Category Archives: કૃષ્ણ દવે

શું ફેર પડે છે ! – કૃષ્ણ દવે

શું ફેર પડે છે !

પાંચ !
પચીસ !
પચાસ !
કે
પાંચસો !

આપણે તો એમનાં પેટનું પાણીયે નથી હલાવી શકતાં.
જુઓને કેટલાં સહનશીલ !
એમ કાંઈ અકળાઈ ના ઊઠે નાની નાની વાતોમાં, પેલાઓની જેમ –
તે
ઢાળી દે બે ટાવરોનાં બદલામાં બે-ચાર દેશોને !!!

– કૃષ્ણ દવે

ચાલને રમીએ પળ બે પળ – કૃષ્ણ દવે

સૌપ્રથમ તો – કવિ શ્રી કૃષ્ણ દવેને એમના જન્મદિવસે Happy Birthday.. 🙂

અને એમની કલમે લખાયેલું આ ગીત – આ ગીત વાંચતા જ કોઇ યાદ આવે.. અને ‘પળ બે પળ’ ને બદલે જાણે આખી જીંદગી આવી મીઠી રમતમાં જ જાય એવી ઇચ્છા પણ થઇ જ જાય ..! 🙂  

 

મારી પાસે ઢગલો રેતી, તારી પાસે ખોબો જળ,
ચાલને રમીએ પળ બે પળ.

હું રહેવાસી પત્થરનો, ને તારું સરનામું ઝાકળ,
ચાલને રમીએ પળ બે પળ.

થોડી ઉઘડે મારી ઇચ્છા. થોડી ઉઘડે તારી પણ.
હું અહીંથી આકાશ મોકલું. તું પીંછાથી લખ સગપણ.
આજ અચાનક દૂર દૂરથી, આવીને ટહૂકે અંજળ.
ચાલને રમીએ પળ બે પળ.

રમતાં પહેલાં ચાલ તને હું, આપી દઉં થોડી સમજણ.
રમતાં રમતાં ભુલી જવાનું, દેશ વેશ સરનામું પણ.
બુંદબુંદમાં ભળી જવાનું. વહી જવાનું ખળ ખળ ખળ.
ચાલને રમીએ પળ બે પળ.

– કૃષ્ણ દવે

વાંસલડી ડૉટ કૉમ – કૃષ્ણ દવે

આ ગીત મારા માટે તો ઘણું જ સ્પેશિયલ છે.. હું અમેરિકા આવી એના થોડા વખત પછી પપ્પા એ અમદાવાદથી એક પાર્સલ મોકલ્યું હતું, એમા બીજી થોડી વસ્તુઓની સાથે એક ધ્યાન ખેંચે એવી વસ્તુ હતી – કૃષ્ણ દવેની ‘વાંસલડી ડોટ કોમ’. ત્યારે તો હજુ ટહુકો શરૂ નો’તો કર્યો.. અને મારો કવિતાઓ પ્રત્યેનો લગાવ બધા માટે (મારા માટે પણ) અજાણ્યો જ હતો. તો પપ્પાએ અચાનક આ કવિતાની ચોપડી કેમ મોકલી? એ તો પપ્પા જ જાણે… પણ હા – ત્યારથી કવિ કૃષ્ણ દવે – અને એમની પહેલી વાંચેલી કવિતા – વાંસલડી ડોટ કોમ – મારા માટે એકદમ ખાસ છે…

અને આજે તો વ્હાલા કાનુડાનો જન્મદિવસ પણ ખરો ને? તો મારા તરફથી સૌને જન્માષ્ટમીની ખૂબ ખૂબ શુભેચ્છાઓ… અને સાંભળો આ સ્પેશિયલ ગીત – બે સુમધુર સૂર સાથે…

સ્વરાંકન: ચન્દુ મટ્ટાણી
સ્વર: આલાપ – હેમા દેસાઈ

krishna_PG11_l

.

વાંસલડી ડૉટ કૉમ, મોરપિચ્છ ડૉટ કૉમ, ડૉટ કૉમ વૃંદાવન આખું,
કાનજીની વેબસાઈટ એટલી વિશાળ છે કે કયાં કયાં નામ એમાં રાખું ?

ધારો કે મીરાંબાઈ ડૉટ કૉમ રાખીએ તો રાધા રિસાય એનું શું ?
વિરહી ગોપીનું ગીત એન્ટર કરીએ ને ક્યાંક ફ્લૉપી ભીંજાય એનું શું ?
પ્રેમની આ ડિસ્કમાં તો એવી એવી વાનગી કે કોને છોડું ને કોને ચાખું ?
કાનજીની વેબસાઈટ…

ગીતાજી ડૉટ કૉમ એટલું ઉકેલવામાં ઊકલી ગઈ પંડિતની જાત.
જાત બળી જાય છતાં ખ્યાલ ના રહે ને એ જ માણે આ પૂનમની રાત.
તુલસી, કબીર, સુર, નરસૈંયો થઈએ તો ઊકલે છે કંઈક ઝાંખું ઝાંખું.
કાનજીની વેબસાઈટ…

એ જ ફક્ત્ પાસવર્ડ મોકલી શકે છે જેના સ્ક્રીન ઉપર નાચે છે શ્યામ.
એને શું વાઇરસ ભૂંસી શકવાના જેનાં ચીર પૂરી આપે ઘનશ્યામ ?
ઇન્ટરનેટ ઉપર એ થનગનતો આવે, હું કોઈ દિવસ વિન્ડો ના વાખું.
કાનજીની વેબસાઈટ…

Vansaladi.com , Vansaladi dot com, krushna dave

લિમીટ – કૃષ્ણ દવે

MEERA[1]

ધારે તો સ્ક્રીનપર એ તમને જ ફીટ કરી દે.
ધારે તો મૂળમાંથી તમને ડિલીટ કરી દે.

જાણે છે એમને જે, તૈયાર સૌ રહે છે
કોને ખબર એ ક્યારે કોને રીપીટ કરી દે.

મોકલ હજુયે મોકલ આનાથી ઘૂંટ કાતિલ
પીનારનો ભરોસો એનેય સ્વીટ કરી દે.

અવગણ નહી તું એને ક્ષણને વિરાટ પગ છે
બે ચાર સ્ટેપ મૂકે તારી લિમીટ કરી દે.

શંકાની ન્યાત આખ્ખી હંમેશ ફ્લોપ ગઇ છે
ટાણુ એ સાચવી લે, શ્રધ્ધાને હિટ કરી દે.

દેખાય ધૂંધળું તો લ્યો આ ગઝલને પહેરો
દ્રષ્ટીનો ભેદ ભાંગે, દ્રશ્યોને નીટ કરી દે.

માણસ છે, બીઝનેસ કરે છે – કૃષ્ણ દવે

butterfly.jpg 

પતંગીયાની પાંખો છાપે, માણસ છે, બીઝનેસ કરે છે.
ઝાકળ પણ પાઉચમાં આપે, માણસ છે, બીઝનેસ કરે છે.

અજવાળાનો સ્ટોક કરીને, સૂરજને પણ બ્લોક કરીને,
પોતે તડકો થઇને વ્યાપે, માણસ છે, બીઝનેસ કરે છે.

સંબંધોની ફાઇલ રાખીને ચહેરા પર સ્માઇલ રાખી,
લાગણીઓ લેસરથી કાપે, માણસ છે, બીઝનેસ કરે છે.

શબ્દ, શબ્દને વાટી વાટી, અર્થોનુ કેમીકલ છાંટી,
જળમાં પણ ચિનગારી ચાંપે, માણસ છે, બીઝનેસ કરે છે.

કલરવને પણ ટેપ કરીને, કંઠ ઉપર પણ રેપ કરીને,
માંગો તે ટહૂકા આલાપે, માણસ છે, બીઝનેસ કરે છે.

ચક્મક લોઢું ઘસતાં ઘસતાં, ફૂંક લગાવી હસતા હસતા
જ્યાં જ્યાં સળગે ત્યાં ત્યાં તાપે, માણસ છે, બીઝનેસ કરે છે.

પોતાનું આકાશ બતાવી, સૂરજ, તારા ચન્દ્ર ગણાવી,
વાદળ ફુટપટ્ટીથી માપે, માણસ છે, બીઝનેસ કરે છે.

બાળગીત – કૃષ્ણ દવે

નાના-મોટા સૌ બાળકોને.. અને મારી – તમારી અંદર રહેલા પેલા દરેક બાળકને પણ, બાળદિનની ખૂબ ખૂબ શુભેચ્છાઓ.. 🙂  

tomato.jpg

કહે ટમેટું મને ફ્રિજમાં બહુ લાગે છે ઠંડી
દૂધીમાશી દૂધીમાશી ઝટ પહેરાવો બંડી

આનાં કરતા હતા ડાળ પર રમતા અડકો દડકો
મીઠો મીઠો બહુ લાગતો એ સવારનો તડકો
ત્યાં દરવાજો ખૂલ્યો ફ્રિજનો લેવા માટે ઘારી
મૂળાભાઇએ ટામેટાને ટપાક ટપકી મારી

દડદડ કરતું ગયું ટમેટું છેક ફ્રિજની બહાર
બારીમાંથી સૂરજ જોયો નહીં ખૂશીનો પાર
ત્યાં નાના કિરણો આવ્યાં પાર કરી ને તડકો
કહે ટમેટારાજા ! પહેરો મીઠો મીઠો તડકો.

સાવ લગોલગ… – કૃષ્ણ દવે

 

અણસારોયે ના આવ્યો ને સો સો જોજન છેટેથી
આ કોણ અચાનક આવી બેઠું સાવ લગોલગ ?
ખોદી કાઢી આખું ભીતર પળભરમાં તો મન જેવું
આ કોણ અચાનક વાવી બેઠું સાવ લગોલગ ?

ડાળે ડાળે, પર્ણે પર્ણે એક ઉડાને ભમી રહ્યો છું ભમરા જેવું
છતાં એક પણ કળી મળી ના
અને ત્યાં જ તો કંઇ ડાળે આ ફૂલ અચાનક મધરાતે ઉઘડીને
આખા ઉપવનને મ્હેકાવી બેઠું સાવ લગોલગ ?

નહિ ગાજ કે વીજ તણો ચમકાર સહેજ પણ, ના જોયા વાદળ કે ના અંધાર સહેજ પણ
ના આવી એવી મોસમ કે ના અણસાર સહેજ પણ
અને છતાંયે બે કાંઠે ભરપૂર બધું આ ક્યાંથી આવી એક જ ક્ષણમાં
સઘળું યે છલકાવી બેઠું સાવ લગોલગ ?

હળવા પગલ આંખોમાં થઇ નસનસમાં આવીને પેઠાં સાવ નિરાંતે
પછી હ્દયના બંધ નહિ અકબંધ દ્વારને ખોલી એમાં એક પ્રવેશી બેઠા
જાણે જેમ બપોર ઘટાટોપ કો વૃક્ષ ઉપરની નજર પડેના એવી ડાળે વિહંગ નિરાંતે
પાંખોને પ્રસરાવી બેઠું સાવ લગોલગ ?

એક મજાની સાંજે મનમાં એમ થયું કે
ચાલ હવા થઇ ફરતો આવું ખુલ્લાં નભમાં
અને નીકળી પડ્યો ત્યાં જ તો ધજા જેમ આ કોણ શિખર પર
પોતાને ફરકાવી બેઠું સાવ લગોલગ ?

ચૂંટણી – કૃષ્ણ દવે

gujarat-map.jpg

લોકશાહીની સાંકળ પાછી ચૂંટણીએ ખખડાવી.
બૂઢિ માની ખબર કાઢવા જાણે દિકરી આવી.

મશીન પણ આ મતદાતાનો કેવો રાખે ખ્યાલ!
જેના પર એ મુકે આંગળી બત્તી ધરતુ લાલ.

કહે મીનીસ્ટર આ વખતે પણ ચૂંટણી લડશું ત્યાથી
થોભો પહેલા યાદ કરી લઉં ચૂંટાયોતો ક્યાંથી?

એ ય આપણે જીત્યા તો તો દિલ્હી રહેવા જાશું,
રાજ મળે તો ઠિક નહિતર ટેકા વેચી ખાશું.

તું કયે છે તો આ ચૂંટણીમાં લે ઊભો રયો હું
પણ ધારો કે જીતી ગ્યો તો ત્યાં કરવાનું શું ?

અભિનંદન બભિનંદનને તો હમણા ટાંગો ભીંતેં
પહેલા ઇ તો ગોતી કાઢો જીતી ગ્યા કઇ રીતે ?

આ સઘળાં ફૂલોને કહી દો યુનિફોર્મમાં આવે – કૃષ્ણ દવે

સંગીત : હરીશ ઉમરાવ

પ્રિય કવિ શ્રી કૃષ્ણ દવે … Happy Birthday !! 🙂

.

આ સઘળાં ફૂલોને કહી દો યુનિફોર્મમાં આવે,
પતંગિયાઓને પણ કહી દો સાથે દફતર લાવે.

મન ફાવે ત્યાં માછલીઓને આમ નહીં તરવાનું,
સ્વીમિંગપુલના સઘળા નિયમોનું પાલન કરવાનું.

દરેક કૂંપળને કોમ્પ્યુટર ફરજિયાત શીખવાનું,
લખી જણાવો વાલીઓને તુર્તજ ફી ભરવાનું.

આ ઝરણાંઓને સમજાવો સીઘી લીટી દોરે,
કોયલને પણ કહી દેવું ના ટહુકે ભરબપ્પોરે.

અમથું કૈં આ વાદળીઓને એડમિશન દેવાનું?
ડોનેશનમાં આખ્ખેઆખ્ખું ચોમાસું લેવાનું.

એક નહીં પણ મારી ચાલે છે અઠ્ઠાવન સ્કૂલો,
‘આઉટડેટ’ થયેલો વડલો મારી કાઢે ભૂલો !

સરનામું – કૃષ્ણ દવે

મન ફાવે ત્યાં વરસી પડીએ મચવી દઈએ ધૂમ,
લખ સરનામું આખા નભની મન ફાવે તે રૂમ !

રૂ જેવો આ દેહ ધર્યો ને રેતીના પડછાયા,
આખું જગ તરબોળ થયું ને તમે જ ના ભીંજાયા ?
બાકી તો ભીંજાઇ ગયાની પથ્થર પાડે બૂમ !
લખ સરનામું….

લૂ પાસેથી એક મજાની વાત અમે પણ જાણી,
માટી સમજ્યા, પથ્થરનાયે મોંમાં આવ્યું પાણી,
જોઇ અચાનક ઊંચી ડાળે વાદળીઓની લૂમ !
લખ સરનામું….

ભૂ બોલે તો ઓળઘોળ આ આખ્ખુંયે ચોમાસું,
મેં બચપણની વાત કરી તેં ખાધું કેમ બગાસું ?
કાગળ, હોડી, ઝરણાં, રેતી કરી દીધાંને ગુમ ?
લખ સરનામું….