Category Archives: – ગુલામ મોહમ્મદ શેખ

ગ્લૉબલ કવિતા : ૧૩૯ : જેસલમેર – ગુલામ મોહમ્મદ શેખ

મરુસ્થલે મોતીમઢ્યું આ નગર,
એને ટોડલે મોર અને ભીંતે ફરે હાથી,
ઝરૂખે ઝરૂખે પથ્થરનું હીરભરત.
બારીએ બારીએ બુઠ્ઠી તરવારોના તોરણ.
સાંજના અજવાળે ભીંતો નારંગી ચૂંદડીની જેમ ફરફરે,
બારણે લોઢાના કડે
આઠ પેઢીના હાથનો ઘસરકો.
ફળિયે ફરે બેચાર બકરાં શ્યામ
ડેલી બા’ર ડહેકાર દે કામઢું ઊંટ.

વચલી વંડીએ સુકાય રાતાં ચીર
અંદરને ઓરડે ફુગાઈ ગયેલા અંધારે
ફરફરે ઢીલી વાટ.
લાલચટાક ચૂલાની ઝાળ અને ચૂંદડીના અજવાળે
રોટલા ટીપતી સોનેરી કન્યા.

– ગુલામ મોહમ્મદ શેખ

પીંછીના બદલે શબ્દોથી દોરાયેલું અભૂતપૂર્વ ચિત્ર

પ્રવાસ તો મનુષ્યના શ્વાસમાં જ વાસ કરે છે. ઘર-સમાજ-સંસ્કૃતિ, કશાયની સ્થાપના નહોતી થઈ ત્યારે પણ માણસ સ્થિર બેસી શકતો નથી. એના તો પગે જ ભમરો. પલાંઠી વાળીને લાંબો સમય એક જ સ્થળે બેસી રહેવાનું માનવના મૂળભૂત સ્વભાવમાં જ નથી. માણસની આ આદતના કારણે પુરાતનકાળથી અલગ-અલગ સભ્યતાઓ વચ્ચે ભાષા-સંસ્કૃતિની આપ-લે થતી રહી છે. ‘મા’ શબ્દ જ જુઓ ને, ક્યાંથી ક્યાં-ક્યાં પહોંચ્યો છે! મૂળે પ્રોટો-જર્મનીક mōdēr માંથી અંગ્રેજીમાં mother, જર્મનીમાં mutter, સંસ્કૃતમાં मातृ, ડચમાં moeder, ડેનિશમાં moder, લેટિનમાં māter, ગ્રીકમાં mētēr, અરબીમાં Mëmë, ફ્રેન્ચમાં Mère, રશિયનમાં Mat’; અને દુનિયાની મોટાભાગની ભાષાઓમાં ‘મા’ માટે વપરાતો શબ્દ આ શબ્દો સાથે સમાનતા ધરાવતો જ જોવા મળશે. કારણમાં માણસની ભાષા-સંસ્કૃતિને પણ મુસાફરીમાં સામાન સાથે લઈ જવાની આદિમ વૃત્તિ. પ્રવાસ કરીએ એટલે નવા સ્થળો, નવા માણસો અને નવા સમાજ જોવા-જાણવા મળે. અને નૂતન સ્વાનુભવો કાગળ પર ટપકાપવા અને પછી ગમતાનો ગુલાલ કરવો એ પણ મનુષ્યનો સ્વભાવ છે. દુનિયાનો ઘણોખરો ઇતિહાસ વિશ્વપ્રવાસીઓની નોંધોમાંથી જડી આવ્યો છે. આજે જે કવિતાની આપણે વાત કરવી છે, એ પણ આવા જ કોઈક પ્રવાસની ફળશ્રુતિ છે. કવિ ગુલામ મોહમ્મદ શેખને જેસલમેરના પ્રવાસ દરમિયાન જે શબ્દોનું સોનું જડી આવ્યું હતું, એનો થોડો ચળકાટ આપણે માણીએ.

ગુલામ મોહમ્મદ શેખ. ૧૬-૦૨-૧૯૩૭ના રોજ સુરેન્દ્રનગર ખાતે જન્મ. પિતા તાજમોહમ્મદ. માતા લાડુબેન. કલમ અને પીંછી –બંને બાળપણથી જ હાથે લાગ્યાં. ગુરુકવિ લાભશંકર રાવળ ‘શાયર’ને અનુસરીને શરૂમાં ‘મલય’ ઉપનામ રાખ્યું. રવિશંકર રાવળના સૂચનાનુસાર વડોદરા આવ્યા. ૧૯૬૧માં એમ.એસ. યુનિવર્સિટીમાંથી ફાઇન આર્ટ્સમાં એમ.એ. થયા. ૧૯૬૬માં રોયલ કૉલેજ ઑફ આર્ટ લંડનમાંથી એ.આર.સી.એ. પ્રારંભિક કાળથી જ સુરેશ જોષીના પરિચયમાં. આ પરિચય અને વડોદરામાં ઉપસ્થિત માહોલના પરિણામે વિશ્વકળાસાહિત્યનો નજદીકી સંપર્ક. વડોદરાની એમ.એસ. યુનિવર્સિટીમાં જ કળા-ઇતિહાસ-ચિત્ર વિભાગોમાં અધ્યાપક. ૧૯૯૨માં સ્વૈચ્છિક નિવૃત્તિ. દેશવિદેશમાં ચિત્રપ્રદર્શનો અને કળાવિષયક વ્યાખ્યાનો. અસંખ્ય માન-સન્માન, ખિતાબોથી નવાજીત. ૧૯૮૩માં પદ્મશ્રી અને ૨૦૧૪માં પદ્મભૂષણનો ખિતાબ. હાલ, વડોદરા ખાતે રહે છે.

કવિ. નિબંધકાર. ચિત્રકાર. ભીતરને અભિવ્યક્ત થવા માટે પ્રવર્તમાન કાવ્યસ્વરૂપો ટાંચા પડતાં અછાદંસ પર હાથ અજમાવ્યો. એ કહેતા: ‘પાઠ્યપુસ્તકોમાં છપાયેલી કવિતા ભાગ્યે જ મનમાં બેસે. મોટે ભાગે નિઃસત્ત્વ અને અધૂરી જણાય. એની ભાષા અન્ય વર્ણની, અજાણી, બનાવટીય લાગે. ભદ્રસમાજની રીતભાતના ભરડામાં ફસાયેલો શબ્દ બોલાતી ભાષાની આભડછેટ રાખતો લાગે ને આયાસી છંદરચનાની ટીપટાપમાં એનું નકરું રૂપ કાટ ખાતું જણાય.’ એમની આ માન્યતા એમની તમામ રચનાઓમાંથી ઊડીને આંખે વળગે છે. આ અછાંદસ કાવ્યો જયદેવ શુક્લની દૃષ્ટિએ ‘ગુજરાતી કવિતાની પરંપરા, તેની સંરચના, પદાવલિ ને વિષયો પરનું અ-પૂર્વ આક્રમણ’ છે. સુરેશ જોષી પછી આધુનિકતાવાદી અછાંદસ ગુજરાતી કવિતાના ‘પિતા’ કહી શકાય, એ હદે અને એ સક્ષમતાથી એમણે પરંપરાગત રેઢિયાળ ગુજરાતી કવિતાનું સુકાન બદલ્યું છે. સમર્થ કવિ અને બાહોશ ચિત્રકાર હોવાના નાતે કલમ અને પીંછી, રંગ અને શબ્દ, કેનવાસ અને કાગળની એકમેકમાં સતત હેરફેર થતી જોવા મળે છે. પરિણામે, આપણને અદભુત શબ્દચિત્રો સાંપડ્યાં છે. સુરેશ જોષીના મતે ‘ગુલામમોહમ્મદ શેખ બે માધ્યમને સફળતાથી વાપરનાર સવ્યસાચી કળાકાર છે. ચિત્રકાર જે રીતે રંગ અને રેખા પ્રયોજે, તે રીતે ભાષાને પ્રયોજવાનું એમનું વલણ આપણી કાવ્યરચનાઓની રીતિઓમાં એક મહત્ત્વનું પ્રદાન કરશે.’ કવિ પોતે લખે છે, ‘ચિત્રજગતની ચેતનાએ કવિતાને બળ દીધું, છકાવી.’ એમની કવિતાઓમાં ટેલિસ્કોપ અને માઇક્રોસ્કોપ, કેલિડોસ્કોપ અને મોનોક્રોમ – તમામ અડખેપડખે રહેલા દેખાય છે. કળવું મુશ્કેલ થઈ પડે એ સહજતા અને ગતિથી એમનો કેમેરા લૉન્ગ શોટ લેતાં લેતાં એક્સ્ટ્રિમ ક્લૉઝ અપ પર આવી જઈ ભાવકને અચંબિત કરી શકે છે, તો હજાર રંગોથી ઊભા કરેલ મનમોહક ચિત્રમાંથી ક્યારે વેદનાનો ભૂખરો રંગ આવીને તમને અડકી બેસશે એનું પૂર્વાનુમાન બાંધવુંય દુષ્કર છે. એમની કવિતાઓમાં આવતા યૌનસંકેતો, લૈંગિક સંવેદના, કુત્સિતતા, બિલકુલ અરુઢ કલ્પનોએ વિવેચકોને અકળાવ્યા પણ છે અને પ્રશંસાના પુષ્પો વેરવા મજબૂર પણ કર્યા છે. સુરેશ દલાલના શબ્દોમાં, ‘શેખની કવિતામાં પ્રયોગનો દેહ નથી, પણ પ્રયોગનો આત્મા છે.’ મણિલાલ હ. પટેલ કહે છે, ‘કવિતાની, શેખે રચેલી આબોહવામાં અમૂર્ત અને સૂક્ષ્મને ‘વીઝ્યુલાઇઝ’ કરવાની કવિયુક્તિ સક્રિય થતી રહે છે. રંગો અહીં માત્ર દેખાતા નથી, એ સંભળાય છે, સ્પર્શાય છે, આસ્વાદાય છે, ભોગવાય છે, સુંઘાય છે.’

કવિના પ્રથમ સંગ્રહ ‘અથવા’માં ‘જેસલમેર’ શીર્ષક હેઠળ છ લઘુકાવ્યોનું એક ગુચ્છ રજૂ કરાયું છે. આ છ કવિતાઓમાં જેસલમેરના છ અલગ-અલગ શબ્દચિત્રો ઉપસ્યાં છે. શીર્ષક આપણને કહે છે કે કવિ આપણને ‘એમણે’ જોયેલા જેસલમેરની મુલાકાતે લઈ જનાર છે. આપણે ત્યાં સ્થળકાવ્યો અને પ્રવાસકાવ્યો આમેય બહુ ઓછા જોવા મળે છે અને જે થોડાં કાવ્યો રડ્યાખડ્યા આપણી અડફેટે ચડે છે, એમાં ગદ્યાળુતા અને મુખરતા ન કઠે એવું જવલ્લે જ બનતું હોય છે. આપણા સદનસીબે આ કાવ્યો આ મર્યાદાઓથી પૂરેપૂરા બચી શક્યા છે. આ ગુચ્છમાંનું પહેલું લઘુકાવ્ય આપણે માણીએ. શરૂઆતમાં ગીત-સૉનેટ જેવા તમામ કાવ્યપ્રકારો પર હાથ અજમાવ્યા બાદ અછાંદસના છંદે ચડેલ કવિ અહીં પણ કોઈ છંદ-પ્રાસની પળોજણમાં પડ્યા નથી. નવ અને પાંચ પંક્તિઓના બે ભાગમાં વહેંચાયેલી આ ચૌદ પંક્તિની કવિતાને અછાંદસ સૉનેટ ગણવાનું મન પણ થઈ શકે. કવિતાની વિશેષતા એની ચિત્રાત્મકતા છે. ચૌદ પંક્તિની આ કવિતામાં પંક્તિએ-પંક્તિએ અને એક પણ અપવાદ વિના કવિએ ચૌદથી વધુ ચિત્રો દોરી આપ્યાં છે એમ કહીએ તો લેશમાત્ર અતિશયોક્તિ નથી. માત્ર ત્રણ-ત્રણ શબ્દોની બે પંક્તિઓ –‘બારણે લોઢાના કડે’ તથા ‘ફરફરે ઢીલી વાટ’- પણ બે સંપૂર્ણ ચિત્રો સફળતાપૂર્વક ચાક્ષુષ કરી શકી છે. ગુચ્છના છએ છ કાવ્યો અર્થ અને અભિવ્યક્તિની રૂએ એકમેકથી અલગ તરી આવે છે. પ્રસ્તુત પ્રથમ કાવ્યમાં પંક્તિએ પંક્તિએ ભાતીગળ ચિત્રો રજૂ કરવાનો જે ઉપક્રમ અપનાવાયો છે, એ ગુચ્છના અન્ય કાવ્યોમાં પ્રમાણમાં ઓછો જોવા મળે છે. અહીં વર્ણસગાઈ સ-વિશેષ પ્રયોજાઈ છે. ‘મરુથલે મોતીમઢ્યું’ના ત્રણ ‘મ’કાર, ‘બારીએ બારીએ બુઠ્ઠી’માં ‘બ’કાર, અને એ મુજબ ‘ફળિયે ફરે’, ‘બે-ચાર બકરાં’, ‘ડેલી ડ્હેકાર દે’ ‘વચલી વંડી’ વગેરે. એ જ રીતે ‘આઠ-હાથ’નો ‘થ’કાર, લોઢા-પેઢીનો ‘ઢ’કાર, ‘અંદર-ઓરડે-અંધારે’માંના ત્રણ ‘અ’-‘દ’-‘ર’કાર, તથા ‘લાલચટક ચૂલા’માંથી ઊઠતા ‘લ’કાર અને ‘ર’કારનું રવાનુકારી સંગીત કાન-ધ્યાન દઈને નહીં સાંભળીએ તોય આપણી અંદરના અહેસાસને રણઝણાવવામાં સફળ થાય છે એ સ્વીકારવું રહ્યું. અને આ બધું અનાયાસ કવિતામાં આવ્યું હોવાથી સ-વિશેષ આસ્વાદ્ય બને છે.

‘જેસલમેર’ કવિતામાં પ્રવેશતાં પૂર્વે જેસલમેર શહેરની ટૂંકી મુલાકાત જરૂરી છે. જેસલમેર શહેર જેણે જોયું હોય એ જ આ કાવ્યના ખરા સૌંદર્યને માણી શકે. જેસલમેર ભારતીય માનચિત્ર અને ઇતિહાસ – બંને પર સાવ અલગ તરી આવતું શહેર છે. રાજસ્થાનના પશ્ચિમી ભાગમાં થારના રણવિસ્તારમાં એંસીએક મીટર ઊંચી ટેકરી ઉપર આવેલા કિલ્લાની અંદર આ શહેર આજે પણ જીવી રહ્યું છે. આશરે ૧૧૫૬માં ભાટી રાજવી રાવલ-જૈસલે એની સ્થાપના કરી હોવાનું કહેવાય છે. જેસલમેર એટલે જેસલનો પર્વતીય કિલ્લો. પીળી માટીની ટેકરી ઉપર પીળા રેતપથ્થરોમાંથી બનાવેલ આ કિલ્લો રણની રેતીની પાર્શ્વભૂમાં દિવસે તીવ્ર પીળા તડકામાં સિંહ જેવો અને ઢળતી સાંજે પીળકેસરી તડકામાં મધ જેવો સોનેરી રંગ ધારણ કરતો હોવાથી જેસલમેરને ‘ગોલ્ડન સિટી’ પણ કહે છે. જેસલમેર આજે તો બહુ ખ્યાતનામ પ્રવાસન્ કેન્દ્ર બની ગયું છે, અને વરસ આખું એ દેશી-વિદેશી પ્રવાસીઓથી ખદબદતું રહે છે પણ વિષમ ભૌગોલિક પરિસ્થિતિ અને વિષમ આબોહવાના કારણે એ સદીઓ સુધી બાહરી હુમલાખોરોને હંફાવતું રહ્યું હતું. શહેરની સ્થાપના અને અંગ્રેજી હકૂમતના સ્વીકાર વચ્ચેના લગભગ સાતસો-આઠસો વર્ષ સુધી આ શહેર પર અન્ય કોઈ રાજવીને તાબે થયા વિના જેસલના વંશજોએ જ રાજ કર્યું, જે પોતે એક અનૂઠી ઘટના છે. હાલ તો આ શહેર કિલ્લાની બહાર પર્વત ફરતેની તળેટીમાં ચોતરફ દેડકીના પેટની જેમ વિસ્તરી ગયું છે પણ એક જમાનામાં આ કિલ્લો જ શહેર હતો અને શહેર જ કિલ્લો હતું. જૂની વસ્તી હજી પણ કિલ્લાની અંદર જ રહે છે. કવિનો કેમેરા કિલ્લાની અંદરની આ વસ્તીને જ તાદૃશ કરે છે.

કવિતાની શરૂઆત ઑલ-એન્કમ્પાસિંગ ટેલિસ્કૉપિક લેન્સમાંથી થાય છે. રણની અફાટ વેરાનીની વચ્ચે અડીખમ ઊભેલું જેસલમેર મોતીઓ મઢ્યા નગર જેવું અલગ તરી આવે છે. નગરના ટોડલે-ટોડલે મોર અને ભીંતે-ભીંતે હાથીઓ કોતર્યા છે, જે આજે પણ સજીવન લાગે છે. ઝરુખે-ઝરુખે પથ્થરનાં હીરભરત છે. અહાહા! કેવી અદભુત ઉપમા! પથ્થરની આ કારીગરી એટલી તો બારીક છે કે જાણે રેશમના કપડાં પર નાજુક ભરતકામ ન કર્યું હોય! એટલે જ કવિ એને માટે હીરભરત વિશેષણ વાપરે છે. બારીઓ પર બુઠ્ઠી તલવારો લટકી રહી છે. તલવાર બુઠ્ઠી છે પણ વીતી ગયેલા સમયને કેવી ધાર કાઢી રજૂ કરે છે! વર્ષોથી એની જરૂર જ ઊભી થઈ નથી. જેસલમેર શહેર જેણે જોયું હોય એ જ આ કાવ્યના ખરા સૌંદર્યને માણી શકે. સાજના સમયે આખું શહેર કિલ્લાની રાંગ ઉપરથી અથવા શહેર બહારના કબ્રસ્તાન પાસેથી સોનાનું બનેલું હોય એવું પીળું પીળું લાગે છે. સાંજના સૂર્યના રાતા પીળા પ્રકાશમાં નગરની ભીંતો નારંગી ચૂંદડી પવનમાં લહેરાતી હોય એવી દેખાય છે. જૂના બારણાંઓ પરના લોઢાનાં કડાં આઠ-આઠ પેઢીઓના હાથોનો સ્પર્શ ખમી ચળકી રહ્યાં છે. આઠ પેઢી! દાયકાઓ નહીં, સદીઓ! ટૂંકમાં આ શહેર મકાનો નહીં, સાક્ષાત્ ઇતિહાસ છે! કડાંના એકધારા મારથી દરવાજાઓ પર જે ઘસરકા પડ્યા છે, એ સમયના ‘ઓટોગ્રાફ’ છે. આ કડાંમાંથી અનેકાનેક મનુષ્યોના સ્પર્શની કથા, કાન માંડો તો સંભળાવાની પૂરી સંભાવના છે. ફળિયે બે-ચાર કાળાં બકરાં રવડી રહ્યાં છે ને ડેલીબહાર કામગરું ઊંટ ડહેકાર દઈ રહ્યું છે. આખાય નગરને એક જ ફ્રેમમાં સમાવી લેતો કવિનો સર્વગ્રાહી ટેલિસ્કૉપિક લેન્સ ક્યારે વાઇડ એન્ગલ લેન્સ બની નાની-નાની વિગતોને બારીકીપૂર્વક દર્શાવવા માંડ્યો એ રૂપાંતરણ ઑટો-શિફ્ટ ગિઅરની માફક અહીં અપ્રત્યક્ષ-અગ્રાહ્ય છે.

કાવ્યારંભે મોતી અને હીરભરત મઢ્યું જણાતું જેસલમેર મધ્યભાગે બેચાર બકરાં અને એકાદા ઊંટ જેવી અલ્પસંખ્યાવાચકતા પર આવી ઊભું છે, એ સૂચવે છે કે સમયના હાથે માત્ર દરવાજાઓ પર જ ઘસરકા નથી પડ્યા, શહેરની સમૃદ્ધિ પણ ઘસાઈ છે. કવિનો કેમેરા ઘરની અંદર પ્રવેશીને ક્લૉઝ-અપ મોડમાં આવે છે. ઘરમાં વચલી વંડીએ રાતાં ચીર સુકાય છે ને અંદર ઓરડામાં ફુગાઈ ગયેલા અંધારે દીવાની ઢીલી વાટ ફરફરે છે. સૂકાઈ રહેલું લાલ વસ્ત્ર યાને તૃપ્તિના અભાવમાં અડધી થઈ ગયેલી યુવાન વહુ અને ઢીલી પડેલી ફરફરતી વાટ એટલે પૌરુષત્વ ગુમાવી બેઠેલ વૃદ્ધ પતિ –આ રીતે પણ આ કડીઓને મૂલવી શકાય. આમેય કવિની કવિતાઓમાંથી જડી આવતા યૌનસંકેતો બાબતમાં જે તે સમયે ખાસ્સી નોંધ લેવાઈ હતી. બીજી રીતે જોઈએ તો એમ કહી શકાય કે, કવિતાના પહેલા ભાગમાં કવિ નગરની ભીંતોને નારંગી રંગે લહેરાતી બતાવીને સદીઓ બાદ હજીય શહેરના સચવાઈ રહેલા સૌંદર્યને ઉજાગર કરે છે તો છેલ્લા ભાગમાં અજવાળાંના અભાવે યોગ્ય માત્રામાં કદી દૂર ન થઈ શકેલ અંધારાને ફૂગાતું બતાવી કવિ ગરીબીની વેદના તાદૃશ કરે છે. ભાવકે-ભાવકે કવિતાનું અર્થઘટન અલગ-અલગ હોઈ શકે. આપણે તો કવિની જે પીંછી ઝડપભેર ફરી રહી છે, એના રંગે રંગાઈને સંતુષ્ટ થવાનું છે, બસ!

આગથી લાલચટાક ચૂલાની ઝાળમાં ચૂંદડીના અજવાળે સોનેરી કન્યા રોટલા ટીપી રહી છે એમ કહીને કવિ જેસલમેર કાવ્યગુચ્છની પ્રથમ કવિતા પર પૂર્ણવિરામ આંકે છે. રોટલા ટીપવા માટે અજવાળાં તરીકે દીવાના સ્થાને કન્યા ચૂંદડી કામમાં લે છે, એમાંથી શહેરના કેલિડોસ્કૉપિક ચિત્રમાંથી દારિદ્રયનો મોનોક્રોમેટિક રંગ ઊપસી આવતો દેખાય છે. કાવ્યાંતે કવિ તો રાતાં ચીર, લાલચટાક ચૂલો, ઝાળ, ચૂંદડીનું અજવાળું અને સોનેરી કન્યા જેવા રંગબેરંગી પ્રતીકો પ્રયોજે છે પણ ભાવકને ચિત્ર અચાનક જ બેરંગ બન્યાની ભારીખમ અનુભૂતિ થયા વિના રહેતી નથી. રંગોના ઢગલામાં બેરંગીપણું ઉપસાવવાની કવિની આ લાક્ષણિકતા કવિતાની લોકપ્રિયતાનું મહત્ત્વનું પરિબળ હોવું જોઈએ. અકારણ કંઈ આ ‘જેસલમેર’ કવિતાઓ સમકાલીન અને પછીની પેઢીના કવિઓ માટે ઉપાદાન સામગ્રી નથી બની રહી. નગરકાવ્યો આપણે ત્યાં આમેય જવલ્લે જ જોવા મળે ને તેમાં આ ગુણવત્તા તો ભાગ્યે જ નજરે ચડે. આ કવિતાઓથી યોગેશ જોષીમાં જેસલમેર ‘રોપાયેલું’ તે પછીથી એમની આંતરચેતનામાંથી બહાર આવી ‘જેસલમેર’ દીર્ઘકાવ્ય-પુસ્તક સ્વરૂપે પ્રગટ થયું. રણ, ઢૂવા, ઝરૂખા અને કિલ્લો –એમ ચાર ખંડોમાં આ દીર્ઘકાવ્ય પ્રસર્યું છે. શેખનું જેસલમેર સાંજના અજવાળે ભીંતો નારંગી ચૂંદડીની જેમ ફરફરે છે, તો જોષીના જેસલમેરનું રણ જંપી જાય છે ‘કેસરિયાળું લહેરિયું ઓઢીને!’ જોષીના જેસલમેરમાંથી પણ અંતે તો ભૂખરી ઝાંય જ વર્તાય છે:

‘ક્યાં છે હવે કિલ્લો?
નથી બુરજ, નથી સૂરજ,
નથી ઊંચી ઊંચી દીવાલો,
ને તે છતાંય ઝરૂખા છે!
હવામાં ઝૂલતા ઝરૂખા!
ઝરૂખામાં ઝૂરે- ઊંડી ઊતરી ગયેલી
ઝાંખ વળેલી ટમટમતી આંખો!’ (પૃ. ૪૬, જેસલમેર, યોગેશ જોષી)

ચન્દ્રકાન્ત ટોપીવાળાએ પણ જેસલમેર પર કવિતા રચી છે. શેખનો આ રચનાગુચ્છ ઘણા કવિઓ માટે નગરરચનાઓનું નિમિત્ત બન્યો છે. લયસ્તરો ડૉટ કોમના સ્થાપક ધવલ શાહ લખે છે: ‘સમયને અતિક્રમી જાય એટલું સૌંદર્ય જેસલમેરની ભીંતોમાં આ શહેરને બનાવનારાઓએ જડી દીધેલું. પણ છતાંય – બીજા બધાય સૌંદર્યોની જેમ જ – જેસલમેરને પણ સમય સામે આખરે ઝૂકી જવું પડ્યું છે. પથ્થરનું સૌંદર્ય, ઈતિહાસનો ભાર અને રોજીંદા જીવનની વાસ્તવિકતા – બધાને કવિએ ફોટોગ્રાફરની કુશળતાથી શબ્દોમાં કેદ કરી લીધા છે. આવા વિષય પર આપણે ત્યાં કાવ્યો ઓછા જ લખાયા છે અને એમાં પણ આ સ્તરના તો ભાગ્યે જ જોવા મળે છે. એટલે તો ખાસ આ કાવ્યને ચૂમી લેવાનું મન થાય છે.’ ઇતિહાસ અને વર્તમાન, સમૃદ્ધિ અને દારિદ્રય આ કવિતાઓમાં એકબીજામાં ઓગળી ગયા છે. દીવાના નહીં પણ ચૂંદડીના અજવાળે રોટલા ટીપતી ‘સોનેરી’ કન્યાની વાત કરે છે. આ સોનેરી કન્યા એ જેસલમેર શહેર પોતે જ તો નહીં?! અંતે કવિના જેસલમેર કાવ્યગુચ્છમાંથી બીજું એક પુષ્પ જોઈ વાત પૂરી કરીએ:

કઠણ પથરા કાપી ચણી ઢાલ જેવી ધીંગી ભીંતો
ઊંટની ડોક જેવા ઘડ્યા ઝરૂખા,
આંગણાં લીંપ્યાં પૂર્વજોના લોહીથી,
વારસામાં મળેલ
સૂરજનો સોનેરી કટકો વાટી
ઘૂંટ્યો કેસરિયો રંગ,
પટારેથી ફંફોસ્યું કસુંબીનું પાત્ર,
પછી સંભારણાં ગટગટાવતા
વૃદ્ધ પડછાયા ઢળી પડ્યા.