સૌથી પહેલા તો સૌને હોળી-ધૂળેટીની હાર્દિક શુભેચ્છાઓ… માતૃભૂમિથી દૂર રહેતા મારા જેવા લોકોને આવા સમયે ઘર સૌથી વધુ યાદ આવે… પણ એમ ઉદાસ થવાને બદલે જરા મલકાઇએ આજે…. ફાગણનો ફાગ.. અને કેસુડાના કામણ કદાચ અમેરિકા અને બીજા દેશોમાં ન જોવા મળે… પણ ટહુકાનો સાદ તો પહોંચે છે ને ??
સ્વર – સંગીત : પુરુષોત્તમ ઉપાધ્યાય
(બે અક્ષરનો મોર છેડતો સાત અક્ષરની ચીજ…. )
.
ફાગણનો ફાગ અને ટહુકાનો સાદ
પછી મલક્યા વિના તે કેમ રહીયે
કામણ કીધા અહીં કેસુડે એવા
કે મહેક્યા વિના તે કેમ રહીયે
ફૂલની ફોરમની પકડીને આંગળી
ફરવાને નીકળ્યો પવન
પાન-પાન ડાળ-ડાળ ઝૂમી ઉઠ્યાને
ઝૂમે છે આખુ ઉપવન
કલરવની કેડીએ રમતા પતંગિયાને
પકડ્યા વિના તે કેમ રહીયે
ફાગણનો ફાગ અને ટહુકાનો સાદ
પછી મલક્યા વિના તે કેમ રહીયે….
મઘમઘતી મંજરીની કાયા બદલાઇ
સાંભળીને વેણુ વસંતની
લીલેરા પાન સંગ ગાતા ગુલ્મહોર
લ્હાણી કરે છે સુગંધની
અરધી ભરાય મારા ઉમંગની હેલ
પછી છલક્યા વિના તે કેમ રહીયે
ફાગણનો ફાગ અને ટહુકાનો સાદ
પછી મલક્યા વિના તે કેમ રહીયે….
————-
એક જાહેરાત : આવતી કાલે ધૂળેટીના પર્વ નિમિત્તે રાગો ના રંગે રંગાવા… અને સૂર સંગીતની પિચકારીથી ભીંજાવા માટે ટહુકો.કોમ તરફથી આપને ભાવભર્યુ આમંત્રણ છે. 🙂










