તું મૌનની સ્વરાવલિ હું વૃંદગાન છું – વિવેક કાણે ‘સહજ’

દેખાય તું ન ક્યાંય ને હું દૃશ્યમાન છું,
તું મૌનની સ્વરાવલિ હું વૃંદગાન છું.

જોટો ન મારો ક્યાંય ને તું પણ અનન્ય છે,
તારા સમાન તું જ, હું મારા સમાન છું.

ઝૂમરામાં બદ્ધ કોઈ વિલંબિત ખ્યાલ તું,
હું મારવામાં બદ્ધ કોઈ બોલતાન ખ્યાલ છું.

તારો રંગ કૃષ્ણ છે, એવું ન માન તું,
વાદળ સમાન હું ય સ્હેજ ભીનેવાન છું.

તું વિદ્યમાન સૃષ્ટિના કણકણમાં હોય તો,
હું પણ ‘સહજ’ એ બે કણોની દરમિયાન છું.

– વિવેક કાણે ‘સહજ’

વૃક્ષ-વૃક્ષની ડાળ-ડાળ ને પાન-પાન ને ફૂલ-ફૂલમાં નર્તન… – સુરેશ દલાલ

આજે (April 22) આખી દુનિયાભરમાં ૪૦મો ‘ધરતી દિવસ’ – Earth Day – ઉજવાઇ રહ્યો છે.. ત્યારે આજનું આ કુદરતને અર્પણ.. જાણે હું કુદરતને કહેતી હોઉં કે – હું મારું (એટલે આમ તો સુરેશ દલાલનું 🙂 ) એક ગીત ગાઉ છું તારે માટે મારા લાખ ઉમળકે..!!!

સ્વર : વૃંદગાન
સંગીત : પરેશ ભટ્ટ
આલ્બમ : હસ્તાક્ષર – સુરેશ દલાલ

Celebrating the 40th Anniversary of Earth Day on 22nd April, 2010

.

વૃક્ષ-વૃક્ષની ડાળ-ડાળ ને પાન-પાન ને ફૂલ-ફૂલમાં નર્તન…
મારી ધરતી કેવી મલકે… મારી ધરતી કેવી મલકે…
વૃક્ષ-વૃક્ષની ડાળ-ડાળ ને પાન-પાન ને ફૂલ-ફૂલમાં નર્તન.

આખા તે આકાશ વિષે આ સ્વરનાં સોનલ સાવ સુકોમળ સ્પંદન,
મારો સાગર કેવો છલકે… મારો સાગર કેવો છલકે…
વૃક્ષ-વૃક્ષની ડાળ-ડાળ ને પાન-પાન ને ફૂલ-ફૂલમાં નર્તન.

હું મારા એક અંકુરેથી વૃક્ષ થઈને વેરું લીલાં ટહુકા,
હું મારું એક જલબિંદું થઈ, સાગર થઈને તરતી રાખું નૌકા,
હું મારું એક આભ થઈને ઉજળો ઉજળો તડકો ઓઢી મ્હાલું,
હળવે હળવે ચંદ્ર-કિરણનું પીંચ્છ ફેરવું પાંપણ ઉપર સુંવાળું,

હું મારું એક ગીત ગાઉ છું તારે માટે મારા લાખ ઉમળકે,
મારી ધરતી કેવી મલકે… મારો સાગર કેવો છલકે…
વૃક્ષ-વૃક્ષની ડાળ-ડાળ ને પાન-પાન ને ફૂલ-ફૂલમાં નર્તન.

તારો મધમીઠો મહિમા – તુષાર શુક્લ

આજે સ્વરકાર અને ગાયક – માયા દિપકના જન્મદિવસે આ ગીત… ખાસ એમના દિકરા કુંજનની ફરમાઇશ પર 🙂

Happy Birthday માયાબેન..!! જન્મદિવસની ખૂબ ખૂબ શુભેચ્છાઓ..!

સ્વર સંગીત : માયા દિપક
આલ્બમ : મા-The Mother

.

તારો મધમીઠો મહિમા તને કેમ વિસારું મા?

પા પા પગલી તેં શીખવાડી આંગળીએ વળગાડી
આગળ પાછળ હરતા ફરતા વ્હાલથી રહે જમાડી
મા, તું કદીય થાકતી ના

ભૂલ કરીને તારે ખોળે માથું મૂકી રડાતું
તારી આંખનું મૂંગૂં આંસુ કહેવાનું કહી જાતું
કોઈને કેમ સમજાવું આ?

દૂર હોય કે હોય પાસમાં હોય દેશ પરદેશ
અમૃત ઝરતી આંખ્ડી તારી આવતી યાદ હંમેશ
ઠોકર ખાઉં તો કહે: ‘ખમ્મા!’

આંગળી તોડી ઊડતાં શીખવ્યું આભ પડે ત્યાં નાનું
‘આવજે’ કહેવા અટક્યો ત્યારનું મુખ સંભારું માનું
મુખથી કદી કહે ના: જા

રાત પડે તું નભતારક થઈ મુજને રહેતી જોઈ
આંખનું આંસુ પવન પાલવે મા, તું લેતી લ્હોઈ
તારા હાતને જાણું મા કહી દઉં: આ તો મારી મા
હાથ ફરી માથે ફેરવવા મા, તું આવી જા

– તુષાર શુક્લ

ખાલીપણામાં ! – હરદ્વાર ગોસ્વામી

કોઇના હોવા વિશેની ધારણામાં
આંખ અટવાઇ ગઇ છે બારણામાં !

આંખ મારી શોધી લે છે ક્યાંયથી પણ
પ્રેમ છે મારા તરફનો હર કણામાં !

દોસ્ત નખશિખ લઇ નજાકત નભ વરસશે
હોય હોવું મોરનું જો આપણામાં.

લ્હેરખી આવી પવનની સ્હેજ ત્યાં તો
એક તણખાનું રૂપાન્તર તાપણામાં !

કવિ, કલમ, કરતાલ, કાગળ, કાવ્ય કરમાં
અન્ય તો શું હોય આ ખાલીપણામાં !

– હરદ્વાર ગોસ્વામી

એકલતા…… ? – માલા કાપડિયા

મને મારો જ ડર લાગે
એટલી બધી શૂન્યતા
શા માટે
ફેલાઇ હશે અવકાશમાં?

ઉદાસ શિર
ઢાળી શકાય કોઇના
ખભા ઉપર
એવો એક
સંબંધ પણ નથી ?

અને
આથી જ
એકલવાયી સાંજે
અરીસામાં
મારા જ ખભા પર
માથું ઢાળી
હું
રડી લઉં છું.

– માલા કાપડિયા

હાજી કાસમ, તારી વીજળી રે મધદરિયે વેરણ થઈ !

‘હાજી કાસમની વીજળી’ની વાતો તો ઘણાએ સાંભળી જ હશે..! નાનપણમાં મેં પણ મમ્મી પાસેથી પહેલી વાર વીજળી વિષે સાંભળેલું એ મને યાદ છે..! સાંભળીએ વીજળીની એ કરુણ દાસ્તાન…

કાસમ, તારી વીજળી !
“રઢિયાળી રાત ” સંપાદક—ઝવેરચંદ મેઘાણી

બ્રૂહદ આવ્રૂત્તિ 1997, પાનું ક્રમાંક 280 થી 282 (ઝવેરચંદ મેઘાણી સંપાદિત ‘રઢિયાળી રાત’ પુસ્તકમા પ્રકાશિત નીચેના શબ્દો ટાઇપ કરી એમના બ્લોગ પર મુકવા માટે ગોપાલકાકાનો ખૂબ ખૂબ આભાર)

‘વીજળી’ નામની આગબોટ એની અગિયારમી મુસાફરીમાં કચ્છ અંજારથી મુંબઇ જતાં, રસ્તામાં મ્હુવાની નજીક ડૂબી ગઇ, તેનું આ કરુણ બયાન છે. રાવણહથ્થાવાળા નાથાબાવાઓ તો આ ગીત ગાઇને શ્રોતાજનોને રડાવે છે.’વીજળી’ જેવી સમર્થાઅગબોટની મુસાફરી, એના માલિકનો ગર્વભર્યો ઉછરંગ, શેઠ-શાહુકારોને સલહેલગાહ કરવાના મનોરથો, અને તેર-તેર તો મુંબઇ પરણવા જતા કેસરિયા વરરાજાઓ: ત્યાર પછી એ મધદરિયાનાં વાવાઝોડાં:બેસુમાર પાણી:ડૂબવા સમયની ડોલાડોલ: ખારક્વાઓની દોડાદોડ:દેવદેવીઓની માનતા કરતાં મુસાફરો: કેસરિયા વરરાજા સુધ્ધાં તમામ પ્રવાસીઓની જળસમાધિ: મુંબઇને કિનારે પેલી પીઠીભરી કન્યાઓનાં ભેદક કલ્પાંત: અને બાર-બાર મહિના સુધી એ ડૂબેલા માડીજાયાઓને માટે બહેનોનું છાતીફાટ આક્રંદ: એ તમામ ચિત્રો સચોટ છે.

સ્વર – ઇસ્માઇલ વાલેરા
સંગીત : ??
(ઓડિયો ફાઇલ માટે આભાર – માવજીભાઇ.કોમ)

.

હાજી કાસમ, તારી વીજળી રે મધદરિયે વેરણ થઇ!
શેઠ કાસમ, તારી વીજળી રે સમદરિયે વેરણ થઇ!

ભુજ અંજારની જાનું રે જૂતી
જાય છે મુંબઇ શે’ર.—કાસમ, તારી0
દેશપરદેશી માનવી આવ્યાં,
જાય છે મુંબઇ શે’ર.—કાસમ, તારી0
દશબજે તો ટિકટું લીધી
જાય છે મુંબઇ શે’ર.—કાસમ, તારી0

તેર તેર જાનું સામટી જૂતી,
બેઠા કેસરિયા વર.—કાસમ, તારી0
ચૌદ વીશુંમાંય શેઠિયા બેઠા
છોકરાંનો નૈ પાર.—કાસમ, તારી0

અગિયાર બજે આગબોટ હાંકી
જાય છે મુંબઇ શે’ર.—કાસમ, તારી0
બાર બજે તો બરોબર ચડિયાં
જાયછે મુંબઇ શે’ર.—કાસમ, તારી0

ઓતર દખણના વાયરા વાયા
વાયરે ડોલ્યાં વા’ણ.—કાસમ, તારી0
મોટા સાહેબની આગબોટું મળિયું
વીજને પાછી વાળ્ય.—કાસમ, તારી0

જહાજ તું તારું પાછું વાળ્યે
રોગ તડાકો થાય.—કાસમ,તારી0
પાછી વાળું, મારી ભોમકા લાજે. !
અલ્લા માથે એમાન. –કાસમ, તારી0

આગ ઓલાણી ને કોયલા ખૂટ્યા.
વીજને પાછી વાળ્ય.—કાસમ, તારી0
મધદરિયામાં મામલા મચે
વીજળી વેરણ થાય.—કાસમ, તારી0

ચહ(1)માં માંડીને માલમી જોવે
પાણીનો ના’વે પાર.—કાસમ, તારી0
કાચને કુંપે કાગદ લખે(2)
મોકલે મુંબઇ શે’ર—કાસમ, તારી0

હિન્દુ મુસલમીન માનતા માને
પાંચમે ભાગે રાજ.—કાસમ, તારી0
પાંચ લેતાં તું પાંચસે લેજે
સારું જમાડું શે’ર.—કાસમ, તારી0

ફટ ભૂંડી તું વીજળી! મારાં
તેરસો માણસ જાય.—કાસમ, તારી0
વીજળી કે મારો વાંક્ક નૈ, વીરા
લખિયલ છઠ્ઠીના લેખ..—કાસમ, તારી0
તેરસો માણસ સામટાં બૂડ્યાં
બૂડ્યા કેસરિયા વર.—કાસમ. તારી0

ચૂડી એ કોઠે દીવા જલે ને
જુએ જાનું કેરી વાટ.—કાસમ. તારી0
મુંબઇ શે’રમાં માંડવા નાખેલ
ખોબલે વેં’ચાય ખાંડ.—કાસમ, તારી0

ઢોલ ત્રંબાળુ ધ્રુસકે વાગે
જુએ જાનુંની વાટ.—કાસમ, તારી0
સોળસેં કન્યા ડુંગરે ચડી
જુએ જાનુંની વાટ.—કાસમ, તારી0

દેશદેશથી તાર વછૂટ્યા
વીજળી બૂડી જાય.—કાસમ, તારી0
વાણિયો વાંચે ને ભાટિયા વાંચે
ઘર ઘર રોણાં થાય.—કાસમ, તારી0

પીઠી ભરી તો લાડડી રુએ
માંડવે ઊઠી આગ.—કાસમ, તારી0
સગું રુએ એનું સાગવી રુએ
બેની રુએ બાર માસ.—કાસમ, તારી0

મોટાસાહેબે(3) આગબોટું હાંકી
પાણીનો ના’વે પાર.—કાસમ, તારી0
મોટા સાહેબે તાગ જ લીધા
પાણીનો ના’વે પાર. –કાસમ, તારી0
સાબ મઢ્યમ બે દરિયો ડોળે
પાણીનો ના’વે તાગ.—કાસમ, તારી0

(1)ચશ્માં (2) પૂર્વે આગબોટો ડૂબવાની થતી ત્યારે કાચના સીસામાં એ ખબરવાળા કાગળો બીડીને સીસા સમુદ્રમાં તરતા મૂકવામાં આવતા.(3)પોરબંદરના એડમિનિસ્ટ્રેટર લેલી સાહેબ ‘વીજળી’ની શોધે નીકળ્યા હતા.’વીજળી’ની એ ખેપમાં ફકીર મહંમદ નામે પહેલો દેશી કપ્તાન હતો. દેશી તરીકે પોતાની નામોશી ન થાય તે સારું થઇને જ એણે ‘વીજળી’ પાછી ન વાળી.

આપણે મળ્યા છીએ જ ક્યાં ! – ધીરુ પરીખ

મિત્રો, આપણે મળ્યા છીએ જ ક્યાં !
તો પછી આજની આ ક્ષણ વિદાયની છે
એમ કહેવાનો કશો અર્થ ખરો?

આમ તો સૂર્યનું અસ્ત થવું
પુષ્પનું ખરી જવું
ઝાકળનું ઊડી જવું
એ આગમન પછીની ક્રિયાઓ કહેવાય છે.
પણ આકાશે કદી સૂર્યના અસ્તાચળે જવાનો
તૃણપત્તીએ કદી ઝાકળના ઊડી જવાનો
વ્યક્ત કર્યો છે વિષાદ?

કારણકે એ એકવાર પણ મળ્યા છે
તે ક્યાં કદી વિખૂટા પડે જ છે !
આથી આજની આ ક્ષણ વિદાયની છે
એમ કહેવાનો અર્થ જ એ છે કે
આપંણે ક્યાં મળ્યા જ છીએ !

મળવાની પ્રથમ ક્ષણે જ વિદાયનું બીજ
રોપાઇ જાય છે
એટલે વિષાદ વિદાયનો નથી,
વિષાદ તો છે આપણે મળ્યાં નથી તેનો.
અને જો મળ્યા જ છીએ
તો આપણી વચ્ચે વિદાયની કોઇ ક્ષણ જ ક્યાં છે !

કારણકે વિદાય એ તો મિલનની પરાકાષ્ઠા છે
આથી જે એક વાર મળે છે
એ કદી વિદાય લેતો જ નથી, લેતો જ નથી, મિત્રો !

– ધીરુ પરીખ

આવો રે ઓ ચિત્તડું ચોરી જાનારા….

૧૯૭૬ માં ગુજરાતી ફિલ્મ “ખેમરો લોડણ” નું આ કર્ણપ્રિય..ગીત… સ્વ.મુકેશજી ના કંઠે ગવાએલું છેલ્લું ગુજરાતી ફિલ્મી ગીત છે. સાથે એજ ગીત ઉષા મંગેશકર અને કમલેશ અવસ્થીના સ્વર માં.

સ્વર : મુકેશ, ઉષા મંગેશકર
સંગીતકાર : ગૌરાંગ વ્યાસ
ગુજરાતી ફિલ્મ – ખેમરો લોડણ (૧૯૭૬)

.

સ્વર : ઉષા મંગેશકર, કમલેશ અવસ્થી

.

આવો રે….આવો રે….
ઓ ચિત્તડું ચોરી જાનારા,
મને મોતનાં વાગે ભણકારા….
આવો રે….આવો રે….

મને યાદ છે વચનો સૌ તારાં,
ઓ દિલડું લૂંટી લેનારા….
આવો રે….આવો રે….

એક રાત તણી મુલાકાત મહીં,
શા કીધાં હતાં તમે વાયદા….
એક ઝુરવું ને મરવું બીજું,
છે પ્રિતડી કેરાં કાયદા….
ભવ ભવ હું ને તું બળનારા….
આવો રે….આવો રે….

સારસ પંખીની જોડી કદી,
જગમાં ના રે જુદી પડે….
જુદી પડે તો માથું પટકી,
બીજું ત્યાં તરફડી મરે….
હવે ઘડીયું ગણે નૈનો મારાં….
આવો રે….આવો રે….

કોણ રોકે? – સ્નેહરશ્મિ

કવિ શ્રી ઝીણાભાઈ દેસાઈ ‘સ્નેહરશ્મિ’ ને એમના જન્મદિવસે હ્રદયપૂર્વક શ્રધ્ધાંજલી.. !

આ પૂનમની ચમકે ચાંદની , એને કોણ રોકે?
કાંઇ સાગર છલક્યા જાય, એને કોણ રોકે?

આ આષાઢી વરસે મેહૂલો , એને કોણ રોકે?
કાંઇ પૃથિવી પુલકિત થાય, એને કોણ રોકે?

આ વસંતે ખીલતાં ફૂલડાં, એને કોણ રોકે?
કાંઇ ભમરા ગમ વિણ ગાય, એને કોણ રોકે?

આ આંબે મ્હોરતી મંજરી, એને કોણ રોકે?
કાંઇ કોકિલ ઘેલો થાય, એને કોણ રોકે?

આ અંગે યૌવન પાંગરે, એને કોણ રોકે?
કાંઇ ઉરમાં ઉર નહિ માય ! એને કોણ રોકે?

– સ્નેહરશ્મિ

( આભાર – લયસ્તરો)

કવિતા – પન્ના નાયક

હું શૂન્ય થઇ બેઠી’તી
ત્યાં
મારા વૃક્ષ પર
મુખમાં તણખલાવાળું એક પંખી બેઠું
મને તો એમ કે
એ પલકમાં ઊડી જાશે.

ના, એને તો
મારી ડાળ પર માળો બાંધવો’તો
મારા શ્વાસમાં એને ધબકવું’તું
ભવભવની ઓળખ
આંખને આપવી’તી.

એણે માળો બાંધ્યો.
ખાસ્સી મોટી પાંખો પ્રસારી
મને સમાવી લીધી.
કેટલીય રાતોની
અમારી પાંપણોની મૂંગી મૂંગી
વાતથી
મારા ઘા રૂઝાવા માંડ્યા.
ત્યાં
એને શું ય સૂઝ્યું
કે
મારા અર્ધરુઝ્યા વ્રણ ખોલી નાખી
ભર ચાંદનીએ મને બળતી મૂકી
એ ઊડી ગયું.

હવે ક્યાંય એનું એકાદ પીંછું પણ
મારી પાસે નથી
અને છતાંય
કોણ જાણે કેમ
વૃક્ષની ડાળેડાળ
એના ભારથી લચી ગઈ છે…

– પન્ના નાયક