Category Archives: અજીત શેઠ

અમે રે સૂકું રૂનું પૂમડું – મકરંદ દવે

સંગીત : અજીત શેઠ

Photo by dumbskull

.

અમે રે સૂકું રૂનું પૂમડું,
તમે અત્તર રંગીલા રસદાર;
તરબોળી દ્યો ને તારેતારને,
વીંધો અમને વ્હાલા, આરંપાર:
આવો, રે આવો હો જીવણ, આમના.

અમે રે, સૂના ઘરનું જાળિયું,
તમે તાતા તેજના અવતાર;
ભેદીને ભીડેલા ભોગળ-આગળા,
ભરો લખ લખ અદીઠા અંબાર:
આવો, રે આવો હો જીવણ, આમના.

અમે રે ઊધઈખાધું ઈધણું,
તમે ધગધગ ધૂણીના અંગાર;
પડેપડ પ્રજાળો વ્હાલા, વેગથી,
આપો અમને અગનના શણગાર:
આવો, રે આવો હો જીવણ, આમના.

પલ – મણિલાલ દેસાઈ

કવિ શ્રી મણિલાલ દેસાઇ ( જન્મ : 19 જુલાઇ, 1939 ; અવસાન : 4 મે, 1966 )

સંગીત : અજીત શેઠ
સ્વર : હરીહરન

watch

.

સરકી જાયે પલ…
કાળ તણું જાણે કે એ તો વરસે ઝરમર જલ !

નહીં વર્ષામાં પૂર,
નહીં ગ્રીષ્મ મહીં શોષાય,
કોઈના સંગનિ:સગની એને
કશી અસર નવ થાય,
ઝાલો ત્યાં તો છટકે એવી નાજુક ને ચંચલ !

છલક છલક છલકાય
છતાં યે કદી શકી નવ ઢળી,
વૃન્દાવનમાં,
વળી કોઈને કુરુક્ષેત્રમાં મળી,
જાય તેડી પોઢેલાંને યે નવે લોક, નવ સ્થલ !

હે, વ્યથા ! – શેખાદમ આબુવાલા

સ્વર : હરિહરન.

Photo by A.Guandalini

.

હે, વ્યથા ! હે, વ્યથા !
કુમળા કંઇ કાળજાને કોરતી કાળી કથા!

પાંપણો ભીની કરી, ગાલ પર મારા સરી.
નેણ કેરાં નીર થઇને, નીતરી જાજે તું ના. – હે, વ્યથા ! …

રક્તના રંગો ભરી, તે રંગથી નીજને ભરી,
જખમી દીલના ડાઘ થઇને, ચીતરી જાજે તું ના. – હે , વ્યથા !.. .

ધ્રુજતા મારા અધર, શી કુશળતાથી કરું, સ્મિતથી સભર?
ક્યાંક ઊની આહ થઇને, હોઠે તું આવી જાય ના. – હે, વ્યથા ! …

એક હતી સર્વકાલીન વાર્તા -જગદીશ જોષી

સ્વર : ભુપીન્દર

.

ધારો કે એક સાંજ આપણે મળ્યાં અને આપણે હળ્યાં
પણ આખા આ આયખાનું શું?
ખુલ્લી આ આંખ અને કોરી કિતાબ એને ફરીફરી કેમ કરી વાંચશું?

માનો કે હોઠ સહેજ મ્હોરી ઉઠ્યાં ને છાતીમાં મેઘધનુષ ફોરી ઉઠ્યાં
પણ બળબળતી રેખાનું શું?

આકાશે આમ ક્યાંક ઝુકી લીધું ને ફૂલોને ‘કેમ છો?’ પૂછી લીધું
પણ મૂંગી આ વેદનાનું શું?

માનો કે આપણે ખાધું-પીધું અને માનો કે રાજ! થોડું કીધુંયે રાજ,
પણ ઝૂરતા આ ઓરતાનું શું?

ધારો કે રાણી! તમે જીતી ગયાં અને ધારો કે વાયરા વીતી ગયા
પણ આ માંડેલી વારતાનું શું?

————————–

તમારે પણ જો કંઇક ધારવું હોય અને એના પર કંઇક લખવુ હોય તો સહિયારુ સર્જન પર આમંત્રણ છે. સાથે સાથે વાંચો એક સંકલિત, સાંજ અને જગદીશ જોષી.

(કવિ પરિચય)

ક્હાના આવે તારી યાદ !

સ્વર : ફાલ્ગુની શેઠ
સંગીત : અજીત શેઠ
radha

.

શ્રાવણ વરસે સરવડે ને ઝરમરીયો વરસાદ,
ક્હાના આવે તારી યાદ !
વીજ ઝબૂકે વાદળ વચ્ચે તરવરીયો ઉન્માદ,
ક્હાના આવે તારી યાદ !

જમણી આંખ ગઇ મથુરાને ડાબી ગઇ ગોકુળમાં,
હૈયું વૃંદાવન જઇ બેઠું કુંજગલીના ફુલમાં
ક્હાના આવે તારી યાદ !

ગોપી થઇ ઘૂમુ કે કહાના ! બનું યશોદા મૈયા ?
કે રાધા થઇને રીઝવું તુજને હે સતપથ રખવૈયા ?
ક્હાના આવે તારી યાદ !

તનડુ ડુબ્યું જઇ જમુના ને મનડું નામ સ્મરણમાં
સૂધબૂધ મારી આકુળવ્યાકુળ તારા પરમ ચરણમાં.
ક્હાના આવે તારી યાદ !

વ્હાલપને નામ નવ દઇએ – મેધનાદ ભટ્ટ

સ્વર : ફાલ્ગુની શેઠ
આલ્બમ : ટહુકે છે લીલીછમ ડાળ
સંગીત : અજીત શેઠ
paper pen

.

વ્હાલપને નામ નવ દઇએ
ઓ સખી, વ્હાલપને નામ નવ દઇએ

આંસુથી ભીંજેલા પત્તરને કેમ સખી
કોરો તે કાગળ આમે કહીએ

કાળા તે અખ્ખરનો અમને ના મોહ સખી
આંસુથી પત્તર ભીંજવીએ

સુરજથી દાઝેલી વેણુંને એમ સખી
વર્ષાની વાત કેમ કરીએ
વેણુની સંગ વિત્યા દિવસોની વાત હવે
દરિયો…..

દરિયાનું નામ નવ દઇએ
હો સખી, દરિયાનું નામ નવ દઇએ

આંસુથી ભીંજેલા પત્તરને કેમ સખી
કોરો તે કાગળ આમે કહીએ

અમથી વહે જો કદી હવાની લહેરખી
તો વૈશાખી વાયરો ન કહીએ
માસે માસે જો ચહો વૈશાખી વાયરો તો
વાયરાનું નામ નવ દઇએ

Vahaalap ne naam nav daiye – medhanad bhatt