Category Archives: ગઝલ

ગમે ત્યારે – મકરંદ મુસળે

કશું કે’વાય ના આવી પડે એ પળ ગમે ત્યારે,
સુલભ વાતાવરણ છે ફૂટશે કૂંપળ ગમે ત્યારે.

અમે સચ્ચાઈને ક્યારેય પણ જીરવી નથી શક્તા,
બને તો રણ મહીં મૃગજળ બનીને મળ ગમે ત્યારે.

તમારી યાદની કેવી અસર છે જોઈ લો જાતે,
ધ્રુજી ઊઠશે અમારી પીઠના સળ ગમે ત્યારે.

ભલે હો એક ટીપુ પણ નજરઅંદાજ ના કરતાં,
સમંદરમાં ભળી એ બોલશે ખળ ખળ ગમે ત્યારે.

અમે તો દૂધનો પ્યાલો થઈને ક્યારના બેઠાં,
હવે તું આવ ને સાકર બનીને ભળ ગમે ત્યારે.

-મકરંદ મુસળે

(આભાર – લયસ્તરો)

તમારા શહેરમાં – કરસનદાસ લુહાર

સઘળા છે ઝાળ ઝાળ તમારા શહેરમાં!
કોને કહું : ‘પલાળ…’ તમારા શહેરમાં!

બેસી અને એકાદ જ્યાં ટહુકો મૂકી શકું,
એવી મળી ન ડાળ તમારા શહેરમાં

હું એક પછી એક બધા ઓઢતો ફરું –
જે જે મળે છે આળ તમારા શહેરમાં.

ફૂટપાથિયા પરિચયોની ભીડમાં મને
મારી રહી ન ભાળ તમારા શહેરમાં.

તમને-નગરને સાવ અનુરૂપ છું હવે
ઉલાળ ના ધરાળ તમારા શહેરમાં!

– કરસનદાસ લુહાર

પ્રકાશનો રવ – રતિલાલ જોગી

સાજનો પણ એ ક્યાં છે સાજનો રવ,
છે તો સૌના હૃદયના તારનો રવ.

સાંભળી ચહેકી ઊઠ્યાં પંખીડાં –
ફૂલની શબનમી કુમાશનો રવ.

શું કહું કેટલો એ ગાજે છે –
તારી ચુપચાપ પગની ચાપનો રવ.

જુઓ, બ્રહ્માંડ એક કાન થયું,
સાંભળો સાંભળો પ્રકાશનો રવ.

શબ્દ ભૂલી જશો તો સંભળાશે –
લાગણીનો અને વિચારનો રવ.

– રતિલાલ જોગી

મશ્કરીની વાત હશે – શયદા

સંગીતકાર પંડિત ઓમકારનાથ ઠાકુરને એમના જન્મદિવસ….૨૪મી જૂન….આપણા બધા તરફથી હ્રદયપૂર્વક શ્રધ્ધાંજલી….!!

સ્વત – અતુલ દેસાઈ
સંગીત – પંડિત ઓમકારનાથ ઠાકુર

શરૂ શરૂમાં હું સમજયો
હજુ શરૂઆત હશે,
મશ્કરીની વાત હશે,
મીઠી મજાક હશે.

અજાણ હું હતો
સજા નહિ સમજયો,
દિવસો દુઃખના હશે,
રુદનની રાત હશે,
હજુ શરૂઆત હશે,
મીઠી મજાક હશે,
મશ્કરીની વાત હશે.

કબૂલ કર્યું મેં છે છતાં
દિલ કહે છે મારું,
કે જૂઠી કબૂલાત હશે,
મીઠી મુલાકાત હશે,
મશ્કરીની વાત હશે.

કહે છે સનમ કે
આવુ છું મળવા તને,
કે વિરહની વાત હશે,
વરલની એ રાત હશે,
હજુ શરૂઆત હશે.

કહે છે કે દિલ મારું
મળવા તને આવું કે,
કે મૃત્યુની એ રાત હશે,
શયદાને સનેપાત હશે,
મીઠી મજાક હશે,
મશ્કરીની વાત હશે,
મીઠી મજાક હશે.

– શયદા

પ્રથમ સૂર્ય પાસે… – હેમંત પુણેકર

કાવ્ય પઠન – હેમંત પુણેકર

પ્રથમ સૂર્ય પાસે ઉધારી કરે છે
પછી ચાંદ બહુ હોશિયારી કરે છે

જરી અમથી છે વાત મારી તમારી
છતાં સૌ વધારી વધારી કરે છે

હવે મારા મિત્રો, રહ્યાં ક્યાં છે મારા?
મળે છે મને, વાત તારી કરે છે

આ ઝાકળને આવી, તુજ આંસુની ઈર્ષા
જે ફૂલોથી કોમળ સવારી કરે છે

સુકોમળ સપન તે છતાં ઊગવાનાં
તું શું પથ્થરોની પથારી કરે છે!

મહેકતી પળો છે, બહેક મન મૂકીને
બધું શું વિચારી વિચારી કરે છે

અચાનક મળી તું, અવાચક છું હું, પણ
હૃદય હર્ષની ચિચિયારી કરે છે

– હેમંત પુણેકર

છંદોવિધાનઃ લગાગા લગાગા લગાગા લગાગા

******
(આભાર – હેમકાવ્યો)

મને તો તમારી સદા યાદ આવે – આતશ ભારતીય

સ્વર – સ્વરાંકન : રાહુલ રાનડે

મને તો તમારી સદા યાદ આવે,
પ્રણયના પ્રસંગો બધા યાદ આવે.

તમે સાત સાગર તરીને ગયાં પણ,
અહીં તો તમારો હજી સાદ આવે

બધે આજ વાદળ છવાયા ગગનમાં,
ટહૂકો તમે તો જ વરસાદ આવે !

હવે રોજ એવી મિલનની મજા ક્યાં?
મિલનની મજા તો વિરહ બાદ આવે.

ન ‘આતશ’ પરાયો તમે પણ સમજશો,
કદી કામનો છે, કદી યાદ આવે !

૨૨/૦૯/૧૯૭૫ – આતશ ભારતીય

સાંભળ્યું…… – વિનોદ જોશી

સ્વરાંકન : આશિત દેસાઇ
સ્વર : આશિત – હેમા દેસાઇ

ઝુલ્ફમાં ભૂલી પડેલી આંગળી, તેં સાંભળ્યું ?
રાતભરનો થાક લઈ પાછી વળી, મેં સાંભળ્યું.

આંગળી ખંડેરનો હિસ્સો નથી, તેં સાંભળ્યું ?
છે હવે ગુલમહોરની કળી, મેં સાંભળ્યું.

ટેરવે ઘેઘુર સન્નાટો હતો, તેં સાંભળ્યું ?
દરબદર વાગે હવે ત્યાં વાંસળી, મેં સાંભળ્યું.

છે ઉઝરડા મખમલી આકાશમાં, તેં સાંભળ્યું ?
આ નખોનું નામ હિંસક વીજળી, મેં સાંભળ્યું.

સાવ બરછટ એ બધો વિસ્તાર છે, તેં સાંભળ્યું ?
એટલે જ ત્યાં સ્પર્શની લાશો ઢળી, મેં સાંભળ્યું.

આ અજાણ્યો દેશ માફક આવશે, તેં સાંભળ્યું ?
એક જાણીતી ગલી અહિંયા મળી, મેં સાંભળ્યું.

આપણું મળવું ગઝલ કહેવાય છે, તેં સાંભળ્યું ?
કાફિયા ઓઢી ફગાવી કામળી, મેં સાંભળ્યું.

– વિનોદ જોશી

(શબ્દો માટે આભાર – taramaitrak)

મોકલું – હનીફ સાહિલ

આંખોમાં તરવરે છે તે ભીનાશ મોકલું,
આ ખાલી ખાલી સાંજ ને આકાશ મોકલું.

તારા વગર હયાતીના કાચાં અધૂરા સ્વપ્ન,
રૂંવે રૂંવે ડસે છે તે એહસાસ મોકલું.

તુજને ગમે તો મોકલું ખાલીપણાના ફૂલ
અથવા વળાંકે ઊભેલો વિશ્વાસ મોકલું.

વાંચી તો કેમ શકશે તું શાહીની વેદના,
ઉકલી શકે તો લોહીનો અજવાસ મોકલું.

– હનીફ સાહિલ

ભલા માણસ – પ્રણવ પંડ્યા

શું કરવાને પીડાવાનું? શું કરવો ગમ ભલા માણસ,
સતત અંધારપટ પણ ક્યાં રહે કાયમ ભલા માણસ.

હવે નાહક જુએ છે અધખૂલેલી બારીઓ પાછળ,
તને તાકી રહ્યું એ છે ભ્રમ ભલા માણસ.

દીવાલો સાવ પોલી છે, કદી પડઘો નહીં પાડે,
કરી દે બંધ તારા સ્નેહની સરગમ ભલા માણસ.

ઘણી છે વાટ નાની ને દીવે દિવેલ પણ ઓછું,
ને તારા ભાગ્યમાં છે મેઘની મોસમ ભલા માણસ.

તું પ્રગટાવીને પોતાને ઉજાળી દે દિશા સઘળી,
તને વધતી જતી વેદનાના સમ ભલા માણસ.

– પ્રણવ પંડ્યા

ડર ન હેમંત – હેમંત પુણેકર

કાવ્ય પઠન – હેમંત પુણેકર

ડર ન હેમંત રીત બદલવામાં
બેધડક નામ લઈ લે મત્લામાં*

મંઝિલો જાય છોને ચૂલામાં
અમને ગોઠી ગયું છે રસ્તામાં

એને ભીંજાતી જોયા કરવાની
પાણીપાણી થવાનું વર્ષામાં

કંઈક કાંટાળી યાદો ભોંકાઈ
ફૂલ શો એક ચહેરો સ્મરવામાં

એ હકીકત હશે કે બીજુ કંઈ
સપનું આવે કદી જો સપનામાં!

– હેમંત પુણેકર

છંદવિધાનઃ ગાલગા ગાલગાલ ગાલલગા/ગાગાગા

*મત્લા -> ગઝલનો પ્રથમ શેર.
સામાન્યતઃ ગઝલના છેલ્લા શેર (મક્તામાં) કવિનું નામ આવે એવી પ્રથા છે.

******
(આભાર – હેમકાવ્યો)