ડાળિયુંમાં અટવાતું અંધારું લઈ
મારે વ્હોરવો ન આંખનો અંધાપો
કેડીની એકલતા સહેવા કરતા તો ભલે
બંધ રહે ઝંખનાનો ઝાંપો
ઝળહળતા શમણાંની પોઠ ભરી આવતા એ
સૂરજનું ઝંખું હું મુખ.
પાંદડાથી લીલપને વેગળી મેં રાખીને
જીવતરની માંડી છે વાત
આપણી સભાનતા તો જંગલની ઝાડી ને
ઝાડીમાં ખોવી ના જાત
પાંગરતો પડછાયો મારો સંતોષ નહીં
ખુલ્લું આકાશ મારું સુખ.
છુંદણા છૂંદીને હું તો મૂઈ મૂઈ વાલમાં,
થોકબંધ ટહુકાઓ આઘા ઠેલ્યા ને તોય પડઘાતી અંતરની કુઈ!
ગામતર આખુય વાત્યુંનો વગડો ને, મહેરામણ મહેણાનો હિમ,
એમાં હું અપલખણી ગાગર લઇ હાલી ને છલકાતી આખીયે સીમ,
પગથીમાં પથરાતા રણકાને નિંદે છે, વડલાઓ ,સખીઓ ને ફૂઈ!
ખેતરમાં લાલ લાલ ચાસ પડે એવા કે આથમણા ઉગમણા લાગે,
મેળે મહાલ્યાની વેડ મેડીએ મૂકીને, તોય ભણકારા ભીતોને ભાંગે,
ભ્હેકી ભ્હેકી ને મને અધમુઈ કરતી, આ મારા તે આંગણાની ચૂઈ!
આજની આ પોસ્ટ લયસ્તરો પરથી સીધેસીધી કોપી-પેસ્ટ! ધવલભાઇએ આ ગીતો મોક્લયા થોડા દિવસ પહેલા ત્યારે જ વાત થઇ હતી એમને ટહુકો પર મુકવાની, પણ મેં થોડી આળસ કરી, અને ધવલભાઇએ એને લયસ્તરો પર મુક્યા, તો એમના શબ્દોમાં એમણે એવી સરસ રજૂઆત કરી કે મારે એમાં કંઇ ઉમેરવાની જરૂર નથી!!
અને હા, ગુજરાતી કવિતાનો સૌથી મોટો ખજાનો – સૌપ્રથમ ગુજરાતી કવિતાની વેબસાઇટ – લયસ્તરો.કોમ – ને બારમી વર્ષગાંઠ પર ખૂબ ખૂબ શુભેચ્છાઓ!!
*****
વર્ષોથી ચારે તરફ લોકો ફરિયાદ કરી રહ્યા છે કે ગુજરાતી ભાષા મરવા પડી છે. નવી પેઢી ગુજરાતીને ભૂલી જઈ રહી છે અને આગળ જતા ગુજરાતી ભાષા લુપ્ત થઈ જશે એવું છાસવારે સાંભળવા મળે છે. આ બધા શોકાતુર લોકોને માટે ખાસ આ બે વિડિયો છે. નવી પેઢી મા ગુજરાતીને કેવી અદા અને કેવા દબદબા સાથે સલામ કરી રહી છે એ જોઈને એમના દિલને ટાઢક થશે કે ગુજરાતીનું ભાવિ સુરક્ષિત જ નહીં પણ ઉન્નત છે. ગનીચાચાના શબ્દોને ઊછીના લઈને કહું તો જેને ‘રંક નારની ચૂદડી’ ગણતા હતા તે ગુજરાતી ભાષા અહી ‘રાજરાણીના ચીર સમ’ શોભી રહી છે.
આવા ગીતો બને છે ત્યાં સુધી ગુજરાતી ભાષાના ભવિષ્યની ચિંતા કરવાની છોડીને બીજું કંઈ કામનું કામ કરવું એવી મારી સલાહ છે
સોળમા વરસે પ્રેમ થાય કે ના ય થાય, એ બને
પ્રેમ થાય ત્યાં વરસ સોળમું બેઠું લાગે, મને
શું લાગે એવું, તને?
પ્રેમ એટલે ઘડી એકલાં, ઘડી ભીડમાં ભમવુ
પ્રેમ એટલે રૂમાલ સાથે આંગળીઓનું રમવુ
કોઈ ભલે ને હોય ન સામે, એકલાનું મલકાવું
પ્રેમ એટલે વગર કારણે આંખોનું છલકાવું
છાના પગલે આવી મહેકે, અંતરના ઉપવને-
ખુલ્લી આંખો, ખુલ્લું પુસ્તક, પ્રોફેસર પણ સામે
હાજરી પત્રકને ભુલી મન, વહે કોઈ સરનામે
અઘ્યાપકનો એકે અક્ષર પડતો નહીં જ્યાં કાને
લખી ગયૂં કોઈ મનનું ગમતું નામ આ પાને પાને
જોઈ તને જ્યાં હોઠ ખુલ્યાં ને શું કહી દીધું તને?
અલી તને ટહુકાઓ આપું તો લઈશ કે?
ખુલ્લી હથેળીઓમાં સૂરજ ઉગાડું
પછી તડકાઓ આપું તો લઈશ કે?
તને આખું આકાશ કેમ આપી શકાય
ભાગ એમાં છે આખા એ ગામનો
સપનાને સોંસરવા વીંધીને એના પર
સૂરજ ચીતરાયો નકામનો
(કહે) મારી આ આસમાની આંખોના ભૂરાછમ
સપનાંઓ આપું તો લઈશ કે?
ટહુકા કે તડકાઓ આપી તો દઉં
એને કેમ કરી ઘરમાં લઇ જાશે?
તારી આ જાત હવે તું થી જળવાય નહી
કેમ કરી સપનાં જળવાશે?
આપણા વિયોગ પછી ઉંબરમાં અટકેલાં
પગલાંઓ આપું તો લઈશ કે?
સમગ્ર ટહુકો પરિવાર, અને San Francisco Bay Area ના કલાકારો તરફથી એક ખૂબ જ પ્રેમભરી દિવાળીની શુભકામનાઓ અને નૂતનવર્ષાભિનંદ. અને સાથે માણીએ કવિ શ્રી અનિલ ચાવડાનું આ મઝાનું દિવાળી ગીત!
Music : Asim and Madhvi Mehta
Music Arrangement : Asim Mehta
Vocals:
Darshana Bhuta Shukla, Asim Mehta, Madhvi Mehta, Neha Pathak, Sanjiv Pathak, Bela Desai, Hetal Brahmbhatt, Ameesh Oza, Parimal Zaveri, Aanal Anjaria, Achal Anjaria, Palak Vyas, Ashish Vyas, Ratna Munshi
Photography and Videography:Narendra Shukla and Achal Anjaria
લ્યો આવી ગઈ દિવાળી દર વર્ષે આવે તેમ,
આ વખતે તો સ્વયં પ્રગટીએ ચલો દીવાની જેમ.
ઉદાસીઓના ફટાકડાઓ
ઝટપટ ફોડી દઈને,
ચહેરા ઉપર ફૂલઝડી સમ
ઝરતું સ્મિત લઈને;
કોઈ પણ કારણ વિના જ કરીએ એકમેકને પ્રેમ…
આ વખતે તો સ્વયં પ્રગટીએ ચલો દીવાની જેમ.
સૌની ભીતર પડ્યો હોય છે
એક ચમકતો હીરો,
ચલો શોધીએ ભીતર જઈને
ખુદની તેજ-લકીરો;
ભીતર ભર્યું જ છે અજવાળું ના ઝળહળીએ કેમ?
આ વખતે તો સ્વયં પ્રગટીએ ચલો દીવાની જેમ.