Category Archives: કરસનદાસ લુહાર

તમારા શહેરમાં – કરસનદાસ લુહાર

સઘળા છે ઝાળ ઝાળ તમારા શહેરમાં!
કોને કહું : ‘પલાળ…’ તમારા શહેરમાં!

બેસી અને એકાદ જ્યાં ટહુકો મૂકી શકું,
એવી મળી ન ડાળ તમારા શહેરમાં

હું એક પછી એક બધા ઓઢતો ફરું –
જે જે મળે છે આળ તમારા શહેરમાં.

ફૂટપાથિયા પરિચયોની ભીડમાં મને
મારી રહી ન ભાળ તમારા શહેરમાં.

તમને-નગરને સાવ અનુરૂપ છું હવે
ઉલાળ ના ધરાળ તમારા શહેરમાં!

– કરસનદાસ લુહાર

મારો ઉજાસ થઇને – કરસનદાસ લુહાર

આ ઉષ્ણ અંધકારે મેઘલ ઉજાસ થઇને,
આંખોમાં તું ઊગી જા ઘેઘૂર ઘાસ થઇને.

અકબંધ કેવી રીતે રાખી શકું મને હું ?
જ્યારે તું પંક્તિમાં તૂટે છે પ્રાસ થઇને.

ચાલ્યું ગયું છે મૂકીને ઝળહળાટ ઘરમાં,
આવ્યું હતું જે રહેવા કાળી અમાસ થઇને.

સુંવાળી કામનાઓ લીંપીં દે લોહીમાં તું,
આ જંગલી ફૂલોની આદિમ સુવાસ થઇને.

તારું તમસ લઇને હું ખીણમાં પડ્યો છું,
ને તું શિખર ચડે છે મારો ઉજાસ થઇને.

લોબાન-ધૂપ જેવી પ્રસરી છે લાગણીઓ,
કોઇ ફકીર કેરો લીલો લિબાસ થઇને.

ઘરથી તે ઘર સુઘીના રસ્તાઓ છે વિકટ કે,
ભૂલો પડ્યો હું ઘરમાં ઘરનો પ્રવાસ થઇને.