ગ્લૉબલ કવિતા : ૨૨૯ : પ્રિય મલિસા: – ટીસી ટોલ્બર્ટ

Dear Melissa:

I wish you (my mother once told me—mother of my child-
hood—even though water is water-weary—what is prayer if not quiet
who has made me—what hands you become when you touch—
who laid down on whose body—whose face and whose shoulders

worth shaking—what will I not hear when I look back
at you—who is not the mother of a daughter—who is not
the mother of a man—we are right to be afraid of our bodies—wind
is carried by what is upright and still moves what has) had

(been buried deep enough in the ground to be called roots—
when will this be the world where you stop—whatever broke
into you was torn by the contact—a face wears a face it can see—
what is alive is unrecognizable—need it be—who is my mother,

mother—no one—who hasn’t killed herself by
growing into someone—I’m sorry you have) never been born.

– TC Tolbert

પ્રિય મલિસા:

હું ઇચ્છું છું (મારી માએ મને એકવાર કહ્યું હતું—મા મારા બાળ-
પણની—ભલેને પાણી હોય પાણી-થાક્યું —શું છે પ્રાર્થના જો નથી શાંત
જેણે મને બનાવી છે—કયા હાથ બનો છો તમે જ્યારે તમે સ્પર્શો છો—
કોણે મૂક્યા કોના શરીર પર—કોનો ચહેરો અને કોના ખભા

હલાવવા લાયક છે— હું શું નહીં સાંભળી શકું જ્યારે હું વળીને જોઈશ
તારા તરફ—જે મા નથી એક દીકરીની—જે મા નથી
એક પુરુષની—આપણે સાચા છીએ આપણા શરીરથી ડરવામાં—પવન
વહે છે જે સીધું ઊભુ છે એનાથી અને તોય હલાવે છે જે) કે તું

(મૂળ કહી શકાય એટલે ઊંડે જમીનમાં દટાયું છે—
ક્યારે આ એ દુનિયા બનશે જ્યાં તમે અટકી શકો—જે કંઈ તૂટ્યું છે
તમારી અંદર એ ચીરાઈ ગયું છે સંપર્કથી—ચહેરો પહેરે છે ચહેરો જેને એ જોઈ શકે—
જે જીવંત છે એ ઓળખી શકાય એમ નથી—એમ જ હોવું ઘટે—કોણ છે મારી મા,

મા—કોઈ નહીં—જેણે પોતાની જાતને મારી નથી નાંખી
બીજું કોઈ બની જઈને—હું દિલગીર છું કે તું) કદી જન્મી જ ન હોત.

– ટીસી ટોલ્બર્ટ
(અનુ. વિવેક મનહર ટેલર)


કૌંસ બહાર આવું-આવું કરતી (ટ્રાન્સજેન્ડર) બાળક/કીની સંવેદના

વાંદરી અને બચ્ચાની વાર્તા જાણીતી છે. આખા દરબારે માના પ્રેમને શ્રેષ્ઠ ગણાવ્યો ત્યારે બિરબલે કહ્યું કે આત્મપ્રેમ જ સર્વોપરી, અને મા પણ અપવાદ નથી. અકબરને ખાતરી કરાવવા એક હોજમાં એક વાંદરી અને એના નવજાત બચ્ચાને મૂકીને બિરબલે પાણી ભરાવવાનું શરૂ કર્યું. પાણી વધતું ગયું એમ વાંદરી બચ્ચાને પહેલાં કેડ પર, પછી ખભા પર અને છેવટે માથા પર મૂકીને બચાવવા મથી પણ જ્યારે પાણી નાક સુધી પહોંચ્યું ત્યારે વાંદરી બચ્ચાને ફેંકી બહાર કૂદી ગઈ. આવા જ સત્યબોધ બાદ વાલિયો લૂંટારો વાલ્મિકી બન્યો હતો. ‘મા તે મા, બીજા વગડાના વા’ કહેવતમાં સારું લાગે પણ જીવનમાં સમસ્યાઓના અડાબીડ કળણમાં ખૂંપી ગયેલી મા ક્યારેક સંતાનને કહી બેસે છે કે, આના કરતાં તો મારા પેટે પાણો પાક્યો હોત તો સારું થાત. પ્રસ્તુત કવિતામાં કવિ આવી જ વાત લઈ આવ્યા છે.

ટીસી ટૉલ્બર્ટ. શું ગણીશું આપણે એને ? સ્ત્રી કે પુરુષ? કે પુરુષના શરીરમાં વસતી સ્ત્રી? ટૉલ્બર્ટ પોતાને ટ્રાન્સજેન્ડર અને જેન્ડરક્વિઅર નારીવાદી, સહયોગી, નર્તક અને કવિ તરીકે ઓળખાવે છે. એ ટ્રાન્સ અને જેન્ડરક્વિઅર કવિ અને કાવ્યશાસ્ત્રના અગ્રણી નેતા છે. પોતાની અ-જાતીયતા કે દ્વિ-જાતીયતાનો જાહેર સ્વીકાર કરી એ ખુદને ‘S/he’ કહે છે. કવિતામાં માસ્ટર ઑફ ફાઇન આર્ટ્સની પદવી મેળવી છે. ઓરેગોન સ્ટેટ યુનિવર્સિટીમાં શિક્ષક/શિક્ષિકા છે. ટક્સન, અરિઝોનાના રાજકવિ. ઇમરજન્સી મેડિકલ ટેક્નિશ્યન(EMT) તરીકે રાષ્ટ્રકક્ષાએ સર્ટિફાઇડ છે. અવિકસિત અને નિર્જન જગ્યાઓ પર પ્રવાસીઓને સાહસયાત્રા પર લઈ જવાનું કામ પણ કરે છે. એટલા બધા સામાજિક ચેતના અને પ્રવૃત્તિઓના નાનાવિધ અભિયાનોમાં સક્રિય છે કે ફક્ત નામ લખવામાં પાનાંના પાનાં ભરાઈ જાય. આપણને જે પરીકથા લાગે એ જિંદગી ટૉલ્બર્ટ જીવે છે. એ પોતાને મનુષ્યના પ્રેમમાં માનવીય કૃત્યો કરનાર એક માનવીથી વિશેષ ગણતા નથી.

એમના મુખ્ય પુસ્તક ‘ગેફાઇરોમેનિયા’ (પુલો માટેનું ઝનૂન)માં સ્ત્રી અને પુરુષ, પ્રેમી અને જાત, કે નુકશાન અને રાહતની વચ્ચે પસંદગી કરવાના બદલે જે જગ્યાએ આ દોરાહાઓ ભેગા થાય છે એ જગ્યાઓ પર એ સ્વેચ્છાએ રહેવાનું પસંદ કરે છે. ટૉલ્બર્ટ સામાન્યલિંગી પ્રજા અને વિપરીતલિંગીઓ વચ્ચે પુલ રચે છે. ખૂબ જ વ્યક્તિગત લાગતી, વ્યક્તિની લાગતી એમની રચનાઓ કબૂલાતનામું બનવાથી બચી ગઈ છે. એક પાત્રમાંથી બીજામાં પાણી ઢોળાતું રહે એમ એમનું કથન એક વાક્યમાંથી બીજામાં અને એક સંદર્ભમાંથી બીજામાં સતત રેલાયા કરતું હોવાથી અપાર વિસંગતિઓની વચ્ચે પણ અપાર સંવાદિતાની અનુભૂતિ કરાવે છે. સતત ટુકડાઓમાં વિયોજિત થતી એમની કવિતાઓ સમાંતરે જ પુનર્ગઠિત પણ થતી અનુભવાય છે. જેમ એમની કાયા કોઈ એક લિંગમાં રહેવા તૈયાર નથી એમ જ એમની કવિતા પણ વર્ષોથી ચાલ્યા આવતા કવિતાના નિર્ધારિત લિંગદેહમાં રહેવા તૈયાર નથી. એટલે જ ટૉલ્બર્ટનો અવાજ અન્ય કવિઓથી અલગ સંભળાય છે. એ કહે છે, ‘ઘણા લાંબા સમયથી મને કવિતા કેવું સ્વરૂપ લે છે એમાં એના વિષયવસ્તુ કરતાં વધુ રસ પડે છે. મને સ્વરૂપમાં વધુ રસ છે કેમકે વિષયવસ્તુ તો હું પોતે જ છું. હું પાનાંને શરીર તરીકે જોઉં છું અને મેં આ શરીરને કેવી રીતે વાપર્યું, અથવા એણે મને કેવી રીતે વાપર્યો/વાપરી, પ્રયોગ માટે, મૌન, આકાર, સંગીત, આનંદ, દૃશ્ય વિ. એમાં મને રસ પડે છે. મારો પ્રશ્ન હંમેશા આ જ રહ્યો છે: શરીરને કેવી રીતે કવિતામાં લઈ જવું, મારા શરીરને શી રીતે પાનાં પર શોધવું.’

કળા સમાજના કોઈ ખાસ વર્ગની જાગીર નથી. મનુષ્યમાત્રને કળા સાથે અવિનાભાવી સંબંધ છે.
વિશ્વમાં દરેક વર્ગની પોતિકી કળાભિવ્યક્તિ હોય જ છે. ટૉલ્બર્ટ જેવા અ-જાતીય કે દ્વિ-જાતીય લોકો પણ પોતાના સમાજ-સંવેદનોને આલેખતી રચનાઓ કરે છે. ૧૯૬૫માં મનોચિકિત્સક જોન ઑલિવને ટ્રાન્સજેન્ડર શબ્દ પહેલવહેલીવાર વાપર્યો, આ શબ્દ જન્મજાત ખોટું લિંગ ધરાવનારાઓ, લિંગપરિવર્તન કરાવનારાઓ, વિપરીતલિંગી જીવન જીવનારાઓ તથા વિપરીતલિંગી વસ્ત્રધારીઓ- આ બધાને સમાવી લે છે. જેઓ જન્મજાત જાતીયતાથી વિપરીત જીવે છે એ ટ્રાન્સજેન્ડર અને લિંગપરિવર્તન કરાવનાર ટ્રાન્સસેક્સ્યુઅલ કહેવાય છે. ૧૯૮૪માં ટ્રાન્સજેન્ડર સમાજની સ્થાપના થઈ અને ૧૯૯૨માં આ લોકો માટેના કાયદાઓ બનાવવા માટે પહેલું આંતરરાષ્ટ્રીય અધિવેશન ભરાયું. ટૉલ્બર્ટે સંપાદિત કરેલા ‘ટ્રબલિંગ ધ લાઇન’ સંગ્રહમાં આવા એક-બે નહીં, ૫૫ કવિઓની રચનાઓ સમાવાઈ છે. આ સંગ્રહમાં જેન (જય) બેઝેમર લખે છે: તમે પુરુષ છો કે સ્ત્રી? તમે દરવાજો છો કે બારી? ક્યારેક ક્યારેક હું ઘૃણાસ્પદ અથવા વિપરીત દેખાઉં છું જેથી પોતાને ખોટી રીતે વર્ગીકૃત થવાથી બચાવી શકું. હું શું છું એ હું શી રીતે કામ કરું છું અને શું બનાવું છું એ જ છે.’

-આ વર્તમાનનો અવાજ છે. ત્રીજા લિંગના મનુષ્યો હંમેશા સામાજિક ઉપેક્ષા અને તિરસ્કારના શિકાર થતા આવ્યા છે. હીજડા, કિન્નર કે વ્યંઢળ કહીને આપણે કદી એમને આપણી સાથે બેસાડ્યા નથી. પાશ્ચાત્ય દેશોમાં એમની સ્વીકૃતિ અને સમાનાધિકારની વાત લગભગ સર્વસ્વીકૃત બની ચૂકી છે પણ આપણે ત્યાં એમને હજી સામાજિક માન્યતા મળી નથી, અને નજીકના ભવિષ્યમાં કોઈ આસાર પણ દેખાતા નથી. સર્જનહારની ભૂલ એમના માટે જનમટીપની સજા બની રહે છે. એક લિંગના શરીરમાં ભૂલથી કેદ થઈ ગયેલ બીજા લિંગનો આત્મા આજીવન તરફડતો રહે છે. રાઇસ નામનો/ની એક સર્જક લખે છે: ‘જિંદગીના પહેલા ત્રીસ વર્ષ હું લેખનની મદદથી જ મારા શરીરથી ભાગી છૂટતો/તી હતો/તી, કેમકે મારી જાણ મુજબની આ એકમાત્ર સૌથી જાણીતી અને જીવવાલાયક જગ્યા હતી.’

‘પ્રિય મલિસા’ કવિતા વિપરીતલિંગી કવિની કવિતા છે. કવિ કહે છે: ‘મલિસા એ યુવતીનું નામ છે જે હું ક્યારેક હતો/તી, અને જ્યારે હું એ હતો/તી, મારી મમ્મી, ગાંઠમાં પૈસા ન હોવા છતાં છોકરાંઓને ઉછેરવાના આવતાં, હતાશા અને ગુસ્સાના આવેશમાં ક્યારેક ચિલ્લાતી, ‘મને થાય છે કે તું કદી જન્મી જ ન હોત.’ આ કવિતા એ જ ભાષાને ઊઘાડવાની કોશિશ છે.’ આજ શીર્ષકથી એમણે બીજી કવિતા પણ લખી છે, જેના વિશે એ કહે છે: ‘…અને જેમ એ સાચું છે કે એ (મલિસા) કદી મને છોડી ગઈ નથી, હું ઘણીવાર વિચારું છું કે શું મે એને છોડી દીધી છે? આ કવિતા એક રીતે એમ કહે છે, ‘આભાર, મલિસા, એ શરીર બનવા માટે જેમાં મારું મૃત્યુ મરી શકે છે.’

શીર્ષકથી શરૂ થઈ અંત સુધી માતા દ્વારા ઉચ્ચારાતા એક જ વાક્ય, ‘પ્રિય મલિસા, હું ઇચ્છું છું કે તું કદી જન્મી જ ન હોત.’ની વચ્ચેના બે કૌંસમાં બાળક/કી મલિસાના પ્રલાપોથી છલકાઈને આ કવિતા બની છે. શીર્ષક કવિતાનો જ ભાગ છે. શીર્ષકથી જ કાવ્યારંભ થાય છે. ચાર ભાગમાં વહેંચાયેલ ચૌદ પંક્તિઓના ચતુષ્ક-યુગ્મક પ્રકારની રૂપરચના કદકાઠીએ સૉનેટને મળતી આવે છે. ગદ્ય સૉનેટ પણ કહી શકાય. બાળક/કીના વિક્ષિપ્ત મનોભાવોને વ્યક્ત કરતી કવિતા મનોભાવોની જેમ જ છંદ-પ્રાસ કે વ્યાકરણમાં બંધાવાના બદલે સ્વચ્છંદમાં જ વહે છે કેમકે એ જ્ એની ગતિ છે.

દીકરી માટે ‘પ્રિય’ સંબોધન વાપર્યા પછી તરત જ આવતું માતાનું વાક્ય -‘કાશ! તું જન્મી જ ન હોત!’ કેવો તીવ્ર વિરોધાભાસ સર્જે છે! જો તું જન્મી ન હોત તો આ ઉપાધિઓ સહેવી ન પડત.) મા ઊઠીને આવો હૈયાબળાપો કાઢે ત્યારે સંતાનના મનમાં કેવાં ત્સુનામી ઊઠતાં હશે? ઘવાયેલ સંવેદનોના તોફાનમાં ભલભલી સુસંગતતા વહી જાય. પરિણામે, જેમ્સ જૉયસ અને વર્જિનિયા વુલ્ફે પ્રચલિત કરેલી ‘સ્ટ્રીમ ઑફ કૉન્સિયશનેસ’ -મનુષ્યની સદૈવ છિન્નભિન્ન ચાલતી વિચારધારાને યથાતથ રજૂ કરવાની પદ્ધતિ-ની કથનશૈલી ટૉલ્બર્ટ પ્રયોજે છે. મા સામેના બાળકીના પ્રતિભાવો સળંગ નથી, અને સુસ્પષ્ટ પણ નથી. બાળકને બોજ ગણતી માની હૈયાવરાળથી દાઝેલ મલિસાના છુટકમુટક વિચારોને ટૉલ્બર્ટ ટુકડાઓને જોડવાની કે એમાંથી અર્થ તારવવાની ચેષ્ટા કર્યા વિના જ યથાતથ રજૂ કરે છે.

કૌંસમાં આલેખાયેલ મલિસાના આંતરિક એકાલાપ (ઇન્ટિરિયર મૉનોલૉગ)ની શરૂઆત સ્વાભાવિકપણે માથી જ થાય છે- ‘મારી માએ મને એકવાર કહ્યું હતું…’ નાના બાળક માતે તો મા જ સર્વપ્રથમ હોય ને! પણ પછી ‘બાળપણ’ શબ્દને કવિ ‘બાળ’ અને ‘પણ’માં દ્વિભાજિત કરે છે. સમજી શકાય છે કે બાળપણ અધવચ્ચેથી ચીરાઈ ગયું છે. કૌંસ વચ્ચેના તમામ પ્રલાપના અર્થ કાઢવા શક્ય નથી કેમકે આ ચિરાયેલા બાળ-પણના અસંબદ્ધ મનોભાવ છે. જો કે અર્થ કાઢવા જરૂરી પણ નથી. A poem has to be, not mean. પહેલા અંતરામાં જે ‘મારી મા’ અને ‘મારા બાળ-પણની મા’ છે, એ બીજા અંતરામાં એક દીકરીની તો ઠીક, માણસની મા પણ નથી રહેતી. ત્રીજા બંધમાં માતા ‘કોણ છે’નો પ્રશ્ન બની રહે છે અને કાવ્યાંતે તો એ કોઈનીય મા રહેતી નથી. માના વાક્ય ‘તું જન્મી જ ન હોત તો સારું થાત’ની સમાંતરે બાળકનો બબડાટ માના અસ્તિત્વને ક્રમશઃ ભૂંસી નાખે છે.

‘ઠાગાઠૈયા’માં રાવજી પટેલના કવિતાના ‘નર્થ’ ઉપરાંત અહીં બાળકની એકોક્તિના ટુકડાઓના અનેકાર્થ પણ નીકળી શકે છે. પાણી પાણીથાક્યું છે. મા પાણી છે, સંતાન એનામાંથી જ જન્મેલું પાણીનું તીપું છે. મતલબ, માતા સંતાનથી થાકી ગઈ છે. માના નિઃસાસા સામે બાળક શાંત પણ છે કેમકે જો એ શાંત ન થઈ શક્યું હોય તો માએ જ શીખવેલી પ્રાર્થનાનો અર્થ શો? તમે કોઈકને અડો છો ત્યારે તમે કયા હાથ બનો છો? સ્નેહના? ધિક્કારના? તમે કોઈને અડો છો એ ઘડીએ હાથની ભાષા તમારા અસ્તિત્વની ભાષા છે. તમે કોના શરીર પર હાથ મૂકો છો, તમે કોનું ધ્યાન ખેંચવા માંગો છો, કોના ચહેરાને અનુભવવા ઇચ્છો છો, કોના ખભા પાસે સહારાની અપેક્ષા રાખવા લાયક છે, જ્યારે તમે પાછા વળીને એની સામે જોશો ત્યારે તમે શું નથી સાંભળનાર વગેરે સવાલો એક પછી એક વાગતા તીરની જેમ આપણા અસ્તિત્વને લોહીલુહાણ કરી છે. અર્થવિસ્તાર કરીએ તો સમજાય કે દીકરી જન્મી ન હોત તો સારું એમ વિચારતી માતા દીકરીની તો શું કોઈ જ મનુષ્યની માતા નથી. આપણું શરીર આપણું શરીર નથી એવું અનુભવાય ત્યારે જે ડર લાગે એ સાચો છે. સ્વલિંગીના બદલે અન્યલિંગી જીવન જીવવામાં ડર તો અલાગે જ ને! જો કે જિંદગીનો પવન આ દુવિધા દેખાતી હોવા છતાં સીધી વાસ્તવિક્તાના સહારે વહેતો રહે છે, અને સાથોસાથ અસ્તિત્ત્વના મૂળિયાંઓને હચમચાવવાનું પણ ચૂકતો નથી. એવું વિશ્વ શું બનશે ખરું જ્યાં તમે અટકીને નિરાંતવા શ્વાસ લઈ શકો કે પછી તમારી અંદર જે તૂટી ચૂક્યું છે, ચીરાઈ ચૂક્યું છે સમયના મારથી, તમારા ચહેરા ઉપર જે ચહેરો ચડી ગયો છે, જે કંઈ જીવંત છે એ ઓળખવા-ઓળખાવાની પરિસીમાની બહાર પહોંચી ગયું છે? કદાચ એમ જ હોવું ઘટે કેમ કે મારી મા કોણ છે એ હવે સમજી શકાતું નથી. જે મા હતી એ તો બીજું જ કોઈ બની ગઈ છે. મા વિકાસ પામી તો મા ન રહી. વિકસવાની ઘટના દરમિયાન માતા મરણ પામી. આમ તો માતા બાળજન્મ સાથે જ પોતાની જાતને ખતમ કરી નાંખે, બાળકનું અસ્તિત્વ જ એનું અસ્તિત્વ બની રહે, બાળકનો ચહેરો જ એના ચહેરા ઉપર ચડેલો દેખાય પણ વાસ્તવિક જિંદગીમાં એવું નથી થયું, કેમ કે સંતાન ટ્રાન્સજેન્ડર છે. એટલે જ સંતાન દિલગીરી અનુભવે છે. કાવ્યાંતે આ દિલગીરી બાળક અને માતાની અર્ધોક્તિના સમન્વયમાંથી જન્મતા ઉચ્ચારણની વેદના બનીને આપણને ચીરી નાંખે છે. માતાનું વાક્ય અને કાવ્યાંતે બાળકની એકોક્તિ ભેગાં થઈને ‘હું દિલગીર છું કે તું કદી જન્મી જ ન હોત’ એમ વંચાય છે. શું આ વાક્ય માના ઉદ્ગારનો જ પત્યુદ્ગાર નથી? માતાના બળાપાની મિરર-ઇમેજ ઊભી કરીને કવિ આપણા સંવેદનાતંત્રને સૂન્ન કરી નાંખે છે.

ટ્રાન્સજેન્ડર બાળકની માતાની વ્યથા કાવ્યાંતે દુનિયાના તમામ સંતાનોને આવરી લે છે. અંત આવતા સુધીમાં જેન્ડર ભૂંસાઈ જાય છે. વળી, માતાના સામાન્ય લાગતા નિઃસાસા સામે બાળકના ચિત્તતંત્રનો ખળભળાટ આપણને સમજાવે છે કે બાળકોની સામે વગર વિચાર્યે કશું બોલવું નહીં. બાળક કેવળ બાળક નથી, એ નાનો વયસ્ક જ છે. એના મનોમસ્તિષ્કના કૌંસની વચ્ચે જે છૂટક-તૂટક પ્રતિભાવો તમારી નાસમજીની સામે ઊઠે છે એ જો કૌંસ બહાર આવશે તો તમારું જીવવું જ દુભર થઈ જશે, ધ્યાન રહે!

કુમાર ગૌતમની અંગ્રેજી કવિતા ‘હું કોણ છું?’ના થોડા અંશ આ સાથે જોવા જેવા છે:

હું વિચારું છું
કે હું કોણ છું?
એક શરીર જે અલગ આત્મામાં ફસાઈ પડ્યું છે
કે એક આત્મા શરીર સાથે કુમેળ ધરાવતો.

હું મનન કરું છું
કે કોણ યુદ્ધે ચડ્યું છે?
હું મારી જાત સાથે
કે દુનિયા મારી સાથે ઝઘડી રહી છે.

મને રમૂજ થાય છે.
કોણે મને ગુલામ બનાવ્યો?
મારી દ્વિધાઓ
કે સમાજે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *