આજે મનોજ પર્વમાં માણીયે એક એવી ગઝલ, કે જે ફક્ત મનોજ ખંડેરિયાની જ નહીં, પણ ગુજરાતી સાહિત્ય જગતની અમર રચનાઓમાં એક ગણાય છે..!! જાન્યુઆરીમાં આ ગઝલ ટહુકો પર પ્રથમવાર મુકેલી, ત્યારે વિવેકભાઇએ પ્રશ્ન ઉઠાવેલો કે સ્વરાંકનમાં વચ્ચે વચ્ચે બીજા કોઇ કવિના થોડા શેર ઉમેરવામાં આવ્યા હોય એવું લાગે છે, એ શેર મનોજભાઇએ લખ્યા હોય એવું લાગતું નથી..!
ખરેખર તો ત્યારે મને એ વચ્ચે આવતા શેર વિષે વધુ માહિતી નો’તી, પણ આજે તમારા માટે એ ગઝલના કવિનું નામ સાથે એના બધા જ શેર પણ લઇને આવી છું.
સૌપ્રથમ તો સાંભળીયે, પુરુષોત્તમ ઉપાધ્યાયના સ્વરમાં – મનોજભાઇની આ ચિરંજીવ ગઝલ..! પ્રસ્તુત રેકોર્ડિંગ મનોજ ખંડિરિયાની વિદાય પછી એમને શ્રધ્ધાંજલીરૂપ યોજાયેલ કાર્યક્રમ ‘મનોજ પર્વ’ માંથી લેવામાં આવ્યું છે.
.
ક્ષણોને તોડવા બેસું તો વરસોનાં વરસ લાગે,
બુકાની છોડવા બેસું તો વરસોનાં વરસ લાગે.
કહો તો આ બધાં પ્રતિબિંબ હું હમણાં જ ભૂંસી દઉં,
અરીસો ફોડવા બેસું તો વરસોનાં વરસ લાગે.
કમળ-તંતુ સમા આ મૌનનેતું તોડ મા નાહક
ફરીથી જોડવા બેસું તો વરસોનાં વરસ લાગે
આ સપનું તો બરફનો સ્તંભ છે,હમણાં જ ઓગળશે
હું એને ખોડવા બેસું તો વરસોનાં વરસ લાગે
મને સદભાગ્ય કે શબ્દો મળ્યા તારે નગર જાવા,
ચરણ લઈ દોડવા બેસું તો વરસોનાં વરસ લાગે.
– મનોજ ખંડેરિયા
————————————-
અને હવે સાંભળીયે, ‘વરસોનાં વરસ લાગે’ રદ્દીફ લઇને કવિ શ્રી આદિલ મન્સૂરીએ લખેલી આ ગઝલ. આદિલભાઇએ આ ગઝલ, મનોજ ખંડેરિયાની વિદાય પછી, એમને ધ્યાનમાં રાખીને જ લખી છે..!
સ્વર : ચિનુ મોદી
.
કલમને બોળવા બેસું તો વરસોના વરસ લાગે.,
ને ખડિયા ખોળવા બેસું તો વરસોનાં વરસ લાગે.
અરે આ શબ્દની ખાણોના પથ્થરો તો ઉલેચ્યા પણ,
બધા જો તોળવા બેસું તો વરસોનાં વરસ લાગે
હતા આરંભથી સાથે, અને અંતે મળ્યા પાછા
સ્મરણ વાગોળવા બેસું તો વરસોનાં વરસ લાગે
આ લખ ચોરાશી ફેરાઓથી મુક્તિ ક્યારે મળવાની
બધું ફંગોળવા બેસું તો વરસોનાં વરસ લાગે
હવે પૂરી થશે ક્યારે આ પરકમ્મા કહો સાંઇ,
ભભૂતિ ચોળવા બેસું તો વરસોના વરસ લાગે.
કોઇ સૂતું છે કેવું સોડ તાણી મૌનના ઘરમાં,
એને ઢંઢોળવા બેસું તો વરસોના વરસ લાગે.
કોઇ સપનું બની આવે અને પળમાં સરી જાતું,
હું આંખો ચોળવા બેસું તો વરસોનાં વરસ લાગે.
હું જાણું છું કે તળિયે જઇ લપાયા છે બધા મોતી
ગઝલના જુનાગઢના ખડિયરોમાં જે ખોવાયા
જઇને ખોળવા બેસું તો વરસોનાં વરસ લાગે.
બધી ગલીઓ હવે તારી ગલી જેવી જ લાગે છે
નગર ભગોળવા બેસું તો વરસોનાં વરસ લાગે.
આ ધીમું ઝેર થઇ ચડતી બધી અંતિમ ક્ષણો ‘આદિલ’
આ વખને ઘોળવા બેસું વરસોનાં વરસ લાગે.
– આદિલ મન્સૂરી
————————————
અને હવે સાંભળીએ, આ બંને ગઝલ એક સાથે… પુરુષોત્તમ ઉપાધ્યાય અને આશિત દેસાઇના યુગલ સ્વરમાં..! ખૂબી એ છે કે પુરુષોત્તમ ઉપાધ્યાય મનોજભાઇની ગઝલના શેર રજૂ કરે છે, અને આશિત દેસાઇ સંભળાવે છે આદિલ મન્સૂરીની ગઝલ
સ્વર – સંગીત : પુરુષોત્તમ ઉપાધ્યાય – આશિત દેસાઇ
.
————————————
તા.ક. : આ ટહુકોનું રૂપ ફરીથી બદલાયેલું અને થોડું અતડું લાગે છે ને? થયું એવું કે હમણા હમણા જે નવું રૂપ હતું, એ easy navigation માટે જ બદલ્યું હતું, પરંતુ કોઇક કારણે એને લીધે જ ટહુકો ઘણો ધીમો થઇ ગયો હતો..! આ નવી રૂપ પણ થોડા દિવસ અજમાવી જોઇએ..! થોડી અગવડ પડશે કદાચ તમને.. ચલાવી લેશો ને? 🙂