ગ્લોબલ કવિતા : ૨૩૮ : ભેટ – લિ-યંગ લી

The Gift

To pull the metal splinter from my palm
my father recited a story in a low voice.
I watched his lovely face and not the blade.
Before the story ended, he’d removed
the iron sliver I thought I’d die from.

I can’t remember the tale,
but hear his voice still, a well
of dark water, a prayer.
And I recall his hands,
two measures of tenderness
he laid against my face,
the flames of discipline
he raised above my head.

Had you entered that afternoon
you would have thought you saw a man
planting something in a boy’s palm,
a silver tear, a tiny flame.
Had you followed that boy
you would have arrived here,
where I bend over my wife’s right hand.

Look how I shave her thumbnail down
so carefully she feels no pain.
Watch as I lift the splinter out.
I was seven when my father
took my hand like this,
and I did not hold that shard
between my fingers and think,
Metal that will bury me,
christen it Little Assassin,
Ore Going Deep for My Heart.
And I did not lift up my wound and cry,
Death visited here!
I did what a child does
when he’s given something to keep.
I kissed my father.

– Li-Young Lee

ભેટ

મારી હથેળીમાંથી ધાતુની કરચ ખેંચી કાઢવા માટે
મારા પપ્પાએ ધીમા અવાજમાં એક વાર્તા કહી હતી.
હું બ્લેડ નહીં, એમનો પ્યારો ચહેરો જ જોતો રહી ગયો હતો,.
વાર્તા પૂરી થતાં પહેલાં તો લોઢાની ચીપ, જેનાથી હું
મરી જઈશ એમ મને લાગતું હતું, એ એમણે કાઢી પણ નાંખી હતી.

મને એ વાર્તા તો યાદ નથી,
પણ એમનો અવાજ હજી પણ સંભળાઈ રહ્યો છે, એક કૂવો
ઊંડા પાણીનો, એક પ્રાર્થના.
અને મને એમના હાથ યાદ આવે છે,
મારા ચહેરા ઉપર મૂકાયેલ
સહૃદયતાના બે માપ,
મારા મસ્તક ઉપર એમણે પ્રજ્વલિત કરેલ
અનુશાસનની જ્વાળાઓ.

જો તમે તે બપોરે આવી ચડ્યા હોત
તો તમને લાગ્યું હોત કે તમે એક માણસને
એક છોકરાની હથેળીમાં કંઈક રોપતો જોયો છે,
એક રૂપેરી ચીરો, એક નાનકડી જ્વાળા.
જો તમે એ છોકરાને અનુસર્યા હોત
તો તમે અહીં પહોંચ્યા હોત,
જ્યાં હું મારી પત્નીના જમણા હાથ ઉપર ઝૂકેલ છું.

જુઓ તો, મેં કેટલી કાળજીપૂર્વક એના અંગૂઠાના નખને
ખોતરી કાઢ્યો છે કે એને દુઃખ્યું સુદ્ધાં નહીં.
ને જુઓ, હું કઈ રીતે ફાંસ કાઢી રહ્યો છું તે.
હું સાત વરસનો હતો જ્યારે મારા પિતાજીએ
આ જ રીતે મારો હાથ ઝાલ્યો હતો,
અને એ ટુકડો આંગળીઓમાં પકડીને
મેં કંઈ એમ વિચાર્યું નહોતું કે,
આ ધાતુ મારો જીવ લઈ લેત,
ન તો મેં મારા હૃદયમાં ઊંડે ઉતરનાર એ ધાતુના
નાનકડો હત્યારો કહીને નામસંસ્કાર કર્યા હતા.
વળી, હું મારા ઘા બતાવીને રડ્યોય નહોતો કે,
યમરાજની સવારી અહીં આવી હતી!
મેં તો બસ એ જ કર્યું હતું જે એક બાળક કરે
જ્યારે એને કંઈક સાચવવા માટે અપાયું હોય.
મેં મારા પપ્પાને ચૂમી લીધા હતા.

– લિ-યંગ લી
(અનુ.: વિવેક મનહર ટેલર)
કૂવામાં હોય એ હવાડામાં આવે…

દીકરો કહ્યું કરતો જ નથી કહીને મા પોકેપોકે રડી પડી. બાપ કંઈ ઓછો ઉદ્વિગ્ન નહોતો. લાખવાર કહેવા છતાં ને હજારવાર સમજાવવા છતાં ને સેંકડોવાર ધમકાવવા છતાં દીકરો વાંચવા બેસતો જ નથી અને આખો દિવસ મોબાઇલમાં જ ઘુસેલો રહે છે એ બંનેની ફરિયાદ હતી. બાળમનોજ્ઞ બંનેની ફરિયાદો સાંભળી રહ્યા હતા. છેવટે એમણે માબાપને સવાલ કર્યા ત્યારે ખબર પડી કે મા કે બાપ, બેમાંથી એકેયને વાંચવાનો શોખ નહોતો. માની જિંદગી લગ્ન પહેલાં ઘરકામ શીખવામાં અને લગ્ન પછી ઘરકામ કરવામાં વીતી ગઈ હતી અને બાપના માથે નાની ઉંમરથી જ કમાવાનો બોજ આવી પડ્યો હતો એટલે બંનેને વાંચવાનો શોખ વિકસાવવાની ઇચ્છા હોવા છતાં બેમાંથી કોઈ સફળ થયા નહોતા. બંનેના કહેવા મુજબ વરસો ગદ્ધાવૈતરું કરી ઘરગૃહસ્થી થાળે પાડ્યા પછી બંનેને એટલો હક તો હતો જ કે ફાજલ સમયમાં મોબાઇલ પર રીલ જોઈ હળવા થઈ શકે. પણ જિંદગીભર મહેનત કર્યા બાદ માબાપ મોબાઇલ વાપરતા હોય એનો અર્થ એ થોડો કે બાર વરસનો દીકરો ભણવાનું છોડીને મોબાઇલનો એદી બની જાય? એની જિંદગી તો હજી શરૂ પણ થઈ નથી… ખરું ને?

ખેર, આ કોઈ એક દીકરાની કે માબાપની કહાણી નથી. વધતે-ઓછે અંશે આ આપણા સહુના જીવનની સર્વસામાન્ય વારતા છે. દુનિયાના દરેક માબાપ ઇચ્છતા હોય છે કે સંતાન પોતે વિચાર્યું હોય એમ વર્તે, પોતે ધાર્યું હોય એમ આગળ વધે અને પોતે કહે એ પ્રમાણે જ જીવે. પોતાના અધૂરા સ્વપ્નોની પૂર્તિ સંતાન કરે એમ મોટાભાગના માબાપ ઇચ્છે છે. પણ વાસ્તવિક જિંદગી આ ઇચ્છાઓ સાથે ભાગ્યે જ તાલમેલ મેળવતી નજરે ચડે છે. માતાપિતા ઉત્તર તરફ જવાનું કહે અને સંતાન દક્ષિણાયન કરતાં હોય એ દૃશ્ય જરાય અજાણ્યું નથી. પણ આ વિસંગતિ માટે સંતાન કરતાં વધુ માતાપિતા પોતે જ જવાબદાર હોય છે. બાળકો એમના શબ્દોને સાંભળીને શીખે એનાથી અનેકગણું એમના વર્તનમાંથી શીખે છે. સંતાનોમાં વાંચવાનો શોખ વિકસાવવાની ઇચ્છા હોય તો સંતાન સમજણું થાય એ પહેલેથી એની નજરે માતાપિતા પુસ્તકોને પ્રેમ કરતાં દેખાવા જોઈએ. માબાપ મોબાઇલ ઓછો વાપરતા હોય તો જ સંતાનને મોબાઇલથી અળગા રાખવાની ઇચ્છા કદાચ ફળીભૂત થાય. તુકારામ પાસે દીકરાની સતત ગોળ ખાવાની કુટેવ છોડાવવા આવેલ માબાપની વાર્તાથી આપણે સહુ માહિતગાર છીએ જ. સંતાનની કુટેવ છોડાવવા માટે સૌપ્રથમ આપણે એ કુટેવ ત્યાગવી પડે.

ઉપર બે ફકરામાં જે પ્રવચન આપવામાં આવ્યું એ આપણામાંથી કોઈ માટે નવું નથી. વળી, આપણે મૂળે તો અહીં કવિતાની વાત કરવા ભેગા થયા છીએ. ખરું ને? તો પછી કવિતા પડતી મૂકીને ઉપદેશ શીદ? ખેર, આખી વાત કવિતાના મિષે જ થઈ છે. અસર ગુમાવી બેઠેલી ચર્વિતચર્વણ વાતોનેય કવિતા સાવ અલગ જ અને એવી રીતથી રજૂ કરી શકે છે, કે ગળે ઊતરી જાય. પ્રસ્તુત રચનામાંથી પસાર થઈશું એટલે આ વાત તરત સમજાશે.

ચીનથી રાજકીય કારણોસર દેશનિકાલ પામેલ માબાપને ત્યાં ઇન્ડોનેશિયાના જકાર્તા શહેરમાં ૧૯૫૭ની સાલમાં લિ-યંગ લીનો જન્મ થયો હતો. લીના પરદાદા રિપબ્લિક ઑફ ચાઇનાના પ્રથમ પ્રમુખ હતા તો પિતા માઓ ઝેડોન્ગના અંગત તબીબ હતા. રાજકીય કારણોસર ઇન્ડોનેશિયાથી પણ લીના પરિવારને ભાગવું પડ્યું હતું અને હોંગકોંગ, મકાઉ અને જાપાન થઈને આખરે અમેરિકામાં તેઓ સ્થાયી થયા. હાલ પત્ની અને બે પુત્રો સાથે તેઓ શિકાગો રહે છે. લીની કવિતા સ્વથી શરૂ થઈ સર્વ સુધી પહોંચતી કવિતા છે. અદ્વૈત અને બ્રહ્માંડ એમની શોધના વિષયો છે. સરળ ભાષામાં રજૂ થતી એમની કવિતાઓ દૂરગામી અસર ઊભી કરવામાં સફળ થઈ છે.

‘ભેટ’ કાવ્ય ૫-૮-૭-૧૫ પંક્તિઓના અનિયત સંખ્યાખંડમાં વહેંચાયેલ અછાંદસ કાવ્ય છે. સમજવામાં સરળ આ કાવ્ય લાંબા સમય સુધી આપણી ભીતર રણઝણતું રહે એવું છે. હાથમાં ઘૂસી ગયેલ ધાતુની કરચ કાઢવાની પ્રક્રિયા કાવ્યના કેન્દ્રસ્થાને છે. કવિતામાં તો ફાંસ સફળતાપૂર્વક કાઢી લેવાઈ છે, પણ આપણી સંવેદનાની અંદર ભોંકાતી ફાંસ લાંબા સમય સુધી કાઢી ન શકાય એવી છે. વળી, અનુભવાતી સમ- બહુ મીઠી અને વારંવાર અનુભવવી ગમે એવી છે. સારી કવિતાની સાચી કમાલ જ આ છે!

કાવ્યકથનરીતિ પ્રથમ પુરુષ એકવચનની છે. કથક આપવીતી કહેતાં-કહેતાં ભૂત અને વર્તમાનના બે ખંડો વચ્ચે સંધાન સાધે છે. કવિતાની શરૂઆત ભૂતકાળના એ પ્રસંગથી થાય છે, જ્યારે કથકની વય કેવળ સાત વર્ષની હતી. જોકે કથકની તત્કાલીન વય વિશે રહસ્યસ્ફોટ તો પાંત્રીસ પંક્તિના કાવ્યમાં છેક ચોવીસમી પંક્તિમાં થાય છે. સાત વર્ષના બાળકની હથેળીમાં ધાતુની એક કરચ અકસ્માતે ઘૂસી ગઈ હતી. પોતે આ ફાંસના કારણે મરી જશે એમ લાગતું હોવાની વાત કવિતામાં જ્યાં આવે છે ત્યાં ફાંસને લઈને બાળકને થયેલી પીડા અનુભવી શકાય છે. બાળક્ની હથેળીમાં ખૂંપેલ ધાતુની કરચને બે આંગળીમાં પકડીને ખચ્ચ્ કરતાંકને ખેંચી કાઢવાના બદલે એના પપ્પા એને એક વાર્તા ધીમા અવાજે કહે છે. કવિતામાં દરેક શબ્દનું આગવું મહત્ત્વ છે. ‘ધીમા’ શબ્દ પર ધ્યાન આપીએ. પપ્પાએ એક વાર્તા કહી એમ કહેવાને બદલે પપ્પાએ ધીમા અવાજમાં એક વાર્તા કહી એમ કવિ કથકના માધ્યમથી કહે છે ત્યારે આપણને એ સમજવામાં કોઈ તકલીફ નથી પડતી કે અવાજ ધીમો હોવાના કારણે ફાંસગ્રસિત બાળકે કાન સરવા કરવા ફરજિયાત થઈ પડ્યા હશે. દીકરાની સમગ્ર ચેતના ‘ધીમા’ અવાજે કહેવાતી વાર્તા ઉપર કેન્દ્રિત થવાના કારણે જીવલેણ અનુભવાયેલ ફાંસના કારણે થતી પારાવાર પીડા પણ થાળે પડી ગઈ હશે. કવિતામાં યોગ્ય સ્થાને યોગ્ય શબ્દનું આ ઉમદા ઉદાહરણ ગણી શકાય. વાર્તારસમાં ગરકાવ દીકરો ફાંસ ભૂલીને પપ્પાના પ્યારા ચહેરાને એકટક જોતો રહી જાય છે. વાર્તા કહેતા પપ્પાનો ચહેરો પીડાગ્રસ્ત બાળકને ‘પ્યારો’ લાગે છે એ પણ નોંધવા જેવું. ઊભી કરેલી તકનો લાભ લઈ અનુભવી પપ્પાએ લોખંડની ફાંસ બ્લેડની મદદથી સિફતપૂર્વક ખેંચી કાઢી. કવિતાની પ્રથમ પાંચ પંક્તિ સાવ સરળ પણ એવી તો રસાળ શૈલીમાં આલેખાઈ છે કે કાવારંભે જ ભાવક કવિતાના પ્રેમમાં પડી જાય. આ જ છે ખરું કવિકર્મ!

આજે વર્ષો પછી કથકને પપ્પાએ કઈ વાર્તા કહી હતી એ તો યાદ નથી, પણ એમનો ધીમો મીઠો અવાજ સ્મૃતિમાં યથાવત્ રહ્યો છે. કાળના સીમાડાઓ વળોટીને આવતો ઊંડા પાણીના કૂવા જેવો એ ધીરગંભીર અવાજ હજી આજેય કથક સાંભળી શકે છે. એ અવાજ, એ વાર્તા આજે પ્રાર્થના સમાન પ્રતીત થાય છે, કેમકે એ અવાજ કેવળ પીડિત બાળકનું ધ્યાન અન્યત્ર દોરવાનો પ્રયાસ જ નહોતો, પૈતૃક પ્રેમ અને કાળજીનો સાક્ષાત્કાર હતો. ફાંસ કાઢ્યા બાદ સંતાનના બે ગાલ પર મૂકાયેલ બાપના બે હાથ જાણે સહૃદયતાના બે માપ હતા. દુનિયામાં કોઈ બાપ બાળકનું દર્દ સહિયારવાને સમર્થ નથી, પણ દર્દ ઓછું કેમ કરવું એ બાબતમાં માહિતગાર હોય એ જરૂરી છે. બાળકના ચહેરા પર મૂકાયેલ બે હાથમાં બાળકને એક તરફ સહૃદયતા-અનુકંપા-સધિયારો અનુભવાય છે, તો બીજી તરફ અનુશાસનની શીખ પણ એમાંથી એ મેળવે છે. નાનકડા પ્રસંગમાંથી બાળક જીવનશિસ્તના પાઠ પણ શીખે છે.

આટલે સુધીની સ્વગતોક્તિ બાદ કવિતામાં કવિ ભાવકનો સીધો પણ આકસ્મિક પ્રવેશ કરાવે છે. કવિતાના ભાવવિશ્વ અને બાપ-દીકરાના અવર્ણનીય પ્રેમના કમળમાં એક ભમરાની જેમ કેદ કરી લઈને કથક અચાનક આપણી સાથે સીધી વાતચીતનો તંતુ સાધે છે. પરિણામે કવિતા આપણને લાગવા માંડી હતી, એથી અનેકગણી વધુ પોતીકી અનુભવાય છે. કથક કહે છે કે એ બપોરે જો આપણે એ સ્થળે આવી ચડ્યા હોત તો એક માણસ એક બાળકની હથેળી ઉપર ઝૂકીને એમાં એક રૂપેરી ચીરો, એક નાનકડી જ્વાળા રોપી રહ્યો હોવાનું આપણને લાગત. લોખંડના ટુકડા અને પ્રકાશના પરાવર્તનનો ઝાઝું બોલ્યા વિના જ કવિએ કેવો સરસ વિનિયોગ કર્યો છે! હકીકત ધાતુના ટુકડાને ખેંચી કાઢવાની છે પણ જોનારને (અને કવિતા વાંચનારને) અનુભૂતિ બાળકના અસ્તિત્ત્વમાં કંઈક રોપાઈ રહ્યું હોવાની થાય છે. બે ક્રિયાપદોની ફેરબદલીથી આખી વાતનો ઓપ કેવો બદલાઈ જાય છે! કથક કહે છે કે જો આપણે એ છોકરાને અનુસર્યા હોત તો સમયના રસ્તે ચાલીને આજમાં અહીં આવી પહોંચ્યા હોત જ્યાં પોતે પોતાની પત્નીના જમણા હાથ ઉપર ઝૂકેલ છે. સાત વરસે વાગેલી ફાંસ અને લગ્ન બાદની આજની વાત વચ્ચે વરસોનાં વહાણાં વાઈ ચૂક્યાં છે. આટલા વરસ લાગલગાટ કોઈ કોઈને અનુસરી શકે નહીં, પણ કવિતા કાળના બે દૂર પડેલાં બિંદુઓને પણ ન સાંધો-ન રેણ જેવી કાબેલિયતથી જોડી આપે છે. કવિતાની પાસે એનું પોતાનું અને ખરે જ અસ્તિત્ત્વ ધરાવતું ટાઇમ મશીન છે.

સમયના આ ખંડમાં કથક અને એની પત્નીની સાથે આપણી પણ સહોપસ્થિતિ છે. કવિ એમના કેમેરામાંથી આખી ઘટના આપણને બતાવે છે. વર્ષો પહેલાં આ કમરામાં ઘટેલી ઘટના પુનર્ઘટિત થઈ રહી છે. કેવળ પાત્રો બદલાયા છે, પણ પરસ્પરના પ્રેમની અભિવ્યક્તિ એની એ જ છે. ત્યારે બાળકને વાગી હતી એવી જ ફાંસ આજે પત્નીને ભોંકાઈ છે. પત્નીના અંગૂઠાના નખને સિફતથી ખોતરીને કથક કાળજીપૂર્વક ફાંસ એમ ખેંચી કાઢે છે કે એને દુઃખ્યું સુદ્ધાં નહીં. ગણીને પાંચ પંક્તિઓમાં વર્તમાન અને પત્નીનો નામોલ્લેખ કરીને કથક કવિતાના ટાઇમમશીનમાં બેસાડીને આપણને ફેર સાત વર્ષના બાળકની રૂબરૂ કરી દે છે. પિતાજીએ ધાતુની કરચ ખેંચી કાઢીને બાળકના હાથમાં આપી હશે એ સમયે કથકના કહેવા મુજબ બાળકે એને હાથમાં લઈને કંઈ એમ નહોતું વિચાર્યું કે આ ધાતુ મારો જીવ લેશે. નાના બાળકોની માનસિકતા સમજવાનો નાનકડો પણ સોનેરી અવસર અહીં આપણને સાંપડે છે. કાવ્યારંભે ફાંસ નીકળી નહોતી એ સમયે પોતે મરી જશે એમ અનુભવતો બાળક ફાંસ નીકળી ગયા પછી પોતે કંઈ મરી જવાનો નથી એમ વિચારવા લાગ્યો હતો. બાળમાનસપટલ પર આકારિત આ બંને બિંદુઓ વિપરીત દિશાના પણ સત્ય છે. દોઢ-બે દાયકાનો સમયગાળો વહી ગયો હોવા છતાં કથક જે-તે સમયના સ્વાનુભાવને યથાતથ અનુભવે છે. હૃદયમાં ઊંડે ઊતરી ગયેલ અનુભવાતી લોખંડની કરચને હાથમાં લીધા પછી, મરી જઈ શકવાનો ખતરો અને સુરક્ષિત સમય વીતી ગયાની ખાતરી થયા બાદ, બાળકે નાનકડા હત્યારાનું નામ આપ્યું નહોતું કે પોતાના ઘાનું પ્રદર્શન કરીને એ રડ્યોય નહોતો કે મૃત્યુ અહીં આવી ગયું છે. આખી કવિતામાં આ ચાર-પાંચ પંક્તિઓમાં જ બાળલાગણીઓ અને વયસ્કની અભિવ્યક્તિની ભેળસેળ દેખાય છે. પણ આ બદલાવ એટલો કુદરતી, કાવ્યાત્મક અને પ્રભાવી છે કે ઊંડા મનન વિના એ અનુભવાતો નથી. આ નોન-પર્સેપ્ટિબલ ચેઇન્જ એથી સહજ સ્વીકાર્ય બને છે કે બાળકે કટોકટી ટળવાના સમયે મોટા માણસોની જેમ વિચારવાના બદલે એક બાળક પોતાને મળેલ ભેટના બદલામાં જે કરે એ જ કર્યું હતું. બાળસહજ આનંદોદ્ગારની અભિવ્યક્તિરૂપે એણે એના પપ્પાને ચૂમી લીધા હતા.

આમ જુઓ તો કવિતા અહીં પૂરી થઈ જાય છે, પણ હકીકતે આપણા ભાવવિશ્વમાં એનું ખરું અનુરણન અહીંથી જ પ્રારંભાય છે. માતાપિતા તરફથી સંતાનોને વાણી-વિચાર-વર્તનની જે કંઈ ભેટ સતત મળતી રહે છે, એ જ આગળ જતાં બાળકના વ્યક્તિત્વઘડતરની ઈંટો બની રહે છે. સાચું સંસ્કારસિંચન માબાપના ઉપદેશોથી નહીં, પણ વર્તનથી જ થતું હોય છે. આખરે તો, કૂવામાં હોય એ જ હવાડામાં આવે ને… વાવીએ એવું લણીએ… बोया पेड बबूल का, आम कहाँ से खाय?

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *