Category Archives: હરિશ્રંદ્ર ભટ્ટ

ગ્લૉબલ કવિતા : ૧૪૧ : નિર્દોષ ને નિર્મળ આંખ તારી – હરિશ્ચંદ્ર ભટ્ટ

નિર્દોષ ને નિર્મળ આંખ તારી
હતી હજી યૌવનથી અજાણ,
કીધો હજી સાસરવાસ કાલે,
શૃંગાર તેં પૂર્ણ ચિતા મહીં કર્યો!

કૂંળી હજી દેહલતા ન પાંગરી,
કૌમાર આછું ઊઘડ્યું ન ઊઘડ્યું,
પ્હેરી રહે જીવનચૂંદડી જરી,
સરી પડી ત્યાં તુજ અંગથી એ!

સંસારના સાગરને કિનારે
ઊભાં રહી અંજલિ એક લીધી,
ખારું મીઠું એ સમજી શકે ત્યાં
સરી પડ્યો પાય સમુદ્રની મહીં!

છો કાળ આવે, શિશિરોય આવે,
ને પુષ્પ કૂંળાં દવમાં પ્રજાળે;
સુકોમળી દેહકળી અરે અરે
વસંતની ફૂંક મહીં ખરી પડી!

– હરિશ્ચંદ્ર ભટ્ટ

સ્વજનના મૃત્યુની કવિતા સુખ આપે કે દુઃખ?

મૃત્યુ. મૃત્યુને તમે કેવી રીતે જોશો? નિકટના સ્વજનના મૃત્યુને? નિકટના સ્વજનના અકાળ મૃત્યુને? પહેલા શ્વાસની સાથે જ આખરી શ્વાસ અવિનાભાવી સંબંધથી બંધાઈ ચૂક્યો હોવા છતાં જન્મ અને મરણ- આ બેઉને જોવા માટેનાં આપણાં ચશ્માં સાવ અલગ છે. આપણી તો ગીતા અને શંકરાચાર્યની સંસ્કૃતિ. जातस्य हि ध्रुवो मृत्युः અને पुनरपि जनमं पुनरपि मरणं ના મંત્રો આપણને ગળથૂથીમાં પિવડાવાયા છે. મૃત્યુ પશ્ચાત્ પણ આત્માને नैनं छिन्दन्ति शस्त्राणि नैनं दहति पावकः જાણતાં હોવા છતાં આપણે સહુ अशोच्यानन्वशोचस्त्वं (જેનો શોક કરવો ઉચિત નથી, એનો શોક કરીએ છીએ.) ખેર, આ મનુષ્યની પ્રકૃતિ છે. જન્મ આપણે ત્યાં ઉત્સવ છે, અને મૃત્યુ શોક. એમાંય જો કોઈ અત્યંત નજીકનું સગું હોય અને કૂમળી વયે અવસાન પામ્યું હોય તો શોક નિરવધિ બની રહે છે. પણ ગીતાપાઠ પચાવી ચૂકેલ સાચા જ્ઞાનીઓ મૃત્યુને સમ્યક ભાવે જોઈ શકતા હોય છે. હરિશ્ચંદ્ર ભટ્ટની પ્રસ્તુત રચના જન્મ અને મરણને સમાનભાવે આવકારવાની સાધુસહજ અવસ્થા દર્શાવે છે.

હરિશ્ચંદ્ર ભગવતીશંકર ભટ્ટ. ૦૬-૧૨-૧૯૦૬ના રોજ દક્ષિણ ગુજરાતમાં ઓલપાડ ખાતે જન્મ. મેટ્રિક પાસ કર્યા બાદ બનારસ હિન્દુ યુનિવર્સિટીમાં ભણવું હતું. પિતાજીની બિમારીના લીધે યોજના પડતી મૂકવી પડી. કાલબાદેવીની એક પેઢીમાં ‘મહેતાજી’ થયા. કમિશન એજન્ટ તરીકે પુસ્તકોની લે-વેચ કરી. પૉલેન્ડની રાજદૂત કચેરીમાં કામ મળ્યું. ‘નાલંદા પબ્લિકેશન્સ’ના નામે પુસ્તક પ્રકાશન પર પણ હાથ અજમાવી જોયો. ‘યુગદર્શન’માં પણ જોતરાયા. પણ કદાચ ક્યાંય કાયમી મેળ સધાયો નહીં. ભાઈ, બનેવી, બહેન જેવા સ્વજનોનાં અકાળ મૃત્યુના સાક્ષી બનવું પડ્યું. છેવટે કવિએ ૧૮-૦૫-૧૯૫૦ના રોજ માત્ર ૪૩ વર્ષની વયે જિંદગીથી પડતું મેલ્યું. અત્મહત્યા કરી. જિંદગી માટે એમને કોઈ ‘અટૅચમેન્ટ’ નહોતું. એ કહે છે: ‘મને attachment ક્યાંથી હોય? મિત્રોએ મારી દયા ખાધી છે અને ક્યાં તો સલાહ આપ્યા કરી છે. જેણે પોતાનામાંથી શ્રદ્ધા ગુમાવી હોય તેનું એવું જ થાય, એ હું જાણું છું. જીવવાની તાકાત માણસે પોતાનામાંથી મેળવવાની હોય છે.’ ઉ.જો.ને એક પત્રમાં એમણે લખ્યું હતું કે, ‘મારાં કાવ્યો પ્રસિદ્ધ કરશો નહિ, સરસ્વતીનો મેં અપરાધ કર્યો છે.’ જો કે આ અપરાધ ઉ.જો. કર્યા વિના ન રહ્યા એ આપણી ભાષાનું સદનસીબ.
એમની કવિતાઓમાં વયષ્ટિથી લઈને સમષ્ટિ સુધીનો છલોછલ પ્રેમ છલકે છે તથા માનવવેદના માટે સંવેદનાનો સૂર પ્રગટતો સંભળાય છે. વિશ્વકવિતા-સાહિત્યના આજન્મ વાચક, ભાવક અને સાધક. પૉલિશ ભાષામાંથી અનેકાનેક ઉમદા અનુવાદો પણ એમણે આપ્યા છે. સુરેશ દલાલ તો લખે છે, ‘આપણા કવિઓને અને કવિતાને યુરોપિય સાહિત્ય તરફ વાળવામાં એ નિમિત્ત થયા છે. રિલ્કે અને બૉદલેર માટે એમને પક્ષપાત છે. ક્યારેક તો આપણને એમ લાગે કે આ જીવ ભારતમાં ભૂલો પડ્યો છે, મૂળે તો એ યુરોપના જગતમાં જન્મ્યો હશે. કવિતા એ એમને માટે પ્રયોગનો અખાડો નહીં, પ્રયોગશાળા હતી.’ જયંત પાઠકને પણ હરિશ્ચંદ્રમાં ‘પદ્યપ્રયોગો માટેની ધગશ અને સૂઝ’ બંને દેખાયાં છે. ઉમાશંકર જોશી એમને ‘બહુશ્રુત કવિ’ કહે છે. એ કહે છે, ‘આપણું સંસ્કૃતિમધુ હરિશ્ચંદ્રની બાનીમાંથી સહજ રીતે ઝમે છે.’ વિશ્વસાહિત્યના બહોળા આચમનનો એમના કાવ્યવિશ્વ ઊંડો પ્રભાવ રહ્યો. પ્રખર અભ્યાસુ સર્જક પણ લખેલી પંક્તિ જવલ્લે જ મઠારવી પડતી. છંદોલય પર પ્રભાવશાળી પ્રભુત્વ. પ્રાસવ્યવસ્થાના હિમાયતી, પણ દુરાગ્રહી નહીં. જો કે સૉનેટ કે ગીતકવિ તરીકે તેઓ બહુ જામી શક્યા નહીં.

‘નિર્દોષ ને નિર્મળ આંખ તારી’ કવિતાની પ્રથમ પંક્તિ જ એનું શીર્ષક પણ છે. સમજાય છે કે કથક એવી વ્યક્તિને સંબોધીને વાત કરનાર છે જે હજી દુનિયાના રંગોથી ખરડાઈ નથી, જેની દૃષ્ટિમાં કોઈ દોષ કે મલિનતા હજી પ્રવેશ્યાં નથી. કવિએ મુરલીધર ઠાકુર સાથે ૧૯૪૦માં ‘સફરનું સખ્ય’ નામે સંયુક્ત સંગ્રહ આપ્યો હતો, એમાં આ રચનાનું શીર્ષક ‘વસંતપંચમીએ મૃત્યુ પામેલી બહેનને’ રાખ્યું હતું. કવિના મૃત્યુપર્યંત ૧૯૫૯માં ઉમાશંકર જોશી સંપાદિત ‘સ્વપ્નપ્રયાણ’માંના ટિપ્પણ વિભાગમાં એ વિષેની નોંધ છે. કવિએ સંગ્રહનું નામ, મુખપૃષ્ઠનું કલ્પનાચિત્ર તથા ૧૭૪ કૃતિઓને દસ સ્તબકમાં વહેંચીને સંગ્રહની હસ્તપ્રત પણ તૈયાર કરી હતી. કમનસીબે સ્વપ્નપ્રયાણ વાસ્તવપ્રયાણ બને એ પહેલાં કવિ જ સ્વર્ગપ્રયાણ કરી ગયા એટલે એમના એ સંગ્રહને ઉમાશંકરે આકાર આપ્યો. કવિની આ બહુખ્યાત રચના છે. લગભગ દરેક વિવેચકે અને સંપાદકે આ કવિતાની નોંધ લેવી પડી છે. કૂમળી વયે, દુનિયા જે દિવસે વસંતોચ્છવ મનાવે છે, એ જ દિવસે અવસાન પામેલી બહેન માટે એના ભાઈએ લખેલી આ અમર કવિતા છે.

કવિએ સોળ પંક્તિના આ ઊર્મિકાવ્યને ચાર-ચાર પંક્તિના ચાર ખંડમાં વહેંચી નાંખ્યું છે. મોટાભાગની પંક્તિઓમાં કવિએ ઉપજાતિ છંદ કામમાં લીધો છે, જે ઇંદ્રવજ્રા તથા ઉપેંદ્રવજ્રાના સંયુક્ત ઉપયોગથી બનેલો છે. ૧૧ અક્ષરોના આ અખંડ રૂપમેળ છંદને સ્વતંત્ર રીતે જોવા જઈએ તો ૧, ૩, ૪, ૯, ૧૦, ૧૧, ૧૩ તથા ૧૪મી પંક્તિમાં ઇંદ્રવજ્રા તેમજ બીજી અને આઠમી પંક્તિમાં ઉપેંદ્રવજ્રા છંદ વપરાયો છે. પણ સોળમાંથી છ પંક્તિઓમાં કવિએ ૧૨ અક્ષર વાપર્યા છે, જેમાં ૫, ૧૨, ૧૫ તથા ૧૬મી પંક્તિમાં વંશસ્થ અને છઠ્ઠી-સાતમી પંક્તિમાં ઇંદ્રવંશા છંદ પ્રયોજ્યો છે. આ ચારેય છંદ લગભગ એકસમાન છે. ઇંદ્રવજ્રાના ‘ગાગા લગાગા લલગા લગાગા’માં પહેલા ગુરુના સ્થાને લઘુ મૂકતાં ઉપેંદ્રવજ્રા થાય. ઇંદ્રવજ્રાના છેલ્લા ‘લગાગા’ના સ્થાને ‘લગાલગા’ કરો એટલે ઇંદ્રવંશા અને ઉપેંદ્રવજ્રામાં એમ કરો એટલે વંશસ્થ. આમ, નજીક-નજીકના ચાર છંદોની કૉક્ટેલ કરીને કવિએ મજાનું પીણું તૈયાર કરી આપ્યું છે. કવિ પ્રાસની પળોજણમાં પણ પડ્યા નથી. બે પંક્તિ ઓછી કરીને રચનાને સૉનેટ કહેવડાવવાનું બહુ આસાન હતું, પણ કવિએ એનીય તમા કરી નથી. ચારેય ખંડોનો અંત ઉદગાર ચિહ્ન પર આવે છે.

મૃત્યુના ભયાવહ પંજામાંથી કોઈ બચી શકતું નથી. જન્મે એનું મૃત્યુ અફર છે એ જાણતાં હોવા છતાં આપણે સહુ એવી રીતે જીવીએ છીએ, જાણે આપણું કે આપણા સ્વજનોનું મૃત્યુ તો કદી થનાર જ નથી. મહાભારતમાં યુધિષ્ઠિરે યક્ષના સંસારનું સૌથી મોટું આશ્ચર્ય કયું છે એ પ્રશ્નના જવાબમાં આ જ ઉત્તર ટાંક્યો હતો. આપણે સહુ અમરપટો કે ઇચ્છામૃત્યુ લખાવીને આવ્યાં હોઈએ એમ જ જીવીએ છીએ. કદાચ ખભા પર પળેપળ મૃત્યુનો બોજો ન અનુભવાય એ માટે આ આત્મવંચના (self-denial) પણ જરૂરી છે. પણ યમરાજનો પાશ આપણી નિકટના કોઈકના ગળામાં પડે ત્યારે આપણી તકલીફ વધી જાય છે. એમાંય જ્યારે કોઈ જુવાનજોધ સ્વજન અકાળે સ્વર્ગલોક સિધાવે ત્યારે એ ઘા વધુ અસહ્ય બની રહે છે. અહીં જેની આંખો હજી દુનિયાના કાળાધોળાથી મલિન થઈ નથી કે જેની નજરોમાં હજી કોઈ ગંદકી પ્રવેશી નથી એવી સાવ નિર્દોષ અને નિર્મળ આંખવાળી બહેનના અકાળ અવસાનની વાત કવિ કરે છે. શોક છે, પણ પોક નથી. યાદ છે, પણ ફરિયાદ નથી. મરણ હવે સ્મરણ બની ચૂક્યું છે. મૃતક સાથે સંવાદ છે, પણ મૃત્યુ સાથે વિખવાદ નથી. કસાઈ મૃત્યુને જરાય આછકલાઈ વિના ભાઈએ સ્વીકાર્યું છે. કવિનો આ વિવેક ‘નયનમાં કરુણા થકી જો ગ્રહે,/જીવન મૃત્યુ બધું સરખું જ છે’ પંક્તિઓમાં પણ દેખાય છે.

યાદના ઝરુખામાં હંમેશા ચહેરો જ પ્રથમ ડોકાય. ચહેરામાંય આંખ અને આંખની ચમક કદાચ સૌપ્રથમ ચાક્ષુષ થાય. કવિનેય પ્રથમ તો બહેનની આંખ જ યાદ આવે છે. દોષરહિત અને મળરહિત આંખોવાળી બહેન યૌવનથીય હજી અજાણ હતી. માંડ એણે યુવાનીના ઉંબરે પગ મૂક્યો હતો ને આ દુર્ઘટના ઘટી. વસંત વીત્યે આંબાના બદલે કાયાનો મોર ખરી પડ્યો. કવિ અન્યત્ર કહે છે: ‘વસંત વીતી, નવ આમ્ર-મંજરી/ખરી, પડી યૌવનદેહ-મંજરી.’ કવિ આમ પણ લખે છે:

આ આમ્રની મંજરી મ્હોરતી હજી
અધૂકડી, ને સ્વજનો ગુમાવવાં;
વસંત ઓ! જીવનની વસંતમાં
સ્નેહી અને આપ્તનું મૃત્યુ જોવું?

બહેનના લગ્ન જાણે ગઈકાલની વાત છે. સામાન્યરીતે સ્ત્રી લગ્ન સમયે જે શણગાર સજે એટલો કદાચ આખા જીવનમાં સજતી નહીં હોય. પણ અહીં કવિ બહેનનો શૃંગાર લગ્નપ્રસંગે નહીં, ચિતાના અગ્નિમાં પૂર્ણ થયેલો કલ્પે છે. ભાઈનું હૃદય તો પીડાના મારથી આખું તળેઉપર થઈ ચૂક્યું છે, પણ એના બાહ્ય વર્તનમાં, કવિના શબ્દોમાં ભારોભાર સંયમ છે. પોતાની બહેનના અસ્તિત્વના આખરી અંશોને ઓહિયા કરી જનાર અગ્નિ માટે ક્રોધવચન ઉચ્ચારવાના બદલે એ અખંડ સૌભાગ્યવતી હરિશરણ પામેલી બહેનનો શણગાર એમાં જઈ સંપૂર્ણ થયો હોવાનું કહે છે. અગ્નિનું કામ આમ તો ખાક કરવાનું, ભસ્મીભૂત કરવાનું. પણ અહીં એ અગ્નિ શણગાર ‘પૂર્ણ’ કરે છે, એમ કહીને કવિએ વક્રોક્તિને ધાર કાઢી છે. અત્યંત સમ્યક્ અને શાલીન જણાતી પંક્તિઓની વચ્ચે ભડભડ સળગી રહેલી બહેનની ચિતા આપણને અંદરબહાર બધેથી દઝાડે છે.

હજી તો બહેનની કાયાનો પૂર્ણ વિકાસ પણ થયો નહોતો. સોળે સાન ને વીસે વાન એમ આપણે અમથું નથી કહેતાં. બહેનનો વાન હજી પૂરો ખીલ્યો-ખુલ્યો નહોતો. ગુલાબની કળી જેવું કૌમાર્ય પણ આછું-આછું ઊઘડ્યાં-ન ઊઘડ્યાં જેવું અધખીલ્યું જ હતું. જીવન જીવે-ન જીવે ત્યાં તો મૃત્યુ આવી ગયું, જાણે ચૂંદડી દેહ પર પહેરતાં પહેલાં તો સરી પડી. આમ આ કવિ પ્રાસના બંધાણી નથી. પણ જુઓ, અહીં પાંગરી-જરી-સરીની સાથે કૂંળી-પ્હેરી-ચૂંદડી-પડી-અંગથી -એમ ચાર પંક્તિમાં સળંગ આઠ-આઠ ‘ઈ’કાર કવિતાની ગતિ અત્યંત ઝડપી બનાવી ચૂંદડીના પહેરાયા પહેલાં જ સરી જવાની ઘટનાને કેવા સાકાર કરે છે, અને પીડાની ચીસને અસહનીય તીવ્રતા પણ બક્ષે છે!

નવપરિણીત ભગિનીએ હજી તો સંસારરસ ચાખવું આદર્યું પણ નહોતું. સાગરમાં ઊંડા ઊતરી મજા લેવાની વાત તો દૂર, કિનારે ઊભીને નાનકી અંજલિ ખોબામાં માંડ લીધી હતી. પાણી ખારું કે મીઠું એની સમજણ સુદ્ધાં પડે એ પહેલાં તો પગ સમુદ્રમાં સરી પડ્યો. કાળ આવે કે હાડ ગાળતો શિયાળો આવે અને કૂમળા પુષ્પોને દવમાં પ્રજાળી દે એની સામે કવિને વિરોધ નથી. દવનો એક અર્થ ઝાકળ તો બીજો વનમાં આપમેળે પ્રગટતો અગ્નિ. કવિને કદાચ બંને જ અર્થ અભિપ્રેત હશે. ઝાકળ જે ફૂલોની શોભા હોય, એ જ ફૂલોને બાળી નાંખે એમ પણ અર્થ કાઢી શકાય અને દાવાનળમાં કૂમળા પુષ્પો હોમાઈ જાય એ અર્થઘટન પણ થઈ શકે. બંને અર્થ પીડાના ભાવને બળકટ જ બનાવે છે અને કાવ્યને ઉપકારક જ છે. ખરવું પુષ્પમાત્રની નિયતિ છે પણ કળીનું શું? કાળઝાળ ઉનાળે કે હિમાળા શિયાળે પુષ્પ ખરે એ તોસમજાય પણ વસંતમાં? અને ખુદ વસંતની ફૂંકથી? વસંતનું કામ તો ખીલવવાનું, પ્રાણ ફૂંકવાનું. પણ અહીં જેની દેહકળી સાવ સુકોમળી હતી એવી બહેન વસંતમાં, વસંતની ફૂંકથી ખરી પડી છે. વિધિની આ વિટંબના કવિને અકળાવે છે. સુરેશ જોષીને ‘ફૂંક’ શબ્દમાં ‘દીપનિર્વાણનું સૂચન’ નજરે ચડ્યું છે. સુકોમળી-દેહકળીના આંતર્પ્રાસ અને બેવડા ‘ઈ’કારને ‘અરે’ ‘અરે’ની પુનરોક્તિથી દૃઢાવીને આખરી પંક્તિમાં કવિ ફરીથી ‘..તની-મહીં-ખરી-પડી’ના ચાર ‘ઈ’કારની મદદથી ફરી એકવાર ચિત્કાર જન્માવે છે ભાવકના હૃદયમાં. વસંતઋતુમાં જીવનવંસતના આ વિયોગને કવિએ અન્યત્ર પણ આલેખ્યો છે:

વસંત મારા જીવને ન’તી કદી
વસંત મારી રહી પાંગર્યા વિના
વસંતની મંજરી મ્હોરી ન્હોતી ત્યાં
વસંતમાં મેં ભગિનીએ ગુમાવી

સ્વજનના અકાળ મૃત્યુ પર આવી સંયત ભાષા ભાગ્યે જ જોવા મળે છે. કવિતામાં ક્યાંય મૃત્યુ શબ્દ પણ વપરાયો નથી. કોઈ જગ્યાએ કવિએ યમરાજને કે ભાગ્યને દોષ દીધો નથી. સમ ખાવા પૂરતોય ફરિયાદનો સૂર ક્યાંય સંભળાતો નથી. પોતાની પીડાને પૂર્ણ સંયમથી કવિએ આલેખી છે. તોડી નાંખી, ચૂંટી લીધી, છિનવી લીધી જેવા ક્રિયાપદોની સરખામણીમાં કવિએ વાપરેલા સરી પડી, સરી પડ્યો, ખરી પડી જેવા ક્રિયાપદો મૃત્યુના સહજભાવના સ્વીકારને ઉજાગર કરીને કદાચ વેદનાને વધુ ઘૂંટી શક્યાં છે. સરી પડવું અને ખરી પડવુંમાં જે નૈસર્ગિકતા છે, કર્તાના વાંકદોષનિર્દેશનો જે અભાવ છે, એ ખાલીપો વધુ ભરેલો લાગે છે, એ વધુ તકલીફદેહ છે. આક્રોશ કરતાં સ્વીકાર ઘણીવાર વધુ અસહ્ય બની રહે છે. કવિની મખમલી ભાષા સમસ્ત રચનામાં ધ્યાનાર્હ બની રહે છે. જેમ ક્રિયાપદો સહજસ્વીકૃતિદર્શક છે, એમ જ શબ્દપ્રયોગો પણ બધા જ ધનમૂલક છે. હૃદયવિદારક મૃત્યુની વાત હોવા છતાં કવિએ આખી કવિતામાં એકેય જગ્યાએ ક્રોધ-કાલિમાસભર શબ્દ વાપર્યા નથી. કદાચ આ સમ્યકભાવ એ કવિનો મૂળ સ્વભાવ જ હશે:

વસંતને દોષ ન હોય રે કદા,
વસંત સમૃદ્ધ, ભર્યો ભર્યો સદા.
વસંત! આજે મુજ એક માગણી:
વિષાદની શેં ન વસંત માણવી!

હરીન્દ્ર દવેએ કંઈ એમનેમ એમને ‘વિષાદની વસંતનો કવિ’ કહ્યા હશે! કવિનો આ વિષાદ ભારઝલ્લો કવચિત્ જ જોવા મળે છે. વસંત માટેનો એમનો અનુરાગ અન્યત્ર પણ છલક્યા વિના રહ્યો નથી:

ગ્રીષ્મમાં બળતા વિયોગને ગાજે
વર્ષા આવે ત્યારે સ્મરણોમાં ન્હાજે,
એક વસંત સિવાય વસંતમાં
-બીજું કાંઈ ન ગાજે.

વસંતમાં માત્ર વસંતનું જ ગાન કરવું એ કવિની સહજ પ્રકૃતિ છે. અંગત અને વૈશ્વિક દુઃખો તરફ એ બુદ્ધના કરુણાસભર નેત્રથી જુએ છે. કદાચ એટલે જ ખૂબ સરળ ભાષામાં લખાયેલી એમની રચનાઓ આપણા અંતરમનના અંદરતમ તારોને સ્પર્શી જાય છે. સુરેશ જોષી આ કવિતા વિશે લખે છે: ‘હરિશ્ચંદ્રનું આ કાવ્ય વાંચતા મૃત્યુની કરાંગુલિ એના મૃદુ સ્પર્શથી જીવનવીણામાંથી જે આછો કરુણમધુર ઝંકાર પ્રગટાવે છે તે સાંભળ્યાનું સુખ થાય છે. મેં કહ્યું ‘સુખ.’ હા, સુખ. કરુણનો અહીં આક્રોશ નથી; અરે, ઉપાલમ્ભનો કાકુ પણ અહીં સંભળાતો નથી. ફૂલ ખરે તે સંભળાય એવી શાંતિ કવિએ અહીં રચી છે, કારણ કે અહીં એક ખરી પડતી કળીનો અવાજ સાંભળવાનો છે.’ આખી કવિતામાં ક્યાંય રોષ કે આક્રોશ નથી, અવસાદ કે ફરિયાદ નથી, ઠપકો પણ નથી. ક્યાંય મૃત્યુના નામ પર કોઈ ફિલસૂફી નથી. કવિની ઋજુ વાણી ભાવકના મનમાં મૃત્યુ માટે તિરસ્કાર નથી જન્માવતી, દુઃખ નથી પહોંચાડતી, પણ શાંતિનો અહેસાસ કરાવે છે. બહેનના અનાયાસ મરણને કવિએ ફૂલની પાંખડી પરથી ઝાકળબુંદ દડે એ મસૃણતાથી સાવ તટસ્થભાવે આલેખ્યું છે. ભાવકના મનમાં એ ધારદાર વેદના તો જન્માવે જ છે, પણ સુરેશ જોષીએ કહ્યું એમ આ વેદના દુઃખ નહીં, સુખની લાગણી અનુભવાવે છે, એક ઉત્તમોત્તમ કવિતામાંથી પસાર થયાના સુખની લાગણી!

કવિ, તારે કેટલાં હૈયાં? – હરિશ્રંદ્ર ભટ્ટ

કવિ, તારે કેટલાં હૈયાં?
કવિ, તારે કેટલાં હૈયાં?

કાલે આપ્યું પેલા પંખીના ગાનને,
આજે આપ્યું પેલા ફૂલોના રંગને,
આપ્યું ઉષાને, તેં તારાને આપ્યું,
સંધ્યાની આશા સંતોષજ રે.. કવિ..

કાલે આપ્યું એક પેલાં સ્મિતોને
આજે આપ્યું એક નીચાં નયનોને,
આશા ભર્યા પેલા હાથોને આપ્યું,
જીવનસાથી સંતોષજ રે.. કવિ..

તરણાંને આપ્યું, સાગરને આપ્યું,
ધરતીને આપ્યું, આકાશને આપ્યું,
ધૂળ જેવી તારી કાયાનું હૈયું તું
મૃત્યુને માટે યે રાખજે રે.. કવિ..

– હરિશ્રંદ્ર ભટ્ટ