ભથવારી – ખેતરમાં ભાત (‘ભાથું’)લઈ જનારી ખેડૂતસ્ત્રી.. કવિ શ્રી કૃષ્ણલાલ શ્રીધરાણીનું ખૂબ જ જાણીતું ગીત..!! મને યાદ છે – છઠ્ઠા કે સાતમા ધોરણમાં ચિત્રકામની પરીક્ષામાં હંમેશા ‘ભથવારી’નું ચિત્ર દોરવાનું આવતું. અને મારી એક સખી – સપના – પાસે એક એવી નોટબૂક હતી કે જેના ઉપરના પૂઠા પર એનું સરસ ચિત્ર હતું – એટલે અમે એની ‘કોપી’ કરવાની કોશિશ કરતાં. કદાચ એની નોટબૂક રાજકોટની હતી, એટલે એ શાળામાં બીજા કોઇ પાસે નહીં હોય 🙂 જો કે સપનાનું ચિત્રકામ મારા કરતા ઘણું સારું.. મને ખરેખર ઇ્ચ્છા થાય છે કે એને કહું – સપના, મારા ટહુકો પર ભથવારીનું ગીત પોસ્ટ કર્યું છે. તું મને એના માટે ભથવારીનું ચિત્ર દોરી આપીશ?
સ્વર-સ્વરાંકન – શ્રદ્ધા શ્રીધરાણી
અને હા, કવિ શ્રી વિષે થોડી વધુ માહિતી પણ અહીં નીચે વાંચો..!
ગોધણધણીની ભથવારી રે, હું ગોધણધણીની ભથવારી;
આંબો ને હું પ્રેમક્યારી રે, પતિ આંબો ને હું પ્રેમક્યારી.
આજે સપ્ટેમ્બર ૧૬, ૨૦૧૪ – કવિ શ્રી કૃષ્ણલાલ શ્રીધરાણીનો જન્મદિવસ. હમણાં થોડા દિવસ પહેલા જ એમના કુટુંબની દીકરી – શ્રધ્ધા શ્રીધરાણી સાથે વાતો થઇ, એ પોતે એક ઉત્તમ ગાયિકા અને સ્વરકાર છે – અને વિચાર આવ્યો કે – ટહુકો પર એક અઠવાડીયા સુધી કૃષ્ણલાલ શ્રીધરાણીની કવિતા અને જીવન ઉજવીએ તો કેવું? શ્રધ્ધાએ આ વિચાર વધાવી લીધો – અને શ્રી કૃષ્ણલાલ શ્રીધરાણીના લખેલા ગીતોનું રેકોર્ડિંગ – અને સાથે સાથે કવિ શ્રી વિષેની કેટલીય માહિતી મોકલી.
તો ચલો – એક અઠવાડિયા સુધી માણીએ કવિ શ્રી કૃષ્ણલાલ શ્રીધરાણીના ગીતો – અને જાણીએ એમના જીવન અને લેખન વિષે..!!
અને શરૂઆત કરીએ – એમના આ ખૂબ જ જાણીતા – કૂકડો ગીતથી – મારા માટે તો આ ગીત એકદમ સ્પેશિયલ છે જ –
પણ ગુજરાતી ભાષાનું એક અનોખું શકાય એવું નાટક – વડલો – માંથી આ ગીત લેવામાં આવ્યું છે – એટલે એ રીતે પણ આ ગીત ખાસ છે.
સ્વર – સ્વરાંકન : શ્રધ્ધા શ્રીધરાણી
ગીતના શબ્દો અહિં ટહુકો પર પહેલા પ્રસ્તુત કર્યા હતા – એટલે એ તો તમે નીચે વાંચી જ શકશો – સાથે ‘દિપક મહેતા’ લિખીત આ લેખ પણ વાંચવા જેવો છે – જે કવિ શ્રી વિષે સરસ માહિતી આપશે.
*****
Posted on September 16, 2010
કવિ શ્રી કૃષ્ણલાલ શ્રીધરાણીને એમના જન્મદિવસે શ્રધ્ધાંજલી સાથે માણીએ એમનું આ મઝાનું ગીત..! કૂકડો અને કૂકડે કૂક.. આટલા શબ્દો તો મારા માટે ઘણા જ સ્પેશિયલ છે.
*****
અમે તો સૂરજના છડીદાર
અમે તો પ્રભાતના પોકાર ! … અમે
૫ વર્ષ પહેલાં (એપ્રિલ ૨૦૦૯) મેં અહીંં લખ્યું હતું કે આ ગીત વાંચીને મને એનું સ્વરાંકન કરવાનું મન થઇ ગયું – પણ મને ક્યાં આવડે છે એવી કલા? એટલે મારે તો રાહ જ જોવી પડી..! પણ એ રાહ જોવાનું વ્યર્થ તો ન જ ગયું! ગયા મહિને ‘ટહુકો ફાઉન્ડેશન’ની ટોળકીએ સાન ફર્નાન્ડો વેલીમાં રમેશ પારેખના અને બીજા ગુજરાતી ગીતોની રમઝટ બોલાવી – એમાં વિજયભાઇ ભટ્ટે આ ગીતનું કરેલું સ્વરાંકન – ખૂબ જ ભાવવાહી રીતે રજુ કર્યું.
અને વિજયભાઇનું સ્વરાંકન – એમના જ અવાજમાં અહીં માણો – વારંવાર એ સાંભળવું અને ગણગણવું ગમશે એની તો ૧૦૦% ગેરંટી.!!
**************
Posted on April 9, 2009
ગઇકાલે જે ‘સ્વરાભિષેક‘ આલ્બમની વાત કરી, એમાં એક રમેશ પારેખના ગીતની રજૂઆત પહેલા અમરભાઇ પાસે આ ગીતના થોડા શબ્દો સાંભળ્યા, અને ગીત એટલું તો ગમી ગયું કે તરત જ શોધવું જ પડ્યું..
આમ તો ગીતમાં ફાગણની વાત આવે છે.. પણ આવું સરસ ગીત તમારી સમક્ષ મુકવા માટે આવતા ફાગણ સુધી રાહ જોવાઇ? ચૈત્ર મહિનામાં પણ જાણે ફાગણના કાગળો રમેશ પારેખ નામનો ટપાલી આપણે ત્યાં નાખી ગયો એમ લાગશે…!! 🙂
આવા કેટલાય ગીતો વાંચીને ઘણીવાર એમ પણ થાય – જો મને સ્વરાંકન કરતા આવડતું હોય તો? તો આવા સુંદર શબ્દોને મેં પણ સંગીતમય બનાવ્યા હોત..! 😀
(સાવ રે સુક્કુ.. ..Goa_Wildernest Resort : by Vivek Tailor)
* * * * * * *
સાવ રે સુક્કા ઝાડને જોઇ થાઇ કે એને ચાલ, હું લીલું પાંદડું બની વળગી પડું
ઝાડને એની લળક લળક સાવ રે સાચી છાંયડીનાં ઝાંઝર પ્હેરાવી દઉં
કોઇ ટપાલી જેમ હું એના સરનામે ફાગણના (અંગત) કાગળો ફેંકી દઉં
મેળામાં ખોવાઇ ગયેલો છોકરો એના બાપને જડે એમ હું છે તે ઝાડને જડું
સાવ રે સુક્કા ઝાડને જોઇ થાઇ કે એને ચાલ, હું લીલું પાંદડું બની વળગી પડું
અંદર તો એવું અજવાળું, અજવાળું……..
સળવળતી હોય આંખ જેને જોવાને, એ મીંચેલી આંખે ય ભાળું.
અંદર તો એવું અજવાળું, અજવાળું …….
ઊંડે ને ઊંડે ઊતરતાં જઇએ, ને તો ય લાગે કે સાવ અમે તરીએ.
મરજીવા મોતીની મુઠ્ઠી ભરે ને એમ ઝળહળતા શ્વાસ અમે ભરીએ.
પછી આરપાર ઉઘડતાં જાય બધાં દ્વાર, નહીં સાંકળ કે ક્યાં ય નહીં તાળું
અંદર તો એવું અજવાળું……
સૂરજ કે છીપમાં કે આપણમાં આપણે જ ઓતપ્રોત એવાં તો લાગીએ,
ફૂલને સુવાસ જેમ વાગતી હશે ને તેમ આપણને આપણે જ વાગીએ.
આવું જીવવાની એકાદ ક્ષણ જો મળે તો એને જીવનભર પાછી ના વાળું.
અંદર તો એવું અજવાળું…….
લગભગ ૩ વર્ષ પહેલા ટહુકો પર પ્રસ્તુત કરેલ આ કવિતા – આજે હેતલ બ્રહ્મભટ્ટના સ્વરમાં પઠન સાથે ફરી એકવાર..!! હેતલનો સ્વર આમ તો અમારા અહીં ‘બે એરિયા’ ના ગુજરાતીઓ માટે અજાણ્યો નથી..! અને ટહુકો ફાઉન્ડેશન આયોજિત રમેશ પારેખને શ્રધ્ધાંજલીનો કાર્યક્રમ – ‘મનપાંચનમા મેળામાં’ (May 18 – at Jain Center, Milpitas) માં પણ હેતલ અને સાથીઓના સૂરીલા સ્વરે કવિશ્રીના શબ્દો સંગીતની સંગાથે તો વહેશે જ..!
પરંતુ આજે માણીએ હેતલના એ જ સૂમધૂર કંઠે કાવ્ય પઠન – કવિ શ્રી રમેશ પારેખના શબ્દો – એક અધૂરું ગીત..!
કાવ્ય પઠન : હેતલ બ્રહ્મભટ્ટ
******
Posted on May 17, 2011
આજે કવિ શ્રી રમેશ પારેખની પુણ્યતિથિ. આ ધોધમાર કવિ ને આજે ફરીથી એકવાર યાદ કરી શ્રધ્ધાંજલી સાથે માણો આ કવિતા. કવિ એ આમ તો કવિતા ને શીર્ષક આપ્યું છે – એક અધૂરું ગીત..! પણ લાગે છે કે એમને એ શીર્ષક ફક્ત કવિતાને નહીં.. દેશથી દૂર રહેતા તમામના જીવનને પણ આપી દીધું – એક અધૂરું ગીત..!
ઘાસની સળીએ ભોંય વીંધતી ઉગે રે,
એવું અમને તો ઊગતાં ન આવડ્યું.
ઓછા ઓછા અડધેરી છાતીએ ઊભાર્યા પછી
આપ લાગી પૂગતાં ન આવડ્યું
પછી પાછલી પરોઢે જીવણ ખોયો રે તને.