Category Archives: શ્યામલ મુન્શી

એક છોકરીના હોય ત્યારે કેટલા અરીસાઓ – રમેશ પારેખ

આજે ફરી એક વાર હસ્તાક્ષર…

આમ તો હસ્તાક્ષરના દરેક આલ્બમની જેમ આ ‘રમેશ પારેખ’ ના હસ્તાક્ષરમાંથી પણ કોઇ એક ગમતુ ગીત પસંદ કરવું હોય તો મુશ્કેલ કામ. એમ થાય કે ‘સાંવરિયો’ને પસંદ કરું, તો ‘મનપાંચમના દરિયા’ને ખોટું ના લાગે? ‘આંખોના દ્રશ્યો’ને યાદ કરું કે ‘છોકરીના હાથથી પડતા રૂમાલ’ને ?

છેવટે મેં પસંદ કર્યું આ ગીત : ‘એક છોકરીના હોય ત્યારે કેટલા અરીસાઓ સામટા ગરીબ બની જાય છે’.
શ્યામલ-સૌમિલની જોડીએ ઘણો સરસ કંઠ આપ્યો છે. આ આખા ગીતમાં મને સૌથી પહેલા યાદ રહી ગયેલી, અને સૌથી વધુ ગમતી પંક્તિઓ :

સૌ સૌ નો સૂરજ સૌ સાંચવે પણ છોકરીના હિસ્સાના સૂરજનું શું?
આમ તો સવાલ આખા ગામનો છે પણ, કેવળ છોકરાને આવે આંસુ.

indian_princess_PI51_l

સ્વર અને સંગીત : શ્યામલ – સૌમિલ મુન્શી

એક છોકરી ન હોય ત્યારે
કેટલાં અરીસાઓ
સામટા ગરીબ બની જાય છે

બીજું શું થાય
કંઈ પથ્થર થઈ જાય
કંઈ ચોખંડી ચીજ બની જાય છે

શેરીના છેવાડે ઊભેલા છોકરાને
શું શું નહિ થાતું હોય બોલો
હાથમાંને હાથમાં જ મોગરાનું
ચીમળાતું ફૂલ બની જાય ફરફોલો

અંધારું સાંજ પહેલા
આંખોમાં ઘેરી વળે
એવો બનાવ બની જાય છે

સૌ સૌનો સૂરજ સૌ સાચવે પણ
છોકરીના હિસ્સાના સૂરજનું શું
આમ તો સવાલ આખા ગામનો છે
પણ કેવળ છોકરાને આવે આંસુ

ગામ વચ્ચે ઓગળતો
ઓગળતો છોકરો
કંઈ પણ નથી જ બની જાય છે

( કવિ પરિચય )

ભોમિયા વિના મારે – ઉમાશંકર જોષી

કવિ શ્રી ઉમાશંકર જોષી ( જન્મ : 21 જુલાઇ, 1911 )

સ્વર : ઉદય મઝુમદાર
સંગીત : શ્યામલ – સૌમિલ મુન્શી

bhomiya

.

ભોમિયા વિના મારે ભમવા’તા ડુંગરા,
જંગલની કુંજકુંજ જોવી હતી;
જોવી’તી કોતરો ને જોવી’તી કંદરા,
રોતા ઝરણાંની આંખ લ્હોવી હતી.

Continue reading →

આંખ્યુંના આંજણમાં – સુરેશ દલાલ

સ્વર : અનાર કઠિયારા, આરતી મુન્શી.
સ્વરાંકન : ઓરીગીનલ કંપોઝીશન – ક્ષેમુ દિવેટીઆ
આલ્બમ : હસ્તાક્ષર (શ્યામલ – સૌમિલ મુન્શી)

.

ટહુકો ફોંઉન્ડેશન પ્રસ્તુત “સંવેદનાનની સુરાવલી” કાર્યક્રમમાં હેતલ જાગીરદાર બ્રહ્મભટ્ટ અને આણલ અંજારિયાના અવાજમાં ગવાયેલ ગીત :

આંખ્યુંના આંજણમાં ફાગણનો કેફ અને અંબોડે કેસુડો લાલ;
રંગ ને સુગંધના સરવરિયે સંગ સંગ સાંવરિયા રમવાને ચાલ !

આવતા ને જાતા આ વરણાગી વારયાએ મચાવ્યાં છે ઝાઝા તોફાન;
ભૂલીને ભાન ભંવર ભમતો ભમે છે આજ પુષ્પોના અમરતને પાન.
આંબલિયે બજવે છે કોકિલ બાંસુરિયા અંતરને ઊંડે ઉછાળ;
રંગ ને સુગંધના સરવરિયે સંગ સંગ સાંવરિયા રમવાને ચાલ !

લૂમઝૂમતી મંજરીની હરિયાળી મ્હેક મારી મબલખ જગાવે છે ઝંખના;
નજરુંને હેરીને જોયું જરીક, કેવાં ઊડે પતંગિયા અજંપના !!
થઇને ગુલાલ આજ રંગે ઘરાની ધૂળ વાયરાના રેશમી રૂમાલ;
રંગ ને સુગંધના સરવરિયે સંગ સંગ સાંવરિયા રમવાને ચાલ !

———-

સૌમિલભાઇએ જ્યારે હસ્તાક્ષરના દરેક આલ્બમમાંથી એક રચના ‘ટહુકા’ પર મૂકવાની પરવાનગી આપી, ત્યારે જે ખુશી થઇ એને શબ્દો આપવા મુશ્કેલ છે. કારણકે મારી સંગીતની દુનિયાની વાત થતી હોય, તો એ હસ્તાક્ષર વગર તો અધૂરી જ ગણાય. આજે ‘સુરેશ દલાલ’ના હસ્તાક્ષરમાંથી એક રચના મૂકવાનુ વિચાર્યું, ત્યારે ફરી એજ પ્રશ્ન, “બધા જ ગીતો જ્યારે masterpiece હોય, તો મારે કયું લેવું અને કયું ના લેવું ? ”

છેલ્લે ‘આંખ્યુંના આંજણમાં..’ પસંદ કર્યું, જેનુ એક કારણ અનાર કઠિયારા અને આરતી મુન્શીનો સ્વર. એટલી સરસ રીતે આ ગીત ગાયું છે, કે હિન્દી ફિલ્મોમાં બઉ ઓછા એવા ‘Female Duets’ યાદ આવી જાય. ‘મેરે મહેબૂબમેં ક્યા નહીં’, ‘મન ક્યું બેહકા’, ‘એ કાશ કિસી દિવાને કો’, ‘મોરે.. ઘર આયે સજનવા’ વગેરે મારા ઘણાં ગમતા ગીતો.

આશા છે કે ‘સુરેશ દલાલ ના હસ્તાક્ષર’માંથી પસંદ કરેલું આ ગીત તમને પણ ગમશે.

લ્યો, અમે તો આ ચાલ્યાં. – તુષાર શુક્લ.

સંગીત : શ્યામલ – સૌમિલ મુન્શી.
ગાયક : આરતી મુન્શી , આશિત દેસાઇ.

.

શબ્દ કેરી પ્યાલીમાં સૂરની સુરા પીને લ્યો, અમે તો આ ચાલ્યાં.
મસ્ત બે-ખયાલીમાં લાગણી આલાપી ને લ્યો, અમે તો આ ચાલ્યાં.

જે ગમ્યું તે ગાયું છે ને જે પીધું તે પાયું છે, મ્હેકતી હવાઓમાં કૈંક તો સમાયું છે;
ચાંદનીને હળવેથી નામ એક આપીને લ્યો, અમે તો આ ચાલ્યાં.

જે કંઇ જીવાયું ને જીવવા જે ધાર્યું’તું સાચવીને રાખ્યું’તું, અશ્રુ એ જે સાર્યું’તું;
ડાયરીના પાનાની એ સફરને કાપીને લ્યો, અમે તો આ ચાલ્યાં.

ફૂલ ઉપર ઝાકળનું બે ઘડી ઝળકવાનું યાદ તોયે રહી જાતું બેઉને આ મળવાનું;
અંતરના અંતરને એમ સ્હેજ માપીને લ્યો, અમે તો આ ચાલ્યાં.

હસ્તાક્ષર – શ્યામલ મુન્શી

‘શ્યામલ – સૌમિલ’ નિર્મિત હસ્તાક્ષર સિરિઝનું ટાઇટલ ગીત.

શબ્દો : શ્યામલ મુન્શી
સંગીત : શ્યામલ – સૌમિલ મુન્શી
સૂર : જગજીતસીંગ
આલબ્મ – હસ્તાક્ષર
Marketed by : TOUCHING TUNES

hastakshar1

.

( શ્રી સૌમિલભાઇનો ખૂબ ખૂબ આભાર, જેમણે આ ગીત અહીં પ્રસ્તુત કરવાની પરવાનગી આપી )

અંતરનાં પાને હળવેથી અંકાયા સ્વર અક્ષર;
સૂર-શબ્દના થાય હૃદય પર સહિયારા હસ્તાક્ષર;
એવા આ હસ્તાક્ષર.

વતન તણી માટીની ફોરમ ભીંજવી દેતી ભીતર;
ફૂલ-ફૂલની ઓળખ લઇને ખુશ્બુ વહેતી ઘર ઘર;
સમય ભલેને સરી જાય પણ અમર રહે સ્વર અક્ષર;
સૂર-શબ્દના થાય હૃદય પર સહિયારા હસ્તાક્ષર;
એવા આ હસ્તાક્ષર.

એક જ નાની ફૂંક વહે ને એક બંસરી વાગે;
એક જ પીંછીં રંગ ભરે ને દ્ર્શ્ય સજીવન લાગે;
કંઠ એક જો બને પૂજારી ગીત બને પરમેશ્વર;
સૂર-શબ્દના થાય હૃદય પર સહિયારા હસ્તાક્ષર;
એવા આ હસ્તાક્ષર.