કોણ છે ? – હનીફ સાહિલ

બંધ દરવાજાની ભીતર કોણ છે ?
હું જો બાહર છું તો અંદર કોણ છે ?

લાવ ચાખી જોઈએ ખારાશને
તું નદી છે તો સમંદર કોણ છે ?

કે સમયની રેત પર લિપિ લખી
આ પવન પૂછે નિરક્ષર કોણ છે ?

કોઈએ કંડારેલા પથ્થરને હું
રોજ પૂછું છું કે ઈશ્વર કોણ છે ?

કોણ વરસાવે છે પ્રશ્નોની ઝડી
ને રહે છે જે અનુત્તર, કોણ છે ?

– હનીફ સાહિલ

સૌ સારું જેનું છેવટ સારું (મારો પિયુ ગયો રંગૂન)

વ્હાલા ગુજરાતીઓ…

આપને જણાવતા આનંદ થાય છે કે Globe Theater London (Shakespeare’s original theater) એ Arpana Theater of Mumbai ને શેક્સપિયરના નાટક “Alls well that ends well” ને ગુજરાતીમાં ભજવવા માટે આમંત્રણ આપ્યું છે. આ નાટકના મુંબઇમાં ૫ શો થઈ ચૂકયા છે – અને મે ૨૩-૨૪ ના દિવસે એ નાટક (સૌ સારું જેનું છેવટ સારું) Globe Theater, London માં ભજવાશે – under the aegis of Shakespearean Olympiad. ગુજરાતી નાટકમાં સંગીત આપ્યું છે – ઉદય મઝુમદારે. આ નાટક જે મુંબઈમાં ‘મારો પિયુ ગયો રંગૂન’ ના નામે પ્રસ્તુત થયું છે એનો હજુ એક શો – ૨૦મી મે (બિરલા ખાતે) કર્યા પછી લંડન જશે.

ગુજરાતી નાટ્યકલાની આ સિધ્ધી વિષે વધુ વાંચો –

 

 

 

અને સાંભળો – આ નાટકના એક મસ્ત મઝાના ગીતની ઝલક….

“MARO PIYU GAYO RANGUN”

a musical play –

Writer: Mihir Bhuta
Director: Sunil Shanbag
Music: Uday Mazumdar

Cast : Meenal Patel, Utkarsh Mazumdar, Chirag Vora, Archan Trivedi, Satchit Puranik, Ajay Jayaram, Nishi Doshi, Natasha Singh and Manasi Parekh-Gohil.

વાલમનો બોલ – અનિલ જોષી

ગઈ કાલે, 17 May 2012, કવિ શ્રી રમેશ પારેખની છઠ્ઠી પુણ્યતિથી હતી – તો એમને ફરી એકવાર શ્રધ્ધાંજલી!….

કવિ શ્રી રમેશ પારેખ અને કવિ શ્રી અનિલ જોષીની દોસ્તીથી તો તમે વાકેફ હશો જ. એમણે સાથે લખેલું પેલું ગીત – ડેલીએથી પાછા મા વળજો હો શ્યામ – યાદ છે?

બે કવિઓ ભેગા મળી ગીત-ગઝલ લખે – એ સમજી શકાય… પણ એક કવિનું ગીત, બીજા કોઇ કવિની યાદમાં લખાયેલું ગીત, ત્રીજા એક કવિ એ સ્વરબધ્ધ કર્યું હોય, એવું તમને યાદ છે? અહીં પ્રસ્તુત આ ગીત લખ્યું છે અનિલ જોષીએ.. કવિ શ્રી મણીલાલ દેસાઇની યાદમાં.. અને એનું સ્વરાંકન કર્યું છે – કવિ શ્રી રમેશ પારેખએ..! અરે થોભો…!! હજું એક વાત તો બાકી રહી ગઈ… આ જ ગીતને કવિ રમેશ પારેખ અને અનિલ જોષીએ – સાથે મળીને સ્વર પણ આપ્યો છે..!!

અને હા.. આ વિડિયો ક્લિપમાં પ્ર્સ્તુતકર્તા કવિ શ્રી શોભિત દેસાઇ…!!

સ્વર – અનિલ જોષી અને રમેશ પારેખ
સંગીત – રમેશ પારેખ
ગીત પ્રસ્તાવના – શોભિત દેસાઇ

કૂવો ઊલેચીને ખેતરમાં વાવ્યો
ને ઊગ્યો તે બાજરાને મોલ
કાંટાની વાડ કૂદી આવ્યો રે આજ
મારા વાલમનો હરિયાળો કોલ

શેઢે ઘૂમે રે ભૂરી ખિસકોલી જેમ
મારી કાયાનો રાખોડી રંગ
તરતું આકાશ લઈ વહી જાય ધોરિયે
અંતરનો બાંધ્યો ઉમંગ

દખ્ખણની કોર હવે ઊડતું રે મન
જેમ ખેતર મેલીને ઊડે પોલ.

ચારે દિશાઓ ભરી વાદળ ઘેરાય
અને પર્વતના શિખરોમાં કંપ
આઘે આઘે રે ઓલી વીતકની ઝાડીમાં
હરણું થઈ કૂદે અજંપ

સામે આવીને ઊભી ઝંઝાની પાલખીમાં
ફરફરતો વાલમનો બોલ.

– અનિલ જોષી

************
અને આ રહ્યો – લયસ્તરો પર કવિ મિત્ર વિવેકે કરાવેલો આ ગીતનો આસ્વાદ…   (આભાર – લયસ્તરો.કોમ)

અનિલ જોષીના ખાસ મિત્ર રમેશ પારેખ આ ગીતનો ‘પાણીદાર ગીત’ કહીને જે આસ્વાદ કરાવે છે એને ટૂંકાણમાં માણીએ (થોડી મારી નોંક-ઝોંક સાથે):

ગીતના ઉપાડમાં જ કવિ ‘પાણી ઉલેચ્યું’ એમ નહીં, ‘કૂવો ઉલેચ્યો’ એમ કહીને આ કૈંક જુદી જ વાત છે એનો સંકેત કરી દે છે. પછી તરત જ ‘કૂવો વાવ્યો’ એમ કહે છે ત્યારે કૂવો એના વાચ્યાર્થનો પરિહાર કરીને રહસ્યમય વ્યંજના ધારણ કરે છે. વાતે-વાતે રડી પડનારને લોકો ‘ભઈ, તારે તો કપાળમાં કૂવો છે’ એવું કહે છે તે યાદ આવે. અને તરત જ ‘આંખ’ના સંદર્ભો વીંટળાઈ જાય. ‘ખેતર’નો પણ એની જડ ચતુઃસીમામાંથી મોક્ષ થયો છે. પ્રતિભાશાળી સર્જક પગલે પગલે શબ્દોનો મોક્ષ કરતો હોય છે.

જેનાથી દૃષ્ટિ પોતાનું સાર્થક્ય પામે તેવા કોઈ ‘અવલોકનીય’ને પામવાની અપેક્ષામાં આંખને રોપી, વાવી. પછી? પછી બાજરાના મોલની ખળા સુધી પહોંચવા માટે હોય તેવી પક્વ સજ્જતાનું અને ઉત્સુક્તાનું દૃષ્ટિમાં પ્રકટીકરણ થયું. કાંટાની વાડનું નડતર પણ ન રહ્યું કેમકે એને અતિક્રમીને વ્હાલમનો બોલ સન્મુખ પ્રકટ થયો છે.

કાયા અને કાયામાં રહેલો ઉમંગ હવે અસીમ બન્યો છે. ખેતર પાછળ મેલીને પોલ ઊડી નીકળે એમ સ્થૂળ દેહ ખેતરના શેઢે છોડીને મન વિસર્જિત થવા દક્ષિણ તરફ ઊડ્યું. (મૃત્યુ પછી મૃતદેહને દક્ષિણ દિશામાં વિસર્જિત કરાય છે એ પરંપરાગત સંદર્ભમાંથી કવિએ આ માર્મિક અભિવ્યક્તિ નિપજાવી લીધી છે).

ચારે દિશાઓ ભરાઈ જાય એટલા ઉમળકા હૈયામાં ઊઠી રહ્યા છે અને અ-ચલ પર્વતના શિખરોમાં ય કંપ છે. હરણાં જેવું મન અજંપે ચડી કૂદાકૂદ કરે છે…કેમકે પવનની પાલખીમાં આવેલ વ્હાલમનો કોલ, ઉપયોગી કે નિરુપયોગી તમામ વળગણોને તોડીફોડીને, પાલખીમાં લઈ જવા આવ્યો છે એટલે લઈ જ જશે….

બોલીએ ના કંઈ -રાજેન્દ્ર શાહ

થોડા દિવસ પહેલા જ હિમાંશુભાઇએ આ ગીત યાદ કરાવ્યું, અને ઊર્મિની ગાગરમાંથી આ મોતી મળી પણ ગયું. તો આજની આ પોસ્ટ ઊર્મિના ગાગરમાંથી એની પરવાનગી વગર ઊઠાંતરી..!! 🙂

*************

જ્યાં ને ત્યાં હૃદય ખોલવાની આપણી (કુ)ટેવને કવિ અહીં પ્રેમથી ટકોરે છે. સામેની વ્યક્તિ આપણી એની સમક્ષ હૃદય ખોલવાને લાયક છે કે નહીં એ સમજ્યા કે ચકાશ્યા વગર જ મોટેભાગે આપણે આપણી વ્યથાની કથા કરતા રહીએ છીએ, જે બીજાને મન તો ક્યારેક માત્ર રસની કથા જ હોય એવુંય બને. એટલે જ થોડું મોઘમ રહીને ચૂપ રહેતા શીખવે છે આ ગીત.

– ઊર્મિ

wlart0010z-sml
(આપણું હૃદય ખોલીએ ના કંઈ…   ફોટો: વેબ પરથી)

બોલીએ ના કંઈ,
આપણું હૃદય ખોલીએ ના કંઈ, વેણને રહેવું ચૂપ;
નેણ ભરીને જોઈ લે, વીરા!
વ્હેણનાં પાણી ઝીલનારું તે સાગર છે વા કૂપ!

વનવેરાને મારગ વિજન,
સીમ જ્યાં સૂની ગુંજતી કેવળ આપણું ગાયું ગાન;
ગામને આરે હોય બહુજન,
લખનો મેળો મળીઓ રે ત્યાં કોણને કોની તાન?
માનમાં જવું એકલ વીરા!
તારલિયો અંધાર કે ઓઢી રણનો દારુણ ધૂપ!

આપણી વ્યથા,
અવરને મન રસની કથા, ઈતર ના કંઈ તથા.
જીરવી અને જાણીએ, વીરા!
પ્રાણમાં જલન હોય ને તો યે ધારીએ શીતલ રૂપ!

– રાજેન્દ્ર શાહ

સો સો રે સલામું મારાં ભાંડુડાંને (છેલ્લી સલામ) – ઝવેરચંદ મેઘાણી

સ્વર – ?
સંગીત – ?

સો સો રે સલામું મારાં ભાંડુડાંને કે’જો રે,
ઝાઝેરા જુહાર જગને દેજો હો…જી !
મળાયું ન તેને સહુને માફામાફ કે’જો, ને
રુદિયામાં રાખી અમને રે’જો હો…જી !

ટીપેટીપે શોણિત મારાં તોળી તોળી આપું તોયે,
પૂરાં જેનાં પ્રાછત કદીયે જડશે ન જી –
એવા પાપ-દાવાનલમાં જલે છે જનેતા મારી,
દિલડાના ડુંગર સળગ્યા – ઠરશે નજી !
– સો સો રે સલામુંo

કીધાં ખાખ ખાંડવવનને પાંડુ તણા પુત્રે તે દી
નિરદોષી નાગાં લાખો ભુંજાણાં હો…જી :
આદુનાં નિવાસી એ તો આ રે આર્યભોમ કેરાં,
પૂર્વજ મારાને પાપે ઓરાણાં હો…જી.
– સો સો રે સલામુંo

રઘુપતિ રામ મારા રુદાનો વિસામો – એણે
ઋષિઓને વચને ખાધેલ ખોટ્યું હો…જી :
પ્રભુનામ ભજતો એણે પારાધી સંહારિયો રે
એનું ઘોર પાતક આજે ઊમટ્યું હો…જી !
– સો સો રે સલામુંo

છેદ્યાં, બાળ્યાં, ગારદ કીધાં પૃથવીના પેટમાં, ને
અસૂરો કહીને કાઢ્યા વનવાસ જી :
જીવતાંને કાજે જુદી નરકું બંધાવિયું, ને
સદાનાં નરાધમ રાખ્યાં દાસીદાસ જી.
– સો સો રે સલામુંo

સમર્થોની સત્તા, સંતો, ઘુતારાની ઘૂતણબાજી,
કૂટિયા ગુરુની કૈં કૈં કરામાત જી :
એની તો વણાવી ઘીંગી ઘરમધજાઓ, એને
ભાંડું કેરે રગતે રંગી ભલી ભાત જી.
– સો સો રે સલામુંo

એવી એવી ઝડીઓ મારાં સહોદરો ઝીલતાં, ને
ધરમધજા કેરે ક્યારે સિંચાણાં હો…જી :
રુદામાં શમાવી સરવે રુદનપિયાલા, વા’લાં
હરિ કેરા રથડા હેઠળ પિલાણાં હો…જી.
– સો સો રે સલામુંo

રથના સારથિડા – સુણજો, સાધુ ને ગુંસાઈ સરવે,
કડાકા કરે છે રથની ધરીઓ હો…જી :
જુઓ જુઓ જુગનો ભેરવ ઊભો વાટ ખાળી આજે,
ભીતર તો નિહાળો : હરિ ક્યાં પળિયો હો…જી.
– સો સો રે સલામુંo

જુગનો મહારાજા આજે મહાકાળ જાગિયો, ને
ધરમ કેરા ધારણ-કાંટા માંડે હો…જી :
સતને ત્રાજવડે મારાં કલેજાં ચડાવિયાં મેં,
શીશ તો નમાવ્યું શાસનદંડે હો…જી.
– સો સો રે સલામુંo

હરિ કેરાં તેડાં અમને – આવી છે વઘામણી રે,
દલિતોને ઉત્સવ હાકલ પડી છે હો…જી :
હસતાં મુખડાંની અમને વિદાયું દિયો રે, વા’લાં !
રખે કોઈ રોકે નયણાં રડિને હો…જી.
– સો સો રે સલામુંo

– ઝવેરચંદ મેઘાણી

मेरे दो नैनों की ज्योति हो तुम – आणल अन्जारिया

આજે ૧૩ મે, ૨૦૧૨ – બધી મમ્મીઓને હેપી મધર્સ ડે…..સાથે સાંભળીએ એક મમ્મીએ વ્હાલી દીકરીઓ માટે લખેલું આ સંદર ગીત……

गीत रचना और स्वर : आणल अन्जारिया

ला ला लाला ला ला लालाला …

राधिका तुम अम्बिका तुम,
मेरे दो नैनों की ज्योति हो तुम
नटखट सी हो नाज़ुक परी,
तुमने संवारी जिंदगानी मेरी,
मेरे दो नैनों की ज्योति हो तुम.

निर्मल सी है चुलबुली गुडिया,
बजते घुंघरू जब हसदे ज़रा
खुशियों से महेका है अंगना मेरा,
मेरे दो नैनों की ज्योति हो तुम.

पापा की सूरत तुमने है पाई,
प्रभु की कृपा से जीवन में आई
लाडली हमारी है दोनों कलि,
मेरे दो नैनों की ज्योति हो तुम.

राधिका तुम अम्बिका तुम,
मेरे दो नैनों की ज्योति हो तुम

– आणल अन्जारिया

પુત્રવધૂનો સત્કાર – મેઘબિંદુ

સ્વર – હેમા દેસાઈ
સંગીત – ચન્દુ મટ્ટાણી

સ્વર / સંગીત – સોલી કાપડિયા

સ્વર – રવિન્દ્ર સાઠે
સંગીત – મોહન બલસારા

ટહુકો ફોંઉન્ડેશન પ્રસ્તુત “સંવેદનાનની સુરાવલી” કાર્યક્રમમાં પલક વ્યાસના અવાજમાં ગવાયેલ ગીત :

લાડકવાઈ લાડી

તું રૂમઝુમ પગલે આવ, તું કુમકુમ પગલે આવ,
ઘરમંદિરને સ્નેહ સુગંધે અભર સભર મહેકાવ

શ્રધ્ધાનો લઈ દીપ ઘરને અજવાળાથી ભરજે
સ્મિત સમર્પણ ને વિશ્વાસે ઘરમાં હરજે ફરજે
જીવન તારું પુલકિત કરવા ભાવસુધા વરસાવ
તું કુમકુમ પગલે આવ, તું રૂમઝુમ પગલે આવ

દિલનાં સૌ અરમાનોથી તું રંગોળી નિત કરજે
હેત પ્રીત આદર મમતાથી સંબંધો જાળવજે
સપ્તપદીનાં સપ્તભાવથી માંગલ્ય પ્રગટાવ
તું કુમકુમ પગલે આવ, તું રૂમઝુમ પગલે આવ

માતપિતાને ભાઈ બહેનનો સ્નેહ તને સાંપડશે
જીવનપંથે સુખનો વૈભવ સહજ તને તો મળશે
ઈશકૃપાથી મળશે તુજને દાંમ્પત્યનો ભાવ
તું કુમકુમ પગલે આવ, તું રૂમઝુમ પગલે આવ

– મેઘબિંદુ

ગરજ ગરજ વરસો – કાંતિ અશોક

સ્વર : આશા ભોસલેં, ઉષા મંગેશકર
સંગીત : મહેશ-નરેશ
ગુજરાતી ફિલ્મ : તાના-રીરી (૧૯૭૫)

ગરજ ગરજ વરસો જલધર

દીપકથી દાઝેલાં તનને
શીતળ જળથી પરસો

ગરજ ગરજ વરસો જલધર

તરસ્યાની ના તરસ છીપાવે
એ વાદળ કોને મન ભાવે

આકાશી આ હેલ છલોછલ
સંઘરીને શું કરશો ?

ગરજ ગરજ વરસો જલધર

પરદુઃખમાં થઈને દુઃખીયારા
લઈએ ખોળામાં અંગારા

જલતાને ઠારો તો જુગજુગ
ઠાર્યાં એવાં ઠરશો

ગરજ ગરજ વરસો જલધર

ગગન ઘોર ઘન
શ્યામ શ્યામ તન
મેઘરાજ આવો

થર થર થર થર મેરુ કંપે
જલ થલ જલ વરસાવો
આવો….આવો

ગરજ ગરજ વરસો જલધર

કનક કામિની
દમક દામિની
નૂર નભમાં રેલાવો

ઝરમર મોતી વસુંધરાને પાલવડે ટંકાવો
આવો….આવો

ગરજ ગરજ વરસો જલધર

– કાંતિ અશોક

ઐશ્વર્યા મજમુદારે સ્વર્ણિમ ગુજરાતન કાર્યક્રમ Detroit (Michigan) માં April 30, 2011 ના દિવસે ગાયેલું આ તાના-રીરી ફિલ્મનું અદ્ભૂત ગીત ‘ગરજ ગરજ વરસો જલધર’. સેલફોનમાં રેકોર્ડ કરેલું છે.

કસુંબલ ગીતોનો વૈભવ – Milpitas, CA (1st June 2012)

બે એરિયા ગુજરાતી સમાજ ‘ અને ‘ ડગલો

રજૂ કરે છે

કસુંબલ ગીતોનો વૈભવ

રાષ્ટ્રીય કવિ શ્રી ઝવેરચંદ મેઘાણીની રચનાઓનો સંગીત સભર પ્રોગ્રામ

Time : 7.00 p.m. onwards
Day & Date : Friday, 1st June, 2012
Venue : India Community Center (ICC),
525 Los Coches Street,
Milpitas, California 95035

Evite દ્વારા આપનું નામ નોંધાવવું જરૂરી છે
માટે Email કરો – pragnad@gmail.com
Phone No. : (408) 410-2372

વૃંદાવન વાટ સખી જતાં ડર લાગે – નીનુ મઝમુદાર

સ્વર – દિપ્તી દેસાઇ

વૃંદાવન વાટ સખી જાતાં ડર લાગે,
કાંકરી ઉછાળી ઉભો વનમાળી,
કેમ જાવું પાણી જમુનાને ઘાટ સખી,
જાતાં ડર લાગે…..

જવું ‘તું ઘાટ પર આજે અકેલામાં સમય ખોળી,
અને મસ્તીભરી હસતી સખી નીસરી ટોળી;
ભર્યા ના નીર જીવનમાં, ઉરે ઝરતી રહી હોળી,
સદાની ખાલી ગાગર લઈ પાછી વળી ભોળી.
લખ્યું હશે એવું વીધીએ લલાટે સખી,
જાતાં ડર લાગે…..

– નીનુ મઝમુદાર