ગુજરાતદિવસની ઉજવણી આજે પણ કરીએ..
કવિ શ્રી તુષાર શુક્લની બીજી રચના સાથે….
માતા છે ગુજરાતની ધરતી ,
માતૃભાષા ગુજરાતી છે
આ માટીમાં મૂળ અમારાં ,
ગુજરાતી મહાજાતિ છે.
મોરપીચ્છ શી કદી મુલાયમ,
કદી તાતી તલવાર ,
કદી ડણકતા સાવજ જેવી,
કદી મયૂર ટહૂકાર
કદી વહે આરાધ થઇને ,
મીઠી કદી પ્રભાતી એ
માતૃભાષા ગુજરાતી છે.
કદી કસુંબલ રંગપિયાલી,
આંખ મહીં અંજાય
શૂન્ય શિખર પર સહજ સમાધિ,
પરખંદે પરખાય
ધૂળ નથી છે કૂળ અમારું
વતનની છે માટી એ
માતૃભાષા ગુજરાતી છે.
આવે કોઇ તો ” આવો ” કહેવું ,
“આવજો ” જ્યારે થાય વિદાય
નામની પાછળ ” ભાઇ-બહેન” પણ
માન દઇને બોલાવાય
ગાંધી ને સરદારની ભાષા
હૈયે જઇ સમાતી એ
માતૃભાષા ગુજરાતી છે.
આજે રોકડા, ઉધાર કાલે
થોડામાં એ કહે ઘણું
ભૂલચૂક સહુ લેવીદેવી
સૂત્ર અનોખું જીવન તણું
આપણે એને સાચવશું ,
જેમ આપણને સાચવતી એ
વરખ વિનાના હરખ જેવી
માતૃભાષા ગુજરાતી છે.
– તુષાર શુક્લ