Category Archives: અછાંદસ

હું વૃક્ષો સાથે વાત કરું છું – પન્ના નાયક

હું વૃક્ષો સાથે વાત કરું છું
લીલેરો સંગાથ કરું છું

કુમળો કુમળો તડકો જાણે
પંખી થઈને બોલે
આકાશ જાણે હોય ઊછરતું.
લીલા રંગને ખોળે

હું તો મારી સાથે જાણે
પહેલી વાર સંવાદ કરું છું.
હું વૃક્ષો સાથે વાત કરું છું.

હું મારામાં વૃક્ષ ઉછેરું
હું મારામાં આભ,
મારી ભીતર મને મળ્યાં છે
મૌનનાં રેશમ-ગાભ,
હું ભીતર ને બહાર ફરું છું.
હું વૃક્ષો સાથે વાત કરું છું.
-પન્ના નાયક

ગ્લૉબલ કવિતા : ૨૧૩ : મુસાફરી – મેરી ઑલિવર

The Journey

One day you finally knew
what you had to do, and began,
though the voices around you
kept shouting
their bad advice–
though the whole house
began to tremble
and you felt the old tug
at your ankles.
“Mend my life!”
each voice cried.
But you didn’t stop.
You knew what you had to do,
though the wind pried
with its stiff fingers
at the very foundations,
though their melancholy
was terrible.

It was already late
enough, and a wild night,
and the road full of fallen
branches and stones.
But little by little,
as you left their voices behind,
the stars began to burn
through the sheets of clouds,
and there was a new voice
which you slowly
recognized as your own,
that kept you company
as you strode deeper and deeper
into the world,
determined to do
the only thing you could do–
determined to save
the only life you could save.

– Mary Oliver

મુસાફરી

એક દિવસ આખરે તમે જાણી ગયા કે
તમારે શું કરવાનું છે અને શરૂ કર્યું,
ભલે તમારી આસપાસના અવાજો
એમની બકવાસ સલાહો આપતા
ચિલ્લાતા રહ્યા હતા-
ભલે ઘર આખેઆખું
ધ્રુજવા માંડ્યું હતું
અને તમને જૂનું ખેંચાણ વર્તાવા લાગ્યું હતું
તમારી ઘૂંટીઓ પર.
“મારું જીવન દુરસ્ત કરો!”
-દરેક અવાજ પોકારતો હતો.
પણ તમે અટક્યા નહીં.
તમે જાણતા હતા કે તમારે શું કરવાનું છે,
ભલે પવન એની કઠોર આંગળીઓ વડે
ખણખોદતો હતો
છેક પાયાઓને,
ભલે એમની ગ્લાનિ
ભયંકર હતી.

પહેલાં જ વધુ પડતું મોડું
થઈ ચૂક્યું હતું, અને રાત તોફાની હતી,
અને રસ્તો પણ ભર્યો પડ્યો હતો તૂટેલ
ડાળીઓ અને પથરાંઓથી.
પણ ધીમે-ધીમે,
જેમ જેમ તમે એમના અવાજોને પાછળ છોડતા ગયા,
વાદળાંઓની રજાઈઓમાંથી
તારાઓએ ચમકવું શરૂં કરી દીધું,
અને એક નવો જ અવાજ સંભળાયો
જે ધીરે રહીને તમે
ઓળખ્યો કે તમારો ખુદનો જ હતો,
જેણે આ દુનિયામાં
તમારી સંગત જાળવી રાખી
જેમ જેમ તમે આઘે ને આઘે ફર્લાંગ ભરતા ગયા,
સંકલ્પબદ્ધ કરવા માટે
એ એકમાત્ર વસ્તુ જે તમે કરી શકો છો-
સંકલ્પબદ્ધ બચાવવા માટે
એ એકમાત્ર જિંદગી જે તમે બચાવી શકો છો.

– મેરી ઑલિવર
(અનુ.: વિવેક મનહર ટેલર)
એકમાત્ર જિંદગી જે તમે બચાવી શકો છો…

ઇયળ આપણે બધાએ જોઈ છે. ઠિચૂક-ઠિચૂક ચાલતી ભદ્દી ઇયળ કદાચ બધાંને ન પણ ગમે. પરંતુ એક દિવસ આ બદસૂરત કીટ ફૂલપાન ખાવાના જીવનચક્રને ત્યાગે છે. પોતાની લાળના તાંતણાંઓ પોતાની આસપાસ વીંટાળીને એ કોશેટો બનાવે છે, અને પોતે આ કોશેટામાં કેદ થઈ જાય છે. અઠવાડિયાઓના અંતરાલ બાદ કોશેટો તોડીને પતંગિયું બહાર આવે છે. બદસૂરત ઇયળ મનમોહક પતંગિયામાં પરિવર્તિત થઈ જાય છે. ઈંડાથી ઇયળ અને ઇયળથી પતંગિયા સુધીનું આ રૂપાંતરણ એક મુસાફરી છે. મેરીની આ કવિતા આવી જ એક કાયાપલટની મુસાફરીની વાત કરે છે.

મેરી ઓલિવર. ઓહાયો, અમેરિકામાં જન્મ (૧૦-૦૯-૧૯૩૫). પચાસથી વધુ વર્ષ માસાચુસેટ્સમાં. ૨૦૧૭માં આ લેખ પહેલીવાર લખ્યો ત્યારે જીવનસાથી ફોટોગ્રાફર મોલી મેલોની કૂકના નિધન બાદ ફ્લોરિડામાં રહેતાં હતાં. અગિયાર-બારની વયે કવિતા શરૂ કરી. એ કહેતાં, ‘પેન્સિલની મદદથી હું ચંદ્ર સુધી જઈ આવી’તી. કદાચ અસંખ્ય વાર.’ શાળામાંથી ગુલ્લી મારીને ચોપડીઓ સાથે જંગલમાં રખડવા જવામાં એક્કો. એમિલિ ડિકિન્સનની જેમ એકાકીપણું અને આંતરિક આત્મસંભાષણ એમની પ્રમુખ ચાહના. એકાંતવાસી. મિતભાષી. કવિતા જ બોલે એમ માનનારા. ચાલ-વાની બિમારી. જંગલમાં સ્વૈરવિહાર કરતાં કરતાં કવિતા લખવાના આદતી. એક વિવેચકે કહ્યું હતું કે, ‘મેરીની કવિતાઓ વધુ પડતા શહેરીકરણ માટે ઉત્તમ મારણ છે.’ બાળપણમાં ચર્ચમાં જતાં તો ખરાં, પણ ફાવતું નહીં. રૂમીથી એટલા પ્રભાવિત કે દિવસમાં એકવાર તો વાંચતાં જ. કોલેજ ગયાં પણ ડિગ્રી મેળવી નહીં. કવિ અને શિક્ષક તરીકે જીવ્યાં. ગરીબીમાં મોટા થયાં. ૨૦૧૨માં ફેફસાના કેન્સરમાંથી ઊભાં થયાં પણ કવિતાની જેમ ધુમ્રપાનની આદત ન છૂટી. ૧૭ જાન્યુઆરી, ૨૦૧૯ના રોજ લિમ્ફોમાના કારણે નિધન.

કવિતા, કાવ્યશાસ્ત્ર, કવિતા વિષયક પુસ્તકો અને નિબંધ -ખૂબ લખ્યું. છેલ્લે ૮૦ વર્ષની વયે પણ ‘ફેલિસિટી’ નામનો કાવ્યસંગ્રહ આપ્યો. અનેક પુસ્તકો. પુલિત્ઝર સહિતના ઢગલાબંધ પુરસ્કારો. કુદરત, સ્થાનિક રંગ અને રોમેન્ટિસિઝમનાં મૂળિયાં એમના સર્જનમાં દૃઢીભૂત થયેલાં દેખાય છે. સ્પષ્ટ અને માર્મિક અવલોકન અને હૂબહૂ આલેખનના કારણે એમની કવિતાઓ દિલની વધુ નજીક અનુભવાય છે. કવિતામાં કુદરત ઉપરાંત ‘હું’ને કેન્દ્રસ્થાને રાખે છે કેમકે એમનું માનવું હતું કે કવિનો ‘હું’ જ ભાવકનો ‘હું’ બની જાય છે. એમના મતે કવિતા એ ખૂબ જ એકાકી વ્યાસંગ છે.

૧૯૬૩માં પ્રગટ થયેલ ‘મુસાફરી’ સ્વરૂપની દૃષ્ટિએ મુક્તપદ્ય છે. સળંગસૂત્રી છે, સિવાય કે એક અંતરાલ જે છત્રીસ અનિયત પંક્તિલંબાઈવાળી કવિતાને અઢાર-અઢાર પંક્તિના બે સમાન ખંડોમાં વહેંચે છે. કોઈ નિર્ધારિત પ્રાસરચના પણ અમલી નથી કેમકે દુન્યવી અંધાધૂંધીની આંધીમાંથી નીકળતી જિંદગીની આ કવિતા છે. જિંદગીમાં કેઓસ હોય છે, પ્રાસ કે છંદ નહીં. પહેલી અઠાર પંક્તિમાં નાનામોટાં પાંચ વાક્યો છે, જેમાંનું પહેલું વાક્ય નવમી લીટીમાં જઈને વિરમે છે. બીજા ખંડમાં એક જ વાક્ય અઢારેઅઢાર લીટીઓ કવર કરી લે છે. આ સળંગસૂત્રિતાના કારણે ભાવક પણ મુસાફરી કરતો હોય એમ એકીશ્વાસે કવિતામાંથી પસાર થાય છે. રૂપક શારીરિક યાત્રાનું છે, વાત વ્યક્તિગત બદલાવની, એકાકી-આધ્યાત્મિક મુસાફરીની છે. મેરીની કવિતાઓમાં સામાન્યતઃ પ્રકૃતિના વણપ્રીછ્યાં પાનાંઓ ખૂલે છે, પણ અહીં પ્રકૃતિ એક રૂપકથી વિશેષ નથી. કથનરીતિ દ્વિતીય પુરુષ સંબોધનની છે. ફરી-ફરીને પંદરેકવાર કવિતામાં ‘તમે-તમારું’ આવ્યે રાખે છે, જે ભાવકને સતત પકડમાં રાખે છે. પરિણામે, કથકનો આપણી સાથેનો આ એકતરફી વાર્તાલાપ આપણને આપણી સાથે જ થતો અનુભવાય છે. સ્વકેન્દ્રી રચના સર્વસ્પર્શી બને છે.

‘એક દિવસ આખરે તમે જાણી ગયા કે’થી કાવ્યારંભ થાય છે. અહીં ‘એક દિવસ’ અને ‘આખરે’ શબ્દ અગત્યના છે. એક દિવસ આખરે આ જાણ થઈ છે, મતલબ અનેક દિવસો, કદાચ વર્ષોનાં વર્ષ અજ્ઞાનતામાં વીતી ચૂક્યાં છે. આટઆટલો સમય આપણે કદાચ ઊંઘતાં જ રહી ગયાં. હશે, પણ જીવનમાં કેટલું ઊંઘી નાંખ્યું એના કરતાં જાગવાની ખટઘડી આવી કે કેમ અને આવી ત્યારે જાગ્યાં કે નહીં એ વધુ મહત્ત્વનું છે. આપણને બધાને એક દિવસ તો જાણ થાય જ છે કે આ सुब्ह होती है, शाम होती है; उम्र यूँ ही तमाम होती है (અમીરુલ્લાહ તસ્લીમ)ની ઘરેડમાં ઘાણીના બળદ પેઠે એક જ જગ્યાએ ફરતા રહ્યા હોવાના કારણે જિંદગીમાં यूँ भी होने का पता देते हैं, अपनी जंजीर हिला देते हैं (બાકી સિદ્દીકી)થી વિશેષ કંઈ સજીવ બચ્યું જ નથી.

મેરી કહે છે કે એક દિવસ આખરે આપણને ખબર પડી કે આપણે શું કરવાનું છે અને એ કરવું શરૂ પણ કર્યું. ઊઠ્યા તો ખરા જ, જાગ્યાય ખરા. કેમ? તો કે આજે અંદરથી ‘એ’ અવાજ આવ્યો છે. અને જ્યારે ‘એ’ અવાજ જાગે છે ત્યારે બાહ્ય કોલાહલ સંદર્ભો ગુમાવી બેસે છે. ઝાડ બધા પાંદડાં ખેરવીને નવા પર્ણોની તૈયારી કરે એમ જ આપણે પણ જૂનું બધું ખેરવીને નવા માર્ગ, નવા જીવનની તૈયારી કરવાની છે. બધાના જીવનમાં મહાભિનિષ્ક્રમણની આ તક ‘એક દિવસ’ ‘આખરે’ આવે જ છે, સવાલ માત્ર એટલો જ છે કે આ અવાજ આપણા કાન સાંભળશે ખરા કે આજુબાજુની માયાજાળ સદી ગઈ હોવાના કારણે આપણે એને અવગણીને સાંકળ હલાવતા બેસી રહીશું? મેરી પૂછે છે, ‘સાંભળો, તમે માત્ર જરા-તરા શ્વસી રહ્યાં છો એને જિંદગી કહો છો?’ એ કહે છે, ‘મારે ખતમ થવું નથી, આ વિશ્વની માત્ર એક મુલાકાત લઈને.’ અને એ આપણને પણ પૂછે છે, ‘કહો મને, શું છે તમારી યોજના તમારી આ એક જંગલી અને કિંમતી જિંદગી વડે?’

યાત્રા પ્રારંભાશે, ત્યારે દુનિયાભરની “સુગ્રથિત એન્ટ્રોપી” ચિલ્લાવા માંડશે, સલાહોનો ધોધ વરસવો શરૂ થશે. મેરી આ સલાહોને બકવાસ કે ખરાબ કહે છે. કારણ? કારણ કે જાગૃતિથી એ પ્રાપ્તિ તરફના પ્રવાસને અટકાવવા માટે છે. વળી સ્વાર્થી સલાહો આપતા અવાજો માત્ર કાનાફૂસીના સ્તરે નથી, એ તો ગળું ફાડી રહ્યા છે. સારું અને સાચું હંમેશા કાનને મખમલી અવાજે પંપાળશે પણ ખરાબ હશે એ ઘાંટા જ પાડશે. ખોટો અવાજ મોટો જ હોવાનો. તો જ એ સચ્ચાઈને દબાવી શકે ને! તમારું ઘર પણ તૂટી જવાનું ન હોય એમ ધ્રૂજવા માંડશે. આ ઘર એટલે આપણે પોતે જ. આપણું જીવન જ. જૂના સંબંધો-વળગણોનું ખેંચાણ સાંકળ બાંધી હોય એમ ઘૂંટીએ અનુભવાશે. સગપણની-જવાબદારીઓની બેડીઓ પગને પાછા ખેંચશે. દરેક જણ પોતાનું જીવન દુરસ્ત કરવા મદદના પોકાર કરશે. પણ કોલ ઝીલી લીધા પછી શું આતમમાર્ગનો મુસાફર રોક્યો રોકાશે ખરો? જૂનાને તોડ્યા વિના નવું મળતું નથી. દુનિયાને અવલનવલ ઘાટ આપવા તો સુન્દરમે કહ્યું એમ, ‘ઘણુંક ઘણું ભાંગવું, ઘણ ઉઠાવ મારી ભુજા.’ શ્રીધરાણીએ પણ કહ્યું, ‘સહો સખત ટાઢ ને પ્રખર તાપ મધ્યાહ્નના’ હોય એને સમારીએ તો નવીનીકરણ જ થાય કેવળ, નવસર્જન માટે તો જૂનાંને હટાવવું જ પડે, નવી જગ્યા સર્જવી પડે. પોતે જેમના માટે જીવે છે એ પોતાના નથીનો અહેસાસ થવો જરૂરી છે. વાલિયા લૂંટારાનો આખો પરિવાર ચિલ્લાયો કે તું ખૂન કર, ચોરી-લૂંટફાટ કંઈ પણ કર. તું જાણે. બધા પાપ તારા માથે. અમારું ભરણપોષણ તારી જવાબદારી પણ તારા પાપમાં અમારી કોઈ હિસ્સેદારી નથી. એ ‘એક દિવસ’ ‘આખરે’ વાલિયાને ચાલી નીકળવાનું આહ્વાન આપતો આ અવાજ સંભળાયો. વર્ષોથી ગેરસમજ ઉપર જામી ગયેલો રાફડો તૂટ્યો અને શબ્દશઃ શરીર પર બાઝ્યો ત્યારે વાલિયો વાલ્મિકી બન્યો. રાજકુમાર સિદ્ધાર્થને અટકાવવા એના પિતાએ ઓછાં અછોવાનાં કર્યાં હતાં! પત્નીએ પણ પુત્રને આગળ ધરેલો. એવુંય નહોતું કે સિદ્ધાર્થ પરિવારને પ્રેમ નહોતા કરતા. પણ સર્વજનોનો અવાજ જે દિવસે સ્વજનોની ચીસને અતિક્રમી ગયો એ ‘એક દિવસ’ ‘આખરે’ એ જાણી ગયો કે શું કરવાનું છે. બસ, નીકળી પડ્યો. જિબ્રાને કહ્યું હતું, ‘મુસાફરી કરો અને કોઈને ન કહો, લોકો સુંદર ચીજોને ખતમ કરી નાંખે છે.’ રૂમી કહે છે, ‘તમે પિંજરામાંથી છટકી ચૂક્યા છો, તમે તમારી પાંખો પ્રસારી લીધી છે, હવે ઊડો.’ સિદ્ધાર્થ પણ પિંજરામાંથી છટકીને ઊડ્યો તો બુદ્ધ બન્યો.

જ્ઞાનમાર્ગનો મુસાફર જાણી જાય છે કે એણે શું કરવાનું છે. એ અટકતો નથી. ભલે આંધી પાયા હચમચાવી નાંખતી હોય, ભલે આજુબાજુવાળાઓની ગ્લાનિ ભયંકર હોય, પણ વટેમાર્ગુ સમજે છે કે ઓલરેડી મોડું તો થઈ જ ચૂક્યું છે. બધાને અવગણો. આગળ વધો. ઇતરના અને ભીતરના અવાજમાં ફરક છે. ભીતરનો અવાજ જીવનગીતાના રથનો સારથિ છે. એ સાથે હશે તો ભલભલી ગ્લાનિ કમળપત્ર પરથી પાણી માફક સરી જશે. મુસાફરી તો ક્યારની આદરવાની હતી. રાત અંધારી છે અને તોફાની પણ. અને જીવનમાં ક્યાંય roses roses all the way હોતું નથી. જીવનપથ હંમેશા પારાવાર વિપદાભર્યો જ હોવાનો. પણ ભલે ધીમે તો ધીમે, પ્રવાસ શરૂ કરવો જરૂરી છે. શરૂઆત કરી દો તો વાદળોની ચાદર હટાવીને તારાઓ પણ ચમકી-ચમકીને પથ પ્રદર્શિત કરશે. પ્લુટાર્ક કહે છે, ‘તોફાનમાં જહાજની મુસાફરી પહેલાં કપ્તાન કહે છે કે હંકારવું અનિવાર્ય છે, જીવવું નહીં.’

યાદ રહે, પહેલું પગલું જ સૌથી અગત્યનું છે. બધું એના પર જ અવલંબિત છે. રૂમીએ કહ્યું હતું, ‘ચાલવું શરૂ કરો. તમારા પગ ભારી થશે, થાકી જશે. પણ પછી તમને ઊંચકી જતી ઊગેલી પાંખોની અનુભૂતિની એ ક્ષણ આવશે.’ યાદ રહે, આ મુસાફરી તમારી મુસાફરી છે અને તમારા સિવાય કોઈ બીજું આ મુસાફરી તમારા વતી કરી નહીં શકે. ધમ્મપદ કહે છે, ‘તમારી બરાબરીના અથવા બહેતર લોકો સાથે મુસાફરી કરો અથવા એકલા જ કરો.’ રાજેન્દ્ર શાહે કહ્યું, ‘ઘરને ત્યજી જનારને મળતી વિશ્વ તણી વિશાળતા.’ પણ આ મુસાફરી હકીકતમાં ઘરબાર છોડીને જંગલમાં ચાલી નીકળવાની વાત નથી. આ મુસાફરી છે તમારા વળગણો, આસક્તિમાંથી મુક્ત થઈ તમારી પોતાની જાત સુધી પહોંચવાની. આ મુસાફરી જેટલી બહારની છે, એટલી જ અંદરની પણ છે કેમકે જે સ્વને પામી લે છે એ જ સર્વને પામી શકે છે.

જંગલી અંધારું સમાધાનથી પર હોય છે પણ આગળ વધતાં જઈશું તો બાહરી શોરબકોર ક્રમશઃ શમતો જશે અને તમને પોતાનો અવાજ સંભળાવા માંડશે, જેને ચિલ્લાઈ-ચિલ્લાઈને દબાવી રખાયો હતો. સંસારમાં બીજું બધું સાથ છોડી દેશે, પણ તમારો અવાજ, જો એ પોતીકો હશે તો તમારી સંગતિ કાયમ જાળવી રાખશે. જાતને પ્રાપ્ત કરવાની આ ઘડી આત્મસાક્ષાત્કારની ઘડી છે. આ ઘડીએ તમે જાણી જાવ છો એ સનાતન સત્ય કે તમે યદિ કોઈને બચાવી શકો છો તો એ માત્ર તમારી પોતાની જાતને જ. અને આ દુનિયામાં તમે આ એક કામ કરવાથી વિશેષ બીજું કશું જ કરવા કદી સક્ષમ હતાં જ નહીં. કોઈ હોતું નથી. દુનિયાને બચાવવાની જરૂર નથી, જાતનો જ ઉદ્ધાર કરો. દરેક જણ પોતાને ઉગારી લેશે તો દુનિયા આપોઆપ જ ઉગરી જવાની. ગૌતમ, મહાવીર, કબીર- કોઈએ સંપ્રદાયની સ્થાપના કરી નથી. સંપ્રદાય તો ભક્તોએ ઊભા કર્યા. જે ધર્મગુરુ સંપ્રદાયની સ્થાપના જાતે કરે છે એ તો તરકટી તકસાધુ પયગંબરો છે.

ઈસુથી લઈને મહંમદ સુધી અને ગૌતમથી લઈને ગાંધી સુધી – કંઈ કેટલાય મસીહા-પયગંબર-ધર્મગુરુ પૃથ્વીના પટ પર આવ્યા અને ગયા. માણસ બદલાયો નહીં. બદલાશે પણ નહીં. કેમકે સનાતન સત્ય માણસ માત્ર પોતાના રસ્તે ચાલીને જ મેળવી શકે છે, કોઈના ચીંધેલા કે ચાતરેલા રસ્તે નહીં. બુદ્ધ થવું હોય કે મહાવીર- પોતાનો રસ્તો તો જાતે જ શોધવો પડે. પડેલા ચીલે ચાલવાથી કંઈક કર્યાનો આત્મસંતોષ થાય એટલું જ, બાકી જ્ઞાન મેળવવું હોય, અંતિમ સત્ય શોધવું હોય તો तोबे एकला चलो रे (તમે એકલા ચાલો રે- ટાગોર). ‘તું તારા દિલનો દીવો થા ને’ કહો કે પછી, ‘દોસ્ત! સહુનું પોતીકું અજવાળું હોવું જોઈએ’ કહો, દરેકે પોતાની મુસાફરી જાતે જ કરવાની છે. રૂમી પૂછે છે, ‘અને તમે? તમે ક્યારે શરૂ કરશો તમારી અંદરની એ લાંબી મુસાફરી?’ એક ગીત સાથે વાત પૂરી કરીએ:

જાત કહે એ સાચુ, સાધુ
જાત કહે એ સાચુ.

ગુરુ બિન જ્ઞાન નહીં, હે સાધો! સાચ આપકી બાની,
ઘટનાં અંધિયારાં પીવાં કે ઘાટ ઘાટનાં પાણી?
ગૌતમ, મહાવીર, મહંમદ, ઈસુ, નાનક, હો કે સાંઈ,
ભીતરના દરિયે ડૂબ્યા જે, સહજ સમાધિ પાઈ.
લાખ ગુરુ પડતાં મેલીને
ખુદની ભીતર જાંચુ.

મસમોટા ગ્રંથોનાં પાનાં જીવનભર ઊથલાવ્યાં,
અક્ષરની ગલીઓમાં ક્યાયે અજવાળાં ના લાધ્યાં;
પ્રશ્ન થયો આ લહિયાઓએ કેટલા ગ્રંથો વાંચ્યાં?
અવર અંગુલિ ઝાલી બોલો, કોણ અલખને પામ્યા?
ખુદનું ખુદ લખે તે સાચુ,
જાતનું પુસ્તક વાંચુ.

ગ્લૉબલ કવિતા: ૨૧૦ : હું – ચૈરિલ અનવર (ઇન્ડોનેશિયા)

I – Chairil Anwar

When my time comes
I want to hear no one’s cries
Nor yours either

Away with all who cry!

Here I am, a wild beast
Driven out of the herd

Bullets may pierce my skin
But I’ll keep on

Carrying forward my wounds and my pain attacking,
Attacking,
Until suffering disappears

And I won’t care any more

I wish to live another thousand years.

– Chairil Anwar
(Translation: Burton Raffel)

હું

જ્યારે મારો સમય આવશે
હું કોઈનું રુદન સાંભળવા માંગતો નથી
તમારું પણ નહીં

દૂર બધા રડમસોથી !

હું આ જ છું, એક જંગલી જાનવર
પોતાના ઝુંડમાંથી હાંકી કઢાયેલો

ગોળીઓ ભલે મારી ત્વચાને છેદી નાંખે
પણ હું આગળ વધતો જ રહીશ

મારા જખ્મોને લઈને હું ધસતો રહીશ અને મારાં દર્દ હુમલા કરતાં રહેશે,
કરતાં રહેશે,
જ્યાં સુધી યાતના ગાયબ ન થઈ જાય

અને હું તસુભાર પણ પરવા કરનાર નથી

હું બીજા હજાર વર્ષ જીવવા માંગું છું.

– ચૈરિલ અનવર
(અનુ. વિવેક મનહર ટેલર)


હું બીજા હજાર વર્ષ જીવવા માંગું છું….

અસ્તિત્વ માટેનો સંઘર્ષ અને આત્મબળ રેલ્વેના પાટાની જેમ સદૈવ અડખેપડખે ચાલતાં હોવા છતાં ભિન્ન છે. વળી જિંદગીની ટ્રેનને સારી રીતે પસાર થવા માટે બંને અનિવાર્ય પણ છે. ડાર્વિનના વિખ્યાત સિદ્ધાંતોમાંનો એક, અસ્તિત્વ માટેનો સંઘર્ષ તો પ્રાણીમાત્રને હાંસિલ છે, અને દરેક જણ વધતા-ઓછા અંશે એ કરે જ છે. પણ આ સંઘર્ષમાં જો આત્મબળ ઉમેરાય તો નવીન બુલંદીઓ હાથવગી થઈ શકે. અસ્તિત્વ માટેનો સંઘર્ષ અને આત્મબળના પાટા પર દોડતી જિંદગીની ટ્રેન જ કદાચ અમરત્વના સ્ટેશન સુધી લઈ જઈ શકે. પ્રસ્તુત રચનામાં ઇન્ડોનેશિયન કવિ ચૈરિલની સાથે ચાલો, આ મુસાફરી ખેડીએ.

ચૈરિલ અનવર. ભરવસંતે ખરી ગયેલું ફૂલ. (જ.: ૨૬-૦૭-૧૯૨૨, ઉત્તર સુમાત્રા, મૃ: ૨૮-૦૪-૧૯૪૯, જકાર્તા) હોઠ વચ્ચેની સિગારેટ ખાખ થાય એથીય વહેલું, છવ્વીસ વર્ષની અલ્પાયુમાં અને છ જ વર્ષના કવિજીવનમાં માત્ર ૭૧ જેટલી કવિતાઓ, ગણતરીબંધ લેખો, મુઠ્ઠીભર અનુવાદો કરીને આ માણસ ઇન્ડોનેશિયાનો સર્વકાલીન અગ્રકવિ બની ગયો. માત્ર ૫૫ ગઝલ લખીને અજરામર થઈ જનાર દુષ્યંતકુમારનું સ્મરણ થાય. ફાકામસ્તીમાં જીવતો, સૂકલકડી, ફિક્કો, લઘરવઘર, નફિકરો નવયુવાન દુકાનમાંથી પુસ્તકો પણ ચોરતો. ઢગલાબંધ પ્રેમિકાઓનો પ્રેમી. બાળપણમાં પણ જિદ્દી અને અઘરો. ૧૫ વર્ષની ઊંમરે એને ખબર હતી કે એ કળાકાર થવા જન્મ્યો છે. એ અંદાજ પણ આવી ગયો હતો કે દીવો જલ્દી ઓલવાવાનો છે. ૧૮ વર્ષે શાળા છોડી દીધી. એ જ અરસામાં થયેલા મા-બાપના છૂટાછેડાથી લાગેલા ઘા કદી રૂઝાયા નહીં. ૧૯૪૬માં હાપ્સા વીરારેજા સાથે લગ્ન. એક દીકરીનો બાપ બન્યા. બે વર્ષમાં છૂટાછેડા. હૉસ્પિટલમાં જ મૃત્યુ થયું પણ મૃત્યુનું કારણ અનિર્ણિત. ટાયફસ, સિફિલીસ, ટી.બી. કે સિરોસીસ ઑફ લિવર? અલ્લાહ જાણે! મૃત્યુપર્યંત અનવર પર ઊઠાંતરીનો આરોપ પણ લગાવાયો હતો. આરોપ સાચો હોય તોય એનો હાથ લાગતાં કવિતામાં જાદુઈ ફેરફાર અને પરિણામ આવતાં. જો કે એક જ કવિતામાં સીધી ઊઠાંતરી સિદ્ધ થઈ શકી એ અલગ વાત. એલિયટ યાદ આવે: ‘અપરિપક્વ કવિઓ નકલ કરે છે, પરિપક્વ ઊઠાંતરી.’

એની કવિતામાં વ્યક્તિવાદ, અસ્તિત્વવાદ અને મૃત્યુ રોજબરોજની ભાષામાં ઊતરી આવે છે. એના ભાષાકર્મ અને પ્રયોગોએ ઇન્ડોનેશિયાની પરંપરાગત ‘શૃંગારિક’ ભાષા અને બીબાંઢાળ કાવ્યપ્રણાલિકાના લીરેલીરાં ઊડાવી દીધાં. પારંપારિક ઇન્ડોનેશિયન સાહિત્યને નવા-નવા આઝાદ (૧૭-૦૮-૧૯૪૫) થયેલા દેશની નૂતન પરિભાષામાં ઢાળનાર ‘જનરેશન ૪૫’ના અગ્રણી યુવા કવિઓમાંનો એ એક હતો. લાગણીની તીવ્રતા, ઉદ્દામવાદી વિચારસરણી તથા બહુધા આત્મકથનાત્મક શૈલીથી રસાયેલી એની કવિતાઓમાં નિરાશા અને મૃત્યુના ગાઢા રંગ ઉપસી આવે છે. ઇન્ડોનેશિયન સાહિત્યના પ્રખર અભ્યાસુ ટિવેએ એને ‘પરફેક્ટ પોએટ’ કહ્યો છે. જીવતો’તો ત્યારે એની કવિતાઓ મોટાભાગે સાભાર પરત થતી પણ આજે એનો નિર્વાણદિન ઇન્ડોનેશિયામાં ‘સાહિત્ય દિન’ તરીકે ઉજવાય છે.

અનુવાદ કરતી વખતે મૂળ રચનાનું ભાષાસૌંદર્ય અવશ્ય ખતમ થવાનું. પ્રસ્તુત કવિતાનું શીર્ષક અને મધ્યવર્તી વિચાર બંને Aku (હું) છે. ‘Aku’ એક જ શબ્દ હું, મને, મારુંની બધી જ અર્થચ્છાયામાં અલગાલગરીતે વાપરી શકાતો હોવાથી કાવ્યસર્જનની પળનો કવિનો મનોભાવ પકડવો અશક્ય છે. મૂલ કવિતામાં પહેલી લીટીમાં Waktuku શબ્દ છે, જેમાં Waktu એટલે સમય. Akuમાંનો ku એની પાછળ પ્રત્યય તરીકે લાગે એટલે અર્થ થાય મારો સમય. બીજી પંક્તિના પ્રારંભે ‘Ku બોલચાલની ભાષાનો કૈંક અંશે અશિષ્ટ શબ્દ છે, અર્થ તો ‘હું’ જ થાય છે પણ એનું સ્લેંગ તરીકે ભાષાંતર શું કરવું? કવિતામાં એ જ પ્રમાણે Ku ફરીથી પ્રત્યય તરીકે kulit સાથે (મારી ત્વચા), અને ઉપસર્ગ તરીકે bawa સાથે (હું આગળ વધું છું) વપરાયું છે. એક જ શબ્દની અલગ અલગ ભાષામાં અર્થચ્છાયા પણ અલગ અલગ હોવાની. પણ તમામ મર્યાદાઓના સ્વીકાર સાથે મૂળ ભાષાથી અણજાણ ભાવકોને અવર ભાષાના સાહિત્ય સાથે સાક્ષાત્કાર કરાવી આપવાનો એકમાત્ર કીમિયો અનુવાદ જ છે એટલે મૂળ ભાષામાંનું કંઈક ગુમાવવાની તૈયારી સાથે અને નવી ભાષામાંથી કંઈક ઉમેરણ સાથેના અનુસર્જનને આવકારવો જ રહ્યો.

‘અકુ’ એટલે ‘હું’. જાકાર્તા કલ્ચરલ સેન્ટરમાં જુલાઈ, ૧૯૪૩માં ચૈરિલે પહેલવહેલીવાર આ કવિતા વાંચી હતી, ત્યારે ‘સેમાન્ગત’ (આત્મા) એનું શીર્ષક હતું. ઇન્ડોનેશિયન વિવેચક નેતિના મતે નવું શીર્ષક ‘અકુ’ (હું) અનવરનો વ્યક્તિગત સ્વ-ભાવ સૂચવે છે જ્યારે જૂનું શીર્ષક પ્રાણશક્તિ. આખી રચના ‘હું’ કેન્દ્રિત છે અને ટોળામાંથી ખદેડી મૂકાયેલ માણસની છે. આવામાં લય કે સુનિશ્ચિતતા શું શક્ય બને? કદાચ એટલે જ અહીં કાવ્યવિધા અછાંદસ છે, અને સાત અનિયત ભાગમાં વહેંચાયેલી તેર અનિયમિત લંબાઈવાળી પંક્તિઓ. મૂળ કવિતામાં જો કે કવિએ સરસ પ્રાસવ્યવસ્થા અને નાદસૌંદર્ય જાળવ્યાં છે.

સદીઓના ડચ સંસ્થાનવાદની જોહુકમી બાદ ૧૯૪૧થી ૧૯૪૫ દરમિયાન જાપાનીઓએ ઇન્ડોનેશિયામાં અડિંગો જમાવ્યો હતો. નિર્દયી જાપાનીઓએ દેશને બરબાદ કરવામાં કોઈ કસર છોડી નહોતી. માર્ચ ૧૯૪૩માં, જ્યારે ચૈરિલે આ કવિતા લખી એ સમય ઇન્ડોનેશિયાની આઝાદીની લડતનો સમય હતો. ઘણા આ કવિતા રાજનૈતિક હેતુથી પર હોવાનું માને છે, પણ કવિતાના વિષયવસ્તુ, રચનાસમય, ચૈરિલનો સ્વભાવ –આ બધું જોતાં સમજાય છે કે આ કવિતા દેશ આખાની આઝાદીની ચાહનાનું ગાન છે. કવિતા સ્વતંત્રતાસંગ્રામનું પ્રતીક બની રહી હતી. કદાચ એટલે જ એ કવિનું સર્વશ્રેષ્ઠ સર્જન પણ ગણાય છે.

આખી રચના ‘હું’ ફરતે વીંટળાયેલી છે. કાવ્યનાયક (persona) કવિ પોતે હોવાનું સતત અનુભવાય છે. ચૈરિલની બહુધા આત્મકથનાત્મક શૈલીની કવિતાઓની આ ખૂબી છે. એ કહે છે કે આ જ હું છું, આ હું જ છું; સ્વીકારો અથવા તરછોડો. માથે ચડાવો અથવા ફેંકી દો પણ હું આ જ છું, આ જ છું ને આ જ રહીશ. કાવ્યારંભે જ કવિનો આ મિજાજ સંભળાય છે. ‘જ્યારે મારો સમય આવશે’થી કવિતા પ્રારંભાય છે. આ સમય મૃત્યુનો છે કે વિજયશ્રીનો કે બંનેનો એ આગળ જતાં સમજાય છે. બુદ્ધ કહે છે કે ‘સમસ્યા એ જ છે કે તમે વિચારો છો કે તમારી પાસે સમય છે.’ મહાભારતમાં યક્ષપ્રશ્નોના જવાબ આપતાં યુધિષ્ઠિરે મૃત્યુ નિશ્ચિત હોવાનું જાણવા છતાં માણસ કદી મરવાનો ન હોય એમ જીવે છે એને સંસારનું સૌથી મોટું આશ્ચર્ય લેખાવ્યું હતું. પણ અહીં પોતાનો સમય નજીક હોવાનું કવિ સમજી ચૂક્યા છે. સ્વાતંત્ર્યસંગ્રામના સમયગાળાની રચના હોવાથી અને કવિ પોતે ગેરિલા સૈનિક રહી ચૂક્યા હોવાથી લડાઈ, ગોળીઓ અને આગેકૂચના સંદર્ભો સમજાય છે. સૈનિક તરીકે યુદ્ધમાં જવાનો કે મૃત્યુના ખોળામાં સૂવાનો કે કોઈપણ રીતનો ‘પોતાનો’ સમય આવશે ત્યારે કવિ કોઈનું પણ રુદન સાંભળવા માંગતા નથી. એ નથી ઇચ્છતા કે કોઈપણ રડે, કે શોક મનાવે. કથક જે(ઓ)ને સંબોધે છે તે(ઓ)નું રૂદન પણ ઝંખતો નથી. મેરી એલિઝાબેથ ફ્રે કહે છે, ‘મારી કબર પાસે ઊભાં રહીને રડશો નહીં. હું ત્યાં નથી. હું મરી નથી.’ કવિ પણ દુનિયાભરના રડમસોથી પરે રહેવા ધારે છે. આમ, પ્રથમ ત્રણ પંક્તિમાં જ મૃત્યુના સાન્નિધ્યમાં જીવનનું માહાત્મ્ય ઉજાગર થાય છે.

‘મારી આંખે કંકુના સૂરજ આથમ્યા’ કહેતો રાવજી પટેલ યાદ આવે. રાવજીને યુવાવયે મરણ ઢૂંકડુ દેખાયું ત્યારે એણે શોકગીતના બદલે લોકગીત-લગ્નગીતની ભાષામાં પોતાની વેલને શણગારવાનું અને શગને સંકોરવાનું કહ્યું હતું. મૃત્યુના વધામણાં લેતાં આવડી જાય તો શ્વાસ પણ અજવાળાં પહેરીને ઊભા રહે! નોર્મન કઝિન્સ કહે છે, ‘મૃત્યુ એ જિંદગીમાં સૌથી મોટી ખોટ નથી. મોટામાં મોટી ખોટ તો આપણે જીવતાં હોઈએ ત્યારે આપણી અંદર કશુંક મરી જાય એ છે.’ ખલિલ જિબ્રાન કહે છે, ‘જીવન અને મૃત્યુ એક જ છે, જે રીતે નદી અને દરિયો.’ ચૈરિલ પણ મૃત્યુને વધાવી લેવાની વાત કરે છે. રડવાથી અને રડનારાઓથી દૂર રહેવા માંગે છે.

કવિ પોતે દળમાંથી હાંકી કાઢવામાં આવેલ જંગલી જાનવર હોવાનું કબૂલે છે. પણ સૂર કબૂલાતનામાનો ઓછો અને જાહેરાતનો વધારે છે. ગાયોના ઝુંડમાં ગાય હોય અને સિંહોના ટોળામાં સિંહ. મતલબ, ઝુંડના અન્ય સભ્ય પ્રાણીઓ પણ હતા તો જંગલી જ! આપણો સમાજ પણ સુસંસ્કૃત જંગલીઓના જૂથ સિવાય બીજું શું છે? કથકની જંગલિયત જો કે એવી છે કે એને જંગલીઓએ પણ તડીપાર કર્યો છે. મૂળ ભાષામાં ‘જંગલી જાનવર’ માટે binatang jalang શબ્દપ્રયોગ છે, જેમાં jalang (જંગલી) શબ્દમાં કામુકતાની અર્થચ્છાયા છે, જે અનુવાદમાં લુપ્ત થઈ ગઈ. Jalang વિશેષણ સ્ત્રીઓ માટે વપરાય ત્યારે વેશ્યા હોવાનો અર્થ પ્રતિપાદિત થાય છે. અહીં પણ, Jalang શબ્દનો એક તાર ચૈરિલની બેબાક અતિકામુક જિંદગી સાથે જોડાયેલ અનુભવાય છે. પાણી અને જળ સમાનાર્થી હોવા છતાં બંનેની અર્થચ્છાયા ભિન્ન છે. સન્માનનીય વ્યક્તિના પગ ધોવા કે અભિષેક માટે જળ શબ્દ વપરાય, પાણી નહીં. એ જ રીતે મળપ્રક્ષાલન માટે પાણી શબ્દ જ છાજે, જળ નહીં.

ઇન્ડોનેશિયન સમાજના જનમાનસમાં એ સમયે એ વાત ઠસી ગઈ હતી કે ટોળાંમાંથી છૂટો પડે એ કચડાઈ જાય, આગળ ન વધી શકે, અને આ એકાકી અવસ્થામાં ભાગ્યે જ બચી શકે. ચૈરિલની ઘણી કવિતાઓ પર એ સમયના શાસકદેશ જાપાને પ્રતિબંધ મૂક્યો હતો પણ એ તો સ્વભાવે જ બંડખોર હતો. એ ટોળાંનો કે બહોળાનો માણસ નહોતો. એ અવળી જ આલબેલ પોકારે છે. ઝુંડમાંથી હાંકી કઢાયો હોવાની બાંગ એ કવિતાના મિનારે ચડીને પોકારે છે. અને એની આ વાતની જ પુષ્ટિ કરતી હોય એમ શીર્ષક અને તેરેતેર પંક્તિઓમાં Aku (હું)ના પડઘા સતત સંભળાય છે.

ચૈરિલનો બળવાખોર મિજાજ શબ્દે-શબ્દે છલકાય છે. ભલે ન્યાતબહાર મૂકાયો હોય, ભલે એકલો પડ્યો હોય, ભીતરનો સૈનિક મર્યો નથી ત્યાં સુધી એ આગેકૂચ છોડનાર નથી. આગળ કદાચ ગોળીબારનો સામનો કરવો પડે અને ગોળીવર્ષા ત્વચા ભેદીને તાર-તાર પણ કરી દે. વાંધો નહીં. આગેકદમ જારી જ રહેશે. એનો હુમલો મંદ કે બંધ નહીં પડે. બાણશય્યાવશ ભીષ્મે પણ ઇચ્છામૃત્યુનું વર હોવા છતાં મૃત્યુની ઇચ્છા કરી હતી, પરંતુ કાવ્યનાયક ગોળીથી છલની-છલની થઈનેય અટકનાર નથી. માત્ર ઘાવો જ નહીં, દર્દોને પણ ઊંચકીને આગળ ને આગળ વધતા-ધસતા રહેવાની એની નેમ છે. ઘા તનના હોય છે, દર્દ મનના. તન કરતાં મનને ઉપાડવું વધુ દોહ્યલું છે. અહીં તો તન-મન બંને જખ્મી છે. નાયકની જેમ આ જખ્મો અને દર્દો પણ અટકવાના બદલે વધતા જ જશે અને એ હદ સુધી વધશે, જ્યાં સંવેદનતંત્ર લકવાગ્રસ્ત થઈ જાય, દુઃખ-દર્દ અનુભવવાની ક્ષમતાનું નાકું આવી જાય. ગોળીઓની પેઠે તન-મનને વીંધી-વીંધીને તમામ યાતનાઓ બુઠ્ઠી થઈ હથિયાર ફેંકી દે, દુઃખ-દર્દની સરહદ ખતમ થઈ જાય એ મુકામે પહોંચી ન જવાય ત્યાં સુધી નાયક અવિરત ધપતા રહેવાની ઇચ્છા ધરાવે છે. ગાલિબના એક-એક કરતાં બબ્બે શેર યાદ આવે:

रंज से ख़ूगर हुआ इन्सां तो मिट जाता है रंज
मुश्किलें मुझ पर पड़ीं इतनी कि आसां हो गईं
(માણસ દુઃખથી અભ્યસ્ત થઈ જાય છે તો દુઃખ મટી જાય છે. મારા પર એટલી બધી મુશ્કેલી પડી કે આસાન થઈ ગઈ.)

इशरत-ए-क़तरा है दरिया में फ़ना हो जाना
दर्द का हद से गुज़रना है दवा हो जाना
(દરિયામાં ફના થઈ જવું એ જ બુંદની ખુશી છે. દર્દ હદથી વધી જાય તો ઔષધ બની જાય છે.)

જર્મન ફિલસૂફ ફ્રેડરિક નિત્શેનું માનતા કે, ‘તુચ્છ લોકોની પીડા તુચ્છ હોય છે, મહાન માણસોની મહાન. મહાન વેદનાનો અફસોસ ન કરવો જોઈએ કેમકે તે ઉમદા છે.’ એમણે કહ્યું હતું કે ‘જે આપણને મારી નથી નાંખતી એ પીડા આપણને વધુ મજબૂત બનાવે છે,’ આ વાત વૈજ્ઞાનિક ધોરણે પણ પુરવાર થઈ છે. ચૈરિલ પણ આ જ કહે છે. કહે છે, હું તસુભાર પણ પરવા કરનાર નથી. ગોળીવર્ષા, જખ્મો, દુઃખદર્દ કે દુનિયાની કોઈ પણ આડશ એના વેગને, આત્મબળને અટકાવી શકનાર નથી.

એક આત્મબળ અમારું દુઃખ માત્રની દવા છે,
હર ઝખ્મને નજરથી ટાંકા ભરી જવાના. (ઘાયલ)

કવિનું આત્મબળ એના અસ્તિત્વના સંઘર્ષથી વધીને છે. એટલે એ મૃત્યુના ખોળામાં બેસીને ચિરંજીવી થવાની વાત કરી શકે છે. રડ્યા વિના, કોઈને રડવા દીધા વિના, મરણને પરણવાનું આહ્વાન આપતી આ રચના આઝાદી અને અમરજીવન માટેની બુલંદ ચીસ છે. સામી છાતીએ ફના થવા પૂરપાટ આગળ વધી શકે એ જ અમરત્વનાં સ્વપ્ન જોઈ શકે. અંતને ગળે લગાડતી કવિતાના અંતમાં કવિ તારસ્વરે એલાન કરે છે: ‘હું બીજા હજાર વર્ષ જીવવા માંગું છું.’ અને આ નાદભેરી એટલી વાસ્તવિક છે કે સહસ્ત્રાયુના આકાશકુસુમવત્ ગપગોળાને અવગણીને આપણે કવિના પક્ષે બેસી જઈને એને ‘તથાસ્તુ’ કહી બેસીએ છીએ!

એક રીતે, આ ઇન્ડોનેશિયાનું આઝાદીગાન પણ છે. ડચ હોય કે જાપાની– શાસકો ગમે એટલા અવરોધો કેમ ન ઊભા કરે, ગમે એટલી તકલીફો કેમ ન આપે, આ દેશ ઘાયલ થઈનેય કશાયની તમા રાખ્યા વિના આઝાદીની દિશામાં સતત ધસતો જ રહેશે, અને ત્યાં સુધી ધસતો રહેશે જ્યાં સુધી આતતાયીઓ અને ગુલામી ગાયબ ન થઈ જાય, દેશ સ્વતંત્ર ન થઈ જાય, કેમકે આ આઝાદી બીજા હજાર વર્ષ ટકી રહેનાર છે.

કવિનો અને કવિતાનો ‘હું’ આપણા સહુનો ‘હું’ છે. આ ‘હું’ હકીકતમાં મનુષ્યની સાહસિક ભાવના છે, જે મનુષ્યની પોતાના નિર્ધારિત ભાગ્ય -મૃત્યુમાંથી આઝાદ થઈ અમરત્વપ્રાપ્તિ માટેની તડપ અને કોશિશ નિરુપે છે. ચૈરિલ કહે છે, ‘કળામાં, પ્રાણશક્તિ પ્રારંભની અરાજક અવસ્થા હોય છે, સૌંદર્ય અંતિમ વૈશ્વિક અવસ્થા.’ આ વાત આ કવિતામાં પણ નજરે ચડે છે. કવિતાનો પ્રાણ એની શરૂઆતની અરાજકતા છે- મૃત્યુનું આહ્વાન, શોકની મનાઈ, ન્યાતબહાર ફેંકાવું, ઘાયલ થવું. પણ આખરી વાક્યમાં જે જિજિવિષા અંતરના તળિયાનાય તળિયેથી ઊભરી આવે છે એ વૈશ્વિક અવસ્થા, સ્વમાંથી સર્વ તરફની ગતિ, વયષ્ટિમાંથી સમષ્ટિ તરફનું પ્રયાણ આ કવિતાનું સાચું સૌંદર્ય છે.

ગ્લૉબલ કવિતા : ૨૦૯ : પિતાજીની ઘરવાપસી – દિલીપ ચિત્રે

Father Returning Home

My father travels on the late evening train
Standing among silent commuters in the yellow light
Suburbs slide past his unseeing eyes
His shirt and pants are soggy and his black raincoat
Stained with mud and his bag stuffed with books
Is falling apart. His eyes dimmed by age
fade homeward through the humid monsoon night.
Now I can see him getting off the train
Like a word dropped from a long sentence.
He hurries across the length of the grey platform,
Crosses the railway line, enters the lane,
His chappals are sticky with mud, but he hurries onward.

Home again, I see him drinking weak tea,
Eating a stale chapati, reading a book.
He goes into the toilet to contemplate
Man’s estrangement from a man-made world.
Coming out he trembles at the sink,
The cold water running over his brown hands,
A few droplets cling to the greying hairs on his wrists.
His sullen children have often refused to share
Jokes and secrets with him. He will now go to sleep
Listening to the static on the radio, dreaming
Of his ancestors and grandchildren, thinking
Of nomads entering a subcontinent through a narrow pass.

– Dilip Chitre


પિતાજીની ઘરવાપસી

મારા પિતાજી મોડી સાંજની ટ્રેનમાં પીળા પ્રકાશમાં ઊભા-ઊભા
મુસાફરી કરે છે સિઝન ટિકીટવાળા મૂંગા સહયાત્રીઓની વચ્ચે.
એમની વણ-જોતી આંખો સામેથી પરાંઓ પસાર થયે રાખે છે
એમનો શર્ટ અને પેન્ટ ભીનાં છે અને કાળો રેઇનકોટ
કાદવથી ખરડાયેલો છે અને ચોપડીઓ ઠાંસીને ભરેલો એમનો થેલો
પડુ પડુ થઈ રહ્યો છે. ઉંમરના કારણે નિસ્તેજ થયેલી એમની આંખો
ચોમાસાની આર્દ્ર રાતમાં ઘર તરફ ધૂંધળું તાકી રહી છે.
હવે હું એમને ટ્રેનમાંથી ઊતરતા જોઈ શકું છું
એક લાંબા વાક્યમાંથી ખડી પડેલા શબ્દની જેમ.
એ ઝડપ કરે છે ભૂખરા લાંબા પ્લેટફૉર્મને પસાર કરવા,
રેલ્વેલાઇન ઓળંગે છે, ગલીમાં પ્રવેશે છે,
એમની ચપ્પલ કાદવથી ચપચપ થાય છે પણ એ વધુ ઝડપ કરે છે.

ઘરે પાછા, હું એમને ફિક્કી ચા પીતા,
વાસી રોટલી ખાતા, પુસ્તક વાંચતા જોઉં છું.
એ શૌચાલયમાં જાય છે
માનવ-સર્જિત જગતથી માનવીના અલગાવ વિશે ચિંતન કરવા માટે.
બહાર આવતાં સિન્ક પાસે એ જરા લડખડાય છે,
ઠંડુ પાણી એમના કથ્થઈ હાથો પરથી દદડી રહ્યું છે,
કેટલાંક ટીપાં એમનાં કાંડાં પરના ધોળાં વાળ પર વળગી રહ્યાં છે.
એમના અતડાં બાળકોએ એમની સાથે હાસ્યો કે રહસ્યો
વહેંચવાનો ઘણુંખરું નકાર્યું જ છે. એ હવે સૂવા માટે જશે
રેડિયો પર ઘોંઘાટ સાંભળતા સાંભળતા, પોતાના પૂર્વજો
અને પૌત્રોના સપનાં જોતા જોતા, વિચાર કરતા કરતા
એ રખડુ આર્યો વિશે જેઓ સાંકડા ઘાટ મારફત ઉપખંડમાં આવ્યા હતા.

– દિલીપ ચિત્રે (અંગ્રેજી)
(અનુ. વિવેક મનહર ટેલર)

પિતા – જિંદગીના વાક્યમાંથી ખડી પડેલો શબ્દ?

પહેલાનાં જમાનામાં ઘરો માત્ર ઈંટો કે ભીંતોથી નહોતા બનતાં. ડેલો. વખાર. ઓસરી. ફળિયું. ગમાણ. પરસાળ. રાંધણિયું. કોઠાર. મેડી. કાતરિયું. પછીત. વાડો. –આ સૌ પહેલાંના ઘરોના સભ્યો હતા. ઘર જેટલા વિશાળ હતા, પરિવાર એટલા બહોળા અને દિલ એવા જ મોકળા હતા. જેમ-જેમ ઘર BHKથી ઓળખાવા માંડ્યા, તેમ-તેમ પરિવાર નાના થવા માંડ્યા અને પરિવારજનોના દિલ સાંકડાં. તંગદિલ અને સંગદિલ પરિવારોમાં મા-બાપની જગ્યા માઇનસ થતી ગઈ. પ્રસ્તુત રચનામાં આવા જ એક પરિવારમાં જીવતા બાપનું સ્થાન શબ્દોના બદલે આંસુઓથી ચિતરાયું છે.
દિલીપ પુરુષોત્તમ ચિત્રે. ૧૭-૦૯-૧૯૩૮ના રોજ વડોદરા ખાતે જન્મ. ૧૯૫૧માં સહપરિવાર મુંબઈ સ્થળાંતર. પિતાજી એક જમાનાના આપણા ‘કુમાર’ કક્ષાનું સામયિક ‘અભિરુચિ ચલાવતા, તો નાના કાશીનાથ ગુપ્તે સંત તુકારામના ‘સ્પેશ્યાલિસ્ટ’ હતા. એટલે સાહિત્ય રક્તસંસ્કારમાં હતું. ૧૬ વર્ષની ઉંમરે એમણે નક્કી કરી લીધું હતું કે કવિતા અને ચિત્રકળા જ એમનો વ્યવસાય હશે. ૨૨મા વર્ષે પહેલો કાવ્યસંગ્રહ. એ જ ઉંમરે વિજયા સાથે લગ્ન. એકમાત્ર પુત્ર ભોપાલ ગેસ કરુણાંતિકાનો શિકાર બન્યો. સ્વાતંત્ર્યોત્તર ભારતના નોંધપાત્ર દ્વિભાષી સર્જકોમાંના એક. મુખ્યત્વે મરાઠી અને અંગ્રેજીમાં, પરંતુ હિંદી-ગુજરાતીમાંય નોંધનીય પદાર્પણ. તેઓ કહેતા, ‘દ્વિભાષી લેખકના સાહિત્યિક અભિગમને દ્વિજાતીય વ્યક્તિના કામુક અભિગમ જેવો જ ગણી લેવામાં આવે છે- ભયાનક રીતે મહત્ત્વાકાંક્ષી અને તિર્યક્.’ તુકારામ અને ધ્યાનેશ્વરની કૃતિઓના અંગ્રેજી અનુવાદ ખાસ ધ્યાન ખેંચે છે. ગુજરાતીમાં એમણે મિલ્ટનના મહાકાવ્યોનો સહ-અનુવાદ કર્યો. એક ચલચિત્ર ‘ગોદામ’ અને ઢગલાબંધ દસ્તાવેજી ફિલ્મો, ટૂંકી ફિલ્મો એમણે બનાવી. મોટાભાગની ફિલ્મોમાં પટકથા, દિગ્દર્શન અને કેટલાકમાં સંગીત પણ એમણે આપ્યું. ચિત્રકળા અને ફિલ્મમેકિંગને તેઓ પોતાની કાવ્યાત્મક સંવેદનશીલતાના સાંધારહિત વિસ્તરણ સ્વરૂપે જોતા. ભારતના અમર સાહિત્યિક વારસાના પ્રખંડ ચાહક-પ્રચારક. કહેતા, ‘સાતસોથી વધુ વર્ષોથી અનવરત અસ્ત્તિત્વ ધરાવતું આ સાહિત્ય સાહિત્યિક જગત માટેનો મારો પાસપોર્ટ છે. મારે દુનિયાને બતાવવાનું છે કે મારો શેક્સપિઅર અને દોસ્તોએવસ્કી કોણ છે.’ પચાસ-સાંઠના દાયકામાં બંગાળી, મરાઠી, તમિલ, મલયાલમ, હિંદી અને ગુજરાતી જેવી ભાષાઓમાં ‘લિટલ મેગેઝિન મૂવમેન્ટ’ દાવાનળની જેમ ફેલાઈ વળી. સ્થાપિત કવિઓ અને કવિતાઓ સામેનો આ પ્રચંડ જુવાળ મરાઠીમાં માર્ધેકરે લાવ્યા અને દિલીપ ચિત્રે, અરુણ કોલાટકર જેવા કવિઓએ પ્રમુખ ભાગ ભજવ્યો. ‘શબ્દ’ નામનું સાઇક્લોસ્ટાઇલ સામયિક ચાલુ કર્યું. જૂનવાણી, ઉચ્ચ અને મધ્યમવર્ગીય ઈજારો બની ગયેલ મરાઠી સાહિત્યજગતને આધુનિકતા અને દલિત ચળવળના રંગે રંગવામાં અને સાહિત્યનો નવોન્મેષ સર્જવામાં ‘શબ્દ’નો ફાળો પ્રમુખ હતો. કેન્સર સામેનો જંગ લડતા-લડતા અંતે ૧૦-૧૨-૨૦૦૯ના રોજ પુણે ખાતે પોતાના નિવાસસ્થાને દેહવિલય.

‘પિતાજીની ઘરવાપસી’ ગુજરાતમાં જન્મેલા મરાઠી કવિની અંગ્રેજી કવિતા છે. સ્વાતંત્ર્યોત્તર કવિતાઓએ છંદોપ્રાસની કેદમાંથી છૂટવા આંદોલન આદર્યું હતું, એનો જ એક ભાગ હોવાથી અહીં કાવ્યવિધા અછાંદસ છે. શૈલી નાટકીય આત્મસંભાષણાત્મક (dramatic monologue) કે આત્મકથનાત્મક છે. ૧૨-૧૨ પંક્તિના બે ખંડ ઘરપ્રયાણ અને ઘરભીતર -પિતાજીની બે પરિસ્થિતિ વચ્ચે ભેદરેખા આંકે છે. વડોદરાથી મુંબઈ આવ્યા બાદની પોતાના પિતાજીની પરિસ્થિતિનું જ દારુણ વર્ણન કવિએ કર્યું હોવાનું કહેવાય છે. પણ આ પિતાજી કોઈનાય હોઈ શકે. તીણી તીખી છરીની જેમ હૃદયસોંસરી નીકળી જતી કારમી વાસ્તવિક્તાનું આ નગ્ન ચિત્રણ છે. કવિતાને Res ipsa loquitar યાને સ્વયંસ્પષ્ટ કે સ્વયંસિદ્ધા પણ ગણી શકાય. મહાભારતમાં સંજય ધૃતરાષ્ટ્રને યુદ્ધનો આંખેદેખ્યો હાલ સંભળાવે છે એ જ રીતે કવિ પોતાના પિતાનું ચિત્ર આપણને બતાવે છે.

મુંબઈની લોકલ ટ્રેનમાં મોડી સાંજે સિઝન ટિકીટવાળા મૂંગા સહયાત્રીઓની ભીડ વચ્ચે ડબ્બામાંના પીળા પ્રકાશમાં ઊભા-ઊભા મુસાફરી કરતા પિતાજીના રેખાંકનથી કાવ્યારંભ થાય છે. કવિતામાં દરેક પ્રતીક ધ્યાનાર્હ છે. નોકરી માટે રોજિંદી અપડાઉન કરતા કમ્યૂટર્સનો એકશબ્દી પર્યાય આપણી ભાષામાં મળતો નથી. પિતાજી આ અપડાઉનિયા ભીડનો જ ભાગ છે, મતલબ તેઓ પણ નોકરિયાત છે. મોડી સાંજની ટ્રેન સૂચવે છે કે નોકરીના કલાક પણ ઓછા નહીં હોય. પીળી બત્તી ટ્રાફિકમાં ધીમા પડવા માટેનું સિગ્નલ છે. પીળો પ્રકાશ ઉદાસીનતા પણ સૂચવે છે. આમ, મોડી સાંજ અને પીળો પ્રકાશ કવિતાના કેન્દ્રવર્તી ભાવને બખૂબી વ્યક્ત કરે છે. તમામ પ્રતીક કવિએ બેવડા સ્તરે પ્રયોજ્યા જણાય છે. દિવસ આથમી ચૂક્યો છે. સાંજ અને અજવાળું –બંને ઓસરવા આવ્યાં છે. પિતાજી પણ જીવનસંધ્યાએ આવી ઊભા છે. વૃદ્ધાવસ્થાએ પહોંચવા છતાં એમના માથેથી આજીવિકા રળવાની જવાબદારીનો બોજ ઉતર્યો નથી. ટ્રેનમાં વયને માન આપીને એમને બેસવાની જગ્યા આપવાની પણ કોઈને દરકાર નથી. સહયાત્રીઓ છે પણ મૂંગા. આ એવી દુનિયા છે, જ્યાં કોઈને કોઈની પડી નથી. આત્મરતિની અતિથી પીડાતી આ દુનિયામાં પરસ્પર તરફની ગતિ નથી.

ટ્રેનની આ રોજિંદી અને યંત્રવત્ મુસાફરી દરમિયાન પિતાની વણજોતી આંખો સામેથી એક પછી એક પરાં પસાર થઈ રહ્યાં છે. કોઠે પડી ગયેલાં એ દૃશ્યો આંખ જોતી નથી. ફરતેના વિશ્વની નોંધ લેવાનો ઇનકાર કરતી આંખો ખુલ્લી છે પણ બંધ બરાબર. પિતાજીના શર્ટ-પેન્ટ ભીનાં છે અને કાળો રેઇનકોટ કાદવથી ખરડાયેલ. મતલબ, વરસાદની ઋતુમાં પણ નોકરીથી મુક્તિ નથી. કાળો રંગ પિતાજીની અવદશાનો રંગ છે, અને જિંદગીના રંગોની અનુપસ્થિતિનો રંગ પણ છે. ઠાંસી-ઠાંસીને ચોપડીઓથી ભરેલો થેલો પડુ-પડુ થઈ રહ્યો છે. વરસોના અનુભવોથી ભર્યોભાદર્યો એમના અસ્તિત્વનો થેલો પણ પ્રવર્તમાન નિરુપિયોગિતાના અહેસાસ સાથે જિંદગીના ખભે ટકી રહેવા જાણે ઝઝૂમી રહ્યો છે.

એક તરફ ચોમાસાની ભેજલ રાતના કારણે હોય એનાથી વધુ ગાઢો દેખાતો અંધકાર છે, તો બીજી બાજુ વૃદ્ધાવસ્થાના કારણે પિતાજીની આંખોનું તેજ પણ ઓસરી રહ્યું છે. અંધારામાં વધુ લાચાર નિસ્તેજ આંખોની ધૂંધળી નજર તોય ઘર ભણી તાકે છે. આંખોનું તેજ કદાચ ઉંમર કે સમય કરતાંય એમની પ્રવર્તમાન હાલતની વાકેફિયતથી વધુ ઝાંખું પડ્યું છે:

મોતિયાની દેણ છે કે દીકરા મોટા થયા?
ધીમે ધીમે આંખ સામે આવતો અંધારપટ!

નિસ્તેજ થતા જતા સંબંધોની દુનિયાને પસાર થતાં પરાંની જેમ દેખી-અણદેખી કરવી મુશ્કેલ છે. લાંબા વાક્યમાંથી સંદર્ભ ગુમાવી બેસેલ શબ્દ કાઢી લેવાય એ રીતે કવિ પિતાજીને ટ્રેનમાંથી ઊતરતા જુએ છે. ટ્રેનની અંદર જેઓએ અસ્તિત્ત્વની કોઈ નોંધ લીધી નહોતી, એ સહયાત્રીઓને તો કોઈ ટ્રેનમાંથી ઉતરે, ન ઉતરે, શો ફરક પડે? મુસાફરો તો અન્યોન્યને પસાર થતું પણ ન દેખાતું કોઈક પરું જ ગણે ને! અને ટ્રેન પણ ઉતરનારની પરવા કર્યા વિના આગળ નીકળી જશે. ઉતરનાર વ્યક્તિ ટ્રેન અને સહયાત્રીઓ સાથેનો સંદર્ભ ગુમાવી બેસે છે. પસાર થતી જિંદગી સાથેનો પૂર્વાપરસંબંધ ગુમાવી બેસનાર પિતાજી લાંબા વાક્યમાંથી કાઢી નંખાયેલ શબ્દ જ ને?

પિતાજી ટ્રેનમાંથી ઉતરીને ભૂખરા લાંબા પ્લેટફૉર્મને પસાર કરવા ઝડપ કરે છે. પ્લેટફૉર્મની લંબાઈ અને ભૂખરો રંગ પણ ઉદાસ રંગહીન પ્રદીર્ઘ જિંદગી તરફ અંગૂલિનિર્દેશ કરે છે. કાદવમાં ચપચપ કરતી ચપ્પલ પહેરીને ચાલવું કપરું હોવા છતાં પિતાજી ધીમા પડતા નથી. પ્લેટફૉર્મ પસાર કરી, રેલવેલાઇન ઓળંગીને કાદવમાં ચાલતાં તેઓ પોતાની ગલીમાં પહોંચે છે. ત્રણ પંક્તિમાં બે વાર ‘ઝડપ’ શબ્દ વાપરીને કવિ પિતાની તત્પરતાને અધોરેખિત કરે છે. પણ આ તત્પરતા શેની છે? ઘરે તો એ જ બેરંગ બેઢંગ ગમગીનીનું સામ્રાજ્ય છે.

કવિતાના પ્રથમ ભાગમાં પિતાજીના ઘરપ્રયાણના આલેખન બાદ બીજા ભાગમાં ઘર ભીતરનું ચિત્રણ છે. આંખ દગો દેવાનું શરૂ કરી દે એ વયે પણ કોઈપણ સિઝન કે રિઝનને જોયા વિના ટ્રેનના રોજિંદા ધક્કા ખાતા ને કુટુંબ માટે પેટિયું રળી મોડેથી પરત આવતા બાપ માટે ઘરનું વાતાવરણ પણ ટ્રેનના ડબ્બાથી કંઈ અલગ નથી. અહીં પણ એ જ એકવિધતા, ઉદાસીનતા, એકલતા, અવગણના, અને અવમૂલ્યન છે. વધારામાં જનરેશન ગેપ પણ. એમના માટે કોઈ તાજી ચા ઉકાળતું નથી. સાંજની ચામાંથી બચેલી ફિક્કી ચા અને વાસી રોટલી જ એમને નસીબ થાય છે. ટ્રેનમાં જેવા રોજિંદા સહયાત્રીઓ, એવા જ ઘરના સહનિવાસીઓ. મૂંગા. અલિપ્ત. અનાદરસેવી. વાત કરવા માટે પોતાના કુટુંબમાં કોઈ ઉપસ્થિત ન હોવાથી પિતાએ પુસ્તકના કુટુબમાં ઘરવાસ કરી લીધો છે. ટ્રેન હોય કે ઘર –એમને કોઈ સામે ફરિયાદ નથી. અંગત વાતોનો વિનિમય લગભગ બંધ કરીને ઘરની અંદર જ ઘરવટો આપનારા સંતાનો સામે પણ વિરોધનો સૂર નથી. એમની દારુણ કરુણ સ્થિતિનો ચિતાર એનો પુત્ર જ આપણી સમક્ષ રજૂ કરે છે.

જમદાગ્નિની કામધેનુ પરત લાવવા એકલા હાથે સહસ્ત્રાર્જુનને સંહારતા, વળી પ્રાયશ્ચિત કરતા, અને સગી માનું માથુ કાપી નાખતા પરશુરામ, મા-બાપને કાવડમાં બેસાડીને તીર્થાટન કરાવતા શ્રવણ, કે બાપે દીધેલા વચન ખાતર રાજગાદી ત્યાગી વનવાસ ભોગવતા રામ જેવા દીકરા ક્યાંથી લાવવા આજે? આજે તો ઘરમાં મા-બાપનું સ્થાન લાંબા વાક્યમાંથી ખડી પડેલા, સંદર્ભ ગુમાવી બેસેલા શબ્દ જેવું થઈ ગયું છે. ઘરડાંઘર એમને એમ બિલાડીના ટોપ પેઠે ફૂલી-ફાલી નીકળ્યાં છે? બેજ પંક્તિમાં આખી સમસ્યાની સચોટ સારવાર સૂચવતા ગૌરાંગ ઠાકર યાદ આવે:

બસ, બને તો એક દીકરાને મનાવી જોઈએ,
એ રીતે ઘરડાંઘરો ખાલી કરાવી જોઈએ.

બાપ બાપ છે. જન્મદાતા છે. મુસાફરી અને મોસમની તકલીફો વચ્ચેય એમની ઘરે પહોંચવાની ઝડપ દુર્દમ્ય પારિવારીક સદભાવનાઓનું પ્રતીક છે. પણ આજના દીકરાઓ કંઈ એમ માને એવા નથી. એટલે મનુષ્યજાત વિશે ચિંતન કરવા માટે બાપે સંડાસના એકાંતનો સહારો લેવો પડે છે. કદાચ આ જ હવે એમની દુનિયા છે. શૌચાલયમાં એ માનવસર્જિત જગતથી માનવીના જ અલગાવ બાબતે વિમાસે છે. સંડાસ બહાર સિન્કની નજીક ક્ષણભર માટે તેઓ સહજ સમતુલન ગુમાવે છે. નોકરી અને મુસાફરીમાં તડકો વેઠીને કથ્થઈ થઈ ગયેલા એમના હાથ પર ઠંડુ પાણી દદડે છે. ‘ઠંડુ’ શબ્દ આપણને પરિવારજનોની લાગણીશૂન્યતાનો ડામ દેતો હોય એમ ચંપાય છે. કેટલાંક ટીપાં ધોળાં વાળ પર વળગી રહે છે. પાણી જીવનનું અને સફેદ વાળ વૃદ્ધત્વનું પ્રતીક પણ ખરાં. જિંદગી લટકી પડી છે, પણ છે તો ખરી! અતડાં બાળકો પોતાનાં હાસ્યો અને રહસ્યો એમની સાથે વહેંચવાનું બહુધા નકારે છે. કોઈપણ પ્રકારની આશાઓને પુનર્જીવિત કરવાની વૃથા કોશિશ કરવાના બદલે પિતાજી એકલા સૂવા જાય છે. સૂતા પહેલાં એકમાત્ર બચી ગયેલ સાથી- રેડિયો શરૂ કરે છે. જીવનના રેડિયો પર હવે સ્ટેશન તો સેટ નથી થતા તોય નકરો સ્ટેટિક ઘોંઘાટ તો ઘોંઘાટ, પણ રેડિયો હજી બંધ થયો નથી. કવિતાની શરૂઆતથી ટ્વાઇલાઇટ ઝોનની ઝાંખપને વધુ ગાઢી બનાવતાં પ્રતીકો એક પછી એક આવ્યે રાખતાં પરાંઓની જેમ આવે છે: મોડી સાંજ, પીળો પ્રકાશ, મૂંગા સહયાત્રીઓ, નિસ્તેજ આંખો, આર્દ્ર રાત, ભીનાં વસ્ત્રો, કાદવ, કાળો રેઇનકોટ, ભૂખરું લાંબું પ્લેટફૉર્મ, ચપ્પલોનું ચપચપ, ફિક્કી ચા, વાસી રોટલી, સંડાસ, લડખડાહટ, કથ્થઈ હાથ, ધોળાં વાળ, રેડિયોનું સ્ટેટિક- કવિતાના રેલ્વેટ્રેક પર આ દરેક માઇલસ્ટૉન બાપની જિંદગીના ટ્વાઇલાઇટ ઝોનને વધુ ઘાટો-ઘેરો બનાવે છે. કવિતાના શબ્દે-શબ્દે, પ્રતીકે-પ્રતીકે બાપની દુર્દશા નીંગળે છે.

જો કે ગમે એટલી સાંસારિક કે પારિવારિક અડચણો કેમ ન આવે, માનવીના મનને હરાવવું આસાન નથી. માણસના હાથમાંથી વર્તમાન સરકી જાય છે ત્યારે એ ભૂત અને ભવિષ્યનો હાથ ઝાલે છે. ગત અને અનાગતના સપનાં જોતાં જોતાં પિતાજી એ રખડુ આર્યો વિશે વિચારે છે, જેઓ પુષ્કળ રઝળપાટના અંતે સાંકડા ખૈબર ઘાટ મારફતે ભારતવર્ષમાં પ્રવેશ્યા હતા અને સ્થિર થયા હતા. સદીઓ લાંબા સમયપટ પર વિસ્તરેલ આ વંશશૃંખલામાં પોતે એક નાના અમસ્તા ટપકાંથી વિશેષ કશું નથી. પણ આ ટપકું જ પૂર્વજો અને વંશજોને જોડતી અનિવાર્ય કડી હોવાનો સંતોષ કદાચ તેઓ મેળવે છે. પોતાના પૂર્વજોએ પણ આજ રીતે આખરી બુંદ સુધી પોતાની જાત રેડી દઈને જ વંશવેલાની વૃદ્ધિ કરી હશે ને? પૂર્વજોની યાદોના એ યશસ્વી ભૂતકાળ અને હજી આવ્યા નથી એ પૌત્રોના આશાવંત ભવિષ્યકાળને જોડતા વર્તમાનકાળના પુલ પર પિતા હજી જીવનના સાંકડા ઘાટમાં હાર માન્યા વિના પોતાની લડાઈ લડી રહ્યા છે. કાવ્યાંતે સદીઓ પહેલા આર્યોના આગમનનો સંદર્ભ પરિવાર માટે ઢસરડા કરવા છતાંય સતત ઉપેક્ષિત પિતાના સીધાસાદા લાગતા શબ્દચિત્રમાં પ્રાણ ફૂંકીને એને ઉત્તમ કાવ્યકરાર બક્ષે છે.

અમને ઓછાં પડે – પન્ના નાયક

સાત જનમનાં ચુંબન ને આઠ જનમનાં આલિંગન
અમને ઓછાં પડે છે સાજન
અમને ઓછાં પડે..

શ્વાસશ્વાસમાં બાહુપાશ
ને રેશમની ભીંસ
ગીત થઈને પ્રગટી ઊઠે
જનમજનમની ચીસ.

બીજ રોપીને કરો સદાય સ્નેહનું અમીમય સિંચન
દંતક્ષત ને નનક્ષતની
અમને લત, પિપાસા
મન ફાવે તે બોલો
અમને વ્હાલી તમારી ભાષા.
હૃદયભરીને હૂંફ આપે છે ઇન્દ્રિયોનાં ઈંધણ.

સાત જનમનાં ચુંબન ને આઠ જનમનાં આલિંગન
અમને ઓછાં પડે છે સાજન
અમને ઓછાં પડે.
-પન્ના નાયક

ગ્લૉબલ કવિતા : ૨૦૦ : અકિલીઝનો વિજય – લૂઈસ ગ્લિક

The Triumph Of Achilles

In the story of Patroclus
no one survives, not even Achilles
who was nearly a god.
Patroclus resembled him; they wore
the same armor.

Always in these friendships
one serves the other, one is less than the other:
the hierarchy
is always apparant, though the legends
cannot be trusted–
their source is the survivor,
the one who has been abandoned.

What were the Greek ships on fire
compared to this loss?

In his tent, Achilles
grieved with his whole being
and the gods saw

he was a man already dead, a victim
of the part that loved,
the part that was mortal.

– Louise Glück


અકિલીઝનો વિજય

પેટ્રોક્લસની વાર્તામાં
કોઈ નથી બચતું, અકિલીઝ પણ નહીં
જે લગભગ દેવતા જ હતો.
પેટ્રોક્લસ એના જેવો જ લાગતો હતો; તેઓએ
બખ્તર પણ એક જ પહેર્યું હતું.

હંમેશા આ મૈત્રીસંબંધોમાં
મિત્રો એકબીજાની સેવા કરે છે, એક જો કે બીજા કરતાં જરા ઓછી:
પદાનુક્રમ
હંમેશા દેખીતો હોય છે, જો કે દંતકથાઓનો
ભરોસો કરી શકાય નહીં-
એમનો સ્ત્રોત ઉત્તરજીવી, જેને
ત્યાગી દેવાયો હોય, એ હોય છે.

ભડકે બળતાં ગ્રીક જહાજો તો શું હતાં
આ નુકશાનની તુલનામાં?

પોતાના તંબુમાં, અકિલીઝે
પોતાના સમગ્ર અસ્તિત્વપૂર્વક શોક મનાવ્યો
અને દેવતાઓએ જોયું

એ પહેલેથી જ એક મરી ચૂકેલો માણસ હતો, શિકાર
એ હિસ્સાનો જે પ્રેમ કરતો હતો,
એ હિસ્સો જે નશ્વર હતો.

– લૂઈસ ગ્લિક
(અનુ. વિવેક મનહર ટેલર)


પૂર્ણમનુષ્યત્વની પ્રાપ્તિ એ જ ખરો વિજય

મહાભારતનું યુદ્ધ તો માત્ર અઢાર જ દિવસ ચાલ્યું હતું, પણ જનમાનસ પરનો એનો કબ્જો સમયાતીત છે. મહાભારતની કથા અને પાત્રો દક્ષિણ-પૂર્વી એશિયાઈ દેશોમાં સદીઓથી દેખા દેતાં આવ્યાં છે. આપણે ત્યાં મહાભારતનું જે મહત્ત્વ છે, એથીય અદકેરું મહત્ત્વ પાશ્ચાત્ય સંસ્કૃતિમાં ગ્રીક પુરાણકથાઓમાં વર્ણવાયેલ, ઈસુથી બારસોએક વર્ષ પહેલાં થઈ ગયેલા ટ્રોયના યુદ્ધનું છે. અઢાર દિવસીય મહાભારતથી વિપરીત આ યુદ્ધ દસ-દસ વર્ષ સુધી ચાલ્યું હતું. આ યુદ્ધ સાથે પણ અસંખ્ય પાત્રો, કથાઓ અને ઉપકથાઓ અવિનાભાવી સંબંધે જોડાયાં છે અને સદીઓથી વિશ્વભરના દેશોમાં તમામ કળાઓમાં આ પાત્રો-કથાઓ-ઉપકથાઓ સતત આલેખાતાં આવ્યાં છે. ભાગ્યે જ એવી કોઈ ભાષા હશે, જેનું સાહિત્યજગત આ યુદ્ધકથાઓ અને પાત્રોથી અભિભૂત નહીં થયું હોય. લૂઈસની પ્રસ્તુત રચના પણ આ જ યુદ્ધકથાના મહાનાયકથી પ્રેરિત છે.

લૂઈસ એલિઝાબેથ ગ્લિક. ઘણાં ગ્લુક બોલે છે, પણ Glück (/ɡlɪk/)નો સાચો ઉચ્ચાર ગ્લિક છે. ૨૨-૦૪-૧૯૪૩ના રોજ ન્યૂયૉર્કમાં જન્મ. નાની વયે કાવ્યલેખન શરૂ કર્યું. ટીનએજમાં તેઓ એનોરેક્ષિયા નર્વોસા નામની બિમારીથી પીડાતાં હતાં. એ હદે ભૂખમરો કરતાં કે મૃત્યુ ન થઈ ગયું એ જ નવાઈ. મોટાભાગે તરુણીઓને થતી આ માનસિક બિમારીમાં જાડા થઈ જવાના ડરથી યુવતીઓ ખોરાક એકદમ ઓછો કરી દે છે અને વખતોવખત ખાધા પછી ઊલટી કરી નાંખે છે. ગ્લિક ‘ડેડીકેશન ટુ હંગર’માં લખે છે: ‘મૃત્યુનો ડર, ભૂખ પ્રતિ સમર્પણનું રૂપ ધારણ કરે છે, કેમકે સ્ત્રીનું શરીર એક કબર છે; એ કંઈ પણ સ્વીકારશે. મને યાદ છે રાત્રે પથારીમાં સૂતાં સૂતાં મૃદુ, લચી પડતાં સ્તનોને અડવું, અડવું, પંદરમા વર્ષે, એ આડે આવતાં માંસને જેને હું કુરબાન કરી દઈશ, જ્યાં સુધી અંગો મહોરવા અને છલનાથી આઝાદ ન થઈ જાય.’ આ બિમારીની સારવાર માટે એમણે સ્કૂલ છોડી દેવી પડી હતી. આ જ કારણોસર, કોલેજ અને યુનિવર્સિટીમાં પાર્ટટાઇમ ભણ્યાં અને એ પણ કવિતાના ક્લાસિસમાં જ. આ ગાળામાં કવિતાઓ સામયિકોમાં પ્રગટ થવા માંડી. ૧૯૬૭માં ચાર્લ્સ હર્ટ્ઝ જુનિઅર સાથે લગ્ન. ૧૯૬૮માં પ્રથમ કાવ્યસંગ્રહ. ૧૯૭૧થી કોલેજમાં કવિતા શીખવવું શરૂ કર્યું. ૧૯૭૭માં જોન દ્રેનાવ સાથે બીજા લગ્ન. ૧૯૯૬માં છૂટાછેડા. હાલ તેઓ યેલ યુનિવર્સિટીમાં નિવાસી લેખક છે અને કેમ્બ્રિજ, માસાચ્યુસેટ્સ ખાતે રહે છે. ૨૦૦૩-૦૪માં અમેરિકાના રાજકવિ. ૧૯૯૩માં પુલિત્ઝર અને ૨૦૨૦માં નોબેલ પારિતોષિક. આ સિવાય અસંખ્ય પારિતોષિકો અને ઈનામ-અકરામથી નવાજિશ.

નોબેલ પારિતોષિક એનાયત કરતી વખતે કમિટિએ ‘એમની નિર્ભ્રાંત કાવ્યબાની’ વિશે કહ્યું હતું કે, ‘એ સંયમિત સૌંદર્ય વડે વૈયક્તિક અસ્તિત્વને સાર્વત્રિક બનાવે છે.’ ગ્લિકે પ્રતિભાવમાં કહ્યું કે, ‘મારું માનવું છે કે મને આ પુરસ્કાર આપતી વખતે, સ્વીડિશ અકાદમી એવા અંતરંગ, નિજી અવાજનું સન્માન કરવાનું પસંદ કરી રહી છે, જેને સાર્વજનિક રૂપથી ક્યારેક સંવર્ધિત અથવા વિસ્તારિત કરી શકાય છે, પણ કદી બદલી શકાતો નથી.’ ગ્લિકની કવિતાઓ જાણે કે અસંખ્ય ટુકડાઓમાં વહેંચાયેલી એમની આત્મકથા જ છે. શબ્દોની કરકસર અને ઉત્તમ કળાકૌશલ્ય ઊડીને આંખે વળગે છે. અકલ્પનીય ભાષાપ્રભુત્વ અને છંદોલયની અનૂઠી સમજના કારણે તેઓ અલગ તરી આવે છે. બગીચાના ફૂલોથી લઈને ગ્રીક પુરાકથાઓના અમર પાત્રો –આ બધું જ લૂઈસની આત્માનુભૂતિ સાથે એકાકાર થઈને નવોન્મેષ ધારે છે. આઘાત, પીડા, મૃત્યુ, નિષ્ફળ માનવસંબંધો, એકલતા, જીવનની વિહ્વળ કરી દેતી વાસ્તવિકતા વગેરેના ગાઢા ભૂખરા રંગની અડખેપડખે બાળપણ, પુનર્જન્મ, ઉપચાર અને નવીનીકરણની રૂપેરી કોર એમના સર્જનમાં જોવા મળે છે. એમની મોટાભાગની કવિતાઓમાં બે પંક્તિ વચ્ચે અવકાશ રહેલો છે, જેને ભાવકે પોતાની મેળે ભરવાનો છે. ભાવક સજ્જ ન હોય તો કવિતા હાથમાંથી સરી જવાનું ભયસ્થાન જે લૂઈસમાં છે, એટલું જૂજ કવિઓમાં જ જોવા મળે છે. આંખ મીંચીને કોઈપણ કવિતા ઊપાડો, ગ્લિકની કારયત્રી પ્રતિભા આંજ્યા વિના નહીં રહે એની ગેરંટી. એમની કવિતા કાળજીપૂર્વક કોઈક કેન્દ્રબિંદુની આસપાસ પરિભ્રમણ કરતી જોવા મળે છે. વાઇલ્ડ આઇરિસમાં કવિના ઘરનો બગીચો આપણી સાથે વાતો કરે છે. એવર્નો અને ટ્રાયમ્ફ ઑફ અકિલીઝની કવિતાઓ ગ્રીક પુરાકથાના પાત્રોની આસપાસ વણાયેલ છે, એવર્નોમાં આ કથાઓ મા અને પ્રેમી વચ્ચેની દલીલોનું સ્વરૂપ લે છે તો અકિલીઝમાં એ કથાઓને સર્વકાલીન સ્વરૂપ આપે છે. અરારતની કવિતાઓ આત્મકથનાત્મક છે. ગ્લિકના દરેક સંગ્રહમાં કવિતાઓ અલગ-અલગ સ્વરૂપે પ્રગટે છે.

‘ધ ટ્રાયમ્ફ ઑફ અકિલીઝ’ કવયિત્રીના એ જ નામે ૧૯૮૫માં પ્રગટ થયેલા સંગ્રહનું શીર્ષકકાવ્ય છે. કવયિત્રીએ બે પંક્તિથી લઈને સાત પંક્તિઓવાળા પાંચ હિસ્સામાં આ અછાંદસ કવિતાને વહેંચી છે. આખરી બે હિસ્સામાં દેખાતા અપૂર્ણાન્વય ચરણ સિવાય બધે બંધ બદલાવાની સાથે વાક્ય પૂર્ણ થાય છે. કાવ્યપ્રવેશ કરતાં પહેલાં અકિલીઝ અને ટ્રોયના યુદ્ધ (ટ્રોજન વૉર) વિશે જાણી લઈએ. હૉમરના બે મહાકાવ્યો -ઇલિયાડ અને ઓડિસીએ એને અજરામર બનાવ્યું છે. અકિલીઝ (/ə’kɪliːz/ ə-KIL-eez) न भूतो, न भविष्यति કહી શકાય એવો બહાદુર, સાહસી અને દેખાવડો યોદ્ધા હતો. હૉમરના કાવ્ય મુજબ એનો ઉછેર ‘શરીર બે-આત્મા એક’ જેવા સાથીદાર પેટ્રોક્લસ સાથે કરાયો. અન્ય કથાઓ મુજબ એ એનો પ્રેમી પણ હતો. એ જમાનાના ગ્રીસમાં પોતાનાથી ઘણી નાની વયના છોકરાઓ સાથે પુરુષોના પ્રેમસંબંધ સામાન્ય હતા. શેક્સપિઅરના નાટક ‘ટ્રોઇલસ અને ક્રેસિડા’માં પણ બંનેનું ચિત્રણ પ્રેમીઓ તરીકે જ કરાયું છે.

ટ્રોયના યુદ્ધની વાત કરીએ તો, ટ્રોયનો રાજકુમાર પેરિસ સ્પાર્ટાના રાજા મેનોલેઅસ (Menelaus)ની પત્ની વિશ્વસુંદરી હેલનને ઉપાડી ગયો. હેલનને પરત મેળવવાના પ્રયાસો નિષ્ફળ જતાં મેનોલેઅસે આ કામ પોતાના ભાઈ એગમેમ્નોનને સોંપ્યું. અકિલીઝ અને ઓડિસિયસ જેવા મહાયોદ્ધાઓને સાથે લઈને એગમેમ્નોન હજારેક જહાજો સાથે હેલનને પરત મેળવવાનું બીડું ઝડપી નીકળ્યો. દરિયાના મોજાંની જેમ યુદ્ધમાં સેંકડો ઉતાર-ચડાવ હતા. એક તબક્કે હેક્ટર ગ્રીક જહાજોને પીછેહઠ કરાવીને ભડકે સળગાવે પણ છે. એગમેમ્નોન દ્વારા અકિલીઝે યુદ્ધમાં જબ્બે કરેલી સુંદરી બ્રિસેઇસ (Brisēís)નો કબ્જો લઈ લેવાતાં અકિલીઝે યુદ્ધમાં ભાગ લેવાની ના પાડી. એનો જિગરી પેટ્રોક્લસ એનું જ બખ્તર પહેરીને અકિલીઝના સ્વાંગમાં યુદ્ધે ચડ્યો. અકિલીઝના બખ્તરનો પ્રભાવ પણ એના જેવો જ સિદ્ધ થયો. પણ પેટ્રોક્લસ અકિલીઝની સલાહ વિરુદ્ધ ટ્રોયના યોદ્ધાઓને પીછેહઠ કરાવીને સંતોષ માનવાના બદલે એમની પાછળ પડ્યો, અને અંતે હેક્ટરના હાથે એનો વધ થયો. દુઃખ અને ગુસ્સાથી છલકાતા અકિલીઝે મિત્રનો બદલો લેવા નવા બખ્તર સાથે પુનઃ યુદ્ધમાં ઝંપલાવ્યું, હેક્ટરનો વધ કર્યો અને એને એડીથી પોતાના રથ પાછળ બાંધી દઈ યુદ્ધના નિયમો વિરુદ્ધ ઘસડીને પોતાના કેમ્પ સુધી લઈ આવ્યો. દસ વર્ષ લાંબા આ યુદ્ધનો અંત ગ્રીક લોકોના ઝૂકી જવાના નાટક અને લાકડાના વિશાળકાય ઘોડાની ટ્રોયજનોને ભેટ આપવા સાથે આવ્યો. ઘોડાની અંદર છૂપાયેલા મહારથીઓ અભેદ્ય ટ્રોયને અંદર ઘૂસીને તહસનહસ કરી નાંખ્યું. યુદ્ધ સમાપ્ત થયું.

હૉમરના વિશાળ મહાસાગરમાંથી ગ્લિકે તો એક બુંદ જ ઊપાડ્યું છે પણ એ વાતને જે આયામ બક્ષે છે એ કવિતાને નખશિખ આસ્વાદ્ય બનાવે છે. કવિતાનું શીર્ષક અકિલીઝનો વિજય છે, પણ શરૂઆત ‘પેટ્રોક્લસની વાર્તા’થી થાય છે. ગ્લિક કહે છે, પેટ્રોક્લસની વાર્તામાં કોઈ જ બચતું નથી. અકિલીઝ, જે લગભગ યુદ્ધનો દેવતા ગણાતો હતો એ પણ આ મૃત્યુ પામે છે. અકિલીઝના વિજયને પેટ્રોક્લસની વાર્તાનું નામ આપીને ગ્લિકે મિત્રતાનો મહિમા કર્યો છે. અકિલીઝના બખ્તરની નીચે બીજું કોઈ છે એનો ખ્યાલ યોદ્ધાઓને આવે એ પહેલાં તો અકિલીઝની આભા ઓઢીને પેટ્રોક્લસે શત્રુસેનાને આંધીની જેમ ધમરોળી નાંખી. પેટ્રોક્લસ દેખાવે અકિલીઝને મળતો આવતો હતો એમ કહીને કવયિત્રી પુરાકથાની હકીકતનું સમર્થન કરે છે. અકિલીઝ દેવતા તો નહીં, પણ લગભગ દેવતા જ હતો. એ દરિયાની દેવી થીટિસ અને પીલિયસનો પુત્ર હતો. અકિલીઝ એના જમાનામાં દેવતાઓની જેમ જ અમર અને અજેય યોદ્ધા ગણાતો હતો. ગ્લિક આગળ ‘લગભગ’ મૂકીને અકિલીઝને દેવતાઓથી અલગ તારવી આપે છે.

મિત્રતાનો આડકતરો મહિમા કરી લીધા બાદ ગ્લિક સીધી વાત કરે છે. કહે છે, આ પ્રકારના મૈત્રીસંબંધોમાં સામાન્યતઃ બંને જણ એકબીજાની સેવા કરતા જ હોય છે, બંને જણ એકમેકને જરુર પડ્યે કામ આવતા જ હોય છે, પણ આ સેવા સમાન સ્તરે કદી હોતી નથી. મિત્રતા ગમે એવી ભવ્ય કેમ ન હોય, પદાનુક્રમ હંમેશા દેખીતો જ હોવાનો. કૃષ્ણ અને સુદામાની દોસ્તીના દાખલા આપણે કાયમ ભલે ને દોસ્તીની ભીંત પર ટાંગીને કેમ ન રાખીએ, બંને વચ્ચેનો તફાવત કદી ભૂલતાં નથી. પેટ્રોક્લસ વયમાં તો અકિલીઝ કરતાં ખાસ્સો મોટો હતો પણ એક સાચા સેવકની નિષ્ઠાથી અકિલીઝની દેખભાળ રાખવાનું, રાંધવાનું વિ. તમામ પ્રકારનું કામ એ કરતો હતો. પદાનુક્રમે અકિલીઝ એના કરતાં ક્યાંય વધીને હતો. અહીં કવયિત્રી અચાનક પુરાકથાનો તંતુ છોડીને હકીકત સાથે, ઇતિહાસ સાથે અનુસંધાન સાધે છે. કહે છે, આ દંતકથાઓનો કોઈ ભરોસો કરી શકાય એમ નથી. કેમકે દંતકથાઓ જેના વિશે હોય છે, એ તો મૃત્યુ પામ્યો હોય છે અને જે માણસ આ દંતકથાઓનું આલેખન કરે છે, એ તો બચી ગયેલો કે ત્યાગી દેવામાં આવેલ માણસ છે. કથાનો ભાગ બનવાથી બચી ગયેલી કોઈ વ્યક્તિ પ્રેક્ષકભાવે કથા કહે ત્યારે શું સંભવ નથી કે કથા હકીકતની વધુ નજીક હોવાના સ્થાને જે-તે વ્યક્તિના અંગત વિચારો અને અભિગમની વધુ નજીક હોય?

ખેર, દોસ્તની સેવા કરતાં-કરતાં, દોસ્તનું બખ્તર પહેરીને, દોસ્ત જેવી જ શૂરવીરતા દાખવીને પેટ્રોક્લસ યુદ્ધમાં શહીદ થઈ ગયો. અકિલીઝ માટે તો આખી દુનિયા છીનવાઈ ગઈ. ટ્રોયજનોએ દરિયાની મધ્યમાં ગ્રીક જહાજો પર હુમલો કરીને જહાજોને જે આગ લગાડી દીધી હતી, એ પારાવાર નુકશાનની પણ અકિલીઝના આ અંગત નુકશાનની આગળ શી વિસાત? ઑડેનની વિખ્યાત કવિતા ‘ધ શિલ્ડ ઑફ અકિલીઝ’ (૧૯૫૨)થી ગ્લિકની આ રચના ખાસી અલગ પડે છે. ઑડેન યુદ્ધમાં એક-બે માણસના વિચારબીજને યાંત્રિક બુદ્ધિહીનતાથી અનુસરતા હજારો માણસોના જાનમાલના નુકશાનની વાત કરે છે, તો ગ્લિક દેવતાસમાન મહાયોદ્ધાની અંગત હાનિની વાત કરે છે. ઑડેન નનામા હેતુહીન મૃત્યુની વાત કરે છે, તો ગ્લિક મિત્રપ્રેમ માટે ફના થવા તૈયાર યોદ્ધાના માન અને નૈતિક વિજયની વાત માંડે છે.

દેહ-પ્રાણ સમું સાયુજ્ય શ્વસતા અકિલીઝ માટે પેટ્રોક્લસનું મૃત્યુ અસહ્ય આઘાત હતો. એના મૃત્યુના સમાચારથી એ આખેઆખો નિચોવાઈ જાય છે. હજારો દુશ્મનોને મોતને ઘાત ઉતારનાર અકિલીઝ એક મૃત્યુથી પોતાના તંબુમાં શોકના દરિયામાં ગરકાવ થઈ જાય છે. ‘પોતાનો તંબુ’ શબ્દપ્રયોગ પણ ધ્યાનાર્હ છે. ખુલ્લા દરિયામાં ભડકે બળતા જહાજોના કલ્પન પછી તરત આ શબ્દપ્રયોગ કરાયો છે. અસીમ અને સીમિતનો વિરોધાભાસ દુનિયા અને કેન્દ્રબિંદુ તરફ ઈશારો કરતો હોવાનો ભાસ થાય છે. સમુદ્ર આખો ભડકે બળતો હોય એ દાહ અકિલીઝ તંબુની અંદર બેઠા અનુભવે છે. ગ્રીક પુરાકથાઓમાં પણ આપણા પુરાણોની જેમ જ દેવતાઓ મનફાવે ત્યારે મનુષ્યજગતમાં આવનજાવન કરતા. દેવતાઓ અકિલીઝના પારાવાર શોકના સાક્ષી બને છે. અકિલીઝ લગભગ દેવતા જેવો છે, કેમ કે એ મિત્રપ્રેમ અને શોકથી પર ઊઠી શક્યો નથી. એની માતા સાગરની દેવી છે. એના કહેવાથી આગ અને ધાતુકામના દેવતા હિફેસ્ટસ અકિલીઝ માટે બખ્તર અને ઢાલ બનાવે છે. અકિલીઝ દેવતાઓથીય વધીને અપ્રતીમ શૌર્ય ધરાવતો હોવા છતાં દેવતા નથી, કેમકે એનું હૃદય મનુષ્યોની જેમ એના મિત્ર માટે અસ્તિત્વની સમગ્રતાથી દ્રવી ઊઠ્યું છે. ગ્લિકની જ ‘યેલો ડહલિઆ’ કવિતાનો અંતભાગ યાદ આવી જાય:

અમે લોકો દિવસ અને રાત જેવા હતાં,
સર્જનનું એક કાર્ય.
હું બે ભાગને
અલગ કરી શકી નહીં.

એ સમયે મૃતકને યોગ્ય અંતિમસંસ્કાર નસીબ ન થવાથી મોટી અવહેલના બીજી કોઈ ગણાતી નહોતી. હેક્ટરે પેટ્રોક્લસનો વધ કરી એનું બખ્તર, જે પ્રતીકાત્મકરૂપે અકિલીઝનો ‘હું’ હતો, એનેય તહસનહસ કરી નાંખ્યું હતું. મિત્રનું શબ અને પોતાના ગૌરવના પ્રતીક સમા બખ્તરને પરત મેળવી શબનો યોગ્ય અંતિમસંસ્કાર કરી ગુમાવેલું સન્માન પરત મેળવવું અકિલીઝ માટે અનિવાર્ય હતું. અકિલીઝ જાણતો હતો કે આ સમયે યુદ્ધમાં ઝંપલાવવાનો અર્થ માતા થીટિસે કરેલી ભવિષ્યવાણી મુજબ નિશ્ચિત મૃત્યુ જ છે, પણ એનું બખ્તર ધારીને એનું જ સ્વ-રૂપ લઈ રણે ચડેલ પેટ્રોક્લસના મૃત્યુ સાથે જ એનામાંનો દેવાંશ તો ક્યારનો મરી પરવાર્યો હતો. પ્રેમ કરવાનું સૌભાગ્ય માત્ર મનુષ્યોને જ હાંસલ છે. દેવી-દેવતાઓ તો માત્ર કૃપા કરી જાણે. જે ક્ષણે પેટ્રોક્લસની લાશ અને બખ્તર પરત મેળવવાનો નિર્ધાર અકિલીઝે કર્યો એ જ ક્ષણે એ દેવતા મટીને પૂર્ણ મનુષ્ય બની ગયો હતો, ભલે ને અમરત્વ હાથમાંથી સરી કેમ ન ગયું હોય! મિત્રતાના ગૌરવની પુનઃપ્રાપ્તિનો નિર્ણય અકિલીઝના પ્રાણ જવાની સુનિશ્ચિતતા ભલેને હોય, એ પળ એના ‘ખરા’ વિજયની પળ હતી. સેંકડો યોદ્ધાઓનો ધ્વંસ કરીને શબ અને બખ્તર પરત મેળવવાને ગ્લિક વિજય ગણતાં નથી. એ તો આ બાબતનો ઉલ્લેખ સુદ્ધાં કરતાં નથી. આ પુરાહકીકત એ ભાવક પર છોડી દે છે. અન્ય મનુષ્ય માટેની માનવ સંવેદના તરફ અકિલીઝના પુનરાગમનને એ એનો વિજય ગણે છે. હેક્ટર પરનો વિજય નહીં, પણ પેટ્રોક્લસને ગુમાવવાથી અર્ધદેવતામાંથી પૂર્ણમનુષ્યત્વની પ્રાપ્તિ ખરો વિજય છે. મિત્રતાના પ્રતીક અને સન્માન ખાતર પોતાનો જાન કુરબાન કરવાની તૈયારી જ સાચો વિજય છે. યુદ્ધત્યાગ કરી બેઠેલા મહાવીરને પુનઃ યુદ્ધમાં પ્રવૃત્ત કરાવવાની દુઃખની તાકાતનો આ વિજય છે.

ગ્લૉબલ કવિતા : ૧૯૮ : નાનકડું ચિનાર – અજ્ઞાત (ગ્રીક)

The Little sycamore

The Little sycamore she planted
prepares to speak – the sound of rustling leaves
sweeter than honey.

On its lovely green limbs
is new fruit and ripe fruit red as blood jasper,
and leaves of green jasper.

Her love awaits me on the distant shore.
The river flows between us,
crocodiles on the sandbars.

Yet I plunge into the river,
my heart slicing currents,
steady as if I were walking.

O my love, it is love
That gives me strength and courage,
Love that fords the river.

– Unknown Egyptian
(Eng. Translation: Sam Hamill)


નાનકડું ચિનાર

નાનકડું ચિનાર, જે તેણીએ રોપ્યું હતું
બોલવાની તૈયારીમાં છે – પાંદડાઓનો મર્મરાટ
મધથીય મીઠો.

એના પ્યારા લીલા અંગો પર
છે કાચાં ફળ અને પાકાં ફળ લાલ જાણે કે લાલ માણેક,
અને પાંદડાઓ જાણે કે લીલા માણેક.

દૂર પેલે કાંઠે એનો પ્રેમ મારી પ્રતીક્ષામાં છે.
નદી વહી રહી છે અમારી વચ્ચે,
મગરો રેતીની પથારી ઉપર.

તોય હું નદીમાં ઝંપલાવું છું,
મારું હૃદય પ્રવાહોને કાપતું,
સ્થિર જાણે કે હું ચાલતો ન હોઉં.

ઓ મારા પ્યાર, એ પ્યાર જ છે
જે મને તાકાત અને હિંમત આપે છે,
પ્યાર જે નદીમાં રસ્તો કાપે છે.

– અજ્ઞાત (ગ્રીક)
(અંગ્રેજી પરથી અનુ: વિવેક મનહર ટેલર)

પ્રણયનો મારગ છે શૂરાનો…

ચાંદો પખવાડિક રજા પર હતો ને મેઘલી રાતે આગિયા જેટલો પ્રકાશ પાથરનાર તારાઓ પણ વાદળોમાં છૂપાઈ ગયા હતા. પાદર-જંગલમાં અટવાતો-અથડાતો એ નદીકિનારે આવી ઊભો. એક તરફ માથે સાંબેલાધાર વરસાદ, કોઈએ સમ ન દીધા હોય એમ અટકવાનું નામ નહોતો લેતો ને બીજી તરફ નદી પણ ગાંડીતૂર થઈને બે કાંઠે વહેતી હતી. પરિણામની પરવા કર્યા વિના એણે નદીમાં ઝંપલાવ્યું તો ખરું, પણ વેગમાં તરવાના બદલે તણાવા માંડ્યો. નસીબજોગે ક્યાંકથી એક લાકડું હાથ ચડી ગયું તે પકડીને માંડ સામા કિનારે એ પહોંચ્યો ને ચાલતો-લંગડાતો એના ઘર સુધી પહોંચ્યો. કાળીડિબાંગ રાતે કરેલ કારનામા દરવાજો ખટખટાવવા જેટલા ઉજળા તો ક્યાંથી હોવાના? એટલે, બારીમાંથી લટકતું દોરડું પકડીને એ ચોરપગલે ઉપર ચડ્યો. એની પ્રાણપ્રિયાએ પહેલાં તો એને હરખભેર બાથમાં લીધો પણ પછી કઈ રીતે આવી શકાયું એનો ઇતિહાસ પૂછ્યો. દોરડું? એની આંખો ચાર થઈ ગઈ… બારી પાસે જઈ જોયું તો સાપ લટકતો હતો. નદીમાં સહારો લીધો એ લાકડું પણ શબ હતું એ સમજાયું… પત્નીએ ધિક્કારમિશ્રિત ગુસ્સામાં સંભળાવ્યું કે હાડ-ચામના આ દેહ પ્રત્યે તમને જેટલી પ્રીતિ છે એનાથી અડધી પણ રામ માટે હોત તો ભવસાગર પાર થઈ જાત. યુવકને હાડોહાડ લાગી આવ્યું અને આપણને સંતકવિ ગોસ્વામી તુલસીદાસ પ્રાપ્ત થયા.

પાંચસો વર્ષ પહેલાંની ભારતમાં ઘટેલી આ ઘટના જેવું જ આલેખન પાંત્રીસસો વર્ષ પહેલાં ઇજિપ્તના કોઈ કવિએ પણ કર્યું હતું એમ કોઈ આપણને કહે તો? ન ફેસબુક, ન વૉટ્સ-એપ, ન ઇન્ટરનેટ, ન ફોન – પ્રત્યાયનની કોઈપણ સાધનસુવિધા વિના પાંચ હજાર કિલોમીટર અને ત્રણ હજાર વર્ષોનો અવરોધ વટાવીને આકાશ-ધરતી જેવી બે ભિન્ન સંસ્કૃતિ કોઈ એક જગ્યાએ ભેગી મળતી જોવા મળે તો એ ક્ષિતિજનું નામ સાહિત્ય જ હોવાનું. કવિતા પણ કેવી સંતર્પક ! એક શબ્દ વધારાનો નહીં. એક અક્ષર આમતેમ ખસેડી શકાય નહીં. શૂન્ય ગ્લૉબલાઇઝેશનના જમાનામાં અન્ય સાહિત્ય-સંસ્કૃતિની જાણકારીના અભાવમાં લખાયેલી આ કવિતાની મૌલિકતા વિશેનો વિચાર જ રૂંવાડા ખડા કરી દે છે.

૩૫૦૦ વર્ષ પહેલાં ઇજિપ્તમાં નદીકિનારે ચિનાર વૃક્ષ નીચે બેઠેલો કોઈ કવિ મગરમચ્છથી છલકાતી નદીમાં ઝંપલાવીને પોતાની પ્રિયા સાથે સાયુજ્ય પામવા એ જ રીતે કૂદ્યો હશે જે રીતે તુલસીદાસે રત્નાવલીને પામવા માટે ઝંપલાવ્યું હશે. સ્થળ, સમય અને સંસ્કૃતિ ભલેને બે દૂ…રના અંતિમો પર કેમ ન હોય, પ્રેમ અને પ્રેમને પામવાની રીત તો અનાદિકાળથી સરખી જ રહી છે. જેમ ઝાડને ફળ કેમ વિકસાવવું એ શીખવવું નથી પડતું તેમ મનુષ્યને પ્રેમ અને પ્રેમમાં સાહસ કરવાનું શીખવવું નથી પડતું. પ્રેમ એ મનુષ્યનો રક્તસંસ્કાર છે. પ્રેમ મનુષ્યનો શૌર્યસંસ્કાર પણ છે. પ્રેમની જનોઈ જાણે કવચ-કુંડળ ન હોય એમ પ્રેમી દુનિયા આખી સામે બાથ ભીડતા ખચકાતા નથી. કહેવા માટે તો આપણે કહીએ છીએ કે પ્રેમમાં માણસ ‘પડે’ કે ‘ડૂબે’ છે પણ હકીકતમાં પ્રેમમાં માણસની ઉન્નતિ-ઉર્ધ્વગતિ જ થતી હોય છે.

જેમ આપણે ત્યાં કામદેવ એમ ગ્રીક પુરાણકથાઓમાં ઇરોઝ પ્રણય અને કામનો દેવતા ગણાય છે. કામદેવની જેમ જ એ પણ તીર-કામઠાં રાખે છે અને બાણ છોડીને ઘાયલ કરે છે, પ્રેમમાં પાડે છે. ઇરોઝ તોફાની પ્રકૃતિનો દેવતા છે. ન કરવાના કામ કરે છે ને કરાવે પણ છે. પ્રેમ સફર છે, ઇરોઝ રાહબર છે, અને સમ્-ભોગ મંઝિલ છે. ગ્રીક સાહિત્યમાં ઇરોઝનો પહેલવહેલો ઉલ્લેખ ઈસવીસન પૂર્વે ૭૦૦માં મળે છે અને આ કવિતા તો એનાય આઠસો વર્ષ પહેલાંની છે. મતલબ, આ કવિ ઇરોઝ કે કામદેવને જાણતો નથી, એને એમની તમા પણ નથી, એ તો માત્ર એના દિલની લાગણીઓનો જ વશવર્તી ગુલામ છે ને એટલે જ એ આંધળુકિયા કરવા પર મજબૂર છે.

‘નાનકડું ચિનાર’ શીર્ષક કવિતા વિશે રહસ્યોદ્ઘાત કરવાના બદલે કવિતાના અગત્ય અંગ તરફ ધ્યાન દોરે છે માત્ર. મૂળ રચનાના લય-છંદ-પ્રાસ વિશે જાણકારીના અભાવમાં સેમ હેમિલના અંગ્રેજી અનુવાદમાં પ્રસ્તુત ત્રણ-ત્રણ પંક્તિના અછાંદસ પ્રાસરહિત પાંચ બંધની પ્રયોજના સ્વીકારી છે. ત્રીજા અંતરામાં બે વાક્યો હોવા સિવાય બાકીના તમામ અંતરા એક-એક સંપૂર્ણ વાક્યરચના ધરાવે છે. કવિતાની શરૂઆત પણ ‘નાનકડું ચિનાર’થી જ થાય છે. પ્રેયસીએ જાતે રોપેલું નાનકડું ચિનાર હવે બોલી શકે એટલું મોટું થઈ ગયું છે. નાયક નદીના આ કાંઠે એ જ વૃક્ષની નીચે ઊભો છે. પ્રેયસીએ જાતે રોપેલા વૃક્ષની કિંમત નાયકને મન કેટલી કિંમત હશે એ સમજી શકાય છે. આ વૃક્ષ માત્ર વૃક્ષ નથી. ઉભયના પ્રેમનું પ્રતીક છે. પ્રેમ તરોતાજો હશે એવામાં નાનકડું વૃક્ષ જે વવાયું હતું. આજે પ્રેમ અને વૃક્ષ બંને પરિપક્વ થઈ ગયાં છે. વૃક્ષ પર પાંદડાં અને કાચાં-પાકાં ફળ પણ આવી ચૂક્યાં છે.

નાયિકા નદીના સામા કાંઠે અને હાલ તુરંત પહોંચની બહાર છે. એટલે ‘પિયરનું કૂતરુંય વહાલું’ના ન્યાયે નાયક ચિનાર વૃક્ષમાં જ નાયિકાનો સાક્ષાત્કાર કરે છે. નાયિકાના વરદહસ્તે રોપાયેલ ચિનારવૃક્ષ એને બોલવાની તૈયારીમાં હોય એમ લાગે છે. પાંદડાઓનો મર્મરધ્વનિ મધમીઠો નહીં, મધથીય મીઠો લાગે છે. ઝાડનો સજીવારોપણ અલંકાર અહીં અટકતો નથી, આગળ વધે છે. નાયકને ઝાડની ડાળીઓ પણ ‘બોલકણું’ ઝાડ સાચે જ સજીવ હોય એમ અંગોપાંગ જેવી દેખાય છે, અને વળી પ્યારી પણ લાગે છે. ઝાડ પર તાજાં કાચાં ફળો અને પાકાં રાતાં ફળો હારોહાર બેઠાં છે. પ્રેમ પુખ્ત પણ છે અને મુગ્ધ પણ. કાચાં-પાકાંના સહજીવન જેવા પ્રેમથી લચેલું વૃક્ષ વહાલું લાગે છે. પાકાં ફળ લાલ માણેક જેવા લાગે છે અને પાંદડાં લીલા માણેક જેવા. વૃક્ષ વૃક્ષ ન રહેતાં બહુમૂલ્યવાન ખજાનો બની જાય છે. વાહ રે પ્રેમ! વાહ રે પ્રેમના ચશ્માં! પણ પ્રેમ હંમેશા પરીક્ષા માંગે છે. સામા કાંઠે રાહ જોવાઈ રહી છે, એની આ કાંઠાને ખબર છે. બે પ્રેમીઓના મિલનની વચ્ચે નદી અવરોધ થઈને વહી રહી છે.

આપણી વચ્ચે આ દુનિયા વર્ષો થઈ પથરાઈ ગઈ,
શું ફરક પડશે કદી તારી ને મારી ચાહમાં?

દુનિયા અને દુન્યવી અંતર અપૂરતાં હોય એમ બે પ્રેમીઓના મિલનની સંભાવનાઓની વચ્ચે વહેતી નદી મગર નામની જીવતી મુસીબતોથી ભરી પડી છે. કવિ કહે છે કે મગરો નદીકાંઠે રેતીમાં ચામડી શેકવા માટે પડ્યા છે. (કવિએ નદીમાંના મગરો વિશે કશું કહ્યું નથી પણ સાફ વાત છે કે નદી પણ મગરોથી ભરપૂર જ હશે!) મગર એ પ્રેમીઓને નડતા સંકટોનું પણ પ્રતીક છે. સામા કાંઠે જવા માટે નાયક પાસે માત્ર હાથ-પગની હોડી ને હિંમતના હલેસાં જ છે. માયા એંજેલો કહે છે, ‘કોઈને પ્રેમ કરવા માટે તમારામાં હિંમત હોવી જરૂરી છે, કેમકે તમે બધુ જ દાવ પર લગાવી દો છો, બધું જ.’ અહીં પણ બધું જ દાવ પર લગાવવું પડે એવી નોબત આવી ઊભી છે. નદી તો તરીને પણ પાર કરી શકાય પણ ભૂખ્યાડાંસ મગરમચ્છોનું શું? શેક્સપિઅર કહી ગયા, ‘પ્રેમ આંખથી નહીં, મનથી જુએ છે, એટલે જ પાંખાળા કામદેવને આંધળા ચીતર્યા છે.’ જ્યોફ્રી ચૌસરે ૧૪૦૫ની સાલમાં જગપ્રસિદ્ધ ‘કેન્ટરબરી ટેલ્સ’માં વેપારીની વાર્તામાં કહ્યું હતું, ‘કેમકે પ્રેમ હંમેશા આંધળો છે અને જોઈ નથી શકતો’ (For love is blynd alday, and may nat see) (જો કે આ વાક્ય શેક્સપિઅરને એટલું ગમી ગયું કે એમણે ‘ટુ જેન્ટલમેન ઑફ વેરોના’, ‘મર્ચન્ટ ઑફ વેનિસ’ અને ‘હેનરી ૫’માં –એમ વારંવાર વાપરીને એવું તો ‘કોઇન’ કરી દીધું છે કે મોટાભાગના લોકો આજેપણ આ વાક્ય શેક્સપિઅરનું જ હોવાનું માને છે.)

પ્રેમ સાચે જ આંધળો છે. એ બે હૈયા વચ્ચે વહેતી નદી, છલકાતા મગર કે લળુંબતા મોતને જોઈ જ શકતો નથી. પ્રેમ તો માત્ર બેઉ જણના મિલનની ભરપૂર પળોની સંભાવનાના દિવાસ્વપ્ન જ જોઈ શકે છે. લાઓ ત્ઝુ કહે છે કે, ‘તમારા માટેની કોઈની અનહદ ચાહના તમને તાકાત આપે છે, અને કોઈને માટેની અનહદ ચાહના તમને હિંમત આપે છે.’ વિચારવા જેવી વાત છે. અહીં તો પ્રેમ બંને પક્ષે છે અને એટલે નાયક ન માત્ર તાકાત, હિંમતથીય ભરપૂર છે. એ ન આજુ જુએ છે, ન બાજુ, બસ ‘યાહોમ કરીને પડો, ફતેહ છે આગે’ કરીને મગરો-ભરી નદીમાં જાનના જોખમે ઝંપલાવી દે છે. અને માથે કફન બાંધીને ફનાના માર્ગ પર આગેકદમ કરનાર માટે તો આટલું જ કહી શકાય કે ‘હિંમતે મર્દા તો મદદે ખુદા.’ સાચે જ, સાહસ અને સાહસિકના પડખે તો ખુદ ઈશ્વર આવી ઊભો રહે છે. મગરભરી નદીના પ્રવાહોને નાયકનું હૃદય, એનો ઉમંગ, અને જુસ્સો એવી રીતે કાપી રહ્યાં છે જાણે એ પાણી પર ચાલતો ન હોય!

શેક્સપિઅરે કહ્યું હતું, ‘દરેક ડાહ્યા માણસનો દીકરો જાણે છે કે મુસાફરી પ્રેમીઓના મિલનમાં પરિણમે છે.’ એટલે જ પ્રેમીઓ સફરની તકલીફોની પરવાહ ન કરતાં મંઝિલપ્રાપ્તિ તરફ ચાલી નીકળતાં હોય છે. આપણો કાવ્યનાયક પણ પ્રિયામિલનની ઉત્તેજનાનો શિકાર છે, એટલે જ આ જોખમી મુસાફરીએ નીકળી પડ્યો છે. આમેય, ‘હિંમતનું કાર્ય હંમેશા પ્રેમનું કાર્ય છે.’ (પાઉલો કોએલો) અને પ્રેમ જ તાકાત અને હિંમત બંને આપે છે. મગરભરી નદીમાં જે વ્યક્તિ રસ્તા પર ચાલતા હોવાની સહજતાથી તરી રહી છે, એ હકીકતમાં નાયક નથી, પ્રેમ પોતે જ છે. ફરહાદ જો પ્રેમમાં ન હોત તો શું પહાડ ખોદીને દૂધની નદી લાવવા જેવું આકાશકસુમવત્ કામ કરી શક્યો હોત? રોમિયો-જુલિયેટ, હીર-રાંઝા, સોહિની-મહિવાલ, ક્લિઓપેટ્રા-એન્થનીની જેમ પ્રેમીઓ જ એકબીજા પર જાન ન્યોછાવર કરી શકે. પ્રેમની તાકાત મનુષ્યમાત્રની સમજ બહારની છે. પ્રેમનો નશો પણ બુદ્ધિના કાર્યક્ષેત્રની પેલે પારનો છે અને એટલે જ મનુષ્ય પ્રેમમાં પડવાનું છોડી શકતો નથી. અનનુભૂતનો મોહ સર્વને સદા સર્વદા રહ્યો છે.

જાપાનીઝ કવયિત્રી ઇઝુમી શિકિબુ (ઈ.સ. ૯૭૦-૧૦૩૦) ખૂબ મજાની વાત કરે છે: ‘જ્યારે હું તારા વિશે વિચારું છું, દલદલમાંના આગિયાઓ ઉત્થાન પામે છે, જે રીતે આત્માના ઘરેણાં શાશ્વત ઝંખનામાં લુપ્ત થઈ જાય છે, મારા શરીરને ત્યાગીને!’ આમ, પ્રેમ મનુષ્યને ઉર્ધ્વગામી બનાવે છે. સંસારના કીચડમાંથી એ આગિયાનો પ્રકાશ થઈને ઊંચે ઊઠતા શીખવે છે. પ્રેમ શીખવે છે દેહાતીત થઈ જતા. બે શરીર જ્યારે એક થાય છે ત્યારે બે આત્મા શરીર ત્યજીને ઊંચે ઊઠે છે અને સાયુજ્ય પામે છે. સમ્-ભોગની ચરમસીમાએ સાચું આત્મીયસંધાન પણ સધાતું હોવાથી જ કામકેલિની પરાકાષ્ઠાએ મનુષ્ય ઈશ્વરની સૌથી વધુ નજીક હોય છે. પ્રેમ જ શીખવે છે કે મગરભરેલી નદીને કેવી રીતે પાર કરવી. પ્રેમ જ ગાંડીતૂર નદી પાર કરતી વખતે પણ જમીન પર ચાલતાં હોઈએ એવો આરામદાયી અહેસાસ કરાવે છે. એટલે જ કવિ કાવ્યાંતે કહે છે કે હા, મારી વહાલી! એ પ્રેમ જ છે જે મને તાકાત અને હિંમત આપે છે અને નદીમાં માર્ગ પ્રશસ્ત કરે છે. ઇસુથી છસો વર્ષ પહેલાં થઈ ગયેલી સેફોએ કહ્યું છે કે, ‘ઇરોઝ ઝબ્બે કરી લે છે અને ઝંઝોડે છે મારા આત્માને, જે રીતે પર્વત પર પવન પુરાણા દેવદારને હચમચાવે છે.’ પ્રેમ મનુષ્યના ‘હું’પણાને ઝંઝોડી નાંખે છે અને હોવાપણાને કબ્જે કરી લે છે. પ્રેમની કેદમાં આવ્યા પછી મનુષ્યની આંખો સામેથી દુનિયા આખી ઓઝલ થઈ જાય છે. ખલિલ જિબ્રાન કહે છે, ‘જ્યારે પ્રેમ ઇશારો કરે, એને અનુસરો, ભલે એના રસ્તાઓ આકરા અને સીધા ચઢાણવાળા હોય. એમ ન વિચારો કે તમે પ્રેમને દિશા ચીંધી શકશો, જો એ તમને લાયક ગણશે, તો એ તમને દિશા ચીંધશે. પોતાની જાતને પરિપૂર્ણ કરવાથી વિશેષ પ્રેમની બીજી કોઈ ઇચ્છા નથી.’

વસંત – જયશ્રી વિનુ મરચંટ

વસંતનું સુંદર અછાન્દસ!
હમણાં જ કવિયત્રી જયશ્રી વિનુ મરચંટે એમના અવાજમાં પઠન કરીને માહિતી સાથે મોકલી આપ્યું.
તમે પણ માણો ….

વસંતનું આ કાવ્ય ૧૯૭૬માં “દૂરદર્શન”ની વસંતની કવિતાની હરિફાઈમાં ત્રીજું ઈનામ પામ્યું હતું. જજ હતા વિદુષી હીરાબેન પાઠક. ઈનામ મળ્યું એનો આનંદ ખરો પણ હીરાબેનના આશિષ લેવાનો મોકો મળ્યો એનો આનંદ અનેરો હતો. હું ત્યારે ૨૭ વર્ષની હતી, મારા જીવનની ત્યારે વસંત હતી.
વસંત!

પઠન:જયશ્રી વિનુ મરચંટ

.

વસંત….
વસંત ફૂલ હોય છે,
ફૂલ છે વસંતના ભીના ચહેરાની કુમાશ..!
વસંત પાળે છે સપના, કોઈ પાંડુની હ્યદય વ્યથામાં..!
વસંત ઉજવે છે ઉત્સવ, યમુનાતટે, મધરાતે, પંચમની સુરસુધામાં
તરબતર થયેલ ગોપીસંગે, છટાથી ડોલતા
કૃષ્ણની રાસલીલાની મસ્તીમાં….!
વસંત હિમાલયના બરફમાં સંતાકુકડી રમતી ફર્યા કરે છે, ને પછી,,
રમતાં, રમતાં થાકી જાય છે ત્યારે,
ચક્રવાક મિથુનને શોધતી શોધતી,
ગગનચુંબી શૃંગો પરથી, હસતી, ખેલતી, દડબડતી, દડબડતી,
નીચે ઉતરી આવે છે, પ્રણયીની આંખોના વનમાં…!
ને, આ વનમાં, અહીંના દ્રુમોમાં, સૂરજ સંગે તડકે છાંયે રમીને થાકે છે ત્યારે,
ચૂપચાપ, એક દિવસ, વસંત પાછી ચાલી નીકળે છે…!
ને, સૂકાભઠ થયેલા આ વનમાં લાગે છે દવ,
ઉન્માદના સૂકા પડી ગયેલા વાંસના ઘર્ષણથી…!
ને, પછી….બાકી રહે છે
બળતરા, રાખ અને રાખમાં ચિનગારી….!
તો….
વસંતને આવતાં તો આવડે છે પણ..
જતા રહેવાની, પાછા જવાની રીત નથી આવડતી……!

-જયશ્રી વિનુ મરચંટ,કેલિફોર્નિયા

આ કવિતા ૧૯૭૬ માં મુંબઈના તે સમયના “દૂર દર્શન” ના, ગુજરાતી પ્રોગ્રામમાં યોજાયેલી “વસંત” ઋતુની કાવ્ય સ્પર્ધામાં ત્રીજું ઈનામ જીતી હતી. આદરણીય, સાહિત્યકાર હીરાબહેન પાઠક એ સ્પર્ધાના નિર્ણાયક હતાં. સેંકડો એન્ટ્રીમાંથી, સો માંથી સોંસરવી નીકળીને આવેલી આ કવિતા, આજથી ૪૫ વર્ષો પહેલાં, મેં પણ મારી યુવાનીની વસંતમાં લખી હતી. એ આનંદથી પણ બમણો આનંદ હતો આદરણીય મહાન સાહિત્યકાર સ્વ. હીરાબહેનને મળીને, એમની સાથે વાતો કરવાનો અને એમના આશીર્વાદ લેવાનો. આટલા બધા સમય પછી, આ ફેરની વસંતના વાયરા, આ વાત એની સાથે લઈને અચાનક આવ્યા અને જૂના સ્મરણોની વસંત મારા મન પર છવાઈ ગઈ.

ગ્લૉબલ કવિતા : ૧૯૩ : ગેરહાજરી – અબુ અલ બક્ર તુર્તુશી

Absence

Every night I scan
the heavens with my eyes
seeking the star
that you are contemplating.
I question travelers
from the four corners of the earth
hoping to meet one
who has breathed your fragrance.
When the wind blows
I make sure it blows in my face:
the breeze might bring me
news of you.
I wander over roads
without aim, without purpose.
Perhaps a song
will sound your name.

Secretly I study
every face I see
hoping against hope
to glimpse a trace of your beauty.

Abu Bakr al-Turtushi
Translation into Spanish by Emilio García Gómez
Translatiion from Spanish to English by Cola Franzen


ગેરહાજરી

દરરોજ રાતે હું ફંફોસતો રહું છું
આકાશને મારી આંખોથી,
એ તારો શોધવાને
જેના પર તારીય આંખ મંડાયેલી છે.
પૃથ્વીના ચારે ખૂણાઓથી આવેલા
મુસાફરોની હું પૂછપરછ કરતો રહું છું
કાશ ! એમાંથી એકાદના શ્વાસમાં
તારી સુગંધ મળી આવે.

ફૂંકાતા પવનની બરાબર સામે જ
હું મોઢું રાખીને ઊભો રહું છું
રખે કોઈ ઝોકુ
તારા સમાચાર લઈ આવે

હું ગલી-ગલી ભટ્ક્યા કરું છું
મંઝિલ વિના, હેતુ વિના.
કે કાશ! કોઈ ગીતના બોલમાં
તારું નામ જડી આવે.

છાનામાના હું ચકાસ્યા કરું છું
એ દરેક ચહેરા જે નજરે ચડે છે,
તારા સૌંદર્યની આછીપાતળી ઝલક મેળવવાની
આકાશકુસુમવત્ આશામાં.

– અબુ અલ બક્ર તુર્તુશી
(અંગ્રેજી પરથી અનુવાદ : વિવેક મનહર ટેલર)


પ્રતીક્ષાની પરાકાષ્ઠાનું નિરવધિ ગાન…

પ્રેમ અને પ્રતીક્ષા પ્રકાશ અને પડછાયાની જેમ તાણેવાણે વણાયેલા છે. જ્યાં પ્રેમ હોવાનો ત્યાં પ્રતીક્ષા પણ હોવાની જ. પ્રેમમાં મિલનમાં જેટલી મજા છે એટલી જ મજા વિરહની પણ છે. એકધારી મિલનની મીઠાઈ ખાઈ ખાઈને ઓચાઈ ન જવાય એ માટે જ કદાચ પ્રેમની થાળીમાં વિયોગનું ફરસાણ, ઇંતેજારના અથાણાં અને યાદની ચટણી પણ પીરસવામાં આવ્યા હશે. કવિતા માટે પણ પ્રેમમાં મિલન કરતાં પ્રતીક્ષા વધુ ઉપકારક નીવડ્યા છે. ‘कहीं वो आ के मिटा दें न इंतिज़ार का लुत्फ़, कहीं कबूल न हो जाए इल्तिजा मेरी।‘ (‘હસરત’ મોહાની) અબુ બક્રની પ્રસ્તુત કવિતા પણ પ્રેમ અને પ્રતીક્ષાની પરાકાષ્ઠા પર બિરાજમાન છે…

અગિયારમી-બારમી સદીમાં થઈ ગયેલા અબુ બક્રને આપણે જ્ઞાન માર્ગના પ્રવાસી તરીકે ઓળખીએ છીએ. અહીં કવિ તરીકેની એક બીજી ઓળખાણ આપણી સમક્ષ ખૂલે છે. આખું નામ અબુ બક્ર મુહમ્મદ ઇબ્ન અલ-વલિદ અલ-તુર્તુશી. જન્મ ૧૦૫૯માં ઈશાન સ્પેઇનના અલ-અંડાલુસ પ્રાંતના તોર્તોસા ગામમાં. નિધન ઈ.સ. ૧૧૨૬માં એલેક્ઝાન્ડ્રિયા, ઇજિપ્તમાં. ન્યાય અને કાયદાના ઊંડા અભ્યાસુ. મધ્ય યુગીન અંડાલુસી મુસ્લિમ રાજકીય તત્ત્વ ચિંતક. જ્ઞાનોપાર્જનાર્થે અને નાનાવિધ મહારથીઓના હાથ નીચે શિક્ષા પામવા માટે તેમણે છેક બગદાદ સુધી પ્રવાસ કર્યા. એમના ડઝનબંધ શિષ્યો કાયદાશાસ્ત્રીઓ અને ધર્મશાસ્ત્રીઓ બન્યા. એમની સન્યાસી જેવી નિસ્પૃહતા અને ધાર્મિકતાના ચુંબકથી સેંકડો લોકો આકર્ષાયા. એમના પુસ્તક ‘કિતાબ સિરાજ અલ-મુલક’ (રાજાઓનો દીપક) એ મધ્યયુગીન ઇસ્લામિક વિશ્વમાં ઇસ્લામિક રાજનીતિક સિદ્ધાંતો પર અમીટ છાપ છોડી છે અને સદીઓથી આ પુસ્તક એક સીમાચિહ્ન, એક દીવાદાંડી બની પ્રકાશી રહ્યું છે. એમાં અબુ કહે છે, ‘ન્યાયી શાસક એની પ્રજા માટે એ હોવો જોઈએ જે વરસાદ તરસ્યા છોડવાઓ માટે હોય છે, અથવા એથી પણ વધીને, કેમ કે વરસાદ તો થોડા સમય માટે જ છે, જ્યારે ન્યાયના આશીર્વાદ તો સમયાતીત છે.’

પ્રસ્તુત રચના અબુ બક્રની કવિતાના એમિલિયો ગાર્સિયા ગોમેઝે કરેલા સ્પેનિશ અનુવાદ પરથી કોલા ફ્રાન્ઝને કરેલા અંગ્રેજી અનુવાદ પરથી કરાયેલ ગુજરાતી અનુવાદ છે. દરેક ભાષાની એક પોતિકી ફ્લેવર હોય છે. દરેક ભાષા જે તે સમાજ અને સમય –બંનેને યથાર્થ ઝીલતી હોય છે. દરેક સમાજની પોતાની કહેવતો, રુઢિપ્રયોગો, રિવાજો અને શબ્દાર્થો છે. ભાષા આ બધાને આગવી છટાથી પોતાની પીઠ પર બેસાડીને સમયની ધાર પર રેવાળ ચાલે ચાલતી હોય છે. એક જ શબ્દ અલગ અલગ સમયે એક જ ભાષામાં અલગ અલગ અર્થ ધરાવતો હોઈ શકે. ૧૩-૧૪મી સદીથી શેક્સપિઅરના સમય દરમિયાન ઑનેસ્ટનો અર્થ ‘આદરણીય’, ‘સદાચારી’, ‘સભ્ય’ થતો હતો પણ આજે એનો અર્થ ‘પ્રામાણિક’ થાય છે. એક જમાનો હતો જ્યારે સ્ત્રીઓને પણ ‘હેન્ડસમ’ કહેવાતું. જેન ઑસ્ટિન કે થોમસ હાર્ડીની નવલકથાઓમાં આ પ્રયોગ અવારનવાર થતો પણ આજે કોઈ સ્ત્રીને તમે હેન્ડસમ કહો તો? કદાચ તમાચો જ પડે ને! ભાષા નદી જેવી છે. સતત વહેતી અને બદલાતી રહે છે. વળી, એક નદી બીજીમાં ભળે અને બંને જેમ બદલાય એમ એક ભાષાના શબ્દો અને શબ્દપ્રયોગો બીજી ભાષામાં અલગ જ અર્થચ્છાયા ઊભી કરે એમ પણ બને. અનુવાદ એક નદીને બીજી નદીમાં મેળવવાની પ્રક્રિયા છે. પ્રક્રિયાના અંતે બંને નદી પોતાનું મૂળ રૂપ ગુમાવી એક નવું જ રૂપ ધારે એવી સંભાવના સહજ રહે છે. અનુવાદ બે ભાષા, બે સંસ્કૃતિ, બે દેશો વચ્ચેનો પુલ છે. અનુવાદ લોકલને ગ્લોબલ બનાવે છે પણ કોઈપણ અનુવાદ સર્વાંગસંપૂર્ણ હોતો નથી. જે તે ભાષાની અર્થચ્છાયા અને શબ્દપ્રયોગોની બારીકી બીજી ભાષા કદી યથાતથ ઝીલી શકે નહીં. એટલે અનુવાદ એક ભાષાના મૂળ ભાવ અને શબ્દોને બને એટલી ચિવટાઈથી વળગી રહીને એને નવી ભાષા, નવા શબ્દપ્રયોગો અને અર્થચ્છાયામાં ઢાળવાની કળા છે. આ ક્રિયામાં મૂળ કાવ્યરીતિ અને કાવ્યભાવ જેટલો જળવાઈ રહે એટલું ઇચ્છનીય. પ્રસ્તુત કવિતાનો સ્પેનિશ ભાષામાં અનુવાદ થયો ત્યારે પણ મૂળ કૃતિમાંથી કંઈક રહી ગયું હશે અને કંઈક નવું ઉમેરાયું હશે. સ્પેનિશનો અંગ્રેજીમાં અનુવાદ થયો હશે ત્યારે ફરી આમ બન્યું હશે અને આખરે ગુજરાતીમાં અનુવાદ થયો ત્યારે ફરીથી કંઈક ચૂકાયું હશે ને કંઈક નવું મૂકાયું હશે. એટલે અબુ બક્રની મૂળ કવિતા તો ભગવાન જાણે કેવી હશે! આપણે તો એના અંતઃસત્ત્વની એક ઝલક પામી શકીએ એટલું જ બસ.

અનુવાદના અનુવાદનો અનુવાદ હોવાથી કાવ્યસ્વરૂપ વિશે વાત ન કરતાં સીધા કવિતા તરફ વળીએ. ‘ગેરહાજરી’ કવિતાનું શીર્ષક છે. ગેરહાજરી શબ્દ ખાલીપાનો અહેસાસ કરાવે છે. કંઈક હાજર હતું, જે હવે નથીનો ખાલીપો અસ્તિત્વને ભરવા માંડે ત્યારે એકલતા કરડવાનું શરૂ કરે છે. અબુની આ કવિતા વાંચતા સમજાય છે કે પ્રિય પાત્ર અત્યારે સાથે નથી અને પોતાની એકલતા અને એકાંતને કથક પ્રિયપાત્રની યાદોથી ભરવા મથી રહ્યો છે.

સિક્કા ખિસ્સામાં છે તારી યાદના,
રોજ થોડા થોડા લઉં છું કામમાં.

સમય કોઈ પણ હોય, સંસ્કૃતિ કોઈ પણ હોય, પ્રિય વ્યક્તિની યાદના સિક્કા હંમેશા પ્રેમનું સ્થાયી ચલણ રહ્યું છે. પ્રેમ અને વિરહ જિંદગીની તીવ્રતમ અનુભૂતિ અને ઉચ્ચતમ ઉપલબ્ધિ ગણાયા છે. અબુની આ કવિતામાં પ્રિયપાત્ર અલ્લાહ પણ હોઈ શકે. આમેય ઇસ્લામની સૂફી ધારામાં માશૂક અને અલ્લાહ એકમેકમાં ઓગળી ગયેલાં દેખાય છે. વાત પ્રિયતમાની હોય કે અલ્લાહની ઇબાદતની હોય, પ્રેમમાં તરસ તો એક જ રહે છે… કબીર-મીરા-નરસિંહની સમર્પણભાવના અબુ બક્રની આ કવિતામાં શબ્દે-શબ્દે વર્તાય છે…

ખલિલ જિબ્રાને કહ્યું હતું: ‘યાદ કરવું એ મુલાકાતનો જ એક પ્રકાર છે.’ પ્રિયજનની ગેરહાજરીમાં સ્મરણ જ સાચો સંગાથી બની રહે છે. એટલે જ કવિ કહે છે,

ભલે તું જાય છે પણ યાદ પરનો હક તો રહેવા દે,
સ્મરણના ‘સ’ વગર તો થઈ જશે મારું ‘મરણ’ તુર્ત જ.

સ્મરણના આ જ ઊંટ પર સવાર થઈને અબુની કવિતાનો કાફલો સમયના રણમાં આગળ ધપે છે. અલ્લાહ કહો તો અલ્લાહ અને માશૂકા કહો તો માશૂકા – હવે સાથે નથી. બંદો કે માશૂક એકલવાયો થયો છે. એટલે દરરોજ રાતે એ શૂન્યમનસ્ક નજરે આકાશમાં તાકી રહે છે. કવિતા ‘દરરોજ રાતે’થી શરૂ થાય છે ત્યાં બે ઘડી અટકીએ. ‘દરરોજ’ મતલબ આ ‘નવું નવું નવ દિવસ’વાળા પ્રેમીની વાત નથી કે ‘જેનો સમયની સાથે હૃદયભાર પણ ગયો’ (મરીઝ) હોય. આ કાયમી આરતની પ્રાર્થના છે. સાચો પ્રેમ અને સાચી પ્રતીક્ષાની તીવ્રતા સમયની સાથે વધુને વધુ બળવત્તર બનતી હોય છે. નાયક દરરોજ રાતે થાક્યા વિના આખા આકાશને ફંફોસ્યા કરે છે. મતલબ ‘ઊડી ગઈ છે નીંદ હવે તો સહર સુધી.’ (બેફામ) નાયિકા દૂર ચાલી ગઈ છે એ સાચું પણ બે જણ વચ્ચે હજી પ્રણયવિચ્છેદ પણ થયો નથી અને આ વિયોગનું કારણ બેવફાઈ પણ નથી કેમકે નાયકને ખબર છે કે ‘जो हाल दिल का इधर हो रहा है, वो हाल दिल का उधर हो रहा है|’ (સમીર). કિટ્સ યાદ આવે: ‘આત્મા બે પણ વિચાર એક જ, બે હૃદય પણ ધબકાર એક જ.’ આ તરફ જો નાયક અથાક ઉજાગરા કરીને દરરોજ આકાશે મીટ માંડીને બેસે છે, તો પેલા ખૂણે નાયિકા પણ એમ જ એકટકે દરરોજ આકાશને જોતી બેસતી હશે. નાયકને એ તારો જડવાની આશા છે, જેના ઉપર જ નાયિકાનું ધ્યાન પણ કેન્દ્રિત હોવાનું. એક અલગ જ પ્રકારના તારામૈત્રક માટેની આ કેવી ઘેલછા! આ ઘેલછા જો કે ન હોય તો એક રાત કાપવી પણ કપરી થઈ પડે:

‘इक उम्र कट गई है तिरे इंतिज़ार में,
ऐसे भी हैं कि कट न सकी जिनसे एक रात।’ (‘ફિરાક’ ગોરખપુરી)

નાયક પૃથ્વીના ખૂણેખૂણેથી આવનાર વટેમાર્ગુઓની પૃચ્છા કરતો રહે છે:

आते-जाते हर राही से पूछ रहा हूं बरसोंसे,
नाम हमारा लेकर तुमसे, हाल किसीने पूछा है? (વિશ્વનાથ ‘દર્દ’)

કોઈક મુસાફર કાશ એના સમાચાર લઈ આવે… ‘છે શ્વાસ આખરી છતાં પૂરો નથી થતો, છે આશ કૈંક ક્યાંકથી તારી ખબર મળે.’ પોતાને મળનાર કોઈક પ્રવાસી ક્યાંક ક્યારેક પ્રિયજનને મળ્યો હોય તો એને મળીને કથકને એના શ્વાસમાં ‘કોઈ જાણીતો શ્વાસ લાગે છે, એ અહીં આસપાસ લાગે છે’ (શોભિત દેસાઈ)ની અનુભૂતિ થાય! આપણને તો આ વાતમાં પાગલપન દેખાય પણ પ્રેમના તો ચશ્માં જ અલગ. એમાંથી નજરે ચડતી આખી સૃષ્ટિ જ અલગ. કોઈક ક્યારેક પ્રિયજનના સંસર્ગમાં આવ્યું હોય અને પ્રિયજનનો શ્વાસ એને અડ્યો હોય તો એ વટેમાર્ગુના શ્વાસમાંથી પોતાની પ્રિયાની સુગંધ મેળવીને તૃપ્ત થવાની ખ્વાહિશમાંથી વિરહ અને ઝંખનાની પરાકાષ્ઠા કેવી ઝલકે છે!

પ્રિયતમના સમાચાર મેળવવાની આરત તીવ્રતમ બની છે. પ્રિયજનની સુગંધ કોઈક મુસાફરના શ્વાસમાંથી જડી આવવાની ઘેલછા મૂર્તમાંથી અમૂર્ત તરફ વળે છે. પ્રિયને મળીને આવનાર કોઈક મુસાફરની પ્રતીક્ષા કરવા જેટલું ધૈર્ય પણ હવે રહ્યું નથી એટલે ફૂંકાતા પવનને નાયક પોતાના ચહેરા પર ઝીલી લે છે, એ આશામાં કે નિર્જીવ પવનનું કોઈ એક ઝોકું કદાચ એના સમાચાર લઈને આવ્યું હોય. સજીવ અને નિર્જીવ વચ્ચેનો ભેદ ભૂલાઈ જાય છે. કાલિદાસના મેઘદૂતનો યક્ષ યાદ આવે: ‘कामार्ता हि प्रकृतिकृपणाश्चेतनाचेतनेषु।’ (કામ પીડિત સમજી નથી શકતા કે આ જડ છે, આ ચેતન છે.) (પૂર્વમેઘ) પ્રિયને અડીને આવનારા વાયુઓને અડીને પ્રિયજનના સંસ્પર્શનો રોમાંચ અનુભવવાની આ કલ્પના આપણા સાહિત્યમાં પણ જોવા મળે છે.

आलिङ्ग्यन्ते गुणवति मया ते तुषाराद्रिवाताः
पूर्वं स्पृष्टं यदि किल भवेदङ्गमेभिस्तवेति॥
(હે ગુણવતી! એ વાયુઓને તારા અંગનો સ્પર્શ થયો હોય એમ ધારી હું એને આલિંગું છું.) (ઉત્તરમેઘ)

વાલ્મિકીના રામાયણમાં રામ પણ આવી જ અનુભૂતિ વર્ણવે છે: वाहि वात यतः कान्ता तां स्पृष्ट्वा मामपि स्पृश| (સ્ત્રી (સીતા)ને સ્પર્શીને આવતા હે પવન, મને પણ સ્પર્શ.)

કેવું મજાનું! સમય, સ્થળ અને સંસ્કૃતિ ગમે એટલાં અલગ કેમ ન હોય, પ્રેમની અનુભૂતિ એક જ હોય છે! પ્રતીક્ષાએ માઝા મૂકી છે. એક સ્થળે બેસીને આકાશના તારા શોધવાની, મુસાફરોના આવવાની કે પવનના ફૂંકાવાની રાહ જોતો નાયક હવે ચાલી નીકળ્યો છે. એ દરબદર, ગલી-ગલી ભટકવા માંડ્યો છે. આમ તો એ કહે છે કે આ રખડપટ્ટી મંઝિલ કે હેતુ વગરની છે, પણ આ દાવો કેટલો સાચો છે એ તો તરત જ ખબર પડી જાય છે. કેમકે આ હેતુહીન રઝળપાટનો હેતુ તો એક જ છે અને એ જ છે કે ક્યાંકથી કોઈક ગીત સંભળાય જેના બોલમાંથી એનું નામ જડી આવે. રૂમી તો કહે છે કે ‘પ્રેમીઓ ધૈર્યવાન હોય છે અને જાણે છે કે ચંદ્રને સોળેકળાએ ખીલવા માટે સમય જોઈએ છે.’ પણ હવે દરરોજ રાતે આકાશમાં તારા શોધનારું ધૈર્ય પણ હવે પાંખુ થઈ રહ્યું છે. મિલનની રહીસહી આશાનું પોત પાતળું પડી રહ્યું છે. જાણ છે કે હવે મિલનની આશા આકાશકુસુમવત્ છે પણ તોય એ એવી દુર્દમ્ય બની ગઈ છે કે આશાના આ તણખલાના સહારે નાયક ભવસાગર પાર કરવા કૃતનિશ્ચયી બન્યો છે. દુનિયાની ભીડમાં નાયક નજરે ચડતા દરેકેદરેક ચહેરાને છાનામાના ચકાસી રહ્યો છે કે ક્યાંક જરા અમથી આશાના અજવાળે પ્રેયસીના ચહેરાની એક ઝલક જોવા મળી જાય!

આવા જ કોઈ પ્રેમઘેલા માટે રૂમીએ કહ્યું હશે: ‘ભલે તમારા મોઢા પર જ દરવાજો કેમ ન બંધ કરી દેવાયો હોય, ધીરજપૂર્વક રાહ જુઓ.’ જિબ્રાને સાચું જ કહ્યું છે: ‘કોઈપણ ઝંખના અપરિપૂર્ણ રહેતી નથી.’ જો મિલન અને વિરહ પ્રેમની બે આંખ હોય તો ધીરજ અને આશા પ્રેમના બે પગ છે. એના વિના પ્રેમ ચાલી શકતો જ નથી. પ્રેમી જ કહી શકે: ‘તારી પ્રતીક્ષામાં હું રોજેરોજ મર્યો છું. પ્રિયે, ડરીશ મા. હું તને હજારો વર્ષોથી ચાહતો આવ્યો છું. હું તને હજારો વરસ ચાહતો રહીશ.’ (ક્રિસ્ટીના પેરી) ફરી જિબ્રાન યાદ આવે: ‘એકાંત એ નિઃશબ્દ તોફાન છે જે તમારી તમામ મૃત ડાળીઓને તોડી પાડે છે; છતાં આપણા જીવંત મૂળને જીવિત ધરાના જીવંત હૃદયમાં ઊંડા ઉતારે છે.’

સ્મરણ એ પ્રેમની રગોમાં વહેતું રુધિર છે. પ્રેમમાં સાથે હોવામાં જે મજા છે એથીય અદકેરી મજા સાથને સ્મરવામાં છે. વિયોગની કપરી કમરતોડ પળોએ યાદોની ભીંત જ પ્રેમને અઢેલવા માટે કામ લાગે છે. ૫૮મા સોનેટમાં શેક્સપિઅર કહે છે: ‘I am to wait, though waiting so be hell’ (મારે રાહ જોવાની જ છે, ભલે આમ રાહ જોવું નર્ક કેમ ન હોય!) તો ૫૭મા સોનેટમાં એ કહે છે, ‘કેમકે હું તારો ગુલામ છું, તું ઇચ્છે એ સમય આવે ત્યાં સુધી કલાકો પ્રતીક્ષા કરવા સિવાય હું બીજું શું કરી શકું?’

પ્રાચીન ઉર્દૂ-ફારસી કવિતામાં માશૂક અને અલ્લાહને અળગા કરવા અશક્ય છે. કવિતા પરનો નકાબ ઉતારીએ તો અંદરથી પ્રિયતમ નીકળે કે ઈશ્વર – એ નકાબ હટાવનારની અનુભૂતિ પર જ અવલંબિત છે. પ્રેમની ક્ષિતિજ પર આમેય અલ્લાહ અને માશૂક એકમેકમાં ઓગળી જાય છે. પ્રિયજનની ગેરહાજરીને તારસ્વરે વાચા આપતી આ રચનાને પણ ઈશ્વરની અનુપસ્થિતિ અને ઈશ્વરની એક ઝલક પ્રાપ્તિ માટેની આકંઠ તાલાવેલી તરીકે પણ જોઈ શકાય. કે કદાચ એ રીતે જ જોઈ શકાય? કહેજો…

ગ્લૉબલ કવિતા : ૧૯૨ : આવજે, મારા દોસ્ત, આવજે – સર્ગે યેઝેનિન

Good-bye, my friend, good-bye

Good-bye, my friend, good-bye.
My dear, you are in my heart.
This predestined separation
Promises of the meeting by and by.

Good-bye, my friend, without a hand, without a word,
Do not be sad, no furrowed brows, –
To die, in this life, is not new,
And living’s no newer, of course.

– Sergei Yesenin
(Eng Trans: Vivek Manhar Tailor)

અલવિદા, મારા દોસ્ત, અલવિદા

અલવિદા, મારા દોસ્ત, અલવિદા.
મારા વહાલા, તું તો મારા હૃદયમાં છે.
આ પૂર્વનિર્ધારિત જુદાઈ વચન આપે છે
કે આપણે નક્કી બહુ જલ્દી જ ફરી મળીશું.

અલવિદા, મારા દોસ્ત, ન હસ્તધૂનન, ન શબ્દ,
ન દુઃખ, ન તણાયેલી ભ્રૂકુટી, –
મરવું, આ જિંદગીમાં, કંઈ નવું નથી,
અને જીવવુંય કંઈ નવું નથી, અલબત્ત.

– સર્ગે એલેક્ઝાન્ડ્રાવિચ યેઝેનિન
(અનુ.: વિવેક મનહર ટેલર)


પરમ સખા મૃત્યુ…

સ્કાર્ફની જેમ દોરડું ગળે વીંટાળીને એક હાથે હિટિંગ પાઇપ પકડી એણે જિંદગીના ટેબલને ધક્કો માર્યો અને મોતની આગોશમાં લટકી ગયો. એક મહિનો પાગલખાનામાં રહ્યા બાદ ક્રિસમસના દિવસે જ એને રજા અપાઈ હતી અથવા એ ભાગી છૂટ્યો હતો. ત્યાંથી નીકળીને સેંટ પિટર્સબર્ગની હોટલ એન્ગ્લેટેરમાં એ રોકાયો. બે દિવસ સતત વોડકા પીધો. મિત્ર વોલ્ફ હેર્લિચ સાથે એક રાત ગાળી. રૂમમાં શાહી પણ નથીની ફરિયાદ કરી. પોતાના બંને કાંડા કાપીને પોતાના લોહીથી પોતાની આખરી કવિતા –ગુડ બાય, માય ફ્રેન્ડ, ગુડ બાય- લખી. બીજા દિવસે ૨૮-૧૨-૧૯૨૫ના રોજ એની લાશ લટકતી મળી. એના પોતાના શબ્દોમાં, ‘સામાન્યરીતે કહું તો, એક ગીતકવિએ લાંબુ જીવવું જોઈએ નહીં.’ એક કવિતામાં એ કહે છે: ‘હું મારી જાતને મારી બાંય પર લટકાવી દઈશ, એક લીલી સાંજે એ બનશે.’ એનો ચાહકવર્ગ એટલો વિશાળ અને આંત્યંતિક હતો કે, જે અદામાં એણે આત્મહત્યા કરી, એ જ રીતે આત્મહત્યા કરવાની ફેશન શરૂ થઈ અને ઢગલાબંધ ચાહકો, ખાસ કરીને સ્ત્રીચાહકોની કતારબંધ આત્મહત્યાઓએ દુનિયા આખીને ચોંકાવી દીધી.

સર્ગે એલેક્ઝાન્ડ્રાવિચ યેઝેનિન. રશિયામાં કોન્સ્ટાન્ટિનોવોમાં ખેડૂતને ત્યાં ૦૩-૧૦-૧૮૯૫ના રોજ જન્મ. મા-બાપ શહેર ગયા એટલે બાળપણ દાદી સાથે વીત્યું. નવ વર્ષની કુમળી વયે કવિતા લખવું આદર્યું. સત્તર વર્ષની ઉંમરે મોસ્કો સ્થાયી થયા. પ્રુફ-રિડરનું કામ શરુ કર્યું. ૧૯૧૬માં પ્રથમ કાવ્યસંગ્રહ પ્રગટ થયો. ૧૯૧૯માં પોતાની પ્રકાશન સંસ્થા શરૂ કરી અને પ્રયોગાત્મક બળવાખોર કવિતાઓ અને ચોપનિયાંઓ વડે લોકોની (અને સરકારની) ઊંઘ ઊડાડી નાંખી. શરૂમાં ઓક્ટોબર ક્રાંતિ/રેડ ઓક્ટોબરના હિમાયતી પણ સ્વપ્નભંગ થયા પછી એના ટીકાખોર. (ઓક્ટોબર અથવા બોલ્શેવિક ક્રાંતિ એટલે રશિયામાં સદીઓની ઝાર રાજાશાહીનો ઈ.સ. ૧૯૧૭માં વ્લાદિમીર લેનિનના નેતૃત્વ હેઠળ અંત થઈ સામ્યવાદી શાસનનો સૂર્યોદય થયો તે) ૧૯૧૩માં અન્ના ઇઝરિઆદનોવા સાથે પહેલાં લગ્ન. એક પુત્ર. ૧૯૧૭માં ઝિનૈદા સાથે બીજા લગ્ન. બે સંતાન. ૧૯૨૨માં ઇઝાડોરા ડન્કન નામની પોતાનાથી ૧૮ વર્ષ મોટી નૃત્યાંગનાને વર્યા. વળી એક સ્ત્રીના પ્રેમમાં પડ્યા ને વળી એક કવયિત્રી વોલ્પિન થકી લગ્નેતર પુત્રના પિતા બન્યા. એ કહેતા: ‘ઘણી સ્ત્રીઓએ મને ચાહ્યો, અને મેંય એકાધિકને ચાહી છે.’ ૧૯૨૫માં ટોલ્સ્ટોયની પૌત્રી સોફિયા સાથે ચોથા લગ્ન. દારૂની લતના શિકાર. ડ્ર્ગ્સના રવાડે પણ ચડ્યા. ડિપ્રેશન, નર્વસ બ્રેકડાઉનના શિકાર રહ્યા. નશામાં ચકચૂર થઈ હોટલના રૂમોમાં તોડફોડ કરતા એ કારણે અવળી પ્રસિદ્ધિ પણ બહુ મળી. સર્ગે એક કવિતામાં પૂછે છે: ‘શા માટે મારી ખ્યાતિ એક શાતિર ઠગ અને ઉપદ્રવી તરીકેની છે, સાચે?’

રશિયાના લોકપ્રિય ‘ઉપદ્રવી કવિ’ (‘hooligan poet’) સર્ગે નિઃશંક વીસમી સદીના ઉત્તમ રશિયન ગીતકવિ હતા. એઝરા પાઉન્ડના ઇમેજિઝમના અનુયાયી. પ્રારંભની કવિતાઓ રશિયન લોકગીતોથી પ્રભાવિત. ફિલ્મી અભિનેતા જેવા અત્યંત દેખાવડા સર્ગે સ્ત્રીઓ સાથેના ચર્ચાસ્પદ સંબંધો, સમલૈંગિક સંબંધ, શરાબખોરી, ડ્રગ્સ, ઉગ્ર સરકાર વિરોધી સૂર, જાહેરમાં પત્ની સાથે લડાઈ, તોફાન-તોડફોડ વિ.ના કારણે સતત ચર્ચામાં રહ્યા. લોકપ્રિય પણ ખૂબ થયા. જો કે એમની કવિતામાં જોવા મળતી સંવેદનાની ધાર, ઊર્મિની અનૂઠી અભિવ્યક્તિ અને નાવિન્ય જ એમની સદાબહાર લોકપ્રિયતાનું ખરું કારણ ગણાય. લાગણીઓની કાલિમાભરી પીંછીથી લખેલી આ કવિતાઓ અલ્લડ પ્રાસરચના અને ઉદ્ધતાઈથી ભરી-ભરી હોવા છતાં સશક્ત સંવેદન, મનમોહક અદા અને કામુક સૌંદર્ય, પ્રકૃતિ માટેના અદમ્ય સ્નેહ, બેવફા જિંદગી તરફના બેફિકર અંદાજના કારણે ઉફરી તરી આવે છે. મૃત્યુ એમની કવિતાઓમાં ચારેતરફથી ઘુરકિયા કાઢે છે. સરવાળે સર્ગેની કવિતાઓ ભાવકને વ્યથિત કરી મૂકે છે અને સફળતાપૂર્વક ભાવકના મન પર અમીટ છાપ મૂકી જાય છે.

ગીતની પ્રથમ પંક્તિથી જ ગીત પ્રચલિત થયું છે. ચાર પંક્તિઓના બે બંધવાળા આ ગીતમાં કવિએ અ-બ-અ-બ પ્રમાણે ચુસ્ત પ્રાસ જાળવ્યો છે. આઠ પંક્તિની આ ટચૂકડી રશિયન કવિતાના એટલા બધા અંગ્રેજી અનુવાદો ઉપલબ્ધ છે કે મગજ ચકરાઈ જાય. ઘણા અનુવાદ મૂળ રચનાથી સાવ અલગ પણ છે, પણ એકેય અનુવાદ સાંગોપાંગ મૂળ કવિતાને યથાતથ રજૂ કરતો જણાતો નથી. ગૂગલ ટ્રાન્સલેટર અને ઓનલાઇન રશિયન-અંગ્રેજી શબ્દકોશોમાં એક-એક શબ્દના અર્થ શોધી, ઉપલબ્ધ તમામ અંગ્રેજી અનુવાદો સાથે એમને સરખાવ્યા બાદ, પ્રાસ અને લય પકડી રાખવાની જિદમાં મૂળ રચના હાથમાંથી નીકળી જવાનો ભય હોવાથી જાતે જ રશિયનમાંથી અંગ્રેજી અને ત્યારબાદ ગુજરાતી અછાંદસ તરજૂમો કરવું વધુ ઉચિત જણાયું છે.

મૃત્યુના આગલા દિવસે પોતાના જ લોહીથી લખાયેલી આ ટૂંકીટચ કવિતા લાંબોલચ અમરપટો લખાવીને આવી છે. બે મિત્રો કે બે પ્રેમીઓના વિખૂટા પડવાનો સમય થયો છે. કવિ ‘અલવિદા, મારા વહાલા દોસ્ત, અલવિદા’ કહે છે. ‘અલવિદા’ની પુનરોક્તિ આ વિદાયમાં કોઈ યુ-ટર્ન ન હોવાની ખાતરી છે. આ ગુડબાયનું કારણ કવિ કહેતા નથી. કવિતાને કારણો સાથે નિસ્બત હોય પણ નહીં. કવિતાનું કામ તો અંતરના ભીતરતમ ખૂણામાંથી લાવાની જેમ બહાર ઊછળી આવતી લાગણીઓને યથાતથ ભાવક સુધી પહોંચાડવાનું છે. કવિની સર્જનવેળાની અનુભૂતિ ભાવક વાંચતી વખતે અનુભવે તો કવિતા લેખે લાગી ગણાય. સર્ગેની આ સ્વરક્તલિખિત રચનાના ઇતિહાસથી અજાણ હોઈએ તોય કવિતા રુંવાડા ઊભા કરી દે એવી છે. ઠંડી કંપકંપી કરોડરજ્જુમાંથી પસાર થયા વિના ન રહે એવી આ રચના છે. કવિતા એટલી બધી સહજ-સાધ્ય, બળકટ અને વેદનાસિક્ત છે કે એના વિશે લખવા જતાં ન માત્ર આંગળાઓ, સમગ્ર સંવેદનતંત્રને લકવો મારી ગયો હોવાનું અનુભવાય છે.

જીવન અને મૃત્યુની જેમ જ મિલન અને વિયોગ એક સિક્કાની જ બે બાજુ છે. ‘કિસ્મતમાં કોઈના કદી એવી ન પ્રીત હો, જેમાં મિલનના હોઠે જુદાઈનાં ગીત હો’ (શૂન્ય પાલનપુરી) ગાવું અલગ વાત છે, પણ હકીકત તો ‘लिखनेवाले ने लिख डाले, मिलने के साथ बिछोड़े’ (આનંદ બક્ષી) જ છે. સર્ગેની કવિતામાં જુદાઈનો ભાવ મૃત્યુના કાળા કફનમાં વીંટળાઈને રજૂ થયો છે. જુદાઈ હંમેશા તકલીફ આપે છે. વળી આ જુદાઈ તો કાયમ માટેની છે. એક કવિતામાં સર્ગે કહે છે, ‘જે ચાલ્યું ગયું એ કદી પાછું મેળવી શકાતું નથી.’ જો કે અહીં કવિ પુનર્મિલનની ખાતરી આપે છે. કહે છે, આજે આપણે ભલે જુદા થઈ રહ્યા છીએ પણ તારું સ્થાન તો સદાકાળ મારા હૃદયમાં યથાવત્ જ રહેનાર છે. શરીર ભલે અલગ થઈ રહ્યા છે પણ આત્મા તો ક્યારનો એક થઈ ચૂક્યો છે. આ જુદાઈ પૂર્વનિર્ધારિત છે કેમકે મૃત્યુનો જન્મ તો જન્મતાવેંત જ થઈ જાય છે. મૃત્યુની સન્મુખ ઊભેલા રશિયન યુવાકવિની વાતમાં જાણે કે ગીતાપાઠ સંભળાય છે:

जातस्य हि ध्रुवो मृत्युर्ध्रुवं जन्म मृतस्य च।
तस्मादपरिहार्येऽर्थे न त्वं शोचितुमर्हसि।। (ભગવદ્ ગીતા ૨:૨૭)
(જન્મેલાનું મૃત્યુ નિશ્ચિત છે અને મરનારનું ફરી જન્મવું પણ નિશ્ચિત છે, માટે આ અનિવાર્ય બાબતમાં શોક કરવો યોગ્ય નથી.)

वासांसि जीर्णानि यथा विहाय नवानि गृह्णाति नरोऽपराणि।
तथा शरीराणि विहाय जीर्णान्यन्यानि संयाति नवानि देही।। (ભગવદ્ ગીતા ૨:૨૨)
(જેવી રીતે મનુષ્ય જૂનાં વસ્ત્રો ત્યાગીને નવાં વસ્ત્રો ધારણ કરે છે, તેવી રીતે આપણાં વૃદ્ધ અને નકામાં શરીરો ત્યજીને આત્મા નવાં શરીર ધારે છે.)

રૂમીએ પણ આવી વાત કરી છે:

अज मौतो हयात चंद पुरसी मन ?
खुर्शीद अज रौजनी दर अफतादो बेरफ्त ।
(મોત અને હયાતી વિશે મને શું પૂછો છો? સૂર્યનો તડકો બારીમાંથી પ્રવેશ્યો અને ચાલ્યો ગયો.)

આદિ શંકરાચાર્ય પણ આવું જ કહે છે: ‘पुनरपि जननं पुनरपि मरणं पुनरपि जननी जठरे शयनम्।’ (ફરી પાછો જન્મ. ફરી પાછું મૃત્યુ. ફરી પાછું માતાના પેટમાં સૂવું)

રશિયા જેવા સામ્યવાદી દેશમાં થઈ ગયેલ ‘કેસનોવા’ ફિતરતના રંગીન મિજાજ કવિએ આ જ વાત કેટલી સહજતાથી કહી છે! કહે છે, મૃત્યુ યાને પૂર્વનિર્ધારિત જુદાઈ વચન આપે છે એ વાતનું કે ક્યાંક, ક્યારેક, કોઈક રીતે પણ આપણું પુનર્મિલન અવશ્ય થશે. મિલન નિશ્ચિત હોય તો અફર જુદાઈનો શોક શાને? હરીન્દ્ર દવે તો આ ઘટનાને મૃત્યુનું નામ આપવાની જ ના કહે છે:

મહેકમાં મહેક મળી જાય તો મૃત્યુ ન કહો
તેજમાં તેજ મળી જાય તો મૃત્યુ ન કહો
રાહ જુદો જો ફંટાય તો મૃત્યુ ન કહો
શ્વાસની લીલા સમેટાય તો મૃત્યુ ન કહો.

બંનેનો રસ્તો ફંટાઈ રહ્યો છે, પણ દિલમાં તો અવિચળ સ્થાન છે અને ફરી મળવાની ખાતરી પણ જડબેસલાક છે એટલે જ કવિ શોક કરવાની ના કહે છે. જેનું સ્થાન દિલમાં કાયમી છે, જેની સાથે પુનર્મિલન અફર છે, એનાથી છૂટા પડતી વેળાએ કંઈ કહેવું-કારવવાનું બિનજરૂરી જ હોવાનું ને? બીજા અંતરાનો પ્રારંભ પણ કવિ ‘અલવિદા’ કહીને જ કરે છે. પુનરોક્તિ વાતમાં વજન ઉમેરવાની કારગત કાવ્યરીતિ છે. કવિ કહે છે, કોઈ ઔપચારિક હસ્તધૂનન, આલિંગન, પ્રેમાડંબરયુક્ત શબ્દો કે આંસુ, દુઃખથી તણાયેલા ભંવા – આ કશાની જરૂર નથી. રૂમી પણ કહે છે, ‘જ્યારે મારો જનાજો નીકળે, તમે કદી એવું ન વિચારશો કે હું આ દુનિયાથી જઈ રહ્યો છું. એકપણ આંસુ સારશો નહીં, ન વિલાપ કરજો, ન તો દિલગીર થજો.’ જિબ્રાન કહે છે: ‘તમારા આંસુઓ સૂકાવી દો, મારા મિત્રો, અને માથાં ઊંચકો જેમ ફૂલ પરોઢને આવકારવા એમના મસ્તક ઊઠાવે છે. પાસે આવો અને મને વિદાય આપો; મારી આંખોને સસ્મિત હોઠોથી અડકો’

જન્મ અને મૃત્યુ કંઈ બે અલગ ઘટના નથી. બાળક અને વૃદ્ધ –આ બે શું અલગ વ્યક્તિઓ છે? એક જ વ્યક્તિ, જે સમયરેખાના એક બિંદુ પર બાળક છે, એ જ બીજા બિંદુએ પહોંચતા વૃદ્ધ બને છે. એ બેને અલગ વ્યક્તિકરાર કેમ આપી શકાય? જન્મ અને મૃત્યુ પણ એક જ સમયરેખાના બે અંતિમો જ છે. સમય સિવાય એમને એકમેકથી અલગ કેમ પાડી શકાય? મૃત્યુ તો મંઝિલપ્રાપ્તિની ઘડી છે. એને વધાવવાનું હોય, એનો શોક કેમ? જયંત પાઠક કહે છે, ‘મૃત્યુ એટલે એક અજાણ્યું ઈંડું, ફૂટ્યા વગર એના ગર્ભને પામી શકાતો નથી.’

કવિનું મૃત્યુ આત્મહત્યા હતી કે હત્યા એ હજી પણ ચર્ચાનો વિષય છે. કહેવાય છે કે એમના સરકારવિરોધી વલણ અને ઉદ્દામ કવિતાઓના કારણે સોવિયટ યુનિયનની છૂપી પોલિસે જ એમની હત્યા કરી અને આખી ઘટનાને આત્મહત્યામાં ખપાવી દીધી. યેઝેનિનની કવિતાઓમાં રહેલી તાકાતથી ડરીને એમના મૃત્યુ બાદ સ્ટાલિનના શાસનકાળમાં પણ એમના કાવ્યો પર જડબેસલાક પ્રતિબંધ હતો. કવિના મૃત્યુના ચાર-ચાર દાયકા બાદ છે…ક ૧૯૬૬ની સાલમાં એમનું મોટાભાગનું સર્જન લોકોને પ્રાપ્ત થયું.

મોતનો ડર મોટાભાગનાને સતાવે છે. કવિ મોતથી ડરતા નથી કેમકે એ જિંદગીથી ડરતા નથી. કેમકે એ જિંદગી અને મોતને અલગ સ્વરૂપે જોતા જ નથી.

મોત પણ આવે હવે તો દુઃખ નથી,
જિંદગીને જાણવાની આ ક્ષણે.

જિંદગી અને મોત એક જ રેખાના બે બિંદુ છે એ સમજણ આવી જાય તો જ આ ડર નીકળે. આવી સમજ આવી જાય તો ‘મને ન મરવું ગમે છૂટક ટૂંક હપ્તા વડે’ (ચુનીલાલ મડિયા) એમ કહેવું ન પડે. દુનિયાની ઘરેડમાં ઘાણીના બળદની જેમ જીવ્યા કરવામાં કોઈ નવીનતા નથી. માણસ જીવીને મરે છે અને મરીને જીવે છે. જીવવામાં પૂરો થઈ જાય છે અને પૂરો થતાં-થતાં જીવે છે. જિંદગીના વરસો ગણવાના બદલે વરસોમાં રહેલી જિંદગી ગણતા આવડે એ સાચું ગણિત. જેટલો સમય તમે ભીતરથી આનંદિત છો એટલું જ તમે જીવ્યા છો. બાકીનો સમય એટલે હાડ-ચામના ખોખામાં થયા કરતી હવાની અવરજવર નકરી, બસ. સર્ગે સંતુષ્ટ છે. એ આયુષ્યમાં છૂપાયેલ જિંદગી જીવી જાણે છે. કહે છે: ‘આપણી આ દુનિયામાં આપણે બધા નાશવંત છીએ. ખુશનસીબ છું હું કે ખીલવાનો સમય મળ્યો, મરી જતાં પહેલાં.’ જ્યારે જિંદગીના કપાળેથી મરણની નવાઈ ભૂંસાઈ જાય છે ત્યારે ચહેરો ગ્લાનિમુક્ત થઈ જાય છે. વધારાના શ્વાસનો બોજો જીવતરના ખભે નાંખી ઢસરડા કરવાની ગાડરિયા વૃત્તિ, જેને આપણે સહુ જિજિવિષાના નામનું સોનેરી વરખ ચડાવીને ખુશ થવા મથતા રહીએ છીએ, હવે બચતી નથી. એટલે લોહીના હસ્તાક્ષર કરીને લટકી જવામાં હિચકિચાહટ થતી નથી. આમેય વચ્ચે મૃત્યુના વિસામા પર થોભ્યા વિના એક જીવનમાંથી બીજા જીવન તરફ સરાતું નથી.

દેહ છોડી જીવ મારો ક્યાં જશે ? કોને ખબર ?!
એક પરપોટો પુનઃ પાણી થશે ? કોને ખબર ?! (ચિનુ મોદી)

ફૂટવાના કારણે વચ્ચે ભરાયેલી હવા નીકળતાવેંત પરપોટો પુનઃ પાણી બની જાય છે. આત્મા અલગ થઈ જતાવેંત શરીર માટી બની જાય છે, પંચમહાભૂતમાં ભળી જાય છે. સર્ગેને આ સમજાઈ ગયું છે એટલે એ સંપૂર્ણ સજાગાવસ્થામાં નિર્લેપભાવે કપાળ પર કરચલી પણ પાડ્યા વિના અને ન પાડવાની સલાહ આપીને વિદાયની વાત કરી શકે છે. જિબ્રાનની એક પંક્તિથી વાત પૂરી કરીએ: ‘કેમકે જિંદગી અને મૃત્યુ એક જ છે જેમ નદી અને સાગર એક જ છે. કેમ કે મરી જવું પવનમાં નગ્ન ઊભા રહેવું અને તાપમાં ઓગળી જવાથી વધુ બીજું શું છે?’