ગ્લૉબલ કવિતા : ૨૩૯ : હત્યા – મહેમૂદ દરવીશ

Assassination

The critics kill me sometimes:
they want a particular poem
a particular metaphor
and if I stray up a side road
they say: ‘He has betrayed the road’
And if I find eloquence in grass
they say: ‘He has abandoned the steadfastness of the holm oak’
And if I see the rose in spring as yellow
they ask: ‘Where is the blood of the homeland in its petals?’
And if I write: ‘It is the butterfly my youngest sister
at the garden door’
they stir the meaning with a soup spoon
And if I whisper: ‘A mother is a mother, when she loses her child
she withers and dries up like a stick’
they say: ‘She trills with joy and dances at his funeral
for his funeral is his wedding’

And if I look up at the sky to see
the unseen
they say: ‘Poetry has strayed far from its objectives’
The critics kill me sometimes
and I escape from their reading
and thank them for their misunderstanding
then search for my new poem.

– Mahmoud Darwish (Arabic)
(English Trans: Catherine Cobham)

હત્યા

વિવેચકો ક્યારેક મને મારી નાંખે છે:
તેઓ એક ચોક્કસ કવિતા
એક ચોક્કસ રૂપક ઇચ્છે છે
અને જો હું આડમાર્ગે ભટકી જાઉં
તો તેઓ કહે છે: ‘એણે રસ્તા સાથે દગો કર્યો છે’
અને જો હું ઘાસમાં વાગ્મિતા શોધી લઉં
તો તેઓ કહે છે: ‘એણે ઓક વૃક્ષની સ્થિરતાનો ત્યાગ કર્યો છે’
અને જો હું વસંતમાં ગુલાબને પીળું જોઉં
તો તેઓ પૂછે છે: ‘આની પાંદડીઓમાં માતૃભૂમિનું લોહી ક્યાં છે?’
અને જો હું લખું કે: ‘પતંગિયું છે મારી સૌથી નાની બહેન
બગીચાના દરવાજા પર’
તો તેઓ સૂપના ચમચાથી અર્થને હલાવે છે
અને જો હું ગણગણું કે: ‘મા તો મા જ છે, જ્યારે તેણી તેના બાળકને ગુમાવે છે
ત્યારે તેણી લાકડીની જેમ કરમાઈને સૂકાઈ જાય છે’
તેઓ કહે છે: ‘એ તો ખુશીથી ઝૂમે છે અને બાળકની અંતિમક્રિયામાં નાચે છે
કારણ કે એની અંતિમક્રિયા એના લગ્ન છે’

અને જો હું વણદેખ્યું જોવા માટે
આકાશ તરફ ઊંચે જોઉં છું
તો તેઓ કહે છે: ‘કવિતા પોતાના ઉદ્દેશ્યોથી બહુ દૂર ભટકી ગઈ છે’
વિવેચકો ક્યારેક મને મારી નાંખે છે
અને હું એમના વાંચવામાંથી છટકી જાઉં છું
અને એમની ગેરસમજણ બદલ એમનો આભાર માનું છું
પછી મારી નવી કવિતાની શોધ કરું છું.

– મહેમૂદ દરવીશ
(અનુ: વિવેક મનહર ટેલર)


વિવેચન – પ્રાણપોષક કે પ્રાણઘાતક?

‘वाक्यम् रसात्मकम् काव्यम्।‘ (રસસભર વાક્ય કાવ્ય છે.) આઠસો-નવસો વર્ષ પૂર્વે સાહિત્યદર્પણમાં વિશ્વનાથે કવિતાની આ વિભાવના આપી હતી. વિશ્વભરમાં વિદ્વાનો પ્રારંભકાળથી લઈને આજદિનપર્યંત કવિતાને વ્યાખ્યાયિત કરવા પ્રયત્નશીલ રહ્યા છે. વ્યક્તિએ વ્યક્તિએ કવિતાની વ્યાખ્યા અલગ છે,પણ એક વાત સુનિશ્ચિત છે કે રસ એ કવિતાનો આત્મા છે. શબ્દ કવિતાનું ઉપાદાન છે અને શબ્દોને આપણે અર્થો આપ્યા છે, એટલે શબ્દોની બનેલી કવિતામાંથી અર્થનું અવગાહન કરીને આપણે સતત કાવ્યાર્થ સમજવાની કોશિશ કરતાં રહીએ છીએ. આની સામે એક બહુ મોટો વર્ગ એવો પણ છે જે અર્થની માયાજાળમાં પડવાના બદલે કેવળ કવિતાને અનુભવવાની હિમાયત કરે છે:

કવિતા ઇન્દ્રિયગમ્ય અને મૌન હોવી જોઈએ.
કવિતા શબ્દહીન હોવી જોઈએ, જે રીતે પંખીઓની ઊડાન.
કવિતા સમયમાં સ્થિર, ઊંચે ચડતા ચંદ્ર પેઠે ગતિહીન હોવી જોઈએ.
કવિતાનો અર્થ નહીં પણ હોવું જરૂરી છે. (આર્ચિબાલ્ડ મેકલિશ)

મહેમૂદ દરવીશની આવી જ એક કવિતાની આજે આપણે વાત કરવી છે.

મહેમૂદ દરવીશ. પેલેસ્ટાઇનના રાષ્ટ્રીય કવિ. ૧૩ માર્ચ, ૧૯૪૧ના રોજ જન્મ. છ વર્ષના હતા ત્યારે ઈઝરાઈલે એમના ગામને ધ્વસ્ત કરી નાંખ્યું હોવાથી લેબેનોન ભાગવું પડ્યું. થોડા સમય બાદ પાછલા બારણે પરત ફરીને વરસો પોતાના જ વતનમાં નિર્વાસિતોની જિંદગી ગાળી. જેલવાસ પણ ભોગવ્યો. ઓગણીસ વર્ષની વયે કવિતાનું પ્રથમ પુસ્તક. અભ્યાસ માટે ૧૯૭૦માં રશિયા ગયા અને ૧૯૭૩માં પેલેસ્ટાઇનની આઝાદીની ચળવળમાં જોડાયા. ઈઝરાઈલે પ્રવેશબંધી ફરમાવી. બે લગ્ન. બે છૂટાછેડા. ત્રીસ કાવ્યસંગ્રહ. આઠેક ગદ્યના પુસ્તકો. ૧૯૮૪ અને ૯૮માં બે હાર્ટસર્જરી બાદ ત્રીજી સર્જરીના ત્રણ દિવસ પછી ૦૯ ઑગસ્ટ, ૨૦૦૮ના રોજ હ્યુસ્ટન, ટેક્સાસ ખાતે નિધન. માતૃભૂમિ એમની કવિતાના કેન્દ્રસ્થાને રહ્યું. ઈઝરાઈલના વિરોધી અને પેલેસ્ટાઇનના સમર્થક પણ યહૂદીવિરોધી નહોતા. ઘણી કવિતાઓ વિવાદના વંટોળે ચડી હતી. પ્રતિકારના કવિ તરીકે જાણીતા. તેઓ કહેતા:

હું લોકોને નફરત નથી કરતો.
હું કોઈ પાસેથી ચોરી નથી કરતો.
તેમ છતાંય
જો હું ભૂખ્યો રહીશ
તો હું મારું સમસ્ત હડપી જનારનું માંસ ખાઈ લઈશ.
મારી ભૂખ અને મારા ક્રોધથી
સાવધાન રહેજો.
ગુજરાતી અનુવાદ મૂળ અરબ કવિતાના કેથરીન કોભમે કરેલ અંગ્રેજી અનુવાદ પરથી કરેલ હોવાથી કાવ્યસ્વરૂપ કે કાવ્યવિધા વિશે ટિપ્પણી સંભવ નથી. શરૂમાં અરેબિક કાવ્યશાસ્ત્રને વળગી રહી સિત્તેરના દાયકામાં દરવીશે મુક્તકાવ્ય તરફ ઉડ્ડયન કર્યું હોવાથી મૂળ રચના અછાંદસ હોવાનું માની શકાય. અનુવાદમાં ક્યાંય પૂર્ણવિરામ નથી પણ અલ્પવિરામ, પ્રશ્નાર્થચિહ્ન, અવતરણચિહ્ન અને વિસર્ગ વગેરે વિરામચિહ્નો યથોચિત વપરાયા છે. મૂળ રચનાના અભાવમાં આ બાબતેય મૌન જ ઉચિત જણાય છે. અનિયત પંક્તિલંબાઈવાળા નાના-મોટા બે ભાગમાં કવિતાને વહેંચી નાંખવામાં આવી છે. કુતૂહલ જન્માવે એવું શીર્ષક બાંધ્યા બાદ ઘણીવાર કવિ કાવ્ય પતવા આવે ત્યાં સુધી રહસ્ય અને ભાવકનો રસ -ઉભયને જાળવી રાખે એવી કાવ્યપ્રયુક્તિ સામાન્યતઃ જોવા મળે છે, પણ એથી વિપરીત, અહીં શીર્ષક વડે ભાવકનું ધ્યાન સફળતાપૂર્વક આકર્ષિત કર્યા બાદ કવિ પહેલી પંક્તિમાં જ રહસ્યોદ્ઘાટન કરી નાંખે છે કે ‘હત્યા’ કોની છે. જરા અનૂઠી પણ કદાચ વધુ પ્રભાવક કાવ્યરીતિ આને ગણી શકાય, કારણ કે કવિએ આ ‘હત્યા’ને કઈ રીતે અંજામ આપ્યો હશે એ જાણવાની તાલાવેલી આપણને જકડી રાખે છે.

‘વિવેચકો ક્યારેક મને મારી નાંખે છે’ના એકરાર સાથે કથક કાવ્યારંભ કરે છે. ‘વિવેચકો મને મારી નાંખે છે’ કે ‘વિવેચકો મને કાયમ મારી નાંખે છે’ કહેવાના બદલે ‘ક્યારેક’ શબ્દપ્રયોગ કરીને કવિ વિવેચકોની હત્યા કરવાના પાપમાંથી બચી ગયા છે એ નોંધનીય છે. વિવેચકોની સામે સર્જકોની આ ફરિયાદ કાયમી છે. કારણ કે મોટાભાગના વિવેચકો કવિતાના સુનિશ્ચિત સ્વરૂપ કે રૂપકોના ખ્યાલથી પૂર્વગ્રસિત હોવાથી અલગ કે નવીનને સ્વીકારવામાં તેઓને બહુ તકલીફ પડે છે. વિવેચકોની આ મથરાવટી પાછળ આપણી શિક્ષણવ્યવસ્થાનો જો કે મોટો ફાળો છે. કવિતા સાથે આપણો પરિચય તો ગળથૂથીથી જ થાય છે. માના દૂધની સાથોસાથ જ બાળક જોડકણાં-હાલરડાં-ગીતો ધાવીને મોટું થાય છે. એને કોઈ ગીતોના અર્થ સમજાવતું નથી, અને એય કાને પડે છે એનો નિર્ભેળ આનંદ જ લે છે. પણ શાળા નામનું પ્રસૂતિગૃહ પગ મૂકતાવેંત બાળકમાં વિવેચક જન્માવે છે. પદ્ય હોય કે ગદ્ય, શિક્ષણનો એકમેવ હેતુ સારગ્રહણ જ હોય છે. શાળાના અભ્યાસક્રમનું અવિનાભાવી ઘટકતત્ત્વ તે કોઈપણ કૃતિનો કેન્દ્રવર્તી વિચાર અથવા સર્જક શું કહેવા માંગે છે એની સમજૂતી જ છે. કવિતાનો વિશુદ્ધ આનંદ માણતાં શીખેલ શિશુ વિદ્યાર્થી બનતાં જ હેત્વાર્થ શોધવાના ગદ્ધાવૈતરામાં જોતરાઈ જાય છે. કળા ખાતર કળા (l’art pour l’art – art for art’s sake)ના સિદ્ધાંતથી માહિતગાર થવાય ત્યાં સુધીમાં તો કવિતાને તોલી-જોખીને માણવાના મનાંકનો ઘર કરી ગયાં હોય છે.

વિવેચન જો કે જેટલું બિનજરૂરી છે એટલું જ જરૂરી પણ છે. વિવેચન ક્યારેક કવિતાની હત્યા કરે છે તો ક્યારેક કવિતામાં છૂપાયેલ અને ધ્યાનબહાર રહી જતી વિશિષ્ટતાઓ ઉપસાવીને ભાવકના કાવ્યાનંદને અનેકગણો કરવામાં સહાયક પણ બને છે. ચર્ચિલે કહ્યું હતું: ‘શક્ય છે કે આલોચના સ્વીકાર્ય ન હોય, પણ એ આવશ્યક છે. જે કામ માનવશરીરમાં પીડા કરે છે એ જ કામ એ કરે છે; એ વસ્તુના અસ્વાસ્થ્યકર વિકાસ તરફ ધ્યાન દોરે છે. સમયસર ધ્યાન આપવામાં આવે તો ખતરો ટાળી શકાય છે; પણ દુર્લક્ષ સેવવામાં આવે તો તો જાનલેવા વ્યાધિ વિકસી શકે છે.’

વિવેચના એ મનુષ્યસ્વભાવનું અંતર્નિહિત તત્વ છે. પ્રસંશા કે ટીકાના બે શબ્દો આપણે ઉચ્ચરીએ એય વિવેચન જ છે ને! કેવળ ગુણદર્શન કરાવવું કે કેવળ દોષ તારવવાને વિવેચન ન કહેવાય. સાચું વિવેચન રચના અને રચનાકાર પરત્વેના રાગદ્વેષથી પ્રેરિત થયા વિના રચનાના ગુણ-દોષનું તટસ્થ મૂલ્યાંકન કરવામાં આવે એ છે. કવિતા લખાવી શરૂ થઈ એ જ દિવસથી વિવેચનની પણ શરૂઆત થઈ હશે. ચોવીસસો-પચ્ચીસસો વર્ષ પૂર્વે સોક્રેટિસ, પ્લેટો અને એરિસ્ટોટલ વગેરેને આલોચનના પ્રણેતા કહી શકાય. એરિસ્ટોટલે તો ‘પોએટિક્સ’ લખીને વિવેચનને શાસ્ત્રનો દરજ્જો આપ્યો હતો. સંસ્કૃત કાવ્યશાસ્ત્રમાં પણ ઈ.પૂ. બીજી સદીમાં ભરતથી લઈને સત્તરમી સદીમાં જગન્નાથ સુધી કાવ્યની વિભાવના, હેતુ અને આત્મા બાબતે નોંધપાત્ર વિચારણા થતી આવી છે. ગુજરાતીમાં નર્મદે ‘ટીકા’ અને ‘ટીકાવિદ્યા’ સંજ્ઞા પ્રયોજી સાહિત્ય-સમાલોચનાના શ્રીગણેશ કર્યા હતા. Criticism ના પર્યાયરૂપ ‘વિવેચન’ શબ્દ નવલરામ પંડ્યાએ આપ્યો.

ચોક્કસ પ્રકારની કવિતા અને ચોક્કસ પ્રકારના રૂપકો ઇચ્છતા ટીકાકારો ક્યારેક પોતાની હત્યા કરતાં હોવાના અરોપ સાથે કવિએ કાવ્યારંભ કર્યો છે. અને કવિ જો મુખ્ય માર્ગે ચાલવાના બદલે આડમાર્ગ પર ભટકતા નજરે ચડે તો આ આલોચકો કવિએ રસ્તા સાથે દગો કર્યો હોવાના આરોપ એના પર મૂકે છે. એક જમાનામાં ગઝલનો અર્થ પ્રેયસી સાથેની ગુફ્તેગૂ એમ થતો હતો, અને ગઝલમાં પ્રિયતમા-સાકી-સુરા અને બુલબુલની ભરમાર રહેતી હતી. પણ આજની ગઝલ સર્વસમાવિષ્ટા કે સર્વગ્રાહી બની છે. ભાષા હોય કે રૂપક, વિષય હોય કે અભિવ્યક્તિ –આજની ગઝલમાં તમામનો સ્વીકાર છે, પણ એક સમયે સૉનેટભક્તિ એવી તો ચરમસીમાએ હતી કે સૉનેટ ન લખનારનો કવિ તરીકે સ્વીકાર પણ નહોતો થતો. સૉનેટના જમાનામાં જે કવિઓએ ગઝલ લખવી શરૂ કરી હતી, એમના પર દાયકાઓ સુધી પસ્તાળ પાડવામાં આવી હતી અને ક્યાંય સુધી ગઝલને કવિતાનો દરજ્જો આપવામાં કહેવાતા સાહિત્યસ્વામીઓને મોટો વાંધો હતો. ગઝલને ઉતરતો કાવ્યપ્રકાર ગણી અછૂત-વ્યવ્હાર પણ કરાતો. ટૂંકમાં, સમીક્ષકોએ ગણી લીધેલા ધોરીમાર્ગથી હટીને અલગ ચીલો ચાતરવાની કોશિશને વિવેચકો મુખ્યધારા સાથેનો દ્રોહ જ ગણવાના.

તમે જો કોઈ તુચ્છ વસ્તુમાંથી સત્ત્વ શોધી નાંખશો તો એમાં છિદ્રાન્વેષીઓ સાહિત્યમાં સ્થપાયેલ સ્થિરતા-જડત્વનો ત્યાગ કર્યો હોવાનું જોશે. ગુલાબી રંગનું ગુલાબ જોવા ટેવાયેલી નજરોને જો તમે વસંત ઋતુમાં પીળું ગુલાબ દેખાડશો તો એમાં તેઓ માતૃભૂમિના લોહીના લાલ રંગની ઉણપ શોધશે. અને પારંપારિક ભાષાથી જરા અળગા હટીને યદિ આપ કંઈક નવું- કંઈક સંકુલ- કંઈક આધિભૌતિક રૂપક કે વાત લઈને સામે આવશો તો તેઓ ચમચો નાંખીને સૂપ હલાવીએ એમ અર્થને હલાવવાની, અર્થ તારવવાની કોશિશ કરશે. આનાથી વિપરીત અગર આપ કાન સીધો પકડશો, તો તેઓ માથા પાછળ હાથ લઈ જઈને અવળેથી પકડવાની પદ્ધતિની હિમાકત કરશે. ઉદાહરણ તરીકે જો તમે એમ ગણગણશો કે મા એ આખરે મા છે. જ્યારે એ પોતાના સંતાનને ગુમાવે છે ત્યારે એ લાકડીની જેમ જ કરમાઈને સૂકાઈ જાય છે, ત્યારે સૂર્ય પૂર્વમાં ઊગવા સમી સ્ફટિકસ્પષ્ટ વાતને તેઓ તિર્યક નજરે જોશે અને કહેશે કે ના, મા તો ખુશીથી ઝૂમી રહી છે, બાળકની અંતિમક્રિયામાં નાચી રહી છે, કારણ કે એના માટે તો પુત્રની અંતિમવિધિ પણ લગ્નવિધિ જ છે. મતલબ, તમે કંઈ પણ કરશો, વાંકદેખા ટીકાકારો તો વાંક જ કાઢવાના. ‘અન્યોની આલોચના કરનાર ઘણીવાર જેઓ પોતાનામાં શી ઉણપ છે એ જ પ્રગટ કરતાં હોય છે.’ (શેનન એલ. આલ્ડર)

મેઘાણીએ કહ્યું કે, ‘અણદીઠેલી ભોમ પર યૌવન માંડે આંખ.’ કવિતામાં પણ જે લોકો અણદીઠેલી ભોમકા તરફ મીટ માંડે છે એ જ સાચા અર્થમાં યુવાન છે, એને જ નવ્યકવિ કહી શકાય. પણ સમાલોચકોને તો ત્યાંય વાંધો પડવાનો. જો તમે નહીં જોવાયેલ-જોયેલ જોવા માટે આકાશ તરફ ઊંચે મીટ માંડશો તો તરત જ તેઓ કવિતા પોતાના મૂળ ઉદ્દેશ્યોથી બહુ દૂર ભટકી ગઈ છે કહીને તમને વખોડશે. એમની પરિભાષામાં સારો અને સાચો કવિ એ જ જે એમણે પૂર્વનિર્ધારિત ચોકઠાંઓમાં જ શબ્દ ગોઠવે. દાયકાઓથી કેળવાયેલી એકવિધ રસરૂચિ કે મર્યાદિત સમજને વશવર્તીને રચના કરે એ જ કવિ ગણાય. બહુધા વિવેચન એ ઘોડાની આંખ પર પહેરાવેલા ડાબલાં બનીને રહી જતું હોય છે, જે ઘોડાની દૃષ્ટિને સતત મર્યાદિત રાખે છે. આંખે ડાબલાં બાંધેલ ઘોડાની જેમ કવિને એક લીટીમાં ગતિ કરવાની ફરજ પાડે એનું જ બીજું નામ વિવેચન.

સારો કવિ પોતે જે કહેવા ઇચ્છે છે એ વાતને અધોરેખિત કરવા માટે પુનરોક્તિનો સહારો લે છે. અહીં કવિ ‘વિવેચકો ક્યારેક મને મારી નાંખે છે’ વાક્યનો પુનરોચ્ચાર કરે છે. વિવેચકો સારા સારા કવિઓની કારકિર્દીનો ભોગ લેવામાં નિમિત્ત બનતા હોય છે એ કડવી હકીકત કહેવા માટે પુનર્કથનરીતિનું હથિયાર આખી કવિતામાં એક જ વાર વપરાયું હોવાથી વધુ અસરદાર બન્યું છે.

કાવ્યાંતે કવિ એક સુખદ હકીકત તરફ અંગૂલિનિર્દેશ કરે છે. તેજસ્વી કવિની કારકિર્દીનું ગળું રૂંધી નાંખતા વિવેચકો રુગ્ણ માનસિકતા અને સંકુચિત નજરની મર્યાદાને લઈને કવિને જે રીતે વાંચવો જોઈએ એ રીતે વાંચવામાં વિફળ રહેતા હોય છે, પરિણામે ખરો કવિ અને ખરી કવિતા એમના વાંચનના અત્યાચારમાંથી છટકી જાય છે. કવિ વિવેચકોની આ ગેરસમજણ અથવા સમજણના અભાવ બદલ એમનો આભાર માનીને નવી કવિતાની શોધમાં પરોવાઈ જાય છે. આખી કવિતામાં આ ભાગ સૌથી અગત્યનો છે. વિવેચનના આગ્રહી સર્જકો પણ બહુધા અંદરખાને તો વખાણ જ ઇચ્છતા હોય છે. અને એટલે જ વિવેચકો એમના સર્જન ઉપર હાવી થવામાં સફળ થતા હોય છે. સાચો કવિ તો સદૈવ આલોચનાથી પર જ હોવાનો. આલોચકોની સાચી કવિતા વાંચી ન શકવાની નબળાઈને જ તેઓ પોતાની તાકાત બનાવે છે. અને સાચી કાવ્યસાધનામાં જ રત રહે છે. જે કવિ વિવેચન-(અ)વિવેકના નીરક્ષીર પારખી શકે છે એ જ નવી કવિતાને શોધી શકે છે.

અંતે, ફેડી જુડાએ કરેલ અંગ્રેજી અનુવાદના આધારે દરવીશની જ ‘યુવા કવિને’ રચનાના કાવ્યાંશ માણીએ:

અમારી રૂપરેખાઓ પર વિશ્વાસ ન કરશો, ભૂલી જાવ એને
અને તમારા પોતીકા શબ્દોથી શરૂઆત કરો.
જાણે કે તમે પ્રથમ વ્યક્તિ હો કવિતા કરનાર અથવા તો અંતિમ કવિ.

જો આપ અમારા કામને વાંચો, તો અમારી શેખીઓનો વિસ્તાર કરવાને નહીં,
પરંતુ પીડાના પુસ્તકમાં
અમારી ભૂલોને સુધારવા માટે વાંચજો.

કોઈનેય પૂછશો નહીં: હું કોણ છું?
તમે જાણો જ છો કે તમારી મા કોણ છે.
જ્યાં સુધી બાપનો સવાલ છે, ખુદના બાપ ખુદ બનો.
..
ફંટાવ, તમારી પૂરી તાકાતથી, નિયમથી ફંટાવ.

પ્યારમાં કોઈ સલાહ ન હોય. એ અનુભવ છે.
કવિતામાં કોઈ સલાહ ન હોય. એ પ્રતિભા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *