Category Archives: સંગીતકાર

મારા નીરે ભરેલાં હરિ -મુકુંદ પારાશર્ય

સ્વરાંકન – શ્રી જયદેવ ભોજક
સંગીત,સ્વર – ડો.પ્રભાતદેવ ભોજક

.

મારા નીરે ભરેલાં હરિ તરસ્યાં નયન

આષાઢ ઉન્મુખ ચાતક પર,
સદય થયું નહિ સઘન ગગન

વ્યર્થ ગયું ધન જનમ જનમનું,
વિફલ ગયાં મારા સકલ કરણ

સ્વીકારો હરિ મંદિરિયે લો ,
પગથે રવડે મારા સહુ અરચન

આશા છે અનુભવ દો કેવળ,
અશરણનું હરિ, આપ શરણ.

સદય બનો હરિ તરસ છિપાવો ,
દરશન દો મુને લો ને ચરણ
-મુકુંદ પારાશર્ય

રીમઝીમ રીમઝીમ વર્ષા વરસે -અબ્બાસઅલી તાઈ

સ્વરાંકન – શ્રી જયદેવ ભોજક
સંગીત – ડો.પ્રભાતદેવ ભોજક
સ્વર – પ્રભાતદેવ ભોજક અને નૂપુર મ્યુઝિક ક્લાસ. નડીઆદ

.

રીમઝીમ રીમઝીમ વર્ષા વરસે
ગડગડ ગરજે વાદળ
આકાશી દરબારમાં ગુંજે છમ છમ છમ પાયલ પાયલ
રીમઝીમ રીમઝીમ વર્ષા વરસે

ડોલે અવનિ સુગંધ સંગે
લીલી ચાદર ઓઢે
ઝીલમીલ ઝીલમીલ વહેતો વાયુ
સીમાડાને તોડી
ચમકી વીજળી તડાક દઈને
કરતી કોને ઘાયલ
આકાશી દરબારમાં ગુંજે છમ છમ છમ પાયલ પાયલ
રીમઝીમ રીમઝીમ વર્ષા વરસે

ઝરમર બિંદુ વરસે એમાં, સિંધુના ઝબકારા
તરસ્યા મનની ઈચ્છાઓના, એમાં છે અણસારા
ચાલો ઝીલી લઈએ ખોબે આ આકાશી હલચલ
આકાશી દરબારમાં ગુંજે છમ છમ છમ પાયલ પાયલ
રીમઝીમ રીમઝીમ વર્ષા વરસે

-અબ્બાસઅલી તાઈ

ઘરમાં રહું ને તોયે ભીંજાઉ સોંસરવી – ભગવતીકુમાર શર્મા

સ્વરઃ વિભા દેસાઈ
સ્વરાંકન : રાસબિહારી દેસાઈ
ઓડીઓ માટે સૌજન્યઃ mavjibhai.com

.

સ્વરાંકન – શ્રી જયદેવ ભોજક
સ્વર – નૂપુર મોદી
સંગીત – ડો. પ્રભાતદેવ ભોજક

.

ઘરમાં રહું ને તોયે ભીંજાઉં સોંસરવી
એવો રે વરસાદ ક્યાંથી લાવવો?
એવો રે વરસાદ ક્યાંથી લાવવો?

કાજળ કાઢીને મારી ભૂરીછમ આંખનું
મેઘને તે કેમ કરી આંજવો?
એવો રે વરસાદ ક્યાંથી લાવવો?

હીંચકાની સાંકળમાં નેવાં છલે ને
મોર તોરણ આ ટહુકે આકાશને
ઝાંઝરની ઘુંઘરીમાં લાવી મઢાવું કેમ
કોરા આ સોનલ બોલાશને?
સૂનાં તે ઓરડામાં કેમ કરી
મેઘધનુ કેરાં ગુલમહોર ને તે વાવવો?

ઘરમાં રહું ને તોયે ભીંજાઉં સોંસરવી
એવો રે વરસાદ ક્યાંથી લાવવો?
એવો રે વરસાદ ક્યાંથી લાવવો?

ખેતર જવાને પંથ અધવચ્ચે આવીને
છોગાળો એવો મુને આંતરે
કાંડું વછોડી કહું ઊભે મારગ ને
ઘરમાં આવીને ગીત છેડજે!

કેટલું તો મ્હેકે મારી કાયા અબોટી
એમાં માટીનો તોર ક્યાંથી લાવવો?

ઝુમ્મર જડેલી મારી છતમાં ઘેરાય
આવી વાદળ શ્રાવણને અષાઢના
ઓકળીયે ટપ ટપ હું પગલાં મુકુને,
વન ઉભરાયે ભીની લીલાશનાં
વાડામાં વહેતી હો નાનકડી નીક,
એમાં દરિયો તે ક્યાંથી છલકાવવો ?

ઘરમાં રહું ને તોયે ભીંજાઉં સોંસરવી
એવો રે વરસાદ ક્યાંથી લાવવો?
એવો રે વરસાદ ક્યાંથી લાવવો?
-ભગવતીકુમાર શર્મા

પ્રાણીઓની છુક છુક ગાડી જાય – “બેજાન ” બહાદુરપુરી

સ્વરાંકન – શ્રી જયદેવ ભોજક .
સંગીત – ડો. પ્રભાતદેવ ભોજક .
સ્વર – ડો. પ્રભાતદેવ ભોજક અને નૂપુર મ્યુઝિક ક્લાસ, નડીઆદ

.

જંગલ કેરા પ્રાણીઓની છૂક છૂક ગાડી જાય,
સૌથી આગળ કાળો હાથી, એન્જિન એ કહેવાય,
ગાડી આવી ,ગાડી આવી, સ્ટેશન પર ગાડી આવી
પ્લેટફોર્મ ઉપર ગાડી આવી.

સિંહ અને વાઘ એના ડબ્બા થઇ જોડાય ,
ચિત્તો અને દીપડો પાછળ પાછળ જાય
જંગલ આખું ધમધમ થાતું પક્ષીઓ ગભરાય,
કાણી આંખે કાગડો એકલો, ગાડી જોતો જાય,
ગાડી આવી ….

હાથી ઉપર,સસલું બેઠું, ડ્રાઇવર એ કહેવાય,
મીઠાં મીઠાં ફળ તોડી હાથીને દેતું જાય,
લાંબી ડોકે જિરાફભાઈ ઊંચે જોતા જાય,
વરુ અને શિયાળ એના પગમાં અટવાઈ જાય,
ગાડી આવી ….

કોટ પહેરી વાંદરાભાઈ ડબ્બે ડબ્બે જાય,
પાંદડાની ટિકિટ તપાસે, ચેકર એ કહેવાય;
સૌની પાછળ ઝંડી લઈને રીંછભાઈ જાય;
પીપ-પીપ પીપ પીપ સીટી વગાડે , ગાર્ડ એ કહેવાય
ગાડી આવી…

– “બેજાન ” બહાદુરપુરી

મન મન સુમિરન તવ કરું – રમેશ પટેલ ‘પ્રેમોર્મિ’

સ્વરાંકન : શ્રી જયદેવ ભોજક
સંગીતકાર : ડો. પ્રભાતદેવ ભોજક
ગાયક વૃંદ : ભોજક કલ્ચરલ ગ્રુપ, વડોદરા

.

મન મન સુમિરન તવ કરું
નિત નિત લાગું પાય

વિઘ્ન સકલ અમ દૂર કરો
હે ગૌરી સુત ગણરાય

રિદ્ધિ સિદ્ધિ સંગ આવીને
મંત્રજપ તપ કાવ્યો સૌ
સિદ્ધ કરો ગણરાય

વંદન શત શત મમગ્રહો
હે ગણનાયક ગણરાય

-રમેશ પટેલ ‘પ્રેમોર્મિ’

અંતરની વીણા ના તારો તુંહી – રમેશ પટેલ ‘પ્રેમોર્મિ’

નૂપુર મોદીના ખુબ આભારી છીએ જેમણે શ્રી જયદેવભાઈ ભોજકના સ્વરાંકિત રચનાઓ જેને ભોજક કલ્ચરલ ગ્રુપ,વડોદરા દ્વારા સ્વર આપવામાં આવ્યો છે એ બધા ગીતો મને મોકલી આપ્યાં.હજુ ઘણાંય ગીતો એમણે મોકલી આપ્યાં છે જે એક પછી એક અહીં મુકીશુ.શ્રી જયદેવભાઇ ભોજક પણ નૂપુર મોદીના સંગીત ગુરુ છે .ગીતના સંગીતકાર શ્રી જયદેવ ભોજકના ભાઈ ડો. પ્રભાતદેવ ભોજક છે.ભોજક કલ્ચરલ ગ્રુપ,વડોદરાની તસ્વીર

સ્વરાંકન : શ્રી જયદેવ ભોજક
સંગીતકાર : ડો. પ્રભાતદેવ ભોજક
સ્વર : ભોજક કલ્ચરલ ગ્રુપ,વડોદરા

.

અંતરની વિણાના તારો તુંહી… તુંહી… ગાય,
એક વગાડું તોયે જાણે શત શત વાગી જાય.

આરોહે અવરોહે એ તો એક વિલંબીત ગાય,
તુંહી તુંહી નાદ જગાવી, દશ દિશ ગુંજી જાય.

આ હદયમાં નાદબ્રહ્મની સરગમ એક સુણાય,
તાલ તાલમાં તુંહી તુંહી સોહમ ગુંજી જાય.

મનના તારે તાર મળે ને,તું હી તું હી ગાય,
હદયની ઉર્મિનો સાગર એની સંગે ગાય.

તાર તારમાં તું હી બજતાં મનડું ડોલી જાય,
રોમ રોમમાં દિવા પ્રગટે, રોમમાં જ્યોસ્તીત થાય.

– રમેશ પટેલ ‘પ્રેમોર્મિ’

વાટ જુએ છે મીરાં – મીરાંબાઈ

સ્વર રચના: જયદેવ ભોજક
સંગીત : વિક્રમ પાટીલ
કંઠ : માધ્વી મેહતા

.

વાટ જુએ છે મીરાં રાંકડી રે,
ઊભી ઊભી અરજ કરે છે દીનાનાથની.

મુનિવર સ્વામી, મારે મંદિર પધારો રે,
સેવા કરીશ દિન-રાતડી રે…ઊભી.

ફૂલના તે હાર ને ફૂલના ગજરા રે,
ફૂલના તોરા ને ફૂલ-પાંખડી રે…ઊભી.

પય પકવાન વા’લા, મીઠાઈ ને મેવા રે,
ઘેબર જલેબી તલ-સાંકળી રે..ઊભી.

લવિંગ સોપારી ને પાનનાં બીડલાં રે,
એલચી દોડા ને તજ પાંખડી રે..ઊભી

સાવ સોનાનાં વા’લા, સોગઠાં ઢળાવું રે,
રમવા આવો તો જાય રાતડી રે…ઊભી.

બાઈ મીરાં કે પ્રભુ ગિરધર નાગર,
જોતાં ઠરે છે મારી આંખડી રે..ઊભી.
– મીરાંબાઈ

બંસીવાલા આજે મોરા દેસ – મીરાંબાઈ

શબ્દ રચના: મીરા બાઈ
સ્વર રચના: જયદેવ ભોજક
સંગીત : વિક્રમ પાટીલ
કંઠ : માધ્વી મેહતા

.

બંસીવાલા આજે મોરા દેસ
તોરી સાંવરી સુરત હદ વેસ

આવન આવન કહે ગયે
કર ગયે કોલ અનેક
ગિણતાં ગિણતાં ઘીસ ગયી જિભા
હારી આંગળિયારી રેખ

એક બન ઢૂંઢી સકલ બન ઢૂંઢી
ઢૂંઢયો સારો દેસ
તોરે કારણ જોગણ હોઉન્ગી
કરુંગી ભગવો વેસ

મોર મુગુટ શિર છત્ર બિરાજે
ઘૂંઘરિયાળાં કેસ
મીરા કે પ્રભુ ગિરિધર નાગર
આવો ને એણી વેસ
– મીરાંબાઈ

તમારી યાદની -અમૃતલાલ દવે

શબ્દ રચના: અમૃતલાલ દવે
સ્વર રચના : જયદેવ ભોજક
કંઠ: માધ્વી મહેતા

.

તમારી યાદ ની હું ક્યાં જઉં ફરિયાદ કરવાને
નથી ઉપયોગી આ એકે અદાલત ન્યાય કરવાને

બની ને પ્રેમ માં પાગલ, કરી પરવા ન દૌલત ની
કરું અવ ખર્ચ પણ શેનો, મુકદ્દમો પાર કરવા ને

ભલે એ કોઈ ના દે દાદ કિન્તુ ચાંદની ઝરતી
હશે ને જોડ સારસ ની હશે નીકળી વિહારવાને

ટહુકો માનિની મદહર હશે કો કોકિલા કરતી
થશે ત્યારે અનુકૂળ એ અદાલત ન્યાય કરવા ને
-અમૃતલાલ દવે

શ્યામ મને અંગે લગાવે – “પરિમલ”

શબ્દ રચના: “પરિમલ”
સ્વર રચના : જયદેવ ભોજક
સ્વરઃ માધ્વી મહેતા
આ 40 વર્ષ જૂનું રેકોર્ડિંગ છે.

.

શ્યામ મને અંગે લગાવે તો આવું
કે રાધારાણી રટે ચડ્યાં રે લોલ
અંગ અંગ શ્યામલ બનાવે તો આવું
કે રાધારાણી રટે ચડયાં રે લોલ

રાધા તું શ્યામ બને શ્યામ ને ન ભાવે
ભોળી રાધા ને કોણ સમજાવે
કોઈ ને ના બંસી સુણાવે તો આવું

કાન્હા ની બંસી તો દુનિયા ની બંસી
નર ને નારીઓના હૈયા ને ડંસી
અવની થી આંખ બચાવે તો આવું

બંસી થી કાન્હા એ દુનિયા ને રંગી
એ ના સરજી આ પૃથ્વી ઉમંગી
અંગ અંગ બંસી બનાવે તો આવું
-“પરિમલ”