Category Archives: કાવ્યપ્રકાર

છેલ્લો કટોરો ઝેરનો – ઝવેરચંદ મેઘાણી

પૂજ્ય બાપુ ની ૧૫૦મી જન્મજયંતી ઉત્સવ નિમિતે…

શબ્દો : ઝવેરચંદ મેઘાણી
સંગીત : નીલ વોરા
કંઠ : નીલ વોરા

અત્રે વિડીયો માં લેવામાં આવેલા શબ્દો :

છેલ્લો કટોરો ઝેરનો આ: પી જજો, બાપુ !
સાગર પીનારા ! અંજલિ નવ ઢોળજો, બાપુ !

અણખૂટ વિશ્વાસે વહ્યું જીવન તમારું:
ધૂર્તો-દગલબાજો થકી પડિયું પનારું:
શત્રુ તણે ખોળે ઢળી, સુખથી સૂનારું:
આ આખરી ઓશીકડે શિર સોંપવું, બાપુ !
કાપે ભલે ગર્દન ! રિપુ-મન માપવું, બાપુ !

જા, બાપ ! માતા આખલાને નાથવાને,
જા વિશ્વહત્યા ઉપરે જળ છાંટવાને,
જા સાત સાગર પાર સેતુ બાંધવાને –
ઘનઘોર વનની વાટને અજવાળતો, બાપુ !
વિકરાળ કેસરિયાળને પંપાળતો, બાપુ !
ચાલ્યો જજે ! તુજ ભોમિયો ભગવાન છે, બાપુ !
છેલ્લો કટોરો ઝેરનો પી આવજે, બાપુ !

-ઝવેરચંદ મેઘાણી

ગ્લૉબલ કવિતા : ૧૪૪ : નીરખને ગગનમાં – નરસિંહ મહેતા

નીરખને ગગનમાં

નીરખને ગગનમાં કોણ ઘૂમી રહ્યો? ‘તે જ હું’, ‘તે જ હું’ શબ્દ બોલે;
શ્યામના ચરણમાં ઇચ્છું છું મરણ રે, અહીંયા કો નથી કૃષ્ણ તોલે.

શ્યામ-શોભા ઘણી, બુદ્ધિ નવ શકે કળી, અનંત ઓચ્છવ મહીં પંથ ભૂલી;
જડ અને ચેતન રસ કરી જાણવો, પકડી પ્રેમે સજીવંન મૂળી.

ઝળહળ જ્યોત ઉદ્યોત રવિ કોટમાં, હેમની કોર જ્યાં નીસરે તોલે;
સચ્ચિદાનંદ આનંદક્રીડા કરે, સોનાનાં પારણાં માંહી ઝૂલે.

બત્તી વિણ, તેલ વિણ, સૂત્ર વિણ જો વળી, અચળ ઝળકે સદા અનળ દીવો;
નેત્ર વિણ નીરખવો, રૂપ વિણ પરખવો, વણજિહ્વાએ રસ સરસ પીવો.

અકળ અવિનાશી એ, નવ જ જાયે કળ્યો, અરધ-ઊરધની માંહ્ય માહાલે;
નરસૈંયાચો સ્વામી સકળ વ્યાપી રહ્યો, પ્રેમના તંતમાં સંત ઝાલે.

– નરસિંહ મહેતા

ઈશ્વરને પામવાની એકમાત્ર ચાવી…

ઈશ્વર. એને કોઈએ જોયો નથી. તોય એ સદૈવ આપણી સૃષ્ટિનું કેન્દ્રબિંદુ બની રહ્યો છે. સ્થળ-કાળ, ભાષા-સંસ્કૃતિ કોઈ પણ હોય, દરેકને પોતપોતાનો ઈશ્વર છે. અને માત્ર કલ્પનાથી જ એ અગોચરનો પાર પામી શકાતો હોવાથી, માનવજાતે કલ્પનાના ઘોડાઓ દોડાવવામાં કાંઈ મનાય નથી રાખી. જીવનનું કોઈ ક્ષેત્ર ઈશ્વરથી પ્રભાવિત થયા વિના રહ્યું નથી, સાહિત્ય પણ નહીં. આપણે ત્યાં તો સાહિત્યની શરૂઆત જ ઈશ્વરથી થઈ છે. વેદ-ઉપનિષદ, મહાભારત-રામાયણ, ગીતા એના પ્રમાણ છે. ભક્તિકાવ્યોની પણ આપણે ત્યાં બહુ મોટી પરંપરા રહી છે. શરૂઆતમાં સદીઓ સુધી આ ભક્તિકાવ્યો પેઢી દર પેઢી માત્ર કંઠોપકંઠ વહેતાં રહ્યાં. પરિણામે સમય જતાં ક્યારેક એમાંથી કોઈક શબ્દ ખડી પડ્યો, તો કોઈક શબ્દ ચડી આવ્યો તો ક્યારેક આખાંને આખાં વાક્ય પણ બદલાઈ ગયાં. હસ્તપ્રત બનાવવાની, સાચવવાની પ્રથા તો બહુ મોડેથી અમલમાં આવી. મુદ્રણકળાનો જન્મ થયો ત્યાં સુધી આ તમામ સાહિત્ય લોકોના ગળામાં સચવાયેલું રહ્યું એટલે એનું કર્તૃત્વ પણ સાશંક બન્યું. શબ્દો ભૂંસાયા, વાક્યો ભૂંસાયા, કર્તા ભૂંસાયા પણ ભક્તિધારાના આ કાવ્યો અમીટ રહ્યાં. જનમાનસને આ કાવ્યો એ જાદુથી સ્પર્શ્યાં હતાં કે સમાજે એમને અજરામર કરી રાખ્યાં. આજે ‘આદિકવિ’ નરસિંહ મહેતાનું આવું જ એક ભક્તિકાવ્ય આપણે જોઈશું.

નરસિંહ મહેતા. એમના જન્મ અને મૃત્યુની અવધિ અનેક વિદ્વત્જનોના સંશોધનો બાદ પણ અનિર્ણીત છે. એમ માની શકાય કે એમનો જન્મ ઈ.સ. ૧૪૦૮/૧૪૧૫ તથા મૃત્યુ જૂનાગઢ કે માંગરોળમાં ઈ.સ. ૧૪૬૫/૧૪૮૫ની વચ્ચે થયું હશે. નરસિંહની રચનાઓની જૂનામાં જૂની હસ્તપ્રત છેક ઈ.સ. ૧૬૧૨ની છે. એમના સમય અને પ્રથમ ઉપલબ્ધ હસ્તપ્રતની વચ્ચે દોઢેક સદીનો સમયગાળો છે. આ ગાળામાં એમની રચનાઓ કંઠોપકંઠ સચવાઈ રહી એ કેવો ચમત્કાર! એમના નામે ચડેલી રચનાઓમાંની કેટલી એમની અને કેટલી અન્યોની, તથા મૂળ રચનાઓમાં કેટકેટલા લોકોના હાથે કેટકેટલો ફેરફાર થઈ આપણા હાથે ચડી એ નક્કી કરવું લગભગ અશક્ય છે. જીવન વિશે પણ એટલી બધી કિંવદંતીઓ છે કે સત્ય ઘાસની ગંજીમાંથી સોય શોધવા જેવું છે. તળાજામાં કૃષ્ણદાસ મહેતા અને દયાકુંવરના ઘરે જન્મ. નાગર બ્રાહ્મણ. મૂળ અટક પંડ્યા પણ પ્રપિતામહને દીવાનની ‘મહત્તર’ પદવી મળતાં એમાંથી મહેતા કહેવાયા. નાનપણમાં માબાપ ગુમાવ્યા. આઠ વર્ષ સુધી ગૂંગા રહ્યા. કોઈ સંતના કહેવાથી ‘શ્રી રાધાકૃષ્ણ’ બોલ્યા ને જીભ છૂટી થઈ. અભ્યાસ-વ્યવહારમાં ઊણા. પત્ની માણેકબાઈ. પુત્ર શામળ અને પુત્રી કુંવરબાઈ. નાની વયે ‘પત્ની ને પુત્ર તે બે મરણ પામિયાં’ એટલે ‘ભલું થયું ભાંગી જંજાળ, સુખે ભજશું શ્રીગોપાળ’ ગાનાર નરસિંહે ‘જનનીએ મેલ્યા નર જીવે, સ્ત્રી-વિછોહ્યા મરી જાય રે માય’ના વાસ્તવિક ઉદગાર પણ કાઢ્યા. સામળશાની હૂંડી, કુંવરબાઈનું મામેરું, ભાભીનું મહેણું, ગૃહત્યાગ, વનમાં અપૂજ શિવલિંગ (ગોપનાથ મહાદેવ)નું રાત-દિ પૂજન, શિવનું પ્રસન્ન થવું, દ્વારકામાં રાસલીલામાં લઈ જવું ને મશાલ પૂરી થતાં હાથ સળગવો વગેરે ખૂબ જાણીતા પ્રસંગો છે. આત્મકથનાત્મક પદોમાંથી નરસિંહના જીવન વિશે ઘણું જાણવા મળે છે.

ઉમાશંકર જોશી લખે છે: ‘…નરસિંહમાં ગુજરાતી ભાષાને એનો પ્રથમ મુખ્ય અવાજ સાંપડે છે. કોઈ ભાષા જેને લીધે સાહિત્યની ભાષા બને-સાહિત્ય ધરાવતી ભાષાનું ગૌરવ પામે એવો એક વીર્યવંત સર્જકનો એ અવાજ છે. એ અર્થમાં નરસિંહ ગુજરાતનો ‘आदिकवि’ જરૂર છે.’ નરસિંહ આપણે ત્યાં જાણીતા છે એમના પ્રભાતિયાંથી. ભક્તિ અને જ્ઞાન, વૈષ્ણવ અને વેદાન્ત- આ બંનેનો સમુચો સમન્વય એમાં જોવા મળે છે. નરસિંહનો ઈશ્વર નિરાકારી નથી. એ તો એનો અંગતતમ સખો છે, ને નરસિંહ એની ગોપી. ‘મેલી પુરુષપણું સખીરૂપે થઈ રહ્યો.’ ‘ભામનીમાંહે ભળી ગયો, જેમ સાગરમાંહે રતન્ન.’ ‘ગોપીમાં હું તો નરસિયો.’ પળેપળ એ ઈશ્વર સાથે સાયુજ્ય અનુભવે છે, ને એની જ ફળશ્રુતિ એટલે એની કવિતા. નરસિંહના શૃંગારરસના કાવ્યો આજેય શિરમોર છે. કવિ જયદેવના ગીતગોવિંદની એમાં ઝાંય વર્તાયા વિના રહેતી નથી. પરકીયાપ્રીતિ અને ઉઘાડા શૃંગારના છડેચોક પ્રયોજન બાબતમાં એ પોતે જ કહે છે: ‘તમે જાણો વિષયરસ ગાયો, મારે હરિ શું પ્રેમ ઉભરાય.’ મુખ્યત્વે એ ઊર્મિકવિ છે. ઝૂલણા, ચોપાઈ, સવૈયા વગેરે દેશી છંદો તથા કેદાર, મલ્હાર, વસંત, માલવ, ભૈરવ જેવા રાગનિર્દેશ સાથેના પદો એમણે આપ્યાં છે. ઝૂલણા છંદ એમણે એટલો ઝૂલાવ્યો છે કે બેઉ પરસ્પરના પર્યાય બની ગયા છે. એ જ રીતે એમનું ‘વૈષ્ણવજન’ પદ ગાંધીજી સાથે અવિનાભાવે જોડાઈ ગયું છે. ઉમાશંકર કહે છે: ‘’બોલચાલના પ્રયોગથી નરસિંહના ગીતો બહુ સજીવ બન્યાં છે. કાકુ આદિ ઉમેરી કૃતિની રસવાહિતા વધારવા માટે નરસિંહે ગુજરાતીભાષીઓની જિહ્વા પર રમતા પ્રયોગોનો પૂરો કસ કાઢ્યો છે… ચિત્રો રમતાં મૂકવાં નરસિંહને રમત વાત છે… કવિનું ભાષાપ્રભુત્વ એવું છે કે યોગ્ય શબ્દ યોગ્ય સ્થાને આવીને જાણે કે અનાયાસે ગોઠવાઈ જાય છે… ગુજરાતી ભાષા નરસિંહને ક્યાંય ઓછી પડતી નથી.’

‘નીરખને ગગનમાં’ નરસિંહનું જાણીતું પ્રભાતિયું છે. સવારે ઊઠીને હરિસ્મરણ કરતાં આ પદો ગવાતાં એટલે પ્રભાતિયાં કહેવાયાં. નરસિંહનો અતિપ્રિય ઝૂલણા છંદ અહીં પ્રયોજાયો છે. પાંચ બંધ અને દસ જ પંક્તિના આ પદમાં પણ ઠેકઠેકાણે શબ્દફેર જોવા મળે છે. ઉપલબ્ધ ઘણા-બધા સંસ્કરણોમાંથી જે સૌથી વધુ આધારભૂત જણાયું, એને હાથમાં રાખીને આગળ વધીએ.

સ્વર્ગ આકાશમાં આવેલું છે અને દેવો બધા સ્વર્ગમાં, આકાશમાં રહે છે એ આપણી આદિમ માન્યતાનો કેડો પકડીને કવિ શરૂઆત કરે છે. ‘નીરખને ગગનમાં’ વાંચતા સમજાય છે કે કવિ આપણને પ્રેમથી તુંકારે સંબોધીને આદેશ આપે છે, ને પોતે જે દિવ્યાનંદ હાંસલ કર્યો છે એ ગમતાંનો ગુલાલ કરવા ચહે છે. બીજી પંક્તિ વાંચતા એમ પણ સમજી શકાય કે ભક્તકવિ નરસિંહ ઉર્ધ્વદૃષ્ટિ કરવાનો આ આદેશ પોતાની જાતને જ આપી રહ્યા છે. જ્યાં સુધી આપણે આપણી જાતમાં જ ખોવાયેલાં છીએ ત્યાં સુધી ઈશ્વરદર્શન સંભવ જ નથી. દુનિયાદારીની પળોજણોમાંથી બે’ક ઘડી પોરો લઈ આકાશમાં જોવાનું છે. આકાશમાં જોવાનું એટલે ડોકી ઊંચી કરીને વાદળો તરફ તાકવાનું નથી. ઉર્ધ્વગામી બનવાનું છે. ‘એ’ના તરફ મીટ માંડવાની છે. આકાશ તો માત્ર પ્રતીક છે. ‘એ’ના તરફ દૃષ્ટિ કરીએ ત્યારે અને તો જ જાણ થાય કે એ આપણી ચારેતરફ ઘૂમી રહ્યો છે, જરૂર માત્ર નજર ઊઠાવવાની છે. આકાશમાંથી જાણે આકાશવાણી સંભળાઈ રહી છે. ઈશ્વર ‘તે જ હું’ – ‘सोऽहम्’ બોલતા સંભળાય છે. નરસિંહ આપણા તાર ઈશાવાસ્ય ઉપનિષદ સાથે જોડી આપે છે:

(…) तेजो यत्ते रूपं कल्याणतमं तत्ते पश्यामि योऽसावसौ पुरुषः सोऽहमस्मि ॥१६॥
જે તેજ તારું સૌથી કલ્યાણકારી રૂપ છે, હું જોઉં છું. હું તે જ છું.

ઈશ્વર ‘सोऽहम्’ બોલીને અટકી જતા નથી, એ પુનરોક્તિ કરીને ‘તે હું જ છું’ની ખાતરી દૃઢાવી પણ આપે છે. પુનરોક્તિ રહી સહી શંકાનુંય નિર્મૂલન કરે છે. શબ્દોને બેવડાવીને કેવું ઉદાત્ત કવિકર્મ થઈ શકે છે એની પ્રતીતિ પણ થાય છે. પરમપિતા પરમેશ્વરની સર્વોપરિતાનો હુંકાર બેવડાવ્યા બાદ નરસિંહ તુર્ત જ એના શરણે-ચરણે સમર્પિત થઈ જાય છે. સર્વવ્યાપી ભગવાનના દર્શન થતાં જ એ મરણ ઇચ્છે છે. પોતાનો ‘હું’ અવસાન પામીને શ્યામના ‘अहम्’માં લયલીન થઈ જાય, એકાકાર થઈ જાય એ જ કવિ ઝંખે છે કેમકે કૃષ્ણની તોલે બીજું કોણ આવી શકે? આ સચરાચર સૃષ્ટિમાં જે કંઈ છે એ કૃષ્ણ જ છે. ‘कृष्णो वै परमं दैवतम्’ (ગોપાલતાપની ઉપનિષદ (૧.૩) -કૃષ્ણ જ પરમેશ્વર છે.)

શ્યામની શોભા બુદ્ધિગમ્ય નથી. એને ‘એક વત્તા એક બરાબર બે’ના સમીકરણમાં બાંધી ન શકાય. બુદ્ધિનો પ્રદેશ જ્યાં પૂરો થાય છે, ત્યાંથી શ્રદ્ધાનો મુલ્ક શરૂ થાય છે. શ્યામની ખરી શોભા તો ઈશ્વરના નામનો અનંત ઉત્સવ ચાલતો હોય એ જગ્યાએ રસ્તો ભૂલી જઈને અર્થાત્ બુદ્ધિનો માર્ગ ત્યજીને સામેલ થઈ જઈએ ત્યારે પામી શકાય છે. કવિ સજીવન મૂળીનો ઉલ્લેખ કરે છે. દૂર્વા ઘાસના મૂળિયાં યાદ આવ્યાં વિના નહીં રહે. પ્રભુભક્તિમાં દૂર્વાનું મહત્ત્વ સવિશેષ છે. દૂર્વા અથવા ધરોના મૂળિયાં જમીનમાં છ ફૂટ સુધી અંદર ઊતરી શકે છે, અને પ્રતિકૂળ પરિસ્થિતિમાં પાણીના અભાવથી ઘાસ ભલે સૂકાઈ જાય, મૂળિયાં ખૂબ લાંબો સમય સુધી જીવંત રહે છે. નિર્જીવ ભાસતાં આ મૂળ પાણી મળતાં જ મહિનાઓ બાદ પર પુનઃઅંકુરિત થઈ ઊઠે છે. નરસિંહની સંજીવની મૂળી એ પ્રેમ છે. નરસિંહ પ્રેમલક્ષણા જ્ઞાનભક્તિના કવિ છે. પ્રેમની સજીવનબુટ્ટી હાથે ગ્રહીએ, સહુને ચાહતાં શીખીએ, તો જેમ સૂકા મૂળિયાંમાંથી નવજીવન અંકુરિત થાય છે એમ જડમાંથી પણ સચરાચર પ્રભુકૃપાનો ચૈતન્ય રસ પ્રાપ્ત થશે. પ્રેમ જડનેય ચેતન બનાવે છે. ઈશ્વર સમક્ષ લાંબા થઈને વંદન કરવાથી એ હાથ નહીં આવે, એના પ્રેમમાં પડવું પડશે. પ્રેમની જડીબુટ્ટી હાથમાં આવશે તો જ જડ ચેતન થશે અને શ્યામની ખરી શોભા હાથ લાગશે.

ગીતાનો એક શ્લોક જોઈએ:

दिवि सूर्यसहस्रस्य भवेद्युगपदुत्थिता।
यदि भाः सदृशी सा स्याद्भासस्तस्य महात्मनः॥११. १२॥

આકાશમાં જો હજારો સૂર્ય એક જ સમયે ઉદય પામે, તો જે પ્રકાશ થાય, એ તે (વિશ્વરૂપ) પરમાત્માના પ્રકાશ બરાબર કદાચ થાય. નરસિંહ આગળ વધીને કરોડ સૂર્યના તેજની વાત માંડે છે. કહે છે, કરોડગણી આભાવાળો સૂર્ય પૂર્વાકાશેથી ઝળહળ જ્યોતિ સમો ઊગે ત્યારે જે સોનેરી ટશર ફૂટતી દેખાય એની શોભા શ્યામની શોભાની તોલે આવે. પૂર્વાકાશે ક્ષિતિજ પરથી પ્રગટતી એ સોનાની કોર જાણે સોનાનું પારણું હોય અને એમાં સત્ ચિત્ આનંદ પરમાત્મા આનંદે રમી રહ્યા હોવાનું નરસિંહ અનુભવે છે. ગગનમાં નીરખીએ તો જ આ શોભા અનુભવી શકાય. શાસ્ત્રોમાં શ્રીકૃષ્ણને સચ્ચિદાનંદ કહ્યા જ છે:

सच्चिदानंद रुपाय कृष्णाय अक्लिष्टकारिणे।
नमो वेदांत वेद्याय गुरवे बुद्धि साक्षिणे॥ (ગોપાલતાપની ઉપનિષદ (૧.૧))
(હું ક્લેષરહિત કર્મ કરનાર સચ્ચિદાનંદ સ્વરૂપ શ્રીકૃષ્ણને પ્રણામ કરું છું, જેને જાણી લેવાનો અર્થ છે વેદોને જાણી લેવા. અર્થાત્ તેઓ પરમ ગુરુ છે.)

ईश्वरः परमः कृष्णः सच्चिदानंदविग्रहः।
अनादिर् आदिर् गोविन्दः सर्व कारण कारणम्॥ (બ્રહ્મસંહિતા (૫.૧))
(શ્રી કૃષ્ણ પરમ ઈશ્વર છે તથા સચ્ચિદાનંદ છે. તે આદિપુરુષ ગોવિંદ સમગ્ર કારણોના કારણ છે.)

પ્રભાતે સૂર્યોદય થતાં આકાશની સોનેરી કોર જે રીતે તેજસ્વી હોવા છતાં આંખોને દાહક નથી અનુભવાતી એ જ રીતે સાક્ષાત્ સચ્ચિદાનંદ બાળસ્વરૂપે આનંદ-ક્રીડા કરી રહ્યા હોય એ દૃશ્ય દાહક નહીં, પાવક-આહ્લાદક બની રહે છે. ‘તોલે’ના સ્થાને ‘તૂલે’ પાઠાંતર હોવો જોઈએ એમ ઘણા વિદ્વત્જનો માને છે, જે સાચું હોવાનું અનુભવાય છે. એ જ મુજબ ‘સોનાનાં પારણાં માંહી ઝૂલે’ના સ્થાને ‘સોનલા પાલણામાંહી ઝૂલે’ એવો પાઠાંતર પણ જોવા મળે છે. છંદ અને ભાષાની દૃષ્ટિએ આ પાઠ વધુ સાચો હોવાનું અનુભવાય છે. આગલી કડીમાં જ્યોત-ઉદ્યોતની વર્ણસગાઈ અને નાદમાધુર્ય પછી ‘સચ્ચિદાનંદ આનંદ-ક્રીડા કરે’માં જે રીતે ‘આનંદ’ શબ્દ અડી-અડીને આવે છે અને ‘દ’, ‘ન’, ‘ક’ વર્ણ તથા બીજી પંક્તિમાંનો ત્રણવારનો ‘લ’કાર નરસિંહની ઘણી રચનાઓમાંથી સંભળાતા નાદસૌંદર્યની ઉપરાંત ઝૂલણા છંદના ઝૂલામાં કવિ આપણને ઝૂલાવતા હોવાની બેવડી અનુભૂતિ કરાવે છે. છંદોલય પરનું કવિનું આ સામર્થ્ય સાનંદાશ્ચર્ય જન્માવે છે.

કવિતાની ગતિ પણ ધ્યાનાર્હ છે. જાતમાંથી બહાર નીકળીને ગગનમાં કૃષ્ણદર્શન કર્યા બાદ બુદ્ધિગમ્ય જાતને ભૂલી જઈને ભક્તિપ્રેમમાં સરાબોળ થઈ જ્ઞાનના સૂર્યોદય સમયે એની શોભાનો ક્યાસ કાઢવાનો છે. અને આ ક્યાસ કઈ રીતે કાઢવાનો છે? કોઈપણ જાતની દીવેટ, તેલ કે જ્યોત વિના સળગી રહેલ આ તેજસ્વી અગ્નિદીપનો ક્યાસ ઇન્દ્રિયાતીત થઈને કાઢવાનો છે. આ તો શાશ્વત અને સદોદિત દીપક છે. જાતમાંથી બહાર આવી ઉર્ધ્વનજર કરવાની છે, પ્રભુચરણમાં ‘હું’નું મરણ ઇચ્છવાનું છું, બુદ્ધિથી પીછો છોડાવીને પ્રેમની સજીવનબુટ્ટી હાથ ગ્રહવાની છે, પ્રભુશોભાના સચ્ચિદાનંદમાં લીન થવા માટે ઇન્દ્રિયોનો ત્યાગ કરવાનો છે. આંખ વિના એના દર્શન કરવાના છે. ઈશ્વરના દર્શન આમેય ચર્મચક્ષુથી તો શક્ય જ નથી. ગીતામાં ખુદ શ્રીકૃષ્ણે કહ્યું છે:

न तु मां शक्यसे द्रष्टुमनेनैव स्वचक्षुषा|
दिव्यं ददामि ते चक्षुः पश्य मे योगमैश्वरम् ॥११.८॥

(તું તારી આ આંખ વડે મને જોઈ નહીં શકે. (તેથી) હું તને દિવ્યચક્ષુ આપું છું, જેનાથી તું મારા યોગ-ઐશ્વર્યને જો.) ઈશ્વરને જોવા માટે મનને નહીં, દૃષ્ટિને બદલવાની જરૂર છે. એને આંખ વિના જોવાનો છે. ઈશ્વરનું કોઈ રૂપ નથી જેને આપણે ઓળખવાનું હોય. આપણે તો બધા જ ઈશ્વરને રૂપ આપી દીધું છે. ચિત્રો અને મૂર્તિઓમાં નિરાકારને આપણે એ હદે આકાર આપી બેઠાં છીએ કે આંખ ખુલ્લી હોય કે બંધ- આપણી નજર સમક્ષ સર્જનહારનું મનુષ્યે કરેલું સર્જન જ નજરે ચડે છે. ભલે આપણે એને શ્રદ્ધાનું વાહન કહી આપણી મર્યાદાઓ ઉપર પડદો નાંખીને આપણી જાતને કેમ ન છેતરતાં હોઈએ, જ્યાં સુધી ઈશ્વરને ચર્મચક્ષુ વગર અને અરૂપ જોવાની તૈયારી નહીં હોય, ત્યાં સુધી એ સામો આવશે જ નહીં. વળી, એની અમીકૃપાનો સ-રસ રસ પણ દુન્યવી જીભની મદદ વિના ચાખવાનો-પીવાનો છે. એને આત્માથી અનુભવવાનો છે. નરસિંહે અન્યત્ર કહ્યું જ છે: ‘જ્યાં લગી આત્માતત્ત્વ ચીન્યો નહીં, ત્યાં સુધી સાધના સર્વ જૂઠી.’ અહીં પણ બે પંક્તિમાં છ વાર આવતા ‘વિણ-વણ’; ‘ત’, ‘વ’, ‘ણ’, ‘ળ’ની વર્ણસગાઈ; ‘રસ-સરસ’નો ઝૂલો તથા ‘નીરખવો-પરખવો’ના આંતર્પ્રાસ વાપરી કવિએ જે અદભુત કવિકર્મ કર્યું છે એ નોંધ બહાર જતું નથી. ગુજરાતી સાહિત્યનો સૂર્યોદય બારમી સદીમાં થઈ ચૂક્યાના ખાસ્સા ત્રણસોએક વર્ષ બાદ જન્મ્યા હોવા છતાં આ કવિને આપણે આદિકવિનું સન્માન એમનેમ કંઈ આપ્યું નથી.

ઈશ્વર તો અકળ છે ને અવિનાશી છે. એ અધ: અને ઉર્ધ્વ – સ્વર્ગ અને નર્કની મધ્યમાં અર્થાત્ આપણી વચ્ચે જ મહાલે છે. એ અકળ છે પણ સકળ વ્યાપ્ત છે. કણકણમાં એનો વાસ છે. જડચેતનમાં એનો વાસ છે. સાચો સંત હોય એ એને પ્રેમના તંતુથી ઝાલે છે. નાની અમથી કવિતામાં કવિ બીજીવાર ઈશ્વરને પામવા માટે પ્રેમની અનિવાર્યતા સ્થાપિત કરે છે. ઈશ્વર જ્ઞાન-તપ-જાપ-મંત્રોથી પરે છે. એને વશ કરવો હોય તો માત્ર પ્રેમથી જ કરી શકાય. એ ખુલ્લું જ કહે છે, ‘પ્રેમરસ પાને તું મોરના પિચ્છધર, તત્ત્વનું ટૂંપણું તુચ્છ લાગે.’ અહીં પણ ‘અકળ-સકળ’, ‘અરધ-ઉરધ’, તંત-સંત’, માંહ્ય-માહાલે’ના આંતર્પ્રાસ ઉપરાંત ઝૂલણાના ઝૂલે ઝૂલાવતી વર્ણસગાઈઓ પણ ચૂકવા જેવી નથી.

ઉમાશંકર જોશીની ટિપ્પણીથી વાત પૂરી કરીએ: ‘આધ્યાત્મિક કવિતાનો, રહસ્યલક્ષી અનુભૂતિના રમણીય પ્રત્યક્ષીકરણનો આ કાવ્ય એક ઉત્કૃષ્ટ નમૂનો છે. પહેલા બે શબ્દથી જ ભૂમિથી પાર ઉડ્ડયન, પછી ઘૂમતા વિરાટની ગતિશીલતાનું સૂચન, અંતે सोऽहम् ધ્વનિનું ગુંજન, -આરંભની પંક્તિ જ ભવ્યતાનો સંસ્પર્શ કરાવે છે. ગીતાએ ભાખ્યા કરતાંય અદકેરી દ્યુતિનું સૂચન અને સાથે જ સુકુમાર બાલમૂર્તિનો નિર્દેશ રુદ્રલલિત ચિત્ર આંકી રહે છે. સોનાના પારણામાં ઝૂલતા આનંદક્રીડા કરતા સચ્ચિદાનંદનું કલ્પન જગતસાહિત્યમાં જવલ્લે જ સાંપડે એવું ભવ્યસુંદર કલ્પન છે. સૌન્દર્યજ્યોતિનું સ્વરૂપ ચોથી કડીમાં રહસ્યવાદિતાથી સૂચવાયું છે. આ લઘુ પણ ભવ્ય કૃતિ નરસિંહની, બલકે ગુજરાતી ભાષાની આધ્યાત્મિક કવિતાના એક શિખરરૂપ છે.’

ગીત મેં શોધી કાઢ્યું – પન્ના નાયક

ફૂલ પરણનાં સ્મિત….

*****

ક્યાંક હવામાં અમથું અમથું  રમતું તરતું ગીત 
ગીત મેં શોધી કાઢ્યું 
ક્યાંક કિરણનાં ક્યાંક ઝરણનાં ફૂલ પરણનાં સ્મિત, 
ગીત મેં શોધી કાઢ્યું 

વૃક્ષ વૃક્ષનાં મૂળિયે મૂળિયે ક્યાંક અજાણ્યાં સ્પંદન,
નીરવ રાતે નદી કરે છે ઝીણું ઝીણું ક્રંદન 
ક્યાંક સ્પંદને ક્યાંક ક્રંદને 
ઝરમર ઝરમર ઝરમર ઝરમર ઝરમરતું સંગીત 
ક્યાંક હવામાં અમથું અમથું  રમતું તરતું ગીત. 

ક્યાંક નહોતું ને આવ્યું ક્યાંથી? 
જાણે કે એ અદીઠ સંગાથી, 
લયમાં રણકે લયમાં ઝણકે 
સણકે કોઈની સાવ સનાતન પ્રીત, 
ક્યાંક હવામાં અમથું અમથું  રમતું તરતું ગીત. 

-પન્ના નાયક

ગ્લૉબલ કવિતા : ૧૪૩ : અતિથિગૃહ – રુમી

A Guest house

This being human is a guest house.
Every morning a new arrival.

A joy, a depression, a meanness,
some momentary awareness comes
as an unexpected visitor.

Welcome and entertain them all!
Even if they’re a crowd of sorrows,
who violently sweep your house
empty of its furniture,
still, treat each guest honorably.
He may be clearing you out
for some new delight.

The dark thought, the shame, the malice,
meet them at the door laughing,
and invite them in.

Be grateful for whoever comes,
because each has been sent
as a guide from beyond.

– Rumi
(English Translation by Coleman Barks)

અતિથિગૃહ

આ મનુષ્ય હોવું એ એક અતિથિગૃહ છે.
દરેક સવાર એક નવો અતિથિ.

એક આનંદ, એક હતાશા, એક હલકટાઈ,
કેટલીક ક્ષણિક જાગૃતિ
આવે એક અનપેક્ષિત મુલાકાતી તરીકે.

સર્વનું સ્વાગત કરો અને મનોરંજન પણ!
ભલે તેઓ દુઃખોનું એક ટોળું કેમ ન હોય,
જે જોરજબરદસ્તી તમારા ઘરમાં ઘુસી આવે,
ને રાચરચીલાં સુદ્ધાંનેય સાફ કરી નાંખે,
છતાં પણ, દરેક મહેમાનની સન્માનપૂર્વક સરભરા કરો.
એ કદાચ તમને ખાલી કરી રહ્યા હોય
કોઈક નવા આનંદ માટે.

મલિન વિચાર, શરમ, દ્વેષ,
મળો સહુને દરવાજે સસ્મિત
અને આવકારો એમને ભીતર.

જે કોઈ આવે એમના આભારી બનો,
કારણ કે દરેકને મોકલવામાં આવ્યા છે
એક માર્ગદર્શક તરીકે પેલે પારથી.

– રુમી
(અંગ્રેજી પરથી અનુ.: વિવેક મનહર ટેલર)

આવકારો મીઠો આપજે રે…
अतिथि देवो भवः એ ભારતીય સંસ્કૃતિની પરંપરાનો અવિભાજ્ય હિસ્સો છે. લગભ છવ્વીસસો વર્ષ પહેલાં લખાયેલ યજુર્વેદના તૈત્તિરીય ઉપનિષદના પ્રથમ અધ્યાય શિક્ષાવલિમાં માતા, પિતા અને આચાર્ય પછી અતિથિને જીવનમાં ચોથું પૂજનીય સ્થાન અપાયું છે. (૧.૧૧.૨) જમાનો જો કે ઝડપભેર બદલાઈ રહ્યો છે અને આમંત્રણ વિના આવી ચડતા અજાણ્યા (કે જાણીતા) અતિથિઓને ઉમંગભેર આવકારવાની રસમ ગામડાંઓને બાદ કરતાં શહેરોમાં તો લગભગ મૃતપ્રાય જ થઈ ગઈ છે. પણ એ છતાં આપણા લોહીમાંથી આ મંત્રોચ્ચાર હજી સૂર્યાસ્ત પામી શક્યો નથી એ પણ હકીકત છે. ભારતીય સંસ્કૃતિના પાયાના સિદ્ધાંત સાથે તાલમેળ મેળવતી રુમીની એક રચના આજે જોઈએ.

જલાલુદ્દીન મુહમ્મદ બાલ્ખી. મૌલાના રુમી. ૩૦-૦૯-૧૨૦૭ના રોજ આજના અફઘાનિસ્તાનના બાલ્ખ (ત્યારના પર્શિયા)માં બહાઉદ્દીન વાલદ તથા મુમીના ખાતુનને ત્યાં જન્મ. રુમમાં જિંદગી વિતાવી હોવાના કારણે રુમી કહેવાયા. પેઢી દર પેઢી મુસ્લિમ ધર્મગુરુ. પિતા બહાઉદ્દીને મનુષ્યના પરમાત્મા સાથેના જોડાણમાં બતાવેલ ચોંકાવનારી કામુકતાસભર આઝાદીએ જિજ્ઞાસુઓને હચમચાવી નાંખ્યા. રુમી પર પિતાજી ઉપરાંત અત્તાર અને સનાઈનો ઊંડો પ્રભાવ. પિતાના મૃત્યુ બાદ ૨૫ વર્ષના રુમીએ દરવેશ સમાજમાં શેખ/મૌલવીનું સ્થાન લીધું. ૧૨૨૫માં ગૌહર ખાતુન સાથે નિકાહ. પત્નીના મૃત્યુ બાદ બીજા લગ્ન પણ કર્યા. બંને પત્નીઓથી બબ્બે સંતાન થયાં. રુમી વિશે ઘણી વાયકાઓ પ્રવર્તે છે. અઢાર વર્ષના છોકરાને બાપની પાછળ ચાલતો જોઈને એ જમાનાના રાજકવિ ફરીદુદ્દીન અત્તારે કહ્યું હતું: ‘આ જુઓ, સાગરની પાછળ મહાસાગર આવી રહ્યો છે.’ ભૌતિકતાવાદી જગતમાં ફસાઈ પડેલા આત્માને લગતું પોતાનું પુસ્તક ‘ઈલાહીનામા’ અત્તારે બાળક જલાલુદ્દીનને આપ્યું, જેણે એની જિંદગી બદલી નાંખી. તબ્રીઝના શમ્સ પોતાની બરનો કોઈ સાથી મેળવવા પ્રાર્થના કરતા હતા. એક અવાજે એમને પૂછ્યું કે બદલામાં શું આપશો? શમ્સે કહ્યું, મારું મસ્તક. ગેબી અવાજે એમને કોન્યામાં રુમીને મળવાનો આદેશ આપ્યો. ૧૫ નવેમ્બર ૧૨૪૪ના રોજ બેની મુલાકાત થઈ અને રુમીનું જીવન બદલાઈ ગયું. રુમી અને શમ્સ સાચા અર્થમાં જિસ્મ-જાન બનીને રહ્યા. એમની વચ્ચેનો સંબંધ હંમેશા રહસ્યમય રહ્યો. કલાકોના કલાકો નહીં, દિવસોના દિવસો તેઓ એકમેક સાથે અનવરત વાર્તાલાપમાં લીન રહેતા. રુમી સાથેના સંબંધથી રુઢિચુસ્ત સમાજમાં જન્મેલી સમસ્યાઓનો અંત આણવા શમ્સ ભાગી છૂટ્યા. રુમીએ કવિતા કરવી શરૂ કરી પણ શમ્સની શોધખોળ ચાલુ રાખી. શમ્સ ફરી મળ્યા અને ફરી બંનેનો સંબંધ ચર્ચાની એરણ પર ચડ્યો. કહે છે કે રુમીના દીકરાની મદદથી એમની હત્યા કરવામાં આવી. આમ, શમ્સે સાચે જ દોસ્તીના નામ પર પોતાનું મસ્તક ભેટ ધર્યું. રુમીની કવિતાઓમાં સતત શમ્સ માટેની તરસ જોવા મળે છે. એકદા શમ્સને શોધતા ફરતા રુમીને જ્ઞાન લાધ્યું: ‘હું શા માટે શોધું છું? હું અને એ એક જ છીએ. એનું જ અસ્તિત્વ મારામાં થઈને બોલે છે. હું મારી જ જાતને શોધી રહ્યો છું.’ રુમીએ શમ્સને યાદ કરીને ચાળીસ હજારથીય વધુ કાવ્ય ધરાવતું ‘દીવાન-એ-શમ્સ-એ-તબ્રીઝી’ લખ્યું. શમ્સના ગયા પછી એમનું સ્થાન પહેલાં સલાહુદ્દીન ઝારકુબ અને એના પછી હુસામ ચેલેબીએ લીધું. જીવનના આખરી બાર વર્ષોમાં એમણે ચેલેબી માટે છ ભાગમાં ‘મસ્નવી’ નામે ૬૪૦૦૦ પંક્તિઓનું મહાકાવ્ય રચ્યું, જે આજેય માસ્ટરપીસ ગણાય છે. સૂફીસંતો એને પર્શિયન ભાષાનું કુરાન ગણાવે છે. ૧૭-૧૨-૧૨૭૩ના રોજ કોન્યા ખાતે રુમી જન્નતનશીન થયા. એમની કબર પર લખ્યું છે કે, ‘જ્યારે અમે મૃત્યુ પામીએ, અમને ધરતી પર કબરોમાં નહીં પણ મનુષ્યોના હૃદયમાં શોધજો.’

રુમી સાચા અર્થમાં કવિતા જીવ્યા, કવિ હોવાના અહેસાસના બોજ વિના. સહજતાથી. સરળતાથી. જેમ આપણે હવા શ્વસીએ એમ. એ જે બોલતા, કવિતા થઈ જતી. એ કહેતા: ‘તમારા શબ્દો મોટા કરો, અવાજ નહીં. વરસાદ છે જે ફૂલો ઊગાડે છે, તોફાન નહીં.’ પ્રિયતમ, પ્રિયતમા, પ્રણય, શરાબ, ગુલ-બુલબુલને કેન્દ્રમાં રાખીને લખાયેલી આ કવિતાઓ ખરેખર તો ઈશ્વરીય પ્રેમની ઉત્કટતાની ચરમસીમા છે. આત્માનો પરમાત્મા માટેનો સીધો તલસાટ છે. અહીં આત્માની શોધ દેહની તરસરૂપે વ્યક્ત થાય છે. કવિતા કરતાં-કરતાં તેઓ ગોળ ગોળ ફરીને નર્તન પણ કરતા. એમની કવિતાઓમાં સૂક્ષ્મ સળંગસૂત્રિતા છે. ઈશ્વર સિવાય કશું સત્ય નથી, બધું ઈશ્વર જ છેનો સૂર તમને એમની રૂબાઇઓ અને ગઝલોમાં સુપેરે વ્યક્ત થતો સંભળાશે. એ કહેતા: ‘મૌન ઈશ્વરની ભાષા છે, બાકી તમામ નબળો અનુવાદ.’ વિશ્વના સર્વોત્તમ આધ્યાત્મિક કવિ રુમી વિશ્વભરમાં કદાચ સહુથી વધુ વંચાય છે. આ મસ્તમૌલા સૂફી સંતકવિની બરોબરી કરે એવા કવિ જડવા મુશ્કેલ છે. રુમીની કવિતાઓમાં સેક્સનો જરાય છોછ નથી. શિશ્ન, યોનિ, વીર્ય, સંભોગક્રિયાના બેબાક વર્ણનો છડેચોક જોવા મળે છે. રુમી કહે છે કે, ‘જે આવેગ આવે છે એને જીવી લેવો, નહીં કે ક્યાંક અટકી પડવું, સડી જવું. દરેક ખેંચાણ આપણને સાગર તરફ લઈ જાય છે. જ્યારે તમે કોઈ વસ્તુ આત્માથી કરો છો, નદી જાતે તમારી ભીતર થઈને વહે છે.’ હસ્તમૈથુન વગેરે વિશે રુમી કહે છે: ‘કરવા દો. જે યુવાન આ બધી ક્રિયાઓમાંથી પસાર થતો નથી એ પીંછા ઊગ્યા વિનાનું પંખી છે, માળામાંથી નીકળ્યું નથી કે શિકાર થયું નથી. સમાગમની ચરમસીમા એ સમર્પણની પરાકાષ્ઠા છે, સમાધિની ક્ષણ છે.’ રુમી આ ઊર્જાને જ ઉર્ધ્વગતિ આપવાના મતના છે. દેહથી એહ તરફની ગતિ સાફ અનુભવાય છે. ઓશોના ‘સંભોગથી સમાધિ’ મંત્રમાં રુમીના પડઘા સંભળાયા વિના રહેતા નથી.

‘અતિથિગૃહ’ રુમીની કવિતાના અંગ્રેજી અનુવાદ પરથી કરાયેલો અનુવાદ છે. મૂળ રચના મેળવવી કે એ ભાષામાં પગપેસારો કરવો શક્ય ન હોવાથી મૂળ રચનાનાં કાવ્યસ્વરૂપ, પ્રાસવિધાન, છંદયોજના, પંક્તિ-સંખ્યા વગેરે તમામ કવિકર્મના પાસાં આપણાંથી અજાણ્યાં રહે છે, પરિણામે કાવ્યદેહ વિશે ટિપ્પણી કરવી સંભવ રહેતું નથી. અનુવાદના અનુવાદમાં મૂળ રચનામાંથી ઘણુંક ગુમાવાઈ જવાની અને ઘણુંક નવું ઉમેરાઈ જવાની શક્યતા ઘણી વધી જાય છે. જો કે કોલેમન બાર્ક્સના રુમીના ખાસ્સા આધારભૂત ગણાયા છે એટલે આપણે એની આંગળી પકડીને આગળ વધીએ. આ રચનાનું પૃથક્કરણ લેટિનની એક જ પંક્તિમાં પણ કરી શકાય: res ipsa loquitur (It speaks for itself) (એ સ્વયંસ્પષ્ટ છે.)

રુમીની આ કવિતા જીવનને વિધાયકરીતે-પૉઝિટિવિટીથી જોતાં શીખવે છે એટલું જ નહીં, સમ્યક દૃષ્ટિની હિમાકત પણ કરે છે. એ કહે છે કે આપણું મનુષ્ય હોવું એ પોતે એક અતિથિગૃહ જ છે. અતિથિગૃહ, જ્યાં કોઈપણ ગમે ત્યારે આવી શકે. કોઈને નકારી પણ ન શકાય. બીજી પંક્તિનું, દરેક સવાર પોતે એક નવો મહેમાન છે અને દરેક સવાર એક નવા મહેમાનને લઈને આવે છે -એમ બેય રીતે અર્થઘટન કરી શકાય. બંને અર્થનો પોતાનો મહિમા છે, અને બંને અર્થ સ્વયંસંપૂર્ણ છે. જિંદગી તમારા દરવાજે ટકોરા મારીને નથી આવતી, એ તો બસ તમારા ઘરમાં પ્રવેશી જાય છે. પણ જિંદગીનો સાંતાક્લૉઝ નાતાલવાળા કરતાં અલગ છે. પેલાની ઝોળીમાં નવા વર્ષના આગમનની ખુશાલીમાં ચોકલેટ્સ, ભેટો અને આનંદ જ છે પણ જિંદગીની ઝોળીમાં તો બધું જ છે. રુમી કહે છે, ‘જે તમે શોધો છો, એ તમને શોધે છે.’ જીવન બધું જ લઈને આવે છે. આનંદ, દુઃખ, હલકટાઈ, ક્ષણિક જાગૃતિ-બધું જ. જાગૃતિ માટે ક્ષણિક શબ્દ કેમ પ્રયોજ્યો હશે? રુમી આપણી મનુષ્યગત નબળાઈઓથી વાકેફ છે. એ જાણે છે કે જાગૃતિ કાયમી રહી જાય તો માણસ બુદ્ધ બની જાય અને બુદ્ધ તો હજારો વરસે એક જ થાય. બાકીના માટે તો બુદ્ધત્વ તરફની ગતિમાં મતિ રહે તોય ઘણું. જીવનમાં મોટાભાગનું અનપેક્ષિત મુલાકાતી બનીને આવતું હોય છે. રુમી બધાને આવકારવાનું તો કહે જ છે, આગતાસ્વાગતામાં કાંઈ મના ન રહી જાય એ માટે ટકોર પણ કરે છે. અર્થાત્ જે મળે એને સાચા દિલથી સ્વીકારવાની આ વાત છે.

આ નથી ને તે નથીની વાત પર દુર્લક્ષ દઈ
મેં બધામાં જે મળ્યું તે બેય હાથે લઈ લીધું.

જીવનમાં ક્યારેક દુઃખોનું ત્સુનામી પણ આવતું હોય છે જે તમને અંદર-બહાર બધેથી તદ્દન સાફ કરી નાંખે. જીવનભર જે કાંઈ ઊભું કર્યું હોય એ બધું અચાનક પાયમાલીની ચપેટમાં આવી જાય. અસ્તિત્વ આખેઆખું શૂન્ય બની રહે એવું પણ બને. જીવનનો એકડો ફરી શરૂથી ઘૂંટવાનો આવે એવુંય થાય. રુમી તમામનું સ્વાગત કરવા કહે છે. હિંસકમાં હિંસક દુઃખોની પણ સરભરા કરવા કહે છે, અને એ પણ સન્માનપૂર્વક. જે કોઈપણ જીવનના આંગણે આકસ્મિક આવી ચડ્યું છે, એને સહેજ પણ માનભંગ ન થાય એ પ્રકારે આવકારવાનું છે. દરેકને યથાયોગ્ય આદર દઈને સ્વીકારવાના છે. અલગ-અલગ જગ્યાઓ પર અનેકવાર રુમીએ આ જ વાતને દોહરાવી છે: ‘યાતના એક ભેટ છે. એની ભીતર દયા છુપાયેલી છે.’ ‘વિનાશ છે, ત્યાં જ ખજાનાની આશા છે.’ ‘દુઃખ ન કરો. જે કંઈ તમે ગુમાવો છો એ બીજા સ્વરૂપે પરત આવે જ છે.’ ‘આ જિંદગીમાં ઘણા વિધ્વંસ હકીકતમાં નવીનીકરણ છે.’ ‘ઘા જ એ જગ્યા છે જ્યાંથી પ્રકાશ તમારામાં પ્રવેશે છે.’ રુમીની એક સુંદર કવિતા તો આખી જ આ વિષય પર છે. એના અંશ જોઈએ:

આતમનો મારગ પ્રથમ તો
દેહનો ભાંગીને ભૂકો કરે છે
અને પછી તેને નવી તાજગીથી બેઠો કરે છે.
જેના પાયામાં ખજાનો દટાયો છે
તે મકાનને પહેલાં તો જમીનદોસ્ત કરવામાં આવે છે
અને પછી
એ ખજાનાથી એનું નવનિર્માણ કરવામાં આવે છે !
… …
સંકટોનો પ્રહાર તમારી નબળાઈ પર છે,
નહીં કે તમારા પર.
ગાલીચાને કોઈ સખ્તાઈથી ઝાપટે છે ત્યારે
એ પ્રહારો ગાલીચાને દંડવા માટે નથી હોતા,
એ તો હોય છે તેમાં ભરાયેલી ધૂળની સામે. (અનુ. વસંત પરીખ)

વાત સાચી છે. સંપૂર્ણ ખાલી થવું એ જ નવેસરથી ભરાવા માટેની પૂર્વશરત છે. કાગળ કોરો હોય તો જ નવો અક્ષર પાડી શકાય. આપણી મરજી વિના આપણા જીવનમાં આવી ચડતાં દુઃખો કદાચ આપણી અંદર વરસોથી જમા થયે રાખેલ કચરાને સાફ કરવા માટે જ આવ્યાં હોય. ભલે એ આપણને સાફ કેમ ન કરી નાંખે, આપણે એ તમામની આદરસહિત સરભરા કરવાની છે. કેમ કે કદાચ એ તમામ દુઃખો આપણને નવા આનંદથી ભરી દેવા માટે જ ખાલી કરી રહ્યાં હોય એમ પણ બને. રુમીની કવિતાનો આધાર આ આશા જ છે. એને અંધારામાં પણ અજવાળું નજરે ચડે છે. સાથે જ સુન્દરમ્ નું ‘ઘણ ઉઠાવ’ કાવ્ય પણ યાદ આવે:

ઘણુંક ઘણું ભાંગવું, ઘણ ઉઠાવ, મારી ભુજા !
ઘણુંક ઘણું તોડવું, તું ફટકાર ઘા, ઓ ભુજા !
તોડીફોડી પુરાણું,
તાવી તાવી તૂટેલું.
ટીપી ટીપી બધું તે અવલનવલ ત્યાં અર્પવા ઘાટ એને
ઝીંકી રહે ઘા, ભુજા ઓ, લઇ ઘણ, જગને ઘા થકી ઘાટ દેને.

રુમી નિતાંત પ્રેમકવિ છે. એ ગાય છે: ‘પ્રેમી અને પ્રેમ અમર છે. પ્રેમ સિવાય બીજી કોઈ વસ્તુને પ્રેમ ન કર કેમ કે બીજી વસ્તુઓનું અસ્તિત્વ અસ્થાયી છે.’ એ તમામ વસ્તુઓમાં પ્રેમ શોધે છે અને પછી પ્રેમને જ પ્રેમ કરે છે, કેમ કે એ જ ચિરસ્થાયી છે. મલિન વિચાર, શરમ, દ્વેષ – જે કંઈ જિંદગી આપણા આંગણે લઈ આવે એ તમામને આપણે ખુલ્લા હાથે અને મોકળા મને સસ્મિત આવકારવાનાં છે અને એ પણ દરવાજે જઈને ને વળી આભારી થઈને. તકલીફો વણનોતરી આવી ચડી છે, પણ આપણે એને અવગણવાની નથી. આપણે સામે ચાલીને ઘરનો દરવાજો ખોલવાનો છે, હસીને ભીતર આવકારો દેવાનો છે, આદરપૂર્વક સ્વાગત કરવાનું છે અને આપણે ત્યાં એના આવી ચડવા બાબત એનો આભાર પણ માનવાનો છે. રુમી અતિથિનું કામ કેટલું કપરું બનાવી રહ્યા છે તે તો જુઓ! કવિતાની ભાષા તો કેવી સરળ અને સહજ લાગતી હતી! પણ એક પછી એક શરતના આમળા રુમી યજમાન માટે ચડાવ્યે જ રાખે છે. દુઃખ આવે તોય આપણે એનું મનોરંજન કરવાનું છે. એ આપણને બરબાદ કરી નાંખે તોય આપણે એના આભારી થવાનું છે. ભીતર આખું રસાતાળ જાય તોય એને માનપૂર્વક હસીને આભારી થઈને જ ભીતર લઈ આવવાનું છે. કોઈ માટે દરવાજો કોઈપણ સંજોગોમાં બંધ કરવાનો નથી. દરવાજા સુધી જવામાં આપણે આપણી ગરજ પણ દેખાડવાની છે અને હસતા વદને આવકારવામાં આપણી ભીતરી તૈયારી પણ. માન જાળવવામાં આપણી નમ્રતા પણ વ્યક્ત કરવાની છે અને આભારી બનીને આપણી કૃતજ્ઞતા પણ. આ કામ જરાય સહેલું નથી. સુખ-આનંદને આવકારવાનું જેટલું સરળ છે એટલું જ સુખ અને આનંદ સાથે દુઃખોને આવકારવાનું દોહ્યલું છે. પણ જીવન જો અતિથિગૃહ છે, તો એ તમામ માટે એકસમાન જ ખુલ્લું હોવું ઘટે. અતિથિગૃહના માલિક પાસે સંપૂર્ણ તટસ્થતા જ અપેક્ષિત હોય છે. અતિથિગૃહમાં આવનાર કોઈપણ હોય, એ કંઈકને કંઈક આપીને જ જવાનો છે. માટે, આતિથ્યભાવના અતિથિ જોઈને બદલવાની નથી. કસોટીનું કામ છે, પણ કરવાનું છે. અગ્નિપરીક્ષા છે, પણ આપવાની છે, કેમકે આગમાં તપશે તો જ કથીરમાંથી કુંદન બહાર આવશે. રુમી કહે છે: ‘હીરાના તેજને નિખારવા માટે તેને ખૂબ ઘસવો પડે છે. એમ આત્માની શુદ્ધિ માટે કષ્ટોમાંથી ગુજરવું પડે છે.’

દુઃખ-દર્દ, યાતના-મુસીબત, હર્ષ-દ્વેષ, મહાનતા-હલકટાઈ, આશા-હતાશા, જાગૃતિ-શરમ: તમામને આપણે આપણી ગરજે અને આપણી તૈયારીએ આપણી ભીતર આવવા આગળ વધીને સસ્મિત સાદર સાભાર નિમંત્રણ આપવાનું છે. કેમ કે આ બધું જ નિતનવા અનુભવના સ્વરૂપે ‘એ’ના તરફથી તમને મોકલવામાં આવેલા માર્ગદર્શક-ભોમિયા છે, જે આપણા માટે જીવનપાથેય લઈને આવ્યા છે. આ દરેક અતિથિ આપણું માર્ગદર્શન કરવા માટે આવ્યા છે. એમનો યોગ્ય આદરસત્કાર ન કરવાનો મતલબ છે, માર્ગચ્યુત થવું, દિશા ચૂકી જવી. આ તમામને ઈશ્વરે જ મોકલ્યા છે. આ તમામ આપણા પથપ્રદર્શક છે. એક કવિતામાં રુમી ગાય છે: ‘તમે જે અનુભવી રહ્યા છો એ દુઃખો હકીકતમાં સંદેશવાહકો છે. એમને સાંભળો.’ આંગણે આવનાર તમામ મુલાકાતીઓને સમ્યકભાવે જોવાની આ વાત પર કવિ દુલા ભાયા ‘કાગ’નું ગીત યાદ આવ્યા વિના નહીં રહે:

તારા આંગણિયાં પૂછીને કોઈ આવે રે,
આવકારો મીઠો આપજે રે.
માનવીની પાસે કોઈ માનવી ન આવે રે,
એજી તારા દિવસની પાસે રે દુઃખિયાં આવે રે
‘કેમ તમે આવ્યા છો ?’ એમ નવ કહેજે રે,
એને માથું રે હલાવી હોંકારો તું દેજે રે.
આવકારો મીઠો આપજે રે.

ગ્લૉબલ કવિતા: ૧૪૨ : કદાચ – ગુલઝાર

शायद

कोई अटका हुआ है पल शायद
वक़्त में पड़ गया है बल शायद

लब पे आई मिरी ग़ज़ल शायद
वो अकेले हैं आज-कल शायद

दिल अगर है तो दर्द भी होगा
इस का कोई नहीं है हल शायद

जानते हैं सवाब-ए-रहम-ओ-करम
उन से होता नहीं अमल शायद

आ रही है जो चाप क़दमों की
खिल रहे हैं कहीं कँवल शायद

राख को भी कुरेद कर देखो
अब भी जलता हो कोई पल शायद

चाँद डूबे तो चाँद ही निकले
आप के पास होगा हल शायद

– गुलज़ार

કદાચ

કોઈ અટકી રહેલી પળ છે કદાચ,
કે સમયમાં પડેલ વળ છે કદાચ.

એકલા આજકાલ છે એ કદાચ
હોઠે મારી જ કો’ ગઝલ છે કદાચ.

દિલ યદિ છે તો દર્દ હોવાનું જ,
ને વળી એનો હલ અકળ છે કદાચ.

જાણે છે, શું છે ફળ ભલાઈનું,
ફક્ત કપરો બન્યો અમલ છે કદાચ.

આવે છે આ તરફ એ પગરવ ને,
ક્યાંક ખીલી રહ્યાં કમળ છે કદાચ.

જોઈ લ્યો, રાખને ઉસેટીને,
ભીતરે કો’ક બળતી પળ છે કદાચ.

ચાંદ ડૂબે તો ફક્ત ચાંદ ઊગે,
આપની પાસે એવી કળ છે કદાચ.

– ગુલઝાર
(અનુ. વિવેક મનહર ટેલર)

અનિશ્ચિતતાની ચાદર તળે સંતાયેલી નિશ્ચિતતાની ગઝલ

ગઝલ આજે કદાચ સૌથી વધુ લોકપ્રિય કાવ્યપ્રકાર છે. ફરસાણની દુકાને એક જ ઘાણમાં જેમ સેંકડો ગાંઠિયા ઉતરે, એમ પ્રધાન ભારતીય ભાષાઓમાં ગઝલોના ઘાણ ઊતરી રહ્યા છે ને કવિતાનો ઘાણ નીકળી રહ્યો છે. દેખાવે સાવ સરળ લાગતો હોવા છતાં હકીકતમાં આ કાવ્યપ્રકાર કદાચ સહુથી કપરો છે, કેમ કે બે પંક્તિની સાવ નાનકડી જગ્યામાં કવિએ દોરડા પર ચાલતા નટની કુશળતાથી સમતુલન ગુમાવ્યા વિના વસવાનું હોય છે. કૃષ્ણના નાનકડા મુખમાં આખું બ્રહ્માંડ દેખાય એમ દરેક શેરના બે મિસરામાં સ્વતંત્ર કવિતા અવતારવાનું ભગીરથકાર્ય જૂજ કવિઓ જૂજ વાર જ હાંસિલ કરી શકે છે. ગુલઝારની પ્રસ્તુત ગઝલ આ કાર્ય સુપેરે કરી શકી છે.

ગુલઝાર. મૂળ નામ સમ્પૂરન સિંહ કાલરા. ઑસ્કાર એવૉર્ડથી સન્માનિત એકમાત્ર ભારતીય ગીતકાર. ગ્રેમી એવોર્ડ, પદ્મભૂષણ, સાહિત્ય અકાદમી પુરસ્કાર, ભારતીય સિનેમાના સર્વોચ્ચ પુરસ્કાર દાદાસાહેબ ફાળકે એવોર્ડ, અને સાત-સાત વખત નેશનલ એવોર્ડ! આજના દૌરના ઉત્તમોત્તમ કવિ. સફળતમ ફિલ્મી ગીતકાર. સેંકડો ઉત્તમ ફિલ્મો-ધારાવાહિકોના સંવાદલેખક-પટકથાલેખક-વાર્તાકાર-દિગ્દર્શક-પ્રોડ્યુસર ગુલઝારના નામથી ભાગ્યેજ કોઈ કાવ્યરસિક અને સિનેરસિક અણજાણ હોઈ શકે. નસીરુદ્દીન શાહ અભિનીત ‘મિર્ઝા ગાલિબ’ ટીવી સિરિયલ એમની કારકિર્દીનું શિરમોર છોગું છે. ૧૮-૦૮-૧૯૩૪ના રોજ બ્રિટિશ ભારત (આજના પાકિસ્તાન)ના ઝેલમ જિલ્લાના દીના ગામમાં માખનસિંહ કાલરા તથા સુજન કૌરના શીખ પરિવારમાં જન્મ. નાની વયે જ માતાને ગુમાવી. પિતાએ ત્રણ લગ્ન કર્યા. વચલી પત્નીથી એક સંતાન, તે ગુલઝાર. પહેલી પત્નીથી ત્રણ અને ત્રીજી પત્નીથી થયેલ ચાર સંતાનોની સાથે તેઓ મોટા થયા. સાત વર્ષની વયે પિતા સાથે દિલ્હી આવ્યા. દિલ્હીમાં એક દુકાનદાર અઠવાડિયાના ચાર આના લઈને ઇચ્છો એટલા પુસ્તક વાંચવા આપતો. ગુલઝાર ભૂખ્યાડાંસની જેમ તૂટી પડ્યા. દુકાનદારે એકવાર કોઈ નહોતું લઈ જતું એ પુસ્તક આપ્યું. રવીન્દ્રનાથના ‘ગાર્ડનર’નો એ ઉર્દૂ અનુવાદ હતો. આજીવન પ્રિય બની રહેનાર એ પુસ્તક એમણે પચાવી પાડ્યું. એમના શબ્દોમાં એ એમની પહેલી ચોરી. આ પુસ્તકે એમને લેખક બનવાની પ્રેરણા આપી. દસ વર્ષની વયે કવિતા લખવી શરૂ કરી. શરૂમાં તો એમના પિતાએ આ (કુ)કર્મ માટે એમનો ઉધડો પણ લીધો હતો. ભાગલા સમયે બાકીનો પરિવાર પણ દિલ્હી આવ્યો. ૧૯૫૦માં પિતાએ ગુલઝારને બીજીવાર પરિવારથી અલગ કરી મુંબઈ મોટાભાઈને ત્યાં મોકલી આપ્યા. ભાઈને ત્યાં ગાડીના રંગોની દુકાનમાં થોડો સમય કામ કર્યા બાદ ગુલઝારે ઘણી ક્ષુલ્લક નોકરીઓ કરી. આખરે રંગોની બાબતમાં નૈસર્ગિક હથોટી હોવાના કારણે વરલીમાં એક ગેરેજમાં ગાડી રંગવાના કામે લાગ્યા. ગેરેજ સિવાયના સમયે કોલેજ અને પ્રોગ્રેસિવ રાઇટર્સ એસૉશિયેશનમાં જતા. બિમલ રૉયે કાદવમાંના કમળને પારખી લીધું. ગુલઝાર એમના સહાયક બન્યા. ૧૯૬૩માં બંદિની ફિલ્મ માટે પ્રથમ ગીત, ‘મોરા ગોરા અંગ લઈ લે’ લખ્યું. આપણને ગુલઝાર દિનવી મળ્યા, જેમાંથી દિનવી તખલ્લુસ કાળક્રમે ખરી ગયું. બિમલ રૉય અને ઋષિકેશ મુખર્જીને તેઓ ગુરુ ગણે છે. લૉન ટેનિસના શોખીન. મુશાયરાઓમાં કદી ભાગ લેતા નથી. ૧૯૭૩માં રાખી સાથે લગ્ન. એક સંતાન, નામે મેઘના, જેના જન્મ પછી બંને અલગ થયા પણ એકમેક સાથે રોજિંદા સંપર્કમાં રહે છે. ગુલઝારના શબ્દોમાં આ ‘Living together, separately’ છે, જેની વિગતો તેઓ દુનિયા સાથે વહેંચવા માંગતા નથી. ટ્રેજેડીક્વીન મીનાકુમારી મીનાકુમારી પોતાની કવિતાઓ અને ડાયરીઓ ગુલઝારના હવાલે કરી ગયાં હતાં. મીનાકુમારીની નાદુરસ્ત તબિયત અને દવાઓની અનિવાર્યતા પારખીને ગુલઝારે એમના વતી રમઝાન માસમાં રોજા રાખવા આદર્યા. મીનાકુમારીને ગયાના વરસો બાદ આજે પણ ગુલઝાર પોતાની ઉમર અને તબિયતને ધ્યાનમાં રાખીને દર વરસે દસથી પંદર રોજા તો રાખે જ છે. વર્ષોથી માત્ર સફેદ વસ્ત્રો જ પહેરે છે. શર્મિલા ટાગોરને એમણે કહ્યું હતું કે એમની પાસે કાળો કોટ નહોતો એટલે તેઓ ઓસ્કાર એવૉર્ડ લેવા ગયા નહોતા. પંચ્યાસી વર્ષની જૈફ વયે પણ તેઓ સતત સક્રિય છે અને મુંબઈમાં જ ‘બોસ્કીયાના’માં રહે છે.

ફિલ્મોમાં ગમે એટલી નામના કેમ ન મળી હોય, ગુલઝારનું શ્રેષ્ઠ પદાર્પણ એટલે એમની કવિતાઓ. સાચા ગુલઝારને મળવું હોય તો એમની કવિતાઓની ગલીઓમાં જ જવું પડે. સરળ ભાસતી ભાષા એમને હસ્તગત સાવ જ અનૂઠા રૂપકોના કારણે અભૂતપૂર્વ પોત ધારતી જોવા મળે છે. સસ્તાં ગણાતાં ફિલ્મી ગીતો પણ એમના પારસસ્પર્શે સુવર્ણ બની જાય છે. એ ફિલ્મી ગીત લખે છે તો એમાંય કવિતાનો સ્પર્શ અછતો રહેતો નથી. જો કે ગીત-ગઝલ કરતાંય એમનું પ્રધાન કર્તૃત્વ નઝમમાં જોવા મળે છે. પ્રાસ-સ્વરૂપની અન્ય પળોજણ ત્યગીને માત્ર છંદના આવર્તનોનો હાથ ઝાલી ‘બ્લૅન્ક વર્સ’માં ગુલઝાર ઊંડું કાવ્યતત્ત્વ ધરાવતી નઝમો આપે છે. ગઝલના શેરથી ઉપર ઊઠીને એમણે આપણે ત્યાં ત્રિપદી તરીકે આવકાર પામેલ ત્રણ પંક્તિના ‘ત્રિવેણી’ નામક કાવ્યપ્રકારનો આવિષ્કાર કર્યો. હિંદી, ઉર્દૂ અને પંજાબી ઉપરાંત તેઓ વ્રજ ભાષા, ખડી બોલી, મારવાડી અને હરિયાણવીમાં પણ રચના કરે છે.

ટૂંકી બહેર, ચુસ્ત કાફિયા અને સંભાવનાના સિક્કાની બીજી બાજુ કોરી છોડી દેતી ‘કદાચ’ જેવી બહુઆયામી રદીફ વાપરીને ગઝલ સિદ્ધ કરવી સહેલું કામ નથી. ટૂંકી બહેરમાં કામ કરવું એટલે આમેય સાંકડી ગલીમાં નોળિયો નાચવા જેવી વાત. પણ ગુલઝાર સિદ્ધહસ્ત સર્જક છે. એ અદભુત ગઝલ આપે છે. સાત શેરની ગઝલમાં સાતેય ભાવ-વિશ્વ બિલકુલ સ્વ-તંત્ર હોવા છતાંય ‘કદાચ’ના તાંતણે કવિએ સાતેયને એ રીતે બાંધ્યા છે કે આખી ગઝલમાં સૂક્ષ્મ એકસૂત્રિતા પ્રવર્તમાન હોવાનું અનુભવાયા વગર રહેતું નથી. અનિશ્ચિતતાની ચાદર તળે સંતાયેલી નિશ્ચિતતાની આ ગઝલ છે. ‘કદાચ’, ‘કદાચ’ કહીને પણ કવિ નિશાન તો ધાર્યું જ તાકે છે. ફક્ત એટલું જ થાય છે, કે નિશ્ચિતતાના સ્થિર જળમાં ‘કદાચ’નો આ પથ્થર લાંબા અંતર અને લાંબા સમય સુધી નાનાવિધ અર્થચ્છાયાઓના વમળ જન્માવે છે…

એક પછી એક શેર હાથમાં લઈએ…

કોઈ અટકી રહેલી પળ છે કદાચ,
કે સમયમાં પડેલ વળ છે કદાચ.

समय तू धीरे धीरे चल એમ આપણે ગાઈએ છીએ પણ આપણે જાણીએ પણ છીએ કે સમય નથી કદી રોકાયો, નથી રોકાવાનો. સમયનું વહેણ નદી જેવું છે. એક જ પાણીમાં તમે કદી બે વાર ન્હાઈ શકતા નથી. જે પળ હાથમાંથી સરી ગઈ એ ગઈ. એટલે જ તો Carpe Diem – Live in this moment એવું કહેવાયું છે. પણ તોય સમય થંભી જાય એવી મનોકામના આપણે કેટલીવાર કરતાં હોઈએ છીએ! સમયથી વધુ સાપેક્ષ પરિબળ બીજું કયું હશે?!

તું આવે તો યુગોની રાહ પળથી પાતળી લાગે,
પ્રણયમાં કાળની આવી ગતિ સમજાય તો સમજાય.

કાળની ગતિ અકળ છે. એ કોઈ માટે અટકતો નથી પણ આવનાર સમય મરજી મુજબનો આવે અને વીતેલી પળોમાં પુનઃપ્રવેશ કરી શકાય એવી મંશા તો કાયમ રહે જ છે. વીતી ગયેલા સમયની વાત થાય તો મીર ‘હસન’ની ચેતવણી યાદ આવ્યા વિના નહીં રહે:

सदा ऐशे दोरां दिखाता नहीं,
गया वक़्त फ़िर हाथ आता नहीं

‘રાહી’ કુરેશી પણ યાદ આવે:

मैं गया वक़्त हूं जमाने में
मुझ को आवाज़ दे न अब कोई

અને આ બે શેર વાંચીએ એટલે કયા પૂર્વસૂરિના પ્રભાવમાં આ બંને શેર લખાયા હશે એ તરત ધ્યાનમાં આવ્યા વિના નહીં રહે. મિર્ઝા ગાલિબના શેરોએ “આગામી કોઈ પેઢીને દેતા હશે જીવન, બાકી અમારા શ્વાસ નકામા તો જાય ના” (મરીઝ)ના ન્યાયે આજપર્યંતના તમામ શાયરોને ઓછેવત્તે અંશે પ્રભાવિત કર્યા જ છે. મિર્ઝા કહે છે:

मेहरबाँ हो के बुला लो मुझे जिस वक़्त चाहो,
मैं गया वक़्त नहीं हूं कि फिर आ भी न सकूं

પણ ગુલઝાર વીતેલી પળની વાત નથી કરતા. એ તો કોઈક અટકી ગયેલી પળની વાત કરે છે. એવો સમય જે વીતી ગયા પછી પણ વીતતો જ નથી. એવો સમય જેને વૉચના કાંટા તો તાણી લઈ ગયા છે પણ જે સોચના કાંટામાં ભરાઈ પડ્યો છે. જીવનમાં કોઈક પળે કોઈક તકલીફ આવી પડે તો માણસનું મન ત્યાં જ અટકી જાય છે. જિંદગી ભલે આગળ વહેતી રહે, માણસ એ ક્ષણમાં જ પીગળી ન શકે એવો બરફ બનીને થીજી જાય છે. રેશમની દોરી પર હાથ લસરતો જતો હોય અને વચ્ચે અકસ્માત એક ગાંઠ આવી ચડે તો હાથ કેવો અટકી જાય! કવિ સમયની દોરમાં આવી ગાંઠ-આવો વળ પડી ગયેલ કલ્પે છે. સડસડાટ વહી જતા સમયમાં વળ-આમળો પડી જવાનું કલ્પન શેરના અનનુભૂત સૌંદર્યને ઉજાગર કરે છે. સડેડાટ વહેતા સંબંધમાં પણ એકવાર વળ પડી જાય તો ઇસ્ત્રી કરી શકાતી નથી. ગુલઝાર એક નઝ્મમાં આ ગાંઠનો સ-રસ ઉલ્લેખ કરે છે:

मैंने तो इक बार बुना था एक ही रिश्ता
लेकिन उसकी सारी गिरहें
साफ़ नज़र आती हैं मेरे यार जुलाहे!
*

એકલા આજકાલ છે એ કદાચ
હોઠે મારી જ કો’ ગઝલ છે કદાચ.

પ્રેમમાં કોરી ખાતી એકલતાની કોરી દીવાલને અઢેલીને બેસવા માટે સ્મરણોની પીઠથી મોટી કોઈ સવલત નથી. બીજાના પ્રેમમાં પડીને પહેલાને છોડી દેનાર બેવફા સાથે જ્યારે બેવફાઈ થાય છે ત્યારે કદાચ વફાદાર આશિકની ગઝલો જ દવા બની રહે છે. કવિતા તમામ દર્દનો રામબાણ ઈલાજ છે. કવિને ખાતરી નથી પણ પ્રિયપાત્રના હોઠ પર કદાચ પોતાની જ કોઈ ગઝલ રમી રહી હોય એવું લાગે છે એટલે અનુમાન કરે છે કે એ આજકાલ એકલા હોવા જોઈએ. જીવનમાં એકલા પડી જઈએ એ ઘડીએ જ સાચો પ્રેમ, પ્રેમની સાચી અભિવ્યક્તિ હોઠ પર ગણગણાટ બનીને આપોઆપ ઊભરી આવે છે. આસપાસના સહેવાસનો અહેસાસ શ્વાસમાંથી દૂર થાય ત્યારે જ ગઝલનો પ્રાસ બેસે છે. એક નઝમમાં કવિ કવિતાએ એમને કઈ ઘડીએ મળવાનો વાયદો કર્યો છે એ જણાવે છે:

जिस्म जब ख़त्म हो और रुह को जब साँस आये
मुझसे इक नज़्म का वादा है, मिलेगी मुझको
*

દિલ યદિ છે તો દર્દ હોવાનું જ,
ને વળી એનો હલ અકળ છે કદાચ.

ગુલઝાર ઘણીવાર પોતાને જ દોહરાવતા પણ જોવા મળે છે. ‘દિલ સે’ ફિલ્મના ટાઇટલ ગીતમાં ‘દિલ હૈ તો ફિર દર્દ હોગા’ પંક્તિ આપણને સ્પર્શી જાય છે. પ્રસ્તુત પંક્તિ ગુલઝારે ફિલ્મમાં વાપરી કે ફિલ્મમાંથી ગઝલમાં આવી એ વાત નગણ્ય છે. પણ ગુલઝારની ખાસિયત છે કે એમની રચનાઓમાં પુનરાવર્તન પણ નવસર્જન થઈને જ આવતું હોય છે. ધુમાડો છે તો આગ પણ હશે જ. દિલ અગર છે તો દર્દ પણ હશે જ. એવું કોઈ દિલ બન્યું નથી જે તૂટવાનું ન હોય. કાચનું વાસણ છે. કદાચ તૂટે નહીં પણ તિરાડ તો પડવાની જ. અને કદાચ આ દર્દનો કોઈ ઈલાજ પણ નથી. તરત ગાલિબ યાદ આવે:

इश्क़ से तबीअत ने ज़ीस्त का मज़ा पाया,
दर्द की दवा पाई, दर्द बे-दवा पाया।

આખી વાતને આ રીતે પણ જોઈ શકાય:

આ દર્દ પ્યારનું હો ભલે લા-દવા મગર,
એના વિના આ જિંદગી બીમાર હોય છે.
*

જાણે છે, શું છે ફળ ભલાઈનું,
ફક્ત કપરો બન્યો અમલ છે કદાચ.

સારા કામનું ફળ હંમેશા સારું જ હોય છે પણ કદાચ આપણે જાણકારી હોવા છતાં અમલ કરી નથી શકતા આ મનુષ્યગત કમજોરીને કવિએ બખૂબી ઉપસાવી છે. વાત તો જૂની જ છે પણ અંદાજે-બયાં સ્પર્શી જાય છે. કોઈ પ્રત્યે ભલાઈ બતાવીએ કે દયા દાખવીએ તો ઈશ્વર એનું સારું પરિણામ આપશે એ પ્રિયપાત્રથી અજાણ્યું નથી. પણ એ છતાં પ્રિયજન કવિ તરફ દયાભાવ કે કરુણાદૃષ્ટિ દાખવતું નથી. કવિને તો પ્રિયજન તરફથી અપેક્ષા, અવમાનનો જ અનુભવ થતો રહે છે. આ છતાંય આ તારણની પાછળ ‘કદાચ’ મૂકીને કવિ પ્રિયજનને શંકાનો લાભ આપીને એના પર આળ મૂકવાથી દૂર રહે છે. રદીફનો આવો સુંદર પ્રયોગ બહુ ઓછા કવિઓ કરી શક્યા છે.
*

આવે છે આ તરફ એ પગરવ ને,
ક્યાંક ખીલી રહ્યાં કમળ છે કદાચ.

પ્રિયતમાનો પગરવ સાંભળીને દિલના કમળ ખીલી ઊઠવા જેવી તકિયાનૂસી વાત પણ કવચિત્ ગુલઝાર કરી બેસે છે. પણ અહીં પણ ‘કદાચ’નો કાકુ વાતને નવો ઓપ આપે છે. એમના પગલાંનો અવાજ આવી રહ્યો છે એ કારણે કદાચ ક્યાંક કમળ ખીલી રહ્યાં છે. ‘ક્યાંક’ કહીને ગુલઝાર પોતાના પ્રિયતમા પરના અવલંબનને રદિયો આપવા કરે છે અને ‘કદાચ’ કહીને વળી ‘नरो वा कुंजरो वा’ના ન્યાયે આ રદીયા નીચે અધોરેખા દોરી એને ગાઢો કરે છે. બાકી, પ્રેમમાં સમર્પણ ગુલઝારનો સ્વભાવ છે:

सिरे उघड गये हैं, सुबह-ओ-शाम के,
वो मेरे दो जहान साथ ले गया
*

જોઈ લ્યો, રાખને ઉસેટીને,
ભીતરે કો’ક બળતી પળ છે કદાચ.

તરત જ ગાલિબ યાદ આવે:

जला है जिस्म जहाँ, दिल भी जल गया होगा,
कुरेदते हो जो अब राख, जूस्तेजु क्या है?

શરીરની સાથે જ દિલ પણ બળી જ ગયું હશે. હવે શેની શોધ છે જે માટે રાખને ફંફોસી રહ્યા છો? ગુલઝાર જેમ પોતાને દોહરાવે છે એમ અન્ય કવિઓની કવિતાઓ સાથે પણ પોતાની કવિતાને તાણા-વાણાની જેમ વણી લે છે. સિદ્ધહસ્ત કવિઓની કવિતામાંથી પ્રેરણા લઈને અનુસર્જન કરવામાં કવિની હથોટી છે. અમીર ખુશરોના ‘અય સરબથે આશિકી’ પરથી ગુરુ ફિલ્મમાં ‘અય હૈરથે આશિકી,’ તો બુલ્લે શાહના ‘થૈયા થૈયા’ પરથી દિલ સે ફિલ્મનું ‘છૈયા છૈયા’ આના ઉત્તમ ઉદાહરણો છે. ગાલિબની પંક્તિ ‘बैठे रहे तसव्वुरे-जानां किए हुए’ની ઉપર ‘दिल ढूंढता है, फ़िर वही फुरसत के रात-दिन’ની ગિરહ લગાવી ગુલઝારે કેવી કમાલ કરી છે! પ્રસ્તુત શેરમાં પણ ગાલિબના ‘जूस्तेजु क्या है?’નો જવાબ આપતા હોય એમ ગુલઝાર કહે છે કદાચ સમયનો કોઈ ટુકડો હજી આ રાખની નીચે સળગતો બચી ગયો હોય. કદાચ ‘तुम्हारी यादों के जिस्म पर नील पड गये हैं,’ એ શોધવાનું આહ્વાન કવિ આપતા હોય એમ પણ બને. આ જ શેરના ‘એક્સટેન્શન’ જેવી એક ત્રિવેણીમાં કવિ લખે છે:

जिस्म और जाँ टटोल कर देखें
ये पिटारी भी खोल कर देखें

टूटा फूटा अगर ख़ुदा निकले-!
*

ચાંદ ડૂબે તો ફક્ત ચાંદ ઊગે,
આપની પાસે એવી કળ છે કદાચ.

સવારે ગાયબ થઈ જતા ચાંદ વિશે ગુલઝાર કેવી મજાની કલ્પના કરે છે:

रात के पेड पे कल ही तो उसे देखा था-
चाँद बस गिरने ही वाला था फ़लक से पक कर

सूरज आया था, ज़रा उसकी तलाशी लेना!

આ જ કવિ વળી ચવાઈને ચુથ્થો થઈ ગયેલ ઉપમાન પણ પ્રયોજી શકે છે. પ્રિયતમાને ચાંદની ઉપમા કવિઓ સદીઓથી આપતા આવ્યા છે. ગુલઝાર પણ આપે છે પણ જૂના રંગમાં નવી ઝાંય ઉમેરીને એ કેવી મનોરમ્ય નૂતન સૃષ્ટિ સર્જી શકે છે એ સમજવા જેવું છે. ચંદ્રનું આથમવું એ સૂર્યોદયની પહેલી શરત છે પણ કવિ કહે છે કે કદાચ તારી પાસે કોઈ ઉપાય હોય, ચંદ્ર આથમે અને ચંદ્ર જ ઊગે.. મતલબ દિવસ થાય અને તું આવે! શબ્દની નાની સરખી રમત અને કવિતા નામનો મોટો ચમત્કાર! આવા જાદુથી જ ગુલઝારે ગઝલને ગુલઝાર કરી છે…

ગ્લૉબલ કવિતા : ૧૪૧ : નિર્દોષ ને નિર્મળ આંખ તારી – હરિશ્ચંદ્ર ભટ્ટ

નિર્દોષ ને નિર્મળ આંખ તારી
હતી હજી યૌવનથી અજાણ,
કીધો હજી સાસરવાસ કાલે,
શૃંગાર તેં પૂર્ણ ચિતા મહીં કર્યો!

કૂંળી હજી દેહલતા ન પાંગરી,
કૌમાર આછું ઊઘડ્યું ન ઊઘડ્યું,
પ્હેરી રહે જીવનચૂંદડી જરી,
સરી પડી ત્યાં તુજ અંગથી એ!

સંસારના સાગરને કિનારે
ઊભાં રહી અંજલિ એક લીધી,
ખારું મીઠું એ સમજી શકે ત્યાં
સરી પડ્યો પાય સમુદ્રની મહીં!

છો કાળ આવે, શિશિરોય આવે,
ને પુષ્પ કૂંળાં દવમાં પ્રજાળે;
સુકોમળી દેહકળી અરે અરે
વસંતની ફૂંક મહીં ખરી પડી!

– હરિશ્ચંદ્ર ભટ્ટ

સ્વજનના મૃત્યુની કવિતા સુખ આપે કે દુઃખ?

મૃત્યુ. મૃત્યુને તમે કેવી રીતે જોશો? નિકટના સ્વજનના મૃત્યુને? નિકટના સ્વજનના અકાળ મૃત્યુને? પહેલા શ્વાસની સાથે જ આખરી શ્વાસ અવિનાભાવી સંબંધથી બંધાઈ ચૂક્યો હોવા છતાં જન્મ અને મરણ- આ બેઉને જોવા માટેનાં આપણાં ચશ્માં સાવ અલગ છે. આપણી તો ગીતા અને શંકરાચાર્યની સંસ્કૃતિ. जातस्य हि ध्रुवो मृत्युः અને पुनरपि जनमं पुनरपि मरणं ના મંત્રો આપણને ગળથૂથીમાં પિવડાવાયા છે. મૃત્યુ પશ્ચાત્ પણ આત્માને नैनं छिन्दन्ति शस्त्राणि नैनं दहति पावकः જાણતાં હોવા છતાં આપણે સહુ अशोच्यानन्वशोचस्त्वं (જેનો શોક કરવો ઉચિત નથી, એનો શોક કરીએ છીએ.) ખેર, આ મનુષ્યની પ્રકૃતિ છે. જન્મ આપણે ત્યાં ઉત્સવ છે, અને મૃત્યુ શોક. એમાંય જો કોઈ અત્યંત નજીકનું સગું હોય અને કૂમળી વયે અવસાન પામ્યું હોય તો શોક નિરવધિ બની રહે છે. પણ ગીતાપાઠ પચાવી ચૂકેલ સાચા જ્ઞાનીઓ મૃત્યુને સમ્યક ભાવે જોઈ શકતા હોય છે. હરિશ્ચંદ્ર ભટ્ટની પ્રસ્તુત રચના જન્મ અને મરણને સમાનભાવે આવકારવાની સાધુસહજ અવસ્થા દર્શાવે છે.

હરિશ્ચંદ્ર ભગવતીશંકર ભટ્ટ. ૦૬-૧૨-૧૯૦૬ના રોજ દક્ષિણ ગુજરાતમાં ઓલપાડ ખાતે જન્મ. મેટ્રિક પાસ કર્યા બાદ બનારસ હિન્દુ યુનિવર્સિટીમાં ભણવું હતું. પિતાજીની બિમારીના લીધે યોજના પડતી મૂકવી પડી. કાલબાદેવીની એક પેઢીમાં ‘મહેતાજી’ થયા. કમિશન એજન્ટ તરીકે પુસ્તકોની લે-વેચ કરી. પૉલેન્ડની રાજદૂત કચેરીમાં કામ મળ્યું. ‘નાલંદા પબ્લિકેશન્સ’ના નામે પુસ્તક પ્રકાશન પર પણ હાથ અજમાવી જોયો. ‘યુગદર્શન’માં પણ જોતરાયા. પણ કદાચ ક્યાંય કાયમી મેળ સધાયો નહીં. ભાઈ, બનેવી, બહેન જેવા સ્વજનોનાં અકાળ મૃત્યુના સાક્ષી બનવું પડ્યું. છેવટે કવિએ ૧૮-૦૫-૧૯૫૦ના રોજ માત્ર ૪૩ વર્ષની વયે જિંદગીથી પડતું મેલ્યું. અત્મહત્યા કરી. જિંદગી માટે એમને કોઈ ‘અટૅચમેન્ટ’ નહોતું. એ કહે છે: ‘મને attachment ક્યાંથી હોય? મિત્રોએ મારી દયા ખાધી છે અને ક્યાં તો સલાહ આપ્યા કરી છે. જેણે પોતાનામાંથી શ્રદ્ધા ગુમાવી હોય તેનું એવું જ થાય, એ હું જાણું છું. જીવવાની તાકાત માણસે પોતાનામાંથી મેળવવાની હોય છે.’ ઉ.જો.ને એક પત્રમાં એમણે લખ્યું હતું કે, ‘મારાં કાવ્યો પ્રસિદ્ધ કરશો નહિ, સરસ્વતીનો મેં અપરાધ કર્યો છે.’ જો કે આ અપરાધ ઉ.જો. કર્યા વિના ન રહ્યા એ આપણી ભાષાનું સદનસીબ.
એમની કવિતાઓમાં વયષ્ટિથી લઈને સમષ્ટિ સુધીનો છલોછલ પ્રેમ છલકે છે તથા માનવવેદના માટે સંવેદનાનો સૂર પ્રગટતો સંભળાય છે. વિશ્વકવિતા-સાહિત્યના આજન્મ વાચક, ભાવક અને સાધક. પૉલિશ ભાષામાંથી અનેકાનેક ઉમદા અનુવાદો પણ એમણે આપ્યા છે. સુરેશ દલાલ તો લખે છે, ‘આપણા કવિઓને અને કવિતાને યુરોપિય સાહિત્ય તરફ વાળવામાં એ નિમિત્ત થયા છે. રિલ્કે અને બૉદલેર માટે એમને પક્ષપાત છે. ક્યારેક તો આપણને એમ લાગે કે આ જીવ ભારતમાં ભૂલો પડ્યો છે, મૂળે તો એ યુરોપના જગતમાં જન્મ્યો હશે. કવિતા એ એમને માટે પ્રયોગનો અખાડો નહીં, પ્રયોગશાળા હતી.’ જયંત પાઠકને પણ હરિશ્ચંદ્રમાં ‘પદ્યપ્રયોગો માટેની ધગશ અને સૂઝ’ બંને દેખાયાં છે. ઉમાશંકર જોશી એમને ‘બહુશ્રુત કવિ’ કહે છે. એ કહે છે, ‘આપણું સંસ્કૃતિમધુ હરિશ્ચંદ્રની બાનીમાંથી સહજ રીતે ઝમે છે.’ વિશ્વસાહિત્યના બહોળા આચમનનો એમના કાવ્યવિશ્વ ઊંડો પ્રભાવ રહ્યો. પ્રખર અભ્યાસુ સર્જક પણ લખેલી પંક્તિ જવલ્લે જ મઠારવી પડતી. છંદોલય પર પ્રભાવશાળી પ્રભુત્વ. પ્રાસવ્યવસ્થાના હિમાયતી, પણ દુરાગ્રહી નહીં. જો કે સૉનેટ કે ગીતકવિ તરીકે તેઓ બહુ જામી શક્યા નહીં.

‘નિર્દોષ ને નિર્મળ આંખ તારી’ કવિતાની પ્રથમ પંક્તિ જ એનું શીર્ષક પણ છે. સમજાય છે કે કથક એવી વ્યક્તિને સંબોધીને વાત કરનાર છે જે હજી દુનિયાના રંગોથી ખરડાઈ નથી, જેની દૃષ્ટિમાં કોઈ દોષ કે મલિનતા હજી પ્રવેશ્યાં નથી. કવિએ મુરલીધર ઠાકુર સાથે ૧૯૪૦માં ‘સફરનું સખ્ય’ નામે સંયુક્ત સંગ્રહ આપ્યો હતો, એમાં આ રચનાનું શીર્ષક ‘વસંતપંચમીએ મૃત્યુ પામેલી બહેનને’ રાખ્યું હતું. કવિના મૃત્યુપર્યંત ૧૯૫૯માં ઉમાશંકર જોશી સંપાદિત ‘સ્વપ્નપ્રયાણ’માંના ટિપ્પણ વિભાગમાં એ વિષેની નોંધ છે. કવિએ સંગ્રહનું નામ, મુખપૃષ્ઠનું કલ્પનાચિત્ર તથા ૧૭૪ કૃતિઓને દસ સ્તબકમાં વહેંચીને સંગ્રહની હસ્તપ્રત પણ તૈયાર કરી હતી. કમનસીબે સ્વપ્નપ્રયાણ વાસ્તવપ્રયાણ બને એ પહેલાં કવિ જ સ્વર્ગપ્રયાણ કરી ગયા એટલે એમના એ સંગ્રહને ઉમાશંકરે આકાર આપ્યો. કવિની આ બહુખ્યાત રચના છે. લગભગ દરેક વિવેચકે અને સંપાદકે આ કવિતાની નોંધ લેવી પડી છે. કૂમળી વયે, દુનિયા જે દિવસે વસંતોચ્છવ મનાવે છે, એ જ દિવસે અવસાન પામેલી બહેન માટે એના ભાઈએ લખેલી આ અમર કવિતા છે.

કવિએ સોળ પંક્તિના આ ઊર્મિકાવ્યને ચાર-ચાર પંક્તિના ચાર ખંડમાં વહેંચી નાંખ્યું છે. મોટાભાગની પંક્તિઓમાં કવિએ ઉપજાતિ છંદ કામમાં લીધો છે, જે ઇંદ્રવજ્રા તથા ઉપેંદ્રવજ્રાના સંયુક્ત ઉપયોગથી બનેલો છે. ૧૧ અક્ષરોના આ અખંડ રૂપમેળ છંદને સ્વતંત્ર રીતે જોવા જઈએ તો ૧, ૩, ૪, ૯, ૧૦, ૧૧, ૧૩ તથા ૧૪મી પંક્તિમાં ઇંદ્રવજ્રા તેમજ બીજી અને આઠમી પંક્તિમાં ઉપેંદ્રવજ્રા છંદ વપરાયો છે. પણ સોળમાંથી છ પંક્તિઓમાં કવિએ ૧૨ અક્ષર વાપર્યા છે, જેમાં ૫, ૧૨, ૧૫ તથા ૧૬મી પંક્તિમાં વંશસ્થ અને છઠ્ઠી-સાતમી પંક્તિમાં ઇંદ્રવંશા છંદ પ્રયોજ્યો છે. આ ચારેય છંદ લગભગ એકસમાન છે. ઇંદ્રવજ્રાના ‘ગાગા લગાગા લલગા લગાગા’માં પહેલા ગુરુના સ્થાને લઘુ મૂકતાં ઉપેંદ્રવજ્રા થાય. ઇંદ્રવજ્રાના છેલ્લા ‘લગાગા’ના સ્થાને ‘લગાલગા’ કરો એટલે ઇંદ્રવંશા અને ઉપેંદ્રવજ્રામાં એમ કરો એટલે વંશસ્થ. આમ, નજીક-નજીકના ચાર છંદોની કૉક્ટેલ કરીને કવિએ મજાનું પીણું તૈયાર કરી આપ્યું છે. કવિ પ્રાસની પળોજણમાં પણ પડ્યા નથી. બે પંક્તિ ઓછી કરીને રચનાને સૉનેટ કહેવડાવવાનું બહુ આસાન હતું, પણ કવિએ એનીય તમા કરી નથી. ચારેય ખંડોનો અંત ઉદગાર ચિહ્ન પર આવે છે.

મૃત્યુના ભયાવહ પંજામાંથી કોઈ બચી શકતું નથી. જન્મે એનું મૃત્યુ અફર છે એ જાણતાં હોવા છતાં આપણે સહુ એવી રીતે જીવીએ છીએ, જાણે આપણું કે આપણા સ્વજનોનું મૃત્યુ તો કદી થનાર જ નથી. મહાભારતમાં યુધિષ્ઠિરે યક્ષના સંસારનું સૌથી મોટું આશ્ચર્ય કયું છે એ પ્રશ્નના જવાબમાં આ જ ઉત્તર ટાંક્યો હતો. આપણે સહુ અમરપટો કે ઇચ્છામૃત્યુ લખાવીને આવ્યાં હોઈએ એમ જ જીવીએ છીએ. કદાચ ખભા પર પળેપળ મૃત્યુનો બોજો ન અનુભવાય એ માટે આ આત્મવંચના (self-denial) પણ જરૂરી છે. પણ યમરાજનો પાશ આપણી નિકટના કોઈકના ગળામાં પડે ત્યારે આપણી તકલીફ વધી જાય છે. એમાંય જ્યારે કોઈ જુવાનજોધ સ્વજન અકાળે સ્વર્ગલોક સિધાવે ત્યારે એ ઘા વધુ અસહ્ય બની રહે છે. અહીં જેની આંખો હજી દુનિયાના કાળાધોળાથી મલિન થઈ નથી કે જેની નજરોમાં હજી કોઈ ગંદકી પ્રવેશી નથી એવી સાવ નિર્દોષ અને નિર્મળ આંખવાળી બહેનના અકાળ અવસાનની વાત કવિ કરે છે. શોક છે, પણ પોક નથી. યાદ છે, પણ ફરિયાદ નથી. મરણ હવે સ્મરણ બની ચૂક્યું છે. મૃતક સાથે સંવાદ છે, પણ મૃત્યુ સાથે વિખવાદ નથી. કસાઈ મૃત્યુને જરાય આછકલાઈ વિના ભાઈએ સ્વીકાર્યું છે. કવિનો આ વિવેક ‘નયનમાં કરુણા થકી જો ગ્રહે,/જીવન મૃત્યુ બધું સરખું જ છે’ પંક્તિઓમાં પણ દેખાય છે.

યાદના ઝરુખામાં હંમેશા ચહેરો જ પ્રથમ ડોકાય. ચહેરામાંય આંખ અને આંખની ચમક કદાચ સૌપ્રથમ ચાક્ષુષ થાય. કવિનેય પ્રથમ તો બહેનની આંખ જ યાદ આવે છે. દોષરહિત અને મળરહિત આંખોવાળી બહેન યૌવનથીય હજી અજાણ હતી. માંડ એણે યુવાનીના ઉંબરે પગ મૂક્યો હતો ને આ દુર્ઘટના ઘટી. વસંત વીત્યે આંબાના બદલે કાયાનો મોર ખરી પડ્યો. કવિ અન્યત્ર કહે છે: ‘વસંત વીતી, નવ આમ્ર-મંજરી/ખરી, પડી યૌવનદેહ-મંજરી.’ કવિ આમ પણ લખે છે:

આ આમ્રની મંજરી મ્હોરતી હજી
અધૂકડી, ને સ્વજનો ગુમાવવાં;
વસંત ઓ! જીવનની વસંતમાં
સ્નેહી અને આપ્તનું મૃત્યુ જોવું?

બહેનના લગ્ન જાણે ગઈકાલની વાત છે. સામાન્યરીતે સ્ત્રી લગ્ન સમયે જે શણગાર સજે એટલો કદાચ આખા જીવનમાં સજતી નહીં હોય. પણ અહીં કવિ બહેનનો શૃંગાર લગ્નપ્રસંગે નહીં, ચિતાના અગ્નિમાં પૂર્ણ થયેલો કલ્પે છે. ભાઈનું હૃદય તો પીડાના મારથી આખું તળેઉપર થઈ ચૂક્યું છે, પણ એના બાહ્ય વર્તનમાં, કવિના શબ્દોમાં ભારોભાર સંયમ છે. પોતાની બહેનના અસ્તિત્વના આખરી અંશોને ઓહિયા કરી જનાર અગ્નિ માટે ક્રોધવચન ઉચ્ચારવાના બદલે એ અખંડ સૌભાગ્યવતી હરિશરણ પામેલી બહેનનો શણગાર એમાં જઈ સંપૂર્ણ થયો હોવાનું કહે છે. અગ્નિનું કામ આમ તો ખાક કરવાનું, ભસ્મીભૂત કરવાનું. પણ અહીં એ અગ્નિ શણગાર ‘પૂર્ણ’ કરે છે, એમ કહીને કવિએ વક્રોક્તિને ધાર કાઢી છે. અત્યંત સમ્યક્ અને શાલીન જણાતી પંક્તિઓની વચ્ચે ભડભડ સળગી રહેલી બહેનની ચિતા આપણને અંદરબહાર બધેથી દઝાડે છે.

હજી તો બહેનની કાયાનો પૂર્ણ વિકાસ પણ થયો નહોતો. સોળે સાન ને વીસે વાન એમ આપણે અમથું નથી કહેતાં. બહેનનો વાન હજી પૂરો ખીલ્યો-ખુલ્યો નહોતો. ગુલાબની કળી જેવું કૌમાર્ય પણ આછું-આછું ઊઘડ્યાં-ન ઊઘડ્યાં જેવું અધખીલ્યું જ હતું. જીવન જીવે-ન જીવે ત્યાં તો મૃત્યુ આવી ગયું, જાણે ચૂંદડી દેહ પર પહેરતાં પહેલાં તો સરી પડી. આમ આ કવિ પ્રાસના બંધાણી નથી. પણ જુઓ, અહીં પાંગરી-જરી-સરીની સાથે કૂંળી-પ્હેરી-ચૂંદડી-પડી-અંગથી -એમ ચાર પંક્તિમાં સળંગ આઠ-આઠ ‘ઈ’કાર કવિતાની ગતિ અત્યંત ઝડપી બનાવી ચૂંદડીના પહેરાયા પહેલાં જ સરી જવાની ઘટનાને કેવા સાકાર કરે છે, અને પીડાની ચીસને અસહનીય તીવ્રતા પણ બક્ષે છે!

નવપરિણીત ભગિનીએ હજી તો સંસારરસ ચાખવું આદર્યું પણ નહોતું. સાગરમાં ઊંડા ઊતરી મજા લેવાની વાત તો દૂર, કિનારે ઊભીને નાનકી અંજલિ ખોબામાં માંડ લીધી હતી. પાણી ખારું કે મીઠું એની સમજણ સુદ્ધાં પડે એ પહેલાં તો પગ સમુદ્રમાં સરી પડ્યો. કાળ આવે કે હાડ ગાળતો શિયાળો આવે અને કૂમળા પુષ્પોને દવમાં પ્રજાળી દે એની સામે કવિને વિરોધ નથી. દવનો એક અર્થ ઝાકળ તો બીજો વનમાં આપમેળે પ્રગટતો અગ્નિ. કવિને કદાચ બંને જ અર્થ અભિપ્રેત હશે. ઝાકળ જે ફૂલોની શોભા હોય, એ જ ફૂલોને બાળી નાંખે એમ પણ અર્થ કાઢી શકાય અને દાવાનળમાં કૂમળા પુષ્પો હોમાઈ જાય એ અર્થઘટન પણ થઈ શકે. બંને અર્થ પીડાના ભાવને બળકટ જ બનાવે છે અને કાવ્યને ઉપકારક જ છે. ખરવું પુષ્પમાત્રની નિયતિ છે પણ કળીનું શું? કાળઝાળ ઉનાળે કે હિમાળા શિયાળે પુષ્પ ખરે એ તોસમજાય પણ વસંતમાં? અને ખુદ વસંતની ફૂંકથી? વસંતનું કામ તો ખીલવવાનું, પ્રાણ ફૂંકવાનું. પણ અહીં જેની દેહકળી સાવ સુકોમળી હતી એવી બહેન વસંતમાં, વસંતની ફૂંકથી ખરી પડી છે. વિધિની આ વિટંબના કવિને અકળાવે છે. સુરેશ જોષીને ‘ફૂંક’ શબ્દમાં ‘દીપનિર્વાણનું સૂચન’ નજરે ચડ્યું છે. સુકોમળી-દેહકળીના આંતર્પ્રાસ અને બેવડા ‘ઈ’કારને ‘અરે’ ‘અરે’ની પુનરોક્તિથી દૃઢાવીને આખરી પંક્તિમાં કવિ ફરીથી ‘..તની-મહીં-ખરી-પડી’ના ચાર ‘ઈ’કારની મદદથી ફરી એકવાર ચિત્કાર જન્માવે છે ભાવકના હૃદયમાં. વસંતઋતુમાં જીવનવંસતના આ વિયોગને કવિએ અન્યત્ર પણ આલેખ્યો છે:

વસંત મારા જીવને ન’તી કદી
વસંત મારી રહી પાંગર્યા વિના
વસંતની મંજરી મ્હોરી ન્હોતી ત્યાં
વસંતમાં મેં ભગિનીએ ગુમાવી

સ્વજનના અકાળ મૃત્યુ પર આવી સંયત ભાષા ભાગ્યે જ જોવા મળે છે. કવિતામાં ક્યાંય મૃત્યુ શબ્દ પણ વપરાયો નથી. કોઈ જગ્યાએ કવિએ યમરાજને કે ભાગ્યને દોષ દીધો નથી. સમ ખાવા પૂરતોય ફરિયાદનો સૂર ક્યાંય સંભળાતો નથી. પોતાની પીડાને પૂર્ણ સંયમથી કવિએ આલેખી છે. તોડી નાંખી, ચૂંટી લીધી, છિનવી લીધી જેવા ક્રિયાપદોની સરખામણીમાં કવિએ વાપરેલા સરી પડી, સરી પડ્યો, ખરી પડી જેવા ક્રિયાપદો મૃત્યુના સહજભાવના સ્વીકારને ઉજાગર કરીને કદાચ વેદનાને વધુ ઘૂંટી શક્યાં છે. સરી પડવું અને ખરી પડવુંમાં જે નૈસર્ગિકતા છે, કર્તાના વાંકદોષનિર્દેશનો જે અભાવ છે, એ ખાલીપો વધુ ભરેલો લાગે છે, એ વધુ તકલીફદેહ છે. આક્રોશ કરતાં સ્વીકાર ઘણીવાર વધુ અસહ્ય બની રહે છે. કવિની મખમલી ભાષા સમસ્ત રચનામાં ધ્યાનાર્હ બની રહે છે. જેમ ક્રિયાપદો સહજસ્વીકૃતિદર્શક છે, એમ જ શબ્દપ્રયોગો પણ બધા જ ધનમૂલક છે. હૃદયવિદારક મૃત્યુની વાત હોવા છતાં કવિએ આખી કવિતામાં એકેય જગ્યાએ ક્રોધ-કાલિમાસભર શબ્દ વાપર્યા નથી. કદાચ આ સમ્યકભાવ એ કવિનો મૂળ સ્વભાવ જ હશે:

વસંતને દોષ ન હોય રે કદા,
વસંત સમૃદ્ધ, ભર્યો ભર્યો સદા.
વસંત! આજે મુજ એક માગણી:
વિષાદની શેં ન વસંત માણવી!

હરીન્દ્ર દવેએ કંઈ એમનેમ એમને ‘વિષાદની વસંતનો કવિ’ કહ્યા હશે! કવિનો આ વિષાદ ભારઝલ્લો કવચિત્ જ જોવા મળે છે. વસંત માટેનો એમનો અનુરાગ અન્યત્ર પણ છલક્યા વિના રહ્યો નથી:

ગ્રીષ્મમાં બળતા વિયોગને ગાજે
વર્ષા આવે ત્યારે સ્મરણોમાં ન્હાજે,
એક વસંત સિવાય વસંતમાં
-બીજું કાંઈ ન ગાજે.

વસંતમાં માત્ર વસંતનું જ ગાન કરવું એ કવિની સહજ પ્રકૃતિ છે. અંગત અને વૈશ્વિક દુઃખો તરફ એ બુદ્ધના કરુણાસભર નેત્રથી જુએ છે. કદાચ એટલે જ ખૂબ સરળ ભાષામાં લખાયેલી એમની રચનાઓ આપણા અંતરમનના અંદરતમ તારોને સ્પર્શી જાય છે. સુરેશ જોષી આ કવિતા વિશે લખે છે: ‘હરિશ્ચંદ્રનું આ કાવ્ય વાંચતા મૃત્યુની કરાંગુલિ એના મૃદુ સ્પર્શથી જીવનવીણામાંથી જે આછો કરુણમધુર ઝંકાર પ્રગટાવે છે તે સાંભળ્યાનું સુખ થાય છે. મેં કહ્યું ‘સુખ.’ હા, સુખ. કરુણનો અહીં આક્રોશ નથી; અરે, ઉપાલમ્ભનો કાકુ પણ અહીં સંભળાતો નથી. ફૂલ ખરે તે સંભળાય એવી શાંતિ કવિએ અહીં રચી છે, કારણ કે અહીં એક ખરી પડતી કળીનો અવાજ સાંભળવાનો છે.’ આખી કવિતામાં ક્યાંય રોષ કે આક્રોશ નથી, અવસાદ કે ફરિયાદ નથી, ઠપકો પણ નથી. ક્યાંય મૃત્યુના નામ પર કોઈ ફિલસૂફી નથી. કવિની ઋજુ વાણી ભાવકના મનમાં મૃત્યુ માટે તિરસ્કાર નથી જન્માવતી, દુઃખ નથી પહોંચાડતી, પણ શાંતિનો અહેસાસ કરાવે છે. બહેનના અનાયાસ મરણને કવિએ ફૂલની પાંખડી પરથી ઝાકળબુંદ દડે એ મસૃણતાથી સાવ તટસ્થભાવે આલેખ્યું છે. ભાવકના મનમાં એ ધારદાર વેદના તો જન્માવે જ છે, પણ સુરેશ જોષીએ કહ્યું એમ આ વેદના દુઃખ નહીં, સુખની લાગણી અનુભવાવે છે, એક ઉત્તમોત્તમ કવિતામાંથી પસાર થયાના સુખની લાગણી!

હું તો લીલીછમ લીલીછમ થઇ.. – નીતિન મહેતા

ગીત- શ્રી નીતિન મહેતા
સંગીત- સ્વ. સુભાષ દેસાઇ
સ્વર – નંદિતા ઠાકોર

https://youtu.be/neNVsh6IQ98

સ્હેજ ઉભી’તી તરુવરને છાંયે
ને બાઈ હું તો લીલીછમ લીલીછમ થઇ..
પડછાયા જોતાં શું ટીકી ટીકી ટીકી મને પડતી કશી ય ગમ નઈં…

તડકા ઉલેચ્યા મેં ખોબે ખોબે તો થયો
કાયાનો સોનેરી રંગ
હેબતાઇ જઇ હું તો ફૂલમાં છૂપાઇ
મારે રોમેરોમ ફૂટી સુગંધ
અરે ટેરવે ઝીલીને એક ટીપું પીધું ને બાઈ…
હું તો ભીનીછમ ભીનીછમ થઇ..
મને પડતી કશી ય ગમ નંઇ.

નેજવું કરીને જરી જોયું આઘે ત્યાં
છાતીના મોર કૈં ગહેક્યા
શરમાઇ જઇ હું તો શમણે છૂપાઇ ને
ભીતરનાં અરમાનો બહેક્યા
અરે કમખેથી ગાંઠના છૂટ્યા કંઇ બંધ
હું તો ખાલીખમ ખાલીખમ થઇ
મને પડતી કશીય ગમ નંઇ..

ગ્લોબલ કવિતા : ૧૪૦ : પૈસો – હેનરી મિલર

Money

To walk in money through the night crowd,
protected by money, lulled by money, dulled
by money,
the crowd itself a money,
the breath money,
no least single object anywhere that is not money,
money, money everywhere and still not enough,
and then no money,
or a little money or less money or more money,
but money, always money,
and if you have money or you don’t have money.

It is the money that counts
and money makes money,
but what makes money make money?

– Henry Miller

પૈસો
પૈસામાં ચાલવું રાત્રિની ભીડમાં થઈને,
પૈસા વડે રક્ષાઈને, પૈસા વડે છાનાં થઈને, ઝાંખા પડીને
પૈસા વડે,
ટોળું પોતે જ પૈસો,
શ્વાસ પૈસો,
નાનામાં નાનો કોઈ એક પદાર્થ પણ ક્યાંય એવો નહીં જે પૈસો ન હોય,
પૈસો, પૈસો જ સર્વત્ર અને તોય અપૂરતો,
અને પછી પૈસાનો અભાવ,
અથવા થોડો પૈસો અથવા ઓછો કે વધુ પૈસો,
પણ પૈસો, હંમેશા પૈસો,
અને હા, તમારી પાસે પૈસો છે અથવા તો નથી.

એ પૈસો જ છે જેની ગણના છે
અને પૈસો જ પૈસો બનાવે છે,
પણ શું છે જે બનાવે છે પૈસાને પૈસો ?

– હેનરી મિલર
(અનુ. વિવેક મનહર ટેલર)

બે અક્ષરનું ધન, બે અક્ષરનું મન અને ધનોતપનોત

गिन-गिन के सिक्के हाथ मेरा खुरदुरा हुआ,
जाती रही वह लम्स की नरमी, बुरा हुआ।

(સિક્કા ગણી-ગણીને મારો હાથ ખરબચડો થઈ ગયો છે. (પરિણામે) સ્પર્શમાંથી (પહેલાં હતી) એ નરમાશ ચાલી ગઈ છે, ખરાબ થયું. -જાવેદ અખ્તર) ખેર, પૈસાની તો ગતિ જ ન્યારી. ધન એટલે સંવેદનશૂન્યતાનું સમાનાર્થી. હાથમાં ધન પ્રવેશતું જાય છે, તેમ સગપણ સરતાં જાય છે. ત્રીજું વિશ્વ બહુ ઝડપથી ધનસ્વી બની ગયું. ચંદ્રકાંત બક્ષીએ કહ્યું હતું, ‘તનસ્વી થવા માટે રોટી જોઈએ છે અને મનસ્વી થવા માટે પૈસા જોઈએ છે. રોટીની ભૂખ સીમિત છે, પૈસાની ભૂખ અસીમ છે.’ આજે હરકોઈને કરોડપતિ બનવું છે, ને તેય રાતોરાત. ‘કૌન બનેગા કરોડપતિ’ જેવા ગેમ શૉઝએ આપણી ધનભૂખને સપાટી પર આણવામાં મહત્તમ ફાળો ભજવ્યો છે. ધનભૂખ તો પહેલેથી જ હતી, પણ મફતનું, મહેનત વગરનું અને ઝડપભેર ઉસેટી લેવામાં જે શરમ નડતી હતી, એ નેસ્તનાબૂદ થઈ ગઈ. સોશ્યલ મિડિયાઝ પર કેટલાય ગ્રુપ્સ એવા છે, જેમાં માત્ર વધુ પૈસો ઓછા સમયમાં કેમ બનાવવો એની જ ચર્ચા આવકાર્ય છે. હેનરી મિલરની ધનનું મૂલ્ય દર્શાવતી ધનમૂલક કવિતા આજે માણીએ.

હેનરી વેલેન્ટાઇન મિલર. ૨૬-૧૨-૧૮૯૧ના રોજ ન્યૂયૉર્કના યૉર્કવિલે, મેનહટ્ટન ખાતે જર્મન મૂળના અમેરિકન મા-બાપ લૂઈ મેરી તથા હેન્રીકના ઘરે જન્મ. ૧૯૦૭માં કોરા સેવર્ડ સાથે તો ૧૯૧૦માં મા બની શકે એ ઉંમરની સ્ત્રી સાથે પ્રણયસંબંધ. ૧૯૧૭માં બેટ્રિસ સાથે લગ્ન. ૧૯૨૩માં છૂટાછેડા. ૧૯૨૪માં જૂન સ્મિથ સાથે લગ્ન. એ જ વર્ષે ઘણા બધા ધંધા-નોકરીઓમાં હાથ અજમાવ્યા બાદની વેસ્ટર્ન યુનિયનની નોકરી છોડી ફૂલ-ટાઇમ લેખક બનવાનું નક્કી કર્યું. અસહ્ય ગરીબીથી બચવા ઘરે-ઘરે ફરીને ગદ્ય-કાવ્યો વેચતા. ૧૯૨૨માં પ્રથમ નવલકથા ‘ક્લિપ્ડ વિંગ્સ’ લખી, જે કદી પ્રગટ ન થઈ. ૨૭-૨૮ની સાલમાં બીજી નવલકથા લખી, જે જૂનનો ચાહક પ્રગટ કરી આપશે એ આશામાં જૂનના નામે લખી. જો કે મિલરના મૃત્યુના બાર વર્ષ બાદ છેક ૧૯૯૨માં એ પ્રગટ થઈ. ત્રીજી નવલકથા પણ મૃત્યુ પહેલાં પ્રગટ ન થઈ. ખિસ્સામાં દસ ડોલર સાથે યુરોપ ગયા. ૧૯૩૦થી પેરિસમાં. શેરીઓને ઘર કર્યું, ભૂખનું ભોજન. જગ્યા મળી ત્યાં સૂઈ ગયા. પણ ઉદાસ નહોતા થયા. અનેઇસ નિન નામની ચાહકે એમની બહુચર્ચિત સફળ નવલકથા ‘ટ્રોપિક ઑફ કેન્સર’ છપાવી. ૧૯૩૪માં જૂને છૂટાછેડા આપ્યા. ૧૯૪૦માં અમેરિકા પરત. ૧૯૪૪નું વર્ષ આર્થિક દૃષ્ટિએ એમની જિંદગીની પરિપૂર્ણતાનું પ્રથમ સફળ વર્ષ. એ જ વર્ષે પોતાનાથી ૩૦ વર્ષ નાની જેનિના સાથે લગ્ન. ૧૯૫૨માં છૂટાછેડા. બીજા વર્ષે ૩૭ વર્ષ નાની ઇવ સાથે લગ્ન. ૬૨માં છૂટાછેડા. ૧૯૬૭માં જાપાનીઝ હોકુ ટોકુડા સાથે પાંચમાં લગ્ન. ૧૯૭૭માં છૂટાછેડા. મૃત્યુ પૂર્વેના આખરી ચાર વર્ષોમાં પ્લેબૉયની મોડેલ બ્રેન્ડા વિનસ સાથે ૧૫૦૦થી વધુ પત્રોની આપ-લે કરી. અથાક પ્રવાસી. ખૂબ ચાલતા. ચાલતી વખતે વાદળી પાણી શોષે એમ તેઓ આસપાસના લોકો, વાતો, વાતાવરણને શોષી લેતા, જે એમના લખાણોમાંથી પ્રગટતાં. ૦૭-૦૬-૧૯૮૦ના રોજ ૮૮ વર્ષની વયે કેલિફોર્નિયાના પોતાના ઘરમાં જ દેહત્યાગ કર્યો.

લેખક. ઉત્તમ ચિત્રકાર. ૨૦૦૦થી વધુ વૉટરકલર ચિત્રો. ઘણાં પુસ્તકો પણ આ વિષય પર લખ્યાં. કેટલીક ફિલ્મોમાં પોતાનું જ પાત્ર ભજવતો અભિનય પણ કર્યો. સામાજીક બંધનોને ફગાવી મરજી મુજબ જીવવાની બળવાખોર આઝાદીને પુનઃસ્થાપિત કરવાની નેમ સાથે લખાયેલાં એમના પુસ્તકો અશ્લીલતા અને ઉઘાડેચોક આલેખાયેલી જાતિયતાના કારણે ૧૯૬૦ સુધી યુરોપ તથા અમેરિકામાં પ્રતિબંધિત રહ્યાં. પણ ચાહના એટલી કે ફ્રાન્સથી દાણચોરી કરાતી. ઘણા કોર્ટ કેસ પણ થયા. પ્રવર્તમાન લેખનશૈલી ફગાવીને વિકસાવેલી એમની અર્ધ-આત્મકથનાત્મક શૈલી ખૂબ લોકપ્રિય થઈ. યૌનસંબંધ અને લૈંગિક સંવેદનાઓ ઉપરાંત ચરિત્રલેખન, સામાજીક આલોચના, ફિલસૂફીની છાંટ, ‘સ્ટ્રીમ ઑફ કૉન્શિયસનેસ’, પરાવાસ્ત્વવાદ, રહસ્યવાદ અને ઉદ્દામ ભાષાવિન્યાસ એમના લખાણોને અન્યોથી અલગ તારવી આપે છે. સારપ સાથે ખરાબાનો પ્રામાણિક સ્વીકાર અને હાસ્ય પણ એમની પ્રભાવક શૈલીનાં અગત્યના પાસાં છે. મધ્ય-વીસમી સદીના સાહિત્ય પર એમની મુક્ત વિચારધારાએ અસીમિતપણે પ્રભાવ પડ્યો. એ કહેતા, ‘હું મારી જાતને લેખક નથી માનતો. નથી મને સારા લેખન કે આકર્ષક શૈલીની મહત્ત્વાકાંક્ષા. હું બસ એટલું જ જાણું છું કે મારી અંદર એક બળ છે જેને વ્યકત થયા વિના નહીં ચાલે.’

‘પૈસો’ શીર્ષક સ્વયંસ્પષ્ટ છે. મનુષ્યને પરાપૂર્વથી આમાં ઊંડો રસ રહ્યો છે. ૧૧ અને ૩ પંક્તિના બે અનિયત ભાગોમાં વહેંચાયેલી ચૌદ પંક્તિની આ કવિતાને મુક્ત સૉનેટ કહેવાનું મન થાય. પણ મિલર કવિ કરતાં વધુ લેખક હતા એટલે અને અહીં પૈસાની અરાજકતા કેન્દ્રસ્થાને હોવાથી પ્રાસ અને છંદ –બંને ગેરહાજર છે. પ્રસ્તુત કવિતા મિલરના પુસ્તક -‘મની એન્ડ હાઉ ઇટ ગેટ્સ ધેટ વે’ -નો ભાગ છે કે અલગ સર્જન છે એની આધારભૂત જાણકારી નથી પણ આ કવિતા મિલરની ‘અર્થ’દૃષ્ટિ દેખાડે છે. માઇકલ ફ્રેન્કેલ નામના મિત્રને ખાતરી હતી કે મિલરને ધનના વિષયમાં કોઈ જાણકારી નથી. એણે એમને આ બાબતમાં લખવા માટે પડકાર ફેંક્યો. આ ઉપરાંત એ જ અરસામાં, ૧૯૩૪માં મિલરે ઇમેજિસમના પ્રણેતા એઝરા પાઉન્ડને ‘ટ્રૉપિક ઑફ કેન્સર’ મોકલી હતી. જવાબમાં બે પોસ્ટકાર્ડમાં પાઉન્ડે લખ્યું: ‘તમે કદી પૈસા વિશે વિચાર્યું છે કે કોણ એને બનાવે છે ને કઈ રીતે એ ત્યાં પહોંચે છે?’ જવાબમાં ૧૯૩૮માં મિલરે ૬૪ પાનાંની, ૧૫ ફ્રેન્કની આ પુસ્તિકા લખી, જેના પ્રત્યુત્તરમાં બીજા વર્ષે પાઉન્ડે ‘વૉટ ઇઝ મની ફોર?’ શીર્ષકથી નિબંધ પણ લખ્યો. મિલર આ ‘નાનકડા ગ્રંથ’ને અર્થશાસ્ત્રનીતિ પરનો વ્યંગ ગણતા. જોકે એ સ્પષ્ટ કરે છે કે, ‘દરેક માણસે શીખવાની મહત્ત્વની વાત એ છે કે પૈસાનો તિરસ્કાર નથી કરવાનો.’ એલેક્ઝાન્ડર પોપે કહ્યું હતું કે ‘પૈસો બધી બુરાઈની જડ નથી. બુરાઈ તો આપણામાં જ છે, જીવનની જે સ્થિતિમાં આપણે જાતને પામીએ છીએ એ માટેના આપણા અસંતોષમાં છે.’

આપણને થાય કે પહેલાં માણસ કદાચ આટલો ધનપરાયણ નહીં હોય પણ ‘ધન’નો અર્થ તો વેદાંતકાળથી જ સ્પષ્ટ હતો. ‘धनम्’ શબ્દ ‘धनाति’ અર્થાત્ ‘દોડવું’ પરથી ઉતરી આવ્યો છે. એનો અર્થ હતો દોડ અથવા દોડસ્પર્ધાના વિજેતાને મળતો પુરસ્કાર. આમ, એ સમયથી જ ‘દોડવું’ ધન સાથે જોડાઈ ગયું હતું. ‘money’નો ઇતિહાસ પણ એવો જ. રોમન દેવી જૂનો મોનેટા રોમની આર્થિક સ્થિરતા માટે જવાબદાર ગણાતાં. Moneta શબ્દ આવ્યો લેટિન monēre પરથી, જેનો અર્થ ‘ચેતવવું’ અથવા ‘સલાહ આપવું’ થાય. મોનેટા પરથી ફ્રેન્ચ ‘monnaie’, ત્યાંથી મધ્ય અંગ્રેજીમાં ‘moneie’ અને પછી ‘money’ એમ નામકરણ થયું મનાય છે. પણ ‘ચેતવણી’ એના મૂળમાં છે એ યાદ રાખવા જેવું છે. અરબીમાં ‘દૌલત’ શબ્દ છે. મૂળ ધાતુ ‘દવલ’, જેનો અર્થ છે બદલાવું, એકના હાથમાંથી બીજાના હાથમાં જવું. (‘દો’ ‘લત-લાત’ –બે તરફથી લાત લગાવે એ દોલત એવું પણ અર્થઘટન કોઈકે કર્યું છે!) ‘દ્રવ્ય’ શબ્દ પણ દૌલત જેવો જ અર્થ ધરાવે છે. ‘દ્ર્વ’ એટલે પીગળવું, વહેવું. જે વહેતું રહે છે એ દ્રવ્ય છે. ‘પૈસો’ શબ્દની ઉત્પત્તિ પણ રસપ્રદ છે. મૂળ લેટિન ક્રિયાપદ ‘pendere’ –‘વજન કરવું’ પરથી લેટિન સંજ્ઞા ‘pensum’ ઉતરી આવી જેનો અર્થ ‘કંઈક વજન કરેલ’ થયો જેના પરથી સ્પેનિશમાં ‘peso’ એટલે કે ‘વજન’ શબ્દપ્રયોગ અસ્તિત્વમાં આવ્યો. સ્પેનિશ-મેક્સિકન ‘પેસો’ હોય કે આપણો ‘પૈસો’ –વજન સરખું જ પડે છે. ચંદ્રકાન્ત બક્ષી કહે છે, ‘પૈસા માટે સંસ્કૃત ભાષાએ એક વિરાટ, સર્વવ્યાપી શબ્દ વાપરી દીધો છે: અર્થ. અર્થ શબ્દનો અંત છે. અર્થ નિચોવી લીધા પછી શબ્દનું માત્ર છોતરું રહે છે.’

મિલરનું લઘુકાવ્ય ધનની ખરી વિભાવના સમજાવે છે. આ અસામાન્ય કવિતામાં એક પણ પંક્તિ એવી નથી જેમાં ‘પૈસો’ શબ્દ નહીં હોય. શીર્ષકને બાદ કરતાં આ ચૌદ પંક્તિઓમાં બાવીસ વાર ‘પૈસો’ શબ્દ છે. પુનરોક્તિની અતિશયોક્તિ કરીને કવિ ભાવકના મગજ પર રીતસર ‘હેમરિંગ’ કરે છે અને પ્રમાણમાં સરળ કવિતાને વધુ અર્થગહન અને ચિંતનીય બનાવે છે. રાત્રિના અંધારામાં રસ્તો માંડ સૂઝે અને એમાંય ભીડ લાગી હોય તો એમાંથી માર્ગ કાઢવો કપરો. પણ આપણે અંધારી રાત્રે ભીડની વચ્ચેથી પણ માર્ગ કાઢીને પૈસામાં પગલાં પાડવાનું ચૂકતા નથી. અંધારું કે ભીડ- કશું આપણી અને પૈસાની વચ્ચે આવતું નથી. પૈસો જ આપણું રક્ષણ કરે છે, ને પૈસો જ આપણી સંવેદનાઓને છાની પાડે છે (અને ઉત્તેજે પણ છે), ને પૈસો જ આપણું તેજ હરી લઈ આપણને ઝાંખા પણ પાડે છે. જે ભીડમાંથી થઈને આપણે માર્ગ શોધી કાઢીએ છીએ, એ ભીડ પોતે પણ પૈસો છે, ને આપણો હરએક શ્વાસ સુદ્ધાં પૈસો છે. ક્યાંય એવો કોઈ નાનામાં નાનો પદાર્થ નથી જે પૈસો ન હોય. આપણે દરેક વસ્તુ પર ‘પ્રાઇસ ટેગ’ ચિપકાવી દીધું છે. વસ્તુ તો ઠીક, સંબંધ સુદ્ધાંની આપણે કિંમત આંકી કાઢી છે, ને કિંમત મુજબ જ સંબંધોને ભાવ લેવાય-દેવાય છે.

આદિ શંકરાચાર્ય ડગલે ને પગલે અર્થના અનર્થ તરફ અંગૂલિનિર્દેશ કરે છે: ‘यावादवित्तोपार्जन सक्तस्तावन्निजपरिवारों रक्त:।’ (જ્યાં સુધી તું ધન કમાવા સશક્ત છે, ત્યાં સુધી જ તારો પરિવાર તારા પર આસક્તિ રાખશે.) સુખકે સબ સાથી, દુઃખમેં ન કોઈ. ‘मूढ़ जहीहि धनागमतृष्णां।’ (હે મૂઢ ! ધન આવવાની તૃષ્ણા છોડ.) ‘अर्थमनर्थं भावय नित्यं नास्ति ततः सुखलेशः सत्यम्।’ (અર્થને નિત્ય અનર્થ માન, તેથી સહેજ પણ સુખ નથી.) કબીરે ગાયું: “અવધૂ માયા ત્યજી ન જાઈ.” તુલસીદાસે પણ સંતોષધનનું માહાત્મ્ય કર્યું: ‘गोधन, गजधन बाजि धन, और रतन धन खान, जब आवत संतोष धन, सब धन धूरि समान।’ પૈસો એ ભાવવાહી સંજ્ઞા નથી. એક કાગળનો ટુકડો, જેની કોઈ કિંમત જ નથી, એના પર રંગીન શાહીથી છાપકામ કરીને અને એક કે એકાધિક માણસોની સહી કરીને આપણે એનું મૂલ્ય હજાર-બે હજાર રૂપિયા જેટલું અધધધ મોટું આંકી દઈએ છીએ. અત્ર, તત્ર, સર્વત્ર-જ્યાં જુઓ ત્યાં એ કાગળની જ બોલબોલા જોવા મળે છે. બધે પૈસો જ પૈસો છે ને તોય હંમેશા એ અપૂરતો જ લાગે. ખિસ્સામાં, તિજોરીમાં કે બેન્કમાં રહેલી રકમ કાયમ નાની જ અનુભવાય. એમાં કંઈક ખૂટતું હોવાની લાગણી જ થાય. હાથ-પગ, ધડ-માથું બધા પાસે એકસમાન જ હોવા છતાં પૈસાના આધારે જ માણસનું મૂલ્યાંકન થાય છે. પૈસા વગરનો, બહુ ઓછો પૈસો, ઓછો પૈસો, વધુ પૈસો –એ પ્રમાણે જ સહુની કિંમત મૂકાય છે. છેવટે બધું પૈસો જ છે, માત્ર પૈસો જ છે. તમારી પાસે ક્યાં તો પૈસો છે, ક્યાં તો નથી. સર્વકાલીન સર્વદેશીય ભૌતિક સંસારનું એકમાત્ર સનાતન સત્ય ‘નાણાં વગરનો નાથિયો, નાણે નાથાલાલ’ જ છે. આદર્શવાદી મૂલ્યોનાં લાખ ફીફાં ખાંડવા છતાં પૈસાથી ઉપર ન કોઈ મૂલ્ય મૂકાયું છે, ન મૂકાશે. પૈસા નામનો વૃકોદર ભલભલા આદર્શો અને મૂલ્યોને ઓહિયા કરી જાય છે.

આપણા જીવનમાં હવે માત્ર પૈસાની જ ગણના છે. પૈસાની રેટ-રેસમાં મનુષ્યજાતિ આજે જે સમગ્રતાથી જોડાઈ છે એટલી તો કદાચ ક્યારેય નહોતી જોડાઈ. પૈસો સર્વસ્વ છે. પૈસાની જ મહત્તા છે. પૈસો પૈસાને બનાવે છે પણ કવિ કાવ્યાંતે એક મહત્ત્વનો પ્રશ્ન પૂછે છે કે કઈ વસ્તુ છે જે પૈસાને પૈસો બનાવે છે? આપણા ઉપભોક્તાવાદ અને ભૈતિકતાવાદના મૂળમાં આ કુઠારાઘાત છે. આ પ્રશ્ન વડે કવિ કદાચ આપણને જગાડવાની છેલ્લી કોશિશ કરી જુએ છે. પૈસો તો હકીકતમાં એક પ્રતિક માત્ર છે. સિક્કા-નોટનું ભૌતિક અસ્તિત્વ પૈસો નથી. ક્રેડિટ-ડેબિટ કાર્ડ, ઓનલાઇન બેન્કિંગમાં સિક્કા-નોટનો એકડો નીકળી નથી જતો? પૈસાનું ખરું મૂલ્ય એની વિભાવનામાં રહેલા વિશ્વાસના કારણે જ છે. આપણા જીવનના શ્વાસોચ્છવાસમાં પૈસો પ્રાણવાયુની જેમ વણાઈ ચૂક્યો છે. હાલતા-ચાલતા, સૂતા-જાગતા આપણી જિંદગી પૈસો, વધુ પૈસો, હજી વધુ પૈસોની દોડમાં જ પૂરી થાય છે. બે અક્ષરનું ધન બે અક્ષરના મનનું ધનોતપનોત કાઢી નાંખે છે.

મિલરે પોતે જ કહ્યું છે, ‘Money has no life of its own except as money.’ સમજી શકાય તો પુનરુક્તિનો આ કટાક્ષ પૈસાની સાચી વિભાવના રજૂ કરે છે. પૈસો મિલરની ભાષામાં always something inclusive, coexistent, consubstantial and beyond the thing manifest – સમાવર્તી, સહઅસ્તિત્વધારી, એક જ પદાર્થનો બનેલ અને દેખાવથી પર યાને કે સર્વશક્તિમાન ઈશ્વર સમો છે. આપણેય પૈસાને પરમેશ્વર ગણીએ છીએ. સમરસેટ મોમે કહ્યું હતું, ‘પૈસો છઠ્ઠી ઇન્દ્રિય છે જેના કારણે બાકીની પાંચ બરાબર ચાલે છે.’ પણ ધનપૂજા આપણા મૂલ્યોને ભીતરથી કોરી ખાતી ઉધઈ છે. પૈસાની દોટમાં માણસ આંધળો બની જાય છે. પ્રેમ આંધળો છે પણ એને કમસેકમ દિલ તો છે. પૈસો માણસને આંખથી આંધળો અને દિલથી પાંગળો બનાવે છે. પૈસો જેટલો મળે, ઓછો પડે. સાઇકલ હોય તો સ્કુટરના સપનાં આવે. સ્કુટર હોય તો કારના. કાર હોય તો લક્ઝુરી કારના. એક હોય તો અનેકના. ને અનેક હોય તો અનંતના. ટોલ્સ્ટોયે બહુખ્યાત વાર્તા ‘એક માણસને કેટલી જમીન જોઈએ?’માં માણસની ધનની તૃષ્ણાનું જે નગ્ન ચિત્ર દોર્યું છે એ સદાકાળ સર્વસંસ્કૃતિ માટે યથાર્થ છે. ‘ધ સૉલ ઑફ મની’ પુસ્તકમાં લિન ટ્વિસ્ટ લખે છે કે, ‘ખરેખર જરૂર ન હોય એવી વસ્તુને જ્યારે આપણે જતી કરીએ છીએ, ત્યારે આપણને જે આપણી પાસે છે જ એ તરફ ધ્યાન આપવાની આઝાદી મળે છે. આપણામાંથી મોટા ભાગના, ચાહે ગમે એટલા અમીર કેમ ન હોય, પૈસા સાથે તણાવપૂર્ણ સંબંધ ધરાવે છે.’ આ કવિતાની જેમ આપણા જીવનની તમામ પંક્તિઓમાં પૈસો લખાઈ ચૂક્યો છે, ક્યારેક તો એક પંક્તિમાં એકાધિકવાર. આપણી તૃષ્ણા જ ધનને ધન બનાવે છે એ સત્ય લોહીમાં ન ઉતરે ત્યાં સુધી તમામ જ્ઞાન નકામું છે. ‘પૂરતું’ અને ‘વિપુલ’ વચ્ચેની સ્પષ્ટ ભેદરેખા ન સમજી શકીએ ત્યાં સુધી આપણી ધન માટેની હોડ અને દોડ ચાલુ જ રહેશે. ‘नेति नेति’ કહેવાયું છે, એ શું ધન માટે જ?!

ગ્લૉબલ કવિતા : ૧૩૯ : જેસલમેર – ગુલામ મોહમ્મદ શેખ

મરુસ્થલે મોતીમઢ્યું આ નગર,
એને ટોડલે મોર અને ભીંતે ફરે હાથી,
ઝરૂખે ઝરૂખે પથ્થરનું હીરભરત.
બારીએ બારીએ બુઠ્ઠી તરવારોના તોરણ.
સાંજના અજવાળે ભીંતો નારંગી ચૂંદડીની જેમ ફરફરે,
બારણે લોઢાના કડે
આઠ પેઢીના હાથનો ઘસરકો.
ફળિયે ફરે બેચાર બકરાં શ્યામ
ડેલી બા’ર ડહેકાર દે કામઢું ઊંટ.

વચલી વંડીએ સુકાય રાતાં ચીર
અંદરને ઓરડે ફુગાઈ ગયેલા અંધારે
ફરફરે ઢીલી વાટ.
લાલચટાક ચૂલાની ઝાળ અને ચૂંદડીના અજવાળે
રોટલા ટીપતી સોનેરી કન્યા.

– ગુલામ મોહમ્મદ શેખ

પીંછીના બદલે શબ્દોથી દોરાયેલું અભૂતપૂર્વ ચિત્ર

પ્રવાસ તો મનુષ્યના શ્વાસમાં જ વાસ કરે છે. ઘર-સમાજ-સંસ્કૃતિ, કશાયની સ્થાપના નહોતી થઈ ત્યારે પણ માણસ સ્થિર બેસી શકતો નથી. એના તો પગે જ ભમરો. પલાંઠી વાળીને લાંબો સમય એક જ સ્થળે બેસી રહેવાનું માનવના મૂળભૂત સ્વભાવમાં જ નથી. માણસની આ આદતના કારણે પુરાતનકાળથી અલગ-અલગ સભ્યતાઓ વચ્ચે ભાષા-સંસ્કૃતિની આપ-લે થતી રહી છે. ‘મા’ શબ્દ જ જુઓ ને, ક્યાંથી ક્યાં-ક્યાં પહોંચ્યો છે! મૂળે પ્રોટો-જર્મનીક mōdēr માંથી અંગ્રેજીમાં mother, જર્મનીમાં mutter, સંસ્કૃતમાં मातृ, ડચમાં moeder, ડેનિશમાં moder, લેટિનમાં māter, ગ્રીકમાં mētēr, અરબીમાં Mëmë, ફ્રેન્ચમાં Mère, રશિયનમાં Mat’; અને દુનિયાની મોટાભાગની ભાષાઓમાં ‘મા’ માટે વપરાતો શબ્દ આ શબ્દો સાથે સમાનતા ધરાવતો જ જોવા મળશે. કારણમાં માણસની ભાષા-સંસ્કૃતિને પણ મુસાફરીમાં સામાન સાથે લઈ જવાની આદિમ વૃત્તિ. પ્રવાસ કરીએ એટલે નવા સ્થળો, નવા માણસો અને નવા સમાજ જોવા-જાણવા મળે. અને નૂતન સ્વાનુભવો કાગળ પર ટપકાપવા અને પછી ગમતાનો ગુલાલ કરવો એ પણ મનુષ્યનો સ્વભાવ છે. દુનિયાનો ઘણોખરો ઇતિહાસ વિશ્વપ્રવાસીઓની નોંધોમાંથી જડી આવ્યો છે. આજે જે કવિતાની આપણે વાત કરવી છે, એ પણ આવા જ કોઈક પ્રવાસની ફળશ્રુતિ છે. કવિ ગુલામ મોહમ્મદ શેખને જેસલમેરના પ્રવાસ દરમિયાન જે શબ્દોનું સોનું જડી આવ્યું હતું, એનો થોડો ચળકાટ આપણે માણીએ.

ગુલામ મોહમ્મદ શેખ. ૧૬-૦૨-૧૯૩૭ના રોજ સુરેન્દ્રનગર ખાતે જન્મ. પિતા તાજમોહમ્મદ. માતા લાડુબેન. કલમ અને પીંછી –બંને બાળપણથી જ હાથે લાગ્યાં. ગુરુકવિ લાભશંકર રાવળ ‘શાયર’ને અનુસરીને શરૂમાં ‘મલય’ ઉપનામ રાખ્યું. રવિશંકર રાવળના સૂચનાનુસાર વડોદરા આવ્યા. ૧૯૬૧માં એમ.એસ. યુનિવર્સિટીમાંથી ફાઇન આર્ટ્સમાં એમ.એ. થયા. ૧૯૬૬માં રોયલ કૉલેજ ઑફ આર્ટ લંડનમાંથી એ.આર.સી.એ. પ્રારંભિક કાળથી જ સુરેશ જોષીના પરિચયમાં. આ પરિચય અને વડોદરામાં ઉપસ્થિત માહોલના પરિણામે વિશ્વકળાસાહિત્યનો નજદીકી સંપર્ક. વડોદરાની એમ.એસ. યુનિવર્સિટીમાં જ કળા-ઇતિહાસ-ચિત્ર વિભાગોમાં અધ્યાપક. ૧૯૯૨માં સ્વૈચ્છિક નિવૃત્તિ. દેશવિદેશમાં ચિત્રપ્રદર્શનો અને કળાવિષયક વ્યાખ્યાનો. અસંખ્ય માન-સન્માન, ખિતાબોથી નવાજીત. ૧૯૮૩માં પદ્મશ્રી અને ૨૦૧૪માં પદ્મભૂષણનો ખિતાબ. હાલ, વડોદરા ખાતે રહે છે.

કવિ. નિબંધકાર. ચિત્રકાર. ભીતરને અભિવ્યક્ત થવા માટે પ્રવર્તમાન કાવ્યસ્વરૂપો ટાંચા પડતાં અછાદંસ પર હાથ અજમાવ્યો. એ કહેતા: ‘પાઠ્યપુસ્તકોમાં છપાયેલી કવિતા ભાગ્યે જ મનમાં બેસે. મોટે ભાગે નિઃસત્ત્વ અને અધૂરી જણાય. એની ભાષા અન્ય વર્ણની, અજાણી, બનાવટીય લાગે. ભદ્રસમાજની રીતભાતના ભરડામાં ફસાયેલો શબ્દ બોલાતી ભાષાની આભડછેટ રાખતો લાગે ને આયાસી છંદરચનાની ટીપટાપમાં એનું નકરું રૂપ કાટ ખાતું જણાય.’ એમની આ માન્યતા એમની તમામ રચનાઓમાંથી ઊડીને આંખે વળગે છે. આ અછાંદસ કાવ્યો જયદેવ શુક્લની દૃષ્ટિએ ‘ગુજરાતી કવિતાની પરંપરા, તેની સંરચના, પદાવલિ ને વિષયો પરનું અ-પૂર્વ આક્રમણ’ છે. સુરેશ જોષી પછી આધુનિકતાવાદી અછાંદસ ગુજરાતી કવિતાના ‘પિતા’ કહી શકાય, એ હદે અને એ સક્ષમતાથી એમણે પરંપરાગત રેઢિયાળ ગુજરાતી કવિતાનું સુકાન બદલ્યું છે. સમર્થ કવિ અને બાહોશ ચિત્રકાર હોવાના નાતે કલમ અને પીંછી, રંગ અને શબ્દ, કેનવાસ અને કાગળની એકમેકમાં સતત હેરફેર થતી જોવા મળે છે. પરિણામે, આપણને અદભુત શબ્દચિત્રો સાંપડ્યાં છે. સુરેશ જોષીના મતે ‘ગુલામમોહમ્મદ શેખ બે માધ્યમને સફળતાથી વાપરનાર સવ્યસાચી કળાકાર છે. ચિત્રકાર જે રીતે રંગ અને રેખા પ્રયોજે, તે રીતે ભાષાને પ્રયોજવાનું એમનું વલણ આપણી કાવ્યરચનાઓની રીતિઓમાં એક મહત્ત્વનું પ્રદાન કરશે.’ કવિ પોતે લખે છે, ‘ચિત્રજગતની ચેતનાએ કવિતાને બળ દીધું, છકાવી.’ એમની કવિતાઓમાં ટેલિસ્કોપ અને માઇક્રોસ્કોપ, કેલિડોસ્કોપ અને મોનોક્રોમ – તમામ અડખેપડખે રહેલા દેખાય છે. કળવું મુશ્કેલ થઈ પડે એ સહજતા અને ગતિથી એમનો કેમેરા લૉન્ગ શોટ લેતાં લેતાં એક્સ્ટ્રિમ ક્લૉઝ અપ પર આવી જઈ ભાવકને અચંબિત કરી શકે છે, તો હજાર રંગોથી ઊભા કરેલ મનમોહક ચિત્રમાંથી ક્યારે વેદનાનો ભૂખરો રંગ આવીને તમને અડકી બેસશે એનું પૂર્વાનુમાન બાંધવુંય દુષ્કર છે. એમની કવિતાઓમાં આવતા યૌનસંકેતો, લૈંગિક સંવેદના, કુત્સિતતા, બિલકુલ અરુઢ કલ્પનોએ વિવેચકોને અકળાવ્યા પણ છે અને પ્રશંસાના પુષ્પો વેરવા મજબૂર પણ કર્યા છે. સુરેશ દલાલના શબ્દોમાં, ‘શેખની કવિતામાં પ્રયોગનો દેહ નથી, પણ પ્રયોગનો આત્મા છે.’ મણિલાલ હ. પટેલ કહે છે, ‘કવિતાની, શેખે રચેલી આબોહવામાં અમૂર્ત અને સૂક્ષ્મને ‘વીઝ્યુલાઇઝ’ કરવાની કવિયુક્તિ સક્રિય થતી રહે છે. રંગો અહીં માત્ર દેખાતા નથી, એ સંભળાય છે, સ્પર્શાય છે, આસ્વાદાય છે, ભોગવાય છે, સુંઘાય છે.’

કવિના પ્રથમ સંગ્રહ ‘અથવા’માં ‘જેસલમેર’ શીર્ષક હેઠળ છ લઘુકાવ્યોનું એક ગુચ્છ રજૂ કરાયું છે. આ છ કવિતાઓમાં જેસલમેરના છ અલગ-અલગ શબ્દચિત્રો ઉપસ્યાં છે. શીર્ષક આપણને કહે છે કે કવિ આપણને ‘એમણે’ જોયેલા જેસલમેરની મુલાકાતે લઈ જનાર છે. આપણે ત્યાં સ્થળકાવ્યો અને પ્રવાસકાવ્યો આમેય બહુ ઓછા જોવા મળે છે અને જે થોડાં કાવ્યો રડ્યાખડ્યા આપણી અડફેટે ચડે છે, એમાં ગદ્યાળુતા અને મુખરતા ન કઠે એવું જવલ્લે જ બનતું હોય છે. આપણા સદનસીબે આ કાવ્યો આ મર્યાદાઓથી પૂરેપૂરા બચી શક્યા છે. આ ગુચ્છમાંનું પહેલું લઘુકાવ્ય આપણે માણીએ. શરૂઆતમાં ગીત-સૉનેટ જેવા તમામ કાવ્યપ્રકારો પર હાથ અજમાવ્યા બાદ અછાંદસના છંદે ચડેલ કવિ અહીં પણ કોઈ છંદ-પ્રાસની પળોજણમાં પડ્યા નથી. નવ અને પાંચ પંક્તિઓના બે ભાગમાં વહેંચાયેલી આ ચૌદ પંક્તિની કવિતાને અછાંદસ સૉનેટ ગણવાનું મન પણ થઈ શકે. કવિતાની વિશેષતા એની ચિત્રાત્મકતા છે. ચૌદ પંક્તિની આ કવિતામાં પંક્તિએ-પંક્તિએ અને એક પણ અપવાદ વિના કવિએ ચૌદથી વધુ ચિત્રો દોરી આપ્યાં છે એમ કહીએ તો લેશમાત્ર અતિશયોક્તિ નથી. માત્ર ત્રણ-ત્રણ શબ્દોની બે પંક્તિઓ –‘બારણે લોઢાના કડે’ તથા ‘ફરફરે ઢીલી વાટ’- પણ બે સંપૂર્ણ ચિત્રો સફળતાપૂર્વક ચાક્ષુષ કરી શકી છે. ગુચ્છના છએ છ કાવ્યો અર્થ અને અભિવ્યક્તિની રૂએ એકમેકથી અલગ તરી આવે છે. પ્રસ્તુત પ્રથમ કાવ્યમાં પંક્તિએ પંક્તિએ ભાતીગળ ચિત્રો રજૂ કરવાનો જે ઉપક્રમ અપનાવાયો છે, એ ગુચ્છના અન્ય કાવ્યોમાં પ્રમાણમાં ઓછો જોવા મળે છે. અહીં વર્ણસગાઈ સ-વિશેષ પ્રયોજાઈ છે. ‘મરુથલે મોતીમઢ્યું’ના ત્રણ ‘મ’કાર, ‘બારીએ બારીએ બુઠ્ઠી’માં ‘બ’કાર, અને એ મુજબ ‘ફળિયે ફરે’, ‘બે-ચાર બકરાં’, ‘ડેલી ડ્હેકાર દે’ ‘વચલી વંડી’ વગેરે. એ જ રીતે ‘આઠ-હાથ’નો ‘થ’કાર, લોઢા-પેઢીનો ‘ઢ’કાર, ‘અંદર-ઓરડે-અંધારે’માંના ત્રણ ‘અ’-‘દ’-‘ર’કાર, તથા ‘લાલચટક ચૂલા’માંથી ઊઠતા ‘લ’કાર અને ‘ર’કારનું રવાનુકારી સંગીત કાન-ધ્યાન દઈને નહીં સાંભળીએ તોય આપણી અંદરના અહેસાસને રણઝણાવવામાં સફળ થાય છે એ સ્વીકારવું રહ્યું. અને આ બધું અનાયાસ કવિતામાં આવ્યું હોવાથી સ-વિશેષ આસ્વાદ્ય બને છે.

‘જેસલમેર’ કવિતામાં પ્રવેશતાં પૂર્વે જેસલમેર શહેરની ટૂંકી મુલાકાત જરૂરી છે. જેસલમેર શહેર જેણે જોયું હોય એ જ આ કાવ્યના ખરા સૌંદર્યને માણી શકે. જેસલમેર ભારતીય માનચિત્ર અને ઇતિહાસ – બંને પર સાવ અલગ તરી આવતું શહેર છે. રાજસ્થાનના પશ્ચિમી ભાગમાં થારના રણવિસ્તારમાં એંસીએક મીટર ઊંચી ટેકરી ઉપર આવેલા કિલ્લાની અંદર આ શહેર આજે પણ જીવી રહ્યું છે. આશરે ૧૧૫૬માં ભાટી રાજવી રાવલ-જૈસલે એની સ્થાપના કરી હોવાનું કહેવાય છે. જેસલમેર એટલે જેસલનો પર્વતીય કિલ્લો. પીળી માટીની ટેકરી ઉપર પીળા રેતપથ્થરોમાંથી બનાવેલ આ કિલ્લો રણની રેતીની પાર્શ્વભૂમાં દિવસે તીવ્ર પીળા તડકામાં સિંહ જેવો અને ઢળતી સાંજે પીળકેસરી તડકામાં મધ જેવો સોનેરી રંગ ધારણ કરતો હોવાથી જેસલમેરને ‘ગોલ્ડન સિટી’ પણ કહે છે. જેસલમેર આજે તો બહુ ખ્યાતનામ પ્રવાસન્ કેન્દ્ર બની ગયું છે, અને વરસ આખું એ દેશી-વિદેશી પ્રવાસીઓથી ખદબદતું રહે છે પણ વિષમ ભૌગોલિક પરિસ્થિતિ અને વિષમ આબોહવાના કારણે એ સદીઓ સુધી બાહરી હુમલાખોરોને હંફાવતું રહ્યું હતું. શહેરની સ્થાપના અને અંગ્રેજી હકૂમતના સ્વીકાર વચ્ચેના લગભગ સાતસો-આઠસો વર્ષ સુધી આ શહેર પર અન્ય કોઈ રાજવીને તાબે થયા વિના જેસલના વંશજોએ જ રાજ કર્યું, જે પોતે એક અનૂઠી ઘટના છે. હાલ તો આ શહેર કિલ્લાની બહાર પર્વત ફરતેની તળેટીમાં ચોતરફ દેડકીના પેટની જેમ વિસ્તરી ગયું છે પણ એક જમાનામાં આ કિલ્લો જ શહેર હતો અને શહેર જ કિલ્લો હતું. જૂની વસ્તી હજી પણ કિલ્લાની અંદર જ રહે છે. કવિનો કેમેરા કિલ્લાની અંદરની આ વસ્તીને જ તાદૃશ કરે છે.

કવિતાની શરૂઆત ઑલ-એન્કમ્પાસિંગ ટેલિસ્કૉપિક લેન્સમાંથી થાય છે. રણની અફાટ વેરાનીની વચ્ચે અડીખમ ઊભેલું જેસલમેર મોતીઓ મઢ્યા નગર જેવું અલગ તરી આવે છે. નગરના ટોડલે-ટોડલે મોર અને ભીંતે-ભીંતે હાથીઓ કોતર્યા છે, જે આજે પણ સજીવન લાગે છે. ઝરુખે-ઝરુખે પથ્થરનાં હીરભરત છે. અહાહા! કેવી અદભુત ઉપમા! પથ્થરની આ કારીગરી એટલી તો બારીક છે કે જાણે રેશમના કપડાં પર નાજુક ભરતકામ ન કર્યું હોય! એટલે જ કવિ એને માટે હીરભરત વિશેષણ વાપરે છે. બારીઓ પર બુઠ્ઠી તલવારો લટકી રહી છે. તલવાર બુઠ્ઠી છે પણ વીતી ગયેલા સમયને કેવી ધાર કાઢી રજૂ કરે છે! વર્ષોથી એની જરૂર જ ઊભી થઈ નથી. જેસલમેર શહેર જેણે જોયું હોય એ જ આ કાવ્યના ખરા સૌંદર્યને માણી શકે. સાજના સમયે આખું શહેર કિલ્લાની રાંગ ઉપરથી અથવા શહેર બહારના કબ્રસ્તાન પાસેથી સોનાનું બનેલું હોય એવું પીળું પીળું લાગે છે. સાંજના સૂર્યના રાતા પીળા પ્રકાશમાં નગરની ભીંતો નારંગી ચૂંદડી પવનમાં લહેરાતી હોય એવી દેખાય છે. જૂના બારણાંઓ પરના લોઢાનાં કડાં આઠ-આઠ પેઢીઓના હાથોનો સ્પર્શ ખમી ચળકી રહ્યાં છે. આઠ પેઢી! દાયકાઓ નહીં, સદીઓ! ટૂંકમાં આ શહેર મકાનો નહીં, સાક્ષાત્ ઇતિહાસ છે! કડાંના એકધારા મારથી દરવાજાઓ પર જે ઘસરકા પડ્યા છે, એ સમયના ‘ઓટોગ્રાફ’ છે. આ કડાંમાંથી અનેકાનેક મનુષ્યોના સ્પર્શની કથા, કાન માંડો તો સંભળાવાની પૂરી સંભાવના છે. ફળિયે બે-ચાર કાળાં બકરાં રવડી રહ્યાં છે ને ડેલીબહાર કામગરું ઊંટ ડહેકાર દઈ રહ્યું છે. આખાય નગરને એક જ ફ્રેમમાં સમાવી લેતો કવિનો સર્વગ્રાહી ટેલિસ્કૉપિક લેન્સ ક્યારે વાઇડ એન્ગલ લેન્સ બની નાની-નાની વિગતોને બારીકીપૂર્વક દર્શાવવા માંડ્યો એ રૂપાંતરણ ઑટો-શિફ્ટ ગિઅરની માફક અહીં અપ્રત્યક્ષ-અગ્રાહ્ય છે.

કાવ્યારંભે મોતી અને હીરભરત મઢ્યું જણાતું જેસલમેર મધ્યભાગે બેચાર બકરાં અને એકાદા ઊંટ જેવી અલ્પસંખ્યાવાચકતા પર આવી ઊભું છે, એ સૂચવે છે કે સમયના હાથે માત્ર દરવાજાઓ પર જ ઘસરકા નથી પડ્યા, શહેરની સમૃદ્ધિ પણ ઘસાઈ છે. કવિનો કેમેરા ઘરની અંદર પ્રવેશીને ક્લૉઝ-અપ મોડમાં આવે છે. ઘરમાં વચલી વંડીએ રાતાં ચીર સુકાય છે ને અંદર ઓરડામાં ફુગાઈ ગયેલા અંધારે દીવાની ઢીલી વાટ ફરફરે છે. સૂકાઈ રહેલું લાલ વસ્ત્ર યાને તૃપ્તિના અભાવમાં અડધી થઈ ગયેલી યુવાન વહુ અને ઢીલી પડેલી ફરફરતી વાટ એટલે પૌરુષત્વ ગુમાવી બેઠેલ વૃદ્ધ પતિ –આ રીતે પણ આ કડીઓને મૂલવી શકાય. આમેય કવિની કવિતાઓમાંથી જડી આવતા યૌનસંકેતો બાબતમાં જે તે સમયે ખાસ્સી નોંધ લેવાઈ હતી. બીજી રીતે જોઈએ તો એમ કહી શકાય કે, કવિતાના પહેલા ભાગમાં કવિ નગરની ભીંતોને નારંગી રંગે લહેરાતી બતાવીને સદીઓ બાદ હજીય શહેરના સચવાઈ રહેલા સૌંદર્યને ઉજાગર કરે છે તો છેલ્લા ભાગમાં અજવાળાંના અભાવે યોગ્ય માત્રામાં કદી દૂર ન થઈ શકેલ અંધારાને ફૂગાતું બતાવી કવિ ગરીબીની વેદના તાદૃશ કરે છે. ભાવકે-ભાવકે કવિતાનું અર્થઘટન અલગ-અલગ હોઈ શકે. આપણે તો કવિની જે પીંછી ઝડપભેર ફરી રહી છે, એના રંગે રંગાઈને સંતુષ્ટ થવાનું છે, બસ!

આગથી લાલચટાક ચૂલાની ઝાળમાં ચૂંદડીના અજવાળે સોનેરી કન્યા રોટલા ટીપી રહી છે એમ કહીને કવિ જેસલમેર કાવ્યગુચ્છની પ્રથમ કવિતા પર પૂર્ણવિરામ આંકે છે. રોટલા ટીપવા માટે અજવાળાં તરીકે દીવાના સ્થાને કન્યા ચૂંદડી કામમાં લે છે, એમાંથી શહેરના કેલિડોસ્કૉપિક ચિત્રમાંથી દારિદ્રયનો મોનોક્રોમેટિક રંગ ઊપસી આવતો દેખાય છે. કાવ્યાંતે કવિ તો રાતાં ચીર, લાલચટાક ચૂલો, ઝાળ, ચૂંદડીનું અજવાળું અને સોનેરી કન્યા જેવા રંગબેરંગી પ્રતીકો પ્રયોજે છે પણ ભાવકને ચિત્ર અચાનક જ બેરંગ બન્યાની ભારીખમ અનુભૂતિ થયા વિના રહેતી નથી. રંગોના ઢગલામાં બેરંગીપણું ઉપસાવવાની કવિની આ લાક્ષણિકતા કવિતાની લોકપ્રિયતાનું મહત્ત્વનું પરિબળ હોવું જોઈએ. અકારણ કંઈ આ ‘જેસલમેર’ કવિતાઓ સમકાલીન અને પછીની પેઢીના કવિઓ માટે ઉપાદાન સામગ્રી નથી બની રહી. નગરકાવ્યો આપણે ત્યાં આમેય જવલ્લે જ જોવા મળે ને તેમાં આ ગુણવત્તા તો ભાગ્યે જ નજરે ચડે. આ કવિતાઓથી યોગેશ જોષીમાં જેસલમેર ‘રોપાયેલું’ તે પછીથી એમની આંતરચેતનામાંથી બહાર આવી ‘જેસલમેર’ દીર્ઘકાવ્ય-પુસ્તક સ્વરૂપે પ્રગટ થયું. રણ, ઢૂવા, ઝરૂખા અને કિલ્લો –એમ ચાર ખંડોમાં આ દીર્ઘકાવ્ય પ્રસર્યું છે. શેખનું જેસલમેર સાંજના અજવાળે ભીંતો નારંગી ચૂંદડીની જેમ ફરફરે છે, તો જોષીના જેસલમેરનું રણ જંપી જાય છે ‘કેસરિયાળું લહેરિયું ઓઢીને!’ જોષીના જેસલમેરમાંથી પણ અંતે તો ભૂખરી ઝાંય જ વર્તાય છે:

‘ક્યાં છે હવે કિલ્લો?
નથી બુરજ, નથી સૂરજ,
નથી ઊંચી ઊંચી દીવાલો,
ને તે છતાંય ઝરૂખા છે!
હવામાં ઝૂલતા ઝરૂખા!
ઝરૂખામાં ઝૂરે- ઊંડી ઊતરી ગયેલી
ઝાંખ વળેલી ટમટમતી આંખો!’ (પૃ. ૪૬, જેસલમેર, યોગેશ જોષી)

ચન્દ્રકાન્ત ટોપીવાળાએ પણ જેસલમેર પર કવિતા રચી છે. શેખનો આ રચનાગુચ્છ ઘણા કવિઓ માટે નગરરચનાઓનું નિમિત્ત બન્યો છે. લયસ્તરો ડૉટ કોમના સ્થાપક ધવલ શાહ લખે છે: ‘સમયને અતિક્રમી જાય એટલું સૌંદર્ય જેસલમેરની ભીંતોમાં આ શહેરને બનાવનારાઓએ જડી દીધેલું. પણ છતાંય – બીજા બધાય સૌંદર્યોની જેમ જ – જેસલમેરને પણ સમય સામે આખરે ઝૂકી જવું પડ્યું છે. પથ્થરનું સૌંદર્ય, ઈતિહાસનો ભાર અને રોજીંદા જીવનની વાસ્તવિકતા – બધાને કવિએ ફોટોગ્રાફરની કુશળતાથી શબ્દોમાં કેદ કરી લીધા છે. આવા વિષય પર આપણે ત્યાં કાવ્યો ઓછા જ લખાયા છે અને એમાં પણ આ સ્તરના તો ભાગ્યે જ જોવા મળે છે. એટલે તો ખાસ આ કાવ્યને ચૂમી લેવાનું મન થાય છે.’ ઇતિહાસ અને વર્તમાન, સમૃદ્ધિ અને દારિદ્રય આ કવિતાઓમાં એકબીજામાં ઓગળી ગયા છે. દીવાના નહીં પણ ચૂંદડીના અજવાળે રોટલા ટીપતી ‘સોનેરી’ કન્યાની વાત કરે છે. આ સોનેરી કન્યા એ જેસલમેર શહેર પોતે જ તો નહીં?! અંતે કવિના જેસલમેર કાવ્યગુચ્છમાંથી બીજું એક પુષ્પ જોઈ વાત પૂરી કરીએ:

કઠણ પથરા કાપી ચણી ઢાલ જેવી ધીંગી ભીંતો
ઊંટની ડોક જેવા ઘડ્યા ઝરૂખા,
આંગણાં લીંપ્યાં પૂર્વજોના લોહીથી,
વારસામાં મળેલ
સૂરજનો સોનેરી કટકો વાટી
ઘૂંટ્યો કેસરિયો રંગ,
પટારેથી ફંફોસ્યું કસુંબીનું પાત્ર,
પછી સંભારણાં ગટગટાવતા
વૃદ્ધ પડછાયા ઢળી પડ્યા.

એવું રે અજાણ્યું સગપણ સાંભર્યું – માધવ રામાનુજ

સ્વર- કવિતા કૃષ્ણમૂર્તિ
સંગીત: શ્યામલ-સૌમિલ મુન્શી
આલ્બમ- હસ્તાક્ષર

એવું રે અજાણ્યું સગપણ સાંભર્યું, સોણલાની વાડી ઝાકમઝોળ;
કોણ રે ચૂંટે ને કોણ ચપટી ભરે; મઘમઘ સુવાસે તરબોળ,
સગપણ સાંભર્યું.

ક્યાં રે કિનારો, ક્યાં રે નાંગર્યા નજર્યુંના પડછાયા આમ;
અચરજ ઊગી ઊગી આથમે પછીયે પથરાતું નામ,
સગપણ સાંભર્યું.

ઝાકળ સરીખું ઝલમલ બારણું, પગલે પાંપણનું ફૂલ;
એક રે હોંકારે ઉઘડે આગળા ઓળઘોળ આયખાનું મૂલ;
સગપણ સાંભર્યું

– માધવ રામાનુજ