Category Archives: ગઝલ

અંતરંગ સખાને… – ઊર્મિ

આજે ઊર્મિની એક મઝાની ગઝલ.. એના જ હાઇકુ સાથે..!!

(વ્હાલનાં વરસાદમાં………….. Photo by : Kopfjäger)

*

શબ્દોની વચ્ચે
છોડેલી ખાલી જગ્યા…
વાંચી શકીશ?

*

આટલું જાણ્યું સખા ! એ પ્રીત પણ પ્યારી નથી,
સંગ એની એક-બે જો વેદના પાળી નથી.

જો પ્રણયની રાહ તેં આંસુથી શણગારી નથી,
છો સફરમાં હોય તું, પણ એ સફર તારી નથી.

વાંસળીની જેમ વાગી ના શકે તો જાણજે,
છે હજી પણ કૈંક અંદર… સાવ તું ખાલી નથી !

વ્હાલનાં વરસાદમાં પણ સાવ કોરો રહી જશે,
તું નહીં પલળે કદી, જો છતને ઓગાળી નથી.

પ્રેમને ઈશ્વર સમજ ને ભાગ્ય કર તું વ્હાલકુ,
ફર્ક શો છે હાથની રેખા જો હૂંફાળી નથી?!

હોમતી રહે છે મને કાયમ વિરહની અગ્નિમાં,
તોયે તારી યાદને મેં તો કદી ટાળી નથી.

પ્રીત, ઊર્મિ, બેબસી ને દર્દથી સજતી રહી,
જિંદગીને મેં સખા ! કંઈ ખાસ કંડારી નથી.

-’ઊર્મિ’ (સપ્ટેમ્બર 26, 2008)

ધબકારાનો વારસ – અશરફ ડબાવાલા

ગયા શનિવારે અમે ‘ડગલો’વાળાઓએ ‘પગલાં વસંતના’ કાર્યક્રમ રજૂ કર્યો – એમાં સુનિલભાઇએ અશરફ ડબાવાલાની આ ગઝલ ખૂબ સુંદર રીતે રજૂ કરી. એમના કાવ્ય સંગ્રહનું શિર્ષક ‘ધબકારાનો વારસ’ જે ગઝલ પરથી આવ્યું એવી આ ગઝલ સુનિલભાઇના પઠન, અને નેહલ દ્રારા એના બે શેરોની સ્વરાંકિત રજૂઆત પછી મનમાં ઊંડે સુધી ઘર કરી ગઇ. અને હા, સાથે એ પણ જાણવા મળ્યું કે આ ગઝલ શ્યામલ-સૌમિલ દ્રારા અદ્બુત રીતે સ્વરબધ્ધ થઇ છે..!! એ સ્વરાંકન મારા સુધી પહોંચે ત્યારે તમારી સાથે ચોક્કસ વહેંચીશ – આજે ગઝલના શબ્દો માણીએ..!!

* * * * *

છે તારી અંદર માણસ છે તું ઢાંકપિછોડો રે’વા દે,
એ અજવાળું નહિ ફાનસ છે તું ઢાંકપિછોડો રે’વા દે.

તું સોપો છાતી સરસો ચાંપી રાખ હૃદયની સોંસરવો;
એ ધબકારાનો વારસ છે તું ઢાંકપિછોડો રે’વા દે.

આ પથરાળા રસ્તાની ઠેસે આપ્યો જયજયકાર તને;
પણ તારું સપનું આરસ છે તું ઢાંકપિછોડો રે’વા દે.

મનથી મન એક થવાનો ઉત્સવ ઊજવી લે મનની ખાતર;
સૌને પોતાનું માનસ છે તું ઢાંકપિછોડો રે’વા દે.

તું એક ઠરેલી જામગરી પર ગઝલ લખે ને ગામ રડે;
ને તારે ગજવે બાકસ છે તું ઢાંકપિછોડો રે’વા દે.

– અશરફ ડબાવાલા

હજુ પણ તમારી સતત યાદ આવે – કવિ મેઘબિંદુ

સાંભળીએ કવિ શ્રી મેઘબિંદુની એક મઝાની ગઝલ… સોલી કાપડિયાના સુમધુર સ્વર અને સુરેશ વાધેલાના એટલા જ મઝાના સ્વરાંકન સાથે..! શબ્દોની મધુરતા, અને સ્વર-સુરોની સુંવાળપને લીધે આ ગઝલ વારંવાર સાંભળવાનું મન ન થાય તો જ નવાઇ…

સ્વર : સોલી કાપડિયા
સંગીત : સુરેશ વાઘેલા

(હજુ પણ તમારી સતત યાદ આવે….Photo : TrekEarth)

.

હજુ પણ તમારી સતત યાદ આવે
હજુ રમેલી રમત યાદ આવે

તમે આંસુઓને જે પાલવથી લૂછ્યાં
ભીની લાગણીની મમત યાદ આવે

મહેકતા ફૂલોને હું જોવું છું જ્યારે
ગૂંથેલી તે માળા તરત યાદ આવે

કહેવા ચાહું નામ તારું હું સૌને
પણ નક્કી કરેલી શરત યાદ આવે

રગેરગ હું મહેકું છું તારે લીધે તો
પળેપળ વીતેલો વખત યાદ આવે

– કવિ મેઘબિંદુ

દૂધને માટે રોતા બાળક – શૂન્ય પાલનપુરી

‘શૂન્ય પાલનપુરી’ ને એમની પૂણ્યતિથિ નિમિત્તે આપણા બધા તરફથી હ્રદયપૂર્વક શ્રધ્ધાંજલી…!

સ્વર સંગીત – મનહર ઉધાસ
આલ્બમ: અરમાન

(દૂધ ને માટે રોતા બાળક, રો તારા તકદીરને રો….Photo : Operation Shanti)

.

દૂધ ને માટે રોતા બાળક, રો તારા તકદીરને રો
એ ઘરમાં તુ જનમ્યું શાને, જે ઘરમાં ઉપવાસ ફરજ છે,
દર્દ વ્યથા પરીતાપ ફરજ છે, ગમ અશ્રુ નિશ્વાસ ફરજ છે .. દૂધને માટે રોતાં બાળક

ત્યાં જન્મત તો પુષ્પ હિંડોળે નર્મ શયનનાં સાધન હોત
મોટર મળતે, ગાડી મળતે, નર્સનાં લાલન-પાલન હોત
સોના-રૂપાના ચમચાથી દૂધની ધારા વહેતી હોત
તું રડતે તો પ્રેમની નદીઓ તોડી કિનારા વહેતી હોત
પણ તારા દુર્ભાગ્ય હશે કે જન્મ લીધો તેં આ ઘરમાં
ફેર નથી જે ઘરમાં ઇન્સાન અને જડ પથ્થરમાં … દૂધને માટે રોતાં બાળક

હાડ ને ચામનાં ખોખામાં તું દૂધનાં વલખાં મારે છે
મહેનત નિષ્ફળ જાતી જોઇ રોઇને અશ્રુ પાડે છે
આ ઘરની એ રીત પુરાણી આદીથી નિર્માઇ છે
મહેનત નિષ્ફળ જાયે છે, નિષ્ફળ જાવાને સર્જાઇ છે
વ્યર્થ રડીને ખાલી તારો અશ્રુ ભંડાર ન કર
મોંઘામૂલા એ મોતીનો ગેરઉપયોગ લગાર ન કર … દૂધને માટે રોતાં બાળક

તન તોડીને જાત ઘસીને પેટ અવર ભરવાનાં છે
શ્રમ પરસેવે લોહી નિતારી મહેલ ઊભાં કરવાનાં છે
એના બદલે મળશે ખાવા ગમ ને પીવા આંસુડા
લાગશે એવાં કપરાં કાળે અમૃત સરખા આંસુડા … દૂધને માટે રોતાં બાળક

ભુખ્યા પેટ ને નગ્ન શરીરો એ તો છે દસ્તુર અહીં
ચેન અને આરામ રહે છે સ્વપ્ન મહીં પણ દૂર અહીં
આ ઘરમાં તો એવી અગણીત વાતો મળવાની
ભુખના દા’ડા મળવાના ને પ્યાસની રાતો મળવાની
આ ઘરમાં ઉપવાસ ફરજ છે, દર્દ વ્યથા પરીતાપ ફરજ છે,
ગમ અશ્રુ નિશ્વાસ ફરજ છે, આ ઘરમાં તું જનમ્યું શાને… દૂધને માટે રોતાં

– શૂન્ય પાલનપુરી

શબ્દો માટે આભાર – મીતિક્ષા.કોમ

Happy Birthday to વિવેક મનહર ટેલર & વિવેક કાણે ‘સહજ’

આજે ૧૬મી માર્ચ… વ્હાલા કવિ મિત્ર ડૉ. વિવેક મનહર ટેલર, અને સાથે એમના જ ‘હમનામ’ કવિ શ્રી વિવેક કાણે ‘સહજ’ નો પણ જન્મદિવસ. તો આજે બંને કવિઓની ગઝલો સાંભળીએ એમના પોતાના અવાજમાં.. અને હા, આમ તો જન્મદિવસે ભેટ આપવાનો રિવાજ હોય છે – પણ આજે એ બંને કવિમિત્રો પાસેથી હું એક ભેટ તમારા માટે લઇ આવી છું.

ડૉ. વિવેક મનહર ટેલર                                 શ્રી વિવેક કાણે ‘સહજ’

વિવેક ટેલરની ગઝલનો આસ્વાદ વિવેક કાણે ‘સહજ’ ના શબ્દોમાં…. અને વિવેક કાણે ‘સહજ’ની ગઝલનો આસ્વાદ વિવેક ટેલરના શબ્દોમાં..!!

આશા છે એમના તરફથી આજના આ દિવસ માટે ખાસ મેળવેલા આસ્વાદ માણવાની આપને મઝા આવશે.

અને એમને Happy Birthday કહેવાનું ભૂલી ન જશો..!!

આ રહ્યું મારા અને અમિતના તરફથી…Happy Birthday……!!! 🙂

ગઝલ પઠન : વિવેક મનહર ટેલર

જગત જ્યારે જ્યારે કનડતું રહે છે,
મને કંઈક મારામાં જડતું રહે છે.

છે દિલ પર અસર શેનાં આકર્ષણોની ?
નથી ઢાળ તો પણ ગબડતું રહે છે.

પડે જેમ ખુશબૂનાં પગલાં હવામાં,
કોઈ એમ મારામાં પડતું રહે છે.

રહી દૂર કોઈ રહે ઠેઠ ભીતર,
રહી પાસે કોઈ, અછડતું રહે છે.

આ મન છે કે માણેકશાની ચટાઈ ?
બને દહાડે, રાતે ઊખડતું રહે છે.

આ વાતાનુકૂલિત મકાનોની પાછળ,
જરઠ ઝાડ કંઈ-કંઈ બબડતું રહે છે.

હથેળીની ભાષા અડી ગઈ’તી ક્યારેક,
કબૂતર હજી પણ ફફડતું રહે છે.

-વિવેક મનહર ટેલર

(જરઠ=વૃદ્ધ)

(માણેકશાહ બાવાની ચટાઈ: અમદાવાદનો (કે મહેમદાબાદનો) સુલતાન શહેર ફરતે કોટ બાંધી રહ્યો હતો ત્યારે ત્યાં પડી રહેતો ફકીર ઓલિયો માણેકશાહ બાવો ચટાઈ વણતો રહેતો. દિવસ દરમિયાન એ ચટાઈ વણતો રહેતો અને કોટ બંધાવા આવતો પણ સાંજ પડતા એ ચટાઈ ખોલી નાંખતો અને કોટ તૂટી પડતો દિવસો સુધી આમ ચાલ્યું પછી જ્યારે રાજાને ફકીરનું મહત્વ સમજાયું અને એના આશીર્વાદ લેવા ગયો ત્યારે માણેક બાવાએ ચટાઈ ઊકેલવાનું બંધ કર્યું અને કોટ બંધાયો)

– વિવેક મનહર ટેલર

આસ્વાદક : વિવેક કાણે ‘સહજ’

જગત જ્યારે જ્યારે કનડતું રહે છે
મને કંઇક મારામાં જડતું રહે છે

કનડગત કોને નથી ? કોઈને આની, તો કોઈને તેની, અકળાવી મૂકનારી, બેચૈન કરી નાખનારી. આ બેચૈની, આ પીડા, આ વલોપાત, આ મંથનમાંથી કંઇક નિપજે છે, કંઇક મળી આવે છે. એ કદી વિષ હોય તો ક્યારેક અમૃત. કદી કાળો કડદો તો કદી ધવલ નવનીત. શું મળી આવ્યું એ તો પ્રકાશમાં દેખાય – દ્રષ્ટિના પ્રકાશમાં. નીર-ક્ષીર વિવેક જોઈએ. ડૉ વિવેક ટેલર પાસે આવો વિવેક હોવાના પુરાવા, એમના સર્જનમાંથી મળી આવે છે, શોધવા પડતા નથી.

છે દિલ પર અસર શેના આકર્ષણોની
નથી ઢાળ તો પણ ગબડતું રહે છે

આકર્ષણો અનેક પ્રકારનાં હોય છે. એમાંનું એક એ ગુરુત્વાકર્ષણ. ગુરુત્વાકર્ષણથી ગબડવા માટે ઢાળ જોઈએ. ઢાળ હોય તો પથરો ગબડે. હૃદયને તો ન ગુરુત્વાકર્ષણની જરૂર, કે ન ઢાળની. એ તો બસ ગબડે, આકર્ષણ કોઈ પણ ચાલે. કવિએ એ આકર્ષણોનાં નામ નથી પાડ્યાં. નામ પાડ્યા વિના વાત પહોંચાડી દેવી એ જ ડૉ વિવેકના કવિકર્મનું જમા પાસું, અને ભાવકની સજ્જતાને પડકાર. સુજ્ઞ ભાવકની સજ્જતા પર કવિને પૂરો વિશ્વાસ છે.

પડે જેમ ખુશ્બુનાં પગલાં હવામાં
કોઈ એમ મારામાં પડતું રહે છે

‘પડવું’ એ આમ તો માત્ર એક ક્રિયા – સાવ સામાન્ય, ભૌતિક. પણ એ ક્રિયાપદ ગુજરાતી ભાષામાં કંઈ કેટકેટલા સંદર્ભે વપરાય છે ! હાથમાંથી કલમ ‘પડે’, અને નીતિમત્તાનું ધોરણ પણ ‘પડે’. ‘રેતી ઉપર પગલાંનું પડવું’ એ એક અને ‘મન ઉપર કોઈ છાપનું પડવું’ એ એનાથી જુદું. પડવા પડવા માં ફેર છે અને આ છે ગુજરાતી ભાષાની સમૃદ્ધિ. આ બધું તો ઠીક, પણ ખુશ્બુનાં પગલાં ? અને એ પણ હવા પર ? શબ્દોનાં કોશગત અર્થો અને ભાષાગત સંદર્ભોને અતિક્રમીને એમને આ રીતે પ્રયોજવા એ ડૉ વિવેકનું ભાષાકર્મ.

ખુશ્બુનાં હવા પરનાં પગલાં, એ એની ગતિનો ચિતાર છે. પહેલા મિસરાનું ખુશ્બુનું ગતિમાન, બીજા મિસરામાં કોઈના પડવાને ગતિ આપે છે. કોઈ મારામાં પડે છે, છાપ મૂકે છે અને આગળ વધી જાય છે, રોકાઈ પડતું નથી – કેવી ચિત્તાકર્ષક image છે !

રહી દૂર કોઈ, રહે ઠેઠ ભીતર
રહી પાસે કોઈ અછડતું રહે છે

‘નિકટ’ કે ‘દૂર’ નો, સંબંધની ઉત્કટતા સાથે કેટલો સંબંધ ? ભૌતિક રીતે પાસે હોય એ આપણને જરાય સ્પર્શે જ નહીં અને ભૌતિક અંતર હોવા છતાંય સાચો સંબંધ વધુ ઘનીભૂત થતો જાય એમ પણ બને. આ શેરમાં ‘અછડતું’ નો કાફિયા ખાસ ધ્યાન ખેંચે છે. બાકીની આખી ગઝલમાં બધાં જ કાફિયા ક્રિયાપદોનાં છે, જ્યારે અહીં એ monotony તૂટે છે. બધાં જ કાફિયા ક્રિયાપદોનાં ન રાખવાં એ એક પડકાર છે, જે આપણા કવિ એ સાચવીને ઝીલી લીધો છે.

આ મન છે કે માણેકશાની ચટાઈ ?
બને દહાડે રાતે ઉખડતું રહે છે

‘બનના ઔર બિગડના’ એ પ્રયોગ આમ તો હિન્દી / ઉર્દુ માં થાય છે. મનનું બનવું અને ઉખડવું (એ ય પાછું ઉખડવું, બગડવું નહીં), એવો પ્રયોગ ગુજરાતી માં આગંતુક લાગે. વળી, ચટાઈના બનવા અને ઉખડવા સિવાય પણ મનના ‘દિવસે’ બનવા અને ‘રાતે’ ઉખડવાનો કોઈ સ્વતંત્ર સંદર્ભ હોય તો શેર હૃદ્ય બને. એકંદરે, આખી ગઝલમાં આ એક શેર થોડો કૃત્રિમ જણાય છે. પણ માણેકશા બાવાની લોકવાયકા અને મનને એની ચટાઈની અપાયેલી ઉપમા આસ્વાદ્ય ખરી.

આ વાતાનુકુલિત મકાનો ની પાછળ
જરઠ ઝાડ કંઈ કંઈ બબડતું રહે છે

છેલ્લાં કેટલાંક વર્ષોમાં, પર્યાવરણ અને ખાસ કરીને Global Warming વિષેની ચિંતા પ્રસરી રહી છે. પણ આપણામાંનાં ઘણાં હજી પણ એ તરફ આંખ આડા કાન કરીને, પોતપોતાના આરામદાયક નિવાસમાં નિષ્ક્રિય બેઠાં છે. મકાનની પાછળ ઊભેલા જરઠ ઝાડને આની જાણ છે, પણ એ બિચારું બબડવા સિવાય શું કરી શકે ? એનો એ બબડાટ કોઈ કાને ધરશે ? નાનાં તો નાનાં પણ કોઈ નક્કર પગલાં ભરશે ?

હથેળીની ભાષા અડી ગઈ’તી ક્યારેક
કબૂતર હજી પણ ફફડતું રહે છે

પોતાના બેજવાબદાર વર્તનથી માનવી પોતાની અને સમગ્ર જીવસૃષ્ટિની નિયતી પોતે જ પોતાની હસ્તરેખાઓમાં અંકિત કરી રહ્યો છે. કબૂતર ફફડે છે કારણ કે પેલા જરઠ વૃક્ષની માફક એને પણ નિયતીની જાણ છે. કબૂતર ફફડતું રહેશે – ક્યાં સુધી કોને ખબર !

જોયું ! કયા વિષયથી શરૂ કરીને આપણે ક્યાં આવી ગયા. પણ વાંધો નહીં, ગઝલનું સ્વરૂપ જ એવું છે. એનો પ્રત્યેક શેર એક સ્વતંત્ર કવિતા હોવાથી એક જ ગઝલનાં વિભિન્ન શેર નાનાવિધ ભાવ, વિચાર, વિષય કે આશય ને નિરૂપે એ સ્વીકાર્ય છે. હા, એટલું ખરું કે આ બધું જ, ડૉ વિવેક ટેલરને થતી કનડગતથી આરંભાયેલી આત્મશોધ અને મંથનને પરિણામે પ્રાપ્ત થયેલું નવનીત છે.

આવો, આજે આ જ નવનીતથી એમના (અને મારા પણ) જન્મદિવસની કેક ઉપર icing કરીએ.

‘Happy Birthday to both of us and may we celebrate many more of them, together like this one.’

==================================================


ધીરે ધીરે ઊઘડતી અનુભૂતિની ગઝલ

આસ્વાદ: વિવેક મનહર ટેલર

સ્વર : વિવેક કાણે ‘સહજ’

જેમ જેમ સાંજ સરે રાતમાં ધીરે ધીરે
આવતો જાઉં અસલ પાઠમાં ધીરે ધીરે

મારા તલસાટનો અંતિમ છે તબક્કો જાણે
જોતો જાઉં છું તને જાતમાં ધીરે ધીરે

થાય છે સ્પષ્ટ વધારે ને વધારે ચહેરો,
એક ભૂંસાતી જતી છાપમાં ધીરે ધીરે

શું છે વ્યક્તિત્વ, શું ઓળખ છે નવા ગંતુકની
ખૂલતું જાય છે પદચાપમાં ધીરે ધીરે

નામ લેશે નહીં મારું કે તમારું ને ‘સહજ’
એ વણી લેશે બધું વાતમાં ધીરે ધીરે
– વિવેક કાણે ‘સહજ’

ગઝલ આજે કવિતાનો પ્રતિષ્ઠિત મોભો પામી ચૂકી છે ત્યારે જેમ ક્યારેક સૉનેટનો તેમ આજે ગઝલનો પણ અતિરેક થઈ રહ્યો છે. છંદ-રદીફ-કાફિયાની તુકબંધી જાણનાર દરેક ગઝલ કહેતા થઈ ગયા હોય એવા વખતે પોતાનો અલગ અવાજ જાળવી રાખવું ઘણું દોહ્યલું બની રહે છે. આવામાં કવિ શ્રી વિવેક કાણે ‘સહજ’ પોતાના અસલ પાઠને ભલે ધીરે ધીરે પણ સાંગોપાંગ સાચવી શક્યા છે એ ગુજરાતી ગઝલનું સદનસીબ. ગઝલમાં છંદ અને રદીફની પસંદગી કવિના મિજાજનું પોત ખોલી આપે છે. ગાલગા ગાલલગા ગાલલગા ગાલલગા (ગાગાગા) જેવો ગુજરાતી ગઝલની દુનિયામાં પ્રમાણમાં ઓછો ખેડાયેલો છંદ વાપરી કવિ પોતાની શક્તિનું પ્રથમ પ્રમાણ આપે છે. આ છંદની પ્રવાહીતાના કારણે ગઝલ ન માત્ર વાચનક્ષમ, ગાયનક્ષમ પણ બની છે.

જેમ જેમ સાંજ સરે રાતમાં ધીરે ધીરે
આવતો જાઉં અસલ પાઠમાં ધીરે ધીરે

ગઝલની શરૂઆત દ્વિરુક્તિ પામતા શબ્દથી થાય છે એ નોંધપાત્ર છે કેમકે ગઝલની રદીફ પણ એજ રીતે પ્રયોજાયેલી છે. અને જેમ જેમથી શરૂ થતો ઉલા મિસરો ધીરે ધીરેમાં વિરમે છે ત્યારે સાંજના રાતમાં નિઃશબ્દ સરી પડવાની ઘટના દૃશ્યક્ષમ બની રહે છે. અંધારું દૃશ્યોને ભૂંસી નાંખે છે. બે વસ્તુઓ વચ્ચેના તફાવતને ઓગાળી દઈ અંધારું નાના-મોટા તમામને કાળા રંગની એક જ પીંછીથી રંગી દે છે. અંધારાની કાલિમા પાસે કોઈ ઊંચું નથી ને કોઈ નીચું નથી. આંખ જ્યારે કશું જોઈ શકતી નથી ત્યારે જ બધું સમાન સ્તર પર દૃષ્ટિગોચર થાય છે. નાનાવિધ રંગસભર સાંજ જ્યારે કાળી નિબિડ રાત્રિમાં બિલ્લીપગલે પરિવર્તિત થાય છે ત્યારે કવિ એના અસલ પાઠમાં આવે છે. જ્યારે સમગ્ર સૃષ્ટિને તમે એક જ સમ્યક્ ભાવથી નિરખો છો ત્યારે એ કાળા રંગમાંથી જ ખરો સૂર્યોદય થાય છે. કેવી સહજતાથી અને કેવી વેધકતાથી કવિ પોતાનો આત્મ પરિચય ગઝલના પહેલા જ શેરમાં આપે છે!

મારા તલસાટનો અંતિમ છે તબક્કો જાણે
જોતો જાઉં છું તને જાતમાં ધીરે ધીરે

પ્રણય અને ઝંખનાની ચરમસીમાની પરિભાષા બધાની અલગ અલગ હોઈ શકે.

પ્રણયોર્મિની ચરમસીમાએ મરીઝને એની મા યાદ આવે છે:

મુહબ્બતના દુઃખની આ હદ આખરી છે.
મને મારી પ્રેમાળ મા યાદ આવી.

જવાહર બક્ષી મસ્તીની ચરમસીમાએ વિરક્તિનો અનુભવ કરે છે:

મસ્તી વધી ગઈ તો વિરક્તિ થઈ ગઈ.
ઘેરો થયો ગુલાલ તો ભગવો થઈ ગયો.

તો હરીશ ધોબી તલસાટની પરાકાષ્ઠાએ અલગ જ અભિવ્યક્તિ પામે છે:

તારા વિરહની કેવી ચરમ સીમા એ હશે –
જ્યાં હું મિલનને માર્ગ જવું ટાળતો રહ્યો!

અહીં આ ગઝલમાં કવિ પણ તલસાટના અંતિમ તબક્કાને પોતાની રીતે અનુભવે છે. તીવ્રતાની અનુભૂતિ એક જ છે પણ અભિવ્યક્તિ નોખી છે. અહીં વાત પ્રેયસીની પણ હોઈ શકે અને ઈશ્વરની પણ. પરંતુ સંદર્ભ અહીં ગૌણ છે. અહીં તો કવિનો તલસાટ દીર્ઘત્તમ થયો છે. અને તલસાટ જ્યારે હદપારનો થાય છે ત્યારે સ્વ ઓગળીને સ્વજન બની જાય છે. પ્રણયનો આ સૌથી વધુ ઉચ્ચ તબક્કો છે. પ્રિય પાત્રને ધીરે ધીરે પોતામાં આત્મસાત્ થયેલ અનુભવવું એનાથી વિશેષ શું હોઈ શકે તલસાટની પરિભાષા?

થાય છે સ્પષ્ટ વધારે ને વધારે ચહેરો,
એક ભૂંસાતી જતી છાપમાં ધીરે ધીરે

સમયનું કામ ભૂંસવાનું છે. સમય જો એનું કામ ચૂકી જાય તો કદાચ જીવવું જ દોહ્યલું બની જાય. સ્મરણોનો ભંગાર સમય-સમય પર સાફ થતો ન રહે તો કદાચ ગાંડા થઈ જવાય. રેતીમાં પડેલી છાપ જેમ પવન ધીરે ધીરે ભૂંસી દે છે એમ પસાર થતો કાળ પણ જૂની યાદોને સતત ભૂંસતો રહે છે અને એમ આપણું જીવવું હળવુંફૂલ બનતું રહે છે. પણ કેટલીક સ્મૃતિ, કેટલાક ચહેરા, કેટલાક સંબંધ જેમ-જેમ ભૂંસાતા જાય છે એમ એમ વધુ ને વધુ બળવત્તર રીતે સ્મૃતિપટ પર અંકાતા જાય છે. સમય, સંજોગ, સમાજ કે સમજફેરના લીધે કેટલાક ચહેરા કમનસીબે રસ્તા પરના માઈલસ્ટૉન પેઠે પાછળ છૂટી જાય છે, સફર કે મંઝિલનો ભાગ બની શક્તા નથી. આપણે પણ નદીની જેમ કદાચ આગળ વહી નીકળીએ છીએ પણ વરસોના વીતતા જતા વહાણાંની સાથે જ્યારે એ ચહેરો ધીરે ધીરે વધુને વધુ સાફ નજર આવવા માંડે છે ત્યારે કદાચ આપણને આપણા જીવનમાં એનું સાચું સ્થાન સમજાય છે… બની શકે કે ત્યારે આપણે પાછાં ફરી શક્વાની સ્થિતિમાં ન પણ હોઈએ!

શું છે વ્યક્તિત્વ, શું ઓળખ છે નવાગંતુકની
ખૂલતું જાય છે પદચાપમાં ધીરે ધીરે

– આ શેર વાંચતા જ ઉર્દૂનો એક શેર યાદ આવે છે:

ખત કા મજમૂન ભાઁપ લેતે હૈં લિફાફા દેખકર,
આદમી કો પહચાન લેતે હૈં સૂરત દેખકર.

પણ ઉર્દૂના આ કવિ કરતાં વિવેક કાણે વધુ વાસ્તવવાદી છે. સામે આવનાર નવાગંતુક (કવિ કેવો મજાનો શબ્દ ‘કોઈન’ કરે છે!) ખરેખર કોણ છે અને કેવો છે એ કંઈ પહેલી નજરે કે પહેલી મુલાકાતમાં થોડું જ જાણી શકાય? માણસનું ખરું વ્યક્તિત્વ, એની સાચી ઓળખાણ તો એ જેમ જેમ આગળ વધે એમ ધીરે ધીરે જ જાણી શકાય ને? આ શેરમાં રદીફનો કેવો સચોટ ઉપયોગ થયો છે!

નામ લેશે નહીં મારું કે તમારું ને ‘સહજ’
એ વણી લેશે બધું વાતમાં ધીરે ધીરે

ગઝલ જે રંગમાં ધીરે ધીરે આગળ વધે છે એ જ રંગને મક્તાનો શેર ઓર ઘેરો બનાવે છે. મક્તાનો શેર એટલો બધો સરળ થયો છે કે એના વિશે કશું પિષ્ટપેષણ કરવા બેસીએ તો એમાં રહેલી કવિતાને કદાચ અન્યાય કરી બેસાય. પણ આ શેર જેટલો સરળ છે એટલો જ ઉમદા પણ છે. સરળ શેર સામાન્યતઃ અર્થની સપાટી પર ફસકી પડતા હોય છે જ્યારે અહીં કવિ આ સહલે મુમતેના (દુઃસાધ્ય સરળ) શેરમાં વાણી, વિચાર અને અભિવ્યક્તિની સરળતા હોવા છતાં અર્થગહનતા અને અર્થગાંભીર્યતા જાળવી શક્યા છે એ એમની ‘સહજ’ સિદ્ધિ છે!

સરવાળે આ આખી ગઝલ ભાવજગતને અનવરુદ્ધપણે પણ ધીરેધીરે સંવેદવામાં સફળ નીવડે છે. કવિની છંદની પસંદગી અને એનો નિભાવ, કાફિયાની સહજતા અને નોંધપાત્રરીતે રદીફનો ઉત્તમ નિર્વાહ કાબિલે દાદ છે.

– વિવેક મનહર ટેલર

જરાય દોસ્તો ખબર નથી કે – મનોજ ખંડેરીયા

આજે સાંભળીએ મનોજ ખંડેરીયાની એક ખૂબ જ સુંદર ગઝલ, એટલા જ મઝાના સ્વર-સ્વરાંનક સાથે..

અને હા, અમદાવાદીઓને મનોજ ખંડેરીયાની ગઝલો – અમરભાઇના સ્વરમાં રૂબરૂ સાંભળવાનો એક વધુ લ્હાવો મળશે – માર્ચ ૧૩, ૨૦૧૦ ના દિવસે. વધુ માહિતી માટે અહીં ક્લિક કરોઃ

કાવ્ય સંગીત શ્રેણી – મનોજ ખંડેરિયા (૧૩ માર્ચ, ૨૦૧૦ – અમદાવાદ)

(Photo : મનોજ ખંડેરિયા)

સ્વર સંગીત – અમર ભટ્ટ
આલ્બમ – શબ્દનો સ્વરાભિષેક

.

Live recording of અમર ભટ્ટ @ GS Samanvay 2007

.

જરાય દોસ્તો ખબર નથી કે, અમોને શાની સજા મળી છે,
કશુંય તહોમત નથીજ માથે, વગર ગુનાની સજા મળી છે…..

વિનમ્ર થઈ ને કદાપિય્રે કે કરી ના ફરીયાદો જીંદગીમાં,
રહી રહી ને ખબર પડી કે, ન બોલવાની સજા મળી છે…..

ઘણીય વેળા ઉભા રહ્યા તો, અશક્ત માની હટાવી દીધા,
ઘણીય વેળા સમયથી આગળ વધુ થવાની સજા મળી છે…..

અમારા ઘરમાં અમારા અવસર ઉપર નીમંત્ર્યા બધાને કિંતૂ,
હવે અમારી સભાથી અમને વહી જવાની સજા મળી છે…..

– મનોજ ખંડેરીયા

નારી તું નારાયણી – અમિત ત્રિવેદી

પૃથ્વી પર ઈશ્વરને નિમંત્રણ આપે, નારી તું નારાયણી
તારા થકી તો ઈશ્વર ઘરમાં આવે, નારી તું નારાયણી

અજવાળાં સૂરજ અઢળક છો રેલાવે પણ ઘરમાં હો અંધારૂ
તારા વિના તો સૂરજ પણ ના ફાવે, નારી તું નારાયણી

તારા આ સરજેલા દેવળમાં વસવાની કોની ઈચ્છા ના હો ?
તારે ખોળે તો જીવન કીર્તન પામે નારી તું નારાયણી

નારીના હૈયે ઊછળતાં ઉમંગો જોઈને દરિયો બોલે ,
આખે આખો દરિયો તું તો છલકાવે, નારી તું નારાયણી

મારા મનની પાગલ ઝંઝાઓને કોણ આવી ને સમજાવે?
એ શમશે તું જો આવે આ દરવાજે, નારી તું નારાયણી

– અમિત ત્રિવેદી

લાગણીવશ હૃદય ! – ગની દહીંવાળા

આજે ગનીચાચાની પૂણ્યતિથિના દિવસે એમને હ્રદયપૂર્વક શ્રધ્ધાંજલી સાથે સાંભળીએ એમની આ ખૂબ જ જાણીતી ગઝલ.

(ગની દહીંવાલા….Photo: ગુજરાતી સાહિત્ય પરિષદ)

સંગીત: ભરત પટેલ
સ્વર: નિગમ ઉપાધ્યાય

.

તું ન માને કહ્યું, તું ન વર્તે સમય, લાગણીવશ હૃદય ! લાગણીવશ હૃદય !
છે મને રાત દી એક તારો જ ભય, લાગણીવશ હૃદય ! લાગણીવશ હૃદય !

જોતજોતામાં થઇ જાય તારું દહન, વાતોવાતોમાં થઇ જાય અશ્રુ-વહન,
દવ દીસે છે કદી તો કદી જળપ્રલય, લાગણીવશ હૃદય ! લાગણીવશ હૃદય !

કોઇ દુખિયાનું દુઃખ જોઇ ડૂબી જવું, હોય સૌન્દર્ય સામે તો કહેવું જ શું !
અસ્ત તારો ઘડીમાં, ઘડીમાં ઉદય, લાગણીવશ હૃદય ! લાગણીવશ હૃદય !

એ ખરું છે, કે દુઃખ મુજથી સે’વાય ના, એ ય સાચું તને કાંઈ કે’વાય ના,
હાર એને ગણું કે ગણું હું વિજય ? લાગણીવશ હૃદય ! લાગણીવશ હૃદય !

આભ ધરતીને આવી ભલેને અડે, તારે પગલે જ મારે વિહરવું પડે !
તારી હઠ પર છે કુરબાન લાખો વિનય, લાગણીવશ હૃદય ! લાગણીવશ હૃદય !

મારે પડખે રહી કોઈનો દમ ન ભર, સાવ બાળક ન બન, ઉદ્ધતાઈ ન કર !
બીક સંજોગની છે, બૂરો છે સમય, લાગણીવશ હૃદય ! લાગણીવશ હૃદય !

એક વાતાવરણ સરજીએ હર પળે, આ જગતની સભા કાન દઈ સાંભળે,
હું કવિતા બનું, તું બની જા વિષય, લાગણીવશ હૃદય ! લાગણીવશ હૃદય !

એક સોનેરી અપરાધની તું સજા, પાત્રમાં દુઃખના જાણે ભરી છે મઝા,
જખ્મ રંગીન છે, દર્દ આનંદમય, લાગણીવશ હૃદય ! લાગણીવશ હૃદય !

પારકી આગમાં જઈને હોમાય છે, તારે કારણ ‘ગની’ પણ વગોવાય છે,
લોકચર્ચાનો એ થઈ પડ્યો છે વિષય, લાગણીવશ હૃદય ! લાગણીવશ હૃદય !

– ગની દહીંવાલા

——
વિવેકના શબ્દોમાં ગનીચાચા વિષે:

અબ્દુલગની અબ્દુલકરીમ દહીંવાળા (જન્મ:17 Oct, 1908, મૃત્યુ: 05 March, 1987) ગુજરાતીના પ્રથમ પંક્તિના ગઝલકાર અને ગીતકાર છે એમ કહીએ તો કદાચ એમનું નહીં, આપણી ભાષાનું જ બહુમાન કરીએ છીએ. સુરતના વતની અને ધંધે દરજી. રીતસરનું શિક્ષણ માત્ર ત્રણ ચોપડીનું પણ કવિતાની ભાષામાં જાણે કે ડૉક્ટરેટ. આપસૂઝથી જ ગુજરાતી અને ઉર્દૂ ભાષા પર એવી હથોટી મેળવી કે એમની કવિતાઓ ભાષાની છટા, લઢણ, ધ્વન્યાત્મક્તા, લાલિત્ય અને ભારતીય સંસ્કૃતિના આદર્શોથી મઘમઘી ઊઠે છે. ગઝલ એમનો સહજોદ્ ગાર છે અને એટલે જ બાલાશંકર- કલાપી પછી ગઝલને ગુજરાતીપણું અપાવવામાં એમણે નોંધપાત્ર ફાળો આપ્યો.

કાવ્યસંગ્રહ: ‘ગાતાં ઝરણાં’, ‘મહેંક’, મધુરપ’, ‘ગનીમત’ (મુક્તક સંગ્રહ), ‘નિરાંત’, ‘ફાંસ ફૂલની’
(આભાર – લયસ્તરો )

દિવાસળી શોધ્યા કરે – મેઘબિંદુ

(મીણબત્તી…બૂઝવી….દિવાસળી શોધ્યા કરે)

એ નિરર્થક વાતને ઘૂંટયા કરે,
જિંદગી એ રીતથી જીવ્યા કરે.

ગૂંચનો પણ ખ્યાલ તો આવ્યો નહીં,
ને સતત એ જિંદગી ગૂંથ્યા કરે.

મીણબત્તી એમણે બૂઝવી દીધી,
ને પછી દિવાસળી શોધ્યા કરે.

જાણ ખુદની છે છંતાયે એ હજુ
અન્યને પોતા વિશે પૂછયા કરે.

જીવવાનું છે અહિં ઘોંઘાટમાં
લાગણીને એ સતત પીંજયા કરે.

– મેઘબિંદુ

સ્વપ્નાં વચ્ચેથી રસ્તો – જવાહર બક્ષી

આજે કવિ જવાહર બક્ષીનો જન્મદિવસ… એમને ખૂબ ખૂબ શુભેચ્છાઓ સાથે વાંચો એમની આ ગઝલ ‘સ્વપ્નાં વચ્ચેથી રસ્તો’

(…..ખીણ અને ટેકરીઓ…..Lassen Volcanic National Park, California)

અજવાળાંનો આવો શું નુસખો કરવાનો,
વૃક્ષો કાપીને કેવો તડકો કરવાનો.

સંબંધો ને સંજોગો તો પડછાયા છે,
પડછાયા પર શુંયવળી ગુસ્સો કરવાનો.

સૌના મંતવ્યોની ખીણ અને ટેકરીઓ,
કંઈ બોલીને અહીંયા શું પડઘો કરવાનો.

પર્વત, દરિયા, વન કે રણ તો પાર કરી દઉં,
અહીં તો સ્વપ્નાં વચ્ચેથી રસ્તો કરવાનો.

એ જાણે છે એનું રૂપ બધે નિખર્યું છે,
તોય નિયમ ક્યાં તોડે છે પડઘો કરવાનો.

– જવાહર બક્ષી