ
જરા ટમકીને પાછી બિડાતી,
તેજની લકીર એક હળવેથી અડકી
ને ઝળાંહળાં થાય મારી છાતી,
બંધ મારી આંખોને કેમ આજ સૂરજનો
ઓચિંતો લાલ સ્વાદ આવે !
કોઈ અમથું અમથું કાં યાદ આવે……….

-હરીન્દ્ર દવે

ગ્લૉબલ કવિતા : ૯૭ : ઓચિંતી – લિઓનારા સ્પાયર

Suddenly

Suddenly flickered a flame,
Suddenly fluttered a wing:
What, can a dead bird sing?
Somebody spoke your name.

Suddenly fluttered a wing,
Sounded a voice, the same,
Somebody spoke your name:
Oh, the remembering!

Sounded a voice, the same,
Song of the heart’s green spring,
Oh, the remembering:
Which of us was to blame?

Song of the heart’s green spring,
Wings that still flutter, lame,
Which of us was to blame? —
God, the slow withering!

– Leonora Speyer

ઓચિંતી

ઓચિંતી સળગી એક ઝાળ
ઓચિંતી ફફડી એક પંખ:
શું, ગાઈ શકે એક મૃત વિહંગ?
કો’ક બોલ્યું આપનું નામ.

ઓચિંતી ફફડી એક પંખ,
અવાજ જાણે એ જ હો સાવ,
કો’ક બોલ્યું આપનું નામ:
ઓહ, યાદનો તે શો રંગ!

અવાજ જાણે એ જ હો સાવ,
ગીત – હૃદયની હરિત વસંત,
ઓહ, યાદનો તે શો રંગ!
આપણ બેઉમાં કોનો વાંક?

ગીત – હૃદયની હરિત વસંત,
પાંખ લૂલી હજી કરે ફફડાટ,
આપણ બેઉમાં કોનો વાંક?
પ્રભુ, મુરઝાવું આ મંદ!

– લિઓનારા સ્પાયર
(અનુ. વિવેક મનહર ટેલર)

સ્મરણ – મરણ પામેલા સંબંધની સંજીવની ?

જેમ દિવસ પછી રાતનું પડવું અને જન્મ પછી મૃત્યુનું ચક્ર ફરવું નિશ્ચિત જ છે, એમ શું પ્રેમમાં મિલન પછી જુદાઈ અફર જ હશે? મળ્યા તે મળ્યા, છૂટા પડવાનું જ નહીં એવું સદભાગ્ય કેટલા લોકોને નસીબ થતું હશે? પણ રહો… તડકો ન હોય તો છાંયડાની શી કિંમત? તરસ જ ન હોય તો જળનું શું મૂલ્ય? કદાચ અભાવ જ ભાવના ખરા દામ આંકવાની એકમાત્ર માપપટ્ટી છે. અને એટલે જ શૂન્ય જેવા કવિ ભલે એમ ગાય કે ‘કિસ્મતમાં કોઈના કદી એવી ન પ્રીત હો, જેમાં મિલનના હોઠે જુદાઈના ગીત હો’ પણ વાસ્તવિક્તા તો મકરંદ દવે આલેખી ગયા એ જ રહેવાની: ‘કોક દિન ઈદ અને કોક દિન રોજા, ઊછળે ને પડે નીચે જિંદગીના મોજાં.’ ખીણની ઊંડાઈ પર્વતની ઊંચાઈનું ખરું માપ કાઢી આપે છે. દર્દની પરાકાષ્ઠા જ સારવારની ખરી કદરદાન હોઈ શકે. દુઃખ જ ન હોય તો સુખની ઝંખના કોણ કરે? પ્રેમમાં પણ અનુપસ્થિતિ વિના ઉપસ્થિતિનો મહિમા જ શક્ય નથી. સાથે ને સાથે રહેવાથી આદત પડી જાય છે અને આદત માણસની કિંમત અડધી કરી નાંખે છે. પ્રિયજન નજરથી દૂર હોય ત્યારે જ એની ખરી કિંમતનો અંદાજ આવે છે. એક બહુ સુંદર ગીતમાં આનંદ બક્ષી લખી ગયા: लिखनेवाले ने लिख डाले मिलन के साथ बिछौडे| અમેરિકન કવયિત્રી લિઓનારા પ્રસ્તુત ગીતમાં સ્મરણનો હાથ ઝાલીને વિરહ પછીની ક્ષણોનો તાગ મેળવવાની કેવી કોશિશ કરે છે એ જોઈએ…

લિઓનોરા સ્પાયર. લેડી સ્પાયર. જન્મનું નામ લિઓનારા વૉન સ્ટોક. ૦૭-૧૧-૧૮૭૨ના રોજ અમેરિકામાં વૉશિંગ્ટન ડીસી ખાતે જન્મ. પિતા એક ઉમરાવ હતા અને માતા લેખિકા. બ્રુસેલ્સ, પેરિસ અને લાઇપ્સિગમાં સંગીત શીખ્યાં. એવું કહેવાય છે કે એમની હડપચી વાયૉલિન પકડવા જેટલી મજબૂત થઈ ત્યારથી તેઓ વાયૉલિન વગાડતાં હતાં. માત્ર ૧૭ વર્ષની વયે બૉસ્ટન સિમ્ફની ઓર્કેસ્ટ્રામાં કૉન્સર્ટ વાયોલિનવાદક તરીકે જોડાયાં. પાછળથી ન્યૂયૉર્ક ફિલહાર્મોનિકમાં ઉમદા ‘સૉલો’ વાદક તરીકે ખ્યાતનામ થયાં. ૧૮૯૪માં લુઈ મેરિડિથ હૉલેન્ડ સાથે લગ્ન અને ૧૯૦૨માં છૂટાછેડા. એ જ વર્ષે લંડનના બેન્કર સર એડ્ગર સ્પાયર સાથે લગ્ન જે ૧૯૩૨માં એડ્ગરના અવસાન સુધી ટક્યા. પહેલા પતિથી એક અને બીજા પતિથી ત્રણ દીકરીઓની માતા બન્યાં. જર્મન-વિરોધી લોકોના હુમલાઓ બાદ ૧૯૧૫માં બંને લંડન છોડીને ન્યૂયૉર્કમાં સ્થાયી થવા જતા રહ્યા. એ પછી જ એમણે કવિતા હાથમાં લીધી. ૧૯૨૭માં અત્યંત માનભર્યા પુલિત્ઝર પારિતોષિકથી તેઓ વિભૂષિત થયાં હતાં. ૧૦-૦૨-૧૯૫૬ના રોજ ન્યૂયૉર્ક ખાતે જ ૮૩ વર્ષની પાકટ વયે નિધન.

ન્યૂયૉર્કની કોલમ્બિયા યુનિવર્સિટીમાં કવિતા પણ શીખવતાં. એ કહેતાં, ‘કવિતા શીખવાડી શકાતી નથી, એ ભગવાનની લીલા છે. પણ કવિતાની સાચી પ્રક્રિયા – લેખન, શબ્દોના રંગ અને સંગીત, શીખી શકાય છે, શીખવા જ જોઈએ. અન્ય કોઈપણ વાદ્યની માફક આ વાદ્ય પર પ્રભુત્વ મેળવવું અનિવાર્ય છે.’ કવિતા માટે એમણે કહ્યું હતું: ‘એ એ જ કળાની પણ અલગ અભિવ્યક્તિ છે, કદાચ વધુ પ્રચ્છન્ન.’ કવિતાની ગલીઓમાં તેઓ સંગીતના સૂરતાલ ફંફોસતાં હતાં અને કદાચ એટલે જ એમની કવિતાનો લય અન્ય કવિઓ કરતાં વધુ પ્રવાહી, વધારે મૌલિક અને વધારે બળવત્તર સાબિત થયો છે. એમની કવિતાઓ ચાતુર્ય તથા સ્ત્રીવ્યક્તિત્વની અભિવ્યક્તિના કારણે ધ્યાનાર્હ બની. એક કવિ તરીકે એમનું નામ આકાશ આંબી શક્યું નથી એ અલગ વાત છે, બાકી એમની વીસમી સદીની શરૂઆતના કવિઓ, અને ખાસ કરીને કવયિત્રીઓમાં એમના કાવ્યો એક અલગ જ આભા ઊભી કરે છે એ હકીકત છે. એમની પ્રતિભા જેટલી પોંખાવી જોઈએ એટલી પોંખાઈ નથી એ એમનું નહીં, આપણું દુર્ભાગ્ય જ ગણી શકાય.

‘ઓચિંતી’ શીર્ષક તાત્ક્ષણિકતા અને આકસ્મિકતાનો અહેસાસ કરાવે છે. કવયિત્રી ભાવકને આ તાત્ક્ષણિક્તા અને આકસ્મિકતા –બંનેથી સુપેરે અવગત કરાવવા ઇચ્છે છે એટલે ગીત માટે એમણે એકદમ ટૂંકી બહેર પસંદ કરી છે. સામાન્યરીતે અંગ્રેજીમાં પેન્ટામીટર વધુ પ્રયોજાય છે પણ કવયિત્રીએ અહીં ટ્રાઇમીટર પ્રયોજીને પંક્તિઓ એકદમ ટૂંકી કરી દઈને જે વાત ‘ઓચિંતી’ કરવી છે, એને પ્રબળ વેગ સહિત રજૂ કરી છે. વળી ગીતનો લય એટલો પ્રવાહી થયો છે કે ગીત વાંચવું સંભવ જ નથી બનતું. ઇચ્છો કે ન ઇચ્છો, ગણગણાય જ જાય એવું મજાનું આ ગીત થયું છે. ચાર-ચાર પંક્તિના ચાર અંતરામાં દરેક અંતરાની બીજી અને ચોથી પંક્તિ એના પછીના અંતરામાં પહેલી અને ત્રીજી પંક્તિ સ્વરૂપે પુનરાવર્તન પામે છે. ફ્રેન્ચમાંથી ઊતરી આવેલ વિલાનેલ જેવા કાવ્યપ્રકારોમાં આવી રીતે આખીને આખી પંક્તિનું પુનરાવર્તન કરવાની પ્રયુક્તિ જોવા મળે છે. લિઓનારાનું આ ગીત આવા કોઈ સુનિશ્ચિત કાવ્યપ્રકારમાં બંધ બેસે છે કે કેમ એ સંશોધનનો વિષય છે પણ પુનરાવર્તન પામતી પંક્તિઓ કાવ્યાર્થને ગતિ આપવામાં નિર્ધાર્યા મુજબ સફળ થાય છે એ કવયિત્રીની સિદ્ધિ ગણી શકાય. પંક્તિઓની જેમ જ આખા ગીતમાં અ-બ-બ-અ / બ-અ-અ-બ મુજબ ઉલટસુલટ પ્રાસ જળવાયો છે, જ્યાં દરેક અંતરાની પહેલી અને ચોથી પંક્તિનો પ્રાસ આવનાર અંતરામાં બીજી-ત્રીજી પંક્તિનો પ્રાસ બને છે અને બીજી-ત્રીજી પંક્તિનો પ્રાસ આવનાર અંતરાની પહેલી-ચોથી પંક્તિનો પ્રાસ બની જાય છે. બે જ પ્રાસ વચ્ચેનો આ પકડદાવ પણ કવિતાની ગતિમાં ઉમેરો કરે છે અને ગેયતાને નવી જ ઊંચાઈ બક્ષે છે. મૂળ રચનામાં પહેલી બંને પંક્તિ suddenlyથી પ્રારંભાય છે અને કુલ સોળ પંક્તિઓમંથી નવની શરૂઆત ‘એસ’થી થાય છે. અનુવાદમાં એ જ પ્રકારે સોળમાંથી નવ પંક્તિમાં ‘અ’કાર સાચવવાની કોશિશ થઈ છે.

કવિતાનું શીર્ષક આપણને ‘આઉટ-ઑફ-નોવ્હેર’થી ધસમસી આવનારી કોઈક વાત માટે તૈયાર કરે છે. શીર્ષક કવિતાના ઘરમાં પ્રવેશવાનો ઉંબરો હોય છે એ વાત આ ગીતને શત પ્રતિશત લાગુ પડે છે. ભાવક તૈયાર થઈ જાય છે કે ચોક્કસ કંઈક ન ધારેલું બનનાર છે અને એ પણ કલ્પનાય ન હોય એવી ક્ષણે ક્ષણાર્ધમાં વીજળી ત્રાટકે એવી ઝડપથી. કવિતાનો ઉઠાવ પણ આ વચન નિભાવવા માટે પૂરેપૂરો કટિબદ્ધ હોય એમ કવિતા ‘ઓચિંતી’થી જ શરૂ થાય છે. કવયિત્રી કહે છે કે ઓચિંતી જ એક ઝાળ સળગી ઊઠી છે. તમે સાવ અન્યમનસ્ક કે શૂન્યમનસ્ક બેઠા હો અને તમારી ખાલીખમ નજર, જેને કશાયની કોઈ જ આશા ન હોય, એ નજર સામે જ અચાનક ‘કંઈ નહીં’માંથી ‘કંઈક’ ભડકો બનીને સળગી ઊઠે તો કેવા ચોંકી જવાય! બસ, બરાબર આ જ રીતે ઓચિંતી એક ઝાળ ભડકી ઊઠી છે. ઓચિંતી જ એક પાંખ પણ ફફડે છે. ઓચિંતી ઉપરાછાપરી બનેલી આ બે ઘટનાઓથી ભાવક તો આમેય અવાક જ થઈ ગયો હોવાનો. એટલે જે કંઈ કહેવાનું છે કે કવિએ જ કહેવાનું રહે છે. કવિતા આમ તો કારણોની મહોતાજ હોતી જ નથી પણ અહીં કવયિત્રી કારણ લઈને આવ્યાં છે, કારણ કે અહીં તો કારણ પોતે જ કવિતા છે!

ઝાળ અને પાંખના પ્રતીક આમ વચ્ચે સમાનાર્થી શું? જીવન જ ને! આગનો ભડકો અને પાંખનો ફફડાટ બંને સજીવતાના દ્યોતક છે. આગ બાળી શકે છે, તો રોશન પણ કરી શકે છે, રાંધી પણ શકે છે. પાંખ તો આમેય પોઝિટિવિટીથી ભરી પડી છે. પાંખ એટલે તો મંઝિલ તરફ લઈ જતાં ઊડતા પગ જ ને! આગ અને પાંખ બંને શક્તિ છે. અને અહીં આ બંને શક્તિ ઓચિંતી અકારણ જાગૃત થઈ છે. કોઈક પવન ફૂંકાયો લાગે છે, ને રાખ હટી લાગે છે અને આગ ભભૂકી ઊઠી છે. કો’ક સૂર્યોદય થયો લાગે છે, ને સવાર પડી લાગે છે ને પાંખ ફફડી છે. પણ, થોભો જરા! વાત આટલી સીધી પણ નથી. સીધી વાત કરી દે એ કવિતા શાની? તરત જ કવિ સવાલ પૂછે છે, શું મૃત પક્ષી ગીત ગાઈ શકે ખરું? અને આપણા મનમાં ઓચિંતો ચમકારો થાય છે કે વાત તો મરી ગયેલા પંખીની છે અને મરી ગયેલા પંખીમાં અચાનક જીવનની આગ અને સંગીતની પાંખના થયેલ સળવળાટની- પુનર્જીવનસંચારની છે… અને આ સંચાર કેમ થયો છે? કેમકે કોઈક તમારી સામે તમારા પ્રિયપાત્રનું નામ બોલ્યું છે.

અને આખી વાત તરત સ્પષ્ટ થઈ જાય છે. નાયિકા એકલી છે. જીવનહીન છે. જીવતી લાશ બની ગઈ છે. કારણ કે એ જેને ચાહે છે અથવા ચાહતી હતી એ પ્રિયજન આજે એની સાથે નથી. જનારો દેહમાંથી પ્રાણ પણ લઈ ગયો છે. પણ નાયિકાની આસપાસની કોઈક વ્યક્તિ કોઈક કારણસર એ પ્રિયજનનું નામ ઉચ્ચારે છે અને એ નામોચ્ચારણ માત્રથી લાશમાં શ્વાસ ફૂંકાય છે! ‘હજી આંખો નથી મીંચાઈ, ઊગે છે હજીયે પુષ્પ; કબર પાસેથી તું ગુજરે એ આશામાં જીવે છે લાશ.’ લાશ અચાનક જીવી ઊઠી છે. રાખ બની ગયેલા કોલસામાંથી અચાનક આગ ભભૂકી છે. મરી ગયેલા પંખીએ અચાનક પાંખ ફફડાવી છે. એક તરફ મૃત પક્ષીનું પ્રતીક મૂકીને બીજી તરફ સ્મૃતિઓને પાંખ ફફડાવતી બતાવીને લિઓનારા વિરોધાભાસમાંથી કેવો કમાલ સર્જે છે! જે લાગણીઓને મરી પરવારેલી સ્વીકારી લેવાઈ છે, એ ‘ઓચિંતી’ જ એક નામ-સ્મરણ માત્રથી ફિનિક્સ પંખીની જેમ પોતાની જ રાખમાંથી આળસ મરડીને બેઠી થઈ જાય છે. જો કે એની હારોહાર જ ભૂતકાળને વર્તમાનમાંથી ફરી ભૂતમાં ખદેડી કાઢવાની મથામણ પણ ચાલુ છે.

લિઓનારા કાવ્યસ્વરૂપને વશવર્તીને જે પંક્તિઓનું પુનરાવર્તન કરે છે એ જ પુનરાવર્તન પામતી પંક્તિઓ કવિતાના અર્થને ઘૂંટવામાં માત્ર સહાયભૂત જ નથી થતી, ઉમદા કવિકૌશલ્યની સાહેદી પૂરતી ન હોય એમ અનિવાર્ય પણ બની રહે છે. કો’ક પ્રિયજનનું નામ બોલે છે અને ઓચિંતી જાણે કે એક પાંખ ફફડે છે. પ્રિય નામની આસપાસ રચાયેલી દુનિયા પણ અદભુત હોવાની! પ્રેમ આપણી આંખો પર अखिलम् मधुरम्ના ચશ્માં પહેરાવી દેતો હોય છે એટલે આપણે જે કંઈ જોઈએ-સાંભળીએ છીએ એ બધું જ ગમે છે. પ્રેમના મોજાં જ્યાં સુધી ઓસરતાં નથી ત્યાં સુધી કાંઠો પથરાળ છે કે નહીં એ દેખી શકવું સંભવ જ નથી. વિશ્વાસમાં ઓટ આવે નહીં ત્યાં સુધી પ્રેમની ભરતી વાસ્તવિક્તાના કાંઠાને ફીણાળા ભ્રમના છિનાળાથી ઢાંકી જ રાખે છે. સમય સહવાસના શ્વાસમાંથી વિશ્વાસને ભૂંસી નાંખતું ઇરેઝર છે. એ ધીમે ધીમે ક્રૂર હાથોથી વિશ્વાસ ભૂંસતો રહે છે. માટે જ લગ્નજીવન જેમ જૂનું થાય છે એમ વધુ પક્વ થવાના બદલે મોટાભાગે વધુ સડતું જતું જોવા મળે છે.

નાયિકાની આંખ પર પ્રેમનાં ચશ્માં હજી યથાવત્ છે. સમય એના શ્વાસમાંથી વિશ્વાસ કદાચ હજી ભૂંસી શક્યો નથી. ને એટલે જ ઓચિંતી પાંખ ફફડતાં જે અવાજ ઊઠે છે એ એને એના પ્રિયજનનો જ અવાજ હોવાની આશંકા જન્મે છે. એને લાગે છે, અરે! આ તો એનો જ અવાજ. અદ્દલ એના જેવો જ. એનો જ. કોઈ માત્ર પ્રિયજનનું નામ જ બોલ્યું છે અને યાદો પાંખ ઊઘાડીને, ઝાળ પ્રગટાવીને એના નયનરમ્ય રંગોની રજૂઆત કરે છે… લિઓનારાની કવિતાઓમાં ઊર્મિઓની ઉડાન અને ઊંડાણ બંને અદમ્યમાત્રામાં પ્રગટ થતાં જોવા મળે છે. ‘મેઝર મી, સ્કાય’ નામની કવિતામાં અંતે એ કહે છે:

આકાશ, મારું ઊંડાણ બન;
પવન, મારી પહોળાઈ અને મારી ઊંચાઈ બન;
દુનિયા, મારા હૃદયનો વિસ્તાર:
એકલતા, પાંખો મારી ઉડાન માટેની!

એના જીવનમાં જે એકલતા આવી હશે, એને ગળે પથરાની જેમ બાંધીને હતાશાના દરિયાના તળિયે ડૂબી જવાના બદલે એમણે એ એકલતાને પાંખ બનાવીને અસીમ ઉડ્ડયન કરવાનું વધુ પસંદ કર્યું હતું. ન્યૂયૉર્ક આવ્યા બાદ એમને જ્ઞાનતંતુઓની બિમારી (ન્યુરાઇટિસ) થઈ, જેનો એ સમયે કોઈ ઈલાજ નહોતો. આ બિમારીએ એમને વાયોલિન પડતું મૂકવા મજબૂર કર્યાં ત્યારે એમની મિત્ર એમી લૉવેલે એમને ઇમેજિસ્ટ પોએટ્રી તરફ આકર્ષિત કર્યાં. એ પછીથી જ લિઓનોરાએ કવિતા લખવી આદરી. પણ વીસમી સદીના પ્રારંભની કવિતા જ્યારે મહદ અંશે ઓગણીસમી સદીની બીબાંઢાળ કવિતાઓથી ગ્રસિત હતી એવા સમયે એમણે જે કવિતાઓ લખી હતી એ આજે એકવીસમી સદીમાં પણ તરોતાજા લાગે એવા આધુનિકતમ કલ્પનોથી ભરી પડી હતી. ‘ઑફ માઉન્ટેઇન્સ’ કવિતામાં જે રૂપક એમણે પ્રયોજ્યા છે એ આ વાત સિદ્ધ કરવા પૂરતા છે:

…પછી હું ઊઠી
અને મારી આંખોમાંથી ગ્રહોની ધૂળ વાળી કાઢી,
અને ચિલ્લાતી ફરી વળી એ ચિલ્લાતા કલાકમાં,
અટકી તો એક પહાડને ફૂલની જેમ ચૂંટવા માટે
જે આકાશની સામે ઊંચો વધ્યો હતો.

આમ, પોતાના જમાનાથી આગળ ચાલતી કવયિત્રી પંક્તિની પુનરોક્તિ વડે પોતાની વાતને દૃઢીભૂત કરતાં-અંડરલાઇન કરતાં કહે છે કે અવાજ તો જાણે આબેહૂબ એનો જ હતો. અને મરી ગયેલ પંખી પુનર્જીવિત થાય એ જ રીતે સૂકાઈ ગયેલ હૃદયમાં પણ જાણે કે આ અવાજના જાદુથી લીલીછમ વસંત ફરી વળી છે. અને એનું દિલ આ લીલી વસંતના ગીત ગાવા માંડ્યું છે. રવીન્દ્રનાથનું ગીતાંજલિગાન અહીં સંભળાય છે: ‘Only let me make my life simple and straight, like a flute of reed for thee to fill with music.’ (મને માત્ર મારી જિંદગી સરળ અને સીધી બનાવવા દે, વાંસની એ વાંસળીની જેમ, જેને તારે સંગીતથી ભરી દેવાની છે.) ઓહ, આ તે યાદનો કેવો રંગ છે, જે તારા નામ સાંભળવા માત્રથી મારા હૃદયને લીલા વાસંતી ગીતોથી છલકાવી દે છે! હવે, આમાં તો બેમાંથી કોનો વાંક કાઢવો? તું, જેણે મને પ્રેમમાં પાગલ કરી છે એનો કે હું, જે પ્રેમમાં પાગલ થઈ ગઈ છું એનો? ગુનેગાર કોણ? કૃષ્ણ કે રાધા? શ્યામ કે મીરાં? પ્રેમ તમને સહેલાઈથી સામા પાત્રનો વાંક કાઢવા દેવાની ફૅસિલિટી પણ આપતો નથી. પ્રેમ હોય ત્યાં સુધી પરસ્પર પર દોષારોપણ કરવું દોહ્યલું બની રહે છે કેમકે જીવનમાં દોષારોપણનો પ્રવેશ થતાં જ પ્રેમ પાછલા બારણે જિંદગીનું ઘર છોડીને પલાયન થવા માંડે છે.

પણ લિઓનારાનું આ ગીત પ્રેમનું મહિમાગાન નથી, સ્મરણનું મહાકાવ્ય પણ નથી. છોડી ગયેલા પ્રેમીના પ્રેમમાં એ હજીય તરબોળ છે એની ના નહીં, એના નામની હવા માત્રથી હજીય એના પોલા અને છિદ્રાળુ બની ગયેલા જીવતરમાંથી સંગીતના સૂર રેલાવા શરૂ થઈ જાય છે એનીય ના નથી પણ એનું આ ગીત એ ફરિયાદનું ગીત છે, વેદનાના આકાશને ચીરી નાંખતો આર્તસ્વર છે. ફૂલ સહજ મસૃણતાથી એ વાસ્તવિક્તાનો કાંટો સીધો આપણા હૃદયમાં ઊતારી દે છે અને આપણને ચીસ પાડવાનો અવસર પણ નથી આપતાં. એની એ પંક્તિઓ ફરી પુનરાવર્તન પામે છે પણ હવે એનો અર્થ બદલાય છે અને કાવ્યાંતે કવિતાના શીર્ષકની જેમ જ ભાવકને બિલકુલ ‘ઓચિંતી’ જ પ્રતીતિ થાય છે કે આ કવિતા કવયિત્રીએ પ્રેમ કે સ્મરણના ગુણગાન ગાવા માટે નથી લખી પણ દિલમાં જન્મેલી વેદનાને યથોચિત વાચા આપવા માટે જ ગાવી પડી છે.

હૃદય લીલી વસંતના ગીત હજીય ગાઈ રહ્યું છે. સ્મરણની એકદા મરણ પામી ચૂકેલી જે પાંખ પુનર્જીવન પામીને ફફડી ઊઠી હતી, એનો ફફડાટ હજી ચાલુ છે પણ લૂલો પડ્યો છે. ‘ઓચિંતી’ આવી ચડેલી યાદે ક્ષણાર્ધ માટે તો બધું જ લીલુંછમ કરી નાંખ્યું પણ સાથોસાથ રુઝાવા આવેલા ઘાને પણ એણે લીલો કરી દીધો છે. જે વેદના સમય સાથે ભૂલાવા ને ભૂંસાવા આવી હતી એ વેદના પણ ‘ઓચિંતી’ તાજી થઈ છે. ભૂલી જવાયેલી બધી જ તકલીફો આળસ મરડીને જાગી છે. ક્યારેક દિલમાં પડેલા પણ વિસરી જવાયેલા દર્દના ચીરા આગની જ્વાળાની જેમ ભભૂકી ઊઠ્યા છે. એક ક્ષણ માટે તો એમ જ લાગે છે કે યાદની આંધી ઘરમાં જામી ગયેલી ધૂળ સાફ કરી નાંખશે પણ બીજી જ ક્ષણે ખ્યાલ આવે છે કે આ આંધી ધૂળ નહીં, કદાચ આખા ઘરને જ સાફ કરી નાંખશે. ‘આપણ બેઉમાં કોનો વાંક?’ પંક્તિ બીજીવાર આપણી સામે આવે છે ત્યારે તદ્દન નવાનક્કોર અર્થના કલેવર સજીને આવે છે. અહીં પંક્તિનું પુનરાવર્તન સાચા અર્થની ખરી ધાર કાઢી આપે છે. કવયિત્રી પ્રેમીજનનો એકલાનો વાંક પણ કાઢતાં નથી. એ પોતે દોષી હોવાનો એકરાર પણ કરતાં નથી. સમય-સંજોગોનો વાંક હતો કે નહીં એ વિશે પણ એક શબ્દ ઉચ્ચારતાં નથી. એ માત્ર ઈશ્વરના નામનો નિઃસાસો મૂકતાં મંદ મંદ મુરઝાવાની હકીકત આપણી સામે ‘ઓચિંતી’ મૂકી દઈને કવિતાને ‘ઓચિંતી’ જ સમાપ્ત કરી દે છે.

સ્વાભાવિક છે કે આ એક સ્ત્રીની કવિતા છે. આ કવિતા એક સ્ત્રીની જ કવિતા હોઈ શકે. એક સ્ત્રી જ આટલા બધા પ્રેમથી ભરીભાદરી ફરિયાદ કરી શકે. જીવનમાં વિયોગ આવી ગયો છે, કદાચ કાયમી વિયોગ આવી ગયો છે. અળગાં થઈ જવાની નિયતિને એ હદે સ્વીકારી લેવાઈ છે કે હવે તો સ્મરણ પણ બહુધા મરણ પામ્યાં છે. સંબંધ અહેસાસની સીમાની પેલી પાર જઈ પહોંચ્યો છે, કદાચ ક્ષિતિજનીય પેલી પાર; ને એટલે જ હવે જીવનમાં એવો ખાલીપો છે જેમાં એ સંબંધ કે એના અહેસાસનું ટીપુંય બચ્યું નથી. ક્યારેક જે ગહન હશે એ પ્રેમસંબંધ ગેરહાજરી સુદ્ધાં ન વર્તાય એ હદે ગેરહાજર થઈ ગયો છે. એવામાં એક નામ કાને પડે છે. સદીઓથી સ્થિર થઈ ગયેલાં પાણીમાં જાણે એક પથ્થર પડે છે અને અચાનક જ વમળો સર્જાય છે. નામની પાછળ-પાછળ યાદો દોડી આવે છે. યાદોની સાથોસાથ પસાર થયેલું આખું જીવન પુનર્જિવિત થઈ જાય છે. ભૂલી જવાયેલી સારી યાદોની સાથોસાથ છૂટાં પડતી વખતે સહન કરવા પડેલા તમામ ઘા પણ આગની જ્વાળાની જેમ ભભૂકી ઊઠે છે. કવયિત્રી સ્વીકારી લે છે કે જીવનનો છોડ સ્નેહ-સહવાસના ખાતર-પાણી વિના ધીમે ધીમે કરમાવા પડ્યો છે પણ એ બેમાંથી કોઈનો વાંક કાઢવા હજીય તૈયાર નથી. જે નામમાત્ર આજેય પોતાના આખાય અસ્તિત્વને હચમચાવી દેવા સક્ષમ છે એ વ્યક્તિનો પણ વાંક કાઢવા તૈયાર ન થાય એવું અભૂતપૂર્વ ઔદાર્ય ઈશ્વરે માત્રને માત્ર સ્ત્રીજાતિને જ સોંપ્યું છે… માટે જ કહેવાની ફરજ પડે છે કે આ એક સ્ત્રીની કવિતા છે. આ કવિતા એક સ્ત્રીની જ કવિતા હોઈ શકે….

અન્ય એક કવિતામાં લિઓનારા આવી જ વાત આવી જ નજાકત સાથે રજૂ કરે છે, એ પણ સાથે માણવા જેવી છે:

તારા પ્યારા મૃત હૃદય પરથી હું ઊઠીશ
સાનંદ એક ડાળી બનીને,
કહીશ, ‘‘અહીં સૂએ છે એક ક્રૂર ગીત,
ક્રૂરતાપૂર્ણ શાંતિથી હવે.’’

હું કહીશ, ‘‘અહીં સૂતી છે જૂઠી તલવાર,
હજીય મારી સચ્ચાઈ એના પરથી ટપકી રહી છે;
અહીં સૂતું છે મેં બનાવેલું સીવેલું મ્યાન,
મારા યૌવનથી ગૂંથેલું.’’

ગ્લૉબલ કવિતા : ૯૬ : પ્રેમમાં – કમલા દાસ – સુરૈયા

In Love

O what does the burning mouth
Of sun, burning in today’s,
Sky, remind me….oh, yes, his
Mouth, and….his limbs like pale and
Carnivorous plants reaching
out for me, and the sad lie
of my unending lust.
Where is room, excuse or even
Need for love, for, isn’t each
Embrace a complete thing a finished
Jigsaw, when mouth on mouth, i lie,
Ignoring my poor moody mind
While pleasure, with deliberate gaeity
Trumpets harshly into the silence of
the room… At noon
I watch the sleek crows flying
Like poison on wings-and at
Night, from behind the Burdwan
Road, the corpse-bearers cry ‘Bol,
Hari Bol’ , a strange lacing
For moonless nights, while I walk
The verandah sleepless, a
Million questions awake in
Me, and all about him, and
This skin-communicated
Thing that I dare not yet in
His presence call our love.

– Kamala Das

પ્રેમમાં

ઓ આ સળગતા હોઠ
સૂર્યના, સળગી રહેલા આજના
આકાશમાં, મને શું યાદ અપાવે છે… ઓહ, હા, એના
હોઠ, અને.. એના અંગો જાણે ફિક્કા અને
માંસાહારી છોડ લંબાઈ
રહ્યા છે મારા માટે, અને દુઃખી જૂઠાણું
મારી અંતહીન વાસનાનું.
ક્યાં છે જગ્યા, બહાનાં કે જરૂર સુદ્ધાં
પ્રેમ માટે, કેમ કે, શું દરેક
આશ્લેષ એક સંપૂર્ણ ચીજ નથી એક પૂરી થયેલ
જિગ્સૉ, જ્યારે હોઠ હોઠ પર છે, હું સૂઉં છું,
મારા ગરીબડા મિજાજી મનને અવગણતી
જ્યારે આનંદ, સુનિર્ધારિત ઉલ્લાસ સાથે
કમરાની ચુપકીમાં ચિલ્લાય છે
કઠોરતાથી… બપોરે
હું નિરખું છું હૃષ્ટપુષ્ટ કાગડાઓને ઊડતા
પાંખ પર ઝેર હોય એ રીતે- અને
રાત્રે, ભટાર રોડની પાછળ
તરફથી, ડાઘુઓ આરડે છે, ‘બોલ
હરિ બોલ’, ચંદ્રહીન રાત્રિઓ માટે
એક વિચિત્ર શણગાર, જ્યારે હું નિદ્રાહીન
ભટકું છું વરંડામાં, લાખો
પ્રશ્નો જાગે છે
મારામાં, અને બધા જ એના વિશે, અને
આ ચામડીથી પ્રત્યાયિત થયેલ
વસ્તુ જેને હું હજીય હિંમત નથી કરી શકતી
એની હાજરીમાં આપણો પ્રેમ કહેવાની.

– કમલા દાસ
(અનુ. વિવેક મનહર ટેલર)
સ્કીન-ડીપ પ્રેમની સૉલ-ડીપ કવિતા…

પ્રેમ. પ્યાર. ઈશ્ક. મહોબ્બત. કોણ હશે જે આ લાગણીમાંથી પસાર જ નહીં થયું હોય? તમામ અનુભૂતિઓમાં સૌથી સઘન અનુભૂતિ છે આ અને સૌથી વધુ છેતરામણી પણ. પ્રેમ વિશે વાત કરીએ તો ક્યારેક ઈશ્વરના અસ્તિત્વ વિશે થાય એવો જ પ્રશ્ન થાય, પ્રેમ જેવું કંઈ હશે ખરું આ દુનિયામાં? કહ્યું છે ને:

દીસે ભલે, હોય જ નહીં, મૃગજળ પીવા ભાગે છે સૌ?
શું પ્રેમમાં હોવાના ભ્રમના પ્રેમમાં રાચે છે સૌ…?

ઈશ્વરના હોવા-ન હોવાના સવાલનો જવાબ મળવો જેમ શક્ય નથી એમ કદાચ પ્રેમના હોવા-ન હોવાના સવાલનો જવાબ મળવો પણ ખકુસુમવત્ જ છે, કેમ કે મહદઅંશે આપણને કોઈના પ્રેમમાં હોવા કરતાં વધુ કોઈના પ્રેમમાં આપણે છીએ એ ખ્યાલને, યાને કે ખુદને જ પ્રેમ કરતા હોવાની શક્યતા વધારે છે. જો સાચા અર્થમાં એક વ્યક્તિ બીજીને પ્રેમ કરી શકતી હોત તો સંબંધ કોઈપણ હોય, એમાં તણાવ આવે જ નહીં. પ્રેમ હોય ત્યાં અપેક્ષા, હક, અવિશ્વાસ, ઈર્ષ્યા, અહમ્ જેવી લાગણીઓનું અસ્તિત્વ જ શક્ય નથી. અને આ પાંચ આંગળીઓ વગરનો કોઈ હાથ સંબંધનો આજકાલ જોવાય મળતો નથી એટલે પ્રેમના હોવા અંગે શંકા થાય એ સ્વાભાવિક છે. કવયિત્રી કમલા સ્ત્રી-પુરુષ વચ્ચેના પ્રેમની ‘ખરી’ વિભાવના પ્રસ્તુત રચનામાં રજૂ કરે છે…

કમલા. કમલા દાસ. કમલા સુરૈયા. આજના કેરાલાના પુન્નાયુર્કુલમ ખાતે ૩૧-૦૩-૧૯૩૪ના રોજ વિખ્યાત મલયાલમ દૈનિક માતૃભૂમિના મેનેજિંગ ડિરેક્ટર વી. એમ. નાયર તથા બાલામની અમ્મા નામના ખ્યાતનામ મલયાલી કવયિત્રીના ઘરે જન્મ. પિતાજીની કર્મભૂમિ કોલકતા અને માતૃભૂમિ પુન્નાયુર્કુલમની વચ્ચે એમનું બાળપણ વિભાજીત રહ્યું. કવયિત્રી માતા અને ખ્યાતનામ લેખક મામા નાલાપત નારાયણ મેનનના પ્રભાવમાં કમલાએ ખૂબ નાની વયે કલમ અને કવિતાની સાથે પનારો પાડ્યો. મલયાલમ અને અંગ્રેજી- બંને ભાષામાં કવિતાઓ લખી પણ છએ છ કાવ્યસંગ્રહો અંગ્રેજી ભાષામાં જ પ્રકાશિત કર્યાં. મલયાલમમાં માધવીકુટ્ટીના ઉપનામથી લખ્યું. કવિતા ઉપરાંત નવલકથા, નવલિકાઓ અને આત્મકથા લખ્યાં. તેઓ સિન્ડિકેટેડ કોલમિસ્ટ પણ હતાં. લોકો એમને ફેમિનિસ્ટ કહેતા જેની સામે એમનો વિરોધ હતો. પંદર વર્ષની વયે માધવ દાસ સાથે લગ્ન. ૧૯૯૨માં મૃત્યુ પામ્યા ત્યાં સુધી પતિએ હજાર વિવાદોના વાવાઝોડાની વચ્ચે પણ પત્નીનો હાથ છોડ્યો નહોતો. કમલાએ પોતાની લોક સેવા પાર્ટી પણ સ્થાપી. લોકસભાની ચૂંટણીમાં નિષ્ફળ ઉમેદવારી પણ કરી. ૬૫ વર્ષની વયે જન્મે રુઢિચુસ્ત હિન્દુ કમલા ૩૮ વર્ષના પ્રેમી સાદિક અલીના કહેવાથી મુસ્લિમ ધર્મ અંગીકાર કરીને કમલા દાસમાંથી કમલા સુરૈયા બન્યાં અને ૭૫ વર્ષની વયે પુણે ખાતે હૉસ્પિટલમાં ૩૧-૦૫-૨૦૦૯ના રોજ દેહાવસાન થયું. રાજકીય સન્માન સાથે તિરુવનન્તાપુરમની જામા મસ્જિદમાં એમને દફનાવવામાં આવ્યાં.

તેઓ એમના જમાનાથી, સ્ત્રીઓ તો ઠીક, પુરુષોથીય ઘણા આગળ હતાં. ભારતીય અંગ્રેજી કવિઓ જે સમયે વીતી ગયેલી સદીના અંગ્રેજી કાવ્યોની ટૂંક પકડીને બેઠા હતા એ સમયે કમલાની કવિતાઓ પચાવવામાં અઘરી પડે એવી કડવી વાસ્તવિક્તાઓ લઈને આવી હતી. કમલાની કવિતાઓ એન સેક્સટન, સિલ્વિયા પ્લાથ કે પરવીન શાકિરની જેમ કબૂલાતનામું ગણી શકાય એટલી અંગત છે. મૂળે તેઓ પ્રેમના કવયિત્રી છે. અસંતુષ્ટ પ્રેમ અને લાલસાઓ એમના પ્રધાન કાકુ છે. એમની જિંદગીની જેમ જ એમની કવિતાઓ પણ વિવાદાસ્પદ, રહસ્યમયી, નિર્ભય, પ્રામાણિક, આખાબોલી, સ્ત્રી-પુરુષના સંબંધોની સમસ્યાઓ તથા જાતીય ઝંખનાઓથી તર છે. શરીર અને સંભોગના વર્ણનોમાં એમણે ક્યાંય છોછ રાખવાની કોશિશ પણ કરી નથી. એ કહેતા કે, ‘કવિતા તમારા માટે થઈને પક્વ નથી થતી, તમારે જ એના માટે પરિપક્વ થવું રહ્યું.’ ધ ટાઇમ્સે ૨૦૦૯માં એમને ‘આધુનિક ભારતીય અંગ્રેજી કવિતાની મા’ તરીકે બિરદાવ્યાં હતાં. એમના જીવન પરથી ‘આમી’ (દોસ્ત) નામની મલયાલમ ફિલ્મ પણ બનાવાઈ છે.

કવિતાનું ટૂંકુટચ શીર્ષક કવિતાના કેન્દ્રસ્થ વિચારને તાદૃશ કરે છે. પ્રેમની કવિતા છે. સ્ત્રી-પુરુષ વચ્ચેના પ્રેમની. શારીરિક પ્રેમની. પણ કવિતામાંથી પસાર થતી વખતે સમજી શકાય છે કે અહીં સંવાદિતા ઓછી અને વિસંવાદિતા વધુ છે. જીવનના છંદ-પ્રાસ જ મળ્યા નથી એટલે સાહજિક છે કે કવિતામાં પણ આપણે છંદ કે પ્રાસ શોધવાના રહેતા નથી. મોટાભાગના ભારતીય અંગ્રેજી કવિઓએ મુક્તકાવ્ય કે અછાંદસ કવિતાને પોતાની અભિવ્યક્તિના નિર્વાહ માટે ઉચિત ગણી છે. કમલા એમાં અપવાદ નથી. છંદ વિનાની જિંદગીને રજૂ કરતા અછાંદસ કાવ્યમાં એ ડાબે હાથે ક્યાંક મૂકી દેવાયેલ પોતાનો છંદ શોધવાની મથામણમાં છે.

‘ઓ’થી શરૂ થઈને કવિતા ‘આપણા પ્રેમ’ પર પૂરી થાય છે. પ્રેમીજન માટેનું ‘ઓ’નું સંબોધન નિકટતાનું દ્યોતક છે. અહીં જો કે આ સંબોધન પ્રેમીને નહીં પણ કમલાની કવિતાના ભાવકોને સંબોધીને કરાયું હોય એમ વધુ અનુભવાય છે. આકાશમાં સળગી રહેલા સૂર્યમાં વીસમી સદીની આ રાધાને પોતાના પ્રેમીના કામાગ્નિથી ભડભડતા હોઠ નજરે ચડે છે. ભાવકને સંબોધીને કથક પોતાની જાતને જ સવાલ કરે છે કે સૂર્યનું મોઢું જોઈને એને કોનું મોઢું યાદ આવે છે અને પછી તરત જ એ પોતાની જાતને ટકોરે છે, અરે, હા! પ્રેમીના હોઠ જ સ્તો. સમષ્ટિ સાથેનો સંબંધ ક્ષણાર્ધમાં વયષ્ટિ સાથે બંધાઈ જાય છે. માણસ પ્રેમમાં હોય ત્યારે અત્ર, તત્ર, સર્વત્ર પ્રેમ અને પ્રેમી જ દેખાય.

કૃષ્ણ નામની એક સાવ ટૂંકી કવિતામાં કમલા લખે છે:

તારી કાયા મારી કેદ છે, કૃષ્ણ,
તારાથી આગળ હું જોઈ શકતી નથી.
તારી કાળાશ મને આંધળી બનાવી દે છે,
તારા પ્રેમવચન શાણી દુનિયાના કોલાહલને ઢાંકી દે છે.

પ્રેમથી મોટું કોઈ બંધન નથી અને પ્રેમથી વધીને કોઈ આઝાદી પણ નથી. પ્રેમમાં માણસ પ્રેમીની આંખો અને પાંખો પહેરી લે છે એટલે પ્રેમી જે જુએ એ જ જોઈ શકાય છે, અને પ્રેમી ચાહે એટલું જ ઊડી શકાય છે. સૂરજના સળગતા હોઠમાં પ્રેમીના કામાતુર હોઠ દેખાય ત્યાં સુધી ઠીક ચાલીને તરત જ કવિતાનો મૂળ રંગ ઊઘડે છે. પ્રેમના નામે આક્રમણ કરતા પ્રેમીના અંગાંગો પ્રેમિકાને પોતાના શરીરને જાણે ખાવા ધસતા માંસભક્ષી છોડની શાખાઓ જેવા વર્તાય છે. પણ આ હાથ-પગને ફિક્કા કહીને નાયિકા આપણને ખાતરી કરાવે છે કે અહીં પ્રેમનો રંગ છે જ નહીં, આ માત્ર વાસનાનો નગ્ન નાચ જ છે. સ્ત્રીએ પણ પોતાને એની કેટલી તરસ છે, તડપ છે એના જૂઠાણાં ચલાવ્યાં હશે એટલે એ પોતાની કહેવાતી સંતૃપ્ત ન કરી શકાય એવી વાસનાના નામે પુરુષને બને તેટલો સમય અને બને એટલો નજીક રાખવાની જૂઠી મથામણના કારણે ઉદાસ પણ છે. બે શરીર ભેગાં થાય, એક-મેકમાં ઓગળે એ ગાઢ આશ્લેષને આપણે સહુ સંપૂર્ણ ગણી લઈએ છીએ, જાણે કે જિંદગીની જિગ્સૉ પઝલના બધા ટુકડાઓ નિયત સ્થાને ગોઠવાઈ જઈને એક સંપૂર્ણ ચિત્ર ન બની ગયું હોય! વાસ્તવિક્તા એ છે કે બધી કામકેલિ સમ્-ભોગ નથી હોતી. બે શરીરને ભેગાં થવું હોય તો એ માટે કોઈ બહાનાં, કે જગ્યા કે પ્રેમ સુદ્ધાંની હાજરીની પણ જરૂર નથી. શરીર કદાચ એકમાત્ર એવી કુદરતી રચના છે, જે ભૂખને ભૂખથી ભાંગી શકે છે.

અહીં બે શરીર ભેગાં થતાં દેખાય છે, બે પ્રેમીઓ નહીં. પ્રેમની અનવરત તલાશ અને સતત હાથ લાગતી સરિયામ નિષ્ફળતા કમલા દાસની કવિતાઓનો આત્મા છે. કમલાના પ્રેમકાવ્યો વ્યાભિચારની વકાલત નથી કરતાં પણ કવયિત્રીની પોતાની આરતને જ તાદૃશ કરે છે. બેતાળીસ વર્ષની વયે માંદગીમાંથી બચી નહીં શકાશે એમ વિચારીને એમણે મલયાલમ ભાષામાં આત્મકથા લખી અને અંગ્રેજીમાં માય સ્ટોરી નામે ભાષાંતર કર્યું, જેમાં બાળપણના પ્રેમ, લગ્નજીવનના ભંગાણ, લગ્નેતર સંબંધો અને પોતાની સજાતિયતા સુદ્ધાં વિશે ખુલીને લખ્યું હતું. સ્વાભાવિકપણે સામે વિરોધનો વંટોળ ફૂંકાયો હતો. પણ એ બહુ સાફ હતા: ‘કેટલાક લોકોએ મને કહ્યું કે આના જેવી આત્મકથા, સંપૂર્ણ પ્રામાણિકતા સાથે લખવી, કશું જ છૂપાવ્યા વિના એ સ્ટ્રિપટીઝ કરવા બરાબર છે. સાચું, કદાચ, હું, સૌપ્રથમ તો મારા કપડાં અને દાગીનાઓથી મને મુક્ત કરીશ. પછી મારી કોશિશ રહેશે કે આ હલકા ગેરુઆ રંગની ચામડી ઉતરડી નાંખું અને મારા હાડકાંઓના ટુકડેટુકડા કરી નાંખું. અંતે, હું આશા રાખું છું કે તમે લોકો મારા બેઘર, અનાથ, અત્યંત સુંદર આત્માને, હાડકાંની ઠેઠ અંદર, ખૂબ જ ઊંડે, મજ્જાનીય નીચે, ચોથા પરિમાણમાં જોઈ શકશો.’ જો કે પાછળથી એમણે આ આત્મકથામાં કલ્પનાનું તત્ત્વ પણ હોવાનું કબૂલ્યું હતું. બની શકે કે એમની કથામાં કલ્પનાના રંગો ભર્યાં હોય, પણ આ કથા અને આ કાવ્યોમાંથી જે લાગણીની સચ્ચાઈ અને તડપની તીવ્રતા આક્રંદતા સંભળાય છે એનાથી મોટું સત્ય આપણને ભાગ્યે જ રૂબરૂ થઈ શકશે.

જ્યારે શારીરિક પ્રેમ આકાર લઈ રહ્યો છે ત્યારે નાયિકા પોતાના મિજાજને અવગણીને સૂતી પડી છે. અંગ્રેજીમાં ‘i lie’નો ‘સૂવું’ ઉપરાંત ‘જૂઠું’ પણ થાય છે. કવિતાનો મિજાજ જોતાં અહીં બંને અર્થ સાકાર થતા અનુભવાય છે પણ અનુવાદ બીજી ભાષાને મૂળ ભાષા જેટલી સગવડ ભાગ્યે જ આપે છે એટલે જ અનુવાદની સાથોસાથ મૂળ કાવ્યની ભાષા ભલે આવડતી ન હોય, પણ અર્થચ્છાયાનો અભ્યાસ તો કમસે કમ હોવો જ જોઈએ. આખા કાવ્યમાં અહીં એકમાત્ર સ્થાને કવયિત્રી વ્યાકરણના નિયમથી ઊલટું ‘આઇ’ને કેપિટલ અક્ષરનું સન્માન આપતાં નથી. જાણીને નાનો લખાયેલો ‘આઇ’ પુરુષના આધિપત્ય નીચે કચડાયેલા સ્ત્રીશરીર તરફ ધ્યાન દોરે છે. નાયિકાનો ‘આઇ’ નાનો છે એટલે જ એ મિજાજી મનની અવગણના કરે છે અને ભલે ને પ્રેમ હોય કે ન હોય, શરીરના શરીર સાથેના આકલનના પરિણામે એક પાશવી આનંદ જન્મે છે, જેનું રણશિંગુ ગણતરીપૂર્વક ઓરડાની શાંતિને કઠોરતથી ધ્વસ્ત કરી નાંખે છે.

કમલાના લગ્ન એની મરજી વિરુદ્ધ માત્ર ૧૫ જ વર્ષની બાળવયે લઈ લેવાયા હતા. એક કવિતામાં એ લખે છે:

મને મોકલી દેવામાં આવી હતી પરિવારના
ગૌરવને રક્ષવા માટે, બચાવવા માટે કેટલાક ડરપોકોને કેટલીક
મતિહીનતાના રક્ષણ માટે, મોકલી દેવામાં આવી હતી બીજા શહેરમાં
એક સગાની પત્ની બનવા, એક ઘોડદોડ –એના
ઘરથી. અને એક મા એના દીકરાઓ માટે, એના
પાર્લર માટે બીજી કેમ ઢિંગલી માથું ધુણાવતી,
બોલતી-ચાલતી એની પથારી ગરમ કરવા માટે
રાત્રે.

એમણે પોતાની જાતને માત્ર એક લાક્ષણિક નમૂનો બનીને રહી ગયેલી જોઈ, એક ખતમ થઈ ગયેલી સ્ત્રી. પ્રેમ અને લગ્ન એ એમને બે વિરોધી ધ્રુવ લાગતા. એમને આશ્ચર્ય થતું, ‘શું દરેક પરિણીત પુખ્ત પથારીમાં એક વિદૂષક જ છે, એક સરકસનો ખેલાડી?’ અને તારણ પર આવ્યાં કે ‘હું લગ્નને ધિક્કારું છું.’ અન્ય એક કવિતામાં એ કહે છે: ‘સ્ત્રી, શું આ જ ખુશી છે, આ દટાઈને સૂવું/એક પુરુષની નીચે? સમય આવી ગયો છે, ફરીથી જીવતા થવાનો./એની છ ફૂટની કાયાની પેલે પાર/દુનિયા ઘણી ફેલાયેલી છે.’ પોતે જે અનુભવે છે એ શબ્દ ચોર્યા વિના મોઢા પર કહી દેવાની એમની બેબાક શૈલીના કારણે લોકોએ એમની બદબોઈ પણ ખૂબ કરી, અને પ્રેમ પણ ખૂબ આપ્યો.

પુરુષ માટે સેક્સ એક ક્રીડા છે. એ કામ પતાવીને પોતાની દુનિયામાં, પોતાનામાં મશગૂલ થઈ ગયો હશે જ્યારે આ બાજુ નાયિકા નથી જાગી શકતી, નથી ઊંઘી શકતી. બપોરે હૃષ્ટપુષ્ટ કાગડાઓ જંપતા નથી. પાંખ પર ઝેર હોય એમ એ પાંખ વાળીને બેસતા નથી ને એમની એકધારી કાઉં કાઉંના કારણે નાયિકાને બે ઘડી જંપ નથી મળતો. અને રાત્રે મડદાંને સ્મશાન લઈ જતાં ડાઘુઓ ‘હરિ બોલ હરિ’ની બૂમો પાડતાં પસાર થાય છે. ચંદ્રહીન રાતો માટે લાશની અંતિમયાત્રાની આ ધૂન વિચિત્ર શણગાર સમ છે. એકતરફ ચંદ્રની ગેરહાજરીમાં અંધકાર આમેય ગાઢો હોવાનો, ને ઉપરથી મૃત્યુની હાજરી એને વધુ ઘેરો-કાળો બનાવે છે. પ્રેમની આશામાં ગયેલી અને શરીર થઈને વપરાયેલી નાયિકાની આંખોમાંથી ઊંઘ ઊડી જાય છે. અશ્વત્થામા જેવો એનો આત્મા વરંડામાં આંટા માર્યે રાખે છે.

મનમાં લાખો સવાલો જન્મે છે અને આ બધા જ સવાલો પ્રેમીના સંદર્ભે છે. આત્માની વાનગીઓ બાજુએ મૂકીને શરીરની થાળી ચાટવામાં આવી હોવાની અનુભૂતિ અસહ્ય બની ગઈ છે. સ્ત્રી વધુ કંઈ ઇચ્છતી જ નથી. એ માત્ર એટલું જ ચાહે છે કે તમે સ્ત્રીને સ્ત્રી તરીકે જુઓ, માનવી ગણો, બસ! પણ જ્યારે એને કમૉડિટિ-વસ્તુ ગણી લેવામાં આવે છે ત્યારે એ સહન નથી કરી શકતી. સાચો પ્રેમ ‘આઇ લવ યુ’થી નથી સાબિત થતો. સાચો પ્રેમ વાણીમાંથી નહીં, વર્તનમાંથી સંભળાય છે. કમલા એક કવિતામાં બહુ સરસ વાત કરે છે: ‘જ્યારે હું તારા ફોન કોલની રાહ જોઉં છું, મને/ખબર નથી કે કોનો ભરોસો કરવો, તારો, જે કહે છે કે તું પ્રેમ કરે છે,/કે પછી અવાજનો જે મને કહે છે ના, ના, ના…/… શું મતલબ છે/પ્રેમનો, આ તમામ પ્રેમનો, જો એ આપે છે માત્ર/ડર, તને તારી અંદર સુષુપ્ત વાવાઝોડાઓનો ડર/અને મને તને દુઃખ પહોંચાડવાનો ડર?’ અહીં, નાયિકાને ભોગવી ગયેલા નાયકના વર્તનમાંથી પ્રેમ પડઘાતો નહીં હોવાના કારણે અજંપો અનુભવતી નાયિકા સવાલોની બોછારનો ભોગ બને છે. જેને પ્રેમનું ચળકતું લેબલ ચિપકાવવામાં આવ્યું છે, એ ચામડી વડે કહેવાયેલી વસ્તુને નાયિકા નાયકની હાજરીમાં હજીય ‘આપણો પ્રેમ’ કહેવાની હિંમત કરી શકતી નથી. કાવ્યાંતે પ્રયોજાયેલ ‘હજીય’ શબ્દ મીઠામાં બોળેલા ચાબુકની જેમ આપણા અહેસાસ પર વિંઝાય છે.

સ્ત્રી દેહ આપીને સ્નેહ પામે છે, જ્યારે પુરુષો સ્નેહ આપીને દેહ! પુરુષ માટે સ્ત્રી સાથેનો સંબંધ ટોઇલેટ પેપર જેવો છે, લૂછી નાંખો, ફ્લશ કરો અને ચાલતા થાવ. સ્ત્રીઓ માટે પુરુષ સાથેનો સંબંધ ડાયરીના અંગત પાનાં જેવો છે. એ એને સાચવીને રાખે છે, સમયે-સમયે ખોલીને હાથ ફેરવે છે, સૂંઘે છે અને પાનાં પર એક આંસુ પડી ગયા પછી પણ સાચવીને ડાયરી કબાટમાં સંતાડી દે છે. દાસ કહો કે સુરૈયા, કમલાની કવિતામાં જે આગ છે, એ બહુ ઓછા કવિઓમાં જોવા મળે છે. હાથમાં લીધા પછી એમની કવિતાઓ બાજુએ મૂકી શકાતી નથી, કેમકે શબ્દે-શબ્દે એ આપણી દુઃખતી રગને દાબે છે. કમલાની કવિતામાં સ્ત્રીઓ અને પુરુષો બંનેને પોતાની જ આત્મકથા વંચાતી હોવાથી જ નોબલ પારિતોષિક માટે પણ એમનું નામ આગળ મૂકાયું હતું. ‘ધ મેગટ્સ’ નામના એક લઘુ કાવ્યમાં રાધાની કૃષ્ણપ્રીતિ અને એ રીતે સ્ત્રીની પ્રેમી માટેની સમર્પણભાવનાની પરાકાષ્ઠા આપણા સંવેદનતંત્રને લકવો મારી દે છે:

સૂર્યાસ્ત ટાણે, નદીકિનારે, કૃષ્ણે
એને આખરી વાર પ્રેમ કર્યો અને જતા રહ્યા…

એ રાતે એના પતિના બાહુપાશમાં, રાધા એટલી
મૃતપ્રાય લાગતી હતી કે પેલાએ પૂછ્યું, શું થયું?
મારાં ચુંબનો, પ્રેમથી તને કોઈ તકલીફ છે, વહાલી? અને તેણીએ કહ્યું,
ના, જરાય નહીં, પણ વિચાર્યું, શું ફરક પડે છે
લાશને જો કીડાઓ એને ફોલી ખાય?

સપનાં વસંતના – સુરેશ દલાલ

આજે – ૧૧મી ઓક્ટોબર – કવિ શ્રી સુરેશ દલાલના જન્મદિને, એમની એક મઝાની કવિતા…

એક પાનખરના ઝાડને આવે
આવે છે રોજ સપનાં વસંતના
ક્યારે મારી ડાળીએ ખીલે
ખિલખિલ ફૂલો સુગંધનાં

આજે ભલે ડાળીઓ સુક્કી
પણ કાલ એમાં વહેશે ધબકાર લીલોછમ;
આજ ભલે જાઉં હું ઝૂકી
વિધાતાની સામે : તોયે મને એનો નહીં ગમ.
એક એવી આવશે મોસમ :
કે ગીત મને મળશે કોયલના કંઠના.

માણસ પોતાનાં પોપચાં પંપાળે
એમ વ્હેતી હવા મને પંપાળી રહે
કોની આ માયા છે એ તો હું જાણું નહીં
પણ કોઇ મને કાનમાં વાતો સુંવાળી કહે
બિલોરી કાચ જેવા હૈયામાં એક દિવસ
મઘમઘ થઇ મ્હેકશે સપનાં અનંતના.

– સુરેશ દલાલ

ગ્લૉબલ કવિતા : ૯૫ : ટેલિફોનમાંથી – ફ્લોરેન્સ રિપ્લી મેસ્ટિન

From the Telephone

Out of the dark cup
Your voice broke like a flower.
It trembled, swaying on its taut stem.
The caress in its touch
Made my eyes close.

– Florence Ripley Mastin

ટેલિફોનમાંથી

અંધારા ડબલામાંથી આવતો
તારો અવાજ ફૂલની જેમ ફૂટ્યો.
એ કાંપ્યો, એની તંગ દાંડી પર લહેરાતો.
એના સ્પર્શમાંના લાડપંપાળે
બીડી દીધી મારી આંખો.

– ફ્લોરેન્સ રિપ્લી મેસ્ટિન
(અનુ. વિવેક મનહર ટેલર)

ટેલિફોન – અવાજના મોજાંમા રહેલો સંવેદનાનો સ્પર્શ

બાગબાન ફિલ્મમાં ત્રણ-ત્રણ દીકરા હોવા છતાં અમિતાભ અને હેમા માલિનીના નસીબે અલગ રહેવાનું આવે છે ત્યારે એક ટેલિફોન બંનેના વિરહની ખીણ વચ્ચે વહાલનો સેતુ બની રહે છે. ટેલિફોન પર ‘મૈં યહાઁ, તું વહાઁ, જિંદગી હૈ કહાઁ?’ ગાતા બચ્ચનનો અવાજ ન માત્ર હેમા માલિનીના, પણ આપણા સહુના ગાલ પણ અચૂક ભીંજવી જાય છે. ટેલિફોનની શોધ ન થઈ હોત તો આજે જે વિકાસ થઈ શક્યો છે, એ શું શક્ય બનત ખરો? ટેલિફોને જ દુનિયાના બે છેડાને એકમેક સાથે ચોંટી ગયા હો એટલા નજદીક લાવી આણ્યા છે. ટેલિફોનની શોધ ન થઈ હોત તો એક દેશમાંથી મોકલાતા સંદેશાને બીજા દેશમાં જતાં અને ત્યાંથી જવાબ લઈ આવતા દિવસોના દિવસ લાગી જાત અને વિકાસની ગાડી મંથરગતિથી વિશેષ ઝડપે ચાલી જ ન શકી હોત. ટેલિફોન જ બે અલગ-અલગ બિંદુઓ વચ્ચેના પ્રત્યાયનના સમયગાળાને શૂન્ય બનાવી શક્યો છે. ટેલિફોનની શોધ જ આગળ લંબાઈને ઇન્ટરનેટ અને સ્માર્ટ ફોનમાં પરિણમી છે. અને આપણે સહુ જાણીએ જ છીએ કે આ બે વિના આપણું જીવન શું હોત?! આપણે અહીં ટેલિફોનના લાભાલાભની કે એણે જગતમાં શી ક્રાંતિ આણી છે એ વાત નહીં, પણ અમેરિકન કવયિત્રી મેસ્ટિનની ‘ટેલિફોનમાંથી’ કવિતાના ઉપલક્ષમાં સાહિત્ય અને ટેલિફોનની થોડી વાત કરવાનો ઉપક્રમ રાખીએ.

ફ્લોરેન્સ રિપ્લી મેસ્ટિન. મૂળ નામ ફ્લોરેન્સ જોસેફાઇન મેસ્ટિન. અમેરિકામાં પેન્સિલ્વેનિયા ખાતે ૧૮-૦૩-૧૮૮૬ના રોજ જન્મ. ૧૪ વર્ષની વયે એમની પ્રથમ કવિતા ‘ધ હડસન રીવર’ ન્યાક સ્ટારમાં પ્રગટ થઈ. વીસીના દાયકામાં જોસેફાઇન નામ છોકરીયાળ લાગતાં એમણે એને મરદાના લાગતા ‘રિપ્લી’ નામથી બદલી નાંખ્યું હતું. એમને પોતાના ‘રિપ્લી’ પૂર્વજો માટે ખૂબ ગર્વ હતો. મિત્રો એમને આજીવન રિપ્લી કહીને જ બોલાવતા. ન્યૂયૉર્કમાં મોટાં થયાં. બી.એ. થયા અને હાઇસ્કૂલમાં વર્ષો સુધી અંગ્રેજી ભણાવ્યું. શિક્ષક તરીકે તેઓ ખૂબ લોકપ્રિય હતાં. એમના વિદ્યાર્થી એમના વર્ગને ‘અસામાન્ય રૂપથી રોમાંચક’ કહેતા. ૧૯૫૨માં નિવૃત્ત થયાં. સમલૈંગિકતા પસંદ કરતાં અને એમાં મરદાની અભિગમ રાખતાં. ગ્રેસ બિએટ્રિસ મેકકૉલ મૃત્યુ પામ્યાં ત્યાં સુધી, લગભગ ૫૦ વર્ષ સુધી એમના જોડીદાર રહ્યા પણ જમાનાની ચાલને અનુરૂપ તેઓ જાહેરમાં એકમેકને અંગતતમ મિત્રો અને સહયોગીઓ તરીકે જ ઓળખાવતાં. લગભગ ૮૧ વર્ષની જૈફ વયે ૧૯૬૮માં તેઓનું દેહાવસાન થયું.

મેસ્ટિનનો સમાવેશ કદી ઉત્તમ કવિઓની યાદીમાં થયો નથી પણ એમની કવિતાઓ લગભગ દરેક સામયિકો-અખબારોમાં ખૂબ છપાતી. મેસ્ટિને એમના વર્ચસ્વની ચમકને ખૂબ માણી પણ હકીકત એ હતી કે એમની રચનાઓ સામૂહિક અપીલના કારણે વધુ પસંદ કરાતી. એક કવિતામાં એ લખે છે: ‘આધુનિક કવિઓનું ઉફાન મને બિમાર કરી દે છે. હું એક સાધારણ વ્યક્તિ છું, આભાર પ્રભુ, એક સામાન્ય દિમાગ અને સામાન્ય લાગણીઓવાળી.’ મેસ્ટિન પારંપારિક ગીતકવિઓની હારમાળામાં બેસે છે. એમની ભાષા સરળ છે પણ સોંસરી ઊતરી જાય એવી વાત ઓછામાં ઓછા શબ્દોમાં કરી શકવાની કળા એમને હસ્તગત હતી.

૧૯૨૨ની સાલમાં પ્રકાશિત ‘ટેલિફોનમાંથી’ કવિતા માત્ર પાંચ જ પંક્તિની છે. અહીં કોઈ નિયત કાવ્યસ્વરૂપ નથી, છંદ નથી ને પ્રાસવ્યવસ્થા પણ નથી. આજે તો ફ્રી કૉલિંગની સુવિધાના કારણે આપણે લોકો સમય પણ થાકી જાય એવા લાંબા-લાંબા કૉલ કરવાથી પાછી પાની કરતાં નથી પણ આ રચના લખવામાં આવી હતી ત્યારે તો ટેલિફોનની શોધને હજી પચાસ વર્ષ પણ થયાં નહોતાં અને ટેલિફોન એક લક્ઝરી ગણાતો. કદાચ કવિતાની લંબાઈ પણ એટલે જ એ સમયના ટેલિફોન-કૉલની લંબાઈના પ્રમાણસર જ છે. ટેલિફોન અને એની સાથે સંકળાયેલી અનુભૂતિ પણ એ સમયમાં એકદમ ઑવન-ફ્રેશ જ હશે એ બાબત પણ સમજી શકાય છે. અને કવિતા લખાઈ એ વાતને આજે લગભગ સો વરસના વહાણાં વાઈ ચૂક્યાં હોવા છતાં અને ટેલિફોનનું સ્વરૂપ સમૂચું બદલાઈ ચૂક્યું હોવા છતાં કવિતા આજે પણ ઑવન-ફ્રેશ જ લાગે છે એ હકીકત મેસ્ટિનની કવિતા વિશેની વિભાવનાની પણ પુષ્ટિ કરે છે: ‘મને લાગે છે કે હું કદી વૃદ્ધત્વ નહીં અનુભવું- અને કદાચ તે એ કારણે કે હું આખી જિંદગી કવિતા સાથે જીવી છું-અને કવિતા સમયાતીત છે.’

જમાનો કોઈ પણ હોય, મનુષ્યોને એમની પહોંચની બહારના મનુષ્યો સાથે સંપર્ક કરવાની કે દ્વિતરફા સંદેશ-વ્યવહારની આવશ્યકતા જણાઈ જ છે. પહેલાના જમાનામાં લોકો ધુમાડા અને નગારાંઓની મદદથી બેઉતરફી સાંકેતિક સંદેશાઓની આપ-લે કરતાં. કબૂતરોનો પણ ઉપયોગ આ કામ માટે ખૂબ કરાયો છે. ઈસુના ચારસો વર્ષ પહેલાં ગ્રીક લોકો બે ટેકરીઓ વચ્ચે સંદેશાની આપલે કરવા માટે પાણી ભરેલા વાસણનો પ્રયોગ કરતાં. પૂર્વનિર્ધારિત સંકેતપ્રણાલિ મુજબ એક ટેકરી પરથી મશાલ સળગાવીને બીજી ટેકરી પરના માણસને સૂચિત કરાતું કે હવે સંદેશ મોકલાશે. બીજી ટેકરી પરથી મશાલ વડે સમર્થન અપાય એ પછી વચ્ચે ઊભી લાકડીવાળા પાણીના વાસણનો નળ ખોલી પાણી વહેવડાવાતું અને નિર્ધારિત સંકેત મુજબ નળ બંધ કરાય અને મશાલ નીચી કરાય એ સમય અને લાકડીની ઊંચાઈ મુજબ સંદેશ મોકલનાર શું કહેવા માંગે છે એ સામી ટેકરીવાળો સમજી જતો. ગ્રીક લોકોએ કોઈ મધ્યસ્થી વિના લાંબા અંતર વચ્ચે બે જણ વાત કરી શકે એની કલ્પના પણ કરી હતી. સમય જતાં ટેલિગ્રાફની શોધ થઈ અને છેવટે ટેલિફોનની.

બેલના ટેલિફોનના બસો વર્ષ પહેલાં રૉબર્ટ હૂકે ૧૬૬૭માં દોરી વડે જોડાયેલ ધ્વનિ-ફોન શોધ્યો હતો. ૧૮૭૬ની સાલમાં એલેક્ઝાન્ડર ગ્રેહામ બેલે દુનિયાના સૌપ્રથમ ટેલિફોનની શોધ કરી એ આપણે સહુ જાણીએ છીએ પણ શું આપણે એ વાતથી માહિતગાર ખરા કે ટેલિફોન શબ્દનો પ્રયોગ તો આ શોધના ચાર દાયકા પહેલાં ૧૮૩૫માં ફ્રેન્ચ કમ્પોઝર જિન-ફ્રાન્કોઇસ સુદ્રેએ કર્યો હતો? સુદ્રેએ શબ્દોને સંગીતના સૂર સ્વરૂપે લાંબા અંતર સુધી પહોંચાડવા માટેની પ્રણાલિકાની રચના કરી હતી, જેને એ ટેલિફોન કહેતા. ૧૮૪૪ની સાલમાં ધુમ્મસમાં ખોવાયેલા બે જહાજો વચ્ચે પ્રત્યાયન કરવા માટે કેપ્ટન જૉન ટેલરે ફોગહોર્નની શોધ કરી, જેને એ પણ ટેલિફોન જ કહેતા. ચાર્લ્સ બોર્સિલે ૧૮૫૪માં અવાજના વિદ્યુત સંચરણ વિશે લેખ લખ્યો, અને ૧૮૬૧માં જોહાન ફિલિપ રેઇસે રેઇસ-ટેલિફોન શોધ્યો જેમાંથી ‘ઘોડો કાકડીની કચુંબર ખાતો નથી’ (Das Pferd frisst keinen Gurkensalat) વાક્ય પણ એમણે પ્રસારિત કર્યું હતું. પણ બેલે સુધારા-વધારા સાથે રજૂ કરેલા ટેલિફોનની પેટન્ટ મેળવી અને ટેલિફોન સાથે એમનું નામ કાયમી ધોરણે જોડાઈ ગયું. ટેલિફોનના ડબ્બાથી લઈને ટેલિફોન જોડવાની પદ્ધતિમાં એ પછી તો આમૂલ પરિવર્તન આવ્યું પણ એ વાતો પ્રસ્તુત કવિતાના વ્યાસની બહારની છે.

ટેલિફોનનો શાબ્દિક અર્થ ‘દૂરનો અવાજ’ થાય છે. સાહિત્યમાં એના પ્રવેશે શક્યતાઓના અસીમ આકાશ ઊઘાડી નાંખ્યા. ટેલિફોનની શોધ થઈ એના બે જ વરસ બાદ માર્ક ટ્વેઇને કદાચ પહેલવહેલીવાર સાહિત્યમાં ટેલિફોનને બાઅદબ પ્રવેશ આપ્યો હતો. એટલું જ નહીં, એ જમાનામાં એમણે પૉર્ટેબલ ટેલિફોનની વાત કરી હતી અને આજે જેને આપણે વાઇ-ફાઇ કે ટેલિફોન સિગ્નલ કહીએ છીએ એ તરફ આડકતરો ઈશારો કરીને ગામડામાં એની ઉપલબ્ધિ-અનુપલબ્ધિનો મુદ્દો ઉઠાવ્યો હતો. આટલું અપૂરતું હોય એમ એમણે તો ત્યાં સુધી કહ્યું હતું કે ટેલિગ્રાફ અને ટેલિફોન સમય જતાં આપણી જરૂરિયાતો માટે વધુ પડતાં ધીમા અને મુખર સાબિત થશે. એમણે માનસિક ટેલિગ્રાફી માટે ‘ફ્રેનોફોન’ (માઇન્ડ-ફોન)ની શોધની હિમાકત કરી હતી. ૧૮૯૦માં લખાયેલ આર્થર કોનન ડોઇલની ‘ધ સાઇન ઑફ ફોર’માં પણ ટેલિફોન જોવા મળે છે. એ પછી ‘ટ્રેઝર આઇલેન્ડ’ના અમર સર્જક રૉબર્ટ લૂઈ સ્ટિવન્સન ૧૮૯૨માં એમની નવલકથા ‘ધ રેકર’માં ‘શું હું તમારો ટેલિફોન વાપરી શકું?’નો સવિનય પ્રશ્ન લઈ આવે છે. બાદમાં, કાફકા, એલિઝાબેથ બૉવેન, મુરિયલ સ્પાર્ક, રેમન્ડ કાર્વર, પ્રાઉસ્ટ, સેલિન્ગર જેવા અનેકાનેક સર્જકોએ પોતાના સર્જનમાં ટેલિફોનને અવિસ્મરણીય સ્થાન આપ્યું છે. વ્યક્તિવાદ (‘પર્સનિઝમ’)ની સ્થાપના કરનાર ફ્રેન્ક ઓ’હારા નામના સર્જકે દિલની વાત કહેવા માટે પોતે કવિતા લખવાના સ્થાને ટેલિફોન કરી લેવાનો હતો એમ કહીને એ વાત પર ભાર મૂક્યો છે કે વિચારની અભિવ્યક્તિનું જે ગાંભીર્ય ટેલિફોન પર રજૂ થઈ જાય છે એ કાગળ પર કલમ ચલાવવાથી ગુમાવી બેસાય છે.

પાંચ જ પંક્તિની કવિતામાં મેસ્ટિન સંબંધના ઊંડાણને અદભુત રીતે તાગે છે. કવિતાની શરૂઆતમાં નકારાત્મક શબ્દોનો પ્રયોગ ધ્યાન ખેંચે છે. પ્રથમ ત્રણ જ પંક્તિમાં ‘અંધારા’, ‘કાંપ્યો’, ‘તંગ’ જેવા શબ્દો કાળી અર્થચ્છાયા ધરાવતા પ્રયોજાયા છે. સાંકડી ગલીમાં ધાડું ઘૂસે એવો ઘાટ છે આ. પણ આ શબ્દપ્રયોજના સાવ ઝીણકી કવિતામાં ડબ્બીમાં ચોખા ખાંડી-ખાંડીને, દાબી-દાબીને ભર્યા હોય એવી અનુભૂતિની નક્કરતા જન્માવવામાં તંતોતંત સફળ થાય છે. નાની કવિતાનું એ પરમ સુખ છે કે એમાં કવિની પાસે મિથ્યા પ્રલાપ કરવાનો કે ભરતીના શબ્દો ઉમેરવાને કોઈ અવકાશ જ બચતો નથી. એટલે ભાવક માથે મરાતા લવારામાંથી ઊગરી જાય છે. તરત જ એઝરા પાઉન્ડની દોઢ પંક્તિ, ચૌદ શબ્દો અને સત્તર જ શ્રુતિની બનેલી ‘ઇન અ સ્ટેશન ઑફ ધ મેટ્રો’ કે એક જ વાક્ય, સોળ શબ્દો અને ઓગણીસ જ શ્રુતિઓ ધરાવતી વિલિયમ કાર્લોસ વિલિયમ્સની ‘રેડ વ્હીલબરો’ જેવી ઇમેજિસ્ટ કવિતાઓ યાદ આવી જાય. બિનજરૂરી એક પણ શબ્દ વાપરવાનો મોહ ત્યજીને ઓછામાં ઓછા શબ્દોમાં એક સર્વાંગસંપૂર્ણ ચિત્ર ઊભું કરી આપવાનો જુવાળ ઇમેજિઝમ તરીકે ઓળખાયો હતો. મેસ્ટિને આ કવિતા લખી એ સમયે ૧૯૧૪થી ૧૯૧૭ જેટલું ટૂંકું આયુષ્ય ભોગવીને સાહિત્યમાં ઇમેજિઝમની ચળવળ તો ખતમ થઈ ચૂકી હતી પણ પ્રસ્તુત રચના ઉપર એનો પ્રભાવ અવશ્ય રહ્યો જ હશે એમ કવિતામાંથી પસાર થતી વખતે અનુભવાયા વિના રહેતું નથી. ગુજરાતી ભાષામાં પણ સુન્દરમની ‘તને મેં ઝંખી છે, યુગોથી ધીખેલા પ્રખર સહરાની તરસથી’ કે રાજેન્દ્ર શાહની ‘ઘરને ત્યજી જનારને મળતી પૃથ્વી તણી વિશાળતા’ જેવી અદભુત અમર કવિતાઓ આવા લઘુત્તમ સ્વરૂપમાં આપણને પ્રાપ્ત થઈ છે.

બીજી તરફ, લઘુકાવ્યમાં મોટું ભયસ્થાન એ પણ ખરું કે થોડા જ શબ્દોની આ ચાટુક્તિસભર ગોઠવણી કવિતાના સ્તર સુધી પહોંચવાના બદલે અર્થહીન શબ્દોની ઢગલી બનીને જ રહી જાય. ચસોચસ સંયમ જાળવીને ઓછામાં ઓછા શબ્દો પાસે કામ લઈને ઉત્તમ કળાકૃતિ જન્માવવી એ કંઈ કાચાપોચા સર્જકોનું કામ નથી. સદભાગ્યે મેસ્ટિનની આ કવિતા અર્થહીન શબ્દોની ઢગલી બની રહેવાના બદલે પ્રથમ પંક્તિમાં બેસે છે અને એક સઘન ભાવાનુભૂતિ જન્માવવામાં સોમાંથી સો ગુણ સાથે ઉત્તીર્ણ થાય છે.

કથક અંધારા ડાબલામાંથી આવી રહેલા અવાજ વિશે વાત કરે છે. એ જમાનામાં આજના જેવા સાધન ઉપલબ્ધ નહોતા. કાળા ડાબલાં અને ચકરડું ફેરવીને કરવામાં આવતા ટેલિફોનની આ વાત છે. એટલે મેસ્ટિન કાળાં ડાબલાંની વાત કરે છે. અંગ્રેજી ભાષામાં વપરાયેલો ડાર્ક કપ શબ્દપ્રયોગ ટેલિફોનના પ્રવર્તમાન સ્વરૂપની સાથોસાથ કોઈક કારણોસર સાથે નહીં હોય એવી બે વ્યક્તિ વચ્ચેના વિરહના ગાઢા રંગને, ઉદાસીને પણ સુપેરે વ્યક્ત કરે છે. અને સામા પાત્રનો અવાજ આ કાળી ઉદાસીને વીંધીને અહીં પહોંચી રહ્યો છે એ બાબત પણ નોંધવા જેવી છે. નાની કવિતાની મજા જ એ છે કે એમાં દરેક શબ્દ પર અટકવું પડે, ધ્યાન આપવું પડે. સામે છેડેથી અવાજ ડાળ પર ફૂટતા ફૂલની મસૃણતાથી ફૂટી રહ્યો છે. આ રજૂઆત પાંચ પંક્તિની રચનાને બીજી જ પંક્તિમાં કવિતાના સ્તરે ઊંચકી આણે છે. brokeનું શબ્દશઃ ગુજરાતી કરીએ તો આ અવાજ તૂટી રહ્યો છે એમ પણ કહી શકાય. તૂટી રહ્યો છે એ બાબત એ જમાનાની ટેલિફોન લાઇનમાં અવાજ એકદમ સાફ નહીં આવતો હોય એ હકીકતને પણ કદાચ બયાન કરતી હોઈ શકે. અવાજ કદાચ ૧૯૨૨ની સાલની ટેલિફોન-લાઇનની અલ્પક્ષમતાના કારણે પણ તૂટતો હોઈ શકે પણ ફૂલ સાથેની એની સરખામણી ભાવાવેશમાં આવી જનાર લાગણીપ્રચુર માણસની વાચા જે રીતે અસ્થિર ટુકડાઓમાં પ્રગટ થાય છે એ પરિસ્થિતિમાં હોવાનો આપણને અહેસાસ કરાવે છે.

ટેલિફોન દ્વારા અવાજના તાંતણે જોડાયેલ બે સ્નેહીજનોનું ચિત્ર આપણી આંખ સામે ઊભું થાય છે. સ્ટિવન બ્લેક હોર્ટન નામના એક કવિ તાંબા અને લાકડામાં વમળાતા અને અસરકારકરીતે બે જણને જોડતા આ સગપણને ‘અવર ઇલેક્ટ્રિક બ્રધરહુડ’ કહીને ઓળખાવે છે. સાચી વાત છે. ટેલિફોન એ એકબીજાને જોઈ ન શકતી (આજના સ્માર્ટફોનના વિડિયોકૉલની આ વાત નથી!) કે એકબીજાને મળી ન શકતી બે વ્યક્તિઓને અવાજની દોરીથી બાંધી આપે છે. ટેલિફોન એ દુન્યવી કલમ અને કાગળથી પરે અવાજની નોટબુકમાં લખાતી લાગણીની કવિતા છે. ટેલિફોન દૂર રહેલી બે વ્યક્તિ વચ્ચે સંવેદનાનો સેતુ રચી આપે છે. આંખમાં આંખ મિલાવીને ભય કે શરમના કારણે જે વાત કરી શકાતી નથી, એ વાત કહી દેવા માટેની સરળતા ટેલિફોન ઊભી કરે છે. એડ્રિઅન મિચેલ નામના એક કવિ મૃત્યુના ખરાબ સમાચાર લઈને આવેલા ટેલિફોનના દોરડાને સાપ સાથે સરખાવીને ટેલિફોન ઊઠાવવાનો નન્નો પરખાવે છે. વર્જિનિયા વુલ્ફ કહે છે: ‘ટેલિફોન, જે ગંભીરતમ વાતચીતમાં ખલેલ પહોંચાડે છે અને સૌથી વજનદાર અવલોકનોને ટૂંકાવી દે છે, એનો પણ પોતાનો એક રોમાન્સ છે.’

સામા છેડેથી તૂટક-તૂટક અવાજ આવે છે. તંગ દાંડી જેમ કાંપતી હોય અને એના પર ફૂલ જે રીતે લહેરાતું હોય એ રીતે આ અવાજ કાંપી રહ્યો છે. આ કંપન ટેલિફોન લાઇનનું હોય એના કરતાં વધારે ગળામાં ભરાઈ આવેલા લાગણીના ડૂમાના કારણે છે એવી સફાઈ કવયિત્રીએ આપવી પડતી નથી કેમકે એ વાત તરત જ સમજાઈ જાય છે. તંગ દાંડીને સામે છેડેના પુરુષની ઉત્તેજનાનું, શિશ્નોત્થાનનું પ્રતીક પણ ગણી શકાય. (જો કે ફ્લૉરેન્સ દ્વિલિંગી હતાં એટલે આ અર્થચ્છાયા પકડવી-ન પકડવી એ ભાવકની અનુભૂતિ પર છોડી દેવું પડે.) કાનમાં થઈને આ અવાજ કથકને જાણે સ્પર્શી રહ્યો છે. સુરેશ દલાલનું એક મજાનું ટેલિફોન-કાવ્ય અહીં યાદ આવે છે:

તને ફોન કરું છું
ફોન મૂકવો પડે એટલે મૂકું છું.
ફરી પાછી લાગે છે ફોનની તરસ
હું વ્યાકુળ થઈને
તને ફોન કર્યા કરું એ તને ગમતું નથી.
હું સ્વસ્થ રહીને
તને ફોન ન કરું એ પણ તને ગમતું નથી.
એક વહેરાઈ ગયેલા જીવને
તું કરવત થઈને વહેર નહીં
કાનને શોષ પડે છે તારા અવાજનો
જીભ ઝંખે છે તારા નામને
એથી જ તો હું ફોન કરું છું.
ફોન મૂકું છું.
મારી તરસનો કોઈ અંત નથી.

જીભના સ્થાને કાનને અવાજનો શોષ પડવાની અને કાનના સ્થાને જીભને નામ સાંભળવાની ઝંખના થવાની વાત કેવી અદભુત છે! સાચે જ, આ ઇન્દ્રિયગમ્ય અનુભૂતિઓનું જાદુ પણ ગજબ હોય છે. આપણી નજરની સામે કોઈ લીંબું નિચોવતું હોય તો આપણા મોંમાં પાણી છૂટે છે. નિચોવાઈ રહેલા લીંબુના ટીપાં કંઈ આપણા મોઢામાં પડતાં નથી, લીંબુ તો કદાચ આપણી પહોંચથી ઘણું આઘે છે પણ એને નિચોવાતું જોઈએ એ ઘડીએ દૃષ્ટિ નામની ઇન્દ્રિય સ્વાદેન્દ્રિય સાથે કોણ જણે શી ગુસપુસ કરી બેસે છે તે આપણા મોઢામાં લીંબુ નિચોવાયું ન હોય એમ લાળ છૂટવી શરૂ થાય છે. પાંચે-પાંચ ઇન્દ્રિય આ રીતે એક-મેક સાથે અવિનાભાવી સંબંધે સંકળાયેલી છે અને આટલું ઓછું હોય તેમ એક ઇન્દ્રિયની અનુપસ્થિતિમાં બીજી ઇન્દ્રિયો વધુ સતેજ અને સતર્ક બની જતી આપણે અનુભવીએ છીએ. આંધળા માણસને કાનથી કે સ્પર્શથી વધુ સાફ ‘જોતો’ આપણે જોયો છે.

અહીં દૃશ્યેન્દ્રિય નિરર્થક છે કેમકે બે વ્યક્તિ એકમેકની મુખામુખ નથી. અને એટલે જ કર્ણેન્દ્રિય સતેજ અને સતર્ક થઈ જાય છે અને એ સ્પર્શેન્દ્રિયની ગરજ પણ સારે છે. સામેથી વહાલભર્યો અવાજ આવી રહ્યો છે અને એ અવાજ આ છેડે કાનમાં પડવાના બદલે જાણે કે હાથ બનીને પંપાળી રહ્યો છે એવું અનુભવાય છે. અવાજના આ સ્પર્શમાં રહેલા લાડપંપાળને કથક પ્રત્યક્ષ અનુભવી શકે છે, પરિણામે ભાવાવેશમાં એની આંખો બિડાઈ જાય છે. કવિતા અચાનક પૂરી થઈ જાય છે અને અચાનક શરૂ થઈ જાય છે… શરૂ થયા પહેલાં જ અચાનક ખતમ થઈ ગયેલી કવિતા એક નવું જ વિશાળ ભાવવિશ્વ આપણી સમક્ષ એ રીતે ઊભું કરી દે છે કે કવિતાના શબ્દો ખૂટી ગયા બાદ આપણને ખરી કવિતા તો હવે શરૂ થાય છે એવી અનુભૂતિ થયા વિના રહેતી નથી. નિર્જીવ ટેલિફોનના કાળા ડાબલાંમાંથી નિતરી આવતા અવાજમાંથી ઊભું થતું પરસ્પરના અભૂતપૂર્વ વહાલનું અને વિયોગની વાસ્તવિક્તાના રણની વચ્ચોવચ રચાતા અતૂટ સાયુજ્યના રણદ્વીપનું સર્વાંગ સપૂર્ણ ચિત્ર આપણી નજર સમક્ષ ઊભું થાય છે અને જાણ્યે-અજાણ્યે આપણે આપણા ગાલ પર પણ આપણા કોઈક અપ્તજન વડે કરાતા આવા સ્પર્શને અનુભવી શકીએ છી… પણ સાવધાન! તમારા ગાલ પર અનુભવાઈ રહેલો આ સ્પર્શ તમારા આપ્તજનના હાથનો નથી, એ તમારી આંખમાંથી અવશપણે ગાલ પર સરી આવેલ ભીનાશ છે..!

ગ્લૉબલ કવિતા : ૯૪ : ચિમની સ્વીપર – વિલિયમ બ્લેક

The Chimney Sweeper

When my mother died I was very young,
And my father sold me while yet my tongue
Could scarcely cry ‘weep! ‘weep! ‘weep! ‘weep!
So your chimneys I sweep, and in soot I sleep.

There’s little Tom Dacre, who cried when his head,
That curled like a lamb’s back, was shaved: so I said,
“Hush, Tom! never mind it, for when your head’s bare,
You know that the soot cannot spoil your white hair.”

And so he was quiet; and that very night,
As Tom was a-sleeping, he had such a sight—
That thousands of sweepers, Dick, Joe, Ned, and Jack,
Were all of them locked up in coffins of black.

And by came an angel who had a bright key,
And he opened the coffins and set them all free;
Then down a green plain leaping, laughing, they run,
And wash in a river, and shine in the sun.

Then naked and white, all their bags left behind,
They rise upon clouds and sport in the wind;
And the angel told Tom, if he’d be a good boy,
He’d have God for his father, and never want joy.

And so Tom awoke; and we rose in the dark,
And got with our bags and our brushes to work.
Though the morning was cold, Tom was happy and warm;
So if all do their duty they need not fear harm.

– William Blake

ચિમની સ્વીપર

જ્યારે મારી મમ્મી ગુજરી ગઈ હું તો હતો બહુ નાનો,
અને મને પપ્પાએ વેચી કાઢ્યો, જ્યારે જીભ હજુ તો
માંડ માંડ પોકારી શક્તી હતી: ’વીપ! ’વીપ! ’વીપ! ’વીપ!
સાફ કરું છું એથી ચીમની, ને લઉં છું હું મેંશમાં નીંદ.

નાનો ટોમ ડેક્રી, ખૂબ રડ્યો હતો જ્યારે એનું માથું
ઘેંટાની પીઠ જેવું વાંકડિયું, મૂંડાયું’તું: મેં કહ્યું’તું,
“ચુપ, ટોમ! દિલ પર ન લે તું, ટકોમૂંડો ભલેને થઈ ગ્યો,
મેંશ હવે નહીં બગાડી શકશે, તારા ધોળા વાળનો જથ્થો.

અને પછી એ શાંત થઈ ગ્યો; અને બરાબર એ જ રાત્રે,
ટોમ સૂઈ રહ્યો’તો જ્યારે, એણે એવું દૃશ્ય જોયું કે –
એક નહીં પણ હજારો મહેતર, ડિક, જૉ, નેડ અને જેક,
બધા જ થઈ ગયા’તા કાળી કોફિનોની અંદર કેદ.

એવામાં એક દેવદૂત આવ્યો સાથે લઈ તેજસ્વી ચાવી,
સૌ કોફિન ઊઘાડી એણે, દરેક જણને મુક્તિ આપી;
દોડ્યાં સૌએ, નીચે લીલાં મેદાનોમાં, હસતાં-કૂદતાં,
નાહ્યાં સૌ નદીમાં ભરપૂર, અને થયા તડકામાં ચમકતાં.

પછી તો નાગાંપૂગાં ધોળાં, સૌ થેલીઓ છોડી પાછળ,
પવનમાં મસ્તીએ સૌ ચડ્યાં, ચડીને ઊંચે ઊંચે વાદળ;
પછી કહ્યું દેવદૂતે ટોમને, જો એ સારો બાળક બનશે,
પામશે પિતાના સ્થાને ઈશ્વર, અને કદી આનંદ ન ખૂટશે.

અને આમ જાગી ગ્યો ટોમ ને અમેય ઊઠ્યા અંધારામાં,
અને ઊઠાવી થેલીઓ ને બ્રશ અમે સૌ કામે ઊપડ્યાં.
ટોમ હતો ખુશ ને હૂંફાળો, હતી ભલેને સવાર ઠંડી,
જો સૌ સૌની ફરજ બજાવે, હાનિનો ડર બિનજરૂરી.

– વિલિયમ બ્લેક
(અનુ.: વિવેક મનહર ટેલર)
બાળમજૂરી- શોષણ અને કરુણતાનો આર્તનાદ…

દુનિયાનું સૌથી ક્રૂર પશુ કોણ એવો પ્રશ્ન કોઈ તમને પૂછે તો તમે શો જવાબ આપો? વાઘ? સિંહ? મગરમચ્છ? કે પછી મનુષ્ય પોતે? છંછેડવામાં ન આવે કે ભૂખ્યા ન હોય તો જંગલીમાં જંગલી પશુ પણ બિનજરૂરી હુમલો કે હત્યા કરતા નથી પણ મનુષ્ય એક એવું પ્રાણી છે જે કોઈપણ જાતની છંછેડ વિના, ભૂખ્યું ન હોય તો પણ હુમલો અને હત્યા બંને કરી શકે છે, અને નિતાંત કરી શકે છે. વળી, અન્ય પ્રાણીઓથી અલગ, મનુષ્યને વાણી-વર્તનની વધારાની સુવિધા પણ છે એટલે એ શરીરિક ઉપરાંત વાણી-વર્તનથી પણ હુમલા કરવાને સશક્ત છે. વયનો ફાયદો મળે કે પદનો, જૂથનો ફાયદો મળે કે ધર્મનો, સ્થળનો ફાયદો મળે કે સમયનો; માણસ પોતાનાથી નીચેનાનું શોષણ કરવાની તક ભાગ્યે જ જતી કરી શકે છે. શોષણની પરાકાષ્ઠા એટલે ફૂલ જેવા કોમળ બાળકો પર મોટાઓ વડે કરાતો અત્યાચાર. વિલિયમ બ્લેક પ્રસ્તુત રચનામાં આંખમાં આંસુ આવી જાય અને હૈયું ધ્રુજી જાય એવી ભાષામાં બાળશોષણની વાત લઈને આવ્યા છે.

વિલિયમ બ્લેક. ૨૮-૧૧-૧૭૫૭ના રોજ બ્રૉડ સ્ટ્રીટ (હાલના બ્રૉડવીક સ્ટેશન), લંડન ખાતે જન્મ. દસ વર્ષની વયે એમણે કવિતા પર હાથ અજમાવવું પ્રારંભ્યું. વાંચવાના ભયંકર શોખીન. ૧૪ વર્ષની વયે એક નકશીગરને ત્યાં કામે લાગ્યા અને સાત વર્ષમાં તો વ્યાવસાયિક બની બહાર પડ્યા. રોયલ અકાદમીના વિદ્યાર્થી બન્યા પણ પ્રમુખ રેનોલ્ડ્સ અને એમની ચિત્રશૈલી સાથે સતત ટકરાવમાં રહ્યા. એકવાર હૃદયભંગ થયા બાદ અંગૂઠાછાપ કેથેરીન બાઉચર સાથે લગ્નગ્રંથિથી જોડાયા અને એને ન માત્ર અક્ષરજ્ઞાન આપ્યું, નક્કાશી પણ શીખવાડી, જે આજીવન બ્લેકની ચડતી-પડતીમાં સતત પ્રેરણા અને પડછાયો બનીને રહી. ઓગણીસમી સદીમાં પ્રચલિત થયેલી ‘મુક્ત પ્રેમ’ ચળવળના મુખ્ય પ્રણેતાઓમાંના એક તેઓ પણ હતા. ૧૭૮૪માં પોતાનું છાપખાનું શરૂ કર્યું. પોતાની ચિત્રશૈલીને એ ‘ફ્રેસ્કો’ તરીકે ઓળખાવતા. બ્લેકે ધાતુના પતરા પર તેજાબથી આકૃતિ કોતરવા માટે પોતાની ‘રિલીફ એચિંગ’ પદ્ધતિ વિકસાવી હતી. આ પદ્ધતિ, નકશીકામ, પોતાના સાહિત્યોપરાંત બ્લેક અન્ય કવિઓની કવિતાઓ અને પુસ્તકોને આ પદ્ધતિઓથી શણગારવાનું કામ પણ કરતા. બ્લેક નિધન પામ્યા એ દિવસે પણ તેમણે દાન્તેની ‘ઇન્ફર્નો’ પર એકધારું કામ કર્યું હતું. થાક્યા પછી પત્ની તરફ ફરીને એમણે કહ્યું, ‘થોભ કેટ! જેમ છે એમ જ રહે-હું તારું પોર્ટ્રેઇટ બનાવીશ- કેમકે તું મારા માટે હરહંમેશ દેવદૂત બની રહી છે.’ ચિત્ર બનાવ્યા પછી એમણે સ્તોત્રો અને છંદ ગાવા શરૂ કર્યા અને પત્નીને આજીવન સાથે રહેવાનું વચન આપીને ૧૨-૦૮-૧૮૨૭ના દિવસે સાંજે એમણે શ્વાસ છોડ્યો.

બ્લેકની રચનાઓ અભિવ્યક્તિ, રચનાત્મકતા, ફિલસૂફી, શુભ-અશુભની લડાઈ, અને ગૂઢ અંતઃપ્રવાહસભર છે. પારલૌકિક આભાસોની અનુભૂતિની પણ એમના સર્જન પર ગાઢ અસર જોવા મળે છે. લગભગ આખી જિંદગી લંડનમાં કાઢવા છતાં એમના સર્જનમાં જે વૈવિધ્ય અને ઊંડાણ જોવા મળે છે એ ધ્યાનાર્હ છે. સર્જનમાં એ એટલા રત રહેતા કે એમની પત્ની કહેતી કે, ‘મને મિ. બ્લેકનો સહવાસ સાવ નગણ્ય જ મળે છે; એ હંમેશા સ્વર્ગમાં જ હોય છે.’ કવિ, ચિત્રકાર અને પ્રિન્ટમેકર બ્લેક જીવનકાળ દરમિયાન બહુ ઓછા પોંખાયા હતા. લોકોએ એમને ગાંડાય ગણ્યા હતા. એમના પર રાજદ્રોહનો આરોપ પણ મૂકાયો હતો. મૃત્યુપર્યંત બ્લેક એમના અતિખ્યાત સંગ્રહો ‘સૉન્ગ્સ ઑફ ઇનોસન્સ’ અને ‘સૉન્ગ્સ ઑફ એક્સપિરિઅન્સ’ની ત્રીસ પ્રત પણ વેચી શક્યા નહોતા. પણ સમયની ચાળણીમાંથી કચરું ચળાઈ જાય છે અને સત્ત્વ બચી જ જાય છે એ વાત એમના વિષયમાં સાવ સાચી છે. આજે કવિતા અને દૃશ્યકળાના ક્ષેત્રમાં રૉમેન્ટિક યુગની એ પ્રમુખ પ્રતિભા ગણાય છે. ઘણી અમર રચનાઓ આપનાર બ્લેકની એક કૃતિની શરૂઆતમાં આવતી અમર પંક્તિઓ (To see a World in a Grain of Sand) જોવા જેવી છે:

જોવી હો જો દુનિયા એક રેતીના કણમાં
ને સ્વર્ગ જો જોવું હોય જંગલી પુષ્પ મહીં
તો શાશ્વતતાને ઝાલી લો આ એક ક્ષણમાં
અને હથેળીમાં અનંતતાને લો ગ્રહી.

‘ચિમની સ્વીપર’ શીર્ષક સ્વયંસ્પષ્ટ છે. અંગ્રેજી ટેબલ અને ફારસી ખુરશી ગુજરાતીમાં આવીને જે રીતે લગ્નગ્રંથિએ જોડાઈ ગયાં છે એ જ રીતે ઘણાબધા અંગ્રેજી શબ્દો આજની અંગ્રેજીઘેલી ગુજરાતી પેઢીના પ્રતાપે ઝડપભેર ગુજરાતી થવા માંડ્યા છે. શીર્ષકનું ભાષાંતર ‘ધુમાડિયું સાફ કરનાર’ કરીએ તો ધુમાડિયુંનો અર્થ સમજાવવો પડે એ પરિસ્થિતિ આજે થઈ છે. જેમ ‘ચિમની’ એમ ‘સ્વીપર’ શબ્દ પણ એ હદે ગુજરાતી બની ગયો છે કે ‘મહેતર’ શબ્દ વાપરીએ તો એ બીજી ભાષાનો લાગે. ભાષાના સાંપ્રત વહેણ અને ભાષાંતરની મર્યાદા ધ્યાનમાં રાખીને શીર્ષક યથાવત્ રાખવું વધુ ઉચિત લાગે છે. ચાર-ચાર પંક્તિના છ બંધ અને અ-અ, બ-બ પ્રકારની ચુસ્ત પ્રાસરચના (છેલ્લા બંધના અર્ધપ્રાસને બાદ કરતાં) બ્લેકે પ્રયોજી છે. ચૉસરે પ્રયોજેલ અને પૉપે ખેડેલ ‘હિરોઇક કપ્લેટ (યુગ્મ)’ની પ્રણાલિમાં એ બંધ બેસે છે, ફરક માત્ર એ જ કે અહીં આયમ્બિક પેન્ટામીટરના સ્થાને ટેટ્રામીટર છંદ પ્રયોજાયો છે. બીજું, સામાન્યતઃ પ્રચલિત આયમ્બ (લ-ગા પ્રકારની શબ્દાંશ વ્યવસ્થા)ના સ્થાને બહુધા એનાપેસ્ટ (લ-લ-ગા પ્રકારની શબ્દાંશ વ્યવસ્થા) પ્રયોજાવાના કારણે ગીતના લયમાં અનૂઠો જ ઉછાળ આવે છે. આ બ્લેકની ખાસિયત છે. પોતાની વાતને અંડરલાઇન કરવા માટે એ છંદમાં સફળ પ્રયોગ ખૂબ કરે છે. માત્ર છેલ્લા જ બંધમાં ચુસ્ત પ્રાસ ન વાપરીને પણ એ આખી પરિસ્થિતિની અરાજકતા તરફ ભાવકને વિચલિત કરવામાં સફળ થયા છે.

‘ચિમની સ્વીપર’ કવિતાની વાત કરતાં પહેલાં ચિમની સ્વીપરની વાત કરવી અનિવાર્ય બની રહે છે. બાળમજૂરી આજે ગુનો ગણાતો હોવા છતાં આજની તારીખે પણ બાળમજૂરી નાબૂદ કરી શકાઈ નથી. વિશ્વના પછાત દેશોમાં આજે પણ ચારમાંથી એક બાળકને બાળમજૂર બનવાની ફરજ પડે છે. કેટલાક દેશોમાં તો પચાસ ટકાથી વધુ બાળકો બાળમજૂર બને છે. ભારતમાં પણ દસ ટકા બાળકો આજે પણ બાળમજૂરીમાં જોતરાય છે. ગરીબી, અને નિરક્ષરતાને આના બે મુખ્ય કારણ ગણી શકાય. કારણ ગમે એ હોય, પણ રમવા-ભણવાની વયે બાળકોના બાળપણની ઘાતકી હત્યા કરી દેવામાં સગા મા-બાપ પણ ખચકાટ અનુભવતા નથી. બ્લેકના જમાનામાં ઇંગ્લેન્ડમાં બાળમજૂરી સર્વમાન્ય હતી. એમાંય ઘરની સાંકડી ચિમનીની સફાઈ માટે તો નાના બાળકો વરદાનરૂપ ગણાતા. માત્ર ત્રણ જ વર્ષની વયના બાળકોને પણ આ કામમાં જોતરી દેવાતા. બાળકોને અંધારી રાખ અને મેંશભરેલી ચિમનીમાં કોઈપણ સાધનની મદદ વગર ઉતારાતા ત્યારે ચિમનીમાંથી નીચે પડી જઈને હાથ-પગનું તૂટવું એકદમ સામાન્ય હતું. ચિમનીની સાંકડી દીવાલો સાથે ઘસાઈ ઘસાઈને બાળકોની કોણી અને ઘૂંટણની ચામડી ઉતરડાઈ જતી, જેને મીઠાની પાણીથી સાફ કરીને એમનો માલિક નિષ્ઠુર હૃદયે એક પછી એક ચિમનીમાં ઉતરવાની ફરજ પાડતો. રાખ અને મેંશના કારણે શ્વાસના ગંભીર રોગો તથા ચામડીનું કેન્સર થવું પણ સહજ હતું. ચિમનીમાંથી પડીને કે અંદર દાઝીને કે ફસાઈને, ગૂંગળાઈને બાળકનું મરી જવું પણ ખૂબ જ સામાન્ય અકસ્માત ગણાતો. ઘણીવાર તો બાળક અંદર ફસાઈ ગયું છે એની જાણ પણ થતી નહોતી અને રિબાઈ રિબાઈને એ મરણને શરણ થતું. માલિકો બાળકોને જાડા થઈ જવાના ડરે હંમેશા અપૂરતો ખોરાક આપતા. જે કામ બ્રશની મદદથી આસાનીથી થઈ શકે એમ હતું એ જઘન્ય કામ કઈ ગણતરીથી બાળકોના માથે લાદવામાં આવ્યું હતું એ એક કોયડો છે. આ અમાનવીય કામ માટે બાળકો પૂરા પાડવામાં ચર્ચનો બહુ મોટો ફાળો રહેતો. ૧૭૮૮માં પહેલો કાયદો ઘડાયો પણ એનો અમલ લગભગ સો વરસ પછી ૧૮૭૫માં થવો શરૂ થયો, પણ આ કાયદો પણ ચિમનીસ્વીપરોને વયમર્યાદા ઉપરાંત સગવડ અને રક્ષણ પૂરું પાડવાથી વિશેષ કંઈ કરી ન શક્યો.

કવિતાની શરૂઆત કથકની માતાના મૃત્યુ સમયે પોતે ખૂબ નાનો હતોના એકરાર સાથે થાય છે. અર્થાત્ કથક હવે મોટો થઈ ગયો છે અને પોતાની આપવીતી કહી રહ્યો છે એ સમજી શકાય છે. એ સમાજમાં મૃત્યુદર ઊંચો હતો એટલે ઘણા બાળકો નાનપણમાં જ અનાથ થઈ જતાં હતાં. કથક કહે છે કે એના સગા બાપે એને વેચી નાંખ્યો હતો. બાળકોને વેચવું અને ખરીદવું એ સમાજમાં સહજ હતું. ચાર્લ્સ ડિકન્સની મશહૂર ઓલિવર ટ્વિસ્ટમાં ઓલિવરનું વેચાણ કરવામાં આવે છે. અરેરાટી છૂટી જાય એવી વાસ્તવિક્તા સાથે કવિ આપણને મુખામુખ કરે છે. કવિતાનું કામ આમેય માત્ર પ્રેમના ટાયલા કૂટવાનું નહીં, સમાજનો અરીસો બનવાનું અને સમાજને અરીસો ધરવાનું પણ છે જ અને બ્લેક આ કામ બખૂબી નિભાવી શક્યા છે. બાળક ખૂબ નાનું હોય ત્યારે સાફ બોલી શકતું નથી. સ્વીપ! સ્વીપ! વાપરવાના બદલે બ્લેક ’વીપ! ’વીપ! પ્રયોજે છે, જેના પરથી કથક સાફ બોલી પણ ન શકે એટલું નાનું બાળક છે અને આવી કૂમળી ઉમરમાં સગા બાપના હાથે ચિમની સાફ કરવાના અમાનુષી કાર્ય માટે બલિ દેવાયું છે એ વાત સ્પષ્ટ થાય છે. પોતાની વાતને વજન આપવું હોય તો જીવનમાં કે સાહિત્યમાં એને બેવડાવવાની કે ત્રેવડાવવાની નીતિ આપણે અપનાવતાં હોઈએ છીએ પણ બ્લેક અહીં ’વીપ! ઉદગારને ચોવડાવીને સગા બાપના હાથે કૂમળી વયે વધેરાયેલા બાળક પીડા તરફની આપણી વિહ્વળતાને ઓર ગાઢી બનાવે છે.

આગળ જતાં સમજાય છે કે કથક પોતાની પીડાને પચાવી ચૂક્યો છે, પણ એના દિલમાંથી બીજાની તકલીફ વિશેની બાળસહજ કરુણા યથાવત્ છે. ટોમ ડેક્રી નામના સહયોગી બાળકની એ વાત કરે છે, જેના માથે ઘેટાંની પીઠ જેવા મજાના વાંકડિયા વાળ હતા જેને માલિકે સાફ કરાવી નાંખ્યા હશે. કથક ટોમને સાંત્વના આપે છે, કે ભલે ટકોમૂંડો થઈ ગયો પણ હવે એક વાતની તો શાંતિ ને કે ચિમનીની મેંશ કે રાખ હવે તારા ધોળા વાળને બગાડી નહીં શકે! નાના બાળકના વાળ માટે ધોળા રંગનું વિશેષણ તરત જ ધ્યાન ખેંચે છે. પાશ્ચાત્ય દેશોમાં વાળના કુદરતી રીતે જાત-જાતના રંગો જોવા મળે છે એ હકીકત વાપરીને બ્લેક કદાચ મેંશના કાળા રંગ સામેનો વિરોધાભાસ કદાચ વધુ કટ્ટર ને બળવત્તર બનાવવા માંગે છે. બીજું, વાળની સફેદી અકાળે આવી જતી વૃદ્ધાવસ્થા તરફ પણ ઈશારો કરે છે. એમ પણ વિચારી શકાય કે કંઈક કાળું, કંઈક અંધારું મેલું અને ભ્રષ્ટ કરે છે કશાક ધોળાંને-કશીક નિર્દોષતાને. રંગો વચ્ચેનો વિરોધાભાસ બ્લેકને ગમે છે. એક કવિતામાં એ લખે છે: ‘બંને રાત ને દિવસ બાઇબલ વાંચે છે/પણ તું કાળું વાંચે છે જ્યારે હું સફેદ.’

અનાથ બાળકો જ એકબીજાના બેલી થતાં હશે ને! એક બાળકની સાંત્વના બીજાના ગળે ઊતરી ગઈ. આખરે તો એ એનો હમદર્દ જ ને! ટોમ સૂઈ જાય છે અને ઊંઘમાં એને કંઈક દેખાય છે. બ્લેક સીધા શબ્દોમાં સપનું જોયું એમ નથી કહેતા. કારણ? બ્લેકને ખુદને પણ નાનપણથી અવારનવાર પારલૌકિક આભાસ થતા. ચાર જ વર્ષની ઉમરે એમણે ભગવાનને બારી પર માથું મૂકતા તો નવની વયે દેવદૂતોથી ભરેલું ઝાડ જોયાનું કહ્યું હતું. લોકોને તો ગપ્પાં જ લાગે ને! પણ બાળકને આવું “જૂઠું” બોલતું અટકાવવાના બદલે મા-બાપે એ અન્યથી અલગ છે એમ વિચાર્યું અને ભીતરના કળાકારને પારખી લઈને દસ વર્ષની વયે જ શાળા છોડાવીને મા પાસે ગૃહશિક્ષણ શરૂ કરાવ્યું અને ચિત્રકળાના વર્ગમાં મૂક્યા. બ્લેક કદાચ એટલે જ કવિતામાં ટોમે એક દૃશ્ય જોયું એમ કહે છે, કેમ કે કવિતા માત્ર સમાજનો અરીસો જ નહીં, કવિની આત્મકથા પણ છે. ટોમે જોયું જે એક નહીં પણ હજારો બાળકો કાળી કોફિનમાં કેદ સૂતાં છે. કાળી કોફિન ચિમનીની કાળી સંકડાશની સાથોસાથ કાળા મૃત્યુના ઓછાયાનો પણ સંદર્ભ સૂચવે છે. કાળી ચિમની બાળકો માટે કાળી કોફિનથી અલગ છે જ નહીં જેમાં મોતની નીંદ લેવાની હોય. હકીકત પણ એ જ હતી કે આ કામ કરનારા બાળકો ભાગ્યે જ આધેડાવસ્થા કે વૃદ્ધાવસ્થા સુધીનું આયુષ્ય ભોગવવા નસીબદાર બનતા.

બધા કાળી કોફિનમાં તાળાબંધ હતા તેવામાં ઉજળી આશાના કિરણ સમી એક તેજસ્વી ચાવી લઈને એક દેવદૂત આવ્યો, જેણે બધી કોફિન ઊઘાડીને બધાને મુક્તિ આપી. બાઇબલમાં ઈસુ પીટરને સ્વર્ગના રાજ્યની ચાવી આપે છે એ સંદર્ભ યાદ આવે. (મેથ્યુ ૧૬:૧૯) એક રચનામાં બ્લેક લખે છે: ‘ઈશ્વર પ્રકાશ છે/એ ગરીબ આત્માઓ માટે જેઓ રાતમાં સબડે છે.’ પોતાના નાના કદ અને વયના હાથે મોટેરાઓના ગુલામ બની ગયેલ બાળકો હકીકતમાં કેવી જિંદગી ઇચ્છે છે એ વાત હવે બ્લેક કરે છે. કહે છે, બાળકો તો હસતાં-કૂદતાં નીચે ખુલ્લાં લીલાં મેદાનોમાં દોડ્યાં. ‘કાળી’ ચિમનીમાં ‘ઊંચે’ જ ચડવાની વ્યથાગ્રસ્ત બાળકોની મુક્તિ સાથે બ્લેક કેવી કુશળતાથી ‘નીચે’ અને ‘લીલાં’ શબ્દ પ્રયોજે છે! અઠવાડિયાઓના અઠવાડિયાઓ સુધી જેમને નહાવાનું નસીબ થતું નથી એ હજારો બાળકો નદીમાં ન્હાઈને તડકામાં ભીના ચળકતાં શરીરે ઊભાં છે. ‘ચળકતાં” શબ્દ પણ ચિમનીના અંધારા સામે સહેતુક ગોઠવવામાં આવ્યો હોવાનું નથી અનુભવાતું? કોઈએ કપડાંની કેદ પણ સ્વીકારી નથી. ન્હાઈને ઊજળાં થઈને નાગાંપૂગાં જ પોતાની બાળમજૂરી માટેની થેલીઓ પાછળ છોડી દઈને સૌ ઊંચે વાદળ પર ચડે છે અને પવનની સાથે રમતો આદરે છે.

ભીતરમાં દફન થઈ ગયેલી બાળકોની ઇચ્છાઓ સાથે સાક્ષાત્કાર કરાવ્યા બાદ બ્લેક તરત જ કવિતાને અણધાર્યો વળાંક આપે છે. ટોમ એ આ હજારો બાળકોનો પસંદીદા પ્રતિનિધિ છે. દેવદૂત એને કહે છે કે જો એ સારો બાળક બનીને રહેશેતો ઈશ્વર ખુદ એના પિતાનું સ્થાન લેશે અને એને જિંદગીમાં કદી પણ ખુશીની કામના નહીં કરવી પડે કેમકે ખુશી હરહમેશ એને હાથવગી જ રહેશે. બાળપણથી જ બ્લેકના જીવન-કવન પર બાઇબલનો બૃહદ પ્રભાવ રહ્યો. એમના બહુધા સર્જનમાં બાઇબલ માટેનો સાચો આદર અને સ્થાપિત ધર્મના ધામા સમા ચર્ચ સામેનો ઉગ્ર વિરોધ સાફ નજરે ચડે છે. એ પહેલો સવાલ ઊઠાવે છે છે, ઈશ્વર શું સૌનો પિતા નથી? બીજો સવાલ, શું ખુશી સૌના નસીબમાં ન હોવી જોઈએ? ત્રીજો સવાલ, શું ઈશ્વર શરતી પ્રેમ કરે કે બિનશરતી? અને ચોથો સવાલ, સારો બાળક કોણ? એ કોણ નક્કી કરે?

કવિ કહે છે કે, ‘આમ’ ટોમ ‘જાગી’ ગયો. પણ હકીકતમાં બધા બાળકો ‘ઊઠે’ છે તો ‘અંધારામાં’ જ. આ બાળકો માટે ક્યાંય કોઈ પ્રકાશ કે કોઈ દેવદૂત કે પરમપિતા છે જ નહીં. સવાર પડી છે પણ હજી અંધારું ગયું નથી કેમકે આ શિયાળાની સવાર છે અને ઇંગ્લેન્ડની હાડ ગાળી નાંખે એવી ઠંડી સવાર છે. બાકીના બાળકો ટોમના આ સપનાંથી અવગત નથી એટલે એ સૌ તો અંધારામાં ઊઠીને પોતપોતાની થેલીઓ અને બ્રશ ઊઠાવીને રોજની જેમ ચિમની સાફ કરવા ઊપડે છે પણ સપનામાં સુખ અને ખુશીની આશાનો સ્વાદ ચાખનાર ટોમ આટલી કડકડતી ઠંડીમાં પણ ગરમાટો અનુભવે છે. એ જાણી ગયો છે કે જો દરેક જણ પોતપોતાની ફરજ બજાવશે તો કોઈપણ પ્રકારની હાનિનો કોઈ ડર રાખવાનો જ નથી. ચિમનીસ્વીપર જો ચિમનીની સફાઈ કરવાની ‘ફરજ’ પૂરેપૂરી બજાવશે તો જ ઈશ્વર એને કાયમની ખુશી આપનાર છે…

આ કોઈ દેવદૂતે સપનાંમાં આવીને કરેલી વાત નથી. આ તો મજૂરી કોઠે પાડી દેવામાં આવી છે એ બાળકોના મનાનુકૂલનની વાત છે. કૂમળાં બાળકોના મગજમાં ક્રૂર સમાજે ઠસાવી દીધું છે કે આ મજૂરી એ જ એમની એકમાત્ર ફરજ છે. માળીએ ફૂલને રહેંસી તો નાંખ્યું છે પણ સાથોસાથ એવું પણ સમજાવી દીધું છે કે આ રહેંસાવું એ જ એમનું એકમાત્ર ગંતવ્ય પણ છે ને કર્તવ્ય પણ છે. આમ, આ બાળકોનું માત્ર શારીરિક જ નહીં, માનસિક અને ભાવનાત્મક શોષણ પણ થઈ રહ્યું છે. અહીં બાળકો વડે મોટાઓ દ્વારા થતા અન્યાય સામે લડવાની નહીં, પણ આ જીવંત નર્કને જ પોતાનું સ્વર્ગ સ્વીકારી લેવાની મોટાઈ પ્રદર્શિત થાય છે. મોટા જ્યાં સુધી ન સમજે કે પોતે ખોટા છે, ત્યાં સુધી આ શોષણનો કોઈ અંત નથી. કવિએ સમાજની બદી પર પ્રકાશ ફેંક્યો છે, આંખ ઊઘાડીને જોવાનું કામ સમાજનું છે.

પ્રસ્તુત રચના બ્લેકના ‘સૉંગ્સ ઑફ ઇનોસન્સ’ સંગ્રહમાં છે. એમના તમામ સર્જનમાં ‘સૉંગ્સ ઑફ ઇનોસન્સ(૧૭૮૯)’ અને ‘સૉંગ્સ ઑફ એક્સપિરિઅન્સ(૧૭૯૪)’ નોખા તરી આવે છે. પહેલામાં બાળસહજ નિષ્કપટ અભિગમ રજૂ થયો છે તો બીજામાં સમયની થપાટે બદલાયેલું જીવન રજૂ થાય છે. મિલ્ટનના પેરેડાઇઝ લોસ્ટ અને રિગેઇન્ડની જેમ બ્લેક એક જ વસ્તુની બે બાજુઓ અને ખાસ તો બે અવસ્થાઓ, બે વિરોધાભાસો પ્રસ્તુત કરે છે. ઇનોસન્સમાં નિર્દોષતા છે પણ દુનિયાના ભયસ્થાનોથી એ મુક્ત નથી, જ્યારે એક્સપિરિઅન્સમાં નિર્દોષતાની નિર્મમ હત્યા કરતી દુનિયાની કાળી બાજુ આલેખાઈ છે. બંને સંગ્રહોને બ્લેકે જાતે જ ચિત્રાંકિત કર્યાં હતાં. આ જ શીર્ષકથી ‘સૉંગ્સ ઑફ એક્સપિરિઅન્સ’માંનું ગીત પણ સાથોસાથ જોઈએ:

નાની અમથી કાળી એક ચીજ, બરફની વચ્ચે,
ચિલ્લાતી’તી “’વીપ! ’વીપ!” દુઃખભીના અવાજે!
“ક્યાં છે તારા પપ્પા ને ક્યાં છે મમ્મી? બોલ!”-
“તે બંને તો ગયા છે સાથે પ્રાર્થવા માટે ચર્ચ.

“કારણ બંજરપાટ ઉપર હું રહેતો’તો હર્ષમાં,
અને વેરતો હતો હું સ્મિત શિયાળાના બર્ફમાં,
એ લોકોએ પહેરાવ્યા મને મૃત્યુના વસ્ત્રો,
અને મને કરતા-ગાતા શીખવ્યા આર્તનાદો.

અને કારણ કે હું ખુશ છું, નાચું-ગાવું છું,
તેઓ વિચારે છે તેમણે મને દર્દ નથી પહોંચાડ્યું,
ને ગ્યા છે પૂજવા દેવ ને એના પાદરી ને રાજાને
જેઓ અમારા દુઃખમાંથી સ્વર્ગ ખડું કરે છે.

ગ્લૉબલ કવિતા : ૯૩ : अपराजेय – વિલિયમ અર્નેસ્ટ હેન્લી

Invictus

Out of the night that covers me,
Black as the Pit from pole to pole,
I thank whatever gods may be
For my unconquerable soul.

In the fell clutch of circumstance
I have not winced nor cried aloud.
Under the bludgeonings of chance
My head is bloody, but unbowed.

Beyond this place of wrath and tears
Looms but the Horror of the shade,
And yet the menace of the years
Finds and shall find me unafraid.

It matters not how strait the gate,
How charged with punishments the scroll,
I am the master of my fate,
I am the captain of my soul.

– William Ernest Henley

अपराजेय

મને આવરે છે જે આ છેડાથી લઈ પેલા છેડા લગ
ફેલાયેલા ખાડા જેવા અંધારેથી કાળી રાતના,
આભારી છું હું તેઓનો જે કોઈ પણ હશે દેવગણ,
બહાર આણવા મને ને દેવા માટે આવો અજેય આત્મા.

ભલે ફસાયો હોઉં સંજોગોની કાતિલ નાગચૂડમાં
નથી કરી મેં પીછેહઠ કે નથી કર્યું મેં જરા આક્રંદ.
દૈવયોગનો ગદામાર વેઠી વેઠી મારું માથું આ
રક્તરંજિત ભલે થયું હો, ઉન્નત એ રહ્યું છે કાયમ.

ક્રોધ અને આંસુઓથી ભર્યા-ભર્યા આ સ્થળથી દૂર
કાંઈ નહીં, લળુંબે છે બસ, કેવળ ઓછાયાનો ભય,
અને છતાંયે આવનારા એ વર્ષોનો કેર તુમુલ,
મને શોધશે અને પામશે હરહંમેશ મને નિર્ભય.

નથી અર્થ કો એનો કે છે સાંકડો કેટલો દરવાજો,
કે છે ખાતાવહીયે ત્યાંની કેવી સજાઓથી ભરેલ,
હા હા, હું છું એકમાત્ર જ સ્વામી મારા ભાગ્ય તણો,
હા હા, આ મારા આત્માનો હું જ સુકાની, હું ટંડેલ.

– વિલિયમ અર્નેસ્ટ હેન્લી
(અનુ. વિવેક મનહર ટેલર)

નાયકને મહાનાયક, માનવને મહામાનવ બનાવનારી અમર કવિતા

ફર્સ્ટ ક્લાસની ટિકીટ હોવા છતાં હિંદુસ્તાનના એક વકીલને દક્ષિણ આફ્રિકામાં સામાન સાથે ટ્રેનમાંથી બહાર ફેંકી દેવામાં આવ્યો. ૭ જુન, ૧૮૯૩ના એ દિવસે પેટ અને પૈસા માટે વિદેશ ગયેલા મોહનદાસ કરમચંદ ગાંધીની અંદર એક નેતાનો ઉદય થયો હતો એ વાત આપણે સહુ જાણીએ છીએ. પણ મહાત્મા ગાંધીનો જન્મ એક પુસ્તકના ઉદરમાંથી થયો હતો એ વાત કેટલાને યાદ હશે? ૧૯૦૪માં હેન્રી પૉલાક મરફત ગાંધીજી જૉન રસ્કિનના ‘અન ટુ ધીસ લાસ્ટ’ પુસ્તકના પરિચયમાં આવ્યા, જે એમના જીવનનો સૌથી મોટો ટર્નિંગ પૉઇન્ટ પુરવાર થયો. આ પુસ્તક ગાંધીજીનો પડછાયો બનીને રહ્યું. આ પુસ્તકથી પ્રેરિત થઈને જ ગાંધીજીએ દક્ષિણ આફ્રિકામાં પહેલાં ફિનિક્સ ફાર્મ અને પછી ટૉલ્સ્ટોય ફાર્મની સ્થાપના કરી. આ પુસ્તકની પ્રેરણામાંથી જ દક્ષિણ આફ્રિકાનો સત્યાગ્રહ ઉદભવ્યો. આઝાદી માટેનો ભારતનો અહિંસક સત્યાગ્રહ અને સમાજના છેવાડાના છેલ્લામાં છેલ્લા માણસ માટેની સામાજીક જાગૃતિના પગરણ પણ આ પુસ્તકમાંથી જ મંડાયા. કોઈ પુસ્તકે કે કોઈ પ્રવચને કે કોઈ ફિલ્મે કોઈની આખેઆખી જિંદગી જ બદલી નાંખી હોય એવા અસંખ્ય દાખલાઓ ઇતિહાસમાંથી જડી આવશે. હેન્લીની પ્રસ્તુત રચના પણ આ જ રીતે એક માનવને મહામાનવ અને નાયકને મહાનાયક બનાવવામાં ચાવીરૂપ બની હતી…

વિલિયમ એર્નેસ્ટ હેન્લી. કવિ. વિવેચક. સંપાદક. ૨૩-૦૮-૧૮૪૯ના રોજ ઇંગ્લેન્ડમાં ગ્લૉસ્ટર ખાતે પુસ્તકવિક્રેતાને ત્યાં જન્મ. છ ભાઈ-બહેનોમાં સૌથી મોટા. શાળામાં ટી.ઈ.બ્રાઉન નામના કવિ આચાર્ય તરીકે આવ્યા એ એમના માટે વરદાન સાબિત થયું. બંને વચ્ચે આજીવન મૈત્રી પણ રહી. ૧૨ વર્ષની નાની વયે હેન્લીને હાડકાંનો ટી.બી. થયો. ઓગણીસમી સદીના અંતભાગમાં ક્ષયરોગની આજે છે, એવી સારવાર ઉપલબ્ધ ન હોવાથી હેન્લીના નસીબે ખૂબ રિબાવાનું આવ્યું હતું. ૧૯ વર્ષની વયે માથે દેવાદારો મૂકી ગયેલા પિતાને ગુમાવ્યા એ જ અરસામાં ક્ષયરોગના કારણે ઘૂંટણ પાસેથી ડાબો પગ પણ કપાવવો પડ્યો. વિક્ટોરિયન યુગના પ્રમુખ અવાજોમાંનો એક એમનો હતો. અવારનવારની હૉસ્પિટલયાત્રાની વચ્ચે-વચ્ચે એમણે પત્રકાર અને સંપાદક તરીકે શાખ જમાવી. જે હૉસ્પિટલમાં હેન્લી હતા ત્યાં જ દાખલ પોતાની બહેનની ખબર કાઢવા આવતી અન્ના બોયલે સાથે ૧૮૭૮માં એમણે પ્રેમલગ્ન કર્યા. માર્ગારેટ નામની દીકરી જન્મી જે કાયમ બિમાર રહેતી હતી. આમ તો એ પાંચ-છ વર્ષનું આયુષ્ય ભોગવીને જ મૃત્યુ પામી પણ જે.એમ. બેરીની સુપ્રસિદ્ધ ‘પિટર પૅન’માં ‘વૅંન્ડી’ના પાત્રરૂપે એ અમર થઈ ગઈ. હૉસ્પિટલમાં જ જેમની સાથે અનન્ય મૈત્રી થઈ એ રૉબર્ટ લૂઈ સ્ટિવન્સનની જગવિખ્યાત ‘ટ્રેઝર આઇલેન્ડ’માં આવતું લોંગ જોન સિલ્વરનું પાત્ર એક પગવાળા હેન્લીના જીવનથી પ્રેરિત હતું. સ્ટિવન્સનના સાવકો પુત્રે હેન્લી માટે કહ્યું હતું: ‘લાલ દાઢી અને એક કાંખઘોડીવાળો મહાન, દેદીપ્યમાન, પહોળા ખભાવાળો માણસ; હસમુખો, હેરત પમાડે એટલો ચાલાક, અને હાસ્ય જાણે કે સંગીત; અકલ્પનીય આગ અને પ્રાણશક્તિથી ભરપૂર; સામાના પગ તળેથી જમીન ખેસવી લે એવો.’ ૧૧-૦૭-૧૯૦૩ના રોજ માત્ર ૫૩ વર્ષની નાની વયે લંડન નજીક વૉકિંગ ખાતે ઘરમાં જ નિધન.

વિક્ટોરિયન અને પરંપરાગત કાવ્યશૈલી એમની રચનાઓ અલગ તરી આવે છે. એ સમયના લાંબાલચક વિવરણોથી ઊલટું એમની કવિતાઓ પ્રમાણમાં ટુ-ધ-પૉઇન્ટ કહી શકાય એવી ટૂંકી અને આડંબરરહીત હતી. કાવ્યસ્વરૂપ અને તકનીકની બાબતમાં એ ખાસ્સા વૈવિધ્યસભર રહ્યા. એમના હૉસ્પિટલ કાવ્યો એમની યશકલગીમાંનાં છોગાં બની રહ્યાં છે. આંતરિક આત્મસંભાષણ, મુક્તકાવ્ય, ટૂંકાણ તથા પ્રયોગપ્રચુર એમની કવિતાઓ વીસમી સદીમાં પ્રાંરંભાયેલી આધુનિક કવિતા તરફનો પહેલો ઈશારો ગણી શકાય.

પ્રસ્તુત રચના અંગ્રેજીમાં લિરિક અને આપણી ભાષામાં ગીત તરીકે ઓળખાય છે. સોળ જ પંક્તિની ટૂંકીટચ રચનાને કવિએ ચાર-ચાર પંક્તિના ચાર બંધમાં વહેંચી દીધી છે. ચૌદમી અને સોળમી પંક્તિના અર્ધાનુપ્રાસને બાદ કરતાં બધા જ બંધમાં કવિએ અ-બ-અ-બ ક-ડ-ક-ડ પ્રકારે ચુસ્ત પ્રાસ જાળવ્યા છે. અંગ્રેજીમાં આ પ્રકારની કાવ્યવ્યવસ્થાને ‘હીરોઇક ક્વૉટ્રેઇન’ કહે છે. અંગ્રેજીમાં આયમ્બિક ટેટ્રામીટરની નજીક નજીક જતી આ રચનામાં કવિએ છંદવૈવિધ્ય ઉમેરીને એને વધુ રવાની બક્ષી છે. ચુસ્ત પ્રાસરચના તથા અપૂર્ણાન્વય (enjambment)ની જાણીતી કાવ્યપ્રયુક્તિના સ્થાને પૂર્ણાન્વય ચરણ (end-stopped lines)ની રીતિ પસંદ કરી છે. આ કારણોસર દરેક પંક્તિ એક સ્વતંત્ર વાક્યનો ભાસ ઊભો કરે છે અને આ કવિતા માટે આવશ્યક અધિકૃતતતા અને અંતિમતાનો ભાવ ઉજાગર થાય છે. હેન્લીએ ૧૮૭૫માં ‘ઇન્વિક્ટસ’ લખી એ વખતે કોઈ શીર્ષક આપ્યું નહોતું. કાવ્યસંગ્રહની બીજી-ત્રીજી આવૃત્તિમાં પણ કોઈ શીર્ષક નહોતું પણ અખબારોમાં આ કવિતા તંત્રીઓએ મનફાવે એ શીર્ષક આપીને છાપ્યે રાખી હતી, જેમ કે, ‘માયસેલ્ફ’, ‘સોન્ગ ઑફ અ સ્ટ્રોંગ સૉલ’, ‘માય સૉલ’, ‘ક્લિઅર ગ્રિટ’, ‘માસ્ટર ઑફ ફેઇટ’, ‘કેપ્ટન ઑફ માય સૉલ’, ‘ડિ પ્રોફન્ડિસ’ વિ. કવિતા લખાયાના ૨૫ વર્ષ બાદ ઈ.સ. ૧૯૦૦માં આર્થર ક્વિલર-કાઉચે ‘ઓક્સફર્ડ બુક ઑફ ઇંગ્લીશ વર્સ’માં આ કવિતા સમાવી ત્યારે ‘ઇન્વિક્ટસ’ શીર્ષક આપ્યું જે આજદિનપર્યંત કવિતાની ઓળખ બની રહ્યું છે. ‘ઇન્વિક્ટસ’ લેટિન શબ્દ છે, જેનો અર્થ અપરાજેય થાય છે. અંગ્રેજી કાવ્યનું શીર્ષક પાશ્ચાત્ય ઉપખંડની આદિમ ભાષામાંથી લેવામાં આવ્યું છે એ ન્યાયે ગુજરાતી અનુવાદનું શીર્ષક ભારતીય ઉપખંડની આદિમ ભાષા સંસ્કૃતમાંથી લેવામાં આવે એ જ ઉચિત ગણાય ને?

જે કામ ગાંધીજી માટે અન ટુ ધ લાસ્ટ પુસ્તકે કર્યું હતું એ કામ મહાનાયક મન્ડેલા માટે આ કવિતાએ કર્યું હતું. રંગભેદની નીતિના પ્રખર વિરોધી વિશ્વનેતા નેલ્સન મન્ડેલાને દક્ષિણ આફ્રિકાની સરકારે ૨૭-૨૭ વર્ષ સુધી કેદ રાખ્યા. આમાં રોબન ટાપુ પરની જેલમાં એમણે ૮ ફૂટ બાય ૭ ફૂટની કોટડીમાં ૧૮ વર્ષ ગાળ્યાં. રોબન ટાપુની જેલમાં ગયા ત્યારે એક રદ્દી કાગળના ટુકડા પર લખેલી હેન્લીની આ કવિતા એમની પાસે હતી. આ કવિતાએ એમને સંજીવની પૂરી પાડી, જીવનબળ આપ્યું અને આ કવિતાના અવારનવારના વાચન વડે એમણે સાથી કેદીઓમાં પણ હિંમત અને આશા જીવંત રાખ્યાં. આ કવિતાએ એમને શીખવ્યું કે છાતી પર ધસી આવતી દીવાલોવાળી સાંકડી કાળકોટડી એમને તોડી શકવા માટે અપૂરતી છે. ગોરા વૉર્ડનના જુલમ કે કપરો કાળ ગમે એ કસોટી કેમ ન કરે, એ જાણતા હતા, કે તેઓ પોતાના આત્માના સુકાની હતા, અપરાજેય હતા. મન્ડેલાએ કહ્યું હતું કે આ કવિતાનો સધિયારો ન હોત તો તેઓ આ જેલમાંથી કદાચ જ જીવતા બહાર આવી શક્યા હોત. સરકારને મન્ડેલાને કારાવાસમાંથી મુક્ત કરવાની ફરજ પડી એ બાદ તેઓ દક્ષિણ આફ્રિકાના પ્રથમ અશ્વેત પ્રમુખ પણ બન્યા. ૨૦૦૯ની સાલમાં એમના જીવન પર ફિલ્મ બની જેનું નામ પણ ‘ઇન્વિક્ટસ’ જ હતું અને મન્ડેલાની ભૂમિકા ભજવનાર મૉર્ગન ફ્રીમેન ફિલ્મમાં આ કવિતાનું પઠન કરે છે એ દૃશ્ય અમર બની ગયું છે. બર્માની ક્રાંતિકારી અને શાંતિ માટેની નોબલ પુરસ્કાર વિજેતા ઑન્ગ સેન સુ કિના કહેવા મુજબ આ કવિતા આઝાદીની લડતમાં ન માત્ર એમના પિતાનો મુખ્ય પ્રેરણાસ્ત્રોત બની હતી પણ વિશ્વભરમાં અનેક લડાઈઓમાં અનેકાનેક લડવૈયાઓ માટે પ્રેરણાનું ભાથું બની ચૂકી છે. વિન્સ્ટન ચર્ચિલથી લઈને બરાક ઓબામા સુધીના વિશ્વનેતાઓ એમના ભાષણમાં ક્યારેક ને ક્યારેક આ કવિતા કે એની કાવ્યપંક્તિઓ ટાંકવી ચૂક્યા નથી. એ જ રીતે વિશ્વભરમાં અનેક નાટકો, પુસ્તકો અને ફિલ્મોમાં પણ આ કાવ્ય અથવા કાવ્યાંશ વપરાયા છે, વપરાતા રહેનાર છે.

આ છેડેથી પેલા છેડા સુધી વિસ્તરેલા ખાડા જેવી કાળી રાતના અંધારામાંથી બહાર આવવા બદલ નાયક દુનિયામાં જો કોઈ પણ ઈશ્વર કે દેવતાઓ હશે એમનો આભાર માને છે કે એ આવા અજેય આત્માનો માલિક છે. હેન્લીએ Pit શબ્દમાં ‘પી’ને કેપિટલ રાખ્યો છે, જે પોતે જ ખાડાની વિશાળતા શું હોઈ શકે એ સૂચવે છે. કવિને આટલું સૂચન અપૂરતું લાગે છે એટલે એ આ ખાડો એક Pole થી બીજા pole સુધી વિસ્તરેલો છે એમ કહે છે. કાવ્યાંતે પોતે પોતાના આત્માનો સુકાની છે એવી વાત આવે છે એટલે આ થાંભલો જહાજનો હોઈ શકે એમ પણ આપણે વિચારી શકીએ પણ પોલનો બીજો અર્થ ધ્રુવ પણ થાય છે. એટલે સહેજે સમજી શકાય કે આ અંધારો ખાડો ઉત્તર ધ્રુવથી દક્ષિણ ધ્રુવ સુધી વિસ્તરેલો છે એમ કવિ કહેવા માંગે છે. આ સંદર્ભમાં ‘પી’માટે કેપિટલ લેટર પ્રયોજવાનું અને અંધારા ખાડાની પૃથ્વી સમી વિશાળતા ચાક્ષુષ કરવાની કવિની કાર્યકુશળતા તરત ધ્યાનમાં આવે છે. ‘પોલ’ના બંને અર્થ જન્માવી શકે એવો શબ્દ આપણી ભાષામાં ન હોવાથી ‘છેડા’થી ચલાવી લેવાની ફરજ પડે છે. ‘અંધારું’ શબ્દમાં માનવને પડતી તકલીફો, દુઃખો અને નિરાશાઓ તરફ પણ ઈશારો છે. અને આ અંધારો અનંત ખાડો ‘નરક’ની અર્થચ્છાયા પણ ઉપસાવે છે. આ અંધારા ખાડામાંથી બહાર આવી શકવાની ક્ષમતા નાયકના અપરાજેય આત્મા સાથે સીધો પરિચય કરાવે છે. નાયક દેખીતી રીતે તો આ માટે કહેવાતા ઈશ્વરોનો આભાર માને છે પણ એની કહેતીમાંથી કટાક્ષ અછતો નથી રહી શકતો. દેવગણ માટે ‘જે કોઈ પણ’ અને ‘હશે’ પ્રયોજીને નાયક સાફ કરે છે કે જીવનની અસીમ અંધારી સમસ્યાઓમાંથી એ આત્મબળે જ બહાર આવવામાં સફળ થયો છે. ઈશ્વરનો ઉલ્લેખ એના સ્વીકાર કરતાં અસ્વીકાર તરફ વધુ નિર્દેશે છે. ઈશ્વરના હોવા-ન હોવાથી નાયકને કોઈ ફરક પડતો ન હોવાનો ભાવ બળવત્તર થતો અનુભવાય છે.

કવિતાના દરેક બંધ આ જ રીતે આલેખાયા છે. નકારાત્મક ભાવમાંથી સકાર ઊઠતો સંભળાય છે. આખી કવિતાનો મૂડ ઉદ્વિગ્નતાસભર છે પણ નાયકનો આશાવાદી અભિગમ બરાબર એની સમાંતરે જ જાય છે. પહેલા ચતુષ્કમાં જ ચિત્તતંત્રને ખિન્ન કરે એવા શબ્દો -રાત, ખાડો, કાળી- ઉદાસીનતાનું વાતાવરણ રચે છે અને આગળ જતાં કાતિલ, નાગચૂડ, દૈવયોગ, ગદામાર, રક્તરંજિત, ક્રોધ, આંસુ, ઓછાયો, ભય, લળુંબવું, કેર, સાંકડો, સજાઓ જેવા શબ્દો સતત વાતાવરણને ભારઝલ્લુ જ રાખે છે. તો એની હારોહાર જ અમર આશા અને અપરાજિતતાની ભાવના મૂકતા રહીને કવિ પોતાને જે કહેવું છે એ યથાર્થ ઉપસાવવામાં સફળ રહ્યા છે. બે લાગણીઓ વચ્ચેનો વિરોધાભાસ તીવ્રતમ બનાવીને કવિએ ધાર્યું નિશાન સાધ્યું છે અને એટલે જ આ કવિતા વિશ્વભરમાં અંધારામાં ગરકાવ હજારો લોકો માટે આશાનું કિરણ બનતી આવી છે.

બીજા ચતુષ્કમાં નાયક સ્વીકારે છે કે એ સંજોગોની કાતિલ નાગચૂડમાં જકડાયેલો છે અને નસીબનો ગદામાર વેઠી-વેઠીને એનું માથું લોહીલુહાણ થઈ ગયું છે, પણ જીવનમાં ગમે એવા કપરા સંજોગો કેમ ન આવ્યા હોય, એણે કદી પીછેહઠ નથી કરી, આક્રંદ નથી કર્યું કે નથી કોઈની આગળ આ મસ્તક નમાવ્યું. એનું મસ્તક ઉન્નત જ હતું અને રહ્યું છે. નેલ્સન મન્ડેલાએ કહ્યું હતું: ‘હું શીખ્યો છું કે હિંમત એ ભયની ગેરહાજરી નહીં, પણ એની ઉપર વિજય મેળવવામાં છે. બહાદુર માણસ એ નથી જેને ડર જ લાગતો નથી, પણ એ છે જે ડર ઉપર જીત મેળવે છે.’ નાયક કહે છે કે આ સ્થળ માત્ર ક્રોધ અને આંસુઓથી ભરેલું છે. આ સ્થળ એટલે આ દુનિયા. માત્ર ક્રોધ અને દુઃખદર્દોથી ભરેલી આ દુનિયાથી દૂર બીજું કંઈ છે જ નહીં, સિવાય કે ઓછાયાનો ભય. ભય માટેના અંગ્રેજી શબ્દ ‘હૉરર’ના ‘એચ’ ને કવિ પુનઃ કેપિટલ અક્ષરે લખે છે. અને આ ભયને સાર્વત્રિક સ્વરૂપ આપે છે. માત્ર એક અક્ષરના આલેખનમાં ફેરફાર કરીને કવિ કેવી ખૂબીથી નાયકના આ ભયને વયષ્ટિનો મિટાવીને સમષ્ટિનો બનાવે છે, એ નોંધવા જેવું છે! કવિકર્મ પરત્વેની અપાર નિષ્ઠા વિના આવું કવિકર્મ સંભવ જ નથી. કવિતા અને ઉત્તમ કવિતા વચ્ચેનો તફાવત શું હોઈ શકે એ બે જગ્યાએ કરાયેલા કેપિટલ લેટર્સના પ્રયોજનમાત્રથી સમજી શકાય છે. ભય જ્યારે સાર્વત્રિક બને છે ત્યારે ઓછાયો મૃત્યુનો જ હોઈ શકે એ વાત પણ સાફ થાય છે. મૃત્યુનો ભય સતત માથે લળુંબતો જ રહેવાનો. જીવનના વર્ષો હંમેશા સંઘર્ષના વર્ષો જ હોવાના. હેન્લીની બાબતમાં તો આ વાત સોળ આની સાચી હતી.

ક્ષયરોગના કારણે સડવા માંડેલો બીજો પગ પણ તાત્કાલિક કાપી નાંખવામાં નહીં આવે તો બચી શકવાની કોઈ આશા જ નથી એવી પ્રવર્તમાન તબીબોની ગંભીરતમ ચેતવણી વિરુદ્ધ હેન્લી પડ્યા અને અડીખમ ઊભા રહ્યા. બીજો પગ બચાવવા માટે ૧૮૭૩માં એમણે જાણીતા સર્જન જોસેફ લિસ્ટરનું શરણું લીધું. નાની-મોટી શસ્ત્રક્રિયાઓમાંથી પસાર થયા પણ અંતે જમણો પગ બચી ગયો. ચાર-ચાર દાયકા જેટલી લાં…બી બિમારી અને હૉસ્પિટલમાં દિવસો-મહિનાઓ-વરસો કાઢવા પડવા છતાંય હેન્લીના ઊર્જા-ઉત્સાહ, યાદદાસ્તમાં ઓટ આવી નહોતી. હૉસ્પિટલનિવાસ દરમિયાન જ એમણે કવિતા કરવી શરૂ કરી અને ફ્રેન્ચ, જર્મન અને સ્પેનિશ ભાષાઓ પણ શીખ્યા. હૉસ્પિટલમાં સાજા થઈ રહ્યા હતા એ દિવસોમાં આ બિમારી અને બાળપણની ગરીબી એમના માટે પ્રેરણા બની. એમણે ‘ઇન હૉસ્પિટલ’ નામે ૨૮ કવિતાઓનો કાવ્યગુચ્છ રચ્યો, જેમાં ૧૮૭૫ની સાલમાં આ રચના થઈ. ઘણીવાર કૃતિ કર્તા કરતાં મહાન સાબિત થતી હોય છે. મેરી એલિઝાબેથ ફ્રેને લોકો ‘ડુ નોટ સ્ટેન્ડ એટ માય ગ્રેવ એન્ડ વીપ’ના કવયિત્રી તરીકે જ યાદ રાખે છે. હેન્લી પણ ખૂબ પ્રતિભાશાળી કવિ હોવા છતાં એમના નામ સાથે ‘ઇન્વિક્ટસ’ કવિતા એ રીતે જોડાઈ ગઈ છે કે એમના બાકીના તમામ સર્જન ઝાંખા પડી ગયા. સાહિત્યનું આ દુર્ભાગ્ય ગણી શકાય પણ જનમાનસને રદીયો પણ કેમ આપી શકાય? આ રચના ભલે એકતરફ એમના નામનો પર્યાય કેમ બની ન ગઈ હોય, એ સાચા અર્થમાં હેન્લીની જાનલેવા બિમારી સામેની જિંદાદિલ લડતની આત્મકથા પણ બની ગઈ છે. હેન્લીનો સાચો મિજાજ આ કવિતામાંથી વ્યક્ત થાય છે. અન્ય એક કવિતામાં એ કહે છે: ‘ઓ, એ મૃત્યુ છે જે આપણા માટે નિશ્ચિત છે, પણ એ જીવન છે જે આપણે જીવી શકીએ છીએ.’

નાયક કહે છે, જિંદગી ભલે કાળો કેર કેમ ન વરસાવે, માથે ભલે મૃત્યુ જ કેમ ન લળુંબતું રહે, જીવન મને જ્યારે પણ શોધશે, નિર્ભય જ શોધશે. આખરી બંધમાં બાઇબલના બે સંદર્ભો જોવા મળે છે. રાજા જેમ્સના બાઇબલમાં લખ્યું છે: ‘કેમકે દરવાજો સાંકડો છે અને રસ્તો સંકીર્ણ છે, જે જિંદગી તરફ દોરી જાય છે, અને બહુ ઓછા હશે જે એને શોધી શકશે.’ (મેથ્યુ ૭:૧૪) અહીં જિંદગીનો અર્થ મોક્ષ કરી શકાય. મોક્ષ તરફ લઈ જતો માર્ગ અને દ્વાર બહુ સાંકડા હોવાથી એ તમામને સુલભ નથી. એ પછી સજાઓ ભરેલા સ્ક્રોલનો ઉલ્લેખ આવે છે જે ફરીથી બાઇબલની ‘બુક ઑફ રિવિલેશન’ તરફ આપણને દોરી જાય છે. આપણે ત્યાં જેમ ચિત્રગુપ્તના ચોપડામાં આપણા સૌના કર્મોના લેખાંજોખાં નોંધાતા હોવાની માન્યતા પ્રચલિત છે એમ બાઇબલમાં સ્ક્રોલનો ઉલ્લેખ છે. નાયક કહે છે કે સ્વર્ગ કે મોક્ષ તરફ દોરી જતો દરવાજો ગમે એટલો સાંકડો કેમ ન હોય, મારા માટે એનો કોઈ અર્થ નથી અને મારી ખાતાવહીમાં ભલેને ગમે એટલી સજાઓ કેમ ન નોંધવામાં આવી હોય, મને એની લગરિકેય પરવાહ નથી, કેમકે હું જ મારા ભાગ્યનો સ્વામી છું અને હું જ મારા આત્માના જહાજનો સુકાની છું, ટંડેલ છું. અંગ્રેજીમાં જે વાત બંને પંક્તિના પ્રારંભે ‘I am’ કહીને કવિએ દોહરાવી છે અને ‘તું તારા દિલનો દીવો થા ને’ની અભિવ્યક્તિને જે રીતે ધાર કાઢી આપી છે, એ ધાર યથાવત્ રહે એ માટે અનુવાદમાં બંને પંક્તિમાં ‘હા હા’ની પુનરોક્તિ પ્રયોજાઈ છે.

મન્ડેલા કહી ગયા: ‘જેવો હું મારી મુક્તિ ભણી દોરી જતા દરવાજા તરફ બહાર આવ્યો, હું જાણી ગયો કે જો હું મારી કડવાશ અને નફરતને પાછળ નહીં છોડી દઉં, હું હંમેશા જેલમાં જ રહીશ.’ અહીં પણ કાળી રાત છે, ઊંડો અફાટ ખાડો છે, સંજોગોની ક્રૂર પકડ છે, નસીબનો માર છે, ક્રોધ અને આંસુઓ છે, મૃત્યુનો અવિરત ડર છે, મોક્ષનો માર્ગ સાંકડો છે અને ઉપરવાળો સજાઓ સંભળાવવા તૈયાર જ બેઠો છે પણ નાયક ભયભીત નથી. નાયક હાર માની લે એવો નથી. એ દુનિયાની પીડાઓ, આંસુઓ સાથે લઈને આગળ વધે એમ નથી. નાયકને જિંદગી સાથે જ સાડીબારી છે. એ સંજોગોની જેલમાં સડી રહેનાર નથી. એ પોતાની મુક્તિની વાર્તા જાતે જ લખનાર છે. બાઇબલના ઉલ્લેખ છે પણ ઈશ્વરના સર્વોપરીપણાનો સ્વીકાર ક્યાંય નથી. મોક્ષ મળે કે ન મળે, કયામતના દિવસે નસીબમાં સજાઓ કેમ ન લખાઈ હોય પણ નાયક પોતાના જહાજનું સુકાન જે કોઈ પણ હોય એ દેવગણને સોંપવાના બદલે પોતાના જ હાથમાં રાખવા માંગે છે. મણિલાલ દ્વિવેદીની અમર ઉક્તિ ‘કહીં લાખો નિરાશામાં, અમર આશા છુપાઈ છે’ તરત યાદ આવી જાય. શેખાદમ આબુવાલાએ પણ કદાચ આવા જ આત્મવિશ્વાસ માટે લખ્યું હશે:

હાથની રેખા પ્રમાણે ચાલનારા છે ઘણા,
ચાલ તારાઓની બદલે એ જ શક્તિમાન છે.

શૂન્યતાની સાંકળો – નયન દેસાઈ

લંબચોરસ ઓરડામાં એક સમય ઘૂંટાય છે,
વક્ર રેખાઓ ક્ષણોની શ્વાસમાં છેદાય છે.

શક્યતાનું એક પણ વર્તુળ નથી પૂરું થતું,
હરક્ષણે કંપાસની તીણી અણી ભોંકાય છે.

ચાલ, સંબંધોનું કોઈ કોણમાપક શોધીએ,
કે, હૃદયને કેટલા અંશો સુધી છેદાય છે.

આરજૂના કાટખૂણે જિંદગી તૂટી પડે –
ને પછી એ મોતનાં બિંદુ સુધી લંબાય છે.

બે સમાંતર રેખની વચ્ચેનો હું અવકાશ છું,
શૂન્યતાની સાંકળો મારા વડે બંધાય છે.

– નયન દેસાઈ