Category Archives: જયંત પાઠક

પહાડ અને નદી – જયંત પાઠક

પ્રકૃતિના કવિ શ્રી જયંત પાઠકને ૨૦ ઓક્ટોબર – એમના જન્મદિવસે હ્રદયપૂર્વક શ્રધ્ધાંજલી.. સાથે માણો એમની કુદરતની નજીક લઇ જતી આ ગઝલ…


(Upper Yosemite Falls, Yosemite National Park, CA – April 09)

* * * * *

ઉપરથી ભીંજાયો અને ભીતરથી પીગળ્યો
પથ્થરનો પ્હાડ એમ નદી થઇને નીકળ્યો

તરવું ને તણાવુંના હવે ભેદ કયાં રહ્યાં:
ખુદ વ્હેણમાં જ વ્હેણ થઈ આપુડો ભળ્યો !

રેતીમાં રમો કે રમો જલના તરંગમાં
બે તટ વચાળ છો હજી, દરિયો નથી મળ્યો

મળશે જ એ તને જરૂર- શી રીતે કહું?
કયારેક નદીનેય સમુંદર નથી મળ્યો

તપમાં ખડો રહું કે વહું એની શોધમાં‍
ઉભેલ એક પ્હાડ વિમાસે બળ્યોઝળ્યો

મારી તરસ પીને નદી છલકાઈ છલોછલ
કોઈ વિરહનો શાપ યે આવો નથી ફળ્યો!

– જયંત પાઠક

(આભાર : પ્રભાતના પુષ્પો)

દીકરીના લગ્ન પછી, ઘરમાં – જયંત પાઠક

ગુજરાતી વિષયના પાઠ્યપુસ્કતમાં હતું આ કાવ્ય.. ત્યારે શિક્ષકે સમજાવેલો અને પરીક્ષા વખતે ‘ગાઇડ’માંથી ગોખેલો આ કવિતાનો મર્મ ખરેખર કેટલો સમજાયેલો એ પણ મને હમણા યાદ નથી. આમ તો આ ટચુકડી કવિતા કદી ભુલાઇ નથી, અને એમાં પણ છેલ્લી બે લીટીઓ તો અક્ષરસહ યાદ રહી છે હંમેશા. (કદાચ પરિક્ષામાં એ ‘ખારો ખારો પ્રશ્ન’ ઘણો પૂછાતો..) પણ હા, આજે હવે લગ્ન પછી અને મમ્મી-પપ્પાથી આટલા દૂર રહ્યા પછી આ કવિતા જેટલી સમજી છું, એ મને કોઇ શિક્ષક સ્કૂલમાં ન સમજાવી શક્યા હોત…
* * * * *

આખરે ઉજાગરાનો અંત આવ્યો:
લગન ઊકલી ગયાં.
મા હવે
ઘરની ચીજવસ્તુઓ ગણે છે
સંભારી સંભારી મેળવે છે
સંભાળી સંભાળી ગોઠ્વે છે:
થાળી, વાડકા, ગ્લાસ, ડિશ-
બધું બરાબર છે
ક્યાંય કશુંય ખોવાયું નથી
કશુંય ગયું નથી-
પણ

અચાનક કંઈક યાદ આવતાં
એ ઓરડા વચ્ચે
ઊભી રહી જાય છે
આંખોમાંથી ટપકું ટપકું થાય છે
ખારો ખારો પ્રશ્ન :
‘મારી દીકરી ક્યાં ?’

તાવડી – જયન્ત પાઠક

કવિતા :
માના ઘડ્યા રોટલા
શિશુના શરીરની સુવાસ,
દૂધિયા દાંતનું હાસ;
મોડી રાત સુધી ચાલતી દાદાની વાત;
સમણામાં પરીની મુલાકાત.
સાત સાત સમુંદર ઓળંગીને આવતી
નાવડી મારી કવિતા;
માના હાથે ઘડ્યા રોટલાને તાવતી
તાવડી મારી કવિતા.

પ્રિયજનની પગલીઓ – જયંત પાઠક

( પ્રિયજનની પગલીઓ… Photo by: Dr. Vivek Tailor)

* * * * *

પ્રિયજનની પગલીઓ
જાણે વનફૂલની ઢગલીઓ !

એનાં દરશનથી દિલ અવનવ
ઘરે રૂપ ને રંગ;
એના સ્મરણ પરાગે લોટે
મનનો મુગ્ધ મધુપ

મ્હેકે અંતર ગલીઓ
– પ્રિયજનની પગલીઓ ..

પલપલ કાલ પ્રતિ વહી જાતી
જીવન જમના ઘાટે
વિરહાકુલ અંતરની સૂની
વૃંદાવનની વાટે

જાણે મોહન મળીઓ !
– પ્રિયજનની પગલીઓ …

હું ક્યાં છું ? – જયન્ત પાઠક

ગામની પાસેના વગડામાં
સીતાફળીની ડાળીડાળીએ
આંખ ઉઘાડી ઝૂલે સીતાફળ હજીય –
પણ તે અમને
બાળટોળીને સાથે લઈને
ઝાકળભીના સવારના તડકામાં થઈને
વનની વાટે વળનારા એ દાદા ક્યાં છે ?

રિસાઈને ઘરમાંથી ભાગી
જઈ જહીં સંતાતા તે સૌ
ટેકરીઓ તો ગામ પાદરે હજી આ બેઠી –
પણ ચિંતાથી અરધી અરધી
હાંફતી હાંફતી ટેકરીઓને માથે ચઢતી
પડતી ને આખડતી
મમતાની મૂરત બા ક્યાં છે ?

પૂરમાં ઘેલી થઈ વ્હેતી ને
ધોળી ફૂલ જેવી રેતીને રમાડતી તે
નદી
હજી ગામને ઘસાઈ વ્હે છે –
પણ રમનારા ડૂબકીદાવો
રેતીમાં ઘર ચણનારાઓ
કલકલ કરતા છોકરડાઓ –
બાલગોઠિયા મારા ક્યાં છે ?

હજીય
પાપા પગલી કરતું
ભમરડે શેરીમાં રમતું, લખોટા જેવું દડતું
ટહુકા તરુડાળોમાં કરતું, જલમાં તરતું,
સીમશેઢામાં હરતું ફરતું,
ટેકરીઓને માથે ચઢતું
કોક પ્હણે દેખાય –

અરે, પણ તે હું ક્યાં છું ?

ઝંખના – જયંત પાઠક

ઊગતો સૂરજ તને આપું છું, લે – તું એને સાંજ સુધી સાચવે તો સારું
ઝળહળતી આંખોમાં જોજે ભરબપોરે ઊતરે ના સાંજનું અંધારું.

ખરતાં ફૂલોને રોજ જોવાનાં બાગમાં
ઊગ્યાં – ના ઊગ્યાં ને ઓરાયાં આગમાં

પાંચ પાંચ પાંખડીનું આપું છું ફૂલ, એને જીવ જેમ જાળવે તો સારું,
જીવતરના વ્હેણનેય વાંકાચૂકા વહીને આખર તો બનવાનું ખારું.

રસ્તા ઘણા ને ઘણી ભૂલ ને ભૂલામણી
અધવચ્ચે અણધારી આફત ને તાવણી

રેશમની દોર એક આપું છું, લે – ન તૂટે, છેક લગી સાચવે તો સારું
અધવચ્ચે બાંધીને ખેંચી ન જાય પેલું અણધાર્યું મોત જો અકારું !

ના રસ્તા કે ના ઝરણાં – જયન્ત પાઠક

creek

રસ્તાઓ અચાનક મળી ગયા
બે ઘડી વાતે વળગ્યા ને
છૂટા પડી ગયા.

ઝરણાં અચાનક મળી ગયાં
એકબીજાને ભેટ્યાં ને
ભળી ગયાં.

અમે અચાનક મળી ગયાં
-અમે, ના રસ્તા કે ના ઝરણાં
એટલે-
ના છૂટાં પડ્યાં, ના ભળી ગયાં !

( આભાર : લયસ્તરો )

ઉનાળો – જયંત પાઠક

mangos

રે આવ્યો કાળ ઉનાળો
અવની અખાડે, અંગ ઉઘાડે, અવધૂત ઝાળજટાળો.
રે આવ્યો….

એના શ્વાસે શ્વાસે સળગે
ધરતી કેરી કાયા;
એને પગલે પગલે ઢળતા
પ્રલય તણા પડછાયા.

ભરતો ભૈરવ ફાળો.
રે આવ્યો….

એના સૂકા હોઠ પલકમાં
સાત સમુન્દર પીતા
એની આંખો સગળે જાણે
સળગે સ્મશાન ચિતા.

સળગે વનતરુડાળો
રે આવ્યો….

કોપ વરસતો કાળો
રે આવ્યો કાળ ઉનાળો.

—————————————–

આ સાથે નાનપણમાં લખેલા ઉનાળાની ઋતુ પરના નિબંધો ( પરીક્ષા માટે જ તો વળી.. !! ) યાદ આવી ગયા. અને સાથે યાદ આવી નીચે આપી છે એમાંની પ્રથમ બે પંક્તિઓ… જેનાથી કાયમ ઉનાળાના નિબંધની શરૂઆત થતી….

આવ્યો આવ્યો બળ બળ થતો દેખ જોગી ઉનાળો;
વા વૈશાખી પ્રબળ વહતા, ઊડતી અગ્નિઝાળો.
ઝોળા ખાતી રસદ ફળની લૂમ, લૂ વાય ઊની;
પાણી ડૂક્યાં, સજળ સરિતાઓ થઈ વારિસૂની.

( આભાર : સિધ્ધાર્થ શાહ )

રોકો વસંતને – જયંત પાઠક

આપણા ગુજરાતમાં તો વસંત ઋતુ ક્યારની આવી ને ગઇ… પણ આ વખતે અહીં અમેરિકામાં મોડી મોડી હજુ હમણા જ વસંત આવી છે. ( જો કે મારા કેલિફોર્નિયામાં તો એ પણ કંઇ એટલું જણાતુ નથી. ) વસંતની પધરામણીનું એક ખુબ જ સુંદર ગીત આવતી કાલે… પણ આજે વાંચીયે જયંત પાઠકની આ કવિતા. લાગે છે કે આવા જ કોઇ પ્રેમીની ફરિયાદ ઉપરવાળાએ સાંભળી લીધી હશે 🙂

પણ હા, એક વાત જરૂર કહીશ… નાની અમથી, પણ તરત જ ગમી જાય એવી સુંદર કવિતા.

487959_503747943907_2028149490_n

 

આવતી રોકો વસંતને
મારે આંગણિયે ફુલડાંના ફાલ
લાવતી રોકો વસંતને

એ તો આંગણને આંબલિયે ટહુકો કરે,
અહીં એકલડું ઉર મારું હીબકાં ભરે.
કોઇ હેતસૂના હૈયાની ડાળ
હલાવતી રોકો વસંતને.

શાને શીળો સમીર બની અંગે અડે !
મારા ઝૂરતા જીવન સાથ રંગે ચડે !
એની વેણુંમાં વેદનાનું વ્હાલ
વહાવતી રોકો વસંતને.

વાત કહી ના જાય – જયંત પાઠક

river12

વાત કહી ના જાય
મનની વાત સહી ના જાય.

રાતદિવસના જડ જંતરમાં
અંતર મુજ કંતાર,
ઝંખે નયનો તે તો પાંપણ
પછવાડે સંતાય.

એકલું એકલું અંતર બેઠું
હેઠળ દુ:ખની છાંય
હે અણદીઠ ઇંગિત તારાં ના
કેમ અહીં વરતાય ?

ગીત ઘણાં આ કંઠ રાત’દિ
ઘૂંટી ઘૂંટીને ગાય,
જીવનગીતની ધ્રુવપંક્તિનો
પ્રાસ મળે ના ક્યાંય.

———————- 

જંતર =યંત્ર (તાંત્રિક આકૃતિ, તાવિજ વગેરે), કંતાર=અરણ્ય, જંગલ અને ઇંગિત=ઇશારો, સંકેત.