Category Archives: ગઝલ

ત્યારે અનાયાસ તું યાદ આવે – કિરીટ ગોસ્વામી

280831634_e65cae1913_m.jpg

ક્ષણેક્ષણ ઉદાસી અકળ હોય ત્યારે અનાયાસ તું યાદ આવે,
અને આંખ બંને સજળ હોય ત્યારે અનાયાસ તું યાદ આવે.

બધાંની વચોવચ અચાનક પડી જાઉં હું એકલો એમ ક્યારેક;
ન મારું મને પીઠબળ હોય ત્યારે અનાયાસ તું યાદ આવે.

ફરી જીવને ઝંખનાઓ રૂપાળી-રૂપાળી કરી દે પ્રભાવિત,
ફરી કોઇ ઇચ્છા પ્રબળ હોય ત્યારે અનાયાસ તું યાદ આવે.

લડ્યા હું કરું એકલે હાથ સંસારનાં સર્વ તોફાનો સામે,
ઊઠ્યું ભીતરે એક વમળ હોય ત્યારે અનાયાસ તું યાદ આવે.

પઠન જિંદગીની ગઝલનું કદી થાય એકાંતમાં કે સભામાં,
અસલ દાદ દેવાની પળ હોય ત્યારે અનાયાસ તું યાદ આવે.

શું જલુ જો કોઇની જાહોજલાલી થાય છે – બરકત વિરાણી ‘બેફામ’

‘બેફામ’ની ગઝલથી શરૂ કરેલી ટહુકો.કોમના જન્મદિવસની ઉજવણી પૂરી પણ ‘બેફામ’ની જ ગઝલથી કરીયે તો ? ( અરે ચિંતા ના કરો, ટહુકો પર તો મને બહાનુ જ જોયતુ હોય છે – એટલે આ ખરેખર તો ઉજવણી પૂરી નથી થતી, બસ.. એક બ્રેક…!! )

હા… તો આપણે વાત કરતા હતા આજની આ સ્પેશિયલ ગઝલની.. પણ મને લાગે છે કોઇ વાત કરવાની જરૂર જ નથી. સંગીતકાર ‘પુરુષોત્તમ ઉપાધ્યાય‘ અને ગાયક ‘બેગમ અખ્તર‘નું નામ જોઇને તમને સમજાઇ જ ગયું હશે, કે બેગમ અખ્તરે ગાયેલી ફક્ત બે ગુજરાતી ગઝલમાંની આ બીજી ગઝલ. (પહેલી ગઝલ ‘ગળતું જામ છે’ – આપણે ટહુકાની સાચ્ચી બર્થ ડે વખતે સાંભળેલી, યાદ છે ને ? )

સ્વર : બેગમ અખ્તર
સંગીત : પુરુષોત્તમ ઉપાધ્યાય

mysore-palace.jpg

.

શું જલુ જો કોઇની જાહોજલાલી થાય છે,
એ દશા છે એવી જ્યાંથી પાયમાલી થાય છે.

ગમ વધારે હોય દિલમાં તો ખુશાલી થાય છે,
જે દિવા ઝાઝા બળે ત્યારે દિવાળી થાય છે

વાદળો જામે છે દિલમાં ત્યારે છલકે છે સુરા
આસમા થી મય મળે છે ત્યારે પ્યાલી થાય છે.

ગમ કરો નહિ કે વીતે છે જિંદગી લઝઝત વિના,
થાઓ ખુશ- પીધા વિના પણ જામ ખાલી થાય છે.

જિંદગી તો એ જ રહેવાનીછે, જાગો કે ઊંઘો,
કાં તો ખ્વાબી થાય છે, કાં તો ખયાલી થાય છે.

કોણ દુનિયાને પિછાણે? કોણ દુનિયાથી બચે?
વેર રાખે છે અને પાછી વહાલી થાય છે.

છે સફળતાને વિફળતા એક સીમા પર પ્રેમ માં,
હાથ પકડાતો નથી તો હાથતાલી થાય છે.

મારી આશાઓ મળે છે એવી માટીમાં હવે,
સાકી! આ તારા સુરાલયની જે પ્યાલી થાય છે.

એવી દુનિયામાં ભલા દુખના દિલાસા કોણ દે?
એક્નો ગમ જ્યાં બીજા માટે ખુશાલી થાય છે.

જાણતું કોઇ નથી એના ફકીરી હાલ ને,
એટલે બેફામ દુનિયામાં સવાલી થાય છે.
——————-

ખાસ આભાર મહેન્દ્રકાકાનો, જેમણે આ ગઝલને LPમાંથી mp3માં ફેરવવામાટે ખાસ સોફ્ટવેર ખરીદયું, અને આપણા બધાને આ અણમોલ મોતી જેવી ગઝલ ભેટ આપી.

ચાલો તમારા પ્રેમની એક લહેર બનાવી દઉં – કમલેશ સોનાવાલા

ચાંદ સમા ચહેરા તણી તસવીર બનાવી દઉં
ને એ રીતે તમને નયનના ખ્વાબ બનાવી દઉં……….

સ્વર : રૂપકુમાર રાઠોડ
સંગીત : પુરુષોત્તમ ઉપાધ્યાય

wind-flower.jpg

.

ચાલો તમારા પ્રેમની એક લહેર બનાવી દઉં
એ રીતે તમને અમારા શ્વાસ બનાવી દઉં

શબ્દો તણા પુષ્પો ગુંથી ગજરો બનાવી દઉં
એ રીતે તમને ગઝલના પ્રાસ બનાવી દઉં

સાકી સુરા ને શાયરી મુહોબ્બત બનાવી દઉં
એ રીતે યાદો બધી રંગીન બનાવી દઉં

હથેલી તણી લકીરને કિસ્મત બનાવી દઉં
એ રીતે જીવવાતણું બહાનું બનાવી દઉં

અટકી ગઇ જ્યાં જિંદગી મંજિલ બનાવી દઉં
એ રીતે ખાલી કબર બિસ્તર બનાવી દઉં

કલ્પવૃક્ષની છાંવમાં મંદિર બનાવી દઉં
એ રીતે પથ્થર તને ઇશ્વર બનાવી દઉં

આ આદિ-અંતની સંતાકુકડી.. – અવિનાશ વ્યાસ

આપણે જ્યારે ગુજરાતી સંગીતની ઉજવણી કરતા હોય, ત્યારે અવિનાશ વ્યાસને યાદ ન કરીયે એ ચાલે?

શ્યામલભાઇનો સ્વભાવ આમ તો ઘણો મોજીલો.. ( એક ખાનગી વાત કહું ? થોડા સમયમાં એક આલ્બમ બજારમાં આવે છે – રમુજી રઇશભાઇ અને મોજીલા મુનશીભાઇ 🙂 )

પણ હું ખાત્રી આપું છું કે શ્યામલભાઇના કંઠે આ ગીત સાંભળીને મન થોડું ઉદાસ થઇ જ જાય. જીવનનું સત્ય, કે જે બધાને જ ખબર છે, એ જ્યારે આમ ભાવવહી સ્વરે સામે આવે, ત્યારે કેવું વિચારતું કરી દે છે.

સ્વર : શ્યામલ મુન્શી

laakadu.jpg

.

આ આદિ-અંતની સંતાકુકડીમાં હું જેની સાથે આથડું
આજ મારા શબદનો શણગાર થાતું લાકડું

માને ખોળે પડી આંખ ઉઘડી આંખો સામે જે ખડું
પ્રથમ પગથિયે જાત ઝુલાવે ઘોડિયું તે લાકડું
આજ મારા શબદનો…

બાળપણામાં ભૂખના દુ:ખે રડતું મનનું માંકડું
ત્યારે ધાવણીના રૂપમાં માડી મુખમાં મુકે લાકડું
આજ મારા શબદનો…

પા પા પગલી ભરતાં ભરતાં ઘડી ચાલું ને ઘડી પડું
કેમ ચાલવું જગમાં શીખવે ઠેલણગાડી લાકડું
આજ મારા શબદનો…

કંકુ શ્રીફળ માણેક સ્થંત માંડવો, ચતુર પંખનું પાંદડું
કહેશે ક્યારે કોની સાથે નથી સંકળાયું લાકડું
આજ મારા શબદનો…

ઓશિયાળા એશીં વર્ષે જ્યારે અંગ બને છે વાંકડું
ઘડપણનો સથવારો સાથે લાકડી એ લાકડું
આજ મારા શબદનો…

સંગ સુનારી નારી અહીં રહી રડતી કેવળ રાંકડું
સંગ સુતું ચિતાની સાથે ભવભવનો સાથી લાકડું
આજ મારા શબદનો…

તબીબો પાસેથી હું નિકળ્યો દિલની દવા લઈને – બરકત વિરાણી ‘બેફામ’

આજે 25 નવેમ્બર, કવિ શ્રી બરકત વિરાણીનો જન્મદિવસ. અને ટહુકો અને મોરપિચ્છ નામના બ્લોગનું નવુ ઘર – ટહુકો.કોમને આજે એક વર્ષ પુરુ થયું.

આ ગઝલ ખાસ ટહુકો ના તબીબ-મિત્રોને .. સપેમ્ર ભેટ 🙂

desert-7.jpg

.

તબીબો પાસેથી હું નિકળ્યો દિલની દવા લઈ ને,
જગત સામે જ ઊભું હતું દર્દો નવા લઈ ને,

તરસ ને કારણે નો’તી રહી તાકાત ચરણોમાં
નહી તો હું તો નીકળી જાત રણથી ઝાંઝવા લઇને

હું રજકણથી ય હલકો છું તો પર્વતથી ય ભારે છું
મને ના તોળશો લોકો તમારા ત્રાજવા લઇને

ગમી જાય છે ચેહરો કોઈ, તો એમ લાગે છે,
પધાર્યા છો તમે ખુદ રૂપ જાણે જુજવા લઈ ને,

સફરના તાપ માં માથા ઉપર એનો છાંયો છે,
હું નિકળ્યો છું નજરમાં મારા ઘરના ને જવા લઈ ને,

બધાના બંધ ઘરના દ્વાર ખખડાવી ફર્યો પાછો,
અને એ પણ ટકોરાથી તુટેલા ટેરવા લઈ ને,

ફક્ત એથી જ મારા શ્વાસ અટકાવી દીધા “બેફામ,”
નથી જન્નતમાં જાવું મારે દુનિયાની હવા લઈ ને…..

એ રાત નથી, એ ચાંદ નથી – હરીન્દ્ર દવે

409292166_4ac0c01bc5_m.jpg

આજ તો તમારી યાદ નથી કોઇની ફરિયાદ નથી
એ રાત નથી, એ ચાંદ નથી, એ આપસનો વિખવાદ નથી

ભુલાઇ ગઇ છે એ દુનિયા, ના સ્વપ્ન મહીં આવે સ્મરણો
એ રૂપને દેખી જાગેલો ઉરસાગરમાં ઉન્માદ નથી

કોઇની કહાની સાંભળતા કોઇના નયન ચાલ્યાં નીતરી
ને કોઇને બે પળ બાદ પૂછ્યું: કીધું કે ‘કહાની યાદ નથી’

દુનિયાની સહે ઝૂઝે તેને હું એ જ કહું છું આખરમાં
કે પાંખ પછાડી પિંજરમાં પંખી થાતું આઝાદ નથી

ભાવિની મુલાયમ ઘડીઓ પર મારી ન કદી મંડાય નજર
એને શી તમા એ મૃગજળની જેને મંજિલનો નાદ નથી ?

ટહુકાની જેમ ત્યારે તું પોકારજે મને – ભગવતીકુમાર શર્મા

flower.jpg

અંગત ક્ષણોની મ્હેંકમાં સંભારજે મને
કોઇ અજાણ્યા પુષ્પરૂપે ધારજે મને

હોઇશ કઇ દશામાં – મને પણ ખબર નથી
આવું જો તારે દ્વાર તો સત્કારજે મને

ઝળહળતો થઇ જઇશ પછી હું ક્ષણાર્ધમાં
તારી નજરના સ્પર્શથી શણગારજે મને

ભીની ભીની વિદાયનો કોઇ વસવસો નથી
આંસુ બનાવી આંખથી તું સારજે મને

સુનકાર ચારે કોરથી ભીંસી વળે તને
ટહુકાની જેમ ત્યારે તું પોકારજે મને

તારી જ લાગણી છું; મને વ્યક્ત કર હવે,
શબ્દો મળે કુંવારા તો ઉચ્ચારજે મને

તારે ઝરૂખે વ્યોમ થઇ વેરાયો છું હવે
વરસાદી કોક સાંજે તું મલ્હારજે મને

દરિયા જેવા દરિયાને પણ તરસ લાગે – બાલુભાઇ પટેલ

desert-sea.jpg

કદી તો ઝાંઝવા પણ દૂરથી એવા સરસ લાગે
કે એને જોઇ દરિયા જેવા દરિયાને પણ તરસ લાગે

કરી છે મેં દુ:ખોની પણ ઉજવણી રાત દી તેથી
હું ધારું ત્યારે દીવાળી ને બીજાને વરસ લાગે

વિતાવો એ રીતે જીવન – તમે ના હોવ ત્યારે પણ
તમારી યાદ પણ લોકોને મોંઘેરી જણસ લાગે

નથી સૌંદર્યની લીલા, બધી લીલા છે દ્રષ્ટિમી
જો દ્રષ્ટિમાં નિરસતા હો તો સુંદર પણ નિરસ લાગે

જગતમાં એવી પણ અજવાળી રાતો હોય છે ‘બાલુ’
કે જેની સામે ભરબપ્પોરે પણ ઝાંખો દિવસ લાગે

ઉપેક્ષામાં નહિ તો બીજું તથ્ય શું છે – જવાહર બક્ષી

સ્વર – સંગીત : પુરુષોત્તમ ઉપાધ્યાય

mirage.jpg

.

ઉપેક્ષામાં નહિ તો બીજું તથ્ય શું છે, છે બસ એક એની મનાનો અનુભવ,
મળ્યાનો વળી બીજો આનંદ શું છે, સિવાય કે એની રજાનો અનુભવ.

હવે જો હું માનું તો ખોટું નથી, કે હતું એને મારા તરફ પ્રેમ જેવું,
ગમે તેમ હો પણ મને છોડી દઈને, કરે છે એ કોઈ ગુન્હાનો અનુભવ.

કદાચિત્ તને ભૂલવામાં મજા હો, એ માની ઘટાડ્યે ગયો યાદ તારી,
હજી પણ મને યાદ આવી રહ્યો છે, તને ભૂલવાની દશાનો અનુભવ.

કદી હું તને મેળવી પણ ચૂક્યો છું, એ ત્યારે જ સાચી પ્રતીતી તો થઈ’તી,
મને જે ક્ષણે થઈ ગયો’તો અચાનક, તને ક્યાંક ખોઈ દીધાનો અનુભવ.

મેં હમદર્દીની દોસ્ત તારીય પાસે, પ્રથમથી જ ક્યાં કંઈ અપેક્ષા કરી’તી
ફકત દેવા માટે દિલાસાઓ દે નહિ, તને ક્યાં છે મારી દશાનો અનુભવ.

હરણ તરસે માર્યું આ હાંફી રહ્યું છે, પ્રથમ એને પાણી પિવાડો ઓ લોકો,
તરત એ બિચારાને એ તો ન પૂછો, કે કેવો રહ્યો ઝાંઝવાનો અનુભવ.

મને થોડી અગવડ પડી રહી’તી એથી ‘ફના’ ઘર બદલતાં મેં બદલી તો નાંખ્યું,
પરંતુ નવા ઘરના સામાન સાથે મેં બાંધ્યો છે જૂની જગાનો અનુભવ.

અશ્રુ ચાલ્યા જાય છે … – શયદા

‘શયદા’ની આ ગઝલના એક એક શેર પર આખેઆખા ગઝલસંગ્રહ કુરબાન… !! અને સાથે સોલીભાઇનો અવાજ હોય પછી તો પૂછવું જ શું ? આમ તો સોલીભાઇનું ‘પ્રેમ એટલે કે..’ આબ્લમના એક એક ગીત એવા છે ને તમે એમાંથી સૌથી ગમતું ગીત પસંદ જ ના કરી શકો… જાણે કે ગુજરાતી કાવ્ય-ગઝલ જગતમાંથી શોધી શોધીને અનમોલ મોતીઓનો ખજાનો લઇ આવ્યા છે એમાં… અને આ ગઝલ પણ એ જ માળાનું એક અમૂલ્ય મોતી છે.
સ્વર – સંગીત : સોલી કાપડિયા
diva.jpg

.

હોય ગમ લાખો ભલે, એ ગમનો મુજને ગમ નથી
આપ શ્વાસે શ્વાસમાં છો એ ખુશી કંઇ કમ નથી

એક છે એની જુદાઇ એક એની યાદ છે
બેઉ બેનો છે બલા, તડપાવવામાં કમ નથી

એની ત્યાં દ્રષ્ટિ ફરી ને અહીંયા મુજ ભાવી ફર્યું
દમ વિનાની વાત છે, આ વાતમાં કંઇ દમ નથી

તું કહે છે અશ્રુ ચાલ્યા જાય છે
હું કહું છું જિંદગી ધોવાય છે

યાદ તારી ઉરમાં માતી નથી
એટલે તો આંખથી છલકાય છે

આપના દર્શનની ખૂબી શું કહું,
દિલના દસ કોઠામાં દીવા થાય છે

હાથ મારો છોડી એ જાતા નથી
બેઉ દુનિયા હાથમાંથી જાય છે

અર્થની ચર્ચા મહીં શયદા બધો
જિંદગીનો અર્થ માર્યો જાય છે