Monthly Archives: June 2011

મોકલું છું – રાજેશ વ્યાસ ‘મિસ્કીન’

ઘૂઘવ્યા ભીતર એ સાગર મોકલું છું... Fort Bragg, Nov 2008

એ ભલે લાગે છે અક્ષર મોકલું છું,
ઘૂઘવ્યા ભીતર એ સાગર મોકલું છું.

તું સ્વયમ ઝળહળ છે જાણું છું છતાંયે,
કોડિયું મારું આ થરથર મોકલું છું

થઈ ગયું મોડું પડ્યું જન્મોનું છેટું,
તો ય લાગે છે સમયસર મોકલું છું.

હાંસિયામાં ક્યાં લગી ઊભું રહે એ,
તેં કદી દોર્યું’તું એ ઘર મોકલું છું.

નામ, જાતિ, ધર્મ તો આ દેહને છે,
છે બધાથી પર એ ભીતર મોકલું છું.

તેં સતત ઝંખ્યો ને હું ઊજવી શક્યો ના,
એ જ હા, હા એ જ અવસર મોકલું છું.

– રાજેશ વ્યાસ ‘મિસ્કીન’

રાધાની લટની લહેરાતી કાળાશે… – હરીન્દ્ર દવે

આજે હરીન્દ્ર દવેની આ રચના ફરી એકવાર.. એક નવા સ્વર સાથે.
સ્વરાંકન – પરેશ ભટ્ટ
સ્વર – મેધા યાજ્ઞિક

———————–

Posted on: July 15, 2009

આજે ફરી એક કૃષ્ણગીત.. હરીન્દ્ર દવેના શબ્દો અને પરેશ ભટ્ટનું સ્વરાંકન, એમના જ અવાજમાં..! ગઇકાલે સુરતમાં પરેશ ભટ્ટની સ્મૃતિમાં એક કાર્યક્રમ યોજાયો. એનું રેકોર્ડિંગ મળે તો ચોક્કસ આપના સુધી પહોંચાડીશ. ત્યાં સુધી આ અને પરેશ ભટ્ટના બીજા મજાના સ્વરાંકનોની મઝા માણીએ.

સ્વર – સંગીત : પરેશ ભટ્ટ

.

રાધાની લટની લહેરાતી કાળાશે
ખોવાયો ક્હાન કેમ શોધું?
આખું આકાશ એક રંગે છવાયું
એમાં મનગમતો વાન કેમ શોધું?

એક તો વૃંદાવન કેડી
ને કેડી પર ઉગ્યા કદંમ્બ કેરા ઝાડ
હળવો હડસેલો લાગે લહેરીને
સૌરભના અણધાર્યા ઉઘડે કમાડ

સમજું સૈયર તમે ઘરભેગી થાઓ
હવે ભુલી હું ભાન કેમ શોધું?

ઉડતા વિહંગ કેરા ટહુકા વણાયા હશે
વહેતી હવાની કોઇ લહેરમાં
ગોકુળનો મારગ તો ઢૂંકડો લાગે છે
હવે સમજાવો કેમ જવું ફેરમાં

યમુનાના વ્હેણનું તરંગાતું ગાન
એમાં મનગમતી તાન કેમ શોધું?

– હરીન્દ્ર દવે

સાદ પાડું છું – રમેશ પારેખ

કંઇ કેટલાય સાદો નો ખડકલો...  Grand Canyon, AZ
કંઇ કેટલાય સાદો નો ખડકલો... Grand Canyon, AZ

****

સ્વર : બિહાગ જોશી
સ્વરાંકન : હરિશ્વંદ્ર જોશી
આલબમ : સંગત

.

સાદ પાડું છું ક્યારનો હું કોને? હું કોને?
જે નથી એને પૂછું છું : છો ને? તું છો ને? તું છો ને?

સદીઓની સદીઓથી મેં એને પાડેલા સાદનો ખડકલો આ પર્વત
સામે વહેરાઉં હું, તેનાં સાહેદ : એક હું, બીજી કાળની આ કરવત

વહેરાતાં ઝીણી ઝીણી વહેર પડી એનું નામ રણ છે, ને રેતી છે, હોં ને !

હું છું ત્યાં સુધી તો સાદ છે, પરંતુ હું નહીં હોઉં ત્યારે શું થાશે?
પર્વત વળોટી એ આ બાજુ આવશે, તો આવીને કયું ગીત ગાશે?

હું નહીં હોઉં ત્યારે કોણ એને કહેશે કે, આ મારું ગીત મને દ્યો ને !

– રમેશ પારેખ (કુમાર – ઓક્ટોબર ૧૯૯૩)

સ્વજન થઇ આંગણે આવો – ચંદ્રકાન્ત મહેતા

વિસાતો શું ધરાની? સ્વર્ગ કેરું માન દઇ દેશું
તમે અધિકારથી માગો, અમારો જાન દઇ દેશું

તમાર આ ટૂંકા ગજથી અમારું માપ લઇ લીધું?
વધો આગળ અમારા આ બધાં સોપાન દઇ દેશું

ભલે ગણતું જગત પાગલ, કદી પરવા નથી કરતો
સ્વજન થઇ આંગણે આવો, હ્રદયનાં બ્યાન દઇ દેશું

ભર્યા છે ડગ કદી પાછાં પથેથી ના જરી ખસશું
પરાજિત જિંદગાનીને કબરમાં સ્થાન દઇ દેશું

– ચંદ્રકાન્ત મહેતા