Category Archives: ગઝલ

અંધાર શબ્દનો – મનોજ ખંડેરિયા

ક્યાંથી હવાય પામી શકે પાર શબ્દનો
પ્હોળો છે આભ જેટલો વિસ્તાર શબ્દનો

વર્ષોથી હૈયું ઝંખતું અજવાળું મૌનનું
ઘેરી વળ્યો છે આંખને અંધાર શબ્દનો

વન વન નગર ને શેરીઓ ઘર કે દીવાલ સૌ
લઈને ઊભાં છે પાંગળો આધાર શબ્દનો

ભેગા મળીને સાત સૂરજ તપશે જે ઘડી
પીગળી બરફની જ્યમ જશે આકાર શબ્દનો

આંજો નયનમાં સાંજનું ભગવું ગગન હવે
શોભે ન આજ આપણે શણગાર શબ્દનો

– મનોજ ખંડેરિયા

ગઝલ વિષે ગઝલ – આદિલ મન્સૂરી

ગઝલ પઠન : આદિલ મન્સૂરી

સૂર્યની આંખોથી છલકાતી ગઝલ,
ચાંદની સર્વત્ર પથરાતી ગઝલ.

લીલી પીળી વાદળી રાતી ગઝલ,
છેવટે તો શ્વેત થઈ જાતી ગઝલ.

ક્ષણમાં સિદ્ધિનાં શીખર પર જઈ ચડે,
એજ સદીઓથી ઉવેખાતી ગઝલ.

સુક્ષ્મત્તમ થી સુક્ષ્મત્તમથી સુક્ષ્મત્તમ,
કે નરી આંખે ન દેખાતી ગઝલ.

મૌન વચ્ચે, મૌન વચ્ચે બૂમ થઈ,
મનનાં ઉંડાણોમાં પડઘાતી ગઝલ.

કોણ કોને કેમ ક્યારે કેટલી,
કઈરીતે કેટલી સમજાતી ગઝલ.

વિસ્તરે તો વ્યોમ પણ ટૂંકું પડે,
એક બિંદુમાં સમેટાતી ગઝલ.

મૂક થઈ જોયા જ કરવાનું હવે,
શબ્દ વચ્ચેથી સરી જાતી ગઝલ.

વહી જતી પત્થર ઉપરથી વહી જતી,
કાળજે પાણીનાં કોરાતી ગઝલ.

જ્યારે ‘આદિલ’ શ્વાસ પણ ડૂબી જતો,
ત્યારે રોમે રોમ સંભળાતી ગઝલ.

જીહાં ‘આદિલ’ તો તખલ્લુસ માત્ર છે,
નામ ધંધો ધર્મ ને જાતી ગઝલ.

– આદિલ મન્સૂરી

ગુજારે જે શિરે તારે – બાલાશંકર કંથારીયા

લયસ્તરો ‘યાદગાર ગુજરાતી ગઝલો’ ની શ્રેણીની શરૂઆત ધવલભાઇએ આ જ ગઝલથી કરી હતી..! અને એમની વાત પણ સાચી – સવાસો વર્ષ પહેલા લખાયેલી આ ગઝલની પ્રથમ પંક્તિ તો કહેવત જ બની ગઇ છે. તો માણીએ આ ગઝલના આજે પણ એટલા જ પ્રસ્તુત શબ્દો – મઝાના સ્વર-સ્વરાંકન સાથે!

સ્વર – સંગીત : ??

ગણ્યું જે પ્યારું પ્યારાએ....

ગુજારે જે શિરે તારે, જગતનો નાથ તે સહેજે.
ગણ્યું જે પ્યારું પ્યારાએ, અતિ પ્યારું ગણી લેજે!

દુનિયાની જૂઠી વાણી, વિષે જો દુ:ખ વાસે તો,
જરાયે અંતરે આનંદ ના ઓછો થવા દેજે!

કચેરી માંહીં કાજીનો, નથી હિસાબ કોડીનો.
જગત કાજી બનીને તું વહોરી ના પીડા લેજે!

જગતના કાચના યંત્રે, ખરી વસ્તુ નહીં ભાસે.
નસારા કે નઠારાની જરાયે સંગતે રહેજે!

રહેજે શાંતિ સંતોષે, સદાયે નિર્મળે ચિત્તે.
દિલે જે દુ:ખ કે આનંદ કોઇને નહીં કહેજે!

વસે છે ક્રોધ વૈરી ચિત્તમાં, તેને ત્યજી દેજે
ઘડી જાયે ભલાઈની મહાલક્ષ્મી ગણી લેજે!

રહે ઉન્મત્ત આનંદે, ખરું એ સુખ માની લે.
પીએ તો શ્રી પ્રભુના પ્રેમનો પ્યાલો ભરી પીજે!

કટુ વાણી સુણે જો કોઇની, વાણી મીઠી કહેજે
પરાઇ મૂર્ખતા કાજે મુખે ના ઝેર તું લેજે!

અરે ! પ્રારબ્ધ તો ઘેલું, રહે છે દૂર માંગે તો
ન માગ્યે દોડતું આવે ન વિશ્વાસે કદી રહેજે!

અહો શું પ્રેમમાં રાચે ? નહીં ત્યાં સત્ય પામે તું ?
અરે તું બેવફાઈથી ચડે નિંદા તણા નેજે.

લહે છે સત્ય જે સંસાર તેનાથી પરો રહેજે,
અરે એ કીમિયાની જો મઝા છે તે પછી કહેજે.

વફાઈ તો નથી આખી દુનિયામાં જરા દીઠી,
વફાદારી બતા’વા ત્યાં નહીં કોઈ પળે જાજે.

રહી નિર્મોહી શાંતિથી, રહે એ સુખ મોટું છે
જગત બાજીગરીનાં તું બધાં છલબલ જવા દેજે !

પ્રભુના નામનાં પુષ્પો, પરોવી કાવ્યમાળા તું.
પ્રભુની પ્યારી ગ્રીવામાં પહેરાવી પ્રીતે દેજે !

કવિ રાજા થયો શી છે પછી પીડા તને કાંઇ?
નિજાનંદે હંમેશાં બાલ મસ્તીમાં મઝા લેજે !

– બાલાશંકર કંથારીયા
(1858 – 1898)

(શબ્દો માટે આભાર – લયસ્તરો.કોમ)

ફર્યા કરે છે – રાજેશ વ્યાસ ‘મિસ્કીન’

સ્વર: પુરુષોત્તમ ઉપાધ્યાય
સ્વરાંકન : અમર ભટ્ટ
સંગીતઃ અમિત ઠક્કર
આલ્બમ: હરિને સંગે

.

    દેરી મંદિર શોધી શોધી લોક નિરંતર ફર્યા કરે છે,
    રોજ રોજ સરનામું બદલું જાણે ઈશ્વર ફર્યા કરે છે.

    રસ્તા જોયા માણસ જોયા વિચારને પણ જોતા શિખ્યો,
    કોઈ નથી જંપીને બેઠું માણસ માતમ કર્યા કરે છે.

    પવન આવતા કરે ઉડાઉડ પ્લાસ્ટિકની હલકી કોથળીઓ,
    જોયા છે મેં સુખનાં છાંટા ઘણાંયે અધ્ધર ફર્યા કરે છે.

    ગળી જાય છે બધાય સુખદુ:ખ, ગળી જાય છે બધુ ભલભલું,
    મનનું નામ ધરીને ભીતર ભૂખ્યો અજગર ફર્યા કરે છે.

    દર્શન છોડી પ્રદક્ષિણામાં રસ કેવો ‘મિસ્કીન’ પડ્યો છે,
    ભીતર પ્રવેશવાને બદલે ચક્કર ચક્કર ફર્યા કરે છે

    – રાજેશ વ્યાસ ‘મિસ્કીન’

એક જ ટીપામાં હો જાણે સાત સમંદર – પ્રા. હિમલ પંડ્યા “પાર્થ”

સ્વરાંકન – પ્રણવ મહેતા, સ્વર – ડો. ભાવના મહેતા, સંગીત સંચાલન – નીરવ પંડ્યા તથા જ્વલંત ભટ્ટ, રેકોર્ડીંગ – સુનીલ પંડ્યા

Stinson Beach, CA .... August, 2011

એક જ ટીપામાં હો જાણે સાત સમંદર,
એવા ઝંઝાવાત હજુ હૈયાની અંદર;

હોય હરણને મૃગજળથી બે હાથનું છેટું,
તારી ને મારી વચ્ચે બસ, એટલું અંતર!

જેવી હું, એવો તું એ નક્કી હોવાનો,
ભેદ ભલે હો બ્હાર, બધું સરખું છે ભીતર;

જુઓ કિનારે હાથ કોઈ ફેલાવી ઊભું!
ચાલો અહિયાં અટકી જઈએ, નાખો લંગર.

– પ્રા. હિમલ પંડ્યા “પાર્થ”

(Click here for the video – slide show link)

મન થઈ જાય છે – ભરત વિંઝુડા

ઝાંઝરીની જેમ ઝણઝણવાનું મન થઇ જાય છે,
પગની સાથે ગીત ગણગણવાનું મન થઇ જાય છે.

કંઇક નદીઓને સમંદરમાં વહેતી જોઇને,
આભમાં વાદળને ઝરમરવાનું મન થઇ જાય છે.

કોઇ મારી પાસે આવીને પૂછે કે કેમ છો ?
છું જ નહીં કહીને અવગણવાનું મન થઇ જાય છે.

આપણે સાથે નથી એવો સમય વિતાવવા,
વૃક્ષનાં પર્ણો બધાં ગણવાનું મન થઇ જાય છે,

જે જગ્યાએ હોઇએ હું ને તમે બે સાથમાં,
ચારે બાજુએ ભીંતો ચણવાનું મન થઇ જાય છે.

-ભરત વિંઝુડા

તનાવ રાખું છું – મહેશ દાવડકર

પારદર્શક લગાવ રાખું છું,
વાયુ જેવો સ્વભાવ રાખું છું.

પાર જઈને હું ત્યાં કરું પણ શું?
બસ હું તો તરતી નાવ રાખું છું.

ખોળિયામાં હવે નથી સીમિત,
કોઈમાં આવજાવ રાખું છું.

રસ પડે તો પતંગિયું થઈ આવ,
ફૂલ જેવો હું ભાવ રાખું છું.

જીવું છું એવું લાગે એથી તો,
રોજ થોડો તનાવ રાખું છું.

મૂળ પકડાઈ જાય પીડાનું,
એથી તાજા હું ઘાવ રાખું છું.

ક્યાંક છલકાઈ જાઉં ના એથી,
હું મને ખાલી સાવ રાખું છું.

– મહેશ દાવડકર

હું જેમ જેમ તારો દીવાનો થતો ગયો – રાહી ઓધારિયા

સ્વર – સ્વરાંકન : ભદ્રાયુ ધોળકિયા

હું જેમ જેમ તારો દીવાનો થતો ગયો-
બસ એમ એમ મારો જમાનો થતો ગયો.

એનો થતો ગયો અને આનો થતો ગયો,
કોને ખબર હું કેમ બધાનો થતો ગયો !

આપી છે તારી પ્રીતે નજરને વિશાળતા,
તારો થયા પછી હું ઘણાનો થતો ગયો.

વ્યક્તિત્વ ઓગળી ગયું તારા વિચારમાં,
મોટા થવાની સાથ હું નાનો થતો ગયો.

કેવી અસર થઈ છે મને તારા સંગની-
જાણે કે હું જ મારા વિનાનો થતો ગયો !

-રાહી ઓધારિયા

બહુ એકલવાયું લાગે છે – હેમેન શાહ

-તો દોસ્ત, હવે સંભળાવ ગઝલ, બહુ એકલવાયું લાગે છે,
લે મૂક હથેળી પર મખમલ, બહુ એકલવાયું લાગે છે.

શાયદ મારો ભુક્કો થાશે કે ઢાંચામાં જકડાઈ જઈશ,
શું થાશે એ કહેવું ન સરલ, બહુ એકલવાયું લાગે છે.

કૂવો બેઠો આતુરતાથી, વરસી ના એકે પનિહારી,
સંકોચાતું મરજાદી જલ, બહુ એકલવાયું લાગે છે.

ઉનાળો લઈને ખોબામાં જંગલ જંગલ ભટક્યા કરવું,
બે આંખો ત્યાં ભાળી શીતલ, બહુ એકલવાયું લાગે છે.

ખખડાવે ખુલાસાના રસ્તા, શંકાના ભીડેલા દરવાજા,
સોંસરવો છે આ કોલાહલ, બહુ એકલવાયું લાગે છે.

– હેમેન શાહ

દશે દિશાઓ સ્વયં આસપાસ ચાલે છે – જવાહર બક્ષી

આજે સાંભળીએ આલાપ દેસાઇના સ્વરમાં, આલાપનું જ સ્વરાંકન – અને ૨૦૦૭ના ગુજરાત સમાચાર સમન્વય પ્રોગ્રામ વખતે થયેલી રજૂઆતનું રેકોર્ડિંગ..! આલાપ દેસાઇને સાંભળવા એ તો લ્હાવો છે જ – પણ એ જ્યારે તબલા હાથમાં લે ત્યારે લાગે કે બીજા કોઇ જ વાજિંત્રની જરૂર જ નથી..! અને અમેરિકા-કેનેડાના ગુજરાતીઓને એમના સ્વર-સ્વરાંકન અને તબલાનો ટહુકો ટૂંક સમયમાં જ સાંભળવા મળશે.
Click : આશિત – હેમા – આલાપ દેસાઇ in USA & Canada (Aug-Sep 2011)

સ્વર – સ્વરાંકન : આલાપ દેસાઇ

કશે પહોંચવાનો ક્યાં પ્રયાસ ચાલે છે! .. Photo: Vivek Tailor

દશે દિશાઓ સ્વયં આસપાસ ચાલે છે,
શરૂ થયો નથી તો પણ પ્રવાસ ચાલે છે.

કશે પહોંચવાનો ક્યાં પ્રયાસ ચાલે છે,
અહીં ગતિ જ છે વૈભવ વિલાસ ચાલે છે.

દશે દિશાઓમાં સતત એક સામટી જ સફર,
અને હું એ ન જાણું કે શ્વાસ ચાલે છે.

અટકવું એ ગતિનું કોઈ રૂપ હશે,
હું સાવ સ્થિર છું, મારામાં રાસ ચાલે છે.

– જવાહર બક્ષી