ગુજરાતદિવસની ઉજવણી આજે પણ કરીએ..
કવિ શ્રી તુષાર શુક્લની બીજી રચના સાથે….
માતા છે ગુજરાતની ધરતી ,
માતૃભાષા ગુજરાતી છે
આ માટીમાં મૂળ અમારાં ,
ગુજરાતી મહાજાતિ છે.
મોરપીચ્છ શી કદી મુલાયમ,
કદી તાતી તલવાર ,
કદી ડણકતા સાવજ જેવી,
કદી મયૂર ટહૂકાર
કદી વહે આરાધ થઇને ,
મીઠી કદી પ્રભાતી એ
માતૃભાષા ગુજરાતી છે.
કદી કસુંબલ રંગપિયાલી,
આંખ મહીં અંજાય
શૂન્ય શિખર પર સહજ સમાધિ,
પરખંદે પરખાય
ધૂળ નથી છે કૂળ અમારું
વતનની છે માટી એ
માતૃભાષા ગુજરાતી છે.
આવે કોઇ તો ” આવો ” કહેવું ,
“આવજો ” જ્યારે થાય વિદાય
નામની પાછળ ” ભાઇ-બહેન” પણ
માન દઇને બોલાવાય
ગાંધી ને સરદારની ભાષા
હૈયે જઇ સમાતી એ
માતૃભાષા ગુજરાતી છે.
આજે રોકડા, ઉધાર કાલે
થોડામાં એ કહે ઘણું
ભૂલચૂક સહુ લેવીદેવી
સૂત્ર અનોખું જીવન તણું
આપણે એને સાચવશું ,
જેમ આપણને સાચવતી એ
વરખ વિનાના હરખ જેવી
માતૃભાષા ગુજરાતી છે.
– તુષાર શુક્લ
ગુજરાત સ્થાપના દિવસની ખુબ ખુબ શુભેચ્છાઓ…
કવિ વિનોદ જોશીની આજે રચના તમારી સમક્ષ મુકવી છે.વાંચતા વાંચતા કે સાંભળતા સાંભળતા જ તમારી છાતી ગજ ગજ ફુલશે એમાં કોઈ બેમત નથી!
તમે પણ વાંચો,સાંભળો અને માણો!
પઠન – વિનોદ જોશી
.
સ્વરોત્સવ કાર્યક્રમમાં પાર્થ ઓઝાના અવાજમાં ગવાયેલ આ ગીત પણ માણો
સ્વરકાર : ગૌરાંગ વ્યાસ
ગાયક : પાર્થ ઓઝા
હું એવો ગુજરાતી
જેની;
હું ગુજરાતી એ જ વાતથી ગજ ગજ ફૂલે છાતી….
અંગે અંગે વહે નર્મદા, શ્વાસોમાં મહીસાગ૨,
અરવલ્લીનો પિંડ પ્રાણમાં ધબકે છે રત્નાકર;
હું સાવજની ત્રાડ, હું જ ગરવી ભાષા લચકાતી…
ગુજરાત દિવસની આપ સર્વેને ખુબ ખુબ શુભેચ્છાઓ….
આજે કવિ શ્રી તુષાર શુક્લની રચના અહીં મૂકતા આનંદ અને ગર્વ અનુભવાય છે.
સ્વર : રૂપકુમાર રાઠોડ, કીર્તિ સાગઠીયા
.
અમે સૌ ગુજરાતી, વિશ્વની મહાજાતિ
મુલાયમ હૈયું છે, વજ્રની છે છાતી
અંતથી ઉભા થયા ખમીરથી ઉભા હશું,
સિદ્ધિ ને શિખર ચડી ગગનને ચૂમી જશું
મળે છે સૌ કોઈને વિકાસનો અવસર
બન્યું ગુજરાત હવે વિકસતા વિશ્વનું ઘર
સદીઓ વીતી ગઈ, સદીઓ વીતી જશે
જીત્યું અમારું ગુજરાત,
ગુજરાતી જીતી જશે
વાત કરે વાદળથી ઉભો ગઢ ગિરનારી
બન્યો છે મહાસાગર શિવજીની જલધારી
આદ્યશક્તિ અંબા માત રે જગદંબા
દ્વારકાદિશ નો જય કૃષ્ણ હે મોરારી
અસુરનો નાશ કરે દધીચિ દેહ ધરે
નમામિ નર્મદા માં ધરાને ધન્ય કરે
આ છે અમારું ગુજરાત
ગુજરાતી જીતી જશે
પ્રેમ પ્રેમ ઝણકાર થાય જ્યાં એવું છે ગુજરાત
વીર ધનુષ ટંકાર થાય જ્યાં એવું છે ગુજરાત
લક્ષ્મીનો રણકાર થાય જ્યાં એવું છે ગુજરાત
વિદ્યાનો સત્કાર થાય જ્યાં એવું છે ગુજરાત
ઘરમાં નરને નાર થાય જ્યાં એવું છે ગુજરાત
વ્હાલ ભર્યો વ્યવહાર થાય જ્યાં એવું છે ગુજરાત
ચલો ગુજરાત ,ચલો ગુજરાત
ચલો ગુજરાત ,ચલો ગુજરાત
ઉજ્જવળ ભાવિ કેરી સોહે ભાત અતિ રળિયાત
કલકલતા આશિષ વહે અહીં નમો નર્મદા માત
ભેદના કોઈ ભાવ નહિ સંદેશો હે સૌ જાત
ગુર્જર વિકાસ ગાથા આખા વિશ્વ મહી વિખ્યાત
સત્યતણો સ્વીકાર થાય જ્યાં એવું છે ગુજરાત
સપનાઓ સાકાર થાય જ્યાં એવું છે ગુજરાત
ચલો ગુજરાત ,ચલો ગુજરાત
ચલો ગુજરાત ,ચલો ગુજરાત
– તુષાર શુક્લ
બીજું સુંદર સ્વરાંકન વિજલ પટેલનું અને સુંદર સ્વર પણ…..
સ્વર અને સ્વરાંકન- વિજલ પટેલ
.
વર્ષોનાં વ્હાણા છો વાયા, પણ ઘાવ હજુ તાજા સાહેલડી
જાણ્યાં તેં વખ કેવા પાયા!, કે ઘાવ હજુ તાજા સાહેલડી
સરખી સાહેલીએ માંડી જયાં વાત,
ત્યાં તો એક પછી એક જખમ ખૂલ્યાં
શેહ ને શરમ કે હતો ભયનો ઓથાર
નહોતાં બોલ્યાં ને તોય નહોતાં ભૂલ્યાં
માયા કહીને ચૂંથી કાયા, કે ઘાવ હજુ તાજા સાહેલડી
વર્ષો વ્હાણા…
મોડું બોલે એ તો મોળું કહેવાય
એવા પાળશો ના ખોટા બહુ વહેમ
કામ એનું ખોટું હતું જ અને રહેશે
એને ઢાંકવાના ઉધામા કેમ?
અમે જોડાયા આંસુંને લ્હોવા, કે ઘાવ હજુ તાજા સાહેલડી.
વર્ષોના વ્હાણા…
– ખેવના દેસાઈ
લીલી છમ્માક હોય પર્વતની ધાર અને તડકા છાયાની હોય ભાત
હુક્કો ભરોને પછી માંડો તો સાંભળીએ ધોધમાર વરસ્યાની વાત
આખી વણજાર ક્યાંક રોકાશે રાત પછી નદીએ નાહ્યાનો સમો આવશે
એટલીક આશાના તાંતણાને અંત લગી ચાલ્યા કરવાનું કેમ ફાવશે
કોકવાર વાદળાંને થાશે કે ચાલ જરા ભીનેરું કરીએ વેરાન
હુક્કો ભરોને પછી માંડો તો સાંભળીએ ધોધમાર વરસ્યાની વાત
ચૈતરની ચાંદનીને પૂછ્યું કે, બોલ અલી, ફળિયું ઢળાય છે કે ઢોલિયા
મલકાતી જાય અને વળતું પૂછે કે,તમે માણસ જીવ્યાં કે નર્યા ખોળિયા
રઢિયાળી રાત હોય ,વાતુંનો ભાર હોય ઘેરાતી હોય જારી આંખ
હુક્કો ભરોને પછી માંડો તો સાંભળીએ ધોધમાર વરસ્યાની વાત