Category Archives: કૌમુદી મુનશી

મેહુલો ગાજે ને માધવ નાચે – નરસિંહ મહેતા

આમ તો ઘણું કહેવાનું મન થાય છે આ ગીત વિષે, પણ મને ખાત્રી છે કે તમને મારી બકબક કરતા કવિ શ્રી હરીન્દ્ર દવેના અવાજમાં આ મધુરા ગીતની પ્રસ્તાવના સાંભળવી વધુ ગમશે, બરાબર ને ? 🙂

krisha

પ્રસ્તાવના : હરીન્દ્ર દવે
સ્વર : કૌમુદી મુન્શી

.

સ્વર : ??

.

મેહુલો ગાજે ને માધવ નાચે,
રૂમઝૂમ વાગે પાયે ઘૂઘરડી રે,
તાલ પખાજ વજાડે રે ગોપી,
વહાલો વજાડે વેણુ વાંસલડી રે. મે.

પહેરણ ચીર, ચરણા ને ચોળી,
ઓઢણ આછી લોબરડી રે;
દાદુર, મોર, બપૈયા બોલે,
મધુરી શી બોલે કોયલડી રે. મે.

ધન્ય બંસીવટ, ધન જમુનાતટ,
ધન્ય વૃંદાવનમાં અવતાર રે;
ધન્ય નરસૈયાની જીભલડીને,
જેણે ગાયો રાગ મલ્હાર રે..

મેહુલો ગાજે ને માધવ નાચે….

-નરસિંહ મહેતા

ઇંધણા વીણવા ગઇ’તી મોરી સૈયર … – રાજેન્દ્ર શાહ

ચલો, આજે પાછું તમને હોમવર્ક આપું. આજે તમારા માટે એક ગીત તો લાવી છું, પણ સાથે કોઇ નામ નથી… એ કામ તમારું. શોધી આપો – કવિ, સ્વરકાર અને ગાયક….. !! 🙂

ગાયિકા : કૌમુદી મુનશી
સ્વરકાર : નવીન શાહ
indhana

.

ઇંધણા વીણવા ગઇ’તી મોરી સૈયર …
ઇંધણા વીણવા ગઇ’તી રે લોલ
વેળા બપોરની થઇ’તી મોરી સૈયર,
વેળા બપોરની થઇ’તી રે લોલ

ચૈતરનું આભ સાવ સુનું સુનું તોયે
કંઇથી કોકિલ કંઠ બોલે રે લોલ
વનની વનરાઇ બધી નવલી તે કુંપળે
દખ્ખણને વાયરે ડોલે રે લોલ

જેની તે વાટ જોઇ રઇ’તી મોરી સૈયર
તેની સંગાથે વાટ વઇ’તી રે લોલ

સુકી મેં વીણી કંઇ ડાળી ને ડાખળી
સુકા અળૈયા ને વીણ્યા રે લોલ
લીલી તે પાંદળીમાં મેહકંતા ફૂલ બે
મારે અંબોડલે સોહ્યા રે લોલ

વક્ત્રક્ત વહેણમા ન’ઇતી મોરી સૈયર
વક્ત્રક્ત વહેણમા ન’ઇતી રે લોલ

ઇંધણા વીણવા ગઇ’તી મોરી સૈયર …
ઇંધણા વીણવા ગઇ’તી રે લોલ
વેળા બપોરની થઇ’તી મોરી સૈયર,
વેળા બપોરની થઇ’તી રે લોલ

ઝીણાં ઝીણાં રે આંકેથી અમને ચાળિયા – અનિલ જોશી

હજુ બે દિવસ પહેલા જ વાત કરી, કે ગુજરાતી ગીતોમાં ‘male duets’ અને ‘female duets’ બહુ ઓછા જોવા મળે છે. આજે ફરીથી એક ‘female duet’ ગીત, અને એ પણ ગુજરાતી સંગીત જગતની બે legendary ગાયિકાઓના કંઠે..

(સૂની ડેલી…..        : Photo : Patricia Dorr Parker)

સ્વર : વિભા દેસાઇ – કૌમુદી મુંશી
સ્વરકાર : ક્ષેમુ દિવેટીઆ

.

ઝીણાં ઝીણાં રે આંકેથી અમને ચાળિયા
કાયા લોટ થઇને ઊડી
માયા તોય હજી ના છૂટી
ડંખે સૂની મેડી ને સૂના જાળિયા…

સૂની ડેલીને જોઇ પૂછશો ન કોઇ
કે અવસરિયા કેમ નથી આવતા
પાંદડું તૂટે તો લોહી નીકળશે ડાળને
એટલે તોરણ નથી બાંધતા…

છાપરે ચડીને મારું જીવતર બોલે
તો ઇને કાગડો જાણીને ના ઊડાડજો
કાયાની પૂણીમાંથી નીકળે જે તાર
ઇને ખાંપણ લગી રે કોઇ પૂગાડજો…

એકલી સળીને કોયલ માળો મા નીને
જીવતર જીવી ગઇ હવે થાય શું
ઇ રે માળામાં કોઇ ઈંડું ના મૂકજો
મૂકશો તો હાલરડાં ગાઇશું….

નાગર નંદજીના લાલ… – નરસિંહ મહેતા

આ નવરાત્રી શરૂ થઇ, અને ગરબા – રાસની મૌસમ આવી. અને જ્યાં રાસની વાત થતી હોય, ત્યાં રાધા-કૃષ્ણનો રાસ યાદ કર્યા વગર કેમ રહી જવાય ?

આ ગીતની એક તો ખાસિયત કવિ શ્રી હરીન્દ્ર દવેના અવાજમાં આ ગીતનો આસ્વાદ.. જાણે કે એમની સાથે સાથે આપણે પણ કૃષ્ણ-રાધાનો રાસ જોવા પહોંચી જઇએ…!!

અને ગીતને સ્વર આપ્યો છે ગુજરાતી સંગીતના Legendary ગાયિકા – કૌમુદી મુનશી એ. કૌમુદીબેનના હજુ તો ઘણા ગીતો આપણે સાંભળવાના છે.. આજે શરૂઆત કરીએ આ રાધાગીતથી.

raas_leela_pb39.jpg

સંગીત : નિનુ મઝુમદાર
સ્વર : કૌમુદી મુનશી
આસ્વાદ : હરીન્દ્ર દવે

.

નાગર નંદજીના લાલ !
રાસ રમંતાં મારી નથડી ખોવાણી.

કાના ! જડી હોય તો આલ
રાસ રમંતાં મારી નથડી ખોવાણી.
.. નાગર નંદજીના લાલ !

નાની નાની નથણી ને માંહી જડેલા હીરા,
નથણી આપો ને મારા સુભદ્રાના વીરા.
.. નાગર નંદજીના લાલ !

નાનેરી પહેરું તો મારે નાકે ના સોહાય,
મોટેરી પહેરું તો મારા મુખપર ઝોલાં ખાય
.. નાગર નંદજીના લાલ !

વૃંદાવનની કુંજગલીમાં બોલે ઝીણા મોર
રાધાજીની નથડીનો શામળિયો છે ચોર
.. નાગર નંદજીના લાલ !

નથણી આપોને પ્રભુ નંદના કુમાર,
નરસૈંયાના સ્વામી ઉપર જાઉં બલિહાર.
.. નાગર નંદજીના લાલ !