Category Archives: ભાષાંતરિત કાવ્યો

मधुशाला – 4 डॉ. हरिवंशराय बच्चन ગુજરાતી ભાવાનુવાદ/અનુસર્જન – ડૉ. જગદીશ ત્રિવેદી

मधुशाला – 4

भावुकता अंगूर लता से खींच कल्पना की हाला,
कवि साकी बनकर आया है भरकर कविता का प्याला;
कभी न कण भर खाली होगा, लाख पिएँ, दो लाख पिएँ।
पाठक गण हैं पीनेवाले, पुस्तक मेरी मधुशाला।

– डॉ. हरिवंशराय बच्चन

મધુશાલા – 4

ભાવુકતાની દ્રાક્ષવેલથી ગાળી ઊર્મિની મદિરા,
થઈ સાકી શાયર આવ્યો છે ભરી કવિતાના પ્યાલા;
બુંદ એક ના થાશે ઓછું, લાખ પીએ બે લાખ પીએ!
ભાવકગણ છે પીવાવાળો, પુસ્તક મારું મધુશાલા.

– ડૉ. જગદીશ ત્રિવેદી

मधुशाला – 3 डॉ. हरिवंशराय बच्चन ગુજરાતી ભાવાનુવાદ/અનુસર્જન – ડૉ. જગદીશ ત્રિવેદી

मधुशाला – 3

प्रियतम, तू मेरी हाला है, मैं तेरा प्यासा प्याला,
अपने को को मुझमें भरकर तू बनता है पीनेवाला;
मैं तुझको छक छलका करता, मस्त मुझे पी तू होता;
एक दूसरे को हम दोनों आज परस्पर मधुशाला।

डॉ. हरिवंशराय बच्चन

મધુશાલા – 3

હું તારો તરસ્યો પ્યાલો ને પ્રીતમ તું મારી મદિરા,
તને ભરી દે તું મારામાં, થઈ જઈએ પીવાવાળા;
તુજને હું છલકાવી દેતો, મસ્ત મને પી તું થાતી
એકબીજા માટે હું ને તું આજ પરસ્પર મધુશાલા.

– ડૉ. જગદીશ ત્રિવેદી

मधुशाला 2 – डॉ. हरिवंशराय बच्चन ગુજરાતી ભાવાનુવાદ/અનુસર્જન – ડૉ. જગદીશ ત્રિવેદી

मधुशाला – 2

प्यास तुझे तो, विश्व तपाकर पूर्ण निकालूँगा हाला,
एक पाँव से साक़ी बनकर साक़ी बनकर नाचूँगा लेकर प्याला;
जीवन की मधुता तो तेरे ऊपर कबका वार चुका
आज निछावर कर दूँगा मैं तुझ पर जग की मधुशाला।

– डॉ. हरिवंशराय बच्चन

તરસ તને તો જગત તપાવી અઢળક હું ગાળીશ મદિરા,
થઈ સાકી બસ એક ચરણ ૫૨ નાચીશ હું લઈને પ્યાલા;
જીવનની મધુરપ તારા ૫૨ યુગયુગથી કુરબાન કરી
આજ કરી દઉં હું ન્યોછાવ૨ તુજ ૫૨ જગની મધુશાલા.

– ડૉ. જગદીશ ત્રિવેદી (ગુજરાતી ભાવાનુવાદ/અનુસર્જન)

ગ્લૉબલ કવિતા : ઑસ્ટ્રેલિયા – બર્નાર્ડ ઓ’ડાઉડ

Australia

Last sea-thing dredged by sailor Time from Space,
Are you a drift Sargasso, where the West
In halcyon calm rebuilds her fatal nest?
Or Delos of a coming Sun-God’s race?
Are you for Light, and trimmed, with oil in place,
Or but a Will o’ Wisp on marshy quest?
A new demesne for Mammon to infest?
Or lurks millennial Eden ’neath your face?

The cenotaphs of species dead elsewhere
That in your limits leap and swim and fly,
Or trail uncanny harp-strings from your trees,
Mix omens with the auguries that dare
To plant the Cross upon your forehead sky,
A virgin helpmate Ocean at your knees.

– Bernard O’Dowd


ઑસ્ટ્રેલિયા

હે કાળનાવિકે અવકાશમાંથી ઉસેટી આણેલ આખરી દરિયાઈ-વસ્તુ,
શું તું સરગાસોનું વહેણ છે, જ્યાં
હેલ્સિયન શાંતિમાં રત પશ્ચિમ એનો ઘાતક માળો ફરીથી બાંધે છે?
કે પછી સૂર્યદેવતાના આવનાર વંશનું ડિલોસ છે?
શું તું દીવો છે સુધારેલ વાટ સાથેનો, ને તેલથી ભરેલો,
કે પછી કળણની ખોજમાં જડેલા ભૂતના ભડકા?
કુબેરે સંક્રમિત કરવા માટેની એક નવી જાગીર?
કે સદીઓ પૂર્વેનું પુરાતન ઇડન છૂપાઈ બેઠું છે તારા ચહેરા તળે?

અન્યત્ર જે મૃત પ્રજાતિઓની કબરો છે
એ તારા સીમાડાઓમાં કૂદે છે અને તરે છે અને ઊડે છે,
અથવા તારા વૃક્ષોના અલૌકિક વાદ્ય-તંતુઓના પગેરું દબાવે છે,
શુકનોને ભવિષ્યકથન સાથે ભેળવે છે
જે રોપવાની હિંમત કરે છે તારા કપાળના આકાશ ઉપર ક્રોસ,
તારા ઘૂંટણિયે એક કુંવારો મદદગાર સમુદ્ર.

– બર્નાર્ડ ઓ’ડાઉડ
(અનુ.: વિવેક મનહર ટેલર)


મહાસાગરમાં ડૂબકી માર્યા વિના મોતી મળે ખરું?

પુરુષાર્થનું મહિમાગાન આપણે નાનપણથી સાંભળતા આવ્યા છીએ. મહેનત વિના આસાનીથી મળી જતી વસ્તુની આપણને ભાગ્યે જ કોઈ કિંમત હોય છે, પણ જીવ-જાન એક કરી દીધા પછી જે હાથ આવે એ તો અમૂલ્ય જ લાગવાનું. કવિતા બાબતે વિશ્વમાં બે પ્રમુખ વર્ગ પ્રવર્તે છે. એક વર્ગંનું માનવું છે કે કવિતા સમજવાની પળોજણ જ નકામી છે. અર્થ સમજવાની કડાકૂટ કર્યા વિના નિર્ભેળ કાવ્યાનંદ માણવાની હિમાયત તેઓ કરે છે. તો બીજો વર્ગ આકાશ-પાતાળ એક કરીનેય કવિતાના ભાવ અને અર્થ બંને સમજવાનું અનુમોદન કરે છે. આપણે કયા પક્ષમાં છીએ એ એક કવિતાની મદદથી સમજીએ…

બર્નાર્ડ પેટ્રિક ઓ’ડાઉડ. જીવનકાળ ૧૧ એપ્રિલ, ૧૮૬૬ થી ૦૧ સપ્ટેમ્બર, ૧૯૫૩. રાષ્ટ્રવાદી કવિ, ઉદ્દામ સમાજવાદી, વકીલ, સંસદીય મુસદ્દાકાર અને પત્રકાર. તેઓ ઈશ્વરદત્ત બક્ષિસ પ્રાપ્ત બાળક હતા. મિલ્ટનની પેરેડાઇઝ લૉસ્ટ કેવળ આઠ વર્ષની વયે એમણે વાંચી નાંખી હતી. સત્તર વર્ષની વયે તો એક શાળાના આચાર્ય બનાવાયા. એમની કવિતાઓમાં સાહજિકતા કરતાં જ્ઞાનદર્શન વધુ જોવા મળે છે. કાવ્યવિધાના તેઓ નિપુણ કસબી હતા, પણ એમની કાવ્યકળા બાબતે એકાધિક મંતવ્યો પ્રવર્તે છે. અંગ્રેજી કવિતામાં સહુથી પ્રચલિત છંદ આયમ્બિક પેન્ટામીટર (દસ શબ્દાંશ) છે, પણ ઓ’ડાઉડે બહુધા મધ્યકાળથી સોળમી સદી સુધી પ્રયોજાતો હેપ્ટામીટર (ચૌદ શબ્દાંશ) છંદ પ્રયોજ્યો છે. એમની ઘણી રચનાઓ અઘરી-અટપટી અને ક્યારેક દુર્બોધ પણ ભાસે છે. પણ આ જ દુર્ગમતા પુરુષાર્થી ભાવકને અલૌકિકતાની અનુભૂતિ પણ કરાવે છે. દેખીતી ગદ્યાળુતા પણ ઊંડે ઉતરીએ તો પ્રેમમાં પડી જવાય એવી છે.

‘ઑસ્ટ્રેલિયા’નું કાવ્યસ્વરૂપ પેટ્રાર્કશાઈ સૉનેટનું છે. અષ્ટકમાં ABBA ABBA તથા ષટકમાં CDE CDE પ્રકારે ચુસ્ત પ્રાસ કવિએ પ્રયોજ્યા છે. સૉનેટમાં કવિએ એમના પ્રિય હેપ્ટામીટરના સ્થાને પ્રચલિત પેન્ટામીટર જ ખપમાં લીધું છે. છંદોબદ્ધ અનુવાદ મૂળ રચનાથી વધુ પડતા છેટા જવાની ફરજ પાડે એમ હોવાનું અનુભવાતા સૉનેટનો પદ્યાનુવાદ કરવાના સ્થાને ગદ્યાનુવાદથી જ કામ ચલાવ્યું છે. આજથી લગભગ સવાસો વર્ષ પૂર્વે ઈ.સ. ૧૯૦૦માં લખાયેલ સૉનેટનું શીર્ષક એનો કેન્દ્રવર્તી વિચાર પણ છે. આ એક મુદ્દે ઑસ્ટ્રેલિઅન કવિઓ મુખ્ય અંગ્રેજી કાવ્યધારાથી અલગ તરી આવે છે. ઑસ્ટ્રેલિઅન કવિઓ કવિતાઓમાં દેશની ઓળખ ઉપસાવવાની વધતી-ઓછી કોશિશ કરતા આવ્યા છે. સમયાંતરે બદલાતી રહેતી પ્રમુખ કાવ્યધારાની અસર તો હોવાની જ, પણ એની સમાંતરે જ દેશની ઓળખ રજૂ કરવાનો એકધારો વ્યાયામ અછતો રહેતો નથી. દેશ-કાળ તરફની કવિઓની આવી મનોગ્રસ્તતા જો કે જાણીતી છે. માર્ગારેટ એટવુડના પુસ્તક ‘સર્વાઇવલ: અ થિમેટિક ગાઇડ ટુ કેનેડિઅન લિટરેચર’ મુજબ અમેરિકાની સરખામણીમાં કેનેડિઅન કવિતાઓમાં કેનેડાના ભૂપ્રદેશની લાક્ષણિકતાઓ અને હવામાન તથા જનજીવન-જનમાનસ પર એની અસરોનું આલેખન વધુ માત્રામાં અને લગાતાર જોવા મળે છે. પણ ઑસ્ટ્રેલિયાની વાત કરીએ તો દેશનો ઇતિહાસ આ કાવ્યધારાથી થોડો અલગ જણાય છે.

પચાસ-સાંઠ હજાર વર્ષ પૂર્વે દરિયાઈ માર્ગે દક્ષિણ-પૂર્વી એશિયામાંથી જેઓ ઑસ્ટ્રેલિયા આવ્યા હતા, એમના વંશજો આદિમ જાતિ (ઍબોરિજનલ) કહેવાય છે. સત્તા અને સંપત્તિભૂખ્યા બ્રિટિશરોની નજરમાંથી ઑસ્ટ્રેલિયા પણ બચ્યું નહોતું. અઢારમી સદીના અંતભાગમાં બ્રિટિશરોએ ત્યાં પોતાની વસાહતો જમાવવા-વધારવાનું આદર્યું હતું. આ સૉનેટની રચનાના થોડા સમયમાં પહેલી જાન્યુઆરી, ૧૯૦૧ના રોજ કોમનવેલ્થ ઑફ ઑસ્ટ્રિલિયાની સ્થાપના થઈ. બ્રિટન સાથેના અંતિમ સંવૈધાનિક સંબંધ તો ૧૯૮૬માં ખતમ થયા હતા. હજી આજેય ઇંગ્લેન્ડના રાજા ચાર્લ્સ ત્રીજા ઑસ્ટ્રેલિયાના વડા છે. ૧૯૯૯ની સાલમાં ઑસ્ટ્રેલિયાને સંવૈધાનિક રાજતંત્ર અથવા ગણતંત્ર બેમાંથી એકની પસંદગીની તક અપાઈ હતી, ત્યારે સોમાંથી પંચાવન લોકોએ બ્રિટિશ સર્વોપરિતા સ્વીકારવું પસંદ કર્યું હતું. કવિતામાં પોતાના દેશની ઓળખ ઉપસાવવાની મથામણ કરતો દેશ પ્રજાસત્તાક બનવા પૂરો તૈયાર નથી એ વાત વિરોધાભાસી નથી?

સમય નામનો નાવિક અવકાશના મહાસાગરને ફેંદી કાઢીને એમાંથી પૃથ્વી પર જે આખરી દરિયાઈ-વસ્તુ ઉસેટી લાવ્યો એને ઑસ્ટ્રેલિયા તરીકે ઓળખાવીને કવિ કાવ્યારંભ કરે છે. હજારો વર્ષ સુધી ઑસ્ટ્રેલિયા મુખ્ય જગતધારાથી અળગું રહ્યું હતું. છેક અઢારમી સદીના અંતભાગથી પાશ્ચાત્ય જગત સાથે એનો સીધો સંપર્ક થયો. ઍબોરિજિનલ લોકો સંખ્યા અને મહત્ત્વ –બંને રીતે હાંસિયામાં ધકેલાઈ ગયા અને બ્રિટિશરો કાયમી ઘર કરી ગયા. વીસમી સદીનો પહેલો સૂર્યોદય એક દેશ તરીકે ઑસ્ટ્રેલિયાનો પહેલો સૂર્યોદય હોવાથી ઘણાં કવિઓએ ઑસ્ટ્રેલિયાને નવજાત શિશુ તરીકે જોયું છે. ડબ્લ્યુ. સી. વેન્ટવર્થ એને ‘બ્રિટનનું આખરી જન્મેલ શિશુ’ કહ્યું, તો હેનરી કેન્ડેલે એને ‘પ્રભાતના ગાયક’નું બિરુદ આપ્યું. કવિઓએ ઑસ્ટ્રેલિઆને સંસ્કૃતિ અને સંભાવનાઓના વણવપરાયેલ સ્રોત તરીકે જોયું છે. બર્નાર્ડ પણ એને અંતરીક્ષમાંથી ઉસેટી લાવવામાં આવેલ આખરી ચીજ તરીકે જુએ છે. આ નજરિયો બહારથી આવીને સ્થાયી થયેલ લોકોનો છે, મૂળ આદિમ જાતિના લોકોનો નહીં. બર્નાર્ડ ઑસ્ટ્રેલિયાને સમયના નક્શા પર અસ્તિત્ત્વમાં આવેલ આખરી પ્રદેશ, નવીનતમ ખંડ તરીકે આલેખી એની સાથે પ્રશ્નાલાપ આદરે છે. આખું અષ્ટક ઑસ્ટ્રેલિયાને પૂછાતા પ્રશ્નોથી બનેલ છે.

કવિ ઑસ્ટ્રેલિયાને પૂછે છે કે શું એ સરગાસોનું વહેણ છે, જ્યાં હેલ્સિયન શાંતિમાં રત પશ્ચિમ એનો ઘાતક માળો ફરીથી બાંધે છે કે પછી સૂર્યદેવતાના આવનાર વંશનું ડેલોસ છે? આગળ વધતાં પહેલાં આ સંદર્ભોને સમજી લઈએ. એટલાન્ટિક મહાસાગરમાં આવેલ સરગાસો સમુદ્ર દુનિયાનો એકમાત્ર સમુદ્ર છે, જેની એકેય તરફ જમીન નથી. એની સીમાઓ ચારે તરફના સમુદ્રોના પ્રવાહોથી બની છે. આ સમુદ્રની સપાટી ઉપર સરગાસમ નામની શેવાળ પથરાયેલ છે. દરિયાના તળિયે જ વિકસતી શેવાળોથી વિપરીત આ શેવાળ સપાટી ઉપર વાનસ્પતિક રૂપથી પ્રજનન કરી વિકસે છે. કોલમ્બસ સાથેના એક નાવિકને આ શેવાળ દ્રાક્ષના ઝુમખા જેવી દેખાઈ હતી, પરિણામે દ્રાક્ષ માટેના પોર્ટુગીઝ શબ્દ ઉપરથી સમુદ્ર અને શેવાળ બંનેનું નામકરણ થયું.

બીજો સંદર્ભ છે હેલ્સિયન શાંતિ. ગ્રીક પુરાકથા અને ઓવિડના મેટામોર્ફોસિસ મુજબ હેલ્સિયન એટલે પૌરાણિક કલકલિયો (કિંગફીશર), જે શિયાળામાં અયનકાળ દરમિયાન સમુદ્રની સપાટી ઉપર માળો બાંધી બચ્ચાં મૂકે છે. પક્ષીની વિશેષ શક્તિના કારણે આ સમયગાળામાં હવા અને સમુદ્ર અસામાન્ય રીતે એકદમ શાંત-સ્થિર રહે છે. આજે હેલ્સિયન શાંતિ અને સ્થિરતાનું પ્રતીક ગણાય છે. કવિએ ઑસ્ટ્રેલિયાને અદ્વિતીય લેખાવવા માટે આ બંને અદ્વિતીય પ્રતીકોનું સાયુજ્ય રચ્યું છે. પશ્ચિમથી આવીને ઑસ્ટ્રેલિયામાં પોતાનો માળો બાંધનાર વિદેશીઓ ત્યાંની આદિમ જાતિ માટે ઘાતક પુરવાર થયા હતા, એનો સંદર્ભ પણ કવિએ સાથે સીવી લીધો છે.

હવે કથક ઑસ્ટ્રેલિયાને પૂછે છે કે શું એ સૂર્યદેવતાના આવનાર વંશનું ડિલોસ છે? ગ્રીસમાં અવેલ ડિલોસ ટાપુ એપોલોનું જન્મસ્થળ ગણાય છે. હકીકતમાં ખરા સૂર્યદેવ ટાઇટન હેલિઓસ છે, પણ મોટાભાગના લોકો એપોલોને જ સૂર્યદેવ ગણીને ચાલે છે. આપણા કવિ પણ આમાંથી બાકાત નથી. ભૌગોલોક દૃષ્ટિએ ઑસ્ટ્રેલિયા ઊગતા સૂર્યના દેશ ગણાતા જાપાન કરતાંય વધુ પૂર્વમાં હોવાથી ઑસ્ટ્રેલિયાને સૂર્યદેવના વંશજોનો પ્રદેશ લેખાવે છે ત્યારે એમનો પોતાના દેશ પરત્વેનો પક્ષપાત અછતો રહેતો નથી.

વળી કથક પોતાના દેશને સવાલ કરે છે કે શું એ તેલથી ભરેલો અને કાપીને સરખી કરેલ વાટવાળો દીવો છે કે પછી દલદલી ખોજમાં જડેલા ભૂતના ભડકા? એક તરફ કવિ દેશના અક્ષુણ્ણ અને અખૂટ ખનીજ અને તેલના ભંડારની વાત કરીને દેશની આંતરિક સમૃદ્ધિ તરફ ઈશારો કરે છે, તો બીજી તરફ કળણ અને ભૂતના ભડકાની વાત કરીને ક્ષણભંગુર અને માયાવી ગુણવત્તા તરફ અંગૂલિનિર્દેશ કરી સર્જકની તટસ્થતાનું પ્રમાણ આપે છે. સુધારેલ વાટ સાથેનો દીવો અને તેલથી ભરેલ શબ્દપ્રયોગ ઑસ્ટ્રેલિયા સુસ્થિરતા, સુવ્યવસ્થા અને સુનિશ્ચિતતાનો દેશ હોવાનો સંકેત આપે છે. ‘ભૂતના ભડકા’ પ્રયોગ દેશની ભૌગોલિક વિલક્ષણતા પણ ઇંગિત કરે છે. દેશના દક્ષિણ ખૂણે આવેલ તાઝમાનિયા દક્ષિણ ધ્રુવીય આભા (સધર્ન લાઇટ કે અરૉરા ઑસ્ટ્રેલિસ) માટેનો વૈશ્વિક મંચ છે. કવિએ દળદળી ખોજ સાથે ‘વિલ-ઓ’-વિસ્પ’ શબ્દ પ્રયોગ કર્યો છે. કળણ યાને કે ભીનાશવાળા કાદવની સપાટી ઉપર જૈવિક સડાને પરિણામે ફોસ્ફેટ અને મિથેન જેવા કુદરતી વાયુઓ પેદા થાય છે, જેના ઑક્સિડેશનના કારણે કદ, રંગ અને આકારમાં સતત બદલાતી રહેતી સ્ફુરદીપ્ત (ફૉસ્ફોરેસન્ટ) પ્રકાશજ્વાળાઓ નજરે ચડે છે, જે અંધારી રાતે ભૂતિયા પ્રકાશ કે ભૂતના ભડકાનો ભાસ જન્માવે છે. પેરેડાઇઝ લોસ્ટ (પુસ્તક નવ)માં મિલ્ટને ‘વિલ-ઑ’-ધ-વિસ્પ’નો સ-રસ પ્રયોગ કર્યો છે. ઉજ્જ્વળ-ચમકીલા વચનના આકર્ષણથી ઇવ ફોસલાઈ-લોભાઈ ગઈ હતી, પણ મૃગજળ જેવું વચન કદી સાચું ન પડ્યું અને આખરે ઇવનું પતન થયું. દલદલ અને કીચડમાં જોવા મળતું ભૂરું-સફેદ વિલ-ઓ-ધ-વિસ્પ્સ રાત્રે ગંદકીની ઉપર મંડરાય છે અને સદૈવ પહોંચબહાર જતું પ્રતીત થાય છે. કાળક્રમે આ ભૂતના ભડકા અપ્રાપ્ય આભાસ, જૂઠાં સ્વપ્નો, મિથ્યા આશાઓ, ભોળી માન્યતાઓ અને વિધ્વંસક ખતરાના પર્યાયવાચી બની ગયા. હકીકતમાં એ કોઈ દુર્ભાવનાપૂર્ણ આત્માઓનું પ્રતિફળ નથી, પણ સાધારણ રાસાયણિક પ્રક્રિયા જ છે. કવિ દેશને સવાલ કરે છે કે શું એ ભૂલાવામાં નાંખનાર કે હાથતાળી દઈ છટકી જનાર મૃગજળિયો દેશ તો નથી ને?

વળી કવિ એના દેશને પૂછે છે કે શું એ ધનકુબેરે સંક્રમિત કરવા માટેની એક નવી જાગીર માત્ર છે કે તારા ચહેરા તળે સદીઓ પૂર્વેનું પુરાતન ઇડન છૂપાઈ બેઠું છે? કાવ્ય લખાયું એ સમયે ઑસ્ટ્રેલિયાને દેશ જાહેર કરવા માટેની પ્રક્રિયા જોરમાં હતી. એટલે એ સમયે આખો દેશ દેશના ભવિષ્ય વિશે ચિંતિત હોય એ સ્વાભાવિક છે. કવિના આ સવાલો પણ જે-તે સમયના ઑસ્ટ્રેલિયા-સ્થિત બૌદ્ધિકોની દેશ વિશેની પ્રમુખ માન્યતાઓનું પ્રતિબિંબ જ છે. લોકોને ચિંતા હતી કે શું આ દેશ ભ્રષ્ટ અને અયોગ્ય રીતે અર્જિત ધનસંપત્તિનો દેશ બની રહેશે કે હજારો વર્ષ સુધી ચાલનારું સ્વર્ગ અહીં રચાશે? ૦૧/૦૧/૧૯૦૧ના રોજ કૉમનવેલ્થ ઑફ ઑસ્ટ્રેલિયાની સ્થાપનાર્થે સેન્ટેનિઅલ પાર્કમાં સાંઠ હજાર જેટલા લોકો એકત્ર થયાં હતાં. આ પ્રસંગના સંભારણારૂપે ફેડરેશન સ્ટૉનની ઉપર ચૌદ મીટર ઊંચો પ્લાસ્ટર ઑફ પેરિસનો ગુંબજદાર મંડપ બનાવાયો હતો, જે બે વરસમાં નાશ પામ્યો. આ મંડપ ૧૯૮૮માં ફરી બનાવાયો ત્યારે ગુંબજની નીચે બર્નાર્ડના આ સૉનેટમાંથી મોટા અક્ષરે ‘મેમન ઓર મિલેનિઅલ ઇડન’ પ્રશ્ન લખવામાં આવ્યો છે. આ પ્રશ્ન એ સમયના નવજાત દેશ વિશેની ફિકર અને અવઢવ બંને પ્રગટ કરે છે. બર્નાર્ડનું આ સૉનેટ ઑસ્ટ્રેલિયામાં સમૃદ્ધ ભવિષ્યની શોધમાં આવેલ ઇન્ગ્લેન્ડનું ઑસ્ટ્રેલિયા વિશેનું માનસચિત્ર રજૂ કરે છે એમ કહેવામાંય કંઈ ખોટું નથી. એક તરફ ઉજ્જ્વળ ભાવિની સુનિશ્ચિતતા દેખાતી હતી, તો બીજી તરફ છેતરામણી અનિશ્ચિતત્તાઓનો ડર પણ સતાવતો હતો. વસાહતીઓના આ માનચિત્રમાં નિવાસી આદિમજાતિના વિચારો કે અભિગમોનો સંપૂર્ણપણે છેદ ઊડાડવામાં આવ્યો છે.

સૉનેટના અષ્ટકમાં સવાલો અને શંકાઓની જે બૌછાર હતી એ ષટકમાં વિધાન-વાક્યો અને કંઈક અંશે સુનિશ્ચિત આશાઓ અને વિશ્વાસનું રૂપ ધારે છે. દુનિયા એ સમયે પણ ઘાતકી હતી અને મનુષ્યોના સ્વાર્થના પરિણામે અનેક પ્રજાતિઓ લુપ્તપ્રાય થવા આવી હતી. અન્યત્ર લુપ્ત થતી જતી પશુ-પક્ષીઓ અને જળચરોની પ્રજાતિઓ ઑસ્ટ્રેલિયામાં નિર્ભીક થઈ રમણે ચડે છે, પરિણામે ઑસ્ટ્રેલિયાના વનમાંથી અલૌકિક સંગીત-સૂરાવલિઓ જન્મે છે. એક રીતે કવિ ઑસ્ટ્રેલિયાને મહાદ્વિપીય સંગ્રહાલય, જ્યાં ભૂતકાળને વર્તમાનસ્વરૂપે સાચવી રાખવામાં આવ્યો હોય એ રીતે જોતા હોવાનુંય અનુમાની શકાય. આ પરિપ્રેક્ષ્યમાં આદિમ એબોરિજિનલ લોકો અહીં દૃષ્ટિગોચર થાય છે.

દેશની સ્થાપના થઈ એ સમયના હકારાત્મક શુકનો દેશના ઉજ્જવળ ભાવિ સાથે ભળી જઈને એવું પ્રતીત કરાવે છે, કે આજ જેટલી સરસ છે, આવતીકાલ પણ એટલી જ ગૌરવાન્વિત હશે. દેશના કપાળે ક્રોસ અને પગ પાસે કુંવારો- અછૂતો મદદગાર સમુદ્ર જાણે કે વાવવામાં આવ્યા છે. આ વાવણીમાંથી જે ઊગશે એ સર્વોત્તમ જ હશે એવી ભાવના શુકનિયાળ સંકેતોના ભવિષ્યકથન સાથેના સંમિશ્રણની વાતમાંથી પ્રગટે છે. આકાશ અને સમુદ્ર વચ્ચેનો વિશાળ વ્યાપ આ વાતને વળી અધોરેખિત કરે છે.

આજે લગભગ સવાસો વરસ પછી ખ્યાલ આવે છે કે સહસ્ત્રાબ્દિઓનું આયુષ્ય ભોગવનાર ઇડન-સ્વર્ગ ચહેરા તળેથી પ્રગટ જ થયું નથી, ધનકુબેરે દેશના જનમાનસ પર કબ્જો કરી લીધો છે, અન્યત્ર લુપ્ત થઈ ગયેલ જાતિઓ અહીં પણ નામશેષ થઈ રહી છે, માથા પરના અકાશમાં વિરાજમાન ક્રોસ ધૂમ્ર-ધુમ્મસ (સ્મૉગ)માં ગાયબ થઈ ગયો છે, અને બચેલ તેલના કૂવાઓ પર નજર કરીએ તો કુંવારા મદદગાર સમુદ્રના ભવિષ્યનો ખ્યાલ આવશે. સૂર્ય-દેવના વંશજ કદી જન્મ્યા જ નહીં.

બર્નાર્ડની આ કવિતા અઘરા સંદર્ભો અને પ્રતીકો તથા પુરાતન અંગ્રેજીથી ઠસોઠસ ભરેલી છે. જી. એમ. હોપ્કિન્સ અને એલિયટની સમજવામાં અઘરી કવિતાઓ તરત યાદ આવે. બર્નાર્ડના આ સૉનેટનો સાંપ્રત સમયમાં ઘણા લોકોએ વિરોધ પણ કર્યો છે અને જે રીતે શેક્સપિઅર વગેરે અનેક સર્જકોનું તત્કાલિન સાહિત્ય આજના સરળ-સહજ અંગ્રેજીમાં ઉપલબ્ધ છે, એ રીતે બર્નાર્ડના સૉનેટનું સરળીકરણ કરી રજૂ કરવાની કોશિશ પણ લોકોએ કરી છે. જો કે સરવાળે આ પ્રયત્નો અને વિરોધ બિનપાયેદાર અને બિનઅસરદાર જણાય છે. મહાસાગરમાંથી મોતી મેળવવું હોય તો છેક તળિયા સુધી જવાની મહેનત પણ કરવી જ રહી. બર્નાર્ડના આ સૉનેટમાં રહેલ પાશ્ચાત્ય પુરાકથાઓ અને સંદર્ભ સમજતાં મહેનત અને વાર બંને અવશ્ય લાગે છે, પણ આ જ પુરાકથાઓ અને પ્રતીકો ગહનાર્થની કૂંજીઓ પણ છે. પુરુષાર્થના અંતે કાવ્યાનંદનો પસીનો કપાળ પર ફૂટી નીકળે એ જ સાચી ઉપલબ્ધિ છે.

ગ્લૉબલ કવિતા : ૨૩૯ : હત્યા – મહેમૂદ દરવીશ

Assassination

The critics kill me sometimes:
they want a particular poem
a particular metaphor
and if I stray up a side road
they say: ‘He has betrayed the road’
And if I find eloquence in grass
they say: ‘He has abandoned the steadfastness of the holm oak’
And if I see the rose in spring as yellow
they ask: ‘Where is the blood of the homeland in its petals?’
And if I write: ‘It is the butterfly my youngest sister
at the garden door’
they stir the meaning with a soup spoon
And if I whisper: ‘A mother is a mother, when she loses her child
she withers and dries up like a stick’
they say: ‘She trills with joy and dances at his funeral
for his funeral is his wedding’

And if I look up at the sky to see
the unseen
they say: ‘Poetry has strayed far from its objectives’
The critics kill me sometimes
and I escape from their reading
and thank them for their misunderstanding
then search for my new poem.

– Mahmoud Darwish (Arabic)
(English Trans: Catherine Cobham)

હત્યા

વિવેચકો ક્યારેક મને મારી નાંખે છે:
તેઓ એક ચોક્કસ કવિતા
એક ચોક્કસ રૂપક ઇચ્છે છે
અને જો હું આડમાર્ગે ભટકી જાઉં
તો તેઓ કહે છે: ‘એણે રસ્તા સાથે દગો કર્યો છે’
અને જો હું ઘાસમાં વાગ્મિતા શોધી લઉં
તો તેઓ કહે છે: ‘એણે ઓક વૃક્ષની સ્થિરતાનો ત્યાગ કર્યો છે’
અને જો હું વસંતમાં ગુલાબને પીળું જોઉં
તો તેઓ પૂછે છે: ‘આની પાંદડીઓમાં માતૃભૂમિનું લોહી ક્યાં છે?’
અને જો હું લખું કે: ‘પતંગિયું છે મારી સૌથી નાની બહેન
બગીચાના દરવાજા પર’
તો તેઓ સૂપના ચમચાથી અર્થને હલાવે છે
અને જો હું ગણગણું કે: ‘મા તો મા જ છે, જ્યારે તેણી તેના બાળકને ગુમાવે છે
ત્યારે તેણી લાકડીની જેમ કરમાઈને સૂકાઈ જાય છે’
તેઓ કહે છે: ‘એ તો ખુશીથી ઝૂમે છે અને બાળકની અંતિમક્રિયામાં નાચે છે
કારણ કે એની અંતિમક્રિયા એના લગ્ન છે’

અને જો હું વણદેખ્યું જોવા માટે
આકાશ તરફ ઊંચે જોઉં છું
તો તેઓ કહે છે: ‘કવિતા પોતાના ઉદ્દેશ્યોથી બહુ દૂર ભટકી ગઈ છે’
વિવેચકો ક્યારેક મને મારી નાંખે છે
અને હું એમના વાંચવામાંથી છટકી જાઉં છું
અને એમની ગેરસમજણ બદલ એમનો આભાર માનું છું
પછી મારી નવી કવિતાની શોધ કરું છું.

– મહેમૂદ દરવીશ
(અનુ: વિવેક મનહર ટેલર)


વિવેચન – પ્રાણપોષક કે પ્રાણઘાતક?

‘वाक्यम् रसात्मकम् काव्यम्।‘ (રસસભર વાક્ય કાવ્ય છે.) આઠસો-નવસો વર્ષ પૂર્વે સાહિત્યદર્પણમાં વિશ્વનાથે કવિતાની આ વિભાવના આપી હતી. વિશ્વભરમાં વિદ્વાનો પ્રારંભકાળથી લઈને આજદિનપર્યંત કવિતાને વ્યાખ્યાયિત કરવા પ્રયત્નશીલ રહ્યા છે. વ્યક્તિએ વ્યક્તિએ કવિતાની વ્યાખ્યા અલગ છે,પણ એક વાત સુનિશ્ચિત છે કે રસ એ કવિતાનો આત્મા છે. શબ્દ કવિતાનું ઉપાદાન છે અને શબ્દોને આપણે અર્થો આપ્યા છે, એટલે શબ્દોની બનેલી કવિતામાંથી અર્થનું અવગાહન કરીને આપણે સતત કાવ્યાર્થ સમજવાની કોશિશ કરતાં રહીએ છીએ. આની સામે એક બહુ મોટો વર્ગ એવો પણ છે જે અર્થની માયાજાળમાં પડવાના બદલે કેવળ કવિતાને અનુભવવાની હિમાયત કરે છે:

કવિતા ઇન્દ્રિયગમ્ય અને મૌન હોવી જોઈએ.
કવિતા શબ્દહીન હોવી જોઈએ, જે રીતે પંખીઓની ઊડાન.
કવિતા સમયમાં સ્થિર, ઊંચે ચડતા ચંદ્ર પેઠે ગતિહીન હોવી જોઈએ.
કવિતાનો અર્થ નહીં પણ હોવું જરૂરી છે. (આર્ચિબાલ્ડ મેકલિશ)

મહેમૂદ દરવીશની આવી જ એક કવિતાની આજે આપણે વાત કરવી છે.

મહેમૂદ દરવીશ. પેલેસ્ટાઇનના રાષ્ટ્રીય કવિ. ૧૩ માર્ચ, ૧૯૪૧ના રોજ જન્મ. છ વર્ષના હતા ત્યારે ઈઝરાઈલે એમના ગામને ધ્વસ્ત કરી નાંખ્યું હોવાથી લેબેનોન ભાગવું પડ્યું. થોડા સમય બાદ પાછલા બારણે પરત ફરીને વરસો પોતાના જ વતનમાં નિર્વાસિતોની જિંદગી ગાળી. જેલવાસ પણ ભોગવ્યો. ઓગણીસ વર્ષની વયે કવિતાનું પ્રથમ પુસ્તક. અભ્યાસ માટે ૧૯૭૦માં રશિયા ગયા અને ૧૯૭૩માં પેલેસ્ટાઇનની આઝાદીની ચળવળમાં જોડાયા. ઈઝરાઈલે પ્રવેશબંધી ફરમાવી. બે લગ્ન. બે છૂટાછેડા. ત્રીસ કાવ્યસંગ્રહ. આઠેક ગદ્યના પુસ્તકો. ૧૯૮૪ અને ૯૮માં બે હાર્ટસર્જરી બાદ ત્રીજી સર્જરીના ત્રણ દિવસ પછી ૦૯ ઑગસ્ટ, ૨૦૦૮ના રોજ હ્યુસ્ટન, ટેક્સાસ ખાતે નિધન. માતૃભૂમિ એમની કવિતાના કેન્દ્રસ્થાને રહ્યું. ઈઝરાઈલના વિરોધી અને પેલેસ્ટાઇનના સમર્થક પણ યહૂદીવિરોધી નહોતા. ઘણી કવિતાઓ વિવાદના વંટોળે ચડી હતી. પ્રતિકારના કવિ તરીકે જાણીતા. તેઓ કહેતા:

હું લોકોને નફરત નથી કરતો.
હું કોઈ પાસેથી ચોરી નથી કરતો.
તેમ છતાંય
જો હું ભૂખ્યો રહીશ
તો હું મારું સમસ્ત હડપી જનારનું માંસ ખાઈ લઈશ.
મારી ભૂખ અને મારા ક્રોધથી
સાવધાન રહેજો.
ગુજરાતી અનુવાદ મૂળ અરબ કવિતાના કેથરીન કોભમે કરેલ અંગ્રેજી અનુવાદ પરથી કરેલ હોવાથી કાવ્યસ્વરૂપ કે કાવ્યવિધા વિશે ટિપ્પણી સંભવ નથી. શરૂમાં અરેબિક કાવ્યશાસ્ત્રને વળગી રહી સિત્તેરના દાયકામાં દરવીશે મુક્તકાવ્ય તરફ ઉડ્ડયન કર્યું હોવાથી મૂળ રચના અછાંદસ હોવાનું માની શકાય. અનુવાદમાં ક્યાંય પૂર્ણવિરામ નથી પણ અલ્પવિરામ, પ્રશ્નાર્થચિહ્ન, અવતરણચિહ્ન અને વિસર્ગ વગેરે વિરામચિહ્નો યથોચિત વપરાયા છે. મૂળ રચનાના અભાવમાં આ બાબતેય મૌન જ ઉચિત જણાય છે. અનિયત પંક્તિલંબાઈવાળા નાના-મોટા બે ભાગમાં કવિતાને વહેંચી નાંખવામાં આવી છે. કુતૂહલ જન્માવે એવું શીર્ષક બાંધ્યા બાદ ઘણીવાર કવિ કાવ્ય પતવા આવે ત્યાં સુધી રહસ્ય અને ભાવકનો રસ -ઉભયને જાળવી રાખે એવી કાવ્યપ્રયુક્તિ સામાન્યતઃ જોવા મળે છે, પણ એથી વિપરીત, અહીં શીર્ષક વડે ભાવકનું ધ્યાન સફળતાપૂર્વક આકર્ષિત કર્યા બાદ કવિ પહેલી પંક્તિમાં જ રહસ્યોદ્ઘાટન કરી નાંખે છે કે ‘હત્યા’ કોની છે. જરા અનૂઠી પણ કદાચ વધુ પ્રભાવક કાવ્યરીતિ આને ગણી શકાય, કારણ કે કવિએ આ ‘હત્યા’ને કઈ રીતે અંજામ આપ્યો હશે એ જાણવાની તાલાવેલી આપણને જકડી રાખે છે.

‘વિવેચકો ક્યારેક મને મારી નાંખે છે’ના એકરાર સાથે કથક કાવ્યારંભ કરે છે. ‘વિવેચકો મને મારી નાંખે છે’ કે ‘વિવેચકો મને કાયમ મારી નાંખે છે’ કહેવાના બદલે ‘ક્યારેક’ શબ્દપ્રયોગ કરીને કવિ વિવેચકોની હત્યા કરવાના પાપમાંથી બચી ગયા છે એ નોંધનીય છે. વિવેચકોની સામે સર્જકોની આ ફરિયાદ કાયમી છે. કારણ કે મોટાભાગના વિવેચકો કવિતાના સુનિશ્ચિત સ્વરૂપ કે રૂપકોના ખ્યાલથી પૂર્વગ્રસિત હોવાથી અલગ કે નવીનને સ્વીકારવામાં તેઓને બહુ તકલીફ પડે છે. વિવેચકોની આ મથરાવટી પાછળ આપણી શિક્ષણવ્યવસ્થાનો જો કે મોટો ફાળો છે. કવિતા સાથે આપણો પરિચય તો ગળથૂથીથી જ થાય છે. માના દૂધની સાથોસાથ જ બાળક જોડકણાં-હાલરડાં-ગીતો ધાવીને મોટું થાય છે. એને કોઈ ગીતોના અર્થ સમજાવતું નથી, અને એય કાને પડે છે એનો નિર્ભેળ આનંદ જ લે છે. પણ શાળા નામનું પ્રસૂતિગૃહ પગ મૂકતાવેંત બાળકમાં વિવેચક જન્માવે છે. પદ્ય હોય કે ગદ્ય, શિક્ષણનો એકમેવ હેતુ સારગ્રહણ જ હોય છે. શાળાના અભ્યાસક્રમનું અવિનાભાવી ઘટકતત્ત્વ તે કોઈપણ કૃતિનો કેન્દ્રવર્તી વિચાર અથવા સર્જક શું કહેવા માંગે છે એની સમજૂતી જ છે. કવિતાનો વિશુદ્ધ આનંદ માણતાં શીખેલ શિશુ વિદ્યાર્થી બનતાં જ હેત્વાર્થ શોધવાના ગદ્ધાવૈતરામાં જોતરાઈ જાય છે. કળા ખાતર કળા (l’art pour l’art – art for art’s sake)ના સિદ્ધાંતથી માહિતગાર થવાય ત્યાં સુધીમાં તો કવિતાને તોલી-જોખીને માણવાના મનાંકનો ઘર કરી ગયાં હોય છે.

વિવેચન જો કે જેટલું બિનજરૂરી છે એટલું જ જરૂરી પણ છે. વિવેચન ક્યારેક કવિતાની હત્યા કરે છે તો ક્યારેક કવિતામાં છૂપાયેલ અને ધ્યાનબહાર રહી જતી વિશિષ્ટતાઓ ઉપસાવીને ભાવકના કાવ્યાનંદને અનેકગણો કરવામાં સહાયક પણ બને છે. ચર્ચિલે કહ્યું હતું: ‘શક્ય છે કે આલોચના સ્વીકાર્ય ન હોય, પણ એ આવશ્યક છે. જે કામ માનવશરીરમાં પીડા કરે છે એ જ કામ એ કરે છે; એ વસ્તુના અસ્વાસ્થ્યકર વિકાસ તરફ ધ્યાન દોરે છે. સમયસર ધ્યાન આપવામાં આવે તો ખતરો ટાળી શકાય છે; પણ દુર્લક્ષ સેવવામાં આવે તો તો જાનલેવા વ્યાધિ વિકસી શકે છે.’

વિવેચના એ મનુષ્યસ્વભાવનું અંતર્નિહિત તત્વ છે. પ્રસંશા કે ટીકાના બે શબ્દો આપણે ઉચ્ચરીએ એય વિવેચન જ છે ને! કેવળ ગુણદર્શન કરાવવું કે કેવળ દોષ તારવવાને વિવેચન ન કહેવાય. સાચું વિવેચન રચના અને રચનાકાર પરત્વેના રાગદ્વેષથી પ્રેરિત થયા વિના રચનાના ગુણ-દોષનું તટસ્થ મૂલ્યાંકન કરવામાં આવે એ છે. કવિતા લખાવી શરૂ થઈ એ જ દિવસથી વિવેચનની પણ શરૂઆત થઈ હશે. ચોવીસસો-પચ્ચીસસો વર્ષ પૂર્વે સોક્રેટિસ, પ્લેટો અને એરિસ્ટોટલ વગેરેને આલોચનના પ્રણેતા કહી શકાય. એરિસ્ટોટલે તો ‘પોએટિક્સ’ લખીને વિવેચનને શાસ્ત્રનો દરજ્જો આપ્યો હતો. સંસ્કૃત કાવ્યશાસ્ત્રમાં પણ ઈ.પૂ. બીજી સદીમાં ભરતથી લઈને સત્તરમી સદીમાં જગન્નાથ સુધી કાવ્યની વિભાવના, હેતુ અને આત્મા બાબતે નોંધપાત્ર વિચારણા થતી આવી છે. ગુજરાતીમાં નર્મદે ‘ટીકા’ અને ‘ટીકાવિદ્યા’ સંજ્ઞા પ્રયોજી સાહિત્ય-સમાલોચનાના શ્રીગણેશ કર્યા હતા. Criticism ના પર્યાયરૂપ ‘વિવેચન’ શબ્દ નવલરામ પંડ્યાએ આપ્યો.

ચોક્કસ પ્રકારની કવિતા અને ચોક્કસ પ્રકારના રૂપકો ઇચ્છતા ટીકાકારો ક્યારેક પોતાની હત્યા કરતાં હોવાના અરોપ સાથે કવિએ કાવ્યારંભ કર્યો છે. અને કવિ જો મુખ્ય માર્ગે ચાલવાના બદલે આડમાર્ગ પર ભટકતા નજરે ચડે તો આ આલોચકો કવિએ રસ્તા સાથે દગો કર્યો હોવાના આરોપ એના પર મૂકે છે. એક જમાનામાં ગઝલનો અર્થ પ્રેયસી સાથેની ગુફ્તેગૂ એમ થતો હતો, અને ગઝલમાં પ્રિયતમા-સાકી-સુરા અને બુલબુલની ભરમાર રહેતી હતી. પણ આજની ગઝલ સર્વસમાવિષ્ટા કે સર્વગ્રાહી બની છે. ભાષા હોય કે રૂપક, વિષય હોય કે અભિવ્યક્તિ –આજની ગઝલમાં તમામનો સ્વીકાર છે, પણ એક સમયે સૉનેટભક્તિ એવી તો ચરમસીમાએ હતી કે સૉનેટ ન લખનારનો કવિ તરીકે સ્વીકાર પણ નહોતો થતો. સૉનેટના જમાનામાં જે કવિઓએ ગઝલ લખવી શરૂ કરી હતી, એમના પર દાયકાઓ સુધી પસ્તાળ પાડવામાં આવી હતી અને ક્યાંય સુધી ગઝલને કવિતાનો દરજ્જો આપવામાં કહેવાતા સાહિત્યસ્વામીઓને મોટો વાંધો હતો. ગઝલને ઉતરતો કાવ્યપ્રકાર ગણી અછૂત-વ્યવ્હાર પણ કરાતો. ટૂંકમાં, સમીક્ષકોએ ગણી લીધેલા ધોરીમાર્ગથી હટીને અલગ ચીલો ચાતરવાની કોશિશને વિવેચકો મુખ્યધારા સાથેનો દ્રોહ જ ગણવાના.

તમે જો કોઈ તુચ્છ વસ્તુમાંથી સત્ત્વ શોધી નાંખશો તો એમાં છિદ્રાન્વેષીઓ સાહિત્યમાં સ્થપાયેલ સ્થિરતા-જડત્વનો ત્યાગ કર્યો હોવાનું જોશે. ગુલાબી રંગનું ગુલાબ જોવા ટેવાયેલી નજરોને જો તમે વસંત ઋતુમાં પીળું ગુલાબ દેખાડશો તો એમાં તેઓ માતૃભૂમિના લોહીના લાલ રંગની ઉણપ શોધશે. અને પારંપારિક ભાષાથી જરા અળગા હટીને યદિ આપ કંઈક નવું- કંઈક સંકુલ- કંઈક આધિભૌતિક રૂપક કે વાત લઈને સામે આવશો તો તેઓ ચમચો નાંખીને સૂપ હલાવીએ એમ અર્થને હલાવવાની, અર્થ તારવવાની કોશિશ કરશે. આનાથી વિપરીત અગર આપ કાન સીધો પકડશો, તો તેઓ માથા પાછળ હાથ લઈ જઈને અવળેથી પકડવાની પદ્ધતિની હિમાકત કરશે. ઉદાહરણ તરીકે જો તમે એમ ગણગણશો કે મા એ આખરે મા છે. જ્યારે એ પોતાના સંતાનને ગુમાવે છે ત્યારે એ લાકડીની જેમ જ કરમાઈને સૂકાઈ જાય છે, ત્યારે સૂર્ય પૂર્વમાં ઊગવા સમી સ્ફટિકસ્પષ્ટ વાતને તેઓ તિર્યક નજરે જોશે અને કહેશે કે ના, મા તો ખુશીથી ઝૂમી રહી છે, બાળકની અંતિમક્રિયામાં નાચી રહી છે, કારણ કે એના માટે તો પુત્રની અંતિમવિધિ પણ લગ્નવિધિ જ છે. મતલબ, તમે કંઈ પણ કરશો, વાંકદેખા ટીકાકારો તો વાંક જ કાઢવાના. ‘અન્યોની આલોચના કરનાર ઘણીવાર જેઓ પોતાનામાં શી ઉણપ છે એ જ પ્રગટ કરતાં હોય છે.’ (શેનન એલ. આલ્ડર)

મેઘાણીએ કહ્યું કે, ‘અણદીઠેલી ભોમ પર યૌવન માંડે આંખ.’ કવિતામાં પણ જે લોકો અણદીઠેલી ભોમકા તરફ મીટ માંડે છે એ જ સાચા અર્થમાં યુવાન છે, એને જ નવ્યકવિ કહી શકાય. પણ સમાલોચકોને તો ત્યાંય વાંધો પડવાનો. જો તમે નહીં જોવાયેલ-જોયેલ જોવા માટે આકાશ તરફ ઊંચે મીટ માંડશો તો તરત જ તેઓ કવિતા પોતાના મૂળ ઉદ્દેશ્યોથી બહુ દૂર ભટકી ગઈ છે કહીને તમને વખોડશે. એમની પરિભાષામાં સારો અને સાચો કવિ એ જ જે એમણે પૂર્વનિર્ધારિત ચોકઠાંઓમાં જ શબ્દ ગોઠવે. દાયકાઓથી કેળવાયેલી એકવિધ રસરૂચિ કે મર્યાદિત સમજને વશવર્તીને રચના કરે એ જ કવિ ગણાય. બહુધા વિવેચન એ ઘોડાની આંખ પર પહેરાવેલા ડાબલાં બનીને રહી જતું હોય છે, જે ઘોડાની દૃષ્ટિને સતત મર્યાદિત રાખે છે. આંખે ડાબલાં બાંધેલ ઘોડાની જેમ કવિને એક લીટીમાં ગતિ કરવાની ફરજ પાડે એનું જ બીજું નામ વિવેચન.

સારો કવિ પોતે જે કહેવા ઇચ્છે છે એ વાતને અધોરેખિત કરવા માટે પુનરોક્તિનો સહારો લે છે. અહીં કવિ ‘વિવેચકો ક્યારેક મને મારી નાંખે છે’ વાક્યનો પુનરોચ્ચાર કરે છે. વિવેચકો સારા સારા કવિઓની કારકિર્દીનો ભોગ લેવામાં નિમિત્ત બનતા હોય છે એ કડવી હકીકત કહેવા માટે પુનર્કથનરીતિનું હથિયાર આખી કવિતામાં એક જ વાર વપરાયું હોવાથી વધુ અસરદાર બન્યું છે.

કાવ્યાંતે કવિ એક સુખદ હકીકત તરફ અંગૂલિનિર્દેશ કરે છે. તેજસ્વી કવિની કારકિર્દીનું ગળું રૂંધી નાંખતા વિવેચકો રુગ્ણ માનસિકતા અને સંકુચિત નજરની મર્યાદાને લઈને કવિને જે રીતે વાંચવો જોઈએ એ રીતે વાંચવામાં વિફળ રહેતા હોય છે, પરિણામે ખરો કવિ અને ખરી કવિતા એમના વાંચનના અત્યાચારમાંથી છટકી જાય છે. કવિ વિવેચકોની આ ગેરસમજણ અથવા સમજણના અભાવ બદલ એમનો આભાર માનીને નવી કવિતાની શોધમાં પરોવાઈ જાય છે. આખી કવિતામાં આ ભાગ સૌથી અગત્યનો છે. વિવેચનના આગ્રહી સર્જકો પણ બહુધા અંદરખાને તો વખાણ જ ઇચ્છતા હોય છે. અને એટલે જ વિવેચકો એમના સર્જન ઉપર હાવી થવામાં સફળ થતા હોય છે. સાચો કવિ તો સદૈવ આલોચનાથી પર જ હોવાનો. આલોચકોની સાચી કવિતા વાંચી ન શકવાની નબળાઈને જ તેઓ પોતાની તાકાત બનાવે છે. અને સાચી કાવ્યસાધનામાં જ રત રહે છે. જે કવિ વિવેચન-(અ)વિવેકના નીરક્ષીર પારખી શકે છે એ જ નવી કવિતાને શોધી શકે છે.

અંતે, ફેડી જુડાએ કરેલ અંગ્રેજી અનુવાદના આધારે દરવીશની જ ‘યુવા કવિને’ રચનાના કાવ્યાંશ માણીએ:

અમારી રૂપરેખાઓ પર વિશ્વાસ ન કરશો, ભૂલી જાવ એને
અને તમારા પોતીકા શબ્દોથી શરૂઆત કરો.
જાણે કે તમે પ્રથમ વ્યક્તિ હો કવિતા કરનાર અથવા તો અંતિમ કવિ.

જો આપ અમારા કામને વાંચો, તો અમારી શેખીઓનો વિસ્તાર કરવાને નહીં,
પરંતુ પીડાના પુસ્તકમાં
અમારી ભૂલોને સુધારવા માટે વાંચજો.

કોઈનેય પૂછશો નહીં: હું કોણ છું?
તમે જાણો જ છો કે તમારી મા કોણ છે.
જ્યાં સુધી બાપનો સવાલ છે, ખુદના બાપ ખુદ બનો.
..
ફંટાવ, તમારી પૂરી તાકાતથી, નિયમથી ફંટાવ.

પ્યારમાં કોઈ સલાહ ન હોય. એ અનુભવ છે.
કવિતામાં કોઈ સલાહ ન હોય. એ પ્રતિભા છે.

ગ્લોબલ કવિતા : ૨૩૮ : ભેટ – લિ-યંગ લી

The Gift

To pull the metal splinter from my palm
my father recited a story in a low voice.
I watched his lovely face and not the blade.
Before the story ended, he’d removed
the iron sliver I thought I’d die from.

I can’t remember the tale,
but hear his voice still, a well
of dark water, a prayer.
And I recall his hands,
two measures of tenderness
he laid against my face,
the flames of discipline
he raised above my head.

Had you entered that afternoon
you would have thought you saw a man
planting something in a boy’s palm,
a silver tear, a tiny flame.
Had you followed that boy
you would have arrived here,
where I bend over my wife’s right hand.

Look how I shave her thumbnail down
so carefully she feels no pain.
Watch as I lift the splinter out.
I was seven when my father
took my hand like this,
and I did not hold that shard
between my fingers and think,
Metal that will bury me,
christen it Little Assassin,
Ore Going Deep for My Heart.
And I did not lift up my wound and cry,
Death visited here!
I did what a child does
when he’s given something to keep.
I kissed my father.

– Li-Young Lee

ભેટ

મારી હથેળીમાંથી ધાતુની કરચ ખેંચી કાઢવા માટે
મારા પપ્પાએ ધીમા અવાજમાં એક વાર્તા કહી હતી.
હું બ્લેડ નહીં, એમનો પ્યારો ચહેરો જ જોતો રહી ગયો હતો,.
વાર્તા પૂરી થતાં પહેલાં તો લોઢાની ચીપ, જેનાથી હું
મરી જઈશ એમ મને લાગતું હતું, એ એમણે કાઢી પણ નાંખી હતી.

મને એ વાર્તા તો યાદ નથી,
પણ એમનો અવાજ હજી પણ સંભળાઈ રહ્યો છે, એક કૂવો
ઊંડા પાણીનો, એક પ્રાર્થના.
અને મને એમના હાથ યાદ આવે છે,
મારા ચહેરા ઉપર મૂકાયેલ
સહૃદયતાના બે માપ,
મારા મસ્તક ઉપર એમણે પ્રજ્વલિત કરેલ
અનુશાસનની જ્વાળાઓ.

જો તમે તે બપોરે આવી ચડ્યા હોત
તો તમને લાગ્યું હોત કે તમે એક માણસને
એક છોકરાની હથેળીમાં કંઈક રોપતો જોયો છે,
એક રૂપેરી ચીરો, એક નાનકડી જ્વાળા.
જો તમે એ છોકરાને અનુસર્યા હોત
તો તમે અહીં પહોંચ્યા હોત,
જ્યાં હું મારી પત્નીના જમણા હાથ ઉપર ઝૂકેલ છું.

જુઓ તો, મેં કેટલી કાળજીપૂર્વક એના અંગૂઠાના નખને
ખોતરી કાઢ્યો છે કે એને દુઃખ્યું સુદ્ધાં નહીં.
ને જુઓ, હું કઈ રીતે ફાંસ કાઢી રહ્યો છું તે.
હું સાત વરસનો હતો જ્યારે મારા પિતાજીએ
આ જ રીતે મારો હાથ ઝાલ્યો હતો,
અને એ ટુકડો આંગળીઓમાં પકડીને
મેં કંઈ એમ વિચાર્યું નહોતું કે,
આ ધાતુ મારો જીવ લઈ લેત,
ન તો મેં મારા હૃદયમાં ઊંડે ઉતરનાર એ ધાતુના
નાનકડો હત્યારો કહીને નામસંસ્કાર કર્યા હતા.
વળી, હું મારા ઘા બતાવીને રડ્યોય નહોતો કે,
યમરાજની સવારી અહીં આવી હતી!
મેં તો બસ એ જ કર્યું હતું જે એક બાળક કરે
જ્યારે એને કંઈક સાચવવા માટે અપાયું હોય.
મેં મારા પપ્પાને ચૂમી લીધા હતા.

– લિ-યંગ લી
(અનુ.: વિવેક મનહર ટેલર)
કૂવામાં હોય એ હવાડામાં આવે…

દીકરો કહ્યું કરતો જ નથી કહીને મા પોકેપોકે રડી પડી. બાપ કંઈ ઓછો ઉદ્વિગ્ન નહોતો. લાખવાર કહેવા છતાં ને હજારવાર સમજાવવા છતાં ને સેંકડોવાર ધમકાવવા છતાં દીકરો વાંચવા બેસતો જ નથી અને આખો દિવસ મોબાઇલમાં જ ઘુસેલો રહે છે એ બંનેની ફરિયાદ હતી. બાળમનોજ્ઞ બંનેની ફરિયાદો સાંભળી રહ્યા હતા. છેવટે એમણે માબાપને સવાલ કર્યા ત્યારે ખબર પડી કે મા કે બાપ, બેમાંથી એકેયને વાંચવાનો શોખ નહોતો. માની જિંદગી લગ્ન પહેલાં ઘરકામ શીખવામાં અને લગ્ન પછી ઘરકામ કરવામાં વીતી ગઈ હતી અને બાપના માથે નાની ઉંમરથી જ કમાવાનો બોજ આવી પડ્યો હતો એટલે બંનેને વાંચવાનો શોખ વિકસાવવાની ઇચ્છા હોવા છતાં બેમાંથી કોઈ સફળ થયા નહોતા. બંનેના કહેવા મુજબ વરસો ગદ્ધાવૈતરું કરી ઘરગૃહસ્થી થાળે પાડ્યા પછી બંનેને એટલો હક તો હતો જ કે ફાજલ સમયમાં મોબાઇલ પર રીલ જોઈ હળવા થઈ શકે. પણ જિંદગીભર મહેનત કર્યા બાદ માબાપ મોબાઇલ વાપરતા હોય એનો અર્થ એ થોડો કે બાર વરસનો દીકરો ભણવાનું છોડીને મોબાઇલનો એદી બની જાય? એની જિંદગી તો હજી શરૂ પણ થઈ નથી… ખરું ને?

ખેર, આ કોઈ એક દીકરાની કે માબાપની કહાણી નથી. વધતે-ઓછે અંશે આ આપણા સહુના જીવનની સર્વસામાન્ય વારતા છે. દુનિયાના દરેક માબાપ ઇચ્છતા હોય છે કે સંતાન પોતે વિચાર્યું હોય એમ વર્તે, પોતે ધાર્યું હોય એમ આગળ વધે અને પોતે કહે એ પ્રમાણે જ જીવે. પોતાના અધૂરા સ્વપ્નોની પૂર્તિ સંતાન કરે એમ મોટાભાગના માબાપ ઇચ્છે છે. પણ વાસ્તવિક જિંદગી આ ઇચ્છાઓ સાથે ભાગ્યે જ તાલમેલ મેળવતી નજરે ચડે છે. માતાપિતા ઉત્તર તરફ જવાનું કહે અને સંતાન દક્ષિણાયન કરતાં હોય એ દૃશ્ય જરાય અજાણ્યું નથી. પણ આ વિસંગતિ માટે સંતાન કરતાં વધુ માતાપિતા પોતે જ જવાબદાર હોય છે. બાળકો એમના શબ્દોને સાંભળીને શીખે એનાથી અનેકગણું એમના વર્તનમાંથી શીખે છે. સંતાનોમાં વાંચવાનો શોખ વિકસાવવાની ઇચ્છા હોય તો સંતાન સમજણું થાય એ પહેલેથી એની નજરે માતાપિતા પુસ્તકોને પ્રેમ કરતાં દેખાવા જોઈએ. માબાપ મોબાઇલ ઓછો વાપરતા હોય તો જ સંતાનને મોબાઇલથી અળગા રાખવાની ઇચ્છા કદાચ ફળીભૂત થાય. તુકારામ પાસે દીકરાની સતત ગોળ ખાવાની કુટેવ છોડાવવા આવેલ માબાપની વાર્તાથી આપણે સહુ માહિતગાર છીએ જ. સંતાનની કુટેવ છોડાવવા માટે સૌપ્રથમ આપણે એ કુટેવ ત્યાગવી પડે.

ઉપર બે ફકરામાં જે પ્રવચન આપવામાં આવ્યું એ આપણામાંથી કોઈ માટે નવું નથી. વળી, આપણે મૂળે તો અહીં કવિતાની વાત કરવા ભેગા થયા છીએ. ખરું ને? તો પછી કવિતા પડતી મૂકીને ઉપદેશ શીદ? ખેર, આખી વાત કવિતાના મિષે જ થઈ છે. અસર ગુમાવી બેઠેલી ચર્વિતચર્વણ વાતોનેય કવિતા સાવ અલગ જ અને એવી રીતથી રજૂ કરી શકે છે, કે ગળે ઊતરી જાય. પ્રસ્તુત રચનામાંથી પસાર થઈશું એટલે આ વાત તરત સમજાશે.

ચીનથી રાજકીય કારણોસર દેશનિકાલ પામેલ માબાપને ત્યાં ઇન્ડોનેશિયાના જકાર્તા શહેરમાં ૧૯૫૭ની સાલમાં લિ-યંગ લીનો જન્મ થયો હતો. લીના પરદાદા રિપબ્લિક ઑફ ચાઇનાના પ્રથમ પ્રમુખ હતા તો પિતા માઓ ઝેડોન્ગના અંગત તબીબ હતા. રાજકીય કારણોસર ઇન્ડોનેશિયાથી પણ લીના પરિવારને ભાગવું પડ્યું હતું અને હોંગકોંગ, મકાઉ અને જાપાન થઈને આખરે અમેરિકામાં તેઓ સ્થાયી થયા. હાલ પત્ની અને બે પુત્રો સાથે તેઓ શિકાગો રહે છે. લીની કવિતા સ્વથી શરૂ થઈ સર્વ સુધી પહોંચતી કવિતા છે. અદ્વૈત અને બ્રહ્માંડ એમની શોધના વિષયો છે. સરળ ભાષામાં રજૂ થતી એમની કવિતાઓ દૂરગામી અસર ઊભી કરવામાં સફળ થઈ છે.

‘ભેટ’ કાવ્ય ૫-૮-૭-૧૫ પંક્તિઓના અનિયત સંખ્યાખંડમાં વહેંચાયેલ અછાંદસ કાવ્ય છે. સમજવામાં સરળ આ કાવ્ય લાંબા સમય સુધી આપણી ભીતર રણઝણતું રહે એવું છે. હાથમાં ઘૂસી ગયેલ ધાતુની કરચ કાઢવાની પ્રક્રિયા કાવ્યના કેન્દ્રસ્થાને છે. કવિતામાં તો ફાંસ સફળતાપૂર્વક કાઢી લેવાઈ છે, પણ આપણી સંવેદનાની અંદર ભોંકાતી ફાંસ લાંબા સમય સુધી કાઢી ન શકાય એવી છે. વળી, અનુભવાતી સમ- બહુ મીઠી અને વારંવાર અનુભવવી ગમે એવી છે. સારી કવિતાની સાચી કમાલ જ આ છે!

કાવ્યકથનરીતિ પ્રથમ પુરુષ એકવચનની છે. કથક આપવીતી કહેતાં-કહેતાં ભૂત અને વર્તમાનના બે ખંડો વચ્ચે સંધાન સાધે છે. કવિતાની શરૂઆત ભૂતકાળના એ પ્રસંગથી થાય છે, જ્યારે કથકની વય કેવળ સાત વર્ષની હતી. જોકે કથકની તત્કાલીન વય વિશે રહસ્યસ્ફોટ તો પાંત્રીસ પંક્તિના કાવ્યમાં છેક ચોવીસમી પંક્તિમાં થાય છે. સાત વર્ષના બાળકની હથેળીમાં ધાતુની એક કરચ અકસ્માતે ઘૂસી ગઈ હતી. પોતે આ ફાંસના કારણે મરી જશે એમ લાગતું હોવાની વાત કવિતામાં જ્યાં આવે છે ત્યાં ફાંસને લઈને બાળકને થયેલી પીડા અનુભવી શકાય છે. બાળક્ની હથેળીમાં ખૂંપેલ ધાતુની કરચને બે આંગળીમાં પકડીને ખચ્ચ્ કરતાંકને ખેંચી કાઢવાના બદલે એના પપ્પા એને એક વાર્તા ધીમા અવાજે કહે છે. કવિતામાં દરેક શબ્દનું આગવું મહત્ત્વ છે. ‘ધીમા’ શબ્દ પર ધ્યાન આપીએ. પપ્પાએ એક વાર્તા કહી એમ કહેવાને બદલે પપ્પાએ ધીમા અવાજમાં એક વાર્તા કહી એમ કવિ કથકના માધ્યમથી કહે છે ત્યારે આપણને એ સમજવામાં કોઈ તકલીફ નથી પડતી કે અવાજ ધીમો હોવાના કારણે ફાંસગ્રસિત બાળકે કાન સરવા કરવા ફરજિયાત થઈ પડ્યા હશે. દીકરાની સમગ્ર ચેતના ‘ધીમા’ અવાજે કહેવાતી વાર્તા ઉપર કેન્દ્રિત થવાના કારણે જીવલેણ અનુભવાયેલ ફાંસના કારણે થતી પારાવાર પીડા પણ થાળે પડી ગઈ હશે. કવિતામાં યોગ્ય સ્થાને યોગ્ય શબ્દનું આ ઉમદા ઉદાહરણ ગણી શકાય. વાર્તારસમાં ગરકાવ દીકરો ફાંસ ભૂલીને પપ્પાના પ્યારા ચહેરાને એકટક જોતો રહી જાય છે. વાર્તા કહેતા પપ્પાનો ચહેરો પીડાગ્રસ્ત બાળકને ‘પ્યારો’ લાગે છે એ પણ નોંધવા જેવું. ઊભી કરેલી તકનો લાભ લઈ અનુભવી પપ્પાએ લોખંડની ફાંસ બ્લેડની મદદથી સિફતપૂર્વક ખેંચી કાઢી. કવિતાની પ્રથમ પાંચ પંક્તિ સાવ સરળ પણ એવી તો રસાળ શૈલીમાં આલેખાઈ છે કે કાવારંભે જ ભાવક કવિતાના પ્રેમમાં પડી જાય. આ જ છે ખરું કવિકર્મ!

આજે વર્ષો પછી કથકને પપ્પાએ કઈ વાર્તા કહી હતી એ તો યાદ નથી, પણ એમનો ધીમો મીઠો અવાજ સ્મૃતિમાં યથાવત્ રહ્યો છે. કાળના સીમાડાઓ વળોટીને આવતો ઊંડા પાણીના કૂવા જેવો એ ધીરગંભીર અવાજ હજી આજેય કથક સાંભળી શકે છે. એ અવાજ, એ વાર્તા આજે પ્રાર્થના સમાન પ્રતીત થાય છે, કેમકે એ અવાજ કેવળ પીડિત બાળકનું ધ્યાન અન્યત્ર દોરવાનો પ્રયાસ જ નહોતો, પૈતૃક પ્રેમ અને કાળજીનો સાક્ષાત્કાર હતો. ફાંસ કાઢ્યા બાદ સંતાનના બે ગાલ પર મૂકાયેલ બાપના બે હાથ જાણે સહૃદયતાના બે માપ હતા. દુનિયામાં કોઈ બાપ બાળકનું દર્દ સહિયારવાને સમર્થ નથી, પણ દર્દ ઓછું કેમ કરવું એ બાબતમાં માહિતગાર હોય એ જરૂરી છે. બાળકના ચહેરા પર મૂકાયેલ બે હાથમાં બાળકને એક તરફ સહૃદયતા-અનુકંપા-સધિયારો અનુભવાય છે, તો બીજી તરફ અનુશાસનની શીખ પણ એમાંથી એ મેળવે છે. નાનકડા પ્રસંગમાંથી બાળક જીવનશિસ્તના પાઠ પણ શીખે છે.

આટલે સુધીની સ્વગતોક્તિ બાદ કવિતામાં કવિ ભાવકનો સીધો પણ આકસ્મિક પ્રવેશ કરાવે છે. કવિતાના ભાવવિશ્વ અને બાપ-દીકરાના અવર્ણનીય પ્રેમના કમળમાં એક ભમરાની જેમ કેદ કરી લઈને કથક અચાનક આપણી સાથે સીધી વાતચીતનો તંતુ સાધે છે. પરિણામે કવિતા આપણને લાગવા માંડી હતી, એથી અનેકગણી વધુ પોતીકી અનુભવાય છે. કથક કહે છે કે એ બપોરે જો આપણે એ સ્થળે આવી ચડ્યા હોત તો એક માણસ એક બાળકની હથેળી ઉપર ઝૂકીને એમાં એક રૂપેરી ચીરો, એક નાનકડી જ્વાળા રોપી રહ્યો હોવાનું આપણને લાગત. લોખંડના ટુકડા અને પ્રકાશના પરાવર્તનનો ઝાઝું બોલ્યા વિના જ કવિએ કેવો સરસ વિનિયોગ કર્યો છે! હકીકત ધાતુના ટુકડાને ખેંચી કાઢવાની છે પણ જોનારને (અને કવિતા વાંચનારને) અનુભૂતિ બાળકના અસ્તિત્ત્વમાં કંઈક રોપાઈ રહ્યું હોવાની થાય છે. બે ક્રિયાપદોની ફેરબદલીથી આખી વાતનો ઓપ કેવો બદલાઈ જાય છે! કથક કહે છે કે જો આપણે એ છોકરાને અનુસર્યા હોત તો સમયના રસ્તે ચાલીને આજમાં અહીં આવી પહોંચ્યા હોત જ્યાં પોતે પોતાની પત્નીના જમણા હાથ ઉપર ઝૂકેલ છે. સાત વરસે વાગેલી ફાંસ અને લગ્ન બાદની આજની વાત વચ્ચે વરસોનાં વહાણાં વાઈ ચૂક્યાં છે. આટલા વરસ લાગલગાટ કોઈ કોઈને અનુસરી શકે નહીં, પણ કવિતા કાળના બે દૂર પડેલાં બિંદુઓને પણ ન સાંધો-ન રેણ જેવી કાબેલિયતથી જોડી આપે છે. કવિતાની પાસે એનું પોતાનું અને ખરે જ અસ્તિત્ત્વ ધરાવતું ટાઇમ મશીન છે.

સમયના આ ખંડમાં કથક અને એની પત્નીની સાથે આપણી પણ સહોપસ્થિતિ છે. કવિ એમના કેમેરામાંથી આખી ઘટના આપણને બતાવે છે. વર્ષો પહેલાં આ કમરામાં ઘટેલી ઘટના પુનર્ઘટિત થઈ રહી છે. કેવળ પાત્રો બદલાયા છે, પણ પરસ્પરના પ્રેમની અભિવ્યક્તિ એની એ જ છે. ત્યારે બાળકને વાગી હતી એવી જ ફાંસ આજે પત્નીને ભોંકાઈ છે. પત્નીના અંગૂઠાના નખને સિફતથી ખોતરીને કથક કાળજીપૂર્વક ફાંસ એમ ખેંચી કાઢે છે કે એને દુઃખ્યું સુદ્ધાં નહીં. ગણીને પાંચ પંક્તિઓમાં વર્તમાન અને પત્નીનો નામોલ્લેખ કરીને કથક કવિતાના ટાઇમમશીનમાં બેસાડીને આપણને ફેર સાત વર્ષના બાળકની રૂબરૂ કરી દે છે. પિતાજીએ ધાતુની કરચ ખેંચી કાઢીને બાળકના હાથમાં આપી હશે એ સમયે કથકના કહેવા મુજબ બાળકે એને હાથમાં લઈને કંઈ એમ નહોતું વિચાર્યું કે આ ધાતુ મારો જીવ લેશે. નાના બાળકોની માનસિકતા સમજવાનો નાનકડો પણ સોનેરી અવસર અહીં આપણને સાંપડે છે. કાવ્યારંભે ફાંસ નીકળી નહોતી એ સમયે પોતે મરી જશે એમ અનુભવતો બાળક ફાંસ નીકળી ગયા પછી પોતે કંઈ મરી જવાનો નથી એમ વિચારવા લાગ્યો હતો. બાળમાનસપટલ પર આકારિત આ બંને બિંદુઓ વિપરીત દિશાના પણ સત્ય છે. દોઢ-બે દાયકાનો સમયગાળો વહી ગયો હોવા છતાં કથક જે-તે સમયના સ્વાનુભાવને યથાતથ અનુભવે છે. હૃદયમાં ઊંડે ઊતરી ગયેલ અનુભવાતી લોખંડની કરચને હાથમાં લીધા પછી, મરી જઈ શકવાનો ખતરો અને સુરક્ષિત સમય વીતી ગયાની ખાતરી થયા બાદ, બાળકે નાનકડા હત્યારાનું નામ આપ્યું નહોતું કે પોતાના ઘાનું પ્રદર્શન કરીને એ રડ્યોય નહોતો કે મૃત્યુ અહીં આવી ગયું છે. આખી કવિતામાં આ ચાર-પાંચ પંક્તિઓમાં જ બાળલાગણીઓ અને વયસ્કની અભિવ્યક્તિની ભેળસેળ દેખાય છે. પણ આ બદલાવ એટલો કુદરતી, કાવ્યાત્મક અને પ્રભાવી છે કે ઊંડા મનન વિના એ અનુભવાતો નથી. આ નોન-પર્સેપ્ટિબલ ચેઇન્જ એથી સહજ સ્વીકાર્ય બને છે કે બાળકે કટોકટી ટળવાના સમયે મોટા માણસોની જેમ વિચારવાના બદલે એક બાળક પોતાને મળેલ ભેટના બદલામાં જે કરે એ જ કર્યું હતું. બાળસહજ આનંદોદ્ગારની અભિવ્યક્તિરૂપે એણે એના પપ્પાને ચૂમી લીધા હતા.

આમ જુઓ તો કવિતા અહીં પૂરી થઈ જાય છે, પણ હકીકતે આપણા ભાવવિશ્વમાં એનું ખરું અનુરણન અહીંથી જ પ્રારંભાય છે. માતાપિતા તરફથી સંતાનોને વાણી-વિચાર-વર્તનની જે કંઈ ભેટ સતત મળતી રહે છે, એ જ આગળ જતાં બાળકના વ્યક્તિત્વઘડતરની ઈંટો બની રહે છે. સાચું સંસ્કારસિંચન માબાપના ઉપદેશોથી નહીં, પણ વર્તનથી જ થતું હોય છે. આખરે તો, કૂવામાં હોય એ જ હવાડામાં આવે ને… વાવીએ એવું લણીએ… बोया पेड बबूल का, आम कहाँ से खाय?

ગ્લૉબલ કવિતા : ૨૩૭ : તમારા માટે – ઇત્સુકો ઇશિકાવા (જાપાનીઝ)

who were massacred on the riverbanks of Nakagawa and Arakawa, after the Great Tokyo Earthquake, 1 September, 1923.

What am I meant to do?
You were buried ten years before I was born.

The riverbed’s full
of your formless faces.

Your compatriots who search for you
call this place Teki-kyo, enemy-capital.

I call out for you
without your names,

you, with your arms tied behind you,
you, butchered by hatchets,

you, shot
and kicked to the river,

you, pregnant
and young,

you, who came to study,
you were there too,

and you, yoked to a cart because
your cropshare was taken by a Japanese loanshark.

Tens of thousands of years ago
pictures were drawn of the great fallow deer.
They can still be seen with infra-red

but I can’t know you, who died sixty years ago,
how many you are – hundreds? more? – or your names.

What am I meant to do?
You’re buried in wretched longing

while we serenely cross the Nakagawa
and stroll through the town of Kameido.

What are we meant to do?
September’s here again, the canna lily blooms

while you of the neighbouring land, your names and wrath
bleed into the riverbed.

For more than half a century
we have trampled over you.

– Itsuko Ishikawa (Japanese)
(Eng. Trans. by Rina Kikuchi and Jen Crawford)

તમારા માટે

જેઓનો ટોકિયો મહાભૂકંપ, ૧ સપ્ટેમ્બર, ૧૯૨૩, પછી નાકાગાવા અને અરાકાવા નદીકાંઠાઓ પર, નરસંહાર કરાયો હતો.

શું કરવું જોઈએ મારે?
હું જન્મ્યો એના દસ વરસ પહેલાં તો તમને દફનાવી દેવાયા હતા.

નદીનો પટ ભર્યો પડ્યો છે
તમારા નિરાકાર ચહેરાઓથી.

તમારા દેશબંધુઓ, જે તમને શોધે છે,
આ જગ્યાને ટેકી-ક્યો, શત્રુ-રાજધાની કહે છે.

તમારું નામ લીધા વિના
હું આહ્વાન કરું છું તમને,

તમને, પીઠ પાછળ હાથ બાંધી દેવાયેલાઓને,
તમને, કુહાડીઓથી સંહારાયેલાઓને,

તમને, ગોળી મારીને
અને લાતો મારીને નદીમાં ફેંકી દેવાયેલાઓને,

તમને, સગર્ભાઓ
અને યુવાનોને,

તમને, જેઓ ભણવા આવ્યા હતા,
તમે પણ ત્યાં હતા,

અને તમને, એક ગાડા સાથે જોતરી દેવાયેલાઓને કારણ કે
તમારા પાકનો એક ભાગ જાપાની સૂદખોરો વડે લઈ લેવાયો હતો.

હજારો વર્ષ પહેલાં
મહાન કુરંગોના ચિત્રો દોરવામાં આવ્યાં હતાં.
તે આજેય ઇન્ફ્રા-રેડ વડે જોઈ શકાય છે

પણ હું તમને, – જેઓ સાંઠ વર્ષ પહેલાં મરણ પામ્યાં છે, – કે તમારા નામને
જાણતો નથી. કેટલા હતા તમે લોકો -સેંકડો? વધારે?

શું કરવું જોઈએ મારે?
તમે જઘન્ય લાલસામાં દફનાવાયા છો

જ્યારે અમે શાંતિથી નાકાગાવા પાર કરીએ છીએ
અને કોમેડો શહેરમાં રખડપટ્ટી કરીએ છીએ.

શું કરવું જોઈએ અમારે?
સપ્ટેમ્બર પાછો આવી ગયો છે, ફૂલો ખીલી રહ્યાં છે,

જ્યારે પાડોશી મુલ્કના તમે,
તમારાં નામ અને ગુસ્સો નદીતળમાં વહી ગયાં છે.

અડધી સદીથીય વધુ સમયથી
અમે તમને પગતળે કચડતા આવ્યા છીએ.

– ઇત્સુકો ઇશિકાવા
(અંગ્રેજી અનુ.: રીના કિકુચી, જેન ક્રૉફર્ડ)
(અંગ્રેજી પરથી અનુ.: વિવેક મનહર ટેલર)


કાન્ટો નરસંહાર: મનુષ્યના અંતર્નિહિત પશુપણાંનો અરીસો…

જલિયાંવાલા બાગ –આ બે જ શબ્દ કોઈ બોલે એટલામાં, આપણે એ સમયે જન્મ્યા પણ ન હોવા છતાં ૧૩ એપ્રિલ, ૧૯૧૯ના મનહૂસ દિવસે ત્યાં ભજવાયેલું દૃશ્ય તાદૃશ થઈ જાય. આ બે શબ્દો અને એની લોહિયાળ પીડા દરેક ભારતીયના હૃદયમાં અંકિત છે. પ્રથમ વિશ્વયુદ્ધમાં અંગ્રેજોએ આપણી પાસે લાખોની સંખ્યામાં માનવદળ અને અઢળક નાણાં-ખોરાકની મદદ મેળવ્યાં. વળી, વિશ્વયુદ્ધ દરમિયાન ભારતમાં કોઈ ચળવળ ન થાય એ માટે ભારત પ્રતિરક્ષા વિધાન (ડિફેન્સ ઑફ ઇન્ડિયા એક્ટ, ૧૯૧૫) લાગુ પાડી ભારતીયોની પાંખ કાપી નાંખી. વિશ્વયુદ્ધ પછી ભારતના સાથ-સહકારની કદર કરવાના બદલે નપાવટ અંગ્રેજોએ ૧૯૧૯ના માર્ચની અઢારમીએ અંગ્રેજોને કુલમુખત્યાર થવાની સત્તા આપતો રૉલેટ એક્ટ લાગુ પાડ્યો. રાહતના બદલે દાઝ્યા પર ડામ મળતાં ભારતીયોમાં હાડોહાડ અસંતોષની જ્વાળાઓ ભડકી ઊઠી. ચોતરફ પ્રારંભાયેલ વિરોધપ્રદર્શનોમાંનું એક અમૃતસરના જલિયાંવાલા બાગમાં યોજાયું. દસ હજારથી વધુ માણસો એકત્ર થયા. જનરલ ડાયરે સશસ્ત્ર સૈનિકોની મદદથી આવાગમન માટેનો એકમાત્ર માર્ગ રોકી લઈ કોઈપણ જાતની પૂર્વચેતવણી વિના અંધાધૂંધ ગોળીબાર કરાવ્યો અને આ નૃશંસ નરસંહારમાં સેંકડોના જાન ગયા, હજારો ઘાયલ થયા. ભારતમાતાના હૃદય પર કદી ન રૂઝાય એવો ઘા થયો. દુનિયા સમસ્તની તવારીખ આવા લોહિયાળ હત્યાકાંડોથી રંગાયેલી પડી છે. આવા જ એક હત્યાકાંડની વાત આજે ઇશિકાવા આપણી સાથે કરવા માંગે છે.

ઇત્સુકો ઇશિકાવા. જાપાનીઝ કવયિત્રી. ૧૮-૦૨-૧૯૩૩ના રોજ ટોકિયો, જાપાન ખાતે જન્મ. તેમની કવિતા યુદ્ધ અને પરમાણુશસ્ત્રના વિરોધને સમર્પિત છે. બાળપણના અનુભવો યુદ્ધ, સામ્રાજ્યવાદ અને સરમુખત્યારશાહીની વિરુદ્ધનો અવાજ બની સાહિત્યમાંથી સંભળાય છે. એમની કવિતાઓની સ્ત્રીસહજ કોમળ સંવેદના આપણને મસૃણતાથી પંપાળીને જીતી લે છે. હાલ, ૨૦૨૨ની સાલમાં નેવ્યાસી વર્ષની વયે તેઓ નિવૃત્ત જીવન ગાળી રહ્યાં છે.

‘તમારા માટે’ શીર્ષક શિરોલેખ (epigraph)નો જ એક હિસ્સો પણ છે. શીર્ષક અને શિરોલેખને બાદ કરતાં તેંત્રીસ પંક્તિની કવિતાને કવિએ બબ્બે પંક્તિના સોળ યુગ્મકમાં વહેંચી દીધી છે, જેમાં એકમાત્ર દસમું યુગ્મક ત્રણ પંક્તિઓ સાથે અપવાદરૂપ અલગ તરી આવે છે. બબ્બે શબ્દોની પંક્તિઓથી લઈને નવ-દસ શબ્દો સમાવતી લાંબી પંક્તિઓના કારણે આકારની અરાજકતા સર્જાય છે, જે કવિતાના કેન્દ્રસ્થ ભાવ સાથે સુમેળ ખાય છે. મૂળ જાપાનીઝ કવિતાના અભાવમાં છંદોલય કે પ્રાસનિયોજન વિશે ટિપ્પણી શક્ય નથી.

આ કવિતા એ લોકોને સીધું સંબોધન છે, જેઓને ટોકિયોમાં આવેલ મહાભૂકંપ બાદ નાકાગાવા અને અરાકાવા નદીકાંઠાઓ પર ક્રૂરતાપૂર્વક મારી નંખાયા હતા. કવિતા વાંચતા પહેલાં આ નરસંહાર વિશે જાણી લઈએ. પહેલી સપ્ટેમ્બર, ૧૯૨૩ના રોજ સવારે બાર વાગ્યાની આસપાસ જાપાનમાં ૭.૯ રિક્ટર સ્કેલ જેટલો પ્રચંડ ભૂકંપ આવ્યો, જે સમય રસોઈનો સમય હોવાથી ઠેર-ઠેર આગ પણ લાગી. ભૂકંપની તારાજીમાં આગે ઉમેરો કર્યો. આટલું ઓછું હોય એમ તેત્રીસ ફૂટ ઊંચા મોજાંઓ સાથે ત્સુનામીએ કાંઠા વિસ્તારોમાં હાહાકાર મચાવ્યો. લાખો ઘર જમીનદોસ્ત થઈ ગયાં અને મૃત્યુઆંક દોઢેક લાખની આસપાસ પહોંચ્યો. પણ આ તો હતી કુદરતી આપત્તિ. ઉપરવાળા આગળ આપણું બે ફદિયાનુંય ઉપજે નહીં એ તો સર્વવિદિત છે જ, પણ ખરી સમસ્યા તો ભૂકંપ બાદ સામે આવી.

રાજધાની ટોકિયો પણ જેમાં સમાવિષ્ટ છે, એ જાપાનનો સૌથી મોટો ટાપુ કાન્ટો ભૂકંપમાં સહુથી વધુ અસરગ્રસ્ત વિસ્તાર હતો. એકતરફ ભૂકંપના કારણે લોકો આશ્રયવિહોણા થઈ ગયા તો બીજી તરફ અનાજ-પાણીનો પુરવઠો અટકી ગયો. ત્રીજી તરફ મોટાભાગના અખબારો બંધ થઈ ગયા. સોએક વર્ષ પહેલાંના જાપાનમાં વિશ્વસનીય સમાચારો માટે અખબાર એકમાત્ર ઉપલબ્ધ સાધન હતું. રેડિયોની શરૂઆત પણ આ ઘટનાના ત્રણ વર્ષ બાદ, ૧૯૨૬માં થઈ. અખબારોની અનુપસ્થિતિમાં ભૂકંપ દરમિયાન ઠેકઠેકાણે લાગેલી આગ કરતાં વધુ ઝડપથી અફવાઓ ફેલાઈ વળી. પારાવાર વિનાશના કારણે ચહુઓર અંધાધૂંધી મચી હતી તે ઓછી હોય એમ જાપાનસ્થિત કોરિયન લોકો આગજની અને કૂવાઓમાં ઝેર નાંખીને ત્રાસવાદી હુમલાઓની તૈયારી કરી રહ્યા હોવાની વાત દાવાનળની જેમ ફાટી નીકળી. પછીના ત્રણ અઠવાડિયાઓમાં જ્યાં જુઓ ત્યાં પોલિસ, સેના અને સ્વયંશાસિત દળો બંદૂક, તમંચા, લાકડી, ભાલા, ગદા – જે હાથ આવ્યું એ લઈને જાપાનીઓ કોરિયનો પર કાયદાની ઐસી-તૈસી કરીને તૂટી પડ્યા. જીવતા માણસોના હાથ-પગ કરવતથી કાપી નાંખવા, આંખ ફોડી નાંખવી, નાક-કાન-સ્તન કાપી નાંખવા જેવા અગણિત અત્યાચારો કરાયા. આ અમાનુષી હત્યાકાંડમાં પોલિસ અને સૈનિકોએ મૂક પ્રેક્ષક બની રહેવાથી લઈને સક્રિય ભાગ લેવા સુધીની ભૂમિકા ભજવી. આજુબાજુના પ્રદેશોને ગણતરીમાં ન લઈએ તોય કેવળ કાન્ટોપ્રદેશમાં આ નિર્મમ અત્યાચારમાં ૬૦૦૦ લોકોએ જાન ગુમાવ્યો. જાપાની સરકારે આખી બીના પર ઢાંકપિછોડો કરવાનું વલણ અપનાવ્યું હોવાથી સાચો આંક તો ઈશ્વર જ જાણે.

આ કવિતા નાકાગાવા અને અરાકાવા નદીકાંઠાઓ પર જેઓને બળજબરીથી જીવતા રહેંસી નખાયા હતા એ લોકોને સીધું સંબોધન છે. પોતે શું કરવું જોઈએની અસમંજસથી કાવ્યારંભ થાય છે. કત્લેઆમ તો કવિના જન્મના દસ વર્ષ પહેલાં થઈ ચૂક્યો હતો. તમામ અભાગીયાઓને નદીતટે દફનાવી દેવાયા હતા. કાવ્યાંતે ખ્યાલ આવે છે કે આજે કવિ જીવનના પાંચ દાયકા વિતાવી ચૂક્યા છે. મતલબ, હત્યાકાંડ અને કવિતાની વચ્ચે સાંઠ-સાંઠ વર્ષોનાં વ્હાણાં વાઈ ચૂક્યાં છે. છ દાયકાઓ બાદ આજે આ નદીકાંઠાઓ કવિને નિરાકાર ચહેરાઓથી ભર્યાભર્યા દેખાય છે. મનુષ્ય સંવેદનાની આ પરાકાષ્ઠા છે. સામૂહિક નરસંહાર બાદ ગાયબ સગાંઓના મૃતદેહની આશામાં જે લોકોએ અહીં આંટાઓ માર્યા હશે, તેઓ આ જગ્યાને ટેકી-ક્યો, યાને શત્રુ-રાજધાની કહે છે.

અહીંથી કવિતાનો બીજો ભાગ પ્રારંભાય છે, જેમાં કથકના મૃતકો સાથેના એકતરફી સંવાદમાં મૃતકોનું વિવરણ ઉમેરાય છે. કથક કહે છે કે હું તમારું નામ લીધા વિના તમને આહ્વાન કરું છું. નામ તો લેવુંય કઈ રીતે? છ હજારથી વધુ લોકોની ઓળખ ઉપર છ દાયકા જેટલી ધૂળ ફરી વળી છે. સામૂહિક મોતનો એ સમયે થયેલ નગ્ન નાચ, કથકની નજર સમક્ષ તાદૃશ થઈ રહ્યો છે, અને કથક સંજયદૃષ્ટિના માધ્યમથી આપણને પણ એ તાંડવના સાક્ષી બનાવે છે. કવિ અલગ-અલગ રીતે કમોતને વરેલાઓને પોકારે છે. હાથ પીઠ પાછળ બાંધી દઈને અસહાય કરી દેવાયેલાઓ, કુહાડીઓથી વધેરાયેલાઓ, ગોળી મારીને મોતને ઘાત ઉતારાયેલાઓ અને લાતો મારી-મારીને નદીમાં ફેંકી દેવાયેલાઓને કવિ જુએ છે. મરનારાંઓમાં સગર્ભા સ્ત્રીઓ પણ હતી અને યુવાનો પણ હતા, અભ્યાસ માટે આવેલ વિદ્યાર્થીઓ પણ હતા અને ગાડાં સાથે જનાવરોની જેમ જોતરી દેવાયેલાઓ પણ હતા. ખેડૂતો કે ખેતમજૂરોનો પાક બળજબરીથી છીનવી લઈ જાપાની સૂદખોરોએ એમને ગાડાં સાથે જોતરી દઈ મોતને ઘાટ ઉતાર્યા હતા. નરસંહાર પાછળનો એક હેતુ છતો થાય છે. અફવાઓ હત્યાકાંડનું એકમેવ કારણ નહોતી. ધિરાણના બદલમાં લૂંટેલા પાકનો હિસાબ ન આપવાની બદદાનત પણ આ નૃશંસતા પાછળનું એક પરિબળ હતું. કવિનું કામ ઈશારો કરવાનું. એક વાત કહે અને દસ આપણા પર છોડી દે. કવિએ એક કારણ આપ્યું, બાકીના આપણે સમજવાના. જાપાની સમાજ લડવૈયા(સમુરાઈ), ખેડૂતો, કારીગરો અને વેપારીઓ –ચાર જાતમાં વહેંચાયેલો હતો. વિદેશીઓને તેઓ ચાર વર્ણથી ઉતરતા ‘ઇટા’ (eta) (પારાવાર ગંદકી) અને હિનીન (hinin) (અમાનવ) ગણતા. અફવાઓ અને આગ-લૂંટના ડર કરતાં વિશેષ તો જાપાનીઓના દિલમાં વર્ષોથી કોરિઅન લોકો માટે પ્રવર્તતી નફરતે આ અત્યાચારમાં પ્રમુખ ભાગ ભજવ્યો હતો.

કવિતાના ત્રીજા ભાગમાં સ્વાવલોકન છે. હજારો વર્ષ પહેલાં આદિમાનવોએ ગુફાઓમાં દોરેલાં હરણોનાં ચિત્રો ઝાંખા હોવા છતાં ઇન્ફ્રા-રેડ લાઇટની મદદથી આજેય જોઈ શકાય છે, એ યાદ કરીને કવિ વિમાસે છે કે છે…ક પ્રાગૈતિહાસિક કાળ સાથે સંપર્ક કરવાને સમર્થ હું, સાંઠ વર્ષ પહેલાંના મૃતકોને જાણતો સુદ્ધાં નથી. કેવી વિડંબના! કેવી સંવેદનશૂન્યતા! દૂરાતિદૂરનું જોવાની દૃષ્ટિ તો આપણે કેળવી લીધી, પણ નજીકનું જોઈ શકતા નથી. હજારો વર્ષ પહેલાંનો ઇતિહાસ આપણને વહાલો છે, પણ નજીકના ભૂતકાળમાં આપણા જ ભાઈભાંડુઓએ જેમના અસ્તિસ્ત્વને બર્બરતાથી ભૂંસી નાંખ્યાં હતાં એ તરફ નથી આપણું ધ્યાન, નથી દૃષ્ટિ! આ લાગણીહીનતા કથકની જ નહીં, સમસ્ત સમાજની વાસ્તવિક પિછાન છે. તમે લોકો કેટલા હતા? સેંકડો? વધારે? વગેરે સવાલો પૂછીને કથક પોતાની અજ્ઞાનતાને, અસંવેદનશીલતાને અધોરેખિત કરે છે.

પોતે શું કરવું જોઈએની જે અસમંજસથી કવિતા શરૂ થઈ હતી, કવિ આપણને પુનઃ ત્યાં જ, વિનાશના વર્તુળનો ચકરાવો ફેરવીને લઈ આવે છે. મૃતકો તો આતતાયીઓની જઘન્ય લાલસાનો ભોગ બનીને દફનાવાઈ ચૂક્યા છે, જ્યારે કથક જેવા જીવિત લોકો ક્યારેક જે નદીઓમાં નિર્દોષોનું લોહી વહેતું હશે એ જ નદીઓને શાંતિથી પાર કરે છે. જે ગલીઓમાં નિઃસહાય નરસંહારનો નગ્ન નાચ થયો હશે, એ જ ગલીઓમાં આજે લોકો એ ઘટનાઓથી નાવાકેફ થઈને કે એમ હોવાનો ડોળ કરીને રખડપટ્ટી આચરે છે. પોતે શું કરવું જોઈએની વિમાસણને કવિ ‘મારે’ના સ્થાને ‘અમારે’ મૂકીને વિસ્તારે છે. સ્વ સર્વ બને છે. નાનકડા શબ્દફેરની મદદથી કવિ નિજી વિક્ષુબ્ધતામાં સહુને અનાયાસ જોડી દે છે. કથકનો પોઇન્ટ ઑફ વ્યૂ આપણો બની રહે છે. કેવળ સાક્ષી ન રહેતાં, આપણે હવે એ દૃશ્યોનો એક ભાગ બની ગયાં છીએ. જુલ્મગારોના હાથમાં ક્યાંક આપણો પણ હાથ-સાથ હોવાની પ્રતીતિ આપણને કોરવા માંડે છે.

સપ્ટેમ્બર મહિનામાં બનેલી બીનાનું સ્મરણ કરીને કવિ મૃતકોને અને આપણી અંદર મરી પરવારેલ સંવેદનાને સવાલ કરે છે કે હવે શું કરીશું? સપ્ટેમ્બર ફરી આવી ગયો છે અને કૈનાસ ફરી ખીલી રહ્યાં છે. આ ફૂલોને શું આપણે ફરી મસળી નાંખીશું? ક્યાં સુધી ઇતિહાસનું પુનરાવર્તન થતું રહેશે? દુનિયામાં કોઈ કાળ કે કોઈ સ્થળ એવા નહીં હોય, જ્યાં એક યા બીજા કારણોસર કાન્ટો કે જલિયાંવાલા બાગ જેવા હત્યાકાંડ નહીં થયા હોય. માણસની મૂળભૂત તાસીર જ જંગલિયત છે. સમાજ નામની ધૂંસરી બાંધી ન હોય, સભ્યતા નામની લગામ પહેરાવી ન હોય કે સજા નામનો અંકુશ પીઠ કોચવા તૈયાર ન હોય તો માણસ કાન્ટોકાંડ જ કરે. કાન્ટોકાંડમાં જોતરાયેલા જાપાનીઓને ખબર હતી કે મુલ્કના રખેવાળો તરફથી એમણે કોઈ જાતનો ડર નથી, ઊલટું ખુલ્લું સમર્થન છે. એ વિના અંદર લપાઈ રહેલી પશુતા આમ બહાર આવે જ નહીં. વિલિયમ ગોલ્ડિંગની ‘લૉર્ડ ઑફ ફ્લાઇઝ’ નામની સાવ ટબૂકડી નવલકથાએ દુનિયા આખીને હચમચાવી નાંખી હતી એનું કારણ એ જ હતું કે એણે માણસના સાચા સ્વ-ભાવ, માણસના અંતર્નિહિત પશુપણા સામે અરીસો ધર્યો હતો.

એક તરફ પાડોશી મુલ્કોમાંથી જાપાન આવી વસેલ નાગરિકોના નામ અને ગુસ્સો એમના લોહીની જેમ જ આ નદીમાં વહી ગયા છે અને બીજી તરફ પુષ્પો ખીલી રહ્યાં છે. ઇત્સુકોએ ફૂલો જેવું સર્વનામ વાપરવાના બદલે કેન્ના લીલી યાને કે કૈનાસ ફૂલોનું નામ કવિતામાં પ્રયોજ્યું છે. મૃતકોની ગુમનામીની સામે ફૂલનું નામ મૂકીને કવિએ વિરોધાભાસ તીવ્રતર બનાવ્યો છે. આ અગાઉ પણ કવિતામાં નાકાગાવા નદી અને કોમેડો શહેરનો નામોલ્લેખ કવિએ કર્યો છે, એ પણ કદાચ આ જ અનુભૂતિને બળવત્તર બનાવવા માટે જ. કવિતામાં નાની નાની પ્રયુક્તિઓ પણ કેવી અર્થસભર હોય છે એ સમજાય છે.

સમયની નદીએ જેમના ઉપરથી વહી જઈને જેઓનાં નામનિશાન ભૂંસી નાંખ્યાં છે, એમને એમના પછીની પેઢીઓ અડધા દાયકાથીય વધુ સમયથી પગ તળે કચડતી આવી છે. સમય બદલાઈ ગયો પણ માણસ બદલાયો નહીં. એક સમયે માણસે જીવતા માણસોને કચડી નાંખ્યા, આજે માણસ એમની સ્મૃતિઓને કચડી રહ્યો છે. ઇતિહાસ સાક્ષી છે… કેવળ સમય બદલાતો રહે છે, માણસ અને એની અંદર સતત જીવતો રાક્ષસ નથી કદી બદલાતો, નથી કદી મરતો… સમયાંતરે આ દાનવ માનવ ઉપર હાવી થતો જ રહે છે અને નાકાગવા અને અરાકાવા નદીઓના કાંઠાઓ રક્તરંજિત અને શરમરંજિત થતા જ રહે છે….

ગ્લૉબલ કવિતા : ૨૩૫ : ક્યારેક – શીનાઘ પ્યુ

Sometimes

Sometimes things don’t go, after all,
from bad to worse. Some years, muscadel
faces down frost; green thrives; the crops don’t fail,
sometimes a man aims high, and all goes well.

A people sometimes will step back from war;
elect an honest man, decide they care
enough, that they can’t leave some stranger poor.
Some men become what they were born for.

Sometimes our best efforts do not go
amiss, sometimes we do as we meant to.
The sun will sometimes melt a field of sorrow
that seemed hard frozen: may it happen for you.

– Sheenagh Pugh


ક્યારેક

ક્યારેક બદમાંથી ચીજો બદતર નથી બનતી જરા,
ને જીરવી લે દ્રાક્ષ પણ હિમપાતને વરસોવરસ;
હરિયાળી ફૂલે-ફાલે, ને પાકેય નિષ્ફળ જાય ના,
ક્યારેક પાસાં સૌ પડે પોબાર, છો ઊંચું હો લક્ષ.

ક્યારેક લોકો પાછી પાની પણ કરી દે યુદ્ધથી;
ઈમાનદારોને ચૂંટે, ને રાખે એ દરકાર કે
કોઈ અજાણ્યો પણ ગરીબીમાં ન સબડે ભૂલથી.
કેટલાક લોકો જન્મનો જે હેતુ હો એ સર કરે.

ક્યારેક કોશિશ શ્રેષ્ઠતમ એળે ન જાતી આપણી,
ક્યારેક જે ધાર્યું હો કરવા, એ પૂરું કરવા મળે;
સંતાપનું મેદાન જે થીજ્યું પડ્યું હો કાયમી
પીગાળશે ક્યારેક સૂરજ: આવું તમને પણ ફળે.

– શીનાઘ પ્યુ
(અનુ. વિવેક મનહર ટેલર)


મોટું કોણ? કવિ કે કવિતા? કળા કે કળાકાર?

કયા મા-બાપને પોતાનું બાળક પોતાના પેંગડામાં પગ નાંખે એ ન ગમે? સંતાનની પ્રગતિ તો સહુને ગમે, ખરું ને? સંતાન પોતાને ઓવરેટક કરી જાય તો મા-બાપની છાતી ફાટફાટ થાય. પણ આ જ વાત કળાના ક્ષેત્રમાં અલગ પરિણામ આણે છે. સર્જક જન્મદાતા હોવા છતાં ક્યારેક એને પોતાનું જ સંતાન- પોતાનું જ સર્જન પોતાને અતિક્રમી જાય એ ન ગમે એવું બનતું હોય છે. રચનાની આભા સામે સર્જક તો ઠીક, સર્જકનું અન્ય તમામ સર્જન સુદ્ધાં વામણું બનીને રહી જાય ત્યારે આવો અણગમો ખાસ જોવામાં આવે છે. જો કે સર્જન સર્જક ઉપર હાવી થઈ જાય ત્યારે એ કાળાતીત-અમર થઈ જાય છે. ચાલો, આજે આપણે આવી જ એક કવિતાની વાત કરીએ.

શીનાઘ પ્યુ. કવયિત્રી, નવલકથાકાર, અનુવાદક અને વિવેચક. ૨૦-૧૨-૧૯૫૦ના રોજ બર્મિંગહામ, ઇંગ્લેન્ડ ખાતે જન્મ. હાલ પતિ સાથે શેટલેન્ડ રહે છે. નિવૃત્તિ સુધી યુનિવર્સિટીમાં સર્જનાત્મક લેખન શીખવતાં. સાયબરસ્પેસના શોખીન. કહે છે,’ હું પુષ્કળ સમય ઓનલાઇન વેડફું છું.’ શીનાઘની કવિતા વાસ્તવ અને કલ્પના તથા ઇતિહાસ અને સાંપ્રતતાની વચ્ચેના ‘નો-મેન્સ લેન્ડ’માં લઈ જતી કવિતા છે. એમની ભાષાની સરળતા બહુધા ભ્રામક છે, જરાક ઉત્ખનન કરતાં જ કંઈક અણધાર્યું જ હાથમાં આવી ચડે એવી. કરકસરયુક્ત શબ્દ-પ્રયોજન તથા કાવ્યસ્વરૂપના યોગ્ય સંમાર્જનના કારણે એમની કવિતાઓ ભાવકને સ્પર્શી જાય છે. ભૌગોલિક દૃષ્ટિએ તેઓ એંગ્લો-વેલ્શ કવિ કહેવાય પણ સ્થળ, ઇતિહાસ અને સંસ્કૃતિઓને બહોળા ફલક પર આવરી લેતી એમની રચનાઓને જોતાં એમને વિશ્વનાગરિક ગણવા વધુ ઉચિત કહેવાય.

પ્રસ્તુત કવિતા ‘ક્યારેક’ અભૂતપૂર્વ લોકપ્રિયતા પામી છે. અસંખ્ય લોકો માટે આ કવિતા આશાનું કિરણ બની છે. ડગલે ને પગલે લોકોએ એને ટાંકી છે. શાળાઓના અભ્યાસક્રમ, પરીક્ષાઓ, શોકસભાઓમાં -આ કવિતા ક્યાં નથી વપરાઈ અને ક્યાં નથી વપરાઈ રહી એ સવાલ મોટો થઈ પડે એમ છે. ‘न भूतो न भविष्यति’ લોકપ્રિયતા પામેલી આ કવિતાને એના સર્જક જો કે બેહદ નફરત કરે છે. તેઓ બ્લૉગ પર લખે છે કે, ‘આ કવિતા તમારે બિનવ્યાવસાયિક હેતુસર જ્યાં વાપરવી હોય ત્યાં વાપરો, પણ મારું નામ વાપરશો નહીં.’ કવિતા નીચે નામ લખવાનું રહી જાય તો કવિ હોબાળો મચાવી દે એવા જમાનામાં શીનાઘ પોતાનું નામ આ કવિતા નીચે ન લખવા ભારપૂર્વક કહે છે. તેમના મતે આ તેમનું પ્રતિનિધિ કાવ્ય નથી. એ એમની સાચી શૈલી અને સર્ગશક્તિ રજૂ કરતું નથી. લોકોએ કવિને ઝાટ્ક્યા પણ છે કે, ‘તમારે જ કવિતાની ગુણવત્તા નક્કી કરવી હતી તો રાખવી હતી તમારી પાસે. લખો એવી કવિતા જે આને ટપી જાય.’ – કહો તો, કોઈપણ કવિ આ વાતનો શો જવાબ આપી શકે? સાચે, લોકોથી મોટો વિવેચક કોઈ નથી. શીનાઘ કહે છે કે જો પહેલાથી ખબર હોત કે આ કાવ્ય આવું લોકપ્રિય બનશે તો એમણે વધુ મહેનત કરી હોત. ખેર, ‘ક્યારેક’ આવું પણ બને છે!!!

આ જ રીતે આર્થર કોનન ડોયલ શેરલોક હૉમ્સથી વાજ આવી ગયા હતા. એમને મન એમની ઐતિહાસિક નવલકથાઓનું સાહિત્યિક મૂલ્ય વધુ હતું. હૉમ્સની લોકપ્રિયતાથી હારી-કંટાળી-થાકીને લેખકે એક વાર્તામાં આખરે શેરલોકને મારી નાખ્યો. પણ વિરોધનો એવો તો પ્રચંડ જુવાળ ઊઠ્યો કે લેખકે મજબૂર થઈ એને પુનર્જીવિત કરવાની ફરજ પડી. અગાથા ક્રિસ્ટી પણ ‘હરક્યુલ પોઇરો’થી આવી જ રીતે હેરાન-પરેશાન હતાં, કેમકે પ્રકાશકો એ સિવાય કશું લખવા જ નહોતા દેતા. ‘અ ક્લોકવર્ક ઓરેન્જ’ની પ્રસિદ્ધિ અને બાકીના કામ તરફ સેવાતા દુર્લક્ષથી એના સર્જક એન્થની બર્ગેસ પણ વ્યથિત રહેતા. ફ્રાન્ઝ કાફ્કાને પણ સળગાવવાના રહી ગયેલ અધૂરાં લખાણ- ‘ટ્રાયલ’, ‘કેસલ’ અને ‘અમેરિકા’એ અમરત્વ આપ્યું. ‘વીની-ધ-પૂ’ના સર્જક મિલ્ને વીનીને ધિક્કારતા હતા કારણ કે વીનીની ચકાચૌંધના કારણે એમનું બાકીનું સર્જન પોંખાયું નહીં. હવે સમજાયું ને કે શીનાઘને પણ આ રચના સાથે શા માટે લવ-હેટનો સંબંધ છે!

એંસીના દાયકામાં એક ઓળખીતા ખેલાડીને કોકેનના વ્યસનથી મુક્તિ અપાવવાની આશાએ એમણે આ કવિતા લખી હતી, એટલે સ્વાભાવિકપણે તેઓ સર્જનકાળે પૂરતા ગંભીર નહોતાં. ચાર-ચાર પંક્તિના ત્રણ અંતરાવાળું આ ગીત આયમ્બિક પેન્ટામીટરમાં લખાયું છે પણ આખરી બંધને બાદ કરતાં કવયિત્રીએ ચુસ્ત પ્રાસ મેળવવાની દરકાર રાખી નથી. ઘણી ભાષાઓમાં આનો અનુવાદ થયો છે પણ વિતાલી અશ્કેનાઝીએ કરેલ રશિયન અનુવાદ શીનાઘને પોતાની મૂળ રચના કરતાં વધુ ગમે છે. ગુજરાતીમાં અનુવાદ કરતી વખતે અ-બ-અ-બ પ્રકારની પ્રાસરચના અને અપૂર્ણાન્વય (enjambment) ને અવગણીને પંક્તિ વધુ સુગમતાથી આસ્વાદ્ય બને એનું ધ્યાન રાખ્યું છે.

‘ક્યારેક’ શીર્ષક પરથી સમજી શકાય છે કે આ વાત રોજમરોજની કે કાયમની નથી પણ કદીમદીની છે. કવિતા આમ તો વિધેયાત્મક્તા અને આશાની કવિતા છે, પણ એ ‘હંમેશા’ નહીં, ‘ક્યારેક’ જ પરિપૂર્ણતામાં પરિણમે છે. એટલે પહેલી નજરે હકારાત્મક લાગતી રચના આમ તો નિરાશાઓથી ભર્યાભાદર્યા જીવન તરફ ઇશારો કરે છે, પરંતુ લોકોને તો પહેલી નજરે દેખાતી ‘કહીં લાખો નિરાશામાં અમર આશા છુપાઈ છે’ (મણીલાલ દ્વિવેદી)વાળી વાત જ વધુ સ્પર્શી છે. જીવનમાં Roses roses all the way ભાગ્યે જ હોય છે, પણ ક્યારેક એવુંય બને કે ચીજો બદમાંથી બદતર નથી બનતી. બ્રિટનની કવિતા છે એટલે દ્રાક્ષની વાડીઓ અને હિમપાતનું જોખમ કવિતામાં સ્થાન મેળવે છે. કવિએ ગ્રેપ્સના બદલે મસ્કાડેલ શબ્દ પ્રયોજ્યો છે. મસ્કાડેલ એટલે સફેદ વાઇન જેમાંથી બનાવવામાં આવે છે એવી દ્રાક્ષની એક જાતિ. બીજો અર્થ મસ્કતની દ્રાક્ષ એવો પણ કરાયો છે, જોકે વિકીપીડિયાને એનો વિરોધ છે. કવિ કહે છે, ક્યારેક વરસો સુધી દ્રાક્ષનો પાક હિમપ્રપાતને જીરવી જાય એવુંય બને. હવામાન સામેની લડાઈમાં ક્યારેક વરસોવરસ દ્રાક્ષ વિજયી નીવડે, ચોતરફ હરિયાળી ફૂલે-ફાલે, પાક પણ નિષ્ફળ ન જાય, માણસ ઊંચુ નિશાન તાકે અને સફળ થાય. બધું થઈ શકે પણ ક્યારેક, કાયમ નહીં! જીવનમાં સૌ પાસાં પોબારા પડે એવુંય બને, પણ ‘ક્યારેક’, હં કે!

કવિનો આશાવાદ આટલેથી અટકતો નથી. વ્યક્તિગત સફળતાઓથી આગળ વધીને તેઓ સમાજ અને સમસ્ત દુનિયાને પણ સાંકળી લે છે. ઇતિહાસમાં કદાચ એકેય પાનું એવું નહીં હોય, જેના પર યુદ્ધના લોહિયાળ છાંટા ઊડ્યા ન હોય! પણ કવિને તો એવો દિવસ નજરે ચડે છે, જ્યારે માણસજાત યુદ્ધથી પાછી પાની કરે. ક્યારેક આમ થશે એવી કવિને આશા છે. ક્યારેક લોકો ચૂંટણીમાં પ્રામાણિક માણસની વરણી કરે એવીય આશા છે. વાસ્તવિક્તા તો એ છે કે આજે ચૂંટણીમાં ઉમેદવારી નોંધાવનારાઓમાં પ્રામાણિક માણસને શોધવો એ રાતના અંધારામાં ઘાસની ગંજીમાંથી સોય શોધવા બરાબર કે ખકુસુમવત્ કાર્ય છે. પણ શીનાઘને તો લોકો સામે ચાલીને પ્રામાણિક માણસોને મત આપીને ચૂંટી કાઢતા હોય એવું રામરાજ્ય દૃષ્ટિગોચર થાય છે. વળી કવિ આપણને એ યુટોપિયામાં લઈ જાય છે, જ્યાં લોકો કોઈ અજાણ્યો માણસ પણ ભૂલથીય ગરીબીમાં સબડે નહીં એની દરકાર કરતા હોય. સગાં ભાઈ-બહેન મિલકત માટે કાપાકાપી પર ઉતરી આવતા હોય એવા ઘોર કળિયુગમાં લોકો સાવ અજાણ્યા માણસો અજાણતાંય નિર્ધન ન રહી જાય એની કાળજી લેતાં હોય એવો સોનાનો સૂરજ કવિને ક્યારેક તો ક્યારેક પણ ઊગતો દેખાય છે. વળી, કવિનો આશાવાદ તો માણસો પોતે જે થવા સર્જાયા હોય એ જ બને ત્યાં સુધી લંબાય છે. આપણી ચોપાસ એવા સેંકડો માણસ નજરે ચડશે, જેઓ બનવા કંઈ માંગતા હોય અને બની કંઈ ગયા હોય. જિંદગી કોને કયા રસ્તે ઢસડી જશે એ કોઈ કહી શકતું નથી. પણ કવિ એ કલ્પદ્વીપ દેખી રહ્યાં છે, જ્યાં દરેક માણસ પોતાની મનોકામનાઓ પૂરી કરી પોતે જે બનવા સર્જાયા હોય, એ જ બને છે.

આગળની પંક્તિઓમાં પણ આ આઠ પંક્તિઓની પુનરોક્તિ જ સંભળાય છે. ક્યારેક એવુંય બનતું હોય છે કે આપણા શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ પ્રયત્નોના ગળામાં વિધિ સફળતાની વરમાળા પહેરાવે. ક્યારેક એવું બને છે કે આપણે જે કરવા ધાર્યું હોય એ સાચે જ કરી શકીએ. દુનિયાદારીની આડખીલી પગમાં વચ્ચે નડતી નથી. પીગળવા જ ન કરે એવા હઠીલા અને બરફાચ્છાદિત કાયમી દુઃખના મેદાનને ક્યારેક સમયનો સૂર્ય પીગાળી દે છે. અહીં ‘ફિલ્ડ’નો તરજૂમો ‘ખેતર’ કરવા મન લલચાઈ શકે છે કેમકે આગળ દ્રાક્ષ, હરિયાળી અને પાકની વાત આવી ચૂકી છે પણ કારણકે કવિતા એક ખેલાડીને માટે લખાઈ છે, અહીં (રમતનું) મેદાન શબ્દ જ ઉચિત ગણાશે. બીજું, કવિ તો હકીકતમાં બરફ (snow) લખવા માંગતાં હતાં. કેમકે જે ખેલાડી માટે આ લખાયું એ ખેલાડી કોકેઇનનો બંધાણી હતો અને કોકેઇનનો સફેદ રંગનો ભૂકો બરફની છીલ જેવો જ હોય છે. પણ આજે જેમ ઘણાબધા કવિઓ કવિતા લખવા માટે કાગળ-કલમ વાપરવાને બદલે સીધા કમ્પ્યુટર કે હવે તો મોબાઇલમાં જ ટાઇપ કરે છે, એમ આ કવિતા ટાઇપ કરતી વખતે કવિથી ભૂલ થઈ ગઈ અને સ્નૉના સ્થાને સંતાપ (sorrow) ટાઇપ થઈ ગયું. ટાઇપ કરી દેવાયા પછી કવિને મૂળ વિચાર કરતાં આ ભૂલ વધુ ગમી ગઈ એટલે એમણે ભૂલ સુધારી નહીં. હકીકત એ છે કે બરફના સ્થાને સંતાપ શબ્દ જ આ રચનાને કાવ્યકક્ષાએ લઈ જવામાં વધુ સહાયક નીવડ્યો છે. શીનાઘ કહે છે: ‘હું ઘણીવાર મારા કી-બૉર્ડને આ રીતે સર્જનાત્મક પ્રક્રિયામાં જોડાવા દેવામાં માનું છું.’ ભાઈ, વાહ!

બાર પંક્તિની આશાવાદી કવિતાની આખરી અર્ધપંક્તિ આ કવિતાની અપ્રતિમ લોકચાહના માટેનું ખરું કારણ છે. આપણે સૌ જાણીએ છીએ કે આ કવિતામાં જે સુખની વાતો કરાઈ છે એ હકીકતે કોની પર લગાડેલા ગોળ જેવી છે. વાસ્તવમાં તો જીવનમાં મોટાભાગે ખરાબ વધુ ખરાબ જ બને છે, પાક અવારનવાર નિષ્ફળ જાય છે, ધાર્યું નીવડતું નથી, અકારણ યુદ્ધો થતા રહે છે, અપ્રામાણિક માણસો જ ચૂંટાઈને આગળ આવે છે, ગરીબોની અને અજાણ્યાઓની આપણે મોટાભાગે ઉપેક્ષા જ કરીએ છીએ અને આપણામાંથી મોટાભાગનાને એ જ વાતનો અફસોસ હોય છે કે આપણે જે બનવા માટે જન્મ્યા હતા, એ બની શક્યા નથી, મોટાભાગની કોશિશો વ્યર્થ જાય છે, કરવા કંઈ ઇચ્છીએ છીએ અને થાય છે કંઈ, દુઃખના મેદાન કદી સાફ થતા જ નથી, જીવનમાં સુખનો સૂરજ કદી ઊગતો નથી. સરવાળે, જિંદગીમાં સૌને દુઃખ વધુ અને સુખ ઓછાં, નિષ્ફળતા ઝાઝી અને સફળતા જૂજ, લાચારી પુષ્કળ અને આઝાદી થોડાં જ મળ્યા હોવાનો અસંતોષ બહોળો અને ધાર્યું થયું હોવાના સુખ-સંતોષ અલ્પ જ અનુભવાય છે. પણ આ કવિતાની આખરી અર્ધપંક્તિ અમર્યાદિત આશાની વાત કરે છે જે સમગ્ર મનુષ્યજાતિની એકમાત્ર ઝંખના હોવાથી આ અર્ધપંક્તિ કવિતાની સફળતાની ગુરુચાવી બની ગઈ. કવિ કહે છે, જીવનમાં જે બધી જ સકારાત્મક વસ્તુઓ ક્વચિત્ જ ફળતી હોય છે, એ બધી જ કાશ! તમને ફળે! સામી વ્યક્તિ માટે મહત્તમ સુકામનાઓ વ્યક્ત કરતી હોવાના કારણે આ અતિસરળ પંક્તિ લોકોના દિલમાં કાયમ માટે સફળતાપૂર્વક કંડારાઈ ગઈ.

આશા એકમાત્ર એવું તણખલું છે જેના સહારે માનવજાત અસ્તિત્વના પહેલા દિવસથી આજદિન લગી જીવનસાગરમાં તરતી આવી છે અને અસ્તિત્વ ટકશે ત્યાં સુધી એના આધારે જ તરતી રહેશે. જીવનમાંથી આશા કાઢી લો તો શું બચે? પ્રાણવાયુ જે ફેફસાં માટે, એ જ આશા જીવન માટે છે. રાતના અંધારામાં માણસ આંખ મીંચીને માત્રને માત્ર એ જ કારણોસર ઊંઘી શકે છે કે રાત ગમે એટલી અંધારી કેમ ન હોય, સવાર તો પડવાની જ છે. માણસને જો એવી ખાતરી થઈ જાય કે આવતીકાલે સવાર પડવાની જ નથી, તો એ કદાચ ઊંઘી જ ન શકે. બર્નાર્ડ વિલિયમ્સે કહ્યું હતું: ‘એવી કોઈ રાત કે સમસ્યા છે જ નહીં જે સૂર્યોદય કે આશાને હરાવી શકે.’ દુઃખના દિવસો આપણે બેળેબેળે પણ એ કારણોસર જ પસાર કરી શકીએ છીએ કે દિલમાં ઊંડે ઊંડે એ આશા છૂપાયેલી હોય છે કે સુખના દિવસ આવશે જ. ઇસુના ૨૭૦ વર્ષ પૂર્વે થિઓક્રેટસે કહ્યું હતું: ‘જ્યાં જીવન છે, ત્યાં આશા છે.’ ઈસ્લામમાં તો અલ્લાહમાંના ભરોસાને જ આશા કહી છે. શેક્સપિઅર પણ કહે છે કે દુઃખી માણસો પાસે બીજી કોઈ દવા નથી, સિવાય કે આશા. મોટા મોટા મહાપુરુષો અને સંતો કહી ગયા કે આજમાં જીવો પણ માનવજાત પાસે જો આવતીકાલની આશા ન હોય તો એની આજ પણ શૂન્ય જ થઈ જાય. મૃત્યુ ગમે એટલું અફર કેમ ન હોય, માણસ જીવે છે જ એટલા માટે કે એને ખાતરી છે કે એ કાલે સવારે ઊઠવાનો જ છે, ભલે પછી મોઢેથી એ ‘કાલ કોણે દીઠી છે’નું પોપટિયું રટણ કેમ ન કરતો હોય!

સર્જકની સર્જન પરની માલિકી આમેય અલ્પજીવી જ ગણાય. કેવળ સર્જનની પળે જ સર્જક સર્જનનો સ્વામી ગણાય. એકવાર શબ્દો કાગળ પર મંડાઈ ગયા નથી કે એ પરાયા થઈ ગયા નથી. સર્જક મટી જાય છે પણ અક્ષર મટતા નથી, કદાચ એટલે જ આપણે એને અ-ક્ષર કહેતા હોઈશું ને! શીનાઘની આ કવિતા આશાનો બુસ્ટર ડોઝ છે. એ ‘ક્યારેક’ ‘ક્યારેક’ની આલબેલ પોકારે છે પણ આપણને એમાંથી ‘હંમેશા’ ‘હંમેશા’નો જ પડઘો સંભળાય છે. એ ‘આવું તમને પણ ફળે’ કહે છે ત્યારે આપણા હાથમાંથી બધા હથિયાર હેઠાં પડી જાત છે અને આપણે આ કવિતાને આશ્લેષમાં લેવા દોડતા હોવાનું અનુભવાય છે. ‘ક્યારેક’ શબ્દ નાની-નાની આશાઓનો સમાનાર્થી બનીને આપણી પાસે આવે છે. આ કવિતાએ નિષ્ફળતાની ચરમસીમા પર ઊભેલા ઢગલાબંધ લોકોનો હાથ ઝાલીને સંજીવની બક્ષી છે. એટલે જ ક્યારેક કળા કળાકાર કરતાં મહાન સિદ્ધ થાય છે. હા, ‘ક્યારેક.’

ગ્લૉબલ કવિતા : ૨૩૦ : ગધેડો – જી. કે. ચેસ્ટરટન

The Donkey

When fishes flew and forests walked
And figs grew upon thorn,
Some moment when the moon was blood
Then surely I was born.

With monstrous head and sickening cry
And ears like errant wings,
The devil’s walking parody
On all four-footed things.

The tattered outlaw of the earth,
Of ancient crooked will;
Starve, scourge, deride me: I am dumb,
I keep my secret still.

Fools! For I also had my hour;
One far fierce hour and sweet:
There was a shout about my ears,
And palms before my feet.

– G. K. Chestorton


ગધેડો

મત્સ્ય ઊડતાં, ને વન ચાલતાં,
અંજીર ઊગતાં કાંટે,
મારો જનમ થયો છે નક્કી
રક્તિમ ચંદ્રની સાખે.

રાક્ષી શિર ને ભૂંડી ભૂંક
ને ભ્રાંત પાંખ સમ કાન,
સૌ ચોપગામાં મારી જ
ફિરકી લે કાયમ શેતાન!

મારો ભૂખે અને કોરડે,
કરો હાસ, છું મૂઢ
ધરતીનો ઉતાર છું તોયે
રાખું ગૂઢને ગૂઢ

વખત હતો મારોય, મૂર્ખાઓ!
મીઠો ને વળી ઉગ્ર:
કાન આગળ એક શોર હતો ને
પગ આગળ તાડપત્ર.

– જી. કે. ચેસ્ટરટન
(અનુ. વિવેક મનહર ટેલર)


ખરો ગધેડો કોણ?

સાપ પણ મરે અને લાઠી પણ ન તૂટે એવી કોઈ ગાળ ખરી? મતલબ, ગાળ પણ આપી દેવાય અને માથે આળ પણ ન આવે… યાદ આવે છે આવી કોઈ ગાળ? ગધેડો! ખરું ને?! કોઈને મૂર્ખ કહેવો છે? ગધેડો કહી દો. કમઅક્કલ કહેવો છે? ગધેડો કહો. નકામો કહેવો છે? ગધેડો. મજૂર કહેવો છે? ગધેડો. જક્કી કહેવો છે? ગધેડો હાજર જ છે! કદરૂપો કહેવો છે? જી હા, તમે બરાબર જ સમજ્યા. ગધેડો લાખ ગાળોની એક ગાળ છે. એકદમ હાથવગી. જો કે લાખ ડીફણાં મારતાંય અળવીતરું ન ચાલે અને કહ્યું કરે એવું પણ આ એક જ પ્રાણી છે. એના જેવું સંનિષ્ઠ ને મહેનતુ પ્રાણી જડવું મુશ્કેલ છે. પ્રશ્ન થાય કે ઈશ્વરે મજાક બનીને રહી જાય એવું આ પ્રાણી શા માટે બનાવ્યું હશે? પણ રહો, કંઈક તો હશે ને આ પ્રાણીમાં, નહિતર ચેસ્ટરટન જેવા પંડિત કવિ આખી કવિતા એના માનમાં શા માટે લખે?

ગિલ્બર્ટ કીથ ચેસ્ટરટન. ૧૯-૦૫-૧૮૭૪ના રોજ કેન્સિંગ્ટન, લંડન ખાતે જન્મ. કવિ, નવલકથાકાર, નિબંધકાર, પત્રકાર, જીવનકથાકાર, ફિલસૂફ, નાટ્યકાર, પ્રવક્તા, અને વિવેચક. પાંચ વર્ષની વયે પરિવારમાં બીજું બાળક આવ્યું ત્યારે એમણે કહ્યું હતું: ‘હવે મારી પાસે હંમેશા એક ઑડિયન્સ રહેશે.’ બાળપણથી જ અગોચરથી પ્રભાવિત. પરિવાર ઐક્યવાદ (યુનિટેરિયાનિઝમ)માં માનતો. પત્ની ફ્રાન્સિસ બ્લૉગ એન્ગ્લિકન સંપ્રદાયમાં લઈ આવી. રુઢિચુસ્ત ખ્રિસ્તી. એન્ગ્લિકનમાંથી ૩૦-૦૭-૧૯૨૨ના રોજ કેથોલિક પંથમાં પ્રવેશ્યા પછી સંકુચિતતા વધુ ગાઢી બની. પતિ-પત્નીને આજીવન બંનેના ધર્મપંથ અલગ હોવાનો વસવસો રહ્યો. કોલેજમાં ભણ્યા પણ પદવી ન લીધી. ચિત્રકામનો રસ શબ્દચિત્રોમાં પ્રતિબિંબિત થયો. ૬ ફૂટ, ૪ ઇંચ તથા ૧૩૦ કિલોગ્રામની કદાવર કાયાનું વજન જેમ જીવનમાં એમ કથન-કવનમાં પણ પડતું. કાયાની જેમ જ એમના વિરાટ વ્યક્તિત્વને પુસ્તકના પાનાંઓમાં કેદ કરવું મુશ્કેલ છે. ચેસ્ટરટને એમના ‘ફ્રેન્ડલી એનિમી’ જ્યૉર્જ બર્નાર્ડ શૉને કહ્યું હતું કે તમને જોઈને લાગે છે કે ઇંગ્લેન્ડમાં દુકાળ પડ્યો છે. બર્નાર્ડ શૉએ જવાબ આપ્યો: ‘તમને જોઈને લાગે છે કે દુકાળનું કારણ તમે જ છો.’ મોઢામાં સિગાર, માથે ટોપી અને હાથમાં તલવારયુક્ત લાકડી – આ એમનો બાહ્ય દેખાવ. સ્વભાવે એકદમ ભૂલક્કડ. ક્યાં જવા નીકળ્યા છે એ ભૂલી જાય તો પત્નીને ટેલિગ્રામ કરીને પૂછાવતા. જીવનના આખરી પાંચ વર્ષોમાં એમની બીબીસી રેડિયોટૉક્સ ખૂબ લોકપ્રિય થઈ હતી. ૬૨ વર્ષની વયે ૧૪-૦૬-૧૯૩૬ના રોજ હૃદયનો પંપ ફેઇલ થવાથી બિકન્સફિલ્ડ, ઇંગ્લેન્ડ ખાતે નિધન.

પુષ્કળ લખ્યું. ૮૦ પુસ્તકો, ૨૦૦ વાર્તાઓ, ૪૦૦૦ નિબંધો, સેંકડો કવિતાઓ અને બીજુંય ઘણું. જેમ આર્થર કૉનન ડોયલનું અમર પાત્ર શેરલૉક હૉમ્સ એમ ચેસ્ટરટનનું ધર્મગુરુ-ડિટેક્ટીવ ફાધર બ્રાઉન. ‘વિરોધાભાસના રાજકુમાર’ ચેસ્ટરટન માટે ટાઇમ મેગેઝીને કહ્યું: ‘શક્ય હોય ત્યારે ત્યારે ચેસ્ટરટન એમની વાતને લોકપ્રિય વાતો, કહેવતો અને રૂપકો વડે રજૂ કરે છે- પણ કાળજીપૂર્વક ઊલટાવી નાંખ્યા બાદ!’ જાહેરમાં વાદવિવાદમાં ભાગ લેવું પણ એમને ગમતું. ચતુરાઈ અને વ્યંગ એ એમના પ્રધાન સાધન. ધર્મશાસ્ત્ર (થિઓલોજી) વિશેના એમના અભિપ્રાયો ઊંચું સ્થાન ધરાવે છે. કહે છે કે એમણે દરેક વિષય પર કંઈક્ને કંઈક કહ્યું જ છે અને બીજા કરતાં સારું જ કહ્યું છે. વીસમી સદીના શ્રેષ્ઠ સર્જકોમાં શિરમોર.

‘હાથ કંગન કો આરસી ક્યા’ જેવું શીર્ષક કાવ્યપરિચય આપવા સ્વયંસંપૂર્ણ છે. કવિએ ‘અ ડૉન્કી’ના સ્થાને ‘ધ ડૉન્કી’ લખ્યું હોવાથી સમજાય છે કે કવિતા સમગ્ર ગર્દભજાતિને આવરી લેનાર છે. બૅલડ (કથા-ગાથાકાવ્ય)ના માસ્ટર કવિએ બૅલડ-મીટર પ્રયોજ્યું છે, જેમાં ચાર-ચાર પંક્તિના અંતરામાં એકી પંક્તિઓમાં આયંબિક ટેટ્રામીટર અને બેકીમાં આયંબિક ટ્રાઇમીટર વપરાય છે, તથા બેકી પંક્તિઓમાં પ્રાસ મેળવાય છે. કવિતા ચેસ્ટરટનના સૂક્ષ્માતિસૂક્ષ્મ ભાવજગત અને ફિલસૂફીનું સીધું પ્રતિબિંબ છે. નાનીઅમસ્તી કવિતામાં ચેસ્ટરટનની સમસ્ત વિરાટ કાયા દૃષ્ટિગોચર થાય છે: ‘વિરોધાભાસ, વક્રોક્તિ, હાસ્ય, વ્યંગ, આશ્ચર્ય, વિનમ્રતા, સીધાસાદા ગરીબ માણસોનો બચાવ અને દુનિયાદારીથી છલકાતા અને અમીર માણસોનો ઉપાલંભ.’ ફાધર બ્રાઉન શ્રેણીની જેમ જ અહીં પણ પ્રારંભિક અવગણના પછી કાવ્યાંતે હાથ લાગતું સત્ય આપણને દિગ્મૂઢ કરી દે છે.

આત્મકથનાત્મક કાવ્યવિધાનો હાથ ઝાલી ચાલતી કવિતામાં ગધેડો શરૂમાં પોતાના જન્મના સંજોગોની વિચિત્રતા વર્ણવે છે. કહે છે, જ્યારે માછલીઓ ઊડતી હશે, જંગલો ઊઠીને ચાલતાં હશે, અંજીર ઝાડના બદલે કાંટાળા છોડ પર ઊગતાં હશે અને ચંદ્ર લોહી જેવો રાતો હશે ત્યારે હું જન્મ્યો હોઈશ. બ્લડમૂનથી આપણે સહુ પરિચિત છીએ. સંપૂર્ણ ચંદ્રગ્રહણ વખતે ક્યારેક એ જોવા મળે છે. બાઇબલમાં રક્તિમ ચંદ્ર કયામતનો ઈશારો ગણાયો છે. જોએલ (૨:૩૦-૩૧) કહે છે: ‘સૂર્ય અંધારામાં અને ચંદ્ર લોહીમાં બદલાઈ જશે, ઈશ્વરના મહાન અને ભયંકર દિવસ આવતાં પહેલાં.’ ચેસ્ટરટને પણ બ્લડમૂનની ભયાવહ એંધાણીઓને જ ગધેડાના જન્મ સાથે સાંકળી હોવી જોઈએ. દુનિયા આખી તળેઉપર થઈ હશે ત્યારે ગધેડો જન્મ્યો હોવાની વાત શીરાની જેમ ગળે ઊતરી જાય છે કેમકે ગધેડો સહુના તિરસ્કાર અને અવહેલનાનું કેન્દ્ર છે. આપણા મનોમસ્તિષ્કમાં રહેલ ગધેડાની છબીને અવળવાણી વડે કવિએ યથાર્થ વાચા આપી છે.

અંગ્રેજી શબ્દ ‘Ass’ લેટિન ‘Asinus’ પરથી આવ્યો છે જેનો એક મતલબ કઢંગુ અને મૂર્ખ થાય છે. અંગ્રેજી ‘Arse’માંથી ‘આર’ ખડી પડતાં ‘Ass’નો બીજો મતલબ કૂલા પણ થયો. શેક્સપિઅરે ‘અ મીડસમર નાઇટ’સ ડ્રીમ’માં બોટમને ગધેડાનું માથું પહેરવ્યું એ પહેલાં ૧૫૫૦માં ‘Asshead’ શબ્દ વપરાયો હતો. અવગણાયેલા પ્રાણીને સન્માનનીય સ્થાને પુનરારૂઢ કરવા માટે ચેસ્ટરટન ઍસના સ્થાને ડૉન્કી શબ્દ વાપરે છે. ઓક્સફર્ડ ઇંગ્લિશ ડિક્શનરી મુજબ ક્રૂર ‘ઍસ’ની સરખામણીમાં ‘ડૉન્કી’ સૌમ્યોક્તિ છે. સર્વાન્ટિસની ‘ડૉન કિહોટે’માં સાંચો પાંઝા ડેપલ નામના ગધેડાને વાહન બનાવે છે. એન્ડી મેરીફિલ્ડ ‘વિસ્ડમ ઑફ ડૉન્કીઝ’માં લખે છે: ‘ગધેડાઓને ચરતા જોવું એ ખાસ અનુભૂતિ છે, એક જાતની સારવાર છે, એક જાતનું ધ્યાન. તમે સ્વને ખોઈ પણ બેસો છો અને પામી પણ લો છો.’ એક ઑસ્ટ્રેલિઅન કહેવત કહે છે કે તમે ગધેડાઓને મેદાનમાં ચરતાં જુઓ તો ખુરશી ખેંચી લેવાનું ભૂલતા નહીં. કલાકો પસાર થઈ શકે એવું એ જાદુઈ અને નશીલું છે. ટ્રેઝર આઇલેન્ડના અમર સર્જક રૉબર્ટ લૂઈ સ્ટિવન્સને ‘ટ્રાવેલ્સ વીથ અ ડૉન્કી ઇન સિવેન્સ’ નામની ઉત્તમોત્તમ ગણાતી પુસ્તિકા લખી છે.

ગધેડો આત્મનિંદા ચાલુ રાખે છે. પોતાના ભદ્દા શરીરનું વર્ણન કરે છે. કહે છે, મારું માથું રાક્ષસ જેવું છે, ભૂંકવું ચીડ ચડે એવું ભૂંડુભખ છે, કાન ભૂલી પડેલી, ભ્રાંત પાંખો જેવા છે. બધા ચોપગાઓમાં શેતાન ફક્ત મારા એકલાની જ ફિરકી ઉતારે છે. હું મૂર્ખ છું, મને ભૂખે મારો, કોરડા વીંઝો, મારી ઠેકડી ઊડાવો; હું ઉપહાસને જ લાયક છું. હું ધરતીનો ઉતાર છું. –આમ લગભગ આખર સુધી સુધી ગધેડો પોતાની જાતને હીણી ચિતરવામાં કંઈ જ બાકી રાખતો નથી. પણ રહો! આ ચેસ્ટરટનની કવિતા છે. ચેસ્ટરટન વિરોધાભાસના સ્વામી હતા. ગધેડો સ્વયંની ભર્ત્સના કરી રહ્યો છે કે સદીઓથી ઉપેક્ષિત રહી હડધૂત થનારા સમાજનું પ્રતિનિધિત્વ કરી આપણને ચાબખા મારી રહ્યો છે? કહેવાતો ભદ્ર સમાજ આદિકાળથી દલિતોના હક પર તરાપ મારતો આવ્યો છે, શોષણ-અપમાન-તિરસ્કાર કરતો આવ્યો છે. ચેસ્ટરટનના ગધેડાની ભૂંડી ભૂંક એટલે દુનિયાના ખૂણે-ખૂણે પથરાયેલા શોષિત વર્ગનો કાનમાં વાગે એવો તીવ્ર અવાજ.

કાવ્યાંતે એટલે જ ગધેડાનો સૂર બદલાય છે. કહે છે, હું ભલે ગામનો ઉતાર કેમ ન હોઉં પણ રહસ્ય સાચવતાં બરાબર આવડે છે. (આ સંભળાયું?- જે આપણને નથી આવડતું!) એ તડ ને ફડ વાત કરે છે. પોતાના વિશે બોલતાંય એકે શબ્દ ચોરતો નથી અને આપણને ફટકારે છે ત્યારેય નિર્મમતાથી ડંકે કી ચોટ પર કહેવું છે એ કહે છે. સીધું જ આપણને ‘મૂર્ખાઓ’નું સંબોધન ચોપડાવે છે. પોણી કવિતા સુધી પોતે પહેરેલી પાઘડી અચાનક આપણને પહેરાવે છે. કહે છે, એનોય સમય હતો. ફરી ફરીને યાદ કરી શકાય, વાગોળવો ગમે, લાખ મૂર્ખ અને ઊતરતા હોવા છતાં ગર્વ કરી શકાય એવો તીવ્ર અને મીઠો. ‘હર કુત્તે કા દિન આતા હૈ’ જેવો સુવર્ણકાળ એના જીવનમાં પણ આવ્યો હતો.

ચાલો, ફરી બાઇબલ ઊઘાડીએ! ઈસ્ટર પહેલાંનો રવિવાર ‘પામ સન્ડે’ તરીકે ઉજવાય છે અને પછીનું અઠવાડિયું પવિત્ર સપ્તાહ તરીકે. પામ સન્ડેના આગલા દિવસે ઈસુ ખ્રિસ્તે લેઝારસને પુનર્જીવિત કર્યો હતો એટલે હર્ષઘેલા પ્રજાજનોએ બીજા દિવસે જેરુસલેમમાં ઈસુની વિજેતા તરીકેની પધરામણીને વધાવી. નગરમાં પ્રવેશવા ઈસુએ પોતાની જેમ જ ન્યાતબહાર પ્રાણી પર પસંદગીનો કળશ ઢોળતાં સાથીઓને એવી ગધેડી શોધી લાવવા સૂચના આપી, જેના પર કોઈએ સવારી કરી ન હોય અને જે બિલકુલ અવાંછિત હોય. આમ તો વિજેતા રાજા નગરમાં ઘોડા પર પ્રવેશે પણ ઘોડો યુદ્ધ અને અશાંતિનું પ્રતીક છે, જ્યારે ગધેડો કદી યુદ્ધમાં જોતરાતો નથી અને એના જેવું શાંત, સ્થિતપ્રજ્ઞ પ્રાણી જડવું દોહ્યલું છે. સફેદ ગધેડો પ્રકાશ અને શુદ્ધતાનું પણ પ્રતીક ગણાતો. માદા ગર્દભ એ કારણોસર વધુ પસંદ કરાતી કે એ દૂધ પણ આપતી અને ઈઝરાઈલના લોકોને ‘જજિસ’ તથા ‘જિનેસિસ’ની આગાહીની જાણકારી હતી કે રાજા સફેદ ગધેડી ઉપર બેસીને નગરપ્રવેશ કરશે. નગરમાં ઊમટી પડેલા દુનિયાભરના લોકોએ પામવૃક્ષના પાંદડા પાથરીને, હાથમાં રાખીને, હલાવીને ગધેસ્વાર ઈસુનું હર્ષોલ્લાસભર્યું સ્વાગત કર્યું. ઈસુએ સ્વયંને ઈઝરાઈલનો રાજા ઘોષિત કર્યો અને બીજા અઠવાડિયે એમને શૂળી પર ચડાવી દેવાયા.

આ સિવાય પણ ગર્દભ વિશેના અસંખ્ય સંદર્ભો મળે છે. જુઓ: ઈસુથી હજાર વર્ષ પૂર્વે ડેવિડ પાસે રાજવી માદા ખચ્ચર હતું. એનો પુત્ર સોલોમન ઈઝરાઈલનો રાજા બન્યો એ દિવસે જંગલી ગધેડા પર સવાર થયો હતો. જેકબના પુત્ર જુદાહને આપેલ આશીર્વચનમાંય ગધેડાનો સંદર્ભ છે. બલામ નામના મસીહા વાતો કરતા ગધેડા પર સવારી કરતા. દેવદૂતની તલવારથી ગધેડો બલામને બચાવેય છે. વર્જિન મેરી પણ પેટમાં ઈસુને લઈને ગધેડા પર બેસીને બેથલેહેમ આવ્યાં હતાં. આમ, ગધેડો ભલે ગધેડે ગવાતું પ્રાણી કેમ ન હોય, બાઇબલમાં એનું સ્થાન ઊંચુ અને મહત્ત્વનું છે. કુરાનમાં પણ ગધેડાનું સ્થાન ઊંચું અંકાયું છે. જૂના-નવા કરારમાં તથા કુરાનમાં ગધેડાને વફાદાર, હોંશિયાર પ્રાણી, ડહાપણનો ભંડાર, અને પયગંબરોના વિશ્વાસુ વાહન તરીકે ચીતરવામાં આવ્યો છે. કુરાનમાં ગધેડાના અવાજને ગંદામાં ગંદો ગણાવાયો છે પણ એની સાથે જ યાફૂર નામના ગધેડાને અલ્લાહના પ્રશ્નોનો જવાબ આપતો, પોતાની જાતને પયગંબરનો વફાદાર ગણાવતો અને મહંમદ પયગંબરનો ખાસ સાથી બનતો બતાવાયો છે. મહંમદ એના પર જ ફરતા. યાફૂર જ ઘરે ઘરે જઈને દરવાજો ખખડાવતો અને ઘરમાલિકને ઈશારાથી જાણ કરતો કે પયગંબર એમને બોલાવી રહ્યા છે.

કાવ્યાંતે ગધેડો તાડપત્રની વાત કરે છે. પામ સન્ડેના સંદર્ભ સાથે એ પણ સમજવું જરૂરી છે. પ્રાચીન કાળમાં ગ્રીક-રોમન સંસ્કૃતિ -જેનો ખ્રિસ્તી વિચારધારા ઉપર ખૂબ ઊંડો પ્રભાવ રહ્યો છે-માં તાડ(પામ)નું પાંદડુ વિજય અથવા આધિપત્યના પ્રતીકસ્વરૂપે પહેરવામાં અથવા ઊંચકવામાં આવતું હતું એ કારણોસર ‘પામ’નો અર્થ વિજય સાથે સંકળાઈ ગયો. પ્રાચીન ઇજિપ્તમાં તાડપત્ર સ્મશાનમાં લઈ જવાતું અને એ શાશ્વત જિંદગીનું પ્રતીક ગણાતું. અંગ્રેજીમાં પામ એટલે હથેળી પણ થાય છે, આ અર્થનો આવિર્ભાવ પણ હથેળીની અને તાડના પાંદડાની રચના વચ્ચેના આકારના સામ્યના કારણે જ થયો હતો. હિબ્રૂ બાઇબલ અને તોરાહના ત્રીજા પુસ્તક લેવિટિકસમાં સુક્કોટ (સાતમા મહિનાના પંદરમા દિવસે ઉજવાતો તહેવાર)ની ઉજવણી માટે જે ચાર છોડને ઈશ્વરના ચરણમાં લઈ આવવાનું કહ્યું છે, એમાંનો એક તે તાડવૃક્ષ. નવા કરાર (બુક ઑફ રેવિલેશન)માં લખ્યું છે: ‘વિશાળ મેદની, ગણી ન શકાય એટલી, દરેક દેશમાંથી, દરેક જાતિ અને લોકો અને ભાષાઓમાંથી, સફેદ વસ્ત્રોમાં આવી ઊભી હતી, હાથમાં તાડની શાખાઓ લઈને.’

ગધેડો ઈઝરાઈલમાં પોતાના પર સવાર ઇસુપ્રવેશના એ સ્વર્ણિમ સમયને યાદ કરે છે જ્યારે લોકો એમના સ્વાગત માટે તાડપત્રો લઈ સજ્જ ઊભા હતા. આપણે સમજવાનું એ છે કે ઈસુના જેરુસલેમપ્રવેશ પર ચોતરફ કીડિયારું ઊભરાયું છે પણ આ બધા રંગ-રંગના લોકોની વચ્ચે એકમાત્ર ગર્દભ જ હોવાપણાંના અર્થો ભૂલીને કેવળ ઈસુસંગાથની ક્ષણોને આકંઠ માણે છે. લોકોનું ધ્યાન ઉત્સવ અને ઉજવણી તરફ છે, ગર્દભનું કેવળ ઇસુસ્પર્શ સુખમાં. બે સંદર્ભ ખૂલે છે: એક, ઈસુ જેરુસલેમમાં અને આપણા આત્મામાં ‘શાંતિના રાજકુમાર’ તરીકે પ્રવેશી ભીતરી કોલાહલ શમાવે છે. બીજું, ગર્દભ આપણી દૈહિક વાસનામય પ્રકૃતિનું પ્રતીક છે જેના પર સવાર થઈ ઈસુ એને કાબૂમાં રાખી દૂર કરે છે. ‘ઉપર-ઉપરનું જીવી રહ્યા છો, કવર જોઈને બુક ખરીદી’ જેવી બાહ્ય સંદર્ભોને જ જોવામાં રત અને આંતરિક અર્થને ભૂલી જતી આપણી સાહજિક પ્રકૃતિને ગધેડાના માધ્યમથી આ કવિતામાં ચેસ્ટરટન હળવી પણ મક્કમ ટકોર કરે છે. એ કહે છે, નાનામાં નાની વસ્તુનું પણ ઊંચામાં ઊંચું મૂલ્ય હોઈ શકે છે. દુનિયા ભલે તમને અવગણતી હોય, તમારી હાંસી ઊડાવતી હોય, પણ તમારે તમારી પોતાની કિંમત સમજવાની છે. તમે જ્યાં સુધી પોતાનું મૂલ્ય નથી સમજતા ત્યાં સુધી જ તમે ગધેડા છો, જે ઘડીએ તમે તમારી અગત્યતા, તમારા આ ધરતી પર અવતરવાનો હેતુ સમજી લો છો એ ઘડીએ તમને ગધેડો કહેનારા મૂર્ખા સિદ્ધ થાય છે. આ ઉપરાંત, ઈસુની નજરમાં, ભગવાનની નજરમાં સૌ એકસમાન છે; બધાનું લોહી એક છે; બધા સાથે એકસમાન વ્યવહાર થવો જોઈએ. ચેસ્ટરટન ગધેડાને માધ્યમ બનાવીને જે કહે છે એ વાત આપણે પરાપૂર્વથી જાણતા હોવા છતાં સમાજમાંની અસમાનતા, ઊંચ-નીચ દૂર થતાં નથી અને એ અર્થમાં ચેસ્ટરટનનો ખરો ગધેડો તો આપણે છીએ, આપણો કહેવાતો ભદ્ર સમાજ જ છે!

ગ્લૉબલ કવિતા : ૨૨૯ : પ્રિય મલિસા: – ટીસી ટોલ્બર્ટ

Dear Melissa:

I wish you (my mother once told me—mother of my child-
hood—even though water is water-weary—what is prayer if not quiet
who has made me—what hands you become when you touch—
who laid down on whose body—whose face and whose shoulders

worth shaking—what will I not hear when I look back
at you—who is not the mother of a daughter—who is not
the mother of a man—we are right to be afraid of our bodies—wind
is carried by what is upright and still moves what has) had

(been buried deep enough in the ground to be called roots—
when will this be the world where you stop—whatever broke
into you was torn by the contact—a face wears a face it can see—
what is alive is unrecognizable—need it be—who is my mother,

mother—no one—who hasn’t killed herself by
growing into someone—I’m sorry you have) never been born.

– TC Tolbert

પ્રિય મલિસા:

હું ઇચ્છું છું (મારી માએ મને એકવાર કહ્યું હતું—મા મારા બાળ-
પણની—ભલેને પાણી હોય પાણી-થાક્યું —શું છે પ્રાર્થના જો નથી શાંત
જેણે મને બનાવી છે—કયા હાથ બનો છો તમે જ્યારે તમે સ્પર્શો છો—
કોણે મૂક્યા કોના શરીર પર—કોનો ચહેરો અને કોના ખભા

હલાવવા લાયક છે— હું શું નહીં સાંભળી શકું જ્યારે હું વળીને જોઈશ
તારા તરફ—જે મા નથી એક દીકરીની—જે મા નથી
એક પુરુષની—આપણે સાચા છીએ આપણા શરીરથી ડરવામાં—પવન
વહે છે જે સીધું ઊભુ છે એનાથી અને તોય હલાવે છે જે) કે તું

(મૂળ કહી શકાય એટલે ઊંડે જમીનમાં દટાયું છે—
ક્યારે આ એ દુનિયા બનશે જ્યાં તમે અટકી શકો—જે કંઈ તૂટ્યું છે
તમારી અંદર એ ચીરાઈ ગયું છે સંપર્કથી—ચહેરો પહેરે છે ચહેરો જેને એ જોઈ શકે—
જે જીવંત છે એ ઓળખી શકાય એમ નથી—એમ જ હોવું ઘટે—કોણ છે મારી મા,

મા—કોઈ નહીં—જેણે પોતાની જાતને મારી નથી નાંખી
બીજું કોઈ બની જઈને—હું દિલગીર છું કે તું) કદી જન્મી જ ન હોત.

– ટીસી ટોલ્બર્ટ
(અનુ. વિવેક મનહર ટેલર)


કૌંસ બહાર આવું-આવું કરતી (ટ્રાન્સજેન્ડર) બાળક/કીની સંવેદના

વાંદરી અને બચ્ચાની વાર્તા જાણીતી છે. આખા દરબારે માના પ્રેમને શ્રેષ્ઠ ગણાવ્યો ત્યારે બિરબલે કહ્યું કે આત્મપ્રેમ જ સર્વોપરી, અને મા પણ અપવાદ નથી. અકબરને ખાતરી કરાવવા એક હોજમાં એક વાંદરી અને એના નવજાત બચ્ચાને મૂકીને બિરબલે પાણી ભરાવવાનું શરૂ કર્યું. પાણી વધતું ગયું એમ વાંદરી બચ્ચાને પહેલાં કેડ પર, પછી ખભા પર અને છેવટે માથા પર મૂકીને બચાવવા મથી પણ જ્યારે પાણી નાક સુધી પહોંચ્યું ત્યારે વાંદરી બચ્ચાને ફેંકી બહાર કૂદી ગઈ. આવા જ સત્યબોધ બાદ વાલિયો લૂંટારો વાલ્મિકી બન્યો હતો. ‘મા તે મા, બીજા વગડાના વા’ કહેવતમાં સારું લાગે પણ જીવનમાં સમસ્યાઓના અડાબીડ કળણમાં ખૂંપી ગયેલી મા ક્યારેક સંતાનને કહી બેસે છે કે, આના કરતાં તો મારા પેટે પાણો પાક્યો હોત તો સારું થાત. પ્રસ્તુત કવિતામાં કવિ આવી જ વાત લઈ આવ્યા છે.

ટીસી ટૉલ્બર્ટ. શું ગણીશું આપણે એને ? સ્ત્રી કે પુરુષ? કે પુરુષના શરીરમાં વસતી સ્ત્રી? ટૉલ્બર્ટ પોતાને ટ્રાન્સજેન્ડર અને જેન્ડરક્વિઅર નારીવાદી, સહયોગી, નર્તક અને કવિ તરીકે ઓળખાવે છે. એ ટ્રાન્સ અને જેન્ડરક્વિઅર કવિ અને કાવ્યશાસ્ત્રના અગ્રણી નેતા છે. પોતાની અ-જાતીયતા કે દ્વિ-જાતીયતાનો જાહેર સ્વીકાર કરી એ ખુદને ‘S/he’ કહે છે. કવિતામાં માસ્ટર ઑફ ફાઇન આર્ટ્સની પદવી મેળવી છે. ઓરેગોન સ્ટેટ યુનિવર્સિટીમાં શિક્ષક/શિક્ષિકા છે. ટક્સન, અરિઝોનાના રાજકવિ. ઇમરજન્સી મેડિકલ ટેક્નિશ્યન(EMT) તરીકે રાષ્ટ્રકક્ષાએ સર્ટિફાઇડ છે. અવિકસિત અને નિર્જન જગ્યાઓ પર પ્રવાસીઓને સાહસયાત્રા પર લઈ જવાનું કામ પણ કરે છે. એટલા બધા સામાજિક ચેતના અને પ્રવૃત્તિઓના નાનાવિધ અભિયાનોમાં સક્રિય છે કે ફક્ત નામ લખવામાં પાનાંના પાનાં ભરાઈ જાય. આપણને જે પરીકથા લાગે એ જિંદગી ટૉલ્બર્ટ જીવે છે. એ પોતાને મનુષ્યના પ્રેમમાં માનવીય કૃત્યો કરનાર એક માનવીથી વિશેષ ગણતા નથી.

એમના મુખ્ય પુસ્તક ‘ગેફાઇરોમેનિયા’ (પુલો માટેનું ઝનૂન)માં સ્ત્રી અને પુરુષ, પ્રેમી અને જાત, કે નુકશાન અને રાહતની વચ્ચે પસંદગી કરવાના બદલે જે જગ્યાએ આ દોરાહાઓ ભેગા થાય છે એ જગ્યાઓ પર એ સ્વેચ્છાએ રહેવાનું પસંદ કરે છે. ટૉલ્બર્ટ સામાન્યલિંગી પ્રજા અને વિપરીતલિંગીઓ વચ્ચે પુલ રચે છે. ખૂબ જ વ્યક્તિગત લાગતી, વ્યક્તિની લાગતી એમની રચનાઓ કબૂલાતનામું બનવાથી બચી ગઈ છે. એક પાત્રમાંથી બીજામાં પાણી ઢોળાતું રહે એમ એમનું કથન એક વાક્યમાંથી બીજામાં અને એક સંદર્ભમાંથી બીજામાં સતત રેલાયા કરતું હોવાથી અપાર વિસંગતિઓની વચ્ચે પણ અપાર સંવાદિતાની અનુભૂતિ કરાવે છે. સતત ટુકડાઓમાં વિયોજિત થતી એમની કવિતાઓ સમાંતરે જ પુનર્ગઠિત પણ થતી અનુભવાય છે. જેમ એમની કાયા કોઈ એક લિંગમાં રહેવા તૈયાર નથી એમ જ એમની કવિતા પણ વર્ષોથી ચાલ્યા આવતા કવિતાના નિર્ધારિત લિંગદેહમાં રહેવા તૈયાર નથી. એટલે જ ટૉલ્બર્ટનો અવાજ અન્ય કવિઓથી અલગ સંભળાય છે. એ કહે છે, ‘ઘણા લાંબા સમયથી મને કવિતા કેવું સ્વરૂપ લે છે એમાં એના વિષયવસ્તુ કરતાં વધુ રસ પડે છે. મને સ્વરૂપમાં વધુ રસ છે કેમકે વિષયવસ્તુ તો હું પોતે જ છું. હું પાનાંને શરીર તરીકે જોઉં છું અને મેં આ શરીરને કેવી રીતે વાપર્યું, અથવા એણે મને કેવી રીતે વાપર્યો/વાપરી, પ્રયોગ માટે, મૌન, આકાર, સંગીત, આનંદ, દૃશ્ય વિ. એમાં મને રસ પડે છે. મારો પ્રશ્ન હંમેશા આ જ રહ્યો છે: શરીરને કેવી રીતે કવિતામાં લઈ જવું, મારા શરીરને શી રીતે પાનાં પર શોધવું.’

કળા સમાજના કોઈ ખાસ વર્ગની જાગીર નથી. મનુષ્યમાત્રને કળા સાથે અવિનાભાવી સંબંધ છે.
વિશ્વમાં દરેક વર્ગની પોતિકી કળાભિવ્યક્તિ હોય જ છે. ટૉલ્બર્ટ જેવા અ-જાતીય કે દ્વિ-જાતીય લોકો પણ પોતાના સમાજ-સંવેદનોને આલેખતી રચનાઓ કરે છે. ૧૯૬૫માં મનોચિકિત્સક જોન ઑલિવને ટ્રાન્સજેન્ડર શબ્દ પહેલવહેલીવાર વાપર્યો, આ શબ્દ જન્મજાત ખોટું લિંગ ધરાવનારાઓ, લિંગપરિવર્તન કરાવનારાઓ, વિપરીતલિંગી જીવન જીવનારાઓ તથા વિપરીતલિંગી વસ્ત્રધારીઓ- આ બધાને સમાવી લે છે. જેઓ જન્મજાત જાતીયતાથી વિપરીત જીવે છે એ ટ્રાન્સજેન્ડર અને લિંગપરિવર્તન કરાવનાર ટ્રાન્સસેક્સ્યુઅલ કહેવાય છે. ૧૯૮૪માં ટ્રાન્સજેન્ડર સમાજની સ્થાપના થઈ અને ૧૯૯૨માં આ લોકો માટેના કાયદાઓ બનાવવા માટે પહેલું આંતરરાષ્ટ્રીય અધિવેશન ભરાયું. ટૉલ્બર્ટે સંપાદિત કરેલા ‘ટ્રબલિંગ ધ લાઇન’ સંગ્રહમાં આવા એક-બે નહીં, ૫૫ કવિઓની રચનાઓ સમાવાઈ છે. આ સંગ્રહમાં જેન (જય) બેઝેમર લખે છે: તમે પુરુષ છો કે સ્ત્રી? તમે દરવાજો છો કે બારી? ક્યારેક ક્યારેક હું ઘૃણાસ્પદ અથવા વિપરીત દેખાઉં છું જેથી પોતાને ખોટી રીતે વર્ગીકૃત થવાથી બચાવી શકું. હું શું છું એ હું શી રીતે કામ કરું છું અને શું બનાવું છું એ જ છે.’

-આ વર્તમાનનો અવાજ છે. ત્રીજા લિંગના મનુષ્યો હંમેશા સામાજિક ઉપેક્ષા અને તિરસ્કારના શિકાર થતા આવ્યા છે. હીજડા, કિન્નર કે વ્યંઢળ કહીને આપણે કદી એમને આપણી સાથે બેસાડ્યા નથી. પાશ્ચાત્ય દેશોમાં એમની સ્વીકૃતિ અને સમાનાધિકારની વાત લગભગ સર્વસ્વીકૃત બની ચૂકી છે પણ આપણે ત્યાં એમને હજી સામાજિક માન્યતા મળી નથી, અને નજીકના ભવિષ્યમાં કોઈ આસાર પણ દેખાતા નથી. સર્જનહારની ભૂલ એમના માટે જનમટીપની સજા બની રહે છે. એક લિંગના શરીરમાં ભૂલથી કેદ થઈ ગયેલ બીજા લિંગનો આત્મા આજીવન તરફડતો રહે છે. રાઇસ નામનો/ની એક સર્જક લખે છે: ‘જિંદગીના પહેલા ત્રીસ વર્ષ હું લેખનની મદદથી જ મારા શરીરથી ભાગી છૂટતો/તી હતો/તી, કેમકે મારી જાણ મુજબની આ એકમાત્ર સૌથી જાણીતી અને જીવવાલાયક જગ્યા હતી.’

‘પ્રિય મલિસા’ કવિતા વિપરીતલિંગી કવિની કવિતા છે. કવિ કહે છે: ‘મલિસા એ યુવતીનું નામ છે જે હું ક્યારેક હતો/તી, અને જ્યારે હું એ હતો/તી, મારી મમ્મી, ગાંઠમાં પૈસા ન હોવા છતાં છોકરાંઓને ઉછેરવાના આવતાં, હતાશા અને ગુસ્સાના આવેશમાં ક્યારેક ચિલ્લાતી, ‘મને થાય છે કે તું કદી જન્મી જ ન હોત.’ આ કવિતા એ જ ભાષાને ઊઘાડવાની કોશિશ છે.’ આજ શીર્ષકથી એમણે બીજી કવિતા પણ લખી છે, જેના વિશે એ કહે છે: ‘…અને જેમ એ સાચું છે કે એ (મલિસા) કદી મને છોડી ગઈ નથી, હું ઘણીવાર વિચારું છું કે શું મે એને છોડી દીધી છે? આ કવિતા એક રીતે એમ કહે છે, ‘આભાર, મલિસા, એ શરીર બનવા માટે જેમાં મારું મૃત્યુ મરી શકે છે.’

શીર્ષકથી શરૂ થઈ અંત સુધી માતા દ્વારા ઉચ્ચારાતા એક જ વાક્ય, ‘પ્રિય મલિસા, હું ઇચ્છું છું કે તું કદી જન્મી જ ન હોત.’ની વચ્ચેના બે કૌંસમાં બાળક/કી મલિસાના પ્રલાપોથી છલકાઈને આ કવિતા બની છે. શીર્ષક કવિતાનો જ ભાગ છે. શીર્ષકથી જ કાવ્યારંભ થાય છે. ચાર ભાગમાં વહેંચાયેલ ચૌદ પંક્તિઓના ચતુષ્ક-યુગ્મક પ્રકારની રૂપરચના કદકાઠીએ સૉનેટને મળતી આવે છે. ગદ્ય સૉનેટ પણ કહી શકાય. બાળક/કીના વિક્ષિપ્ત મનોભાવોને વ્યક્ત કરતી કવિતા મનોભાવોની જેમ જ છંદ-પ્રાસ કે વ્યાકરણમાં બંધાવાના બદલે સ્વચ્છંદમાં જ વહે છે કેમકે એ જ્ એની ગતિ છે.

દીકરી માટે ‘પ્રિય’ સંબોધન વાપર્યા પછી તરત જ આવતું માતાનું વાક્ય -‘કાશ! તું જન્મી જ ન હોત!’ કેવો તીવ્ર વિરોધાભાસ સર્જે છે! જો તું જન્મી ન હોત તો આ ઉપાધિઓ સહેવી ન પડત.) મા ઊઠીને આવો હૈયાબળાપો કાઢે ત્યારે સંતાનના મનમાં કેવાં ત્સુનામી ઊઠતાં હશે? ઘવાયેલ સંવેદનોના તોફાનમાં ભલભલી સુસંગતતા વહી જાય. પરિણામે, જેમ્સ જૉયસ અને વર્જિનિયા વુલ્ફે પ્રચલિત કરેલી ‘સ્ટ્રીમ ઑફ કૉન્સિયશનેસ’ -મનુષ્યની સદૈવ છિન્નભિન્ન ચાલતી વિચારધારાને યથાતથ રજૂ કરવાની પદ્ધતિ-ની કથનશૈલી ટૉલ્બર્ટ પ્રયોજે છે. મા સામેના બાળકીના પ્રતિભાવો સળંગ નથી, અને સુસ્પષ્ટ પણ નથી. બાળકને બોજ ગણતી માની હૈયાવરાળથી દાઝેલ મલિસાના છુટકમુટક વિચારોને ટૉલ્બર્ટ ટુકડાઓને જોડવાની કે એમાંથી અર્થ તારવવાની ચેષ્ટા કર્યા વિના જ યથાતથ રજૂ કરે છે.

કૌંસમાં આલેખાયેલ મલિસાના આંતરિક એકાલાપ (ઇન્ટિરિયર મૉનોલૉગ)ની શરૂઆત સ્વાભાવિકપણે માથી જ થાય છે- ‘મારી માએ મને એકવાર કહ્યું હતું…’ નાના બાળક માતે તો મા જ સર્વપ્રથમ હોય ને! પણ પછી ‘બાળપણ’ શબ્દને કવિ ‘બાળ’ અને ‘પણ’માં દ્વિભાજિત કરે છે. સમજી શકાય છે કે બાળપણ અધવચ્ચેથી ચીરાઈ ગયું છે. કૌંસ વચ્ચેના તમામ પ્રલાપના અર્થ કાઢવા શક્ય નથી કેમકે આ ચિરાયેલા બાળ-પણના અસંબદ્ધ મનોભાવ છે. જો કે અર્થ કાઢવા જરૂરી પણ નથી. A poem has to be, not mean. પહેલા અંતરામાં જે ‘મારી મા’ અને ‘મારા બાળ-પણની મા’ છે, એ બીજા અંતરામાં એક દીકરીની તો ઠીક, માણસની મા પણ નથી રહેતી. ત્રીજા બંધમાં માતા ‘કોણ છે’નો પ્રશ્ન બની રહે છે અને કાવ્યાંતે તો એ કોઈનીય મા રહેતી નથી. માના વાક્ય ‘તું જન્મી જ ન હોત તો સારું થાત’ની સમાંતરે બાળકનો બબડાટ માના અસ્તિત્વને ક્રમશઃ ભૂંસી નાખે છે.

‘ઠાગાઠૈયા’માં રાવજી પટેલના કવિતાના ‘નર્થ’ ઉપરાંત અહીં બાળકની એકોક્તિના ટુકડાઓના અનેકાર્થ પણ નીકળી શકે છે. પાણી પાણીથાક્યું છે. મા પાણી છે, સંતાન એનામાંથી જ જન્મેલું પાણીનું તીપું છે. મતલબ, માતા સંતાનથી થાકી ગઈ છે. માના નિઃસાસા સામે બાળક શાંત પણ છે કેમકે જો એ શાંત ન થઈ શક્યું હોય તો માએ જ શીખવેલી પ્રાર્થનાનો અર્થ શો? તમે કોઈકને અડો છો ત્યારે તમે કયા હાથ બનો છો? સ્નેહના? ધિક્કારના? તમે કોઈને અડો છો એ ઘડીએ હાથની ભાષા તમારા અસ્તિત્વની ભાષા છે. તમે કોના શરીર પર હાથ મૂકો છો, તમે કોનું ધ્યાન ખેંચવા માંગો છો, કોના ચહેરાને અનુભવવા ઇચ્છો છો, કોના ખભા પાસે સહારાની અપેક્ષા રાખવા લાયક છે, જ્યારે તમે પાછા વળીને એની સામે જોશો ત્યારે તમે શું નથી સાંભળનાર વગેરે સવાલો એક પછી એક વાગતા તીરની જેમ આપણા અસ્તિત્વને લોહીલુહાણ કરી છે. અર્થવિસ્તાર કરીએ તો સમજાય કે દીકરી જન્મી ન હોત તો સારું એમ વિચારતી માતા દીકરીની તો શું કોઈ જ મનુષ્યની માતા નથી. આપણું શરીર આપણું શરીર નથી એવું અનુભવાય ત્યારે જે ડર લાગે એ સાચો છે. સ્વલિંગીના બદલે અન્યલિંગી જીવન જીવવામાં ડર તો અલાગે જ ને! જો કે જિંદગીનો પવન આ દુવિધા દેખાતી હોવા છતાં સીધી વાસ્તવિક્તાના સહારે વહેતો રહે છે, અને સાથોસાથ અસ્તિત્ત્વના મૂળિયાંઓને હચમચાવવાનું પણ ચૂકતો નથી. એવું વિશ્વ શું બનશે ખરું જ્યાં તમે અટકીને નિરાંતવા શ્વાસ લઈ શકો કે પછી તમારી અંદર જે તૂટી ચૂક્યું છે, ચીરાઈ ચૂક્યું છે સમયના મારથી, તમારા ચહેરા ઉપર જે ચહેરો ચડી ગયો છે, જે કંઈ જીવંત છે એ ઓળખવા-ઓળખાવાની પરિસીમાની બહાર પહોંચી ગયું છે? કદાચ એમ જ હોવું ઘટે કેમ કે મારી મા કોણ છે એ હવે સમજી શકાતું નથી. જે મા હતી એ તો બીજું જ કોઈ બની ગઈ છે. મા વિકાસ પામી તો મા ન રહી. વિકસવાની ઘટના દરમિયાન માતા મરણ પામી. આમ તો માતા બાળજન્મ સાથે જ પોતાની જાતને ખતમ કરી નાંખે, બાળકનું અસ્તિત્વ જ એનું અસ્તિત્વ બની રહે, બાળકનો ચહેરો જ એના ચહેરા ઉપર ચડેલો દેખાય પણ વાસ્તવિક જિંદગીમાં એવું નથી થયું, કેમ કે સંતાન ટ્રાન્સજેન્ડર છે. એટલે જ સંતાન દિલગીરી અનુભવે છે. કાવ્યાંતે આ દિલગીરી બાળક અને માતાની અર્ધોક્તિના સમન્વયમાંથી જન્મતા ઉચ્ચારણની વેદના બનીને આપણને ચીરી નાંખે છે. માતાનું વાક્ય અને કાવ્યાંતે બાળકની એકોક્તિ ભેગાં થઈને ‘હું દિલગીર છું કે તું કદી જન્મી જ ન હોત’ એમ વંચાય છે. શું આ વાક્ય માના ઉદ્ગારનો જ પત્યુદ્ગાર નથી? માતાના બળાપાની મિરર-ઇમેજ ઊભી કરીને કવિ આપણા સંવેદનાતંત્રને સૂન્ન કરી નાંખે છે.

ટ્રાન્સજેન્ડર બાળકની માતાની વ્યથા કાવ્યાંતે દુનિયાના તમામ સંતાનોને આવરી લે છે. અંત આવતા સુધીમાં જેન્ડર ભૂંસાઈ જાય છે. વળી, માતાના સામાન્ય લાગતા નિઃસાસા સામે બાળકના ચિત્તતંત્રનો ખળભળાટ આપણને સમજાવે છે કે બાળકોની સામે વગર વિચાર્યે કશું બોલવું નહીં. બાળક કેવળ બાળક નથી, એ નાનો વયસ્ક જ છે. એના મનોમસ્તિષ્કના કૌંસની વચ્ચે જે છૂટક-તૂટક પ્રતિભાવો તમારી નાસમજીની સામે ઊઠે છે એ જો કૌંસ બહાર આવશે તો તમારું જીવવું જ દુભર થઈ જશે, ધ્યાન રહે!

કુમાર ગૌતમની અંગ્રેજી કવિતા ‘હું કોણ છું?’ના થોડા અંશ આ સાથે જોવા જેવા છે:

હું વિચારું છું
કે હું કોણ છું?
એક શરીર જે અલગ આત્મામાં ફસાઈ પડ્યું છે
કે એક આત્મા શરીર સાથે કુમેળ ધરાવતો.

હું મનન કરું છું
કે કોણ યુદ્ધે ચડ્યું છે?
હું મારી જાત સાથે
કે દુનિયા મારી સાથે ઝઘડી રહી છે.

મને રમૂજ થાય છે.
કોણે મને ગુલામ બનાવ્યો?
મારી દ્વિધાઓ
કે સમાજે.